૨૦. ત્યાગી સાધુ

 

શ્રીહરિએ ભક્તિમાતાને ધર્મશાસ્ત્રનો બોધ આપતાં ત્યાગીનું વર્તન જણાવતાં કહ્યું, “ત્યાગી સાધુએ કાષ્ઠ, ધાતુ, ચિત્રની સ્ત્રીની પ્રતિમાને અડવી કે જોવી નહિ. સુવર્ણ આદિ ધનનો ત્યાગ રાખવો. સ્ત્રી તથા સ્ત્રીને આધીન પુરુષનો સંગ ટાળવો. ત્યાગી સાધુએ સર્પની પેઠે સ્ત્રીથી દૂર રહેવું. જ્ઞાન, ભક્તિ, તપ, ત્યાગ, યોગ અને સત્શાસ્ત્રમાં પ્રેમ રાખવો. કામ, ક્રોધ, લોભ, માન, માયિક પદાર્થમાં સ્નેહ, રસાસ્વાદ વગેરે દોષને તજવા. ઇન્દ્રિયોને જીતવી. અષ્ટાંગ બ્રહ્મચર્ય રાખવું. ભગવાનની નવધા ભક્તિ અખંડ કરવી. ભગવાનની સેવા વિનાની મુક્તિ પણ ઇચ્છવી નહિ.”1

જે ત્યાગી થયો તેણે પૂર્વાશ્રમના સંબંધીને સંભારવાં નહિ, જો સંભારે તો જરૂર તેને બંધન થાય છે. પ્રથમ સંભારે પછી મિલન થાય અને અંતે ત્યાગી ન રહે ને લાજ ખૂએ.”2

‘પૂર્વાશ્રમ કે સંબંધી જોઉ, ત્યાગી કું ન સંભારના સોઉ;

ત્યાગી હોઈ સંભારત જેહા, જરૂર બંધન હોવત તેહા;

સંબંધી સબ જબ હોવે ભેરે, ત્યાગ લજ્જા ન રહે તેહિ વેરે.’

લોજમાં શ્રીહરિએ સંતોને કહ્યું, “સંતની સેવા કરવાની ઇચ્છા થાય ત્યારે જાણવું કે પૂર્વજન્મનાં ભાગ્ય ઉદય થયાં.”3

સરધારમાં શ્રીહરિએ હરિજન સમક્ષ સંતોનો મહિમા કહેતાં કહ્યું, “આ સંતો આ લોકના નથી. બધાનાં એક મન છે. ભગવાનની મૂર્તિમાં વૃત્તિ ડોલાવ્યા વિના એક તાન થઈને સૂર્યની જેમ શોભે છે. ભગવાન વિના બીજી કોઈ ચાહના નથી. દેહાદિકના દુઃખને ગણકારતા નથી. ભગવાનમાં અપાર સુખ માને છે. વિષયમાં દુઃખ માનીને કોઈ સંગ્રહ કરતા નથી. ભગવાન વિનાની વસ્તુ બધી દુઃખદાયક જાણે છે. જો દુઃખદાયક ન જાણે તો તેનો અભાવ ન થાય. અને અનંત જન્મ ખોવે છે. જેને સત્-અસત્‌નું જ્ઞાન છે, જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તે ભગવાન સંબંધી કરે છે અને તેને નિવૃત્તિ માને છે એવા એકાંતિક ભક્ત હોય તેને આ વાતની ગમ પડે છે. તે સિવાય બીજા તો બધું એક કરીને માને છે. હંસ અને બકની જેમ ભક્ત અને અભક્તની રીત જુદી હોય છે. તે સત્સંગ કર્યા વિના માલૂમ પડે નહિ. સત્સંગ કરવા છતાં જે ઘટી જાય તેને સત્સંગ થયો ગણાય નહિ.”4

સરધારમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “હે સંતો! સંતના સમૂહમાં રહેવું એ પરમ કલ્યાણ છે. થોડે પુણ્યે સંત-સમાગમ મળતો નથી. જેને આવો યોગ મળ્યો તેનાં ધન્યભાગ્ય છે.”5

ઈંગોરાળામાં શ્રીહરિએ સંતનો મહિમા કહેતાં કહ્યું, “અમે પાતાળથી લઈ વૈકુંઠ સુધી તપાસી જોયું, સાધુ જેવી અન્ય કોઈ મોટી પદવી નથી. ચાર વેદ, ખટ શાસ્ત્ર - બધાંનો એક સિદ્ધાંત છે: સરળ ચિત્તવાળો સાધુ સૌથી મહાન છે. જે સરળ-ચિત્ત નથી તેને સાધુ જ ન જાણવો, એવો હોય તે વિનાપ્રયોજન ક્લેશ કરે. જે સરળ છે તેને સત્સંગમાં અહોનિશ સુખ મનાય છે. વિપરીત સંજોગોમાં તે કદી કચવાતો નથી. આત્મવિચારનું બળ તેને સદા રહે છે.”6

શ્રીહરિએ કુંડળમાં મામૈયાના ભવનમાં સંતોને વાત કરતાં કહ્યું, “હે સંતો! પૂર્વે સંતો-ભક્તો મહાસમર્થ થઈ ગયા. જે કંઈ કષ્ટ આવ્યું તે સઘળું સૌએ હસતે મોંએ સહન કર્યું છે, પણ અકળાયા નથી. આ પરથી તમે કેવી સમજણ દૃઢ કરી છે તે વિચારવું. જેથી ક્યારેય અધિક કષ્ટ પડે તો પણ મન પાછું ન હઠે! દેશકાળે પણ સમજણ ન ફરે! આજે તમને શિરા-પૂરી ને દૂધપાક મળે છે, રુચે તેવી ધોતી ને પુસ્તક-પોથી રાખો છો, એ ક્યારેક ન મળ્યું તો ‘હરિ બિન સબહિ હરામ’ પદ વારંવાર ગાઓ છો, પણ કામ પડ્યે તેની સૂરત રહે ખરી?”

એમ કહી શ્રીહરિ સંતોને કહેવા લાગ્યા, “શેરડી પોતે પિલાય છે તો ખાંડ, મિશ્રી, બૂરું બને છે. પિલાયા વિના કામ સરતું નથી, તેમ તમે જીવોના મોક્ષ માટે આવ્યા છો. દૈહિક સંબંધો તજ્યા છે. હવે સત્સંગ મળ્યો, તો જેમ હરિની ઇચ્છા હોય તેમ દેહને રાખવો. આ દેહની અંતે કાં તો રાખ થાય છે, કાં એ માટીમાં મળે છે ને કાં તો વિષ્ટામાં પરિણમે છે. આ ત્રણ બાબતને કોઈ મિટાવી શકતું નથી, એ નક્કી વાત છે. આનો નિત્ય વિચાર કરવો.

“જીવ વગર આ દેહમાં કોઈ સાર વસ્તુ નથી, તો તેનું જતન કરવાથી શું મળે? આ વસ્તુવિચાર ન હોય તો નિર્બળતા આવી જાય છે. દેહ-ઇન્દ્રિયોનો કુસંગ મહામોટો છે, મોટા મુક્તો પણ તેનાથી ખુવાર થયા છે.

“તમારું હિત વિચારી અમે નિયમરૂપી કોટ વજ્ર જેવો અભય બનાવ્યો છે. આ કોટ તુલ્ય બીજો કોટ નથી. આ કોટના પાયા પાતાળ સુધી ઊંડા છે ને તેની ઊંચાઈ અક્ષરધામ સુધી કરી છે. કાળ-કર્મ તેને સ્પર્શી શકતાં નથી. આ કોટમાં તમે સુરક્ષિત છો. હવે બાહ્ય કુસંગીમાત્રનો ભય લેશ પણ નથી. મને નિશ્ચય ભગવાન જાણીને તમે સર્વે જગ-અપમાન સહો છો.”7

કુંડળમાં શ્રીહરિ સંતોને કહે, “હે સંતો! અહોનિશ અંતર્દૃષ્ટિ કરીને તપાસ કરવો. સુખ અને દુઃખ અંતર્દૃષ્ટિથી પરખાય છે. અંતર્દૃષ્ટિને કોઈ આવરણ નડતું નથી. અંતર્દૃષ્ટિ યુક્ત સાધુની સંગત કરવી. તરતા ન આવડતું હોય તે તરનારાને સંગે તરી જાય. લૌકિક વિદ્યા પણ શીખ્યા વિના વરતી નથી. તો આ અલૌકિક વાત શીખ્યા વિના કેમ વરે?

“અમારી વિદ્યા બ્રહ્મવિદ્યા છે. તે સર્વથી પર મહાવિદ્યા કહેવાય છે. આ વખતે સૌ પર અમે કૃપા કરી છે તો બ્રહ્મવિદ્યામાં સૌની ગતિ થઈ છે. મેં સંકલ્પ કર્યો છે - સૌ જીવને મારો યોગ કરાવી માયાપાર કરવા તેનાથી જીવમાત્ર તરી જશે. અમારો સંકલ્પ મિથ્યા થતો નથી તે નિશ્ચય જાણજો.

“ચાર વર્ણ ઉપરાંત પણ જેણે જેણે અમારો આશ્રય કર્યો છે તેનો મોક્ષ કરીશું. અમારી નિયંતાશક્તિ મહાબળવતી છે. અમે જે જે નિયમ કર્યા છે તેને જીવો, ઈશ્વરો કોઈ લોપી શકતા નથી. જે તેનો લોપ કરે છે તે સ્વયં તત્કાળ લોપાઈ જાય છે. આ અમારી મરજી તમને કહી. માટે જે કરો તે વિચારીને કરજો. મરજી પ્રમાણે વર્તે તેમાં અપાર સુખ રહ્યું છે. તમે સર્વે મુનિ સુજ્ઞ છો, તમને વધુ શું કહેવું?”8

કુંડળમાં શ્રીહરિ સંતોને કહે, “સાધુતાનો ગુણ સૌથી ઊંચો છે. સાધુતામાં ગુણમાત્ર સમાઈ જાય છે. બીજા શુભ ગુણ ઘણામાં અમે જોયા, પણ સાધુતાની વાત જ ન્યારી છે. સાધુના પદ તુલ્ય બીજું કોઈ પદ નથી.

“પૂર્વે સાધુતાના ગુણ લાવવા કેટલાક મુનિઓ ને રાજાઓએ તપ કર્યાં, પણ આ ગુણ મેળવી ન શક્યા. સાચા સંતમાં જ આ ગુણ વસે છે. એવા સંત અને સાધુતા બન્ને એકરૂપ છે, જુદા નથી. એવા સાધુતાયુક્ત સંતમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. એવા સંતને અમે બ્રહ્મપુર (અક્ષરધામ) તુલ્ય માનીએ છીએ. અમે ચારે ધામ ફર્યા, વન-પર્વતમાં વિચર્યા, ક્યાંય માન રહિત સાધુ ન મળ્યા. જ્યારે રામાનંદ સ્વામી મળ્યા, ત્યારે એમની સાધુતા જોઈને અમારું મન ઠર્યું.”9

ચૂડાપુરમાં શ્રીહરિએ સંત-હરિજનોને કહ્યું, “સત્સંગને જુઠલાવીને આચરણ કરતો હોય તેને ત્યજી દેવો. દ્રવ્ય હરી પેટ ભરે તેનો વિશ્વાસ ન કરવો. કોઈ સાધુ દ્રવ્ય ભેગું કરતો હોય તેને પાખંડી જાણી તેનો સંગ મારા આશ્રિતે ન કરવો. લસણની ગંધ જેમ પાખંડીનું પાખંડ ઢાંક્યું રહે નહિ. સાપને દૂધ પિવડાવો તો પણ તે કદી ઝેરનો ત્યાગ કરતો નથી.”

‘પાખંડીજન રહે ન છિપાઈ, જ્યું લહસુન કી ગંધ રહાઈ.

સર્પકું દૂધ પિવાવો જબહૂઁ, તોહુ ન જહર છાંડે કબહુઁ.’10

લીંબડીના હરિસિંહ નૃપને શ્રીહરિ કહે, “જગતમાં સંત છે તેવા આ સંત નથી. બન્નેનું ધર્મપાલન જોવું પછી વિવેકથી પૂજવા. યથાર્થ ધર્મ છે તે તો જાણી જ નથી શકાતો, સદ્‌ધર્મીના સંગે ધર્મ ઓળખાય છે. રાજપાટ, ધન-વૈભવ, કરોડો રૂપિયાના ખજાના કરતાં પણ સંત અનંતગણા અધિક છે. એ સંતરૂપી ધન તમને મળ્યું છે. તેને જતન કરીને રાખવું.”11

અમદાવાદમાં કાંકરિયામાં સ્નાન કરી મુકામ પર શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “ધન અને સ્ત્રીનો ત્યાગ રાખે તે જ સાચો ત્યાગી છે. ત્યાગ ન રાખે તેને અસંત જાણવા. ત્યાગી થયો તે જગતની વાર્તા કરે નહિ ને સુણે પણ નહિ. ભગવાન સંબંધી કથા-કીર્તન વાતો કરે. ભગવાન સિવાય બીજું ચિંતવન કરે નહિ. જેવું ચિંતવન કરે એવું ચિત્ત થાય. શ્રીહરિમાં લીન રહી નવધા ભક્તિ કરે ત્યારે તેના અનંત જન્મ ટળે.

“સંસારમાંથી ચિત્ત ઉખેડી હરિમાં જોડે તે સંત. સંત જીવના સાચા હેતુ છે. ભગવાન અને સંત વિના બીજું બધું ઘોર નર્ક તુલ્ય જાણે તે હરિજન સાચો.”12

રાજકોટમાં મધ્યરાત્રિએ શ્રીહરિએ સંતોને બોધ આપતાં કહ્યું, “સંત થઈને જે સંતના ગુણ ગ્રહણ નથી કરતો તેને પાપ લાગે છે. ભગવાન સિવાય બીજામાં રાગ થાય એ જ સાધુને મોટું પાપ કહ્યું છે. સાધુને તો અપલક્ષણ અને અભક્ષણ બંનેનો ત્યાગ હોય અને સાધુના જેટલા ગુણ છે તે નિત્ય શીખતો હોય. પોતામાં રહેલા અવગુણને ઓળખે અને તેનો ત્યાગ કરે, એવા સંતનો જેને સંગ છે તેને ભગવાનનો રંગ લાગે છે અને જન્મ-મરણનો ભય ટળે છે. એ વિના કોટિ ઉપાય કરે તો પણ કાળ-માયાથી મુક્ત થાય નહિ અને ક્યારેય સુખ પામે નહિ. જેની સાધુતામાં રુચિ હોય એવા સંતમાં ભગવાન નિવાસ કરે છે. જ્યાં સુધી હૃદયમાં પાપ છે ત્યાં સુધી તેને સાચા સંત ગમતા નથી અને અસાધ્ય રોગ જતો નથી. એવાને સંત ઉપદેશ પણ કરતા નથી. જ્ઞાની સંત આ બધી વાત જાણે છે.”13

મોડા ગામે રણમલજી નૃપના ભવનમાં રાત્રે સંતો સિદ્ધાસનમાં ધ્યાન લગાવીને બેઠા અને ધૂન કરવા લાગ્યા. અરુણોદય થયો ત્યારે શ્રીહરિ સંતોને વાતો કરવા લાગ્યા, “સાધુએ એક એકની મોટાઈ જાળવવી. મોટા હોય તેને તે પ્રકારે બોલાવવા. દિવસ-રાત ભેગા રહેતા હોય તેની મોટપ જાણ્યામાં આવતી નથી એ જગતની રીત છે. પણ હરિજનની એ રીત નથી. ઉદ્ધવજીએ ગોપીઓનો મહિમા જાણ્યો અને પોતાને ન્યૂન જાણ્યા. સાધુ થયા પણ સાધુના ગુણ ન આવે ત્યાં સુધી તેને માથે ભય છે. માટે સાધુના જેટલા ગુણ કહ્યા છે તે પ્રાપ્ત કરવા. રોજ એક એક ગુણ શીખવો. ગુણો શીખ્યા વગર તે સિદ્ધ થતા નથી. તે સો વર્ષ સુધી અમારા સંગમાં રહે તો પણ સિદ્ધ ન થાય. એ તો જડભરત જેવા અવધૂત ત્યાગીનાં આખ્યાન નિત્ય વારંવાર વિચારે, જીવને તે રૂપ કરી દે, તેના ગુણને હૃદયમાં ધારે ને તે મુજબ વર્તે ત્યારે તેમના ગુણો પોતાનામાં પ્રગટ થાય છે.

“નારદ, શુક-સનકાદિકમાં પણ અધિક ગુણ રહ્યા હતા તે પ્રીત સહિત ગુણ શીખવા એ સંતની રીત છે. શીખ્યા વગર ગુણ આવતા નથી. અને નામમાત્રનો સાધુ રહે છે. અમને તમે જે જે આવીને મળ્યા છો તે સર્વેને બ્રહ્મસ્વરૂપ કરવા છે, જીવમાં માયાનો ભાગ ભળ્યો છે તે કાઢવો છે. માટે ખબરદાર થઈને રહેજો. નહિ તો તમારો પગ ટકશે નહિ. પ્રથમ અમારા સ્વરૂપની દૃઢતા જેના અંતરમાં થાય છે તેને પોતાનું સ્વરૂપ પરમ પ્રકાશિત દેખાય છે. સૂર્ય વિના અંધારું ન ટળે તેમ અમારા સ્વરૂપની દૃઢતા વિના પોતાનું સ્વરૂપ ઓળખાતું નથી. મારી મૂર્તિ અને મારા વચન તેને અધિક ન્યૂન ન સમજવાં. જે નિષ્કપટ વર્તન કરશે તેનો સત્સંગ દિન-દિન વૃદ્ધિ પામશે. સંતની સેવા કરવી તે મોક્ષપદથી પણ અધિક છે.”14

ભુજના સુંદરજીએ શ્રીહરિને કહ્યું, “તમે મળ્યા તે બધાં સાધનો પૂરાં થયાં, તોય હજુ આ સંતોને શીદને દમો છો?”

ત્યારે શ્રીહરિએ કહ્યું, “અમારી રીત અટપટી છે, તે તમને નહિ સમજાય. અમારા શરણે જે કોઈ આવે છે તેને અમે ક્યારેય દુઃખ પડવા દેતા નથી. તેમાં સંતો તો અમારા પરમ નિધિ છે. સંતથી મોટું કોઈ નથી, પણ દેહનું જતન કરવામાં ભગવાનને ભૂલી જાય ને વિષયમાં પ્રીતિ કરે ત્યારે અમને દુઃખ થાય છે. મનુષ્યમાત્રને સર્વ પાપનું મૂળ કારણ આ દેહ છે. દેહમાં આસક્તિ ત્યારે ન રહે, જ્યારે તપમાં રુચિ થાય. ને વિષયનો અનાદર થાય ત્યારે તપમાં રુચિ થાય છે. ભગવાનની મૂર્તિ અંતરમાં ધારીને દેહને અત્યંત કષ્ટ આપે તેની સહાય અમે કરીએ છીએ. રુચિ શુદ્ધ હોય તો સહાય કરીએ. નહિ તો કોટિ કલ્પ સુધી જપ-તપ કરે તોપણ જન્મમરણ ન ટળે.

“જે સાચો ત્યાગી છે તે મન-ઇન્દ્રિયોને પરમ વેરી જાણીને તેને કેદમાં રાખે છે. દેહ સાથે વેર કરે તો જ ઇન્દ્રિયોનો ગણ નરમ પડે એમ માનીને સાચો સાધુ પોતાના દેહને જેમ ભીડો પડે, કસણી થાય તેમ આનંદ પામે છે.”

‘સાચે સંત હોય જેહ, વિષય-ઇન્દ્રિ માત્ર હિ;

કેદ મેં રખે તેહ, પરમ વૈરિ જાનિ કે તેહિ.

વૈર કરે દેહ સંગ, સબ ઇન્દ્રિગન પરે નરમ હિ;

સંત રહત ઉછરંગ, ભિરે મેં દેવત દેહ જિમિ.’15

પીપળીમાં દાદાભાઈને ત્યાં શ્રીહરિએ સંતની વ્યાખ્યા કરતાં કહ્યું, “સત્ અને અસત્ બે માર્ગ છે. સત્‌ને જાણે તે સંત છે. જેને ભગવાનની ગમ છે તે યથાર્થ વાત સમજે છે.”16

શ્રીહરિએ પૂરના નૃપ પ્રત્યે વાત કરતાં કહ્યું, “આ સંતનું ચિંતવન પ્રીતિ પૂર્વક કરવું. જે તેનું ચિંતવન કરે છે તેને ચારેય દુઃખ ટળી જાય છે. જન્મમરણ, જમપુરી, ચોરાશી તેને માથે રહેતી નથી. આ સંતને જે ભાવથી જમાડે છે અને ચંદન, પુષ્પો, વસ્ત્રોએ કરીને વેળા-વેળાએ પૂજે છે એ મનુષ્ય જે જે લોકમાં જાય છે ત્યાં દેવતાઓ તેનું પૂજન કરે છે, આ વાત તે સત્ય જ છે અને તેનું ફળ સમય આવે દેખાય છે. સંતનું વચન જે માને છે તેનું ધર્મમાં વર્તન થાય છે. આવા સંતની મધ્યે પ્રગટ શ્રીહરિ બિરાજે છે, એવી પ્રતીતિ જેને આવે છે તે તત્કાળ અક્ષરધામ પ્રાપ્ત કરે છે. સંત-સમાગમ કરે છે તેને અક્ષરધામ દૂર રહેતું નથી.”17

સુખપુરમાં રાવત ધાધલને ઘરે શ્રીહરિ મુક્તમુનિને કહે, “જેને જેટલો દૃઢ નિશ્ચય હોય, તેને તેટલો સત્સંગનો કેફ વર્તે. ગૃહત્યાગ કરવો તે તો મરવાથી પણ કઠણ છે, પરંતુ ભગવાનને બધાથી પર સર્વોપરિ જાણે તેને કંઈ કઠણ નથી.”18

જૂનાગઢમાં દેવદિવાળીનો ઉત્સવ કર્યો અને દસ-દસ સંતોનાં મંડળ અને દેશ વહેંચ્યાં. અને એક-એક સંતને પ્રેમથી મળ્યા (ભેટ્યા). પછી ઉપદેશ આપતાં શ્રીહરિએ સંતોને કહ્યું, “અમારે તમારા દ્વારા અગણિત કાર્યો કરવાં છે, માટે સાવધાનપણે વર્તજો. જે પ્રકારે ત્યાગીઓના નિયમ અમે બાંધ્યા છે તેમાં ખબડદાર રહેજો. નિષ્કામધર્મના પાલનમાં તત્પર રહેજો. અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખજો. એ જ રીતે ધનનો ત્યાગ રાખજો. સુવર્ણથી લઈને કોઈ પણ ધાતુમાં રાગ ન રહે તેની તકેદારી રાખજો. અમારાં વચન પાલનમાં રાગ જરૂર રાખજો.

“નિઃસ્વાદી, નિર્માની, નિઃસ્પૃહી (નિર્લોભી), નિઃસ્નેહી તથા નિષ્કામી - આ પંચવ્રત સાવધાનપણે પાળજો. તમારા ધર્મપાલનની વાત લોકોને કરજો. હરિભક્તોના ધર્મ પણ વિસ્તારથી સમજાવજો.

“અમો જે હેતુ લઈને પૃથ્વી પર પ્રકટ થયા છીએ તેની (એટલે કે એકાંતિક ધર્મ પાલન કરાવી જીવને અક્ષરરૂપ કરી માયા પાર અક્ષરધામમાં લઈ જવાની) વાત સૌને વારંવાર કરજો. અને કહેજો કે જે સત્સંગ કરશે, અને અમારા સ્વરૂપનો યથાર્થપણે દૃઢ નિશ્ચય કરશે તેનાં અપાર પાપ પણ ટળી જશે. અમારા નિશ્ચયમાં કોઈની લેશ પણ કાચ્યપ અમને રુચતી નથી.

“સૌને પ્રગટના ભજનમાં જોડવા. જેને અમારો દૃઢ વિશ્વાસ થાય અને નિશ્ચયમાં શંકા ન રહે તે પ્રગટનું ભજન હંમેશાં કરે; પણ બીજા લોકો પોતપોતાના ઇષ્ટદેવનાં નામ લેતા હોય તેની નિંદા કે ખંડન કરવું નહિ.

“તલવાર મ્યાનમાં હોય તો કોઈ બીતું નથી, પણ ખુલ્લી હોય તો સૌ બીએ. કોઈ નાગો થઈને ફરે તો લોકો તેને પૂરી દે છે, પણ દેહનું ભાન ન હોય કે ગાંડો હોય, તેના આચરણને કોઈ દોષરૂપ માનતું નથી, પણ જાણીને નાગો ફરે તો માર ખાય છે. તમે સંતો ધર્મરૂપ છો તેથી ધર્મીજનો તમને પોતાના પ્રાણ સમાન માનશે અને અધર્મીને ડારો દેશે, પણ તમે શાંતિ રાખશો તો તેમનો નાશ થશે. ભગવાનની ઇચ્છાથી તમારી રક્ષા કરે એવો એક રાજા આવશે જેથી બીક રાખશો નહિ.” એટલી વાત કરી શ્રીહરિ અશ્વે બેઠા ને વડાદ પધાર્યા.19

શ્રીહરિ પોતાના હૃદયની વાત વારંવાર સંતોને કરતા. ગઢપુરમાં શ્રીહરિ કહે, “અમને સાધુતા ગમે છે. જેમાં અપાર સાધુતા દેખુ છું તેને દિન-રાત ચાહું છું. અક્ષરધામનું સુખ અને આનંદ સંતમાં રહ્યાં છે, પણ કોઈના દેખ્યામાં આવતાં નથી. દરેક સંતને જો પોતાનું અસલ સ્વરૂપ દેખાડીએ તો બ્રહ્માંડની સ્થિતિ ન રહે. કારણ, બધામાં ઈશ્વર જેવું વર્તન છે. એટલા માટે અમે જાણી જોઈને બધાની સામર્થિ છુપાડી રાખી છે. બધી સામર્થિમાં પ્રભુતા જીરવવી તે મોટી સામર્થિ છે. બધા મદમાં પ્રભુતા (ઐશ્વર્ય)નો મદ મોટો છે. શાસ્ત્રના વચનમાં વર્તે તે મોટું ઐશ્વર્ય છે. શાસ્ત્રના વચનમાં વર્તવું તે મોટી પ્રભુતા છે. અગમ-નિગમની વાર્તા કહેતો હોય ને શાસ્ત્ર લોપીને ચાલતો હોય તેને શ્વાન, શૂકર ને ગર્દભ સમાન જાણવો.”20•

ભૂજમાં શ્રીહરિએ હરિભક્તોને કહ્યું કે, “સત્સંગી એને જ જાણવો જે પોતાનું ધન સંત અર્થે કરી રાખે. ત્યાગી એ સાચો કે જે સ્ત્રી-ધનનો ત્યાગ રાખે. સંસાર થકી ઉદાસ હોય. બીજાને અર્થે અન્ન-વસ્ત્ર અને દેહનો પણ ત્યાગ કરી દે. હરિને રીઝવવા પંચ ઇન્દ્રિયોના સ્વાદનો ત્યાગ કરે, તેને કેવળ ભગવાન સંબંધી જ પંચવિષય હોય. નિષ્કામાદિ પંચવર્તમાન દૃઢ પાળે ને તેના પાલનનું ફળ પણ ભગવાનનો સ્નેહ થાય એ જ છે એમ સમજે. હરિ વિના બીજા સુખને ઇચ્છે જ નહિ. એવા ભક્તને હરિ અનંત સુખ આપે છે. ભગવાનનું સુખ અપાર છે, તે કોઈના કળ્યામાં આવતું નથી. ભગવાનના આકારે જ્યારે દૃષ્ટિ થાય છે ત્યારે એ સુખનો અનુભવ થાય છે.

“પાતાળથી પ્રકૃતિપુરુષ સુધી દેહાકાર વર્તન છે. જ્યારે દેહભાવ ત્યાગે ત્યારે નિરાવરણ થાય છે. પ્રકૃતિપુરુષ સુધીના સુખનો ત્યાગ કર્યો ત્યારે જાણવો જ્યારે બ્રહ્મના આનંદમાં સદા ગરકાવ રહે. કોઈ પ્રકારની લૌકિક ઇચ્છા ઊપજે નહિ, દુઃખદ્વન્દ્વ પણ રહે નહિ. ભગવાનના સુખનો વિચાર કરે છે તે જ્ઞાની છે.

“ભગવાનના સુખ સિવાયનું જે સુખ છે તે સઘળું દુઃખ જ છે, એમ સમજી ભગવાનમાં વૃત્તિ રાખનાર ત્યાગી હોય કે ગૃહી એ સંત છે.”21

ભૂજમાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “અસુરો ઉત્પાત કરે તોપણ સહન કરવું એ સંતોનો સનાતન ધર્મ છે. શાસ્ત્રમાં તે લખેલો છે, પણ આજ સુધી યથાર્થ રહ્યો નથી, તે અમારે પ્રગટ કરવો છે. અસુરે ધર્મ તોડવાની ટેક લીધી છે. તેમને શસ્ત્ર વિના સાધુતાના વર્તનથી જીતવા છે. અગ્નિ ફાવે તેવો ભયંકર હોય, પણ પ્રમાણમાં વધુ જળ હોય તો ક્ષીણ થઈ જાય છે. માટે સંતોએ આકાશ અને નીર સમાન ગુણ રાખવા. દત્તાત્રેયની પેઠે સૌ સાધુઓએ સર્વત્ર શુભ ગુણો ગ્રહણ કરવા, જેથી શુભ ગુણ આવે અને અપકીર્તિ નાશ પામે.

“અપકીર્તિ થવા છતાં દુર્ગુણ તજે નહિ તે મનુષ્ય ન કહેવાય. સાધુનાં વચન તો અમૃતથી મીઠાં હોય. બાવનાચંદન જેવો ગુણ સાધુમાં ગણાય છે. તીક્ષ્ણ કુહાડીની ધાર પણ બૂઠી થઈ જાય એ બાવનાચંદનનો સ્વભાવ છે. સંતનાં વચન એ ચંદન જેવાં શીતળ હોય જેથી અસાધુ પણ તેના સંગે સાધુ થઈ જાય.

“ઝેર જેવાં અસાધુનાં વચન સાંભળીને અમૃત વચન કહીને તે ઝેર ઉતારે એવાં સાધુનાં વચન હોવાં જોઈએ. સાધુતાનો વિચાર વારંવાર કરવો. વિચાર વિના સાધુતા આવે નહિ. માયા પર અક્ષર છે ને અક્ષરથી પર પુરુષોત્તમ ભગવાન છે. સાધુતા આગળ એ ભગવાન પણ દીન-આધીન રહે છે અને સાધુને પોતા કરતાં પણ પર માને છે, અને સાધુને ભગવાન વિના બીજું કાંઈ અધિક નથી. તેઓ સદાય હરિનાં ચરણોમાં જ લપટાયા રહે છે. સંતને હરિ વિના કોઈ અધિક નથી, અને શ્રીહરિને પણ એવા સંત વિના કોઈ પૂજ્ય નથી.

“ભવ, બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્રાદિ દેવ સિદ્ધ અને મુક્તોના ગુણ પણ પ્રસન્ન થયેલા શ્રીહરિ તરત જ આપે છે, પણ સાધુતાના ગુણ આપતા નથી. સાધુ સદાય ભગવાનની મૂર્તિમાં ચિત્ત રાખતા હોવાથી તેને ઉદ્વેગ કે ચિંતા હોતાં નથી. સાધુ સૌના મિત્ર થઈને રહે છે, અને સદાય શાંત રહે છે.”22•

શ્રીહરિ સિદ્ધપુર પધાર્યા ત્યારે નૃપ સામૈયું લઈને સન્મુખ આવ્યા. શ્રીહરિ હાથી ઉપર બિરાજ્યા અને સંતોને કહ્યું, “કોઈ સાધુએ અસવારીમાં અશ્વ ઉપર બેસવું નહીં એ અમારી આજ્ઞા છે. ભૂમિ પર ચાલવું તે સાધુની ઉત્તમ રીત છે. સાધુ ભૂમિ પર ચરણ માંડે છે ત્યારે ભૂમિનાં પાપમાત્ર નાશ પામે છે. સંતની ચરણરજના પ્રતાપથી અનંત તીર્થ નિષ્પાપ થઈ જાય છે. જ્યારે સંત તીર્થની સન્મુખ ચાલે છે, ત્યારે તીર્થ પણ સામે ચાલીને તેનાં દર્શને આવે છે. સંતનાં ચરણમાં તીર્થમાત્ર નિવાસ કરીને રહે છે. સંત તો જીવમાત્રને પાવન કરે છે.”23•

જેતલપુરના મહોલમાં શ્રીહરિ સંતોને કહેવા લાગ્યા, “અધિક લાભ લેવા સૌ ઘર છોડીને આવ્યા છો, લોકલાજે નામ લે, પણ અંતરમાં ખપ ન હોય તો અંતે કાર્ય બગડે છે. ભય તજીને સુખે સૂઈ રહે તે સંસારનો રાગી હોય. ઉઠાડવામાં લાભ માનીને સંતો પ્રેમથી ઉઠાડે છે. આવ્યા ભજન કરવા અને ભજનમાં લાભ મનાયો નહિ. સત્સંગમાં આવ્યા વધવા અને આદર કર્યો ઘટવાનો તેને કેવો સમજવો! મોટા સંતમાં જ્યારે દોષ દેખાય ત્યારે ભ્રષ્ટમતિ થાય. તેમનો સ્વભાવ ન ગમે અને રાતદિવસ અભાવ લે, એવા અપરાધી વિમુખ જીવો જગતમાં ફજેત થાય છે, બીજા જનો તો આદર દે પણ છેવટે દુઃખી ચિત્તે મરે. રાતદિન અભાવ કહેતો હોય તેને શાંતિ ક્યાંથી હોય! એવા અપરાધીને પણ સંત ક્ષમા આપે છે. તેની રક્ષા કરે છે, પણ પોતાના દુષ્ટ સ્વભાવને લીધે તેનો પાપનો વ્યાધિ વધતો રહે છે.

“પ્રથમથી જ તો ભગવાનની નાની-મોટી આજ્ઞા પર તાન રાખે તો મન બદલે નહિ, વિઘ્ન આવે નહિ. આજ્ઞાનો ભંગ કરી અભાવ-અવગુણમાં પડે છે, ત્યારે તેનું નિશાન ચુકાઈ જાય છે, અંગ બદલાઈ જાય છે.

“અંતરમાં મોક્ષનો થોડો પણ ખપ હોય તો સંતને નમે, ભૂલ ક્ષમા કરાવે. ખપવાળાને પોતાની ભૂલ સૂઝે ને સત્સંગમાં ટકી રહે. ખપ ન હોય તો સંતનો અભાવ લે ને પડી જાય. દિવસ-રાત સંત ભેગો રહેતો હોય ને તેને નમે નહિ તો તેને કુજાતિ જાણવો.”24•

નડિયાદમાં શ્રીહરિ સંતોને કહે, “જે ત્યાગી થયો હોય તેને ભગવાનનાં ચરણોમાં રસ અને પ્રીતિ હોય. ત્યાગીને સંસારના રસમાત્ર વિષ સમાન થઈ ગયા હોય. ત્યાગી થઈને સ્વાદ ન જીતે અને રસનો ભોગ કરે તો તેનો જોગ નાશ પામે. માછલું અધિક સ્વાદ કરે છે, તો તે જીવ ખુવે છે. સંસારનો સ્વાદ લે તેને જન્મમરણ ભોગવવા પડે છે.”25

નરસંડામાં શ્રીહરિ સંતોની પંક્તિમાં લાડુ પીરસવા લાગ્યા, “સંતો, મહારાજો! લાડુ લિયો,” એમ બોલતા જાય ને એક એક સંતને ભાવથી પીરસતા જાય. એમ સંતો તૃપ્ત થયા ત્યાં સુધી પીરસ્યું, પછી શ્રીહરિ બોલ્યા, “સંતોને પીરસવાની આટલી સેવા નિત્ય કરવી એવી અમારે ટેવ પડી છે. સંતની સેવાથી અંતરમાં લાભ થાય છે. સેવા વિનાના લાભને અમે લાભ માનતા નથી, એ બધો અલાભ છે. સમયે સમયે જાતજાતનાં સાધન શાસ્ત્રોએ કહ્યાં છે, એ બધાં સાધનનું ફળ સંતની સેવા મળે એ છે. સંતની સેવા કરે તેના પર ભગવાન તત્કાળ પ્રસન્ન થાય છે. સંતની સેવા પણ ધર્મ રાખીને કરવી, તો જ તે ફળીભૂત છે. ધર્મ વિનાનાં કોટિ સાધન કરે તોપણ તેને મોટી પ્રાપ્તિ થતી નથી.”26

વડતાલમાં બાપુજી પટેલને ઘરે શ્રીહરિએ સંતોની પંક્તિ કરીને ડંકા ભરી ભરી કંસાર પીરસ્યો. ‘વાસુદેવ હરે’ થયા અને સંતોએ જમવાનું શરૂ કર્યું તે વખતે શ્રીહરિ કહેવા લાગ્યા, “સંતની સેવા કરવી તેમાં અમે મોટપ માનીએ છીએ. સંતની સેવા સમાન બીજું સુખકારક પદાર્થ જગતમાં નથી. સંતની સેવા કરીને માયિક પદાર્થ ઇચ્છે તે નરને પશુ જેવો પામર જાણવો.” એમ કહીને શ્રીહરિ સંતોને સંબોધી કહેવા લાગ્યા, “સંતના દાસ થઈને રહે ત્યારે સંતના ગુણ આવે, અને ગુણ શીખે ત્યારે સંત કહેવાય. ખાલી સંતનો વેષ ધરવાથી ગુણ આવે નહિ. સંતો પણ ભેગા રહેતા હોય તેણે એકબીજાનો ભાર રાખવો અને એકબીજાના ગુણ શીખવા અને કહેવા. અવગુણ કોઈ રાખવો નહિ. જીવમાં કંઈ દોષ હોય અને સંત તેને દેખાડે તો તે તજી દેવો. પોતાના દોષ પોતાને દેખાય નહિ એવો જીવમાત્રનો સ્વભાવ છે. દેહ-ઇન્દ્રિયો અંતઃકરણ વગેરે દોષરૂપ જ છે. જેટલો આ જીવને દેહનો ગુણ છે તેટલો કુસંગ છે અને તેટલાં જન્મમરણ અને યમયાતના છે. માટે સ્વપ્નમાં પણ તેનો ગુણ ન મનાય તેનો વિચાર કરવો, અને તે દોષ કોઈ દેખાડે તો રાજી થાય તેને સંત જાણવા. દેહના મમત્વથી રહિત થવું એ જ સંતનો પાકો પાયો છે.

“પોતાના ગુણમાં પણ દોષનું રૂપ જોવું એ જ સાચી સાધુતા છે. સાધુ થવું તે સાધનમાત્રમાં કઠણ સાધન છે. જ્યારે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થાય છે ત્યારે તે સર્વોપરી સાધુ કહેવાય છે. ભેખ લીધો પણ દેશ દૂર રહી ગયો, તેણે કરી સાધુના ગુણ પણ અધૂરા રહે છે. અને તેના પર મોટા સંત પ્રસન્ન થતા નથી.

“મોટા સંત રીઝે ત્યારે સાચી સાધુતા આવે. સઘળી બ્રહ્મવિદ્યા સાચી સાધુતામાં સમાઈ જાય છે. બ્રહ્મવિદ્યા વરી તેને સર્વોપરી સાધુ જાણવો.” શ્રીહરિએ ભોજન પીરસતાં પીરસતાં આટલી વાત કરી.

‘બ્રહ્મવિદ્યા કહાવત જેતિ, સર્વોપરિ સાધુ હોનાં તેતિ;

ઇતનિ કરી હરિ બાત હિ જેહા, ભોજન પિરસત પિરસત તેહા.’27

મેઘપુરમાં જન્માષ્ટમીના સમૈયા ઉપર આવેલા ભક્તોને શ્રીહરિએ શીખ દેતાં કહ્યું, “ઉપરથી રાખેલી સાધુતા કામ ન આવે. ઉપરથી અને અંદરથી બન્ને પ્રકારની જોઈએ તો મોક્ષ થાય. તે વિના મોક્ષ થતો નથી.

“નિર્દંભ પુરુષના દ્વારા મોક્ષનો માર્ગ શોભે છે. દંભી તો અધોગતિ જ પામે છે. નિર્દંભ સાધુના સંગથી જગતના બધા મેલ ધોવાઈ જાય. એવાના સંગે પણ અંતરનો મેલ ન જાય તો જાણવું કે તેને ભારોભાર કુસંગ થાય છે. મેલ રહે તેટલો કુસંગ અને તેટલું દુઃખ થયા વિના રહે નહિ.”28

મોડા ગામમાં પુરજનોનો ભાવ જોઈ શ્રીહરિ કહે, “સંત અને હરિ વિના સત્સંગનો પટ કોણ આપે? નિર્લોભ, નિષ્કામ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ આદિક સંતના મહાગુણ છે, અને મોક્ષ માટે અમૂલ્ય આભૂષણ છે. આ સંતના ગુણ ભવ-બ્રહ્માદિ દેવતાને દુર્લભ છે. તેને કોઈ ઉપાયે આ ગુણ પ્રાપ્ત થતા નથી. સંતના અંગે રહેલાં આ ગુણનાં આભૂષણ જે જન દેખે છે તેને ભગવાનનો રંગ ચઢે છે. તેનામાં રહેલો મોક્ષનો અંકુર પ્રગટે છે. ખપ પ્રગટે છે. ખપ હોય તેટલો અભ્યાસ થાય. ખપનો અંકુર ઉદય થાય તેવી વાત સંતને આવડે છે.”29

ધોરાજીમાં શ્રીહરિ સંતો પર હેત લાવીને નિત્ય કહેતા, “ધનરૂપી માયા હોય ત્યાં સુખ રહે નહિ. ગૃહસ્થ ભક્તને પણ એ માયા કોટિ ક્લેશ કરાવે છે તો જે ત્યાગી છે તેને તો અનંતગણો ક્લેશ થાય.”30

શ્રીહરિએ ધોરાજીમાં સંતોને સભામાં બોલાવીને વાર્તા કરી, “વિમુખજન ચાહે તેવું બોલે, પણ સંતોએ પ્રસન્ન થકી સહન કરવું. સહનશક્તિ એ બધી મોટપમાં અધિક મોટપ છે. સાધુએ શુક-સનકાદિકની રીતને ગ્રહણ કરવી. સાધુનો મુખ્ય ધર્મ નિર્માનીપણું છે. નિર્માનધર્મ વિનાનો ત્યાગ ત્યાગીને શરમરૂપ છે. નિર્માની સંત દુર્લભમાં દુર્લભ છે. ભગવાનને તે અતિ પ્રિય છે. નિર્માનમાં અપાર મોટપ રહેલી છે.

“બીજાને ક્રોધ ચઢે એવું વચન સંત ક્યારેય બોલે નહિ. મુખથી કોઈનું ઘસાતું બોલવું નહિ. શાસ્ત્રની રીત શીખવી. શુક-સનકાદિક બોલ્યા છે તે પ્રમાણે બોલતાં શીખવું. શીખ્યા વિના આવડે નહિ. વાત કરવાની કળા તો વશીકરણ મંત્ર કહેવાય છે. નિર્માનીપણું રાખ્યા વિના જેટલી કસર રહી જાય છે તે દેખાઈ આવે છે, એમાં દંભ ઢાંક્યો રહેતો નથી. વિવિધ રસ મળે ત્યારે નિઃસ્વાદપણું છૂપ્યું છુપાતું નથી, તેમ જ કોઈ કુત્સિત શબ્દ બોલે ત્યારે નિર્માનીપણાની ખબર પડે. એમ નિર્લોભપણું, નિઃસ્નેહપણું, નિષ્કામપણું વગેરે તે તે પ્રસંગ પડે ત્યારે જણાયા વિના રહે નહિ. નિયમરૂપી કોટમાં રહેવું. સત્સંગરૂપી વહાણથી શ્વપચ સુધીનાં અનંત નરનારીઓ સંસાર તરી જાય છે તો ભગવાનના યોગમાં આવેલા ત્યાગીની શી વાત કહેવી?”31

જૂનાગઢમાં શ્રીહરિએ સંતોને બહુ વાતો કરી કહ્યું કે, “જે મનનું કહ્યું ન કરે તે મોટા સંત જાણવા. વારે વારે સાવધાન રહે ત્યારે મનરૂપી શત્રુ ઓળખાય. દમ્યા વિનાના હાથી ને ઘોડા જેમ ઉન્મત્ત હોય છે, તેમ દમન વિનાનું મન પણ એવું છે. માટે તેને પકડવાની રીત શીખવી.

“હરિઇચ્છાએ પંક્તિમાં જે વસ્તુ ફરતી હોય તેનો વિચાર કરીને પોતાની ભૂખ પ્રમાણે લેવી. મન માગે તે માગીને લે અને મનને ન ગમે તે ન લે એ સાધુ મનને વશ વર્તે છે એમ જાણવું.”32

મુક્તમુનિએ શ્રીહરિએ કહેલી વાતો ગઢપુરમાં કહી, “શ્રીહરિ કહેતા કે - ધન નારી જ્યાં સુધી ઉરમાં રહ્યાં હોય ત્યાં સુધી કાચો ત્યાગી ગણાય. અંતર-બહાર ત્યાગી થઈને રહે તે પાકો ત્યાગી ગણાય. ત્યાગીનું વર્તન સત્સંગમાં દર્પણ જેવું છે. પાકી સમજણવાળા સંસારના સુખને ઇચ્છતા નથી. સંસારનાં સુખનું વમન કરી નાખે ને પછી ઇચ્છે જ નહિ એવા ત્યાગીને સાચા ત્યાગી માનવા. વિષયો પ્રત્યે દશ ઇન્દ્રિયો ને અંતઃકરણમાંથી ઊલટી કરેલા અન્ન જેવો એ અભાવ રાખે છે. એક પણ ઇન્દ્રિયમાં રાગ હોય ત્યાં સુધી ત્યાગ કાચો છે.”33

રામજી સંપ્રદાયમાં જે મુમુક્ષુ સંતો હતા તે દ્વારકા દર્શન કરીને પાછા ફરતા હતા, ત્યારે શ્રીહરિનો યોગ થઈ ગયો. તે સંતોમાં કેટલાક શસ્ત્રબંધી હતા, કેટલાક બંદૂકો રાખતા. આનંદમુનિના મંડળના સંતો તેમને મળ્યા તે બધા પૂર્વદેશના હોવાથી ભાવ થયો. સત્સંગની વાત સાંભળી શ્રીહરિને ભગવાન જાણીને રહી ગયા. શ્રીહરિને કહે, “અમને પણ દીક્ષા આપો. તમને છોડીને અમે જવાના નથી.”

ત્યારે શ્રીહરિ કહે, “તમે ભારે અડબંગી છો. વારે વારે ગાળો બોલો છો. ગાંજો, લીલાગર પીઓ છો. એકલા ચાલો છો. નારી સાથે બોલો છો. ધન મળે તો રાખો છો. હથિયાર રાખો છો. સ્વાદે કરીને અન્ન ખાઓ છો. અમારા સંત એવું કંઈ કરતા નથી. જડભરત, શુક અને કપિલની પેઠે વર્તે છે. કોઈ મારે કે ગાળો દે તે સહન કરે છે. તેઓ ક્ષમારૂપી ખડ્ગ અને ધીરજરૂપી ઢાલ અને બ્રહ્મચર્યરૂપી બંદૂક રાખે છે. નિર્માલ્ય દેખાય છે, પણ નિયમથી શૂરવીર છે. અને નિયમરૂપી હથિયાર સર્વથી શ્રેષ્ઠ છે. શત્રુમાત્ર તેનાથી પરાભવ પામે છે.”

આવાં શ્રીહરિનાં વચન સાંભળી પૂર્વદેશના સંતોએ લોઢાનાં હથિયાર છોડી દઈને હરિવચનમાં પ્રેમ કર્યો. પોતાની કંઠી માળા ઉતારી દીધી. લોકો તે જોઈને આશ્ચર્ય પામી ગયા. શ્રીહરિનો પ્રતાપ જોઈ સર્વે પરમહંસ થઈ ગયા. મોટી મોટી જટાઓ ધારી હતી તે શ્રીહરિ મળતાં ઉતારી દીધી. અગ્નિમાં બેસે છતાં બળે નહિ એવા સિદ્ધોએ પણ કેશ ઉતાર્યા. જળ ઉપર ચાલે અને ધારે તેમાં પ્રવેશ કરે એવાએ પણ જટા ઉતારી, અને શ્રીહરિએ કહ્યું તે પ્રમાણે કરવા લાગ્યા.34

માંગરોળમાં મધ્યરાત્રિ વીતી ત્યાં સુધી કથા, કીર્તન અને ધ્યાન થયાં. પછી શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “નિદ્રા, ભૂખ, તરસ વગેરે દેહના ધર્મ છે, પણ તેને નિયમમાં કરવાં. દેહને વધુ પડતો આહાર ન આપવો. ત્યાગી અને ગૃહીના નિયમ કહ્યા છે તેમાં દેહને વર્તાવવો. ભગવાન અને સત્પુરુષ વિના વેદ, નિયમ કે નીતિની વાત કોઈ પ્રવર્તાવી શકે નહિ. જેનું વર્તન દેહાકાર હોય તે વેદ ભણે તોય તેના અર્થને લેશ પણ પામી શકે નહિ. ભગવાન અને આત્મદર્શી સંત વેદનો અર્થ જાણે છે. સંત પોતે જ મૂર્તિમાન વેદ છે.

“અમારી સમજણ જે રીતે રહી છે તેને આત્મદર્શી સંત યથાર્થ જાણે છે, ને તમને હેતે કરીને શ્રેય કરવા માટે કહે છે. વેદશાસ્ત્રના મત અનુસારે અમારાં વચન બધાં સુખ આપનારાં છે. આ પ્રમાણે સમજીને જે વર્તે છે તે અક્ષરધામને પામે છે. અમારાં વચનનો જેને ભાર નથી એવા જનો જમપુર જાય છે એ નિશ્ચય જાણજો.” એટલી વાત કરી શ્રીહરિ પોઢી ગયા.

સવારે અરુણોદય થયો ત્યારે સંતોએ ઊઠીને નારાયણધૂન કરી. શ્રીહરિ કહે, “સંતો, હરિજનો જે જે નગર અને ગામમાં ધૂન કરે છે તેને અમે ત્યાં જઈને સાંભળીએ છીએ. વળી, સંતો, હરિજનો પ્રેમથી કીર્તન ગાય છે, તેને પણ અમે પ્રત્યક્ષપણે જઈને સાંભળીએ છીએ. એવી અમારી સદાની રીત છે.”35

લોજમાં શ્રીહરિએ સંતોને કહ્યું, “તમારા એક એક દ્વારા અનંત જીવો ઉદ્ધારવા છે. તમને હાથ જોડે, ભાવથી દર્શન કરે, ચરણમાં માથું નમાવે, અન્ન-જળ, વસ્ત્ર, ફળ-ફૂલ આપે તે બધા બ્રહ્માને દુર્લભ એવું અનંત અક્ષરધામનું સુખ પામશે.”36

ભૂજમાં શ્રીહરિ સંતોને કહે, “પુરની બહાર સુંદર વૃક્ષ જોઈને તેની નીચે ઉતારો કરવો. પ્રશ્નોત્તર શીખવા. જ્ઞાનનો વિચાર કર્યા કરવો. સાંખ્ય અને યોગનો અભ્યાસ નિત્ય રાખવો. ગીતા-ભાગવતનું શ્રવણ વારંવાર પ્રીતિપૂર્વક કરવું. ભાગવત શીખવું - એ પરમહંસનો શણગાર છે.

“પવિત્ર ગૃહે ભિક્ષા કરવી. બે જણે ભેગા મળીને ભિક્ષા લેવા જવું. કોઈ ભાવિક ભક્ત રસોઈ બનાવીને લાવે તે અન્નના ગોળા કરવા અને તે જળનું પ્રોક્ષણ કરીને જ કરવા. જળ નાખવું તે અન્નની શુદ્ધિ છે. ઝોળીને તળિયે ઘાસ નાંખી ગોળા ઝોળીમાં રાખવા. ડાબા હાથમાં ગોળો લઈ ગ્રાસે ગ્રાસે સ્વામિનારાયણ કહીને જ જમવું.”37

ખોખરા મહેમદાવાદમાં શ્રીહરિ સંતોને કહે કે, “અમારા ધામમાં જે સુખ છે તેની આગળ અનંત કોટિ બ્રહ્માંડનાં સુખ સૂર્ય પાસે દીવા જેવાં દેખાય છે. એ ધામના તમે અધિકારી છો. તમને અમારો પ્રતાપ દેખાતો નથી, તેથી અંતર ભારે રહે છે, પણ તમારા એક એક દ્વારાએ અનેક જીવોનો ઉદ્ધાર કરવો છે. તમે મોક્ષના બીજરૂપ છો. અમે જે કંઈ વાત કરીએ છીએ, તે પ્રત્યક્ષ દેખીને કહીએ છીએ. તમે તેને દેખતા પણ નથી ને જાણતા પણ નથી.”

‘કરત હમ જેતિ વાત હિ, પ્રત્યક્ષ સો દેખાત.

તુમ દેખત જાનત નહિ, એસે હે યહ બાત.’38

શ્રીહરિએ ખોખરા મહેમદાવાદમાં સંતોને કહ્યું, “વર્ણી, સંન્યાસી, પરમહંસ, સંત, સાધુ - એમ જેટલા કંઈ ત્યાગીમાત્ર કહેવાય છે તેમણે નાનું સરખું પણ આયુધ ન રાખવું. જો રાખે તો તે જગતના બંધનનું કારણ બને છે. વળી, ત્યાગી થઈને ધન અને સ્ત્રીનો ત્યાગ પણ સર્વપ્રકારે રાખવો જોઈએ. છાને-છપને પણ ધન-નારીનો યોગ સાધુને લાંછન લગાડે છે. વળી, તેને સંગે પાપ પણ મોટું લાગે છે.” એમ વાત કરી શ્રીહરિ પુર બહાર આવ્યા અને વહેલાલ તરફ ચાલ્યા.”39

ખોખરા મહેમદાવાદમાં શ્રીહરિએ સંતોને કહ્યું, “દરેક આગેવાન સંતોએ ગામડામાં ફરવું. અમારા વચનરૂપી કોટમાં નિરભે થઈને રહેવું. તો માયા પ્રવેશ કરશે નહિ અને બંધન કરશે નહિ. દિવસે ગામની સમીપમાં રહેવું. મધ્યાહ્‌નકાળે ભિક્ષા માગવી, ભગવાનની ઇચ્છાએ જેવું અન્ન ઝોળીમાં આવે તે ઉદર ભરાય એટલું થાય ત્યાં સુધી ભિક્ષા માંગવી. સૂકું, લૂખું, પત્ર, કંદ, મૂળ, ફળ ઇત્યાદિનો આહાર કહેવાય, છતાં અમે અન્ન જમવાની છુટ્ટી આપી છે, જેથી તમે જેનું અન્ન જમો, એવા ઘણાય જીવોનો ઉદ્ધાર થાય.”40

કચ્છમાં કાળાતળાવ ગામે શ્રીહરિ બધા સંતોને મળ્યા અને કહેવા લાગ્યા, “અમારે તમારા દ્વારા કેટલાંય કામ કરવાં છે. તમે અમારા કલ્પવૃક્ષ સમાન છો. તમારાથી મને કોઈ અધિક પ્રિય નથી. તમે અમારા પ્રિય છો એમ જાણીને અમને જે વાત ગમે છે તે તમને કહીએ છીએ. તેનાથી તમારી કીર્તિ વધશે. કીર્તિ પામીને મરવું તે શ્રેષ્ઠ છે.

“અમારી આજ્ઞાથી નિર્ભયપણે એકાકી વિચરવું. સતી અને શૂરવીર મરવા માટે ટૂક ટૂક થઈ જાય છે. પતંગિયું અગ્નિમાં બળી જાય છે. એવા શૂરવીર થવું. જગતના જીવો તુચ્છ છે ને તેની કીર્તિ પણ તુચ્છ છે. ભગવાન અને સંતને અર્થે જેટલું કષ્ટ સહન કરે તેટલી કીર્તિ વધે છે.

“ભગવાનનું ધ્યાન સ્થિર આસન લગાવીને કરવું. દેહમાં વૃત્તિ લેશ પણ રહે નહિ તે રીતે ત્રણ દેહ, ત્રણ ગુણ ને ત્રણ અવસ્થાથી પોતાનું સ્વરૂપ ન્યારું (અક્ષર) સમજવું. જીવના સાચા સંગી ભગવાન તથા ભગવાનના સંત છે. રાતે સ્ત્રીઓનો શબ્દ સંભળાય નહિ એટલે ગામથી દૂર રહેવું. તેવી જેની સમજણ હોય તે જ સાચી સમજણવાળા છે. ધ્યાનનો અભ્યાસ કરતાં દેહની સ્મૃતિ ન રહે, અને સ્મૃતિ થાય તો ફરીથી ધ્યાનમાં બેસવું. લઘુ કરવા ઊઠવું પડે તો ફરીથી ત્યાં જ આસન ન કરવું. દેહ અને કુટુંબીની પેઠે આસનનો મમત્વ પણ તજવો. ભગવાન તથા સંતો અને હરિભક્તોનું કથા-કીર્તન, સ્મરણ, શ્રવણ કર્યા કરવું.”41

ઘોડાસરમાં ઝાલમસિંહ બાપુના દરબારમાં શ્રીહરિ કહે, “દુઃખી (રોગી) સંતની સેવા મોટા ભાગ્યવાનને મળે છે. ધ્યાન કરીને વારંવાર મૂર્તિનો સાક્ષાત્કાર કરે, તોપણ તે દુઃખી સંતની સેવા તુલ્ય થઈ શકે નહીં. રોગી સંતની સેવા કરે તે મારી સેવા કર્યા બરાબર છે. એ સેવા તો રાધા-લક્ષ્મી જેવાં ભક્તો પણ ઇચ્છે છે, પણ તેને મળતી નથી.

“દુઃખી સંતની સેવા કરે તેને કરોડ મહાપાપ લાગ્યાં હોય તોપણ નાશ પામે. કોઈ પણ પદાર્થની લાલચ વિના જેઓ સેવાની ભાવનાથી જ દુઃખી સંતની સેવા કરે છે તે ભગવાનના ધામમાં જાય છે. લાલચથી સેવા કરે તે ધામને પામે નહિ. દુઃખી સંતને દેખી તેની સેવાની જે ઉપેક્ષા કરે છે તે ચાંડાલથી પણ અધિક ચાંડાલ કહેવાય છે. કોટિ જ્ઞાન કથતો હોય પણ તે અંતે બહુ દુઃખી થાય છે. સંતો ને હરિજનો પર જેની વૈરબુદ્ધિ થઈ તેની અતિ દુર્ગતિ થાય છે. તે ગમે તેવો મોટો હોય તોપણ અમે તેની સહાય કરતા નથી. દયા વિના મોટાઈ શોભે નહિ.”42

ડભાણમાં શ્રીહરિ કહે, “સાધુતામાં અપાર મોટપ રહી છે. મોટા રાજાઓ પણ સાધુતાને નમે છે. સાધુતા આગળ ચૌદ લોકના કોઈ પણ સુખની ગણના નથી. અંતર્યામી પ્રભુ, જે જેટલી સાધુતા રાખે છે તેને જાણે છે.”43

ડભાણમાં શ્રીહરિ કહે, “અમારો અને મોટા મોટા સંતનો જે ડર રાખે છે તેના ઉપર અમે પ્રસન્ન થઈએ છીએ. મોટા સંત અને મોટા હરિભક્તો સભામાં જેને પ્રમાણ કરે તેને અમે પૂરા સંત માનીએ છીએ. જે સંતો સરલ સ્વભાવે વર્તે અને કોઈની સાથે દાવ બાંધે નહિ તે અમને ગમે છે. જે સંતે પોતાના કરતાં એક દિવસ પણ આગળ દીક્ષા લીધી હોય તેની અદબ રાખવી, એ ગુણે કરીને દીન વર્તતા હોય તોપણ તે મોટા છે એમ જાણી તેની સાથે વિવાદ ન કરવો. આમન્યા રાખવી.

“સાધુ, બ્રહ્મચારી, પાળા તમે સૌ અમારા કહેવાવ છો, એટલે તમારા સુખ માટે અમે આ તમને વિવેક શીખવીએ છીએ. જો આ પ્રમાણે નહિ વર્તો તો તમારી મોટપ રહેશે નહિ. જે દિવસે અદબ ચૂક્યા, તે દિવસે સામાન્ય ભેખ જેવા પણ નહિ રહો. મોટા સંતનો ડર અને ઝાઝાં ચોમાસાંવાળાની અદબમાં મોટપ રહેલી છે. ડર અને અદબ એ બધા જનને દેખ્યામાં આવે. સંત થઈને સંતને દબાવે તો તે પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. સર્વે સાધુ, બ્રહ્મચારી ને પાળાને આ રીત અમે પરમ હેત લાવીને કહી છે. સત્સંગમાં મોટપ લેવાની ઇચ્છા હોય તો ડર અને અદબ બહુ કરીને રાખજો. ખાવામાં-પીવામાં, આસનમાં, નાહવા-ધોવામાં બધી ક્રિયામાં આ વિવેક શીખવો. સંતનું આ ભૂષણ છે.”44

કચ્છમાં વિચરતા શ્રીહરિ માંડવીના માર્ગે ચાલ્યા. વચ્ચે અંજારનો માર્ગ ફંટાયો. ત્યાંથી સંતમંડળ શ્રીહરિથી જુદું પડતું હતું. શ્રીહરિએ સંતોને કહ્યું, “ભક્તિમાં મગ્ન રહેવું. મન મૂંઝાય ત્યારે અમને કહેવું, અનાદિકાળથી મન જીવને લખચોરાશીમાં ફેરવે છે. વારંવાર જન્મ-મરણ લેવડાવે છે. મન સદા માયાનો દાસ થઈને રહ્યું છે. તેનો નિવાસ જ માયામાં છે. પરંતુ એ માયા અક્ષરના મહા તેજમાં લીન થઈ જાય છે. તે દૃષ્ટાંતથી કહીએ છીએ જે, જેમ તારામંડળનો પ્રકાશ રાત્રે પૃથક્ પૃથક્ દેખાય છે, પણ સૂર્ય ઉદય થતાં બધા તારા તેમાં લીન થઈ જાય છે, તેમ માયા અક્ષરમાં લીન થઈ જાય છે. જીવ જ્યાં સુધી માયાનો સંબંધ એકરસ થઈને કરે છે, ત્યાં સુધી માયારૂપ થઈને માયામાં લીન રહે છે. પરંતુ, જેવો માયાનો સંબંધ છે તેવો સંબંધ જો અક્ષરનો અને શ્રીહરિનો કરે તો ચોરાશીના ફેરા ટળે.”45•

ગઢપુરમાં શ્રીહરિ મુક્તમુનિને કહે, “મોક્ષ સંબંધી જ્ઞાન સંતના યોગ વિના પ્રાપ્ત થતું નથી. પિંડ અને બ્રહ્માંડમાં જીવની વૃત્તિ ચોંટી રહી છે. સંત જ્ઞાનરૂપી કુહાડાથી તેનાં મૂળ કાપે છે ને જીવની વૃત્તિ ભગવાનમાં ચોંટાડે છે. એ જીવે ત્યાં સુધી સંતની આગળ નિર્માનીપણે વર્તે. પોતાનામાં ઘણું જ્ઞાન હોય અને સંતમાં તેટલું જ્ઞાન ન હોય, છતાં સંતનો ગુલામ થઈને રહે, તેમની સાથે વાદવિવાદ કરે નહિ. ભગવાનનાં વચન પાળે, સંતનો અભાવ બોલે નહિ, દેહમાં રોગ થાય અને કોઈ સંત પોતાની ખબર ન રાખે, છતાં સંતનો ગુણ ગ્રહણ કરે, તે સંત શ્રેષ્ઠ છે.”46

ગઢપુરમાં જીવેન્દ્રના દરબારમાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “અમે તો સાધુનો માર્ગ ગ્રહણ કર્યો છે, તેથી કોઈનું ભૂંડું થાય તેમ ઇચ્છતા નથી. તેનો ઉદ્ધાર થાય એમ જ વિચાર કરીએ છીએ. ગ્રંથમાં શુભગુણ અપાર લખેલા છે. જેવી જેની રુચિ હોય તે ગ્રહણ કરે, પણ સાધુતામાં જ બધા ગુણ રહેલા છે. એથી અમે જે જે કામ કરીએ છીએ તે સાધુતા રાખીને જ કરીએ છીએ.”47

શ્રીહરિએ ડભાણમાં વાત કરી કે, “સાધુતા તજીને મેરુ જેવી મોટી મોટી વાતો કરે, તો પણ તે અસર ન કરે. સાંભળે તેને અપ્રિય લાગે. સાધુતા રાખીને અલ્પ સરખી વાત કરે તો પણ સમાસ થાય ને બધાને પ્રિય લાગે. કોઈ સાધુ વાતને ફેરવતાં ફેરવતાં સ્વાર્થ ઉપર લાવે ને યુક્તિથી વાત કરે તેનાથી સમાસ થાય નહિ. સત્સંગ કરીને જેને અભાવ આવે છે તેને તે પાપથી ભૂત કે બ્રહ્મરાક્ષસ થવું પડે છે.”48

જેતલપુરના મહોલમાં શ્રીહરિ સંતોને વાત કરતાં કહેવા લાગ્યા, “હથિયાર કરતાં સાધુતાની મોટાઈ અધિક છે. અંતઃશત્રુ મોટા અસુર છે. તે તોપથી પણ મરતા નથી, પણ નિષ્કામ, નિર્લોભ, નિઃસ્વાદ, નિઃસ્નેહ, નિર્માન - એ પંચવર્તમાન તોપથી અધિક છે. તે કોઈને દેખ્યામાં આવતું નથી. જેને પ્રગટ ભગવાન મળે અને તેને પ્રસન્ન કરવા માટે જે તેમના વચનમાં વર્તે, તેને સહેજે પ્રાપ્ત થાય છે. જગતમાં જે વચન માને તેના પર પ્રસન્ન થાય છે, તો ભગવાનનું વચન માને તેના પર ભગવાનને હેત થાય એમાં શું કહેવું? પોતપોતાના મનમાં તો સૌ પોતાને મોટા માને છે, પણ બીજાના વચનમાં વર્તવું તે કઠણ છે. એટલા માટે અમે પ્રકરણ ફેરવીએ છીએ. જેને ખપ હોય તે જ નભી શકે. કપટ રાખ્યું રહે નહિ. એક જણ દુષ્ટ હોય તો બધા દુષ્ટ દેખાય. સોનામાં ભેગ દેખાય ત્યાં સુધી સોની તેને તપાવે છે, એમ અમે કરીએ છીએ. વચન અનુસાર જે ન વર્તે અને વિષયમાં રાગ રાખે તથા સાચા સંતથી વધારે ત્યાગ દેખાડે, અમારો ડર રાખે નહિ, તેને માટે આજે પ્રકરણ ફેરવીએ છીએ:

અમારા સંતોએ મોઢા ઉપર વસ્ત્ર રાખવું. જેટલા સંત ભેગા રહેતા હોય તેમાં એક સંતે આગળ ચાલવું. જેની નેત્રવૃત્તિ નિયમમાં રહેતી હોય, એવો જે બધાયની નજરમાં આવે તેવો પીઢ સંત હોય તેને આગળ રાખવો. એકની નજરમાં આવે તેને રાખવો નહિ. નારીનું મુખ જેટલીવાર દેખાય તેટલા ઉપવાસ કરવા. ઉપવાસ જે નહિ કરે તેને અંત સમયે જમના દૂત આવશે. ત્યારે જે ભગવાનને તથા મોટા સંતને ‘હું ભૂલ્યો’ ‘હું ભૂલ્યો’ એમ પ્રાર્થના કરશે ને પોતે જેટલા ઉપવાસ ન કર્યા હોય તે પાપ સંત-હરિભક્તોને કહી દેખાડી, હાથ જોડીને કહેશે કે હું શ્રીહરિનો ચોર છું, મેં ઘણા અપરાધ કર્યા છે. મારા અપરાધ માફ કરો. એમ દીન-આધીન થઈ નિષ્કપટ તથા સરળ થઈને વર્તે, તેના પર સૌની કૃપા થાય છે. ઈર્ષ્યા, મત્સર અને માન રહિત થઈ સેવા કરવાની તેને રુચિ થાય ત્યારે તેનું સારું થાય.”49

જેતલપુરમાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “અમારો સાધુ જો નારી સન્મુખ જુએ તો તેને અમે લબાડ માનીએ છીએ. અમારા સાધુ થઈ જે સ્ત્રીઓ સન્મુખ બેસે ને કોઈપણ રીતે સ્ત્રીઓનો પ્રસંગ રાખે તેની મતિ વિપરીત થઈ જાણવી. અમારા વચનનું ઉલ્લંઘન કરી વર્તે તેની મહોબત અમે રાખતા નથી. સંત, વર્ણી કે પરમહંસ, પછી જે પણ નિયમ ભંગ કરે તેને સત્સંગથી બહાર કરીએ છીએ. ભલે ગમે તેવો તે ગુણવાન હોય તો પણ આ રીત રાખી છે, કારણ કે જીવ ગયા પછી કાયા શી કામની?”50•

જેતલપુરમાં શ્રીહરિ કહે, “હરિજનોએ સાધુની રીત તપાસીને ચાલવું. વળી, બાઈઓનો સત્સંગ વિવેક વિનાનો હોય છે. તેને માન દઈને બોલાવે તો આધીન થઈ જાય અને અપમાન કરે તો કલંક આપે. સીતાએ પણ લક્ષ્મણને કલંક દીધું છે. તો બીજાની શી વાત? તેનાથી દૂર રહે તો જ બચાય.

“નારીનાં બધાં અંગ કલંકરૂપ છે, તેથી વિવેકી સ્ત્રીઓ તેને ઢાંક્યાં રાખે છે અને મોટા લોકો ઓઝલ રાખે છે. વળી, પુરુષથી દૂર રહે છે, પોતાના યુવાન પુત્રથી દૂર રહે છે. જેટલા મોટા કહેવાય તેટલી લાજ રાખે છે. લાજ વિનાનાં હોય તે ફૂટલાં વાસણ જેવાં છે. ફાવે તેટલાં રૂપવાન હોય તે કામ ન લાગે.

“સુવર્ણમાં રૂપ છે તો સૌને પ્યારું લાગે છે, પણ ડાહ્યો માણસ તેમાં મૃત્યુ દેખે છે, તેમ પાંચેય પ્રકારના શબ્દાદિક વિષયો અતિ ઉત્કૃષ્ટ હોય, પણ તેમાં મૃત્યુ નજીક રહેલું છે. ભય અને દુઃખમાત્ર તેમાં રહેલાં છે. એવું જે સમજે તેના ઉપર અમને હેત થાય છે.”51

સારંગપુરમાં જીવા ખાચરના દરબારમાં શ્રીહરિ સંતોને કહે, “ત્યાગી બે પ્રકારના - ગરીબ અને પ્રપંચી. ગરીબ સરળ હોય, પ્રપંચી અધિક સાધુતાનો દંભ કરે. લોકરંજન કરવાવાળા બહુ વાતો સંઘરી રાખે.

“સરળ સંત પોતાના જીવનું કલ્યાણ કરવાનો વિચાર નિત્ય રાખે. જેમ નટ દોર પર ચાલે ત્યારે કોઈ સામે નજર ન કરે તેમ વર્તે. પોતાનું હિત કરવા તાન હોય તેને પૂજાવાની મોટપ હોય નહિ. કપટ રહિત આવા સંતની મોટાઈ ભગવાને આપી છે, પણ તે ઢાંકીને વાત કરે. પોતાની આ મોટપ કોઈ જાણી ન જાય તેનું જાણપણું રાખે છે, તેથી સંસારી તેમને ઓળખી શકતા નથી. પોતાનો કોઈ તિરસ્કાર કરે તો તેના પર રોષ કરવાને બદલે અતિ પ્રસન્ન થાય છે. કોઈ સંતના દોષ ન જુએ તેની પૂર્ણ સંતતા કહેવાય.

“પોતાની મોટપ માને ને બીજાને જણાવવા રાતદિન ઉપાય કરે, બીજાની મોટપ જોઈ હૃદયમાં બળી મરે ને પોતાને માને એવા બે-ચાર સંતોનાં વખાણ કરે ને બીજાનાં અપમાન કરે. બીજાની પૂજા-પ્રતિષ્ઠા ખમી ન શકે, તેનું અપમાન કરી જંપે, આવા બીજાને ન્યાયપ્રિય લાગે એમ કપટથી બોલે, પણ કપટ જણાવા ન દે. પોતાની પૂજા-પ્રતિષ્ઠા અપાર કરાવે અને બીજા સંતને અન્યાય કરે એવા સંસારી સંતો બુદ્ધિમાન હોવાથી અમારી બધી વાત મુખે શીખી લે, અને વાતો કરી લોકોને રંજન કરે અને સત્સંગમાં દોષ દેખાડે. આવો જે હોય તે સુંદર દૂધપાક કરી છાનું ઝેર નાખીને જમાડે તેના જેવો અમને લાગે છે.”52

સારંગપુરમાં ફૂલદોલ પર સંતોનાં મંડળ આવવાં લાગ્યાં. શ્રીહરિ સંતોને કહે, “અમારે સંતથી કોઈ અધિક નથી. કેટલાક સંતો વિવિધ ગ્રંથ ભણે છે, પણ પ્રથમ સંતનો ગુણ શીખીને ભણવા લખવાનું શીખવું. સંતની વાત શીખે, પણ અંતરમાં ભગવાન વિના બીજો વિચાર રાખે તો તે હરિનો ચોર છે.

“મોટા સંત હિત લાવીને તેને વાત કહે, પણ એ છેટે રહે છે. તોપણ સંતની રીત જીવને સુધારવાની છે, તે તેની પાસે જઈને શિખામણ દે છે, પરંતુ તે ઊલટી કરી નાખે છે. ગમે તેટલું જતન કરે તોપણ તેની મતિ સવળી થતી નથી ને મનધાર્યું કરે છે. પછી સંતનો શો વાંક?

“સત્પુરુષ આકાશ જેવા છે ને સાધુ-હરિજન વાદળ જેવા છે. તે વાદળ જેવા જનની એક સ્થિતિ રહેતી નથી, આવ-જા કરે છે. એક સ્થિતિ બંધાય નહિ ત્યાં સુધી ક્યારેય વિશ્વાસ ન આવે. માટે એવા હરિજન કે સાધુને ભણાવવો નહિ, તેને રાખવો જ નહિ. જો રાખવો તો પાછળથી અમને સંભારશો. જેને શિષ્યનો લોભ હશે તે અમારા વચનનો અનાદર કરીને પણ તેને રાખશે.

“સાધુ નિર્લોભી ત્યારે જ કહેવાય કે જ્યારે શિષ્યનો પણ લોભ ન રહે. મુક્તમુનિ અને બ્રહ્મમુનિ બન્ને સંત શિરોમણિ છે, છતાં શિષ્યનો લોભ જ્યારે કર્યો તો પરસ્પરનું હેત તૂટ્યું. અમી દૂર થયું. એ અલૌકિક હેત ન કહેવાય.”53•

સારંગપુરમાં શ્રીહરિ સંતોને કહે, “કૌપીન અને તુંબડાનું જતન જેટલું થાય છે તેટલું ભગવાનનું જતન થતું નથી. દેહમાં આસક્તિ છે તેવી ભગવાનમાં થતી નથી. આવો અવિવેક સાધુને રહી જાય છે. અને વારંવાર મોક્ષમાં વિઘ્ન કરે છે. પદાર્થમાં છે એવું મમત્વ ભગવાનમાં કરવું એ વાતમાં વેદ, શાસ્ત્ર અને અનંત ગ્રંથો સમાઈ ગયા.”54

કુંડળમાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “સંતો! અમારી મરજી પ્રમાણે તમારે વર્તવું. અમારા કહેવા પ્રમાણે તમે વ્રત ધારણ કર્યાં, તેથી અમે પ્રસન્ન થયા છીએ. હવે જમાડીએ છીએ તો જમો. રસોઈમાં સાકર, ઘી, ગોળ કોઈ લાવે તો લેવું નહિ, પણ ઝોળીમાં જે કાંઈ આવે તે જમવું. ઝોળીના અન્નના ગોળા વાળીને જમવા. ઝોળી વિના દૂધ, દહીં, ફળ વગેરે વસ્તુ આવે તે ખાવી નહિ. આખો દિવસ અને રાત અનિયમિત ખાધા કરવું તે પશુનો નિયમ ગણાય. ખાઈને કથાવાર્તા કર્યા વિના સૂવું નહિ. પશુ પંખી વગેરે અજ્ઞાની જીવો પણ દિવસે સૂતાં નથી. ભૂમિનું રાજ્ય કરતા હોય તે પણ દિવસે સૂતા નથી, જો સૂએ ને કેફ વ્યસન કરે તો રાજ્ય નાશ પામે. રાજા કરતાં પણ ગુરુ અને સંતો અધિક કહેવાય, કારણ કે રાજા પણ તેમને પૂજ્ય માને. ગુરુમાં ગુરુનાં લક્ષણ હોય તો ગુરુ. અને સંતમાં સંતનાં લક્ષણ હોય તો સંત. નહિ તો ત્યાગી થયે શું વળ્યું?”55

ગઢપુરમાં શ્રીહરિએ મોટેરા સંતોને બોલાવીને ત્યાગીના ધર્મો કહેતાં કહ્યું, “શાસ્ત્રોમાં ત્યાગી અને ગૃહસ્થના ધર્મો પૃથક્ પૃથક્ નિરૂપ્યા છે. તેમાં વૈષ્ણવ ત્યાગી માટે ધન-સ્ત્રીનો ત્યાગ અવશ્ય રાખવા જણાવ્યું છે. ધન-સ્ત્રી, ઘર-પરિવાર, દેહ અને દેહના સંબંધીનો ત્યાગ રાખે ને પોતાનું વાહન ન રાખે, પોતાના માટે આશ્રમ-મઠ ન બાંધે. આ નિયમોમાંથી છૂટ લે તો તેને ત્યાગના માર્ગથી ભ્રષ્ટ થયો જાણવો, એ પછી ભગવાનનો રહેતો નથી. ત્યાગી થઈને ગામ-ગરાસ રાખે, બાગ-બગીચા નિજ અર્થે કરાવે, નાનું સરખું પણ વ્યસન રાખે, અને જેટલાં કંઈ શસ્ત્ર કહેવાય છે તેમાંથી એક પણ શસ્ત્ર રાખે, કેફ કરનારી વસ્તુ અંગીકાર કરે, મુખથી ગાળ બોલે, એ અમારો સાધુ નથી.

“વળી, અમે આપેલા નિર્લોભ, નિર્માન, નિષ્કામ, નિઃસ્નેહ, નિઃસ્વાદ – એ પંચવ્રત નિયમ જેને ન હોય, ભગવાનને આધીન નહિ, પરંતુ ઇન્દ્રિયોને આધીન વર્તે, જેને ભગવાનનાં કથા-કીર્તન, ધ્યાન-ભજન, સ્મરણ ન હોય, ભગવાનને નિરાકાર કહે એવા ભેખ પાખંડી છે. તોફાની, ફેલી, ઢોંગી, કીમિયાગર, મંત્ર-જંત્ર કરનાર, એવા લોકોને સાધુ કહેવાય નહિ. તેને રાજા જેલમાં નાખે તોપણ તેને દોષ લાગે નહિ.”56

વડતાલમાં મધ્યરાત્રિ થઈ. બધા સંતો સૂઈ ગયા હતા. થોડા જાગતા હતા. શ્રીહરિ તે સૌને વાત કરવા લાગ્યા, “અમે મોક્ષની જે જે વાત કરીએ છીએ તે જે વિચારતા નથી તે કોરા રહી જાય છે. જે વાતનો અભ્યાસ થાય તે જ વાત દૃઢ થાય તે લોકમાં પણ પ્રત્યક્ષપણે જણાય છે. ભગવાનના અવિનાશી સુખમાં જેની દૃષ્ટિ પડી હોય તેની અલૌકિક સમઝણ હોય છે. એ સમઝણ દેશકાળે કરીને ક્યારેય ફરે નહિ. ભગવાન અને મોટા સંતનો ક્યારેક વિયોગ થઈ જાય ત્યારે અમે કરેલી વાતનો ખપ રાખે તો તેની સહાય થાય છે. અમે જેટલી વાત કરીએ છીએ તે અલૌકિક છે. લૌકિક સુખમાં જેની બુદ્ધિ રહે છે તેને અર્થે એ વાત આવતી નથી. ચિંતામણિ મળે પણ પારખ વિના તેને પથ્થર જ દેખે છે.” એટલી વાત કરીને શ્રીહરિ સંતોને મળ્યા અને પછી સૂતા.57

વડતાલમાં સંતમંડળ ભેગાં થયાં. સંતોએ વિવિધ તપ કર્યાં હતાં. એ જાણી શ્રીહરિ પ્રસન્ન થયા પછી બોલ્યા કે, “તમે સાચા શૂરવીર સંતો છો. વળી, એક એકથી અધિક છો અને કહ્યું તેથી અધિક કરી શકો તેમ છો એમ અમે જાણ્યું છે. પરંતુ, અમારી આ એક વાત તમે માનો કે, તમે દેહ નથી, પણ આત્મા છો. ચૈતન્યરૂપ છો. દેહ દુઃખરૂપ છે, ચેતનના સંબંધે કરીને ચેતન જેવું દેખાય છે પણ તે જડ છે. તે ફાવે તેવું રૂપવાન, ધનવાન, સત્તાવાન, બુદ્ધિમાન કે ઉદ્યોગમાં કુશળ હોય પણ આત્માનો સંબંધ ન હોય તો જડ બની જાય છે. માટે તેને જડરૂપ માનીને તમારું સ્વરૂપ આત્મા સમજો. આત્માને ચેતન સમજવો.”58

ગઢપુરમાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “સંગ્રહ ન કરવો એ ત્યાગીની ઉત્તમ રીત છે. ત્યાગી થઈને સંગ્રહ કરે તેટલું તેને બંધન અને ક્લેશ થાય છે. ભગવાન વિના બીજી વસ્તુમાં સુખ દેખાય તેટલો મૂર્તિમાન ક્લેશ જાણવો. ભગવાન સિવાય બીજી વસ્તુમાં રાગ રહી જાય તેટલી બાળકબુદ્ધિ છે. સત્સંગ કરતાં કરતાં જ્યારે જીવમાં ભગવાનથી અધિક કોઈ ન રહે ત્યારે માયાને તરી ગયો જાણવો.”59

શ્રીહરિએ પીપળાવમાં સંતોને વિવેક શીખવતાં કહ્યું, “હરિભક્તોએ રસોઈ આપી હોય તે ભાવ હોય કે સાધુ ભેળું કરીને ન જમે. ને અમને પણ કહે કે જુદું જુદું પીરસજો. અમે તેને રાજી રાખવા જુદું પીરસીએ, પણ તમારે સાધુની રીતે ભેળું કરી પાણી નાખીને જ જમવું. પોતપોતાનું તુંબડું ભરીને જ બેસવું.”60

જેતલપુરમાં સંતોને શ્રીહરિ કહે, “સંતના વર્તનમાં ફરક ન હોય અને કોઈ જૂઠું કહે તો તે નારકી થાય છે. મુક્તમુનિ સરખા સંતમાં કાંઈક ફરક જોવામાં આવે તો એક અમારી આગળ જ કહેવું પણ બીજાની આગળ ચૂપ રહેવું. જેને જેની સાથે મન જુદું પડ્યું હોય તેને તેનામાં દોષ ન હોવા છતાં દેખાય છે. માટે જેને એકમન હોય એવા પાંચ જણને દોષ જોવામાં આવે ત્યારે તે દોષ સાચો માનવો. પોતાનો દોષ જે કબૂલ કરે તેને સત્સંગનો ખપ છે અને જે ન કરે તેને ખપ નહીં હોવાથી તેની સાથે કોઈએ સ્નેહ રાખવો નહીં. જેમાં જેટલો ધર્મ હોય તેટલી મોટાઈ તે પામે છે. ધર્મ ન હોય તેને શબ તુલ્ય જાણવો.”61

વહેલાલમાં શ્રીહરિ સંતોને વાત કરવા લાગ્યા, “સંતની રીત જેવી કોઈની પરમ પવિત્ર રીત નથી. મોટા મોટા દેવ અને ઋષિઓ પણ સંતને પૂજે છે. ભગવાનને પ્રસન્ન કરવાનું તાન હોય તે સાધુ ક્યારેય વર્તનમાં ફેર પડવા દેતા નથી. જેને વર્તનમાં ફેર હોય તે સૌના દેખ્યામાં આવે છે.

“સાધુએ દિવસમાં એક વખત જમવું. બીજી વખત કોઈ જમાડે તો જમવું નહિ. એક વખત જમવાનો નિયમ હોય તે બોલો. દેહમાં ક્યારેક રોગ હોય અને અન્નની અરુચિ હોય, થોડું અન્ન ખવાતું હોય ત્યારે તથા જેના દાંત પડી ગયા હોય અથવા આખો દિવસ ભારે સેવા કરી હોય અથવા જમેલા અન્નની ઊલટી થઈ ગઈ હોય અથવા પંદર વર્ષથી ઓછી ઉંમર હોય એટલા સંતોને બીજીવાર જમવાની અમે છૂટ આપીએ છીએ.”

પછી જે એક વખત જમતા હતા તે સભામાં ઊઠીને બોલ્યા. શ્રીહરિએ તેમને કહ્યું, “તમારા નિયમનો ભંગ થવા દેવો નહિ. અમારે વર્ષોવર્ષ તમને સાથે લઈને સત્સંગમાં ફરવું છે અને ઘણી ઘણી વાતો કહેવી છે. હરિ વિના બીજે ચિત્ત દોડે છે એટલી જીવમાં કસર છે અને ભજનમાં વિઘ્ન થાય છે.”62

આણંદ જતાં રસ્તામાં શ્રીહરિ સંતોને હિતકારી વાત કહેવા લાગ્યા, “સાધુતા સમાન કોઈ નિધિ અમે જોયો નથી. સાધુતા જેવી કોઈ પદવી નથી. એ પદનો મહિમા અપાર છે. સાધુતા આગળ પારસ, ચિંતામણિ કે કલ્પતરુની કોઈ ગણના નથી. અવતારો પણ સાધુને ભાવથી માને છે. રાજારૂપે આવે તો પણ તેમના શિષ્ય થાય છે. માટે સાધુતાનું પદ સર્વથી અધિક છે. આવું ઊંચું પદ જાણ્યા વિના સાધુતામાં કાચો રહે તે સંત ભેગો રહેતો હોય તોપણ તેનામાં રહેલા અન્ય ગુણો નિષ્ફળ થઈ જાય છે. કામ પડ્યા વિના સાધુતાનો ગુણ દેખાય નહીં. સાધુ સાધુ સરખા જ લાગે. સાધુતા સમય આવે પરખાય છે.”63

વડોદરામાં મુક્તમુનિએ સભા જીતી ત્યારે બે સાધુને ઈર્ષ્યા આવી, તે પર શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ઈર્ષ્યા સમાન કોઈ બીજો દોષ નથી. વિમુખ થાય પણ મરે ત્યાં સુધી ઈર્ષ્યા જાય નહિ. મોટા દૈત્યોએ મરવા છતાં ઈર્ષ્યા મૂકી નથી. સંત થઈને ઈર્ષ્યા રાખે તે દૈત્ય સમાન છે. જેનામાં ઈર્ષ્યાનો સ્વભાવ છે તે અમોને ગમતા નથી. તેને અમે સંત કહેતા નથી. તેવી જ રીતે માન, ક્રોધ, કામ, લોભ, મત્સર, અસૂયા વગેરે દોષો છે તે સંતને વિપરીત કરી દે છે. એમાંથી એક પણ હોય તો આખો અધર્મ સર્ગ આવીને વસે છે.

“સંત સંતમાં બહુ સાવધાની રાખવી. જેટલું ગાફલપણે વર્તાય તેટલો અધર્મ સર્ગ પેસી જાય છે અને ખુવાર કરે છે. છીંડું પડ્યા પછી સંતપણું ટકવું કઠણ છે. સંત સમાન કોઈ મોટાઈ નથી, પણ મહિમા ન હોય ત્યાં સુધી બાળકને ચિંતામણિ મળી હોય પણ તેને પથ્થર સમજે તેના જેવું છે. મહિમા વગર રંકપણું ન જાય. સંત ભેગા રહીને સંતનું માહાત્મ્ય ન સમજાય તો રંક રહ્યા ગણાય. ભેગા રહીને વિમુખ બન્યા.

“માહાત્મ્ય વિના બીજા ફાવે તેટલા ગુણો હોય પણ મોક્ષ થાય નહિ. નરકમાં પડેલા જીવ પણ ભગવાન કે સંતનું માહાત્મ્ય સમજીને તેમને એકવાર સંભારે તો ધામમાં જાય છે. અને ધામમાં બેઠો હોય પણ માહાત્મ્ય ન હોય તો ઘોર નરકમાં પડ્યા સમાન છે. સુખ અને શાંતિમાત્ર માહાત્મ્યમાં રહેલાં છે. નિયમ અને ધર્મ વિનાનું માહાત્મ્ય સાચું નથી, પણ કપટરૂપ છે. સંતનો વેષ ધરીને અંતરમાં જેટલું કપટ રાખે છે તેવું ફળ થાય છે.”64

આદરજમાં રતુ ખાંટના ભક્તિભાવને વશ થઈ દિવાળી અન્નકૂટ કરવા શ્રીહરિ સંતમંડળ સહિત પધાર્યા. દીપમાળા પ્રગટી. આરતી, ધૂન થઈ રહી. પછી શ્રીહરિ પ્રસન્ન થઈને સંતોને ઉપદેશ વચન કહેવા લાગ્યા કે, “જેનામાં સંતના ગુણ છે તેને અમે સૌથી અધિક ગુરુ કરીને માનીએ છીએ. તેની મોટાઈ જે સહન ન કરે તે સંતમાં રહી શકતો નથી.

“સંતને મોટાઈ વીંછણ જેવી છે.

“શ્રીકૃષ્ણ ભગવાને સૌ કરતાં સંતને વહાલા ગણ્યા છે. નારદજી પોતાને ત્યાં આવે ત્યારે શ્રીકૃષ્ણ તેમનાં ચરણ ધોઈને તે જળ પોતાના માથે ચઢાવતા ને ભવનમાં છાંટતા. દુર્વાસાને રથમાં બેસાડી તે રથ પોતે ખેંચ્યો! પાંડવના યજ્ઞમાં ભક્ત કે અભક્ત જે કોઈ ઋષિ આવ્યા તેમના પગ ધોયા, છતાં તેમની કીર્તિ અધિક ને અધિક રહી. મોટા થઈને બીજાને નમે છે તેની મોટાઈ વધે છે. સરોવર ને નદીથી સમુદ્ર અતિ નમતો છે, તો બધું જળ ગ્રહણ કરવા શક્તિમાન થાય છે. સંતમાં ગુણ હોય તે કામ પડે દેખાય છે. સંતને સેવીને શક્તિમાન થાય તેટલી મોટાઈ અમે તેને આપીએ છીએ.

“આજે દિવાળીનો શ્રેષ્ઠ દિવસ છે. આજે સૌ સંત-હરિભક્તોમાંથી જેને મોટાઈનો સ્વાદ લેવો હોય તેને અમે મોટાઈ આપીએ. આજ સુધી કોઈને તેનો સ્વાદ આવ્યો નથી. કોઈના મનમાં મોટાઈના સંકલ્પ થતા હોય તે આવો અમે રાજી થઈને આપીએ. અમારી આપેલી મોટાઈ કોઈથી મિથ્યા થશે નહિ.”65

વડનગરમાં સંતો ઊતર્યા હતા તે ધર્મશાળામાં શ્રીહરિ પધાર્યા. સંતોની પંક્તિ થઈ. શ્રીહરિએ સાકરના લાડુ સંતોને પીરસ્યા. વચમાં ચોકવાળી તે ધર્મશાળાની જગ્યા હતી તે જોઈને શ્રીહરિ બોલ્યા કે, “વડતાલ અને શ્રીનગરમાં આવી જ ધર્મશાળા કરવી છે. આવી ધર્મશાળા હોય ત્યારે સંતની પંક્તિ કરવી સારી લાગે. એમાં કોઈ અંતરાય રાખવો નથી. અંતરાયે કરીને ગૃહસ્થના ઘર જેવું દેખાય. જ્યાં બહુ સાધુઓ રહે તેમનો આશ્રમ છૂટો (અલાયદો) જ જોઈએ. ગોખ, અટારી, જાળિયાં તે નિર્દોષ સાધુને ક્યારેક દૂષણરૂપ થાય છે.

“દીવા વિનાનું સાધુનું રહેણાક દોષરૂપ કહેવાય. મેદાન જગ્યા હોય તોપણ રાત્રિમાં સાધુએ એકલા પથારી કરવી નહિ. ત્યાગી માત્રને રાતે સૂવું હોય ત્યારે એકબીજાના હાથ-પગ નિદ્રામાં અડે નહિ તેવી રીતે વિચારીને સૂવું. આ વાત ન કરીએ તો અંધારું રહી જાય. વાતનું જેટલું મનન કરે તેટલું અર્થમાં આવે છે ને પોતાનો તથા પારકો મોક્ષ એમાં રહેલો છે.”66

કરજીસણમાં સંતોને વાત કરતાં શ્રીહરિએ કહ્યું, “લોકમાં પણ જેવો વેશ ધારે છે તેવો તે ભજવી દેખાડે છે. સતીનો વેશ લેનારો અગ્નિમાં બળી મરે છે, પણ પાછો પગ ભરતો નથી. લીધેલો વેશ ભજવે નહિ તેની લાજ જાય છે. ફાતડા, વેશ્યા, ભાંડ, નાગડા હોય તે નિર્લજ્જ થઈને ફરે છે. તેથી તેમને નાક-કાનની પડી હોતી નથી, તેમનો સમાગમ જે કરે તેમને પણ તેવા જ જાણવા. સત્ વાતને ગ્રહણ કરે તેને સત્પુરુષ જાણવા. સત્ અને અસત્ એ અનાદિના માર્ગ ચાલ્યા આવ્યા છે.”67

બોટાદમાં ફાગણ સુદ એકાદશીને દિવસે સંધ્યા વખતે શ્રીહરિ ગાડા પર વિરાજમાન થયા. આરતી, નારાયણધૂન થઈ રહ્યા પછી સંતો પ્રત્યે નિયમની વાત કરી કે, “સાધુ-વર્ણીઓએ જીવતાં સુધી ધન-નારીનો ત્યાગ દૃઢ રાખવો. જેની આંટી દૃઢ હોય તે આવીને અમારે પગે અડો. આજે એકાદશી છે. કહ્યા વિના કેમ દેખાય? મનમાં જેને દૃઢ વિશ્વાસ ન હોય તે બેઠા રહેજો અને દૃઢ આંટી હોય તે જ પગે અડજો.” પછી સૌ સંત-વર્ણી પગે લાગ્યા, ને સૌ સભામાં બેઠા.

શ્રીહરિ પ્રસન્ન થઈને વાત કરવા લાગ્યા કે, “સમગ્ર બ્રહ્માંડ કાળનું ચવાણું છે. કાળ, ભગવાનની અલૌકિક કળા છે. અક્ષર સિવાય જેટલું કંઈ છે તે સર્વનો કાળ નાશ કરે છે. ચ્હાયે તેવો બળવાન પણ કાળને આધીન છે. એવા સમર્થ ભગવાન જાણી તેનું શ્વેતદ્વીપના નિરન્નમુક્તો ધ્યાન ધરે છે. ભગવાનથી ડરીને તેમનામાં ચિત્ત જોડી રાખે છે તોપણ કાળ તેને છોડતો નથી. કાળ ભગવાનને આધીન છે. મહામાયા, મહાપુરુષ, અનંત પ્રધાન પુરુષ, અનંત વિરાટ ને વૈરાજપુરુષ તથા શિવ, બ્રહ્મા, વિષ્ણુ, યમરાજ વગેરે ભગવાનને આધીન છે ને તેમની કળારૂપ છે. ભગવાનની આજ્ઞા મુજબ પોતપોતાનું કામ કરે છે. અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાનની કળા ન્યારી છે, અલૌકિક છે. જીવોના મોક્ષ માટે તે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરે છે. સર્વે બ્રહ્માંડના અધિપતિ એમની આજ્ઞામાં તત્પર રહે છે. જે વચનમાં વર્તે છે તેની સહાયતા ભગવાન કરે છે.

“જીવ જેમાં આસક્તિ કરે છે તેવા દેહને પામે છે ને દેહરૂપ પોતાને માને છે, પણ દેહથી જીવ જુદો જ છે. એ જ્ઞાન ગુરુ વગર તેને થતું નથી. દેહ જડ છે, જીવ ચેતન છે. નારી-ધન દુઃખકારી છે, તે તો અનંત જન્મથી પ્રાપ્ત થતાં આવ્યાં છે. એમ સાચા સંત છે તે જાણે છે. તેણે શુદ્ધ જ્ઞાને કરીને સંસારનો ત્યાગ કર્યો છે, તેનો મોહ રાખતા નથી. સંસાર ત્યાગ કરીને ધન-નારીને ચિંતવે તે સંત નથી. ગમે તેવાં ભોજન જમ્યા હોય, પણ તેની ઊલટી કરી નાખી હોય તો તેને ફરી કોઈ પણ માણસ ખાઈ શકે નહિ, ખાય તે માણસ કહેવાય નહિ, શ્વાન કહેવાય. માટે ત્યાગીમાત્રે અષ્ટપ્રકારે નારીથી ને ધનથી દૂર રહેવું, કારણ કે એ બન્ને સંસારનાં મૂળ છે. નારીનો વિષય એવો છે કે જીવ જે જે યોનિમાં જાય છે ત્યાં પુરુષરૂપે તેમાં મોહાંધ બને છે. વિષયથી તૃપ્ત ન થવાથી અંતે અપાર દુઃખી થાય છે. તે દુઃખનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે તેને પ્રભુમાં પ્રીતિ થાય છે. ભગવાનનો નિશ્ચય પરિપક્વ જેને થાય છે તે સ્ત્રી-ધનના ત્યાગનો નિયમ દૃઢ રાખે છે, તેની અસદ્‌ગતિ થતી નથી.”68

શ્રીહરિ જેતલપુર આવ્યા. અહીં દુઃખી(રોગી) સંતોની સેવામાં મહોલમાં રહેલાં સાધુને શ્રીહરિ ભાવથી ભેટ્યા અને ફૂલનો હાર પહેરાવ્યો. બીજા હાર રોગી સંતોને પણ પહેરાવ્યા અને વાત કરતાં કહ્યું, “ભગવાનની મરજીમાં રહે છે તે જ ભગવાનનો ભક્ત કહેવાય છે. જે ભક્ત નથી તે ચાહે તેટલું રોગનું દુઃખ સહે, પણ તેની વાસના નિર્મૂળ થતી નથી, તે તો તેના પ્રારબ્ધનું ભોગવે છે ને ભક્તને રોગ આવે છે તે અંતર શુદ્ધ કરાવવા ભગવાન રોગને પ્રેરે છે. જે સાધુ છે તે તનના રોગને ઉપદેશ સમજી મગન રહે છે. ભગવાને પ્રેરેલો રોગ સૂક્ષ્મ જેટલી પણ રહેલી દેહાસક્તિનો નાશ કરી નાખે છે. અને તેના વાસનાલિંગ દેહનું બીજ ટાળી દે છે. હરિભક્ત અને વિમુખમાં બહુ ફેર છે. સમજુ હરિભક્ત શરીરના દુઃખને ગણતો નથી. ભગવાન ભક્તના તનમાં જો રોગ ન મૂકે તો કેવળ એકલા જ્ઞાનથી તેની વાસના નિર્મૂળ થતી નથી.” પછી રોગી સંતોની સેવામાં રહેલ સાધુને કહ્યું, “રોગી સંતની સેવા અલૌકિક ભાવ રાખીને કરવી તો તે ફળીભૂત થાય છે. નિઃસ્વાર્થપણે સેવા કરે છે તેના પર અમે પ્રસન્ન થઈએ છીએ. પોતાનો કંઈક સ્વાર્થ હોય ને તે ચાહે તેટલી રોગી સાધુની સેવા કરે તેનું ફળ રતીભાર પણ મળતું નથી.”69

વડતાલમાં ગોમતી કાંઠે આંબાવાડિયામાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “સંત જેવી કોઈ પદવી નથી. સંતના ગુણોથી પર કોઈ ગુણ નથી. તુચ્છમતિ જન માટે સાધુના ગુણો શીખવા કઠણ છે. સાધુ થઈને જે માયિક પદાર્થ માટે વલખાં મારે છે ને ભગવાનના સુખ જેવું કોઈ સુખ નથી એવું જાણે નહિ તેની તુચ્છ બુદ્ધિ જાણવી. સંતના માર્ગે ચાલે છે તેનામાં સંતના ગુણ આવે છે. સંતના ગુણ અમાયિક છે અને ભગવાન પણ અમાયિક છે. તેમાં ચિત્ત પ્રોઈને ચરિત્રગાન કરતા હોય ને વચનમાં વર્તતા હોય તે સંત છે. નિષ્કપટ, નિર્મત્સર, નિર્દંભ વર્તનવાળા આવા સંત ભવસાગરમાં નાવ સમાન છે. આવા સંતને ભગવાનના સુખ સિવાય અન્ય સુખમાત્ર નર્ક સમાન લાગે છે.”70

ગઢપુરમાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “આત્મનિષ્ઠ છે કે દેહનિષ્ઠ છે તે સેવામાં દેખાય છે. સેવાનિષ્ઠ હોય તે જ સાચો આત્મનિષ્ઠ છે. જ્ઞાન અને ધ્યાનની ઓટ લઈને સત્સંગમાં ઘણા આત્મનિષ્ઠ બનશે, પણ તે આત્મનિષ્ઠ નથી. સેવા વગર તે જ્ઞાન અને ધ્યાનવાળા દંભી છે. ત્યાગીને શરીર, વચનથી ને ગૃહસ્થને ધનથી પણ ભગવાનની સેવા થઈ શકે છે. તે સિવાય બીજું કાંઈ અધિક નથી. ભગવાન અને ભગવાનના દાસની સેવા સમાન કોઈ વાત નથી. અલ્પ સુકૃતથી તે મળે નહિ.”71

ગઢપુરમાં શ્રીહરિએ નિર્માની સાધુની વાત કરતાં કહ્યું, “સાધુએ લેશમાત્ર અભિમાન ક્યારેય ન રાખવું. નિર્માની સાધુ તો કીડી જેવા જીવને પણ દૂભવે નહિ. એવા સાધુના ધર્મમાં રહે ત્યારે તે સંત થયો પ્રમાણ.”72

ગઢપુરમાં સંતોની સભામાં શ્રીહરિએ વાત કરી, “સંતે સંતની મર્યાદા રાખવી. બેસવું-ઊઠવું, આવવું-જવું, બોલવું એમાં મર્યાદા રાખવી. સંતના ગુણ તપાસવા. સંત સમાન કોઈ નથી. સંતના ગુણ નિત્ય ચિંતવે તો તે પોતાનામાં આવે. કોઈને ઉદ્વેગ થાય તેવું વચન સંતે બોલવું નહિ. જો ઉદ્વેગ થાય તેવું બોલે તો એટલી સંતના ગુણમાં કાચપ જાણવી. નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ - એ પાંચ ગુણ હોય તેને સંત જાણવા. ભગવાન સિવાય અન્ય વાતનું ચિંતવન કરે તે નામ માત્રના સંત છે.”

‘ભગવાન કું છોડ પદાર્થ તિનકે, ચિંતવન જિતના કરત ઈનકે,

સંત ભયે યહ બાત ન આયે, નામમાત્ર યહ સંત કહાયે.’73

ગઢપુરમાં સંતોને શ્રીહરિ કહે, “સંતમાં લોભ આવે છે ત્યારે વિચાર અને ધીરજ તે ધારી શકતો નથી, લોભનો પ્રવેશ તેનું સંતપણું હરી લે છે. પોતાને નિર્દોષ માને છે, અન્યમાં દોષ દેખે છે અને અંતર અતિશય મલિન થઈ જાય છે.”74

શ્રીહરિએ ગઢપુરમાં સંતોને વાત કરી, “સંતો-સંતોમાં જેનો જેટલો વિવેક રહે છે, તેને અમે દેખીએ છીએ. પોતાથી એક દિવસ વહેલો સંત થયો હોય તેની પણ મર્યાદા રાખવી. એમ જેટલો વહેલો ત્યાગી થયો હોય તેની પછીથી થયેલાએ મર્યાદા રાખવી, તેવાને ગુરુ તરીકે માનવા. વર્તનમાં જેટલું દૈવત છે તે છુપાઈ રહેતું નથી. મનમુખી જે વર્તન રાખે તેમનામાં સંતપણું રતીભાર રહેતું નથી. તેમનામાં જેવા સંકલ્પ થાય તેવી ક્રિયા કરે છે, એટલે સંતનો દાસ મટીને મન આગળ ઘાસ લે છે. સંતના વચનનો ત્યાગ કરીને જે સાધુ મનમુખી વર્તે તેનામાં તલભાર પણ સંતપણું રહેતું નથી. મનમુખી જાણીને સંત તેનો ત્યાગ કરે છે અને સંત જ્યારે ત્યાગ કરે છે ત્યારે ભગવાન પણ તેને તજી દે છે. પોતામાં અપાર દોષ હોવા છતાં પોતાને શ્રેષ્ઠ માને તેનું માથું ફર્યું એમ જાણવું. પોતાને શ્રેષ્ઠ માનતો હોય તે અપરાધી છે. બીજાથી પોતાને અધિક માનતો હોય તો તેને અધમમાં પણ અધમ જાણવો.”75

ગઢપુરમાં શ્રીહરિએ ગોપાળાનંદ સ્વામીને વાત કરતાં કહ્યું, “દગાબાજ અને સાચા સંતમાં ઘણો ફેર છે. દગાબાજ સંત હોય તે એકાંતમાં બેસાડીને, બહુ આગતા-સ્વાગતા કરીને, વખાણ કરીને વાત કરે છે, પણ શ્રેષ્ઠ થવું બહુ કઠિન છે.”76

ગઢપુરમાં ભીમ એકાદશીને દિવસે શ્રીહરિએ સંતોને કહ્યું, “સંતને ભગવાન સિવાય કોઈનું મમત્વ ન હોય તેટલી તેનામાં સાધુતા કહેવાય. મમતા રહિતને ક્યારેય ક્યાંય પણ રાગ થતો નથી. હેતનું કારણ મમતા છે. જેટલી મમતા બતાવે તેટલો તેના પ્રત્યે ભાવ થાય. જગતમાં જેટલું મારાપણું મનાય તેટલી સત્સંગમાં ખામી કહેવાય.”77

લોયા-પંચાળામાં શ્રીહરિએ એક માસ સુધી ત્યાગી સાધુઓને પોતાની સમીપે રાખ્યા ને નિત્ય વાતો કરી. પંચાળામાં શ્રીહરિ કહે, “સેવા કરે છે તેને મોટપ મળે છે પણ કહે ને સેવા કરે તેની મોટપ માનતા નથી. મન ધાર્યું કરે એની સેવા અમને રુચતી નથી. જેણે સાધુતાના ગુણ પ્રાપ્ત કર્યા હશે તેને આદર અને સન્માન મળશે.

“ભગવાન પ્રગટ મળ્યા હોય તોપણ જો સાધુના ગુણ શીખ્યા નહિ હોય તો લોકવહેવારે ચહાયે તેવો મોટો હશે, પણ જીવ વિનાના શરીર જેવો (મડદું) જાણવો. મુમુક્ષુનો જીવ પણ સાધુના ગુણો દેખશે તેમાં જોડાશે.

“ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ જેનામાં નિશદિન રહ્યાં હોય એવા સંત, મુમુક્ષુને પાત્ર મુજબ સહાય કરે છે. ભગવાનના ગુણ જેમ સર્વોપરી કહેવાય છે, તેમ સંતના ધર્માદિ ગુણ મોક્ષરૂપ છે, તે પણ સર્વોપરી ગણાય છે. પાત્ર મુજબ સંતમાં ગુણ વસે છે ને વિવેકી સંત એ ગુણોનું આદરપૂર્વક જતન કરે છે. માટે સાધુએ પોતામાં અલૌકિક ગુણ આવે એવો પુરુષાર્થ કરવો.”78

પંચાળામાં શ્રીહરિએ હરિયાનંદ અને વિશ્વાસચૈતન્યાનંદને બોધવચનો કહેતાં કહ્યું, “તમે મોટાં સંતો છો, તમને દેખીને અન્ય ત્યાગી વર્તન કરે એટલે અમે કહીએ તેમ તમે કરો. તમે ત્યાગીની રીત જાણો છો. અમને પ્રસન્ન કરવા માટે સંતો હરિજનો સાધન કરે છે. પરંતુ, અમે કહીએ તેમ કરવું તે સાધન સર્વ સાધનમાં સર્વોપરિ છે. અમારી પ્રસન્નતા અમારા વચનના પાલનમાં રહેલી છે. અમારા વચનમાં શંકા કરે તેનો માયામાં નિવાસ જાણવો. હરિજનો તો ભગવાન અને સંતનું અમાપ માહાત્મ્ય જાણે છે. તેમાં દોષ દેખતા નથી. ભગવાન અને સંતને ન દઈ શકાય તેવું પદાર્થ પોતે અધિક કરીને રાખતા નથી, નિષ્પાપપણે વર્તે છે. ભગવાન તેનાથી દૂર જતા નથી. સમજણમાં કાચપ રહે તેટલા ભગવાન દૂર થાય છે.

“ધર્મ-નિયમ વગર, ચાહે તેટલી વાત કરતો હોય કે પ્રતાપ દેખાડતો હોય પરંતુ, હરિજન તે પ્રતાપને કોઈ દિવસ માનતા નથી. સાધુ ધર્મ-નિયમ પાળે તેટલા હરિજનો તેને આધીન વર્તે છે. ભગવાનના વચનમાં વર્તવું તે સંતનું ભૂષણ છે. મનમુખી વર્તે તેને દુઃખ થાય છે. સત્સંગની રીતે ન ચલાય તો ત્યાગી થયા તે ન થયા જેવું છે. ભગવાન મળે પણ રીતમાં ન ચાલે તો દુઃખ મટે નહિ. પોતાનો દોષ દેખાય ત્યારે દુઃખ ટળે અને સત્સંગમાં નભાય. પોતામાં ગુણ મનાય તો વિમુખ થવાય. વાળે તેમ વળે ત્યાં સુધી સુખ રહે ને ન વળે તો ઉથડકપણું રહેવાથી સુખ આવે નહિ.”79

ગઢપુરમાં શ્રીહરિએ સંતો-ભક્તોને વાત કરતાં કહ્યું, “સંત સમાન કોઈ નિધિ નથી. સંત-નિધિ સિવાયનો બીજો નિધિ અમે શ્રેષ્ઠ માનતા નથી. સંત સિવાયના નિધિમાં જન્મમરણનું અપાર દુઃખ રહેલું છે, તે ભગવાનથી દૂર કરાવે છે.”80

શ્રીહરિએ બ્રહ્મમુનિને વડતાલ મંદિરના કામકાજ માટે નિયુક્ત કર્યા અને સંતો હરિજનોને વાત કરતા કહ્યું, “સંત હોય તેને કંઈ ન જોઈએ. અન્ન-વસ્ત્ર સત્સંગમાં મળી રહે છે. સાધુએ આજ મળે પછી કાલનો સંકલ્પ ક્યારેય ન કરવો. સંકલ્પ કર્યા વિના ભગવાન તેને સમયે સમયે આપી રહે છે. હરિભક્તોનાં મેલાં વસ્ત્રો જોઈને તેનો અનાદર ન કરવો.

“હરિભક્તો પણ ભાવ રાખીને મંદિરની અને તમારી અન્ન-વસ્ત્રની જેટલી સેવા કરે છે, તે ક્યારેય દુઃખી રહેતા નથી. તેમાં જેટલો નિરુત્સાહ રહે એટલો આ લોક-પરલોકમાં સુખનો સંકોચ રહે છે.”81

શ્રીહરિ બુવાથી ભરુચ પધાર્યા ત્યારે સંતોને વાત કરતાં કહ્યું, “સર્વોપરી સુખ સંતમાં રહ્યું છે, પણ તે સમજવું કઠણ છે. મોટા સાધુ આ વાત જાણે છે. ત્રણે અવસ્થામાં એ સંતના જેવું સુખ ક્યાંય દેખતા નથી. આ સમજણ અંતિમ શ્વાસ સુધી એવી ને એવી રહે તે સર્વ સંતોમાં શ્રેષ્ઠ સંત છે.”82

શ્રીહરિએ બોચાસણમાં કાશીદાસના ભવનમાં સંત મહિમા કહેતાં કહ્યું, “સંત ઉદધિ જેવા છે. સંતનું હૃદય નવનીત કહ્યું છે. નિષ્કામાદિક મહાન ગુણના ધારક સંત છે. પ્રગટ હરિનો નિશ્ચય જેટલો દૃઢ તેટલો તે સંતમાં કરોડો સૂર્યનો પ્રકાશ પ્રગટે છે. ભગવાનના વચનમાં તે સુખ માને છે. આવા સંત બ્રહ્માંડમાં મળવા દુર્લભ છે. સંત થઈને કપટ રાખે, મોટા સંતની અદબ ન રાખે, સંતને નિત્ય નમન કરવાનો નિયમ ન હોય, કથા-કીર્તનાદિનો કોઈ નિયમ ન હોય - એવા હોય તે આચરણથી જણાઈ આવે છે. મુમુક્ષુએ ઉત્તમ સાધુને ઓળખી તેનો સંગ કરવો.”83

*

પરિશિષ્ટ

શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:

લોજમાં શ્રીહરિ પોતાની રસોઈ જાતે કરીને જમતા. બીજાની કરેલી રસોઈ જમતા નહિ. જમીને સંતોને પીરસતા. સંતોને પીરસવા પધારતા ત્યારે અતિ પ્રેમમગ્ન થઈ જતા. સંતોની સેવા કરવામાં તેમને અધિક ઉમંગ રહેતો. દિન દિન પ્રત્યે અધિક ને અધિક સેવાનો રંગ રહેતો.

શ્રીહરિ સંતોને જીવનપ્રાણ માનતા. સંતમાં ભગવાન રહ્યા છે એમ મહિમા સમજતા. સર્વ સિદ્ધો કરતાં પણ પ્રગટના ઉપાસક સંતોને શ્રેષ્ઠ ગણતા, કલ્પવૃક્ષ ને ચિંતામણિ તુલ્ય કહેતા. સંતસમૂહથી વિખૂટા કદી પડતા નહિ. સંતનો વિયોગ એક પળ થાય તો તેને કોટિ કલ્પ જેટલો માનતા.84

ચાર ઘડી રાત્રિ શેષ રહી ત્યારે બધા સંત જાગ્યા અને સ્વામિનારાયણનું ભજન કરવા લાગ્યા. કથા, ભજન વગરનો ગયેલો સમય સંતો હાનિ માનતા. હરિકથા અને ગુણગાનમાં બધો સમય વ્યતીત કરતા. ભગવાન સિવાય મનમાં બીજો સંકલ્પ કરતા નહિ. વાંચવું-લખવું વગેરે ક્રિયામાં તેનો જ અભ્યાસ રાખતા. કોઈ જાતનો ક્લેશ કરતા નહિ. કોઈની નિંદા કરતા નહિ.

સંતોની આવી પ્રકૃતિ જોઈ ગૃહસ્થને વિશેષ ભાવ થતો અને તેઓ ભગવાનની ઇચ્છાથી અન્ન-વસ્ત્ર લાવી આપતા.85

સંતો ઉપર શ્રીહરિને અપાર હેત હતું. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણને નિયમમાં રાખવાની રીત શ્રીહરિ સંતોને શીખવતા. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ દેહની વિક્તિ ભિન્ન-ભિન્નપણે શીખવતા. એક-એક અવસ્થામાં બે-બે અવસ્થાઓ કેવી રીતે રહી છે તેની સમજ આપતા. ઇન્દ્રિયોને જીતવામાં પ્રથમ જિહ્‌વા ઇન્દ્રિયને જીતવાની કળા શીખવતા ને કહેતા એક જિહ્‌વાને પરિપૂર્ણ જીતે તો બધી ઇન્દ્રિયો જિતાઈ જાય છે. નેત્રની વૃત્તિ નાસિકા પર રાખવાની યુક્તિ શીખવતા. આસન જીતવું. જ્યાં-ત્યાં ફરવું નહિ, જોવું નહિ, આ લોકમાં આવ્યા તો મોક્ષનું કાજ બગડે નહિ તેની અખંડ સૂરત રાખવી. જીવની ઇચ્છાવૃત્તિને તપાસતા રહેવું. સૂરત ન રાખે તો બુદ્ધિમાન પણ ગોથું ખાઈ જાય છે. મનની રુચિ પળપળ બદલાતી રહે છે. મનને તાલે જીવ એક જ દિવસમાં ચોરાસી લાખ તન ધરી લે છે. અંતર્દૃષ્ટિ કરે તેને જ આ જાણ્યામાં આવે છે. જેમ જેમ જ્ઞાન શીખે તેમ તેને અનંત નેત્ર પ્રાપ્ત થાય છે.”86

સાબરમતી નદીમાં શ્રીહરિ સંતો સહિત સ્નાન કરવા લાગ્યા. શ્રીહરિ ઉપરવાસ નાહતા, રાજાઓ સંતને આગળ રાખીને નાહતા. એમ સંતનું માહાત્મ્ય સમજી વિવેક રાખતા. જેમને સંતનું માહાત્મ્ય ન હતું અને વિવેક ન હતો તેઓ સંતને પાછળ રાખીને નાહતા.

ખટ્વાંગ અને પર્વતભાઈ જેવા સંતનું માહાત્મ્ય સમજનારા ભક્તો શ્રીહરિને બહુ પ્રિય હતા. સંત અને હરિભક્તોનો જેને ભાર ન હોય તેને માહાત્મ્ય વિનાનો જાણવો. ફળ અને પાંદડાં વિનાના વૃક્ષ જેવો તેનો સત્સંગ ગણાય. વિવેકી માણસ તેના સંગને ઇચ્છે નહિ. માહાત્મ્ય વિનાનું જ્ઞાન પણ અમૃતમાં જાણે છાનું વિષ રહ્યું હોય તેવું છે. પોતાની પ્રકૃતિએ મળતા આવે એવા સંતને હરિતુલ્ય કહે, બીજાને વિમુખ કહે, એવી જેની બોલી હોય તેને સત્સંગમાં કુસંગ સમજવો.87

સંતો ભોજન લેવા એક પંક્તિમાં બેસતા. ભોજન પીરસાઈ ન રહે ત્યાં સુધી નારાયણ ધૂન્ય કરતા. પીરસી રહ્યા પછી ‘વાસુદેવ હરે’નો નાદ ઊંચે સાદે થાય તે પછી સંતો કાષ્ઠના પાત્રમાં પીરસાયેલા ભોજનને ભેગું કરતા ને એક અંજલિ જળની દઈ જમતા. જમતી વખતે સંતો ગ્રાસે ગ્રાસે ભગવાનનું નામ લેતા. મનોવાંછિત વસ્તુ કોઈ માગતું નહિ. સૌ પોતપોતાના આહાર પ્રમાણે જમતા. પાત્રમાં કોઈ ભોજનને છોડતા નહિ. જમતાં પરસ્પર વાત કરતા નહિ. એકબીજાને એઠું આપવાનો અનાચાર કરતા નહિ. જળના પાત્રને મુખથી ઊંચું રાખીને પાણી પીતા અને એવી રીતે પીધેલું જળ બીજા સંતને આપતા નહિ. સૌ સંતો જમી રહે ત્યારે પ્રથમ મોટેરા હાથ ધોતા. આવો વિવેક સૌ સંતો રાખતા. દેહમાં રોગ થયા વિના જુદું જમતા નહિ. ભક્તિ, જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય તેણે સહિત જે વૃદ્ધ સાધુ તેની આગળ વિવેકી સંતો ઊંચે આસને બેસતા નહિ.88

અરુણોદય થતાં સંતો ધૂન કરવા લાગ્યા. ધૂન વખતે કોઈ પણ સંત, વર્ણી, પદાતિ કે હરિભક્ત સૂઈ રહેતા નહીં. કોઈ પ્રમાદ કરી સૂએ તેને સૌ નાદાર કહેતા. નાના-મોટા સંતો કોઈ પણ ધૂનના સમયે સૂઈ ન રહે તથા કથા, સભા વખતે આસન પર બેઠા ન રહે એવું એક ધારું સૌનું વર્તન હતું. સૌને સરખું જ તાન રહેતું. ભોજનમાં જેમ પ્રમાદ રાખે નહિ તેવી રીતે ભજનમાં પણ રાખતા નહિ.

શીત, વરસાદ કે તાપથી શરીર બગડે તો ભોજન છૂટે, પણ ભજનમાં કોઈ પ્રમાદ રાખતું નહિ. સેવા, ભક્તિ અને ભજનમાં દિન દિન પ્રત્યે આદર વધતો રહેતો હતો. જેને હરિ રીઝવવાનું તાન ન હોય તે પ્રમાદને અવકાશ આપે, એનું ચિત્ત સંતમાં પણ ભળે નહિ, તેથી અમૂલ્ય સત્સંગ મળવા છતાં વિના દુઃખે દુખિયો રહે. અનંત દુઃખનો અંત અહીં રહ્યો છે તો અહીંનું દુઃખ બીજે ક્યાં છૂટે? એમ જાણી સૌ સંતો પ્રમાદ અને મોહનો ત્યાગ કરતા.89

વિચરણ કરીને સંતો આવે ત્યારે શ્રીહરિ સમાચાર પૂછતા. તેમાં તે તે દેશમાં મુમુક્ષુઓ કેવા છે, ધર્મમાં કેમ વર્તે છે, ત્યાંના રાજા પ્રજાની રુચિ કેવી છે વગેરે વૃત્તાંત પૂછતા. સંતો જેમ જોયું હોય તે પ્રમાણે કહેતા. શ્રીહરિ ગ્રામ્ય વાત ક્યારેય પૂછતા નહિ અને સંતો ક્યારેય પણ કહેતા નહિ. ભૂલથી કોઈ ગ્રામ્ય વાત બોલે તો શ્રીહરિ તેને નિવારતા.90

શ્રીહરિ દરેક સંતનું તુંબડું, પુસ્તક અને વસ્ત્રનો અદલોબદલો કરાવતા. પૂર્વ દેશના જે સંતો હતા તેમને સાધુતાના ગુણ શીખવતા. અને કોઈને પણ દ્વેષ ન થાય એવી વાત નિત્ય કરતા. જે જે પ્રકરણ શ્રીહરિ ફેરવે તે સૌને પ્રિય લાગતાં. એક વર્ષમાં બે-ચાર જુદાં જુદાં પ્રકરણ ફેરવતા. લોજમાં રહ્યા ત્યાં સુધી સંતોને ધ્યાન શીખવતા.91

શ્રીહરિએ સંતોના નિવાસ માટે મોટાં મંદિરો બાંધ્યાં છે. સંતો પાસે શ્રીહરિએ જે રીતે ત્યાગ પળાવ્યો તે જોઈને હરિજનોને તેમનામાં અધિક અનુરાગ થયો, કારણ કે બ્રહ્માંડમાં શ્રીહરિના સંતો સમાન કોઈ ત્યાગી નથી. શ્રીહરિના સંતો દૃષ્ટિ માંડીને સ્ત્રી સામું જુએ નહિ. જો સ્ત્રી અજાણ્યે પણ જોવાઈ જાય, તો તેના પ્રાયશ્ચિત્તનો ઉપવાસ કરે.

શ્રીહરિએ સંતો માટે આવા પાંચ નિયમો બાંધ્યા છે - નિષ્કામ, નિર્લોભ, નિઃસ્નેહ, નિઃસ્વાદ ને નિર્માન. આ મોટાં વ્રત છે. અવાંતર નાનાં નિયમો અને વ્રતો તેના પેટા અંગ જેવાં ઘણાં છે. તેનો દિવસ દિવસ પ્રત્યે અભ્યાસ કરે તો તે સંત પાકો થાય. વ્રતપાલન ને વર્તનના અભ્યાસ વગર સંત કાચો રહે. જે કાચો રહે તે ક્યારેય વિષયજાળથી બચી શકે નહિ. શૃંગી ઋષિને સ્ત્રી-પુરુષનું જ્ઞાન ન હતું, છતાં અભ્યાસ ન હતો તો વેશ્યાએ બાંધ્યા. વિષયનું જ્ઞાન ન હોય એવા ત્યાગીને પણ નિયમ લોપ થાય તો વિષયનું બંધન અવશ્ય થાય છે.

જાણપણા વિના એક પણ નિયમ પળી શકે નહિ, આ વાત પરમ વિવેકી સાધુ જાણે છે. સત્પુરુષના પ્રસંગ વિના જાણપણું આવતું નથી અને અનુપમ એવી મોક્ષની રીત પણ જાણ્યામાં આવતી નથી. અને અજ્ઞાનતમસ પણ એવા મોટાના સંગ વિના ટળતું નથી. અજ્ઞાનતમ છે ત્યાં સુખ થતું નથી, ને વિમુખ રહે છે. ભગવાન વિના બીજા પદાર્થની સ્મૃતિ છે તે જ તેને માટે સંસાર છે, એમ મહામુનિ કહે છે.92

અંતરનો ત્યાગ જુદો છે અને દેહનો જુદો છે. તેમાં જેટલો ફેર તેટલો ચોર ગણાય. છળકપટ તજીને જે ત્યાગી શ્રીહરિને તન-મન અર્પે ત્યારે જ તે બડભાગી ગણાય, શ્રીહરિને પ્રગટ પ્રમાણ અંતર્યામી જાણે તે જ સાચા ત્યાગી હરિજન છે, બાકી બીજા તે માર્ગે ચાલ્યા છે એમ જાણવું. શ્રીહરિને જે પ્રગટ પાસે દેખે છે તેના નિયમ-ધર્મ ભગવાનના પ્રતાપથી નાશ પામતા નથી, બીજાના નાશ પામે છે.93

શ્રીહરિની વરતાવવાની મરજી જોઈ સંતો મનધાર્યું ત્યજી એ મુજબ વર્ત્યા. તેથી શ્રીહરિ સંતો પર બહુ હેત રાખતા, એક એકને મળતા, પ્રેમથી બોલાવતા તથા પ્રસાદીના હાર તથા સંતને દેવા યોગ્ય વસ્તુ હોય તે આપતા, પોતાના શરીરથી પણ સંતને અધિક માનતા.

શ્રીહરિને અધિક પ્રસન્ન કરવા સારુ સંતો પણ તેમની પ્રમાણે વર્તતા. અને પ્રસન્નતા તે જ મોટું ફળ માનતા. છળકપટ છોડી એકબીજાને ચાહતા. એકબીજાની મોટપ સમજી પ્રીતિ રાખતા. પોતાને મોઢે પોતાનાં વખાણ કરતા નહિ અને બીજા કોઈ વખાણ કરે તો ફુલાતા નહિ. કોઈ અપમાન કરે તો દ્વેષ રાખતા નહિ અને કોઈનું અપમાન કરતા નહિ અને પિંડ-બ્રહ્માંડથી અલગ વર્તી બ્રહ્મવિદ્યામાં મગ્ન રહેતા. લોકને દેખાડવા જ્ઞાન શીખે તેનું અજ્ઞાન જાય નહિ એમ સમજી સદાય નિર્દંભ રહેતા. શ્રીહરિએ મોટા નિષ્કામાદિ ગુણો તેમનામાં સ્થાપન કર્યા હતા, જે દેવને પણ દુર્લભ છે, તે ગુણોને પામીને માયિક તૃષ્ણા રહેતી નથી, જીવમાં બીજરૂપે રહેલી માયિક સુખની કામના પણ ટાળી દીધી હતી. કામ, ક્રોધાદિક અધર્મ વંશના ગુણો તે વિષયનું બીજ છે, તે નાશ પામ્યા પછી સ્પર્શ કરી શકતા નથી.94

ધોરાજીમાં શ્રીહરિની સવારી જોવા પુરના લોકો ઊમટ્યા. લોકો બોલતા હતા કે મોક્ષની રીત ખરેખરી આ ધર્મમાં પ્રકાશી છે. સિંહ અને સર્પથી ડરીને ભાગે તેમ સંતો સ્વપ્નમાં પણ નારીથી ડરીને ભાગે છે. આવો ધર્મ જગતમાં ક્યાંય નથી. અગ્નિ અને જળમાં પ્રવેશ કરે એવા સિદ્ધ હોય, પણ આવા ત્યાગી હોવા કઠણ છે. આવા સંતો જીવનો ઉદ્ધાર કરે છે. કરોડ વર્ષ તપ કરે તોપણ આવા ગુણ મળે નહિ. સંત અને અસંતની ઓળખ ગુણ પરથી જણાય છે. સંત થઈ ધન, નારી, કેફ, વ્યસન, અભક્ષ્ય રાખે છે તે સંતના ચોર છે. પોતે ચોર હોવા છતાં સંતને ચોર કહે છે, તેથી કરીને દિવેલ વિનાના દીવાની પેઠે તે ફાવે તેવો હોય તોપણ દિવસે દિવસે ઘટી જાય છે.95

ત્યાગી થઈને હરિભક્તોનો ભોજન અને વસ્ત્રોમાં વિશ્વાસઘાત કરે તેને હરિભક્તનો દોષ લાગે છે અને તેને મૃત્યુ બૂરી પેઠે આવે છે અને રોમે રોમે કોટિ વીંછીનું દુઃખ થાય છે. મર્યા પછીથી પણ દુઃખનો પાર આવતો નથી, જે ધર્મમાં ચાલે અને સંત-હરિજનની બીક રાખીને દાસ થઈને વર્તે છે તેને શ્રીહરિ પોતાનો માને છે. એકનો દાસ થઈને બીજાનો દ્રોહ કરે તો તે સંત-ભક્તોનો ચોર છે.96

ત્રણ વર્ષ સુધી સંતો દિવસે ગામની સીમમાં રહેતા અને રાતે વનમાં રહેતા. દિવસમાં કોઈ વખત ત્રણ-ચાર સંતો ભેગા રહેતા, અને રાતે તો એક એક રહેતા. રાતે જો કોઈ સ્ત્રીનો શબ્દ કાને સંભળાય તો એક ઉપવાસ કરતા. કોઈ સંત રોગે કરીને દુઃખી હોય તો રાતે ગામની સમીપમાં રહેતા. હરિભક્તો તેમને માટે ગામની સમીપે ઝૂંપડી બનાવી આપતા ને તેમની સેવા કરતા. હરિભક્તો ન હોય તો સાધુ સેવા કરે. ગમે તેવી ઠંડી પડે તોય અગ્નિથી તાપતા નહિ. અને લોઢું સુધ્ધાં પણ ધાતુમાં રાખતા નહિ. ગ્રંથ લખવા માટે ચપ્પુ, કાતર રાખતા અને કંથા સીવવા માટે સોયદોરા માગીને સીવ્યા પછી પાછાં આપી દેતા. ચપ્પુ, કાતર અને સોયને જ્યારે જ્યારે અડે ત્યારે ત્યારે સાત-સાત વાર હાથ ધોતા. આત્મા ને પરમાત્મા વિના દરેક વસ્તુનો સંગ તજતા અને વાંચવા માટે નાની પોથી રાખતા. વરસાદ આવે ત્યારે વડ તળે બેસતા. પાણી સીંચવા દોરી રાખતા. હરિને રીઝવવાનું તાન હોઈ સંતો ક્યારેય ક્ષોભ પામતા નહિ. આગળના પુરુષો સત્સંગ કરીને તરી ગયા છે તેનાં દૃષ્ટાંત આપીને વાત કરતા. જેથી મુમુક્ષુજનો સત્સંગ કરતા. રાતે સંત એકલા વનમાં રહેતા. વાઘ-વરુ તથા ભૂતપ્રેતથી બીતા નહિ. ક્યારેય તો તેમની ચારે તરફ તેઓ તેમને ઘેરી લેતા, પણ સંતો નિધડકપણે રહેતા.97

કામ, ક્રોધ ને લોભના પ્રવાહમાં ભવ, બ્રહ્મા ને ઇન્દ્રાદિ દેવો તણાયા છે. નારદ, પર્વત, સૌભરિ, પરાશર, શૃંગી ઋષિ - સૌને કામે જીતી લીધા છે. લોભથી હિરણાક્ષ, સહસ્રાર્જુન ને કૌરવોનું મૃત્યુ થયું છે. ક્રોધથી હિરણ્યકશિપુ ને કંસ જેવાનાં મરણ થયાં છે. આમ, આ ત્રણે દોષ સુખને હણી લે છે. અવિચલ સુખ મળતું જ નથી. બ્રહ્માંડના સુખને ક્ષણભંગુર કરી દેખાડતા હોય એવા સંત મળ્યા વિના મોક્ષની બુદ્ધિ ક્યારેય પ્રાપ્ત થતી નથી. સંતને ભગવાનમાં પરમસુખ મનાયું છે. દુર્લભમાં દુર્લભ એ છે. જીવોને એ પરમ સુખનો માર્ગ સંત બતાવે છે. મોક્ષની બુદ્ધિ આવ્યા વિના ચક્રવર્તી રાજા થયો કે દેવતા થયો તોપણ તે વૃથા છે.

મોક્ષભાગી સંત વિના મોક્ષની વાત કોઈ કરી શકતું નથી, કારણ કે માયિક સુખમાં જે દિન-રાત રચ્યા-પચ્યા રહેતા હોય, ને પેટ ભરવા અપાર પાપ કરતા હોય, ભગવાનનો લેશ પણ ડર ન રાખતા હોય તેવા સંતનો યોગ થાય તેની આગળ શી ગતિ થશે તે ભગવાન જાણે.

‘મોક્ષભાગિ વિન સંત, મોક્ષ કી બાત ન કરે કોઉ;

માયિક સુખ મેં અતંત, રચે પચે રહે રાત-દિન.

પાપ કરત જો અપાર, રાત-દિન નિજ પેટ ભરન;

ડર નહિ રખત લગાર, આગે હોય તાકિ કોન ગતિ.’98

સંતોમાં ત્યાગ જોઈ હરિજનોને સત્સંગમાં શ્રદ્ધા વધે છે. કામ, ક્રોધ ને લોભનો ત્યાગ સાધુ કરે તેટલો વિશેષ અનુરાગ હરિભક્તોને થાય. આમ, સંત-હરિજનનું વર્તન જોઈ જગતના સુમતિજનો ખેંચાઈ આવે છે.99

સંતો અષ્ટપ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખે, અષ્ટપ્રકારની ધાતુ અને ધનને તજીને અસત્ માર્ગનું ઉચ્છેદન કરે, ભગવાનની વાત વિના એક ક્ષણ વ્યર્થ જવા દે નહિ, કોઈ પ્રકારનો ફેલ રાખે નહિ - આવાં શુભ વર્તન હોય ત્યાં જ ભગવાન પ્રગટ રહે છે. ભગવાન પ્રગટ ન હોય ત્યાં સત્ય વર્તન સંભવતું નથી.100•

સંત વિચરે તો સત્સંગ નભ્યો રહે. જ્યાં સંત જાય ત્યાં નવો સત્સંગ થાય છે. સંત જેવો રંગ લગાવે તેવો લાગે છે. સંતના વચનથી સંસારી કર્મથી છૂટે છે અને બહુ જન્મના મલિન કર્મના પાશ સંતના વચનથી છૂટી જાય છે.101

વાતના પેચ ન આવડે તે સરળબુદ્ધિ સંત કહેવાય. પેચથી વાત કરે તે કુટિલ અસાધુ કહેવાય. સરળતા પ્રાપ્ત થાય એ જ ભગવાન મળ્યાનું ફળ છે. સરળતા ન શીખે તો સંત હોય કે ભક્ત તેથી શું? બન્ને જગતને ઠગનારા છે. જેમાં સરળતા છે તેમાં શ્રીહરિ પ્રગટ રહે છે. જેમાં સરળતા નથી તેમાં દોષો અને અધર્મસર્ગ વસે છે.

‘સરલતા જા માંહિ, પ્રગટ હરિ તા મહિં રહત;

સરલતા નહિ જાહિ દોષ અધર્મ કે સરગ રહત.’102

સંતો જમતા ત્યારે બધું ભેગું કરીને જળ નાખીને જમતા. એમ રસના વગેરે ઇન્દ્રિયોને જીતતા. ઔષધની જેમ આહાર લેતા. તેથી રસના ઇન્દ્રિય બિચારી દુઃખી થઈ જતી! કોઈ સંત વચનથી બહાર વર્તે નહિ. તનની બધી ક્રિયા સંતો હરિના વચનમાં રહીને કરતા ને સમજતા કે હરિના વચનમાં વર્તે તેમાં પ્રતાપનો પાર નથી. રાજાના વચનમાં વર્તે તે પણ મોટો થઈ જાય છે, તો રાજાઓના રાજા શ્રીહરિના પ્રતાપની વાત જ કેમ કહેવાય?103

શ્રીહરિએ વૌઠાનો સમૈયો કરીને સ્વરૂપાનંદમુનિને કાશી મોકલ્યા હતા, તે સમાધિનિષ્ઠ હતા. નિર્માનાનંદ મુનિ જે સારંગપુરના હતા તેમને વૌઠા ગામથી પુના શ્રીહરિએ મોકલ્યા. ઝાલાવાડના પૂર્ણાનંદને તથા નરનારાયણાનંદ તથા અદ્‌ભુતાનંદ તેમને ચાદરનો ખલકો કરીને કંઠમાં પહેરાવ્યો ને દક્ષિણ દેશમાં વર્તવાની રીત શ્રીહરિએ શિખવાડી અને એક એક જળગરણું આપ્યું, અને કહ્યું કે કૌપીન વિના અલફીભેર સનકાદિકની પેઠે રહેવું. પાણી પીવાનું પાત્ર મળે તોપણ પાસે રાખવું નહિ. અવધૂત ગીતા તથા મણિરત્નમાળા કંઠે કરવી, એમ કહીને પરદેશ જનારા સંતોને મળ્યા ને બોલ્યા કે અમે સદાય તમારી પાસે છીએ એમ માનજો.104

સત્સંગમાં જે સંતો નિયમ યુક્ત રહે છે તથા ભગવાનનો સંબંધ જેમાં ન હોય એવા સુખને માયાનું બંધન જાણી તેનાથી દૂર રહે છે, ને નિષ્કપટપણે ભગવાન ભજે છે એવા સંત મુક્ત છે. ધ્યાન-ભજન, ધારણા-સમાધિ, નિયમધર્મ, કથા-વાર્તા, કીર્તન એ સંતોનાં આભૂષણો છે. નિષ્કપટપણું એ કાન છે અને નિર્દંભપણું એ નાક છે. એ બન્ને ન હોય ને સંત-હરિજન નામ ધરે તો નાક, કાન વિનાના કહેવાય. સંતમાં તે અવશ્ય હોવા જોઈએ. જે સંત દંભ-કપટ તજીને વર્તે તે દેવોનો દેવ છે. મનુષ્ય હોવા છતાં દેવથી તે અધિક છે.

નિર્દંભ અને કપટ રહિત સંતને સાચા સંત જાણવા. સાચા સંતમાં વિશ્વાસપૂર્વક જોડાવાથી અપાર જનો હરિના દાસ થયા છે. સાચા સંત અને નિયમધારી હરિજનો આ સત્સંગનું મૂળ છે. સાચા સંત શ્રીહરિને ભૂલીને કોઈ ક્રિયા કરતા નથી, શ્રીહરિ તેના મૂળ છે, સૌના કારણ છે. પણ દુર્બુદ્ધિ લોકો તેમ સમજતા નથી, અલૌકિક બુદ્ધિ હોય તે સુધી રીત સમજે છે. જેવી સંગત થાય તેવી રુચિ જીવમાં આવે. ભગવાન અને ભગવાનના સંત વિના શુભ માર્ગ પર ચાલવાની મતિ કોઈમાં થતી નથી, માયાના જીવ અનાદિકાળથી માયા સન્મુખ દોડી રહ્યા છે એટલા માટે જ શ્રીહરિ, જનના દોષ દેખતા નથી, અનંત જનને તારવા અહીં પ્રગટ થાય છે. અને પોતાના અદોષ (માયાના દોષે રહિત, ગુણાતીત) સંતને સાથે લાવે છે. તે શ્રીહરિના વચને કરીને અપાર જનને શુદ્ધ કરી તેનો ઉદ્ધાર કરે છે.105•

મુક્તમુનિ કહે, “શ્રીહરિએ કહ્યું હતું કે, જગતમાં અમારા આશ્રિત ત્યાગી સાધુ શોભે છે તેનું કારણ અમે આપેલા નિયમોનું પાલન છે. શોભા, કીર્તિ, સુજસ - બધું નિયમોમાં રહેલું છે. શાંતિ, સુખ કે રિદ્ધિ-સિદ્ધિ પણ નિયમપાલનમાં છે. જે નિયમ પાળે છે તે નિર્ભય થઈ ચૂક્યો. નિયમની બહાર પગ મૂક્યો તેને અપાર દુઃખ આવે છે. ‘નિયમ મેં જેહિ વરતત જિહાં લગહિ, મોક્ષ હોત તિનિકો તિહાં લગહિ.’ જ્યાં સુધી નિયમમાં વર્તશે, ત્યાં સુધી ચારે વર્ણનો મોક્ષ નિશ્ચિત છે, એમ માનજો.”106

વડતાલમાં ફૂલદોલ પછી બાગમાં હોજથી પૂર્વ દિશામાં રાયણનું વૃક્ષ હતું ત્યાં જઈને શ્રીહરિ બેઠા. ત્યાં સંતોને બોલાવ્યા. હજારીના ગુચ્છ-તોરા ને હાર ધાર્યા હતા. હરિભક્તોને ત્યાં આવતા બંધ કર્યા. સંત હતા તેમને એક પછી એક દરેકને ગુપ્ત રીતે કાનમાં સ્વપ્ન સંબંધી વિકાર અંગે પૂછવા લાગ્યા. સંતોએ નિષ્કપટભાવે પોતાને સ્વપ્નની જે પ્રમાણે સ્થિતિ હતી તે પ્રમાણે કહ્યું. સંત થયા પછી એકવાર પણ સ્વપ્નમાં સ્ત્રીનો સંબંધ ન થયો હોય એવા બ્રહ્મમુનિ વગેરે સંતો તથા વર્ણીઓ ઉપર શ્રીહરિ પ્રસન્ન થયા. સંતોએ નિષ્કપટભાવે વાત કરી તેથી શ્રીહરિ પ્રસન્ન થયા. શ્રીહરિ કહે, નિષ્કપટ થાય છે તેને અમે અમારા પરમહંસ માનીએ છીએ. અંતરમાં મેલ રાખે તેનાં નેત્ર અંતરને કહી દે છે.107

ભગવાનના સુખ વિનાનું સુખમાત્ર તુચ્છ ને અલ્પ છે. એ સુખ પામવા સાધુ થયા પછી અલ્પ સુખ સારુ સાધુની પદવીનો ત્યાગ કરવો એ બાળકબુદ્ધિ છે. સંતને પરસ્પર અંતર જુદાં પડે એટલી તેની બાળકબુદ્ધિ જાણવી. તેને સાધુતાના પદની ગમ જ પડી નથી. અલ્પ વસ્તુ માટે મમત થાય કે કોઈ માન ખંડન કરે ત્યારે રંગ રહે નહિ એ બાળકબુદ્ધિ છે. સાધુને મમત્વ અને માન હોય તે જરૂર વિઘ્ન કરે છે. માન જ્યાં રાખવું ઘટે ત્યાં રાખવું જેમ કે ભગવાનના નિશ્ચયનું કોઈ ખંડન કરે ત્યારે તેને પરમ શત્રુ માનીને વર્તવું. એમાં દોષ નથી. વળી, ધર્મનિયમ ભંગ કોઈ કરાવે કે સત્સંગ મુકાવે ત્યારે તેનું બળ કળ્યામાં આવે. એવી વાતમાં તો મમતા અને માન દિન-દિન અધિક રાખવાં એને વિવેક કહ્યો છે. જ્યાં જેટલો સંપ હશે ત્યાં તેટલું સુખ વરતાતું હશે. કુસંપ હશે ત્યાં દુઃખ હશે. જેટલો કુસંપ તેટલો કળિયુગ જાણવો ને સંપ તેટલો સત્યયુગ જાણવો.108

મુક્તમુનિ કહે, “શ્રીહરિ કલોલથી નીસર્યા, અર્ધો ગાઉ અડાલજ રહ્યું ત્યારે એક વાત બની. નજરે જોયેલી તે વાત કહું છું – ખરુંસાની નળી આગળ સવારી આવી તેમાં આગળ બાઈઓ હતી, પણ દેશકાળમાં સમજે નહિ તેવા સંતો અધીરપણે દોડી દોડીને શ્રીહરિની આગળ ચાલતા થયા. શ્રીહરિની સવારી ઊભી રહી. શ્રીહરિ સંતને જોઈને કહેતા કે નળીમાં ચાલો. નિત્યાનંદમુનિ આવ્યા ત્યારે પણ આગળ ચાલવાનું કહ્યું, પણ શ્રીહરિના હસવાનો મર્મ જાણી ગયા તેથી આગળ પગ દીધો નહિ ને આગળ જતા સંતોને રોક્યા. આગળ ગયા તે તો ગયા.

“શ્રીહરિએ તેમને નજરમાં રાખ્યા હતા. પછી અડાલજ આવ્યા ને વાવથી પૂર્વ બાજુ ઊતર્યા. હરિભક્તો આવી દંડવત્ કરી પગે લાગતા. શ્રીહરિ ગાડી ઉપર બેઠા હતા. હરિભક્તો સેવા કરતા હતા. વર્ણીએ રસોઈ કરી તે શ્રીહરિ જમ્યા. કાઠી સવારોને જમાડ્યા પછી મશાલો થઈ ત્યારે ગાડી ઉપર બેઠા. આરતી, ધૂન ને કીર્તન થયાં. શ્રીહરિએ થોડી વાતો કરી.

“પુરજનો પુરમાં ગયા પછી શ્રીહરિએ સંતોને બોલાવીને કહ્યું, ‘સાધુતાની રીત કેવી છે? તે તમે કહો. તમારી સાધુતા જોઈને મતપંથવાળા જે મોટા સિદ્ધ થઈને પૂજાતા તે ઝાંખા પડી ગયા છે અને તમારી પેઠે વર્તી શકતા નથી, તમને જોગ થયો છે તેવો કોઈને થયો નથી. તમારામાં બાળબુદ્ધિ છે ત્યાં સુધી ચિંતામણિની મોટપ મનાતી નથી, તે વર્તન ઉપરથી જણાય છે. અત્યારે પણ આ અમે વાત કરીએ છીએ ત્યારથી વિવેક વિનાના કેટલાક સાધુ મોટા સંતની મર્યાદા નહિ રાખીને આસન પર જઈને સૂતા છે. એમાં એમની કઈ શોભા છે? તમને સુખ આપવા માટે તો અમે સાથે રાખ્યા છે, ત્યારે આ ફળ દીઠું. અવિવેક હોય તેને સમાગમનું કશું ફળ ન મળે. પથ્થર સમુદ્રમાં વર્ષો સુધી પડ્યો રહે તો પણ પાણીથી નરમ ન થાય. કેટલાકમાં તો દેવતા ઝરે! જેમાં વિવેક હતો ને જેમાં વિવેક નહોતો તે માર્ગે ચાલતાં માલૂમ પડી ગયું. અમને ખબર છે. અમને પ્રસન્ન કરવા તમે ઘર છોડી આવ્યા છો, તો પણ અમારી મર્યાદા રાખી નહિ. હરિભક્ત બાઈઓ જે છે તે સભા બેસે ત્યાં સુધી બેસી રહે છે, એટલી તેમની અધિક શ્રદ્ધા છે. અમારાં દર્શનનો ત્યાગ કરી ઊંઘવામાં પ્રેમ કરે તેમાં કેટલો લાભ? દર્શન છોડીને આગળ ચાલે તે કોની આજ્ઞામાં ફરતા હશે? તે મોટેરા હો તે પોત-પોતાના મંડળના સાધુને પૂછો. જેની ભેગા જ્યાં સુધી હોય ત્યાં સુધી તેનું કહેવું કરવું જોઈએ; ન કરે તો ભેગો રહ્યો તે ન રહ્યા જેવો છે. બીજે જાય તેની મોટપ હણાય છે. મનનું કહ્યું કરવું હોય તો તે કહી દો. સત્સંગની એ રીત નથી. મનની મતે ચાલવું તે કુસંગ ગણાય. વચનમાં વર્તવું તે સત્સંગ છે. કુમતિનો સત્સંગ પ્રથમ તો સુમતિ કરતાં વધારે રંગવાળો દેખાય, પણ સંત હરિભક્તના દાસ થઈને વર્તવું તે કુમતિવાળાથી બને નહિ. અમારાં વચન જેનું જીવન બની જાય તે સુમતિ છે. સુમતિ સત્સંગ કરે તે દિન દિન વધતો જાય. વર્તનમાં ફેર હોય તે પ્રમાણે પ્રાપ્તિમાં ફેર પડી જાય છે.’”

બીજે દિવસે મુક્તમુનિને શ્રીહરિ કહે, “તમારા પ્રેમી સંતો કીર્તન ગાઈને સૂઈ ગયા. દર્શનની કાંઈ મનાઈ ન હતી. તેમને બોલાવીને પૂછો કે તમે ભેગા શા માટે ચાલો છો?” બોલાવીને પૂછ્યું ત્યારે તેઓ ઉત્તર આપી શક્યા નહિ. પછી શ્રીહરિ સંતોને કહે, “તમે અમારાં દર્શન કરવા સાથે ફરો છો તો નળીમાં આગળ દોડ્યા તે કોનાં દર્શન કરવા દોડ્યા?”

સંતોને પોતાની ભૂલ સમજાઈ. સૌએ ક્ષમા યાચી. શ્રીહરિ કહે, “સંત અને વિપ્રને તાડનનો દંડ ન હોય. જે સૂઈ રહ્યા તેમણે સવાર સુધી ચોકી કરવી.” એમ કહી જે આગળ ચાલ્યા હતા તેને ઉપવાસના દંડ દીધા.

મુક્તમુનિ નોંધે છે કે સંધ્યા આરતી ને ધૂન પછી શ્રીહરિ વાત કરવા લાગ્યા ત્યારે ત્રીજા ભાગના સંતો આસને જઈને સૂઈ ગયા હતા! ગાફલ સંતોની ગાફલતા શ્રીહરિએ દેખાડી તે, ભૂલ સુધરે તે માટે દેખાડી.109

ત્યાગી થઈને ગૃહસ્થ જેવી અઘટિત રીત રાખતો હોય તે તરત જણાઈ આવતું. ગૃહસ્થની રીતનો ત્યાગ કરે તેને સાચા ત્યાગી માનતા. સંતની શોભા ત્યાગમાં છે. ત્યાગીનું જીવન જોઈને ગૃહસ્થ તેનું વચન માને છે. ગૃહસ્થને પ્રથમ સંતમાં પ્રતીતિ આવે છે, પછી વાતો સાંભળીને ભગવાનમાં પ્રતીતિ આવે છે. પ્રગટ હરિના નિશ્ચયમાં સંતનું વર્તન રહેલું છે. સંતની અલૌકિક વર્તનની રીત, કથા-કીર્તન અને વાર્તા - એ બધું અનંત જીવના ઉદ્ધાર માટે છે. જીવોના ઉદ્ધાર માટે આ વખતે મોટી સડક મોક્ષની શ્રીહરિએ બાંધી છે. તેમાં અંતર-બાહ્ય સંગ એવા સંતનો કરવો, જે બાંધેલી સડક પર ચાલતા હોય, નિયમનો ભંગ કરી ચાલનારાને ઓળખીને શ્વપચની જેમ ત્યાગ કરવો. નિયમ-ધર્મયુક્ત સાચા સંત મળે તેને મન સોંપી દેવું. સંત જેમ વધુ ને વધુ પ્રસન્ન થાય તેમ વર્તવું.

સાચા સાધુને પોતાના સ્વાર્થ પર તાન હોતું નથી. જે અસાધુ છે તે પોતાનો સ્વાર્થ સાધવા રાત-દિવસ પુરુષાર્થ કરે છે. બીજા સંતની મોટપ તલભાર પણ સહન કરી શકતા નથી. એટલે સંતના ગુણ તેમાં આવતા નથી. પ્રગટ ભગવાનના નિશ્ચયવાળા અન્ય ભક્તને પોતાના કરતાં મોટા જાણે અને એવા સંતનાં દર્શનથી પોતાને ધન્ય માને ને પોતાનો આનંદ-કેફ ઓછો થવા ન દે એ સંતને મોટા જાણવા. પોતે નિર્માનીપણે વર્તીને બીજાને યથાયોગ્ય માન આપતા રહે છે. પોતાના ગુણનો તેમને ક્યારેય ગર્વ હોતો નથી. સંતમાં જ્યારે માન દોષ પ્રવેશે છે, ત્યારે પોતાના જેવી સાધુતા કોઈમાં દેખાતી નથી. એટલે સંતને તો ગરીબ થવું, સહન કરવું, સાંભળી લેવું.

સહન કરવું તે સંતનો ગુણ છે. શાસ્ત્ર ભણેલો વાતો સારી કરે, પણ મનમાં ફુલાય કે મારા જેવી કથા કોઈ સંત ન કરી શકે તો તેની તલ જેટલીય મોટપ રહેતી નથી. દત્તાત્રેયે ચોવીસ ગુરુ કર્યા એ સંતની રીત છે. સત્સંગની પ્રથામાં મળતું આવે એટલું ગ્રહણ કરવું. નિષ્કામશુદ્ધિ અને ધર્મામૃતમાં સંતની રીત કહી છે. એ પ્રમાણે વર્તે તેને જ શ્રીહરિ સાધુ કહે છે. પોતે પોતાની રીતે ફાવે તેટલો મોટો સંત માનતો હોય, પણ ધર્મામૃત અને નિષ્કામશુદ્ધિ આ બન્ને ગ્રંથ તેને પ્રમાણ કરે ત્યારે સાચું. પોતે અધિક માને તેથી કંઈ અધિક થવાતું નથી. ભલે તેને ઊંચે આસને બેસારીને લોકો પૂજે, પણ તે સાચા સાધુ પાસે તુચ્છ છે.

સાચો સંત તો સંતની આગળ ઊંચે આસને બેસવું તેમાં કોચવાય છે. ગુણે કરીને બેસવું પડે તોપણ તેને શૂલી કરતાં અધિક માને છે. આમ, સંત અને અસંતમાં આસમાન-જમીનનો ફેર છે. બધા સંતો જુદાં જુદાં ધામથી આવેલા છે. કેટલાક અક્ષરધામથી તો કેટલાક ગોલોકમાંથી, કેટલાક વૈકુંઠમાંથી તો કેટલાક શ્વેતદ્વીપ ને બદરિકાશ્રમમાંથી - એમ પૃથક્ પૃથક્ આવ્યા હોવાથી બધાની રીત એક સરખી મળતી નથી.110

ત્યાગ-વૈરાગ્ય, ભક્તિ, ધર્મ, જ્ઞાનાદિક અપાર ગુણ હોય પણ જો લોકને દેખાડવા માત્રના હોય તો તેનાથી અર્થ સરતો નથી. ભગવાનને રાજી કરવા આ ગુણો કેળવે તો તે સત્ય બને છે. દ્રવ્યનો લોભ રાખે ને લોક રીઝવવા ભજન કરે તે અસત્પુરુષપણું છે. સાચા સંત તો લોકમાં વિચરીને કુવાર્તાનો ત્યાગ કરાવે ને ભગવાનને ભજે ને ભજવે. બધી વાતમાં ભગવાનનું પ્રધાનપણું રાખે તે સાચા સંતનો માર્ગ છે. એવા સાધુ ધર્મે સહિત ભગવાનની ઉપાસના કરે છે.

‘સાચે સંત કા મારગ તેહિ, ભગવાન કું અધિક રખત એહિ;

ધર્મ જુત ભગવાન તાકી, ઉપાસના કરત રહે વાકી.’111

કોઈ મુમુક્ષુ જન ત્યાગી થવાની ઇચ્છા રાખતો હોય, પણ એના ત્યાગી થવાથી ગામ કે દેશના હરિજનોને જો સંતનો કે સત્સંગનો અભાવ આવે એવી પરિસ્થિતિ ઊભી થવાની હોય તો શ્રીહરિ તેને ત્યાગી બનાવતા નહિ. સૌને સંતમાં, સત્સંગમાં દિન-દિન ભાવ વૃદ્ધિ પામતો રહે ને જીવમાં સમાસ થાય એમ શ્રીહરિ કરતા.112

ત્યાગી થયો તેણે દેહના સંબંધીને ક્યારેય સંભારવા નહીં. ત્યાગી થઈને સંબંધી સાથે નાતો રાખે છે ને મનમાં સંભારે છે તેને શુક સનકાદિક અને નારદ આદિ સાધુની પંક્તિમાં ગણતા નથી. ત્યાગીને તો ભગવાન જ સાચા સંબંધી છે. અને જે ભગવાનના ભક્ત છે તેને ભગવાન સિવાય બીજું કોઈ અધિક હોય નહીં.113

જે આત્મસ્વરૂપ છે, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનની ઉપર જેને તાન છે, સર્વોપરી વર્તનવાળો છે અને સુખમાત્રનું મૂળ ભગવાન છે એમ માને છે તેને બધી સિદ્ધિઓ દાસીની પેઠે તેની સેવામાં પાછળ પાછળ ફરે છે.114