૭. નિર્દોષબુદ્ધિ, દિવ્યભાવ
શ્રીહરિએ માતાને ઉપદેશ દેતાં કહ્યું, “ભગવાન મનુષ્ય-નાટ્ય ધારીને મનુષ્યરૂપે વર્તે છે, છતાં તેમની બધી ક્રિયા મોક્ષકારી છે એમ માની, લવમાત્ર દોષ ગ્રહણ કરે નહિ. ફાવે તેટલું દુઃખ આવે તોપણ ભક્ત હોય તેને ભગવાનનો દૃઢ વિશ્વાસ હોય છે.”1
શ્રીહરિએ ઉત્તમ ભક્તની ઓળખ આપતાં ગોંડલના નૃપને કહ્યું, “અમારા ઉત્તમ ભક્ત છે તે અમને સૌથી ઉત્તમ પૂર્ણપુરુષોત્તમ નારાયણ પૂર્ણકામ જાણે છે અને અમારાં ચરિત્રમાં ક્યારેય પ્રાકૃત બુદ્ધિ કરતા નથી. અમારાં સર્વ ચરિત્રને અલૌકિક, દિવ્ય અને મોક્ષદાયી માનીને તેનું ગાન કરે છે, વળી, જેને જેને અમારો સંબંધ થયો છે તે સર્વેને પણ દિવ્ય કરીને માને છે. ઉત્તમ ભક્ત અમારાં વચનને લેશમાત્ર લોપતા નથી. અમને અંતર્યામી જાણી છળકપટ તજીને ભજે છે.”2
શ્રીહરિ ગોંડલના રાજા હઠીસિંહને કહે, “અમારા સ્વરૂપનું અનંત જીવોને દિવ્યજ્ઞાન આપવા અમે ચાર ધામમાં ફર્યા અને દિવ્યજ્ઞાન કરાવી અમારા દિવ્યધામમાં તેમને પહોંચાડ્યા.
“મોક્ષભાગીજન અમને અતિપ્રિય છે. અમે કોઈને આધીન થતા નથી. જેમ જેની શ્રદ્ધા વધે, તેમ તેને આધીન થઈએ છીએ. જ્યાં સુધી માયાનું બંધન છે, ત્યાં સુધી જીવ બ્રહ્મરૂપ થતો નથી. બ્રહ્મરૂપ થયા વિના જન્મ વૃથા ખોવે છે. જીવોને બ્રહ્મરૂપ કરવા જ અમે અવતાર ધારણ કર્યો છે. અને અનંતનો ઉદ્ધાર કરવા સાધુરૂપે અમે વિચરીએ છીએ. જે જે અવતાર થયા છે, તેણે પણ મારા સાધુને બહુ કરીને માન્યા છે.
“મારા દિવ્ય અક્ષરધામમાં અનંત કોટિ મુક્ત વસે છે. અનંતધામો છે, તેનાં સુખ અનંત છે, એ બધાં સુખો કરતાં સંતપદ શ્રેષ્ઠ છે. અમે સંતની પાસે દીન થઈ જઈએ છીએ. કારણ કે સાધુની પદવીથી ઊંચી કોઈ પદવી નથી. સારમાં સાર સાધુની પદવી છે. અમને એ પદવી ગમે છે. બીજા પદમાં અમે અરુચિ રાખીએ છીએ. જેને બીજા લોકની અરુચિ થાય છે, તેને મારી રુચિ થાય છે. મારામાં રુચિ થઈ તેનો હું ક્યારેય ત્યાગ કરતો નથી.
“હું અખંડ સંતની પાસે રહું છું. એ સંતને મારા સિવાય મનમાં કોઈ બીજી આશા નથી. તેના ગુણનો કોઈ પાર લઈ શકે તેમ નથી. એવા સંતને પરમ એકાંતિક સંત કહે છે. એ સંતથી પર કોઈ નથી. સૌને પરમપદ પમાડવા આજે હું સાધુરૂપે થયો છું. મારા શરણે આવ્યા છે તે અનંત જીવોને બ્રહ્મરૂપ કર્યા છે અને હજુ પણ માયાનું બંધન તોડીને અનંતને બ્રહ્મરૂપ કરવા છે. અમે ભક્તો માટે દેશોદેશ મહા ઉત્સવ કરીએ છીએ. સંતો-ભક્તોને ભેળા કરીએ છીએ. તે સૌનું કોઈ દર્શન કરે, એ પણ બ્રહ્મરૂપ થાય, એવો અમારો સંકલ્પ છે. અમારો સંકલ્પ સત્ય હોય છે. બીજું બધું અસત્ય થઈ જાય. અમારા સંકલ્પ પાસે કાળનું જોર ચાલતું નથી. કાળ પણ થર થર ધ્રૂજતો રહે છે.”3•
ચૂડાપુરમાં શ્રીહરિએ થાળની પ્રસાદી જીવેન્દ્રને આપી અને સૌને વાત કરતાં કહ્યું, “અમારી સઘળી વાર્તા અમાયિક છે. તે જેનું વર્તન અમાયિક હોય તેના અંતરમાં જ ઠરે છે. માયિક અંતરવાળો કરોડવાર તેને ઘૂંટે, પણ તેમાં ટકતી નથી. દેહાકારે વર્તે તેને માયિક ભક્ત જાણવો. તેના હૃદયમાં માન જેવા અનંત દોષ નિરંતર ઘર કરીને રહે છે. જેને અપમાન લાગી જાય, તેને સત્સંગ થયો જ નથી.
“અમારી વાતો તોપના ગોળા જેવી છે. માયિક ભાવનો કાચો કોટ તોપના ગોળાથી ન બચે. જેનું આત્માકારે વર્તન હોય તેનો વજ્રના કોટમાં નિવાસ છે એમ જાણવું, એ નિરભે થઈ ગયો. એને અપમાનની ચોટ ન લાગે. સત્સંગી માત્રને અમારે એવા બ્રહ્મરૂપ કરવા છે, તેનું માન કાઢવું છે. માયિકભાવ ટાળવો છે તેથી અપમાન કરીશું. એમાં બ્રહ્મરૂપ કરવા સિવાય અમારે કોઈ મતલબ નથી. અમારા યોગમાં આવ્યો તેને બ્રહ્મરૂપ કરવો, એ નિર્ધાર અમે કર્યો છે.
“એક ભગવાન સિવાય બધું અસાર છે - એમ મનાય ત્યારે જાણવું કે એ બ્રહ્મરૂપ થયો. જેની આત્માકારે દૃષ્ટિ થઈ તેને ભગવાન વિના બીજું મળ્યું કે ન મળ્યું કે હાથ આવેલું ટળી ગયું તોય લેશમાત્ર તેને ક્લેશ ન થાય, દુઃખ ન થાય. જે જે ક્રિયા કરો તે આત્મરૂપ થઈને કરવી, તો તે બંધન નહિ કરે. આત્મારૂપે વર્તે તે આકાશની પેઠે નિર્બંધ, નિર્લેપ રહે છે. આત્માને કોઈ ક્રિયા લાગતી નથી - એવું માની મારો ભક્ત કોઈ અધર્મનું આચરણ ન કરે. અધર્મ આચરે તેને પાખંડી જાણી તજી દેવો.”4
સુખપુરમાં રાવત ધાધલને ઘરે શ્રીહરિએ મુક્તમુનિને કહ્યું, “અમે જે વાત કરી તેમાં તમને સમજાયું નહિ. ભગવાનનાં દિવ્ય ચરિત્ર અને મનુષ્ય ચરિત્ર બંનેને દિવ્ય જાણે તેનો સત્સંગ દૃઢ સમજવો. ગોપીઓનો સત્સંગ દૃઢ હતો તો કૃષ્ણનાં યોગ્ય-અયોગ્ય ચરિત્ર દેખીને ઇન્દ્ર અને બ્રહ્મા જેવા દેવ ભૂલ્યા પણ ગોપીઓ ભૂલી પડી નહિ. ગોપીઓને તો મનુષ્યચરિત્ર દેખીને ભગવાનમાં પ્રેમની વૃદ્ધિ થઈ. ભગવાનનાં ચરિત્રોમાં સંદેહ ન થાય તો સાધનમાત્ર તેમાં આવી ગયાં. ભગવાનનો આવો દૃઢ નિશ્ચય જેને હૃદયમાં થયો તેને સત્સંગનો કેફ વર્તે. આવો ભક્ત હોય તેને અમે ઘરનો ત્યાગ કરવાનું કહીએ તોપણ સંશય ન થાય. મૃત્યુથી પણ ઘર છોડવાનું કામ કઠણ છે, પણ ભગવાનને સર્વોપરિ સમજે તેને કાંઈ કઠણ નથી.”5•
મેથાણમાં શ્રીહરિ બોલ્યા કે, “ભક્તોને અલૌકિક સુખ આપવા અમે સત્સંગમાં વારે વારે ફરીએ છીએ. અમારી એક પણ ક્રિયા સ્વાર્થને માટે નથી. અમારા આત્મસ્વરૂપના ચિંતન સિવાય બીજું કાંઈ અધિક જોતા નથી અને એ વિચારરૂપી જાણપણામાં રહીને જ અમે ભૂમિ ઉપર ફરીએ છીએ, જેથી અમને કોઈ પણ પદાર્થ આવરણ કરે એમ નથી. સ્વરૂપના સુખે સુખી છીએ. જગતનાં સુખમાં દુઃખ રહ્યાં છે તે સદાય દૃષ્ટિમાં રહે છે.”6
સરધારમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સત્સંગ નીતિરૂપી પુરમાં ધર્મનો વાસ છે. સંતો-ભક્તો ને અમે એ પુરમાં વસીએ છીએ. જે ધર્મમાં રહે છે તેનાથી અમે લેશમાત્ર દૂર રહેતા નથી. એ જ રીતે નિષ્ઠા સમજણમાં ફેર રહે તેટલા અમે દૂર દેખાઈએ છીએ. લૌકિકભાવ અને દિવ્યભાવ - બે સમજણ છે. લૌકિક સમજણમાં નજીક હોવા છતાં દૂર લાગે છે દિવ્યભાવમાં દૂર હોવા છતાં નજીક લાગે છે. લૌકિક દૃષ્ટિમાં દુઃખ છે. દિવ્ય દૃષ્ટિમાં અપાર સુખ રહ્યું છે.”7
ગઢપુરમાં શ્રીહરિએ જીવાખાચરને કહ્યું, “ભક્તનો જેવો ભાવ હોય તે પ્રમાણે અમે ચરિત્રો કરીએ છીએ, અમારી એ સરળ રીત છે. અમારી મૂર્તિ કલ્પવૃક્ષ સમાન છે. ભક્તનો ભાવ હોય તે તેમાં દેખાઈ આવે છે. તેમાં ક્યારેય વિષમભાવ હોતો નથી.
“જેમ નિર્મળ દર્પણમાં જેવી વસ્તુ હોય તેવું પ્રતિબિંબ પડે છે. તેમાં કાચનો કોઈ ગુણ-દોષ નથી, છતાં કાચનો દોષ કહે તે મૂર્ખ છે. અને જેમ આકાશ ત્રણે ઋતુમાં સ્વભાવથી નિર્લેપ છે, તેમ જ્ઞાની મનુષ્ય અમારી મૂર્તિને સદાય નિર્મળ અને નિર્લેપ સમજે છે. તેવા જ્ઞાનીનો જે સંગ કરે તેને પણ તેવું જ્ઞાન થાય છે. જેના ચિત્તમાં અજ્ઞાનરૂપ વિકાર હોય તેને અમારો ગુણદોષ આવ્યા કરે છે. અને તે કૃષ્ણપક્ષના ચંદ્રની પેઠે દિવસે દિવસે સત્સંગમાં ઘટતો જાય છે.”8
રામગ્રીમાં જીવા પટેલને ઘરે થાળ જમીને શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ભગવાન ને સંતમાં જેટલો માયિકભાવ એટલો મોહ છે. જ્ઞાનરૂપી સૂર્ય જ્યારે ઉદય થાય છે ત્યારે એ મોહ અંધકાર ટળે છે.”9
વડતાલમાં શ્રીહરિ કહે, “અમે જે જે સમૈયા કરીએ છીએ તે હરિજનોનું હિત કરવા કરીએ છીએ. ભગવાનને ભજતા સર્વે હરિજનો દિવ્ય છે. આ મર્મની વાત જે કોઈ સમજે, ધારે ને વિચારે છે તે મગ્ન થઈ જાય છે ને જગ જીતી જાય છે. આઠો પહર આનંદ એનો ટળતો નથી.”10
ધોરાજીમાં ભૂપના આમંત્રણથી શ્રીહરિ પધાર્યા. ત્યાં શ્રીહરિએ સભામાં રાજાને વાત કરતાં કહ્યું, “આ સભાનાં દર્શન કોઈને અંતકાળે યાદ આવે તો તેના પ્રારબ્ધનો નાશ થઈ જાય. આવું ધ્યાન કોઈ બ્રહ્માંડમાં નથી. આ સભાનું ધ્યાન અવતારો ધરે છે, અમે અને મુક્તો પણ આ ધ્યાન કરીએ છીએ. સંતો-ભક્તો મનુષ્ય જેવા દેખાય છે, પણ તે કોઈ મનુષ્ય નથી. અમે કહ્યું તે તો જીભ દાબીને બોલીએ છીએ. દેખીએ છીએ તેવું કહેતા નથી. અપાર વાતમાંથી તલભાર જેટલી બીજાને મનાય તેટલી કરીએ છીએ, પણ વિમુખને તો તલ પણ મેરુ જેવડો દેખાય છે. જે ઉદ્ધવ જેવા ભક્તો છે તે તો સત્સંગની બધી જ વાતને દિવ્ય સમજે છે. ભગવાનનો સંબંધ થાય તો તે દિવ્ય છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે, તોય પણ દેહનો વ્યવહાર હોય તે પ્રમાણે ચાલવું જોઈએ. જગતની સ્થિતિ જે પ્રમાણે બંધાઈ છે તે સ્થિતિ રાખીને દિવ્યભાવ સમજવો. તે સ્થિતિને તોડે તો આધુનિક જાણવો.”11
જૂનાગઢમાં શ્રીહરિએ વર્ણીને વાત કરતાં કહ્યું, “જે અમાયિક છે (અર્થાત્ માયાથી પર અક્ષરબ્રહ્મ-પરબ્રહ્મ છે) તે સૌને અમાયિક જુએ છે. અમાયિક જોવા તે સવળી સમજણ છે ને તે જેટલી સિદ્ધ થાય તે મોક્ષ આપનારી બને છે. અને તેને જ બ્રહ્મવિદ્યા કહી છે. આ લોકમાં કે પરલોકમાં ભગવાનના સંબંધવાળી જેટલી વાત છે તેને બ્રહ્મવિદ્યા કહે છે.”12•
મુક્તમુનિએ શ્રીહરિએ કહેલી વાતો ગઢપુરમાં કહી કે, “શ્રીહરિ કહેતા કે - જેમ ભગવાનમાં મોહ ન થાય તેવી જ રીતે ભક્તમાં પણ જેને મોહ ન થાય, ભગવાન અને ભગવાનના ભક્ત બ્રહ્મરૂપ છે, દિવ્ય પ્રકાશે યુક્ત છે, એમ સમજે તેનો મોક્ષમાર્ગ નિર્વિઘ્ન બની જાય છે. ભગવાન ને ભગવાનના ભક્તમાં જ્યાં સુધી પ્રાકૃત ભાવ આવે છે, ત્યાં સુધી તે પ્રાકૃત ભક્ત કહેવાય છે.”13•
મુક્તમુનિએ શ્રીહરિએ કહેલી વાતો ગઢપુરમાં કહી કે, “શ્રીહરિ કહેતા કે - હું માન હોય તેને પગે લાગતો નથી, પરંતુ જે હરિ ને હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનું છું. આ અમારા નિશ્ચય જેવો જેને મતિમાં નિશ્ચય હશે તેને કદી માન નહિ આવે.
“અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. આવી બુદ્ધિ સદા જેને હોય તેને ક્યારેય માન આવતું નથી. હરિજનને આ લોકના સમજે છે તેના હૃદયમાં કામ, ક્રોધ, લોભનાં પૂર આવ્યાં કરે છે. તેમાં તે તણાયા કરે છે ને અધર્મવંશથી દુઃખી થાય છે. હરિજનોને પરસ્પર અભાવ આવે છે, તેનું કારણ લૌકિકભાવ છે. જો દિવ્યભાવ રાખે તો ક્લેશ આવતો નથી.
“સંતો, બાઈ-ભાઈ, બ્રહ્મચારી, પાળાઓ - સર્વેને એકબીજામાં જ્યાં સુધી પ્રાકૃતભાવ હશે ત્યાં સુધી સત્સંગ કરવા છતાં સુખ નહિ આવે.
“જેને સત્સંગ થયો તેનો બીજો જન્મ થયો જાણવો, તેનું નામ પણ ‘સત્સંગી હરિજન’ પડ્યું, સત્સંગરૂપી સર્વોપરી ધામમાં દિવ્ય મુક્તો સાથે નિવાસ થયો એટલે સંત, વર્ણી, હરિજન બધા જ એક ઘરના પરિવાર જન થયા. એમ સમજી એક મન રાખીને સર્વે વર્તે તો ક્લેશનું નામ ન રહે.”14•
શ્રીહરિએ જસદણથી પીપરડી જવા વિદાય લેતા પૂર્વે પુરજનોને વાત કરતાં કહ્યું, “આ જગતમાં જે અધર્મ રાખે અને અમારો તથા અમારા સંતો-હરિભક્તોનો જે અવગુણ બોલે તેવા જનનો ત્યાગ કરવો. દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી આટલો નિયમ રાખજો. તો અમે તમારો તત્કાલ ઉદ્ધાર કરીશું.
અમારો તથા અમારા સંતો-હરિજનોનો જે ગુણ કહે છે તેનો અમે તત્કાળ ઉદ્ધાર કરીએ છીએ. આ અવસરે અમે એવી ટેક લીધી છે. ભૂમિ પરના જનમાત્રનો ઉદ્ધાર કરવો છે, પરંતુ જે જન અમારા સંતો-હરિજનોના અવગુણ કહે ને બીજાની પાસેથી સાંભળે તો તેનો ઉદ્ધાર ક્યારેય થતો નથી, એ તો બધા જમપુરીમાં જાય છે. મોક્ષ થાય અને મોક્ષ ન થાય એ બંને વાત જેમ છે તેમ તમને પ્રગટ કહી છે. આટલી વાત અંતરમાં દૃઢ કરીને રાખજો. આ અમારી આજ્ઞા છે.”15•
શ્રીહરિએ પત્રમાં લખાવ્યું, “ખોખરા મહેમદાવાદમાં યજ્ઞ કરવો છે. યજ્ઞ થાય ન થાય એ ભગવાનના હાથની વાત છે, પણ તેમાં સંશય ન થાય તે હરિભક્ત પાકો કહેવાય. અમારાં ચરિત્ર જોઈ સત્સંગ છૂટી જાય તેવાને સાથે લાવવો નહિ.”16
નાગર સેનાપતિ કરિયાણામાં દેહાખાચરના ભવનમાં શ્રીહરિના દર્શને આવ્યો. શ્રીહરિએ ઉપદેશ આપતાં તેને કહ્યું, “જેને મોક્ષનો અંકુર હોય, તેને જ્ઞાનનો પ્રકાશ થાય છે ને અજ્ઞાન તમ ટળે છે. અમારી રીત અને અમારા સંતની રીત અલૌકિક છે, દિવ્ય છે, તે દેખાઈ આવે છે. જેનામાં મોક્ષનો અંકુર જ નથી તે અજ્ઞાન તમસથી ભરેલો રહે છે, તેની મતિ અંધકારયુક્ત હોવાથી અમારી અને સંતની અલૌકિક રીતને માયિક સમજે છે.
“બહુત કાળ સુધી સત્સંગ કરે ત્યારે તેનું અજ્ઞાન-તમ ટળે છે. અમારી વાત માયા પરની અલૌકિક છે. તે કોઈને તરત સમજ્યામાં આવતી નથી. જેમ ચમક પથ્થર છે, પણ લોઢાને ચલાવી દે છે, ચિંતામણિ પથ્થર જેવી જ લાગે પણ જેને તેનું જ્ઞાન છે તેને તે અલૌકિક લાગે છે તેમ ભગવાન અને સંત મનુષ્ય જેવા જ લાગે, પણ જેને ઓળખાણ થઈ તેને દિવ્ય અલૌકિક લાગે છે.”17
શ્રીહરિએ જૂનાગઢમાં દાદાભાઈને વાત કરતાં કહ્યું, “જેની જીભ પર પરબ્રહ્મ પુરુષોત્તમના ગુણોનું વર્ણન હોય અને મનુષ્યભાવ અને દિવ્યભાવ બન્નેમાં એકમતિ રહેતી હોય, તેનાં નામ ગ્રંથોમાં લખાયાં છે. ભગવાનનો ખરો મુમુક્ષુ ભક્ત જ એ છે કે ભગવાન અને સંબંધવાળા ભક્તોમાં તે મનુષ્યભાવ ન પરઠે. જો ક્યારેય મનુષ્યભાવ દેખી અભાવ ન આવે તો તેનો મોક્ષ નક્કી છે, તેમાં સંદેહ નથી.”
‘હરિ-હરિજન કે મનુષ્યભાવા, મુમુક્ષુ દેખિ ન લેત અભાવા;
મોક્ષ હોત તાકે ન સંદેહા, શ્રીહરિ બાત કહિ સો તેહા.’18
શ્રીહરિએ આખા ગામના હરિજનો પાસે વાત કરતાં કહ્યું, “આ સત્સંગને અમે ચિંતામણિ સમાન દેખીએ છીએ અને હરિભક્તોને કલ્પવૃક્ષ જેવા દેખીએ છીએ ને છતાં હરિજનો પરસ્પર એકબીજામાં મનુષ્યભાવ દેખે છે, મનુષ્યભાવે કરીને એક એકનો દ્રોહ થાય છે, દ્રોહથી આસુરી બુદ્ધિ થઈ જાય છે, પછી મહિમાનો ભાવ ક્યાં રહે! અરે! જેના થકી મોક્ષ માન્યો હોય તેનો (ભગવાન અને સંતનો) પણ તેને અભાવ આવે છે.
“જ્યાં સુધી મનુષ્યભાવ નથી આવતો, ત્યાં સુધી સૌ પ્રત્યે સૌને પરમભાવ વર્તે છે. આ પરમભાવ છે તે મોક્ષનું દ્વાર ખોલી આપે છે. મનુષ્યભાવ આવ્યો તો જાણવું કે મોક્ષદ્વાર બંધ થયું ને તમ(અજ્ઞાન અંધકાર)નું દ્વાર ખૂલ્યું. માટે ભક્તોએ પરસ્પર સુહૃદભાવ રાખવો. એક ભક્ત બીજા ભક્ત પ્રત્યે જેટલો સુહૃદ થયો તેટલો તે અમારો પ્રાણ થયો. સુહૃદપણું અમારો પ્રાણ છે. અમે પરસ્પર અરુચિ, દંભ રહે તેને શત્રુ માનીએ છીએ. જે સર્વોપરી હરિભક્ત છે તેની આ સુરીત છે તે કહી. ભગવાન ને ભગવાનના ભક્તો-સંતોમાં અધિક ભાવ રાખવો. અમે જે જે નિયમ કહ્યા છે તેમાં તત્પર રહેતા હોય ત્યાં સુધી તેનો અભાવ ન લેવો.
“નિયમભંગ કરે તો તેને ભાવ ન દેવો, એટલું જ, પણ તેનો અભાવ તો લેવો જ નહિ. જ્યાં સુધી નિયમમાં વર્તન છે, ત્યાં સુધી તે સાધુ કે હરિજન કહેવાય છે, ને નિયમ પાળે ત્યાં સુધી તેને નભાવવો. કારણ, નિયમ પાળે છે ત્યાં સુધી કલ્યાણનું બારું બંધ થતું નથી. નિયમભંગ કરે પછી તેનું ઠેકાણું નહિ. જે નિયમભંગ કરતો હોય, તે અમારો દ્રોહી છે. વળી, જે સાચા સંત સાથે ને હરિજન સાથે સુમેળ ન રાખે ને કુમેળ રાખે તે પણ અમારો દ્રોહી છે. જે હરિજન સાચા સંત કે એકાંતિક ભક્ત પાસે ચિત્ત ચોરે, કપટ રાખે એટલો તે કાચો રહે છે.
“સાચા સંતને મનથી નિર્દોષ જાણી તેમની સાથે સરળ વર્તે એવા ભક્તને સત્સંગનો આનંદ અખંડ રહે છે. હરિજન હોય પણ જો તે મોક્ષના દ્વારરૂપ ગુરુ-સંતનો અવગુણ બોલે તો તે અમારો દ્રોહી છે.”19•
સારંગપુરમાં જીવા ખાચરના દરબારમાં સંતોનાં મંડળો મળ્યાં. શ્રીહરિ કહે, “જ્યાં સુધી સંતોમાં પરસ્પર મહાઅલૌકિક ભાવ રહે, હેત રહે ત્યાં સુધી ભગવાન પ્રગટ છે.”20
કુંડળમાં શ્રીહરિએ રામદાસ સ્વામી આદિ સંતોને વાત કરતાં કહ્યું, “જ્યાં સુધી પ્રાકૃતમતિ હોય ત્યાં સુધી લેશ પણ સત્સંગ કર્યો નથી. પ્રાકૃતમતિ હોય તેને પ્રાકૃત ભોગ મળે છે. પ્રાકૃત સમજણવાળા સંત-હરિભક્તોની વાતમાં પણ પ્રાકૃત સમજણ દેખાય છે. દિવ્ય સમજણવાળા સંતો-ભક્તો સત્સંગને દિવ્ય માને છે. ભગવાનમાં દિવ્યભાવ-મનુષ્યભાવ એક કરી જાણે છે તેને અપ્રાકૃત (દિવ્ય) જાણવા. વિષયમાં રુચિ હોય તેને ભગવાનનાં ચરિત્રોમાં મોહ થાય છે. અભ્યાસ કરવાથી જેની જેવી રીત-રુચિ હોય તે જાણ્યામાં આવે છે.”21
વલાસણમાં પાટીદારના ફળિયામાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ભગવાન અને સંત કલ્પવૃક્ષ અને ચિંતામણિ જેવા છે. તેમને જેવા ભાવે દેખે તેવું ફળ મળે છે.”
‘કલ્પવૃક્ષ ચિંતામનિ જેસે, ભગવાન સંત રહાયે તેસે.
તાકું દેખત હેં જેસિ રીતા, ફલ હોવત તેહિ તેસિ રીતા.’22
ગઢપુરમાં શ્રીહરિ સંતોને કહે, “અમે તમારો ત્યાગ જોઈને પ્રસન્ન થયા છીએ, પણ અમે તમને જે વચન કહીએ તે પ્રમાણે કરવું એ અતિ કઠણ વાત છે. પોતાને ધાર્યે તન છૂટતું હોય તો તે તલ જેટલું કઠણ લાગતું નથી, વળી, પ્રારબ્ધે કરીને વારંવાર અપાર દુઃખ આવે તોપણ સહન થઈ શકે છે. કોઈ બ્રહ્માંડમાં પ્રવેશ કરે તે પણ સહેલું છે, કારણ કે વૈરાજ નામનો જીવ તેમાં પ્રવેશ કરીને રહ્યો જ છે, પણ અમારા વચને પોતાને અક્ષરરૂપ માનવું તે થઈ શકતું નથી. જેના એક એક રોમમાં અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે. રોમ રોમ બ્રહ્માંડોનો બોજ ધરી રાખવો તે અક્ષર સિવાય કોઈથી થતું નથી. પોતાને અક્ષર માને તે રોમે રોમે એવો બોજ રાખી રહ્યો છે એ આશ્ચર્યની વાત છે.
“આવી અલૌકિક વાત લૌકિક એક એક તનમાં અપાર રહી છે, પણ લૌકિક સમજણ છે, ત્યાં સુધી તેને માયિકભાવ ટળતો નથી, અલૌકિક સમજણ આવે તેટલી અમાયિક (માયા પારની, દિવ્ય) સમજણ જાણવી. આ વાતનો નિત્ય અભ્યાસ રાખવો. બે જણ એક અંગમાં રહ્યા હોય તેમાં એક અભ્યાસ રાખે ને બીજાને જો અભ્યાસ ન હોય તો એકને જ્ઞાન થાય છે, બીજાને થતું નથી. જેવો અભ્યાસ કરે તેવું રૂપાંતર થાય.”23
શ્રીહરિએ પત્ર લખાવ્યો તેમાં કહ્યું, “અમારે સંતો-હરિજનો પર અપાર હેત છે. એટલે સૌની હિતકારી વાત લખીએ છીએ – અમે જે વાત લખીએ કે કહીએ તે સઘળી વાત બ્રહ્મમહોલના માર્ગની છે. અમારાં બધાં ચરિત્રો અને ક્રિયાઓ મોક્ષકારી છે. એમાં જે માયિકભાવ પરઠે છે તેનો મોક્ષ થતો નથી, તે જીવ લખચોરાસીમાં વારંવાર ભટકે છે. અમારું તાન કુમાર્ગનો ત્યાગ કરાવવા પર રહ્યું છે. એ તાન તમારે પણ રાખવું.”24
શ્રીજીમહારાજે પત્ર લખાવ્યો: “સત્સંગના યોગ વિના બ્રહ્મા જેવાનો પણ મોક્ષ ન થાય. પરમેશ્વરની વાતમાં જેને દૃઢ વિશ્વાસ આવ્યો તે વિદ્યામાત્ર ભણી ચૂક્યો. અંગઉપાંગ સહિત કોઈ વેદ ભણે, પણ ભગવાનમાં આસ્થા ન થાય. ભગવાનમાં આસ્થા અને મોક્ષ બંને સાથે જ રહે છે. જેને સત્સંગ મળે છે તેને જ ભગવાનમાં દૃઢ આસ્થા થાય છે, સત્ય-અસત્યનો વિવેક આવે છે. મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે, બીજી અસત્ય છે. અસત્યનો ત્યાગ થાય છે ને સત્યનું ગ્રહણ થાય છે. અસત્ય પર લક્ષ્ય રહે તેટલો કુસંગ જાણવો. તેની ભવભટકણ ટળે નહિ.”25
શ્રીહરિએ પત્રમાં લખાવ્યું: “ભગવાન પુરુષોત્તમ નિર્ગુણ છે, તેમનાં ચરિત્રો નિર્ગુણ છે. તેમાં ગુણ પરઠાય તેટલું માયાનું આવરણ છે. શુક, સનકાદિક, નારદ, વ્યાસ, ઉદ્ધવ, પ્રહ્લાદ સરખા દાસ થાય તેને અક્ષરધામમાં જેવા પુરુષોત્તમ ભગવાન છે તેવા જ મનુષ્યતન ધરે ત્યારે પણ દિવ્ય જણાય છે. ભગવાનને માયાના ગુણ બાધ કરતા નથી.
“નિર્ગુણપણું અને સગુણપણું એ તો ભગવાનની યોગકળા છે. ભગવાન તો એ બેઉના કારણ છે. આવું જાણી ભક્તિ કરતા હરિભક્તો માયાના ગુણથી મુક્ત થઈ અક્ષરધામમાં જઈને નિવાસ કરે છે.”26
સારંગપુરમાં રાઠોડ ધાધલે શ્રીહરિનો ખૂબ લહાવો લીધો. ગઢપુરથી જીવુબા તથા સૂરબાઈ વગેરે શ્રીહરિને તેડવા માટે આવ્યાં. તેમણે અન્ન-જળ ત્યાગ્યાં હતાં અને રુદન કરતાં હતાં. શ્રીહરિએ દયા લાવીને દર્શન દીધાં ત્યારે અન્ન જમ્યાં. શ્રીહરિ કહે, “અમે ગઢપુર આવીશું. જેમનામાં શ્રદ્ધા છે, આદર છે, પ્રીત છે એવા ભક્તમાં જો અલૌકિક ભાવ આવે તો એ સરસમાં અતિ સરસ થઈ જાય છે. જેનામાં જેટલો દિવ્યભાવ તેટલા તે અમને ગમે છે. જેને અલૌકિકમાં જ્યારે લૌકિકભાવ દેખાય છે, ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. અમે આ વાત ઘણીવાર સમજાવી છે, પણ કોઈ સમજતું નથી.”27•
શ્રીહરિએ ધર્મપુરમાં ભૂપનો ભાવ દેખીને કહ્યું, “હરિજનો અને સંતો અમારાં દર્શન કરે છે, તેમાં જેને જેટલો અધિક ભાવ તેને તેટલું ફળ થાય છે.
“નિર્દોષબુદ્ધિવાળા સૂર્ય સમાન છે. જેને નિર્દોષભાવ નથી તે ચંદ્રની કળાની પેઠે વધતો-ઘટતો રહે છે. સૂર્ય ક્યારેય વધતો-ઘટતો નથી.
“માયિકભાવ હોય ત્યાં સુધી સત્સંગનો પ્રતાપ જેવો છે તેવો જાણ્યામાં આવતો નથી. સંતો-ભક્તોને માયિક જાણે પછી તેનો અભાવ આવે છે. ભગવાન તેને અંત સમયે સત્સંગનો યથાર્થ પ્રતાપ દેખાડીને દિવ્ય કરી મૂકે છે.”28
શ્રીહરિએ પીપળાવમાં કહ્યું, “અમે અહીંયાં જેવા રૂપે રહ્યા છીએ તેવા જ ધામમાં છીએ. તેમાં કાંઈ પણ મિથ્યા નથી. મિથ્યા બોલે તેને કોટિ કાળે નરકનો અંત આવતો નથી.”29
શ્રીહરિએ વડતાલમાં સંતોને વાત કરતાં કહ્યું, “અમે અક્ષરધામથી આવ્યા છીએ, એટલે અમારી સઘળી વાત આશ્ચર્યકારક છે. જેને અમારી વાત આશ્ચર્યકારી લાગતી હોય તે અમારી સેવાને દુર્લભ માને છે.
“વળી, સંતોની સેવા પણ દુર્લભ છે. તે થોડા પુણ્યવાળાને મળતી નથી, આ વાત જીવનું જીવન છે. ભગવાનનું માહાત્મ્ય જેમ છે તેમ યથાર્થ જાણવું. યથાર્થ માહાત્મ્ય જાણ્યા વિના સત્સંગમાં નભી શકાતું નથી.
“વળી, સંતો-હરિજનોનું માહાત્મ્ય જેવું જાણવું જોઈએ તેવું યથાર્થ જાણતો ન હોય અને ભગવાનનો નિશ્ચય પૂરો હોય તોપણ સત્સંગમાં નભી શકતો નથી, તે સત્સંગથી અતિશય દૂર થઈ જાય છે. ભગવાનનો, સંતોનો, હરિભક્તોનો મહિમા સમજવામાં તલ જેટલી કસર રહી, એટલો પ્રમાદ પણ તેને નિશ્ચય હોવા છતાં ફેંકી દે છે. એવું અપાર માયાનું બળ છે. પૂર્વે ઇન્દ્ર, ભવ-બ્રહ્માદિક દેવતાને તથા ભગવાનનું મન કહેવાતા નારદને પણ માયાનું બળ પરાભવ કરી ગયું છે. માટે સાવધાન રહેવું.”30•
શ્રીહરિએ વડતાલમાં સંતોને વિવેક શીખવતાં કહ્યું, “ભગવાન ગર્વગંજન છે. જેની મતિ સંત-હરિજનમાં જેવી હોય તેવી ભગવાન તેની પણ કરી દે છે. જો તે સંતો-ભક્તોમાં નિર્દોષબુદ્ધિ રાખે, તો ભગવાન તેને નિર્દોષ કરી મૂકે છે. દોષ ગ્રહણ કરતો હોય તો તેનામાં બધા દોષ આવીને વસે છે. ભક્તમાં દોષ ન હોય ને દોષ જુએ તો જોનારને અંતરમાં સુખ રહેતું નથી, વગર અગ્નિએ તન બળે છે. અંતરની વ્યથા કહેવાય નહિ ને સહેવાય નહિ એવી થાય છે, પણ એ દંભી ક્યાં સુધી છુપાવી રાખે! અંતર્યામી બધું જ જાણે છે.”31
સંતો પ્રત્યે વડતાલમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સાક્ષાત્કારમાં બધાં સાધન આવી જાય છે. તેમાં શ્રવણ પ્રથમ છે. શ્રવણ કરેલી વાતને મનન કરીને ગ્રહણ કરવા યોગ્ય એટલી ગ્રહણ કરે અને બીજી ત્યજી દે. ગ્રહણ કર્યા પછી તે વાતનો વારેવારે અભ્યાસ કરવો, જેથી તેનો સાક્ષાત્કાર થાય. સંત કહે તેમ કરે તે અપાર સુખ પામે છે. સંતમાં લોભ દેખે તેની મતિ દૂષિત થઈ જાય છે. પછી સંતનાં વચન તેને ઝેર સમાન લાગે છે. તેને જે જે મળે તેના હૃદયમાં પણ તે સંતના દોષ સંભળાવીને અભાવ નાખે છે. પોતાને જ્વર થયો તેમાં અન્નનો શો દોષ? સંત અન્ન જેવા નિર્દોષ છે. દોષ જણાય છે તે પોતાનો છે એવું ભાન થાય તો સંતનાં વચન અમૃત જેવાં લાગે. સંતમાં નિર્દોષબુદ્ધિ થઈ ત્યારે જાણવું કે તે સત્સંગમાં વધતો રહેશે. સાચા સંતનું વર્તન ભગવાનનાં વચન અનુસાર હોય છે. ભગવાનને નિર્દોષ જાણ્યા તેને સંત નિર્દોષ જણાય છે.”32
વડતાલમાં શ્રીહરિએ સંતોને ઉદ્દેશી કહ્યું, “અમારાં ચરિત્રને જે દિવ્ય સમજે છે તેનો ભવરોગ ટળે છે. તેમાં મનુષ્યભાવ લાવે છે, તેનો ભવરોગ ટળે નહિ. સત્સંગની વાતનું આલોચન ન થાય તેટલી કસર રહી જાય છે.”33
વડતાલમાં રાયણ નીચે શ્રીહરિએ સંતો પ્રત્યે કહ્યું, “રામાનંદ સ્વામી સ્વધામ ગયા તે દિવસથી અમારી રુચિ ત્યાગ ઉપર રહી છે. અને તે રીતે અમે હિત લાવીને સંતોને વર્તાવીએ છીએ. અક્ષર સમાન કોઈ સમર્થ નથી છતાં તે પરમેશ્વર આગળ દસ-દીન થઈને વર્તે છે. એવા પરમેશ્વર મનુષ્ય તન ધારે છે ત્યારે સઘળી ક્રિયા મનુષ્ય જેવી હોય છે, પણ એ અલૌકિક છે, દિવ્ય છે. આ વાત બધા મનુષ્યને દેખ્યામાં આવતી નથી. પરમેશ્વર ભેગો સદા રહે તોપણ પરમેશ્વરનું રહસ્ય તે જાણી શકે નહીં. એ તો જેને પરમેશ્વરનું જ એક તાન રહે, પરમેશ્વર સિવાય ચિત્તમાં કંઈ હોય નહીં, એમ પરમેશ્વરાકાર મતિ થાય તેને આ રહસ્ય હાથમાં આવે છે.”34
પંચાળામાં શ્રીહરિ કહે, “સત્સંગ કરવામાં એક સરખી રીત રહેતી નથી. ભગવાન અને સંતની પ્રસન્નતામાં ફેર તેટલો મોક્ષમાં ફેર. સત્સંગ કરતાં કરતાં ભગવાનને, સંતને તથા હરિભક્તને કુરાજી કરે તેનો દોષ લાગે છે. એ દોષનું ફળ મનુષ્યબુદ્ધિ છે. જ્યાં સુધી મનુષ્યભાવ રહે છે ત્યાં સુધી ભવભટકણ ટળતી નથી, અંતરમાં પણ સુખ આવતું નથી. રાત-દિવસ ક્લેશ મટતો નથી. માટે સંત, ભગવાન અને હરિભક્તો જેમ પ્રસન્ન થાય તેમ મન, કર્મ, વચને કરે તેની અલૌકિક મતિ કહેવાય અને તેનો સત્સંગ પણ શુભ છે.”35
શ્રીહરિએ પિપળાવથી મહેળાવ જતાં રસ્તામાં વાત કરી, “જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય થયો તે જન માયિક જેવા દીસે તોપણ તેને અમાયિક જાણવા. ભગવાનને પ્રસન્ન કરવા તે અક્ષરધામથી અહીં આવ્યા છે. દેખવા માત્રે મનુષ્ય જેવા લાગે, પરંતુ તે હરિજન અક્ષરરૂપ છે. માયિકજનોને અમાયિક કરવા ભગવાનની મરજીથી તે માયિક જેવા થયા છે.”36
અમદાવાદ નવાવાસમાં શ્રીહરિ સભા કરીને બિરાજ્યા અને વાત કરવા લાગ્યા, “સત્સંગમાં સંત-હરિભક્તોને અલૌકિક દેખે તે પરમપદનો અધિકારી છે. એવા ભક્તનો મોક્ષ નિશ્ચય થઈ ગયો જાણવો. એમાં રંચમાત્ર ફેર નથી. આ સમજણમાં જેટલો ફેર તેટલો મોક્ષમાં ફેર રહે છે. સત્સંગમાં જેટલો દિવ્યભાવ તેટલો તેનો નિષ્કપટ સત્સંગ જાણવો. અલૌકિક ભાવ લાવીને સત્સંગ નથી કરતો, તેટલો કુસંગ છે.”37
બોટાદમાં શ્રીહરિએ ભગાશેઠ આદિ ભક્તો આગળ વાત કરતાં કહ્યું, “સંત-હરિભક્તને દિવ્ય દેખે પણ મનુષ્યભાવ ન દેખે એવા હરિજન વિરલ હોય છે. એનો સંગ કરવો. મનુષ્યભાવ રહે તેટલું વિઘ્ન છે. મનુષ્યભાવ આવે પછી દ્રોહ થાય ને સત્સંગથી દૂર થઈ જાય. પરસ્પર મન મળેલાં રહે તે પડે નહિ.”38
ભૂજના હીરજીભાઈ કારિયાણી આવ્યા હતા. શ્રીહરિએ તેમને વાત કરતાં કહ્યું, “સંત-હરિભક્તમાં દિવ્યભાવ રાખી તેની સેવામાં જે મન ચોરશે નહિ તથા પોતાનો દોષ જોતો રહેશે તેનો ઉદ્ધાર થશે. સત્સંગમાં જ્યાં સુધી હેત ને અલૌકિક ભાવ રહે ત્યાં સુધીમાં તન છૂટી જાય તો તેનું કલ્યાણ નિશ્ચિત છે. દિવ્યભાવમાં ફેર પડી ગયો ને તન છૂટી ગયું તો મોક્ષ થતો નથી. કોઈ કદાચ કોટિ સાધન કરે તોપણ જન્મમરણ લખચોરાશીના દુઃખથી ક્યારેય છૂટી શકતો નથી ને ભગવાનના ધામને પામી શકતો નથી.”39•
પંચાળામાં ઝીણાભાઈના દરબારમાં શ્રીહરિએ સંતો-ભક્તોને વાત કરતાં કહ્યું, “ભગવાનનો પરિપક્વ નિશ્ચય ન થાય ત્યાં સુધી પૂરો હરિજન કહેવાય નહિ. ભગવાનના વચનમાં વર્તે, ધર્મ-નિયમ સંપૂર્ણ રાખે તેને ભગવાનનો નિશ્ચય થયો જાણવો.
“નારી-ધનનો ત્યાગ કરવો એ વાત કઠણ નથી. વળી, હમેશાં કથા-કીર્તન કરે, ધ્યાન-સ્મરણમાં મોળો ન પડે, ધર્મ-નિયમમાં દૃઢ રહે તોપણ સંત અને હરિજનને મનુષ્ય જેવા દેખે છે ત્યાં સુધી તેનાં કોઈ સાધન મોક્ષમાં ઉપયોગી થતાં નથી. સંતો-ભક્તોમાં મનુષ્યભાવને લીધે તેના ગુણ-અવગુણ આવ્યા કરે છે. ને ગુણ-અવગુણ આવે ત્યાં સુધી તે પાકો સત્સંગી કહેવાય નહિ. સત્સંગ કરતાં કરતાં તેની ખામી ભાંગે છે. પછી વર્તમાન પણ લોપે નહિ ને અવગુણ પણ લે નહિ, એમ પાકો થઈ જાય છે.”40
*
પરિશિષ્ટ
શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:
ભગવાનના સ્વરૂપને જે દિવ્ય જાણે છે તે દિવ્ય થાય છે. ભગવાનનાં બધાં ચરિત્રો દિવ્ય છે, તેને જે માયિક જાણે છે તેને માયા ગ્રસી લે છે. તે માટે ભગવાનમાં દિવ્યભાવ રાખવો, મનુષ્યભાવ તજવો.41
ભગવાન ક્યારેક પોતામાં અપૂર્ણતા દેખાડે તોપણ ભક્તને તેમાં સંશય ન થાય. ભગવાનમાં દોષ કલ્પે તે અભક્ત છે. હરિજનમાં ને વિમુખમાં આટલો ફરક છે. જે અતર્ક્ય તત્ત્વ છે તેમાં જાતજાતના તર્ક કરે તે વિમુખ છે, અસુર સ્વભાવે યુક્ત છે.
ભગવાનનું ખાવું, પીવું, બોલવું, ચાલવું, ઊઠવું, બેસવું, હસવું, રડવું, ઉદાસ થવું, કોઈની સામે જોવું, ન જોવું, કોઈને બોલાવવો, ન બોલાવવો, કોઈ પર વગર વાંકે ખીજવું, ક્યારેક ત્યાગ બતાવે તો ક્યારેક રાગ બતાવે, ક્યારેક ડરીને ભાગે તો વળી ક્યારેક બીજાને ભગાવે, ક્યારેક કોઈના લાગ-બંધનમાં ન આવે - એવી એમની રીત અતર્ક્ય છે. તેને જે યથાર્થ જાણે છે તે બુદ્ધિશાળી છે. ભગવાનનું પ્રત્યેક ચરિત્ર દિવ્ય છે, જીવના કલ્યાણ માટે છે - એમ જે ભક્ત, ભગવાનને નિર્દોષ જાણે છે તે નિર્દોષ થઈ જાય છે.
દર્પણ સદાય નિર્દોષ-નિર્મળ છે. તેમાં દોષ દેખાય છે તે સન્મુખ ઊભેલાનું પોતાનું પ્રતિબિંબ છે. પોતાનું જેવું મુખ હોય તેવું દર્પણમાં દેખાય. પ્રાકૃત બુદ્ધિવાળા પોતાના જેવો દોષ પ્રભુમાં કલ્પે છે. ભક્તજનો તો તેવી લીલાનું ધ્યાન ધરે છે.42
સંતની કૃપાથી અલૌકિક મતિ થાય છે, પછી હરિજનની દૈહિક બાહ્ય ક્રિયા પણ નિર્દોષ લાગે છે. સૌમાં નિર્દોષબુદ્ધિ થઈ જાય તે સંતની કૃપા વિના શક્ય નથી, મનધાર્યા અપાર ઉપાય કરે તોપણ નકામા છે.43
ભગવાન પ્રગટ થાય છે ત્યારે મનુષ્યના જેવા ભાવ બતાવે છે ને દિવ્યભાવ પણ બતાવે છે. આ બન્ને જુએ છતાં જેની મતિ ફરે નહિ તેવા સંત ને હરિભક્તોને પગે લાગવું.44
જીવમાં જે અનંત પ્રકારનાં અવ્યક્ત બીજ રહ્યાં છે તે કોઈ કાળે નાશ થતાં નથી, પરંતુ જો ભગવાનના માયિક જેવાં ચરિત્રને પણ દિવ્ય સમજે અને ભગવાનને અગ્નિ તથા બ્રહ્મ સમાન જાણે તો તે નષ્ટ થાય.45
સ્થાવર-જંગમ સૃષ્ટિમાં ચાર યોનિમાં અનંત પ્રકારના જીવ રહ્યા છે. એક એક જીવને કારણ શરીરરૂપ વાસના-લિંગદેહ અવ્યક્ત બીજ રૂપે વળગ્યું છે. જેને લીધે તે જન્મમરણથી પર થઈ શકતો નથી. આ અવ્યક્ત બીજ કોઈ દેખી શકતું નથી. જીવનું આ બીજ દિવ્યદૃષ્ટિવાળા એકાંતિક સાધુ જોઈ શકે છે. આ બીજ દ્વારા જ્યારે જેવો જોગ બની આવે, ત્યારે તેવા દેહને આ જીવ પામે છે. ભગવાન ને ભગવાનના સંત વિના તે કોઈના દેખ્યામાં આવે નહિ.
આ કારણ દેહરૂપી બીજનો નાશ જ્ઞાનયજ્ઞ દ્વારા થાય છે. ભગવાનના ચરિત્રનું કથન-શ્રવણ કરવું તે જ્ઞાનયજ્ઞ છે. તેને બ્રહ્માગ્નિ પણ કહે છે. પ્રાકૃત જેવાં જણાતાં હોય છતાં એ ચરિત્રો દિવ્ય છે, તેમાં માયિકભાવનો લેશ નથી એમ સમજીને ચરિત્રમાં મન રાખે તો એ બીજ બળીને રાખ થઈ જાય છે. તે સિવાય અન્ય અગ્નિ મહાપ્રલય કાળ જેવા હોય તોપણ કોટિ કલ્પે લેશ પણ આ કારણ શરીરના બીજને બાળી શકતા નથી. શ્રીહરિ અમાયિક છે તેમજ તેમના સંબંધમાં આવનાર જડ-ચૈતન્ય સર્વે અમાયિક છે. સંતો હરિજનો દિવ્ય છે. શ્રીહરિની મૂર્તિ, તેમનું ધામ, તેમનાં ચરિત્રો દિવ્ય છે. શ્રીહરિનાં તીર્થસ્થાન દિવ્ય છે. તેમનો સ્પર્શ પામનાર તરુ, પશુ, પાષાણ, ઇત્યાદિ સર્વે અમાયિક છે. શ્રીહરિનાં વસ્ત્રો, આભૂષણો દિવ્ય છે. કેસર, ચંદન, પુષ્પ દિવ્ય છે. ભોજન અને ભોજનપાત્ર, પત્ર, ફૂલ, કંદમૂળ આદિ સર્વે વસ્તુ અમાયિક છે. જેને લખતાં પાર આવે નહિ.46
પાખંડ હોય ત્યાં પ્રપંચ વિના કોઈ વાત હોય નહિ. સભામાં જુદી વાત કરે અને એકાંતમાં જુદી કરે. એકાંતમાં ફાવે તેવાં કુકર્મ કરે તોપણ દોષ ન લે ને તેની સાથે અધિક પ્રીતિ કરે તેને નિષ્પાપ જાણે. દોષ લે તેને પાપી જાણે. કોટિ સાધન કરતાં પણ નિર્દોષ દૃષ્ટિવાળાને અધિક માને. ગીતા કહે છે: પાપી-પાખંડી લોકો ધર્મના અર્થને સમજે નહિ. જેમાં કામ-ક્રોધાદિક અધર્મનાં દ્વાર રહેલાં હોય તેને મોક્ષનું દ્વાર તેઓ સમજે છે.47
જ્ઞાની, ધ્યાની, ધર્મ, વૈરાગ્ય અને ભક્તિવાળા પણ હોય, પરંતુ શ્રીહરિનાં મનુષ્યચરિત્ર દેખીને ચિત્ત ભમે નહિ તેવા ભક્તો દુર્લભ છે.
આત્મનિષ્ઠા અને ધર્મનિષ્ઠા અથવા એવા બીજા ગુણની નિષ્ઠાવાળાની લોકો પ્રશંસા કરે છે. કીર્તિને માટે પણ ધન અર્પણ કરનારા તથા કઠિન તપ કરનારા પણ હોય છે. બાર વર્ષ સુધી હાથ અધ્ધર રાખી અન્ન ત્યાગ કરનારા તથા વાયુનો આહાર કરનારા પણ હોય છે. કીર્તિને માટે જળ પીને રહેનારા, ભૈરવજપ ખાનારા, પંચાગ્નિ તાપનારા, અગ્નિમાં પેસનારા, પગે ચાલી તીર્થ કરનારા - એમ પોતપોતાની રુચિ પ્રમાણે સાધન કરનારા ઘણા હોય છે. રુચિ પ્રમાણે કરવામાં કઠણ પડે નહિ, પણ જ્યાં બીજાની રુચિથી મોક્ષના માર્ગમાં રુચિ કરવી પડે તે કઠણ છે. બીજી બધી વાર્તા સુલભ છે, પણ મનુષ્યચરિત્રમાં મોહ ન થાય એ બહુ દુર્લભ છે. એવો તો કોઈ એકાદ મળે.48
સત્સંગમાં મનધાર્યું કરતા હોય ને નિશ્ચયવાળા હોય તેવાને ભગવાન ને મોટા સાધુ બાળક જાણી જાળવી લે છે. જેમ બાળક અંધ, રોગી કે ગાંડો હોય તેને માતાપિતા જાળવે છે. ગાંડો હોય તેને બીજા લોકો સહાય ન કરે, પણ માતાપિતા સહાય કરે છે. મનધાર્યું વર્તતા હોય તેના પ્રત્યે ભગવાન અને સંતને અરુચિ થતી નથી, કારણ કે તેઓ માયા પરના, અલૌકિક છે. ભક્તને પોતાના જાણી અરુચિ નથી કરતા તે જ તેમની અલૌકિકતા છે. વિધિ-નિષેધ લોપે તેને રાજાની જેમ શિક્ષા અવશ્ય કરે છે, પણ પોતાનો જાણીને શિક્ષા કરે છે. શિક્ષા ન કરે તો ભક્તકોટિમાંથી પશુકોટિમાં જતો રહે છે.49
જીવ સદા માયિકભાવે યુક્ત છે. સંત અને ભગવાનના યોગથી અમાયિક વાત સાંભળે ત્યારે અમાયિકમાં મન બંધાય છે. ભગવાન અને સંત કલ્પતરુ અને ચિંતામણિ જેવા છે. બન્નેમાં જ્યાં સુધી દિવ્યભાવ સમજાય છે, ત્યાં સુધી નિશ્ચય રહે છે. સંત અને ભગવાન ભેળે રહી રહીને હરિજન તેમનામાં પોતાના જેવા ભાવ પરઠે છે, પછી લૌકિક સમજ થાય છે ને મનુષ્યભાવ દેખાય છે. સમજણના માને કરીને સમભાવ આવી જાય છે.50
ભગવાનનાં મનુષ્ય ચરિત્ર દેખીને જેની મતિમાં ભ્રમ ન થાય તેને ભગવાનનો એકાંતિક દાસ જાણવો. અને ભગવાન રોગ ગ્રહણ કરે, ને ચિત્ત ભ્રમ થઈ આવે ત્યારે પણ મતિ ન ફરે તે તેથી પણ શિરોમણિ સમો છે.51
ભગવાન સ્વતંત્ર અને પૂર્ણકામ છે. તેમને મનુષ્યચરિત્ર કરવાં તે અસ્વાભાવિક છે. મનુષ્યચરિત્રમાં દિવ્યભાવ દેખનારા જનો અનાદિ ભક્ત છે. ભગવાનનું આવવું-જવું એ બધું અલૌકિક છે. છળકપટ ત્યાગ કરી જે સાચો ભક્ત બને છે તેને જ ભગવાનની ગતિ સમજાય છે. સાચા સંતના સંગ વિના સાચા ભક્ત કોઈથી થવાતું નથી.52•
જે ભક્ત ભગવાનનાં ચરિત્રને દિવ્ય જાણે છે તેને સંસારમાં રહેવું એક દિવસ પણ ગમતું નથી. સાંસારિક સુખ તેને અગ્નિ અને ઝેર જેવાં લાગે છે. સંતોનો યોગ થાય છે તેને અધિક ઉત્સાહ વધે છે. એટલામાં એ તન છૂટે તો ભગવાન તેને તેડવા આવે છે. સંત દ્વારા સત્સંગની વૃદ્ધિ થાય તેવી બીજા દ્વારા થાય નહિ. સત્સંગ કરાવવો સંતના હાથમાં છે અને મોક્ષ કરવો હરિના હાથમાં છે.53
ભગવાનનાં ચરિત્રોને જે પરમ દિવ્ય જાણે છે ને અંતરથી નિષ્કપટ છે એવા સંતોને તથા નર-નારી હરિભક્તોને અક્ષરરૂપ જાણવા. એ સર્વે એકાંતિક છે, મુક્ત છે.54
કોઈ ભગવાન કે ભગવાનના સંત-હરિજનની ભાવથી સેવા કરે તેને શ્રીહરિ ક્યારેય ભૂલતા નથી. ભગવાનનું તાન તો સર્વને સુખિયા કરવાનું છે, પણ મનુષ્ય, ભગવાન અને સંતને પોતાના જેવા જાણે છે તેણે કરીને તે દુઃખ પામે છે તેમાં લેશ સંદેહ નથી.55
હરિભક્ત થઈને સંત કે હરિભક્તનો મહિમા ન સમજે તે ફળ, ફૂલ, રસ અને છાયા વિનાના વૃક્ષ જેવો છે.56
પ્રગટ ભગવાનનો થયેલો યોગ અને સેવા નિષ્ફળ જાય નહિ. પ્રગટનો યોગ બહુ દુર્લભ છે. મહિમા સમજે તેવો મોક્ષ થાય છે. મહિમામાં કસર તેટલી મોક્ષમાં કસર રહે છે. અનુવૃત્તિ પાળવામાં કસર તેટલી મહિમા જાણ્યામાં કસર છે.57
ભગવાનના સાચા સંત જ્યાં સ્નાન કરે છે ત્યાં નવું તીર્થ રચાય છે. સાચા સંતનો આવો અપાર મહિમા છે. તેને ઓળખીને નમે તે જન ભવપાર થઈ જાય છે. સાચા સંતના આ પ્રકારના મહિમાને મિથ્યા કહે છે તે દૈત્ય અસુર ને રાક્ષસ કુળના જાણવા. ખોટા સંતનો મહિમા ઘોરતમ નરક છે, તે ઠેર ઠેર હોય છે. સાચા સંત એ છે જેમાં ભગવાનનો વાસ છે. એ પોતે કહેતા નથી કે મારામાં ભગવાન રહ્યા છે, પણ તેમનો પ્રૌઢ પ્રતાપ દેખ્યામાં આવે છે તેનાથી તે ઓળખાય છે.58
ધર્મપાલન કરતા થકા ભક્તોમાં દિવ્યભાવ - અલૌકિકભાવ રહે તે જ સાચો અલૌકિક ભાવ કહેવાય છે. સત્સંગ પણ દિવ્ય ત્યારે જ કહેવાય જેમાં ધર્મ હોય. ધર્મનું પાલન પણ ભગવાનના પ્રગટ સ્વરૂપના જ્ઞાન વિના અભદ્ર છે. જેમાં ભગવાનનું પ્રગટપણું છે એ જ ધર્મને અલૌકિક કહ્યો છે. ભગવાનના સંબંધ વિનાના મતમાત્ર નિર્જીવ છે. તેમાં કોઈ પ્રકારનું દૈવત હોતું નથી.59