૨૪. માન-મોટપ

 

સુખપુરમાં શ્રીહરિએ રાવત ધાધલ નૃપને વાત કરતાં કહ્યું, “જે ભક્ત થયો તેને તો ભગવાનના વચનનું પાલન કરવાનું દૃઢ માન હોય, બીજું માન હોય નહિ. જ્યાં સુધી ઘટમાં પ્રાણ છે, ત્યાં સુધી એ વચન પાલન કરે છે. વિષમ દેશકાળે પણ વચન બહાર પગ ભરતો નથી. જેમ ધજા પવનની દિશા અનુસાર વારંવાર વહેવાની દિશા બદલે છે, તેમ ભક્ત પણ પોતાનું ધાર્યું મૂકી ભગવાન ને સંત કહે તે દિશા પકડી રાખે તે સર્વે ભક્તોમાં શિરદાર છે, મોટો છે.”1

ભુજમાં શ્રીહરિ કહે, “મોટાને અમે સત્સંગ કરાવતા નથી, કારણ કે તે આખા સત્સંગને ડુબાડે. ધાર્યું તો ઈશ્વરનું થાય છે, તોપણ અંતરમાં ડરતા રહીએ છીએ. કરંડિયામાં સર્પ નાખીને ગરુડી જો ગાફેલ રહે તો પ્રાણ ખુએ. તેમ એવા અમલવાળા જે મોટા તે પણ અગ્નિ જેમ સ્પર્શ કરતાં જ ગુણ જણાવે તેવા પરાક્રમવાળા હોય છે. મોટા મોટા ભૂપોએ સત્સંગ જાણ્યો નથી, ત્યાં સુધી હરિભક્તને આનંદ છે. આ સભામાં સાચા હરિભક્તો વિના કોઈ નજરે આવતો નથી, પરંતુ એવા મોટા ભળે ત્યારે આવું રહેવું કઠણ છે.”2

ઝીંઝાવદરમાં અલર્ક નૃપને શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “માન બધાં કામ બગાડી નાખે છે. સત્સંગ કર્યા વિના માન ટળવું અશક્ય છે અને અજ્ઞાન એ જ માનનું મૂળ છે. સત્સંગ કરે છતાં માન રહી જાય, તે મટવું બહુ કઠણ છે. માનનું કોઈ ખંડન કરે તો તે સંત હોય કે ભગવાન હોય તોપણ જગતથી પણ તેનો અધિક અભાવ આવે. અને એનું માથું ફરી જાય કે સંતને સંત અને ભગવાનને ભગવાન પણ માને નહિ. જ્યારે માન ખંડન થાય ત્યારે જો ભગવાનનો ખપ હોય તો લગારેય ખસે નહિ. માન નજરે દેખાતું નથી, પણ માન વિનાના બધા રસ ખોટા લાગે છે.

“સંતને મોક્ષદાતા જાણે ને દાસ થઈને સત્સંગ કરે તેને માન આવે નહિ. સૌ પાપોમાં મોટું પાપ અને સૌ કલંકમાં મોટું કલંક માન છે. સત્સંગ તો બિલોરી કાચ જેવો નિર્મળ છે. દર્પણમાં જેવું પોતાનું રૂપ હોય તેવું દેખાય. કાચનો જે દોષ દેખે એ કુબુદ્ધિ કહેવાય. તેમ સત્સંગનો દોષ જોનારને પણ તેવો જ જાણવો.”3

મુક્તમુનિએ શ્રીહરિએ કહેલી વાતો ગઢપુરમાં કહી કે, “શ્રીહરિ કહેતા કે - હું માન હોય તેને પગે લાગતો નથી, પરંતુ જે હરિ ને હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનું છું. આ અમારા નિશ્ચય જેવો જેને મતિમાં નિશ્ચય હશે તેને કદી માન નહિ આવે. અમારું ધામ સર્વોપરી છે. તેના નિવાસી આ સર્વે હરિજન છે. આવી બુદ્ધિ સદા જેને હોય તેને ક્યારેય માન આવતું નથી.

“હરિજનને આ લોકના સમજે છે તેના હૃદયમાં કામ, ક્રોધ, લોભનાં પૂર આવ્યાં કરે છે. તેમાં તે તણાયા કરે છે ને અધર્મવંશથી દુઃખી થાય છે.”4

કરિયાણામાં આવેલા નાગર સેનાપતિને શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ભગવાનના સંબંધ વિનાની મોટપ કાકતીર્થ જેવી છે. કાગડો પશુ-પંખીમાં નીચ યોનિ કહેવાય છે, તે મડદાંને ચૂંથે છે. નીચ હોય તે મડદામાં માલ માને છે. હંસ ઉત્તમ પંખી છે. તેનો આહાર દૂધ અને મોતી છે. કાગડાને તે દૂરથી પણ ગમે નહિ. ભગવાનના ભક્ત હંસ સમાન છે. તે તો ભગવાનના ચરિત્રરૂપી મોતીનો ચારો કરે છે અને અક્ષરધામને પામે છે.”5

સારંગપુરના જીવાખાચરના દરબારમાં શ્રીહરિએ હરિજનોને કહ્યું, “ધન-સ્ત્રીને ત્યાગે પણ માનરૂપી વિષ તેથી પણ ભારે છે. માનરૂપી વિષ જેમાં આવે તે સંતમાં બ્રહ્માને પણ દુર્લભ એવા ઉત્તમ ગુણો હોય તે દોષરૂપ થઈ જાય છે. જે ગુણ છે તે જ સ્વયં મોટાઈ રૂપ છે. જેમ ગુણ આવે તેમ દીન થાય અને સંતને આધીન રહે ત્યાં સુધી ગુણ શોભે છે.”6

મુક્તમુનિને તવરા મેળામાં મોકલતી વખતે શ્રીહરિ કહે, “માનથી જે ડરે છે તેને અમે પૂજાની મોટપ આપીએ છીએ. માનમાં દોષ દેખે તેને માન આવતું નથી. તમારા જીવમાં જો માનનો અંકુર દેખાય તો સંત-હરિભક્તનાં ચરણની રજ પૂજા થઈ રહ્યા પછી માથે ચઢાવજો. તેના પ્રતાપે માન નહિ આવે.”7

અલર્ક રાજાના ભવનમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સંત-હરિભક્તમાં કોઈ જાતનો છક દેખાય તેટલો તેનો અમને ડર લાગે છે. ભક્તિ-ધર્મ વગેરે ગુણનો છક છે તે વિઘ્નરૂપ છે. છક મોટાઈ રહેવા દેતો નથી. વસ્ત્ર વિનાનો માણસ સભામાં જેવો શોભે તેવો છકવાળો માણસ શોભે. જેટલો છક છે તેટલી તુચ્છતા ગણાય. જેટલી નમ્રતા છે તેટલી મોટાઈ ગણાય. નમ્રતા વિના મોટાઈ શોભે નહિ. વિદ્યાનું ફળ નમ્રતા છે. સારાં વસ્ત્ર-આભૂષણ પહેર્યાં હોય તોપણ નમ્રતાથી શોભે છે. બીજા ગુણ ઘણા મેળવ્યા હોય, પણ નમ્રતા ન હોય તો તે ગુણ ઝેરરૂપ છે. પારસમણિ તથા ચિંતામણિ તથા બીજી રિદ્ધિ-સિદ્ધિ પામે, પણ નમ્રતા ન આવે ત્યાં સુધી મોટપ શોભે નહિ. સારા ભોજનમાં ઝેર પડે તો બધું ઝેર થાય, તેમ છક ઝેરરૂપ છે.”8

કુંડળમાં મામૈયા પટગરના ભવનમાં રાજાઓ પ્રત્યે શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “જેને સત્સંગનો દિવસે દિવસે અધિક રંગ ચઢાવવો હોય, તેણે એવા સંત-હરિજનનો સંગ કરવો જેનો રંગ અપમાનમાં પણ ઝાંખો થતો ન હોય. સાધુ હોય કે હરિભક્ત બન્નેમાં જેને માન હોય તેટલો કુસંગ છે ને તે ક્ષય રોગ સમાન છે. જે સંત હરિભક્તો નિર્માની થઈને સરળ વર્તે છે તેમનો શુદ્ધ સત્સંગ છે. જેનો જીવ જેવી રીતે વર્તતો હોય તે તેવું વચન ઉચ્ચારે છે. સંત-હરિભક્તની મોટાઈ જે સમજે છે અને તેમનાં દર્શનથી જેનું અંતર ઠરે છે, તેને વિઘ્ન નડતાં નથી. દાસભાવ ન હોય તો મેરુ સમાન ગુણ હોય તોપણ શોભતા નથી.

“અનંત ધ્યાન-ધારણા કરતો હોય, ભૂત-ભવિષ્ય ને વર્તમાન કહેતો હોય, અંતરની વાત જાણતો હોય, અનંત જીવોની નાડી તાણતો હોય, અનંત પરાક્રમ કરતો હોય તોપણ જો દાસપણું ન હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે.

“ભગવાન બધા અપરાધને ક્ષમા કરે છે, પણ પોતાના દાસને જે પીડે છે તેને સહન કરતા નથી. દાસના ઉરમાં શ્રીહરિ નિવાસ કરીને રહે છે. તેના પ્રત્યેક ગુણરૂપે શ્રીહરિ રહ્યા છે. ભગવાન સમર્થ હોવા છતાં પોતે જ્યારે મનુષ્ય તન ધારે છે ત્યારે દાસની પેઠે વર્તે છે ને ભક્ત કહે તેમ કરે છે. માન રાખતા નથી. ભગવાન સમુદ્ર સમાન બધા ગુણોના નિધાન છે. સંત-હરિભક્તો સરોવર સમાન છે. તેમાં થોડા ગુણો ટકે છે. સરોવર પુરાઈ જાય તો જળ ટકે નહિ. તેમ માનરૂપી કાદવ ભરાતાં શુભગુણ ટકતા નથી.

“સંત-હરિભક્તનું કોઈ ઘસાતું બોલે ને તેની અદબ ન રાખે તો તેને બ્રહ્મવેત્તા સંતની હત્યા જેટલું પાપ લાગે છે. સંત-હરિભક્તોના દ્રોહ સમાન કોઈ પાપ નથી અને તે પાપનું પ્રાયશ્ચિત્ત નથી. માટે સંત હરિભક્તોના ગુણ ઉચ્ચારવા, દોષ બોલે તેણે સત્સંગ કર્યો જ નથી.”9

ગઢપુરમાં ઉત્તમના દરબારમાં ધર્મપુરની વાત શ્રીહરિએ હરિજનોને કરતાં કહ્યું, “ભગવાનના ભક્તમાં લગારેય માન આવે તે ભગવાન સહન કરતા નથી. દોષમાત્રને પ્રવેશવાનું મહાદ્વાર માન છે. જ્યાં સુધી ભક્તમાં માનનો ઉદય ન હોય અને નિર્માની રહેતો હોય ત્યાં સુધી તે સત્સંગમાં વૃદ્ધિ પામતો રહે છે. પણ જેવું માન આવ્યું કે તરત તે ભક્ત ધીરે ધીરે ઘટી જાય છે. હરિજનમાં જેટલો નિર્માની ગુણ તે તેટલો મોટો. માનરૂપી રોગ જીવને ઉદ્વેગ કરાવે છે. અને ભગવાનથી વિમુખ કરે છે. મનને મતે ચાલે તે માની છે. અને તેના પર ભગવાનનો કોપ થાય છે. માનરૂપી વિષ પીને પણ માની માણસ પોતાની બડાઈ સમજે છે પણ તેમાં તે બહુ દુઃખી થાય છે.”10

વડતાલમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સાંખ્યનિષ્ઠા, યોગનિષ્ઠા, ધર્મનિષ્ઠા, ભક્તિનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા હોય, પણ જો તેમાં માન હોય તો તેના બધા ગુણ નાશ પામે છે. માનમાં દોષમાત્ર વસે છે.”11

લોયામાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “ધનનો મદ ચઢે છે ત્યારે ભગવાનમાં રુચિ રહેતી નથી. ધનનો દાસ થઈને રહે તેની પાસે ભગવાન રહેતા નથી. ભગવાન હોય ત્યાં ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય રહેલાં છે.”12