૨૯. શ્રીહરિની રુચિ, સ્વાભાવિક ગુણ

 

શ્રીનગરમાં નવાવાસમાં ભાત-ભાતનાં સ્વાદિષ્ટ વ્યંજન થાળમાં ભર્યા હતા. શ્રીહરિ જમતાં જમતાં કહેવા લાગ્યા કે, “કોટિ જન્મથી સ્વાદ ચાખ્યા પણ તેનો પાર આવતો નથી. તેનું નામ જ મોહ છે... મોહનો મારગ છૂટે તો જ ભગવાનમાં સ્નેહ થાય છે. માટે મારા ભક્તોને તેમાં દોષ દેખાડી, અભાવ લાવી, હું ત્યાગ કરાવું છું. જ્યાં સુધી રસાસ્વાદ, કામ, લોભ, સ્નેહ અને માન આદિ શત્રુ છે ત્યાં સુધી મોહ ટળે નહિ. અને મોહ ટળ્યા વિના પ્રભુમાં પ્રીતિ થાય નહિ. પાતાળથી પ્રકૃતિ પુરુષ સુધીનું સુખમાત્ર મોહથી આવૃત્ત છે. તેનો દોષ જાણ્યા વિના અભાવ બુદ્ધિ ન થાય. જ્યાં સુધી વિષયનો અભાવ ન થાય ત્યાં સુધી મોહ પણ ટળતો નથી. મોહ જીવને જન્મ-મરણનો હેતુ છે. મનુષ્ય, મોહનો અભાવ જે કરાવે છે તેનો અભાવ લે છે પણ મોહનો અભાવ તેને આવતો નથી. મર્યા વિના મોહ ન જાય. એ કરોડ પ્રકારની વાતથી દેખાઈ આવે છે. મારામાં મોહનો લેશ નથી. મારો આવો સ્વભાવ તમે બધા જાણો છો. મને નિશ્ચય ભગવાન માનો છો. મારા સ્વરૂપનું જ્ઞાન છે. મારી સિવાય બીજા બધા મોહમાં બંધાયેલા છે, એમ જે માને છે, વળી, મને જીવનું જીવન માને છે અને બીજાને માયાના ગુલામ જાણે છે, મારા સંતને દંભ રહિત સાચા ત્યાગી માને છે, ત્યારે અમારું વચન તેના હૃદયમાં પ્રવેશ કરે છે.”1

રામદાસ સ્વામીને શ્રીહરિ કહે, “રઘુનાથદાસને અમે મળવા આવ્યા હતા, પણ તે અમને મળ્યા નહિ. તમે તેને બોલાવી લાવો તો અમે તેને ગાદી સોંપી દઈએ. અમારે અધિકારનો મોહ નથી. પાતાળથી સત્યલોક, પ્રકૃતિ-પુરુષ સુધીના સુખમાં અમે જમપુરીથી વધારે દુઃખ માનીએ છીએ. ભગવાનની સ્મૃતિ ભુલાવે તે બધાં દુઃખ જ છે. તે પછી ભલેને અતિ સુખ કહેવાતાં હોય તોય અમે તેને ઘોર નરકના કુંડ જાણીએ છીએ.

“અમારો સિદ્ધાંત તો એ છે જે ભલે અતિશય દુઃખ હોય, પણ તે દુઃખમાં ભગવાનની સ્મૃતિ હોય તે પરમસુખ છે. અમારા જીવમાં એમ મનાયું છે. ભગવાનની વિસ્મૃતિ કરાવે એવાં વૈકુંઠનાં સુખ હોય તોપણ તેને ઘોર જમપુર જાણીએ છીએ. અમારું મન ત્યાં ટકતું નથી. બીજા લોકો અમને માને કે ન માને, પણ ભગવાનમાં અખંડ ચિત્ત રહે તે જ મોટો અધિકાર છે, એમ અમે માન્યું છે.

“હરિજનનો દાસાનુદાસ થઈને રહું એટલો ઘાટ મનમાં રહ્યા કરે છે. અને અહોનિશ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ઉપર તાન રહ્યા કરે છે.

‘દાસાનુદાસ હરિજન કે હોઊં, ઇતનો ઘાટ રહત હે મોએ;

ધર્મ ભક્તિ વૈરાગ્ય રુ જ્ઞાના, તાકો નિશદિન રખના તાના.’

“અમને ઉત્તમ પ્રકારનાં ખાન-પાન, અમૂલ્ય વસ્ત્રો અને આભૂષણો, શ્રેષ્ઠ વાહનનો યોગ રહે છે, પણ આ સઘળું અમે મહા દુઃખરૂપ માન્યું છે. ઉત્તમ વિષય પ્રાપ્ત થાય ત્યારે એમ માનીએ છીએ જે તપમાં કશી ખામી આવી છે.”2

ફાગણ વદ-૧૧, પાપમોચિની એકાદશીને દિન શ્રીહરિ જેતપુરમાં હતા. સાથે સંતો તથા સુરા, માતરા, સોમલા, અલૈયા વગેરે રાજાઓ પણ હતા. ભદ્રાવતી - ભાદર નદીમાં સૌ સાથે શ્રીહરિએ સ્નાન કર્યું. જળમાં ઊભા રહીને તાળી વજાડીને ‘ધન્ય જમુનાજી...’ તથા ‘કાંઈ દુર્લભ હરિજન...’ કીર્તનો ગવરાવ્યાં. દિવસ ચાર ઘડી ચઢ્યો ત્યાં સુધી નાહ્યા. પછી જળની બહાર નીસરી વસ્ત્રો ધારણ કર્યાં. તે વખતે સોમલા ખાચરે જરા ઊંચેથી મર્મનાં વચન કહ્યાં, “અલૈયા! ગભરાશો નહિ, ફરાળ તૈયાર છે.”

ત્યારે મહારાજ કહે, “એકાદશીનો ઉપવાસ માસમાં બે વાર આવે છે, તે અવશ્ય કરવો. એકાદશી જો ફરાળ રહિત નકોરડી કે નિર્જળ કરવામાં આવે તો તેનું ફળ બહુ મોટું પ્રાપ્ત થાય છે. આજે ફરાળની કોઈ આશા રાખશો નહિ, ભજન કરીને દહાડો કાઢવાનો છે. વળી, એકાદશી એ ભગવાનનો વાસર (દિવસ) છે. બીજા દિવસો કરતાં આ દિવસ ઉત્તમ કહેવાય છે. એક એક એકાદશીને દિવસે ચોવીસે અવતારમાંથી એક એક અવતાર રહેલા છે. એકાદશીનાં પણ ચોવીસ સ્વરૂપ છે. આજે પાપમોચનીનું અનુપમ વ્રત છે. એટલે કોઈએ ફરાળ કરવાનું નથી.”

ત્યારે કાઠી કહે, “અમે તો હરિભક્ત થયા પછી પાપ ક્યાં રહ્યાં?”

શ્રીહરિ કહે, “તમે શાસ્ત્રની રીત જાણતા નથી. ભવ, બ્રહ્મા, ઇન્દ્રાદિક દેવતા પણ એ રીત જાણીને વર્તે છે. જેટલાએ શાસ્ત્રની આજ્ઞા ઉપર પગ દીધો છે તેની આજ સુધી ફજેતી થતી રહી છે. દેવો ઈશ્વરો તો મહાસમર્થ કહેવાય, તેની પાસે મનુષ્ય શા લેખામાં? એ મોટા હતા તોપણ આજ્ઞા લોપી તો કલંક લાગ્યાં છે. મનમુખી વર્તનાર બેહાલ થયા છે. જેને સત્સંગ રાખવો હોય તેણે લગારેય પણ મનમુખી ન થવું. નટ જેમ દોર પર નજર બાંધે છે, તેમ આજ્ઞારૂપી દોર પર નજર રાખીને જે ચાલે તેની જીત થાય છે. ભૂલથી પણ વચન ભંગ કરે છે તેની ફજેતી થાય છે. વળી, હરિભક્તને પાપ ન હોય તેમ કહો છો, પણ ભગવાન સિવાય બીજામાં વૃત્તિ રહે તે પાપ છે. અને અમે તો એને જ હરિભક્ત જાણીએ છીએ કે જે અમારાં વચન પાળે, ગમતામાં વર્તે, નાની-મોટી આજ્ઞાઓમાં વિશ્વાસ કરે.”

રામદાસ, મુક્તાનંદ સ્વામી આદિ સંતો કહે, “મહારાજ! અમે સદાય આપના વચનમાં રહેવાનો નિશ્ચય કર્યો છે ને તેમાં જ લાભ માન્યો છે.”

પછી નહાઈને ઉતારે આવ્યા ત્યારે બધા કાઠી ભક્તોએ હાથ જોડીને કહ્યું, “મહારાજ! તમારા વચનમાં સુખ છે, તમને રાજી કરવા છે. અમે એકાદશીને દિવસે ફરાળ કરીશું નહિ.”

આ સાંભળી શ્રીહરિ બહુ રાજી થયા. શ્રીહરિ કહે, “ખપ વિના સત્સંગમાં ટકાય નહિ. સત્સંગ કરીને અભાવ લે તો એકેય ગુણ રહે નહિ.”

‘નૃપ કહત કર જોરિ કે, શ્રીહરિ કું તેહિ વાર;

તુમારે વચન મેં સુખ હે, હમ કિયે નિરધાર.

હમ અબ કોઉ વાર, એકાદશી કે દિન તેહિ;

કરનો નહિં ફરાર, દુખિ હોવે તબ જોર નહિ.’3

લોયા-નાગડકામાં શ્રીહરિએ સંતોની પંક્તિ કરી. પોતાના સાધુને ઉચ્ચકોટિ પર લઈ જવા જમવાની રીત પોતે હેતથી શીખવવા લાગ્યા. પ્રથમ પોતે અન્ન લઈ એક પાત્રમાં મેળવ્યું ને જળ મિલાવી નીરસ કર્યું. પછી સૌને તે બતાવીને કહેવા લાગ્યા, “મારી આજ્ઞાથી મેળવીને જળ નાખીને જમે છે તે નિષ્પાપ થાય છે. જે ત્યાગી મેળાવ્યા વિના જમે છે તેને પંચવિષયમાં અનુરાગ છે એમ જાણવું. પૂર્વે મહામુક્ત જે કહેવાતા હતા તે પણ દેહભાવને લીધે ભ્રષ્ટ થયા છે. પંચવિષયમાં જેને જેટલી પ્રીતિ હોય તે ભોજનટાણે જણાઈ આવે છે. મેળાવીને જમતો હોય તો જાણવું તેને પંચવિષયમાં પ્રીતિ નથી.

“જેમ જિહ્‌વા બધું એક રસ કરી કંઠ નીચે ધકેલે છે, તેમ પાત્રમાં બધું એકરસ કરીને જમવું. એ નીરસ આહાર પણ અમુક માત્રામાં જ લેવો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ - પાંચે વિષય આખો મીંચીને ભોગવવા નહિ. વિષયના પ્રત્યેક દ્વાર પર મારી આજ્ઞારૂપી મૂર્તિ ઊભી છે, તેને પૂછીને પગ મૂકવો. વિચારીને ક્રિયા કરવી.” આટલો ઉપદેશ આપી શ્રીહરિ ખેસ આડસોડે નાખી સંતોને પ્રેમપૂર્વક પીરસવા લાગ્યા.4

સમઢિયાળામાં લાખાખાચરને ઘરે શ્રીહરિ દૂધ, ભાત, સાકર, જમીને દહીં, ભાત, સાકર જમ્યા અને બોલ્યા, “દહીં સાકર જ્યારે અમે જમીએ ત્યારે અમને શીતળતા રહે છે. ઉનાળાનો તાપ અમારાથી સહન થતો નથી. પૂર્વે લવિંગ, મરચાં, કસ્તૂરી વગેરે ઘણુંક જમેલા. તે વખતે સાત વર્ષ વનમાં ફરીને તપ કરવાથી શરીર શૂન્ય જેવું થઈ ગયું હતું. અને ઈશ્વર-ઇચ્છાથી તન રહ્યું હતું. શરીરનું અનુસંધાન અમે રાખતા જ નહિ, પરંતુ સત્સંગરૂપ પ્રારબ્ધથી દેહ રહ્યો. નહિ તો અમે સદા વનમાં વિચરતા ત્યારે સિંહ સર્પાદિકની વચ્ચે રહેતા, પણ તેનાથી ક્યારેય ડરતા નહિ. વળી, ઘણા દિવસો સુધી તો અન્ન-જળાદિકનો પણ ત્યાગ કરેલો. ત્યારે તો દેહ રહેવો અશક્ય હતો. સત્સંગમાં આવ્યા પછી રામાનંદ સ્વામીએ અમને વચનરૂપી પાંજરામાં રાખી તેમની રુચિ પ્રમાણે આ દેહનું જતન કરાવ્યું. અને સત્સંગમાં એવા બાંધી દીધા કે અમારું કશું જોર રહ્યું નહિ.”5

આરતી પછી શ્રીહરિ ‘સ્વામિનારાયણ’ મંત્રની ધૂન કરતા. તે તાળી વગાડી ગગન ગાજે તેમ ધૂન કરતા એકતાન થઈ જતા, અને શરીર તથા શિર પરના વસ્ત્રનું પણ ભાન ન રહેતું. એમ ધૂનમાં લીન થતા.6

બોટાદમાં પોઢ્યા પછી શ્રીહરિ પુરની બહાર નદીમાં નહાયા, ત્યાં લીલી વનરાજી જોઈને કહે, “આવી જગ્યાઓ અમને બહુ ગમે છે, પરંતુ હરિભક્તના હિતને માટે પુરમાં રહીએ છીએ. કારણ કે વનથી પણ દુર્લભ સત્સંગ માન્યો છે. ભગવાનના ધામ કરતાં પણ અમે સત્સંગને દુર્લભ માનીએ છીએ અને તેથી કરીને પુર દેખીને મૂંઝાવા છતાં સત્સંગની બહાર જઈ શકતા નથી. જેમ શેરડીમાં રસ છે, તલમાં તેલ છે, દૂધમાં ઘી છે, દેહમાં જીવ છે તેમ અમે અમારા દેહને સત્સંગમાં એકરસ કરી દીધો છે.”7

માંગરોળમાં શ્રીહરિએ અરુણોદય થતાં વાત કરતાં કહ્યું, “જે પુર અને ગામમાં સંત-હરિજન ધૂન કરે છે અને કીર્તન ગાય છે તેને ત્યાં અમે જઈને પ્રેમથી સાંભળીએ છીએ, એવી અમારી સદાય રીત છે. મનુષ્ય દેહનો લાભ જ એટલો છે કે પોતપોતાના ધર્મમાં રહીને ભજન કરવું.”8

અલર્ક નૃપના ભુવનમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “હરિભક્તો ને સંતનું અમે રાતદિવસ હિત વિચારીએ છીએ, પણ કોઈ હિત સમજતું નથી. અનુભવ વિનાના બુદ્ધિશાળીની બુદ્ધિ ફરી ગયા વિના રહે નહિ. બુદ્ધિ ફરે ત્યારે હિતમાં અહિત દેખાય. દેશકાળના વિષમપણાથી કોઈકનું માથું ફરે ત્યારે બહુ માણસ કહે તોપણ મનાય નહિ, પણ ડાહ્યો માણસ વિચાર કરે કે દસ વીશનાં માથાં ફરે નહિ માટે આપણો જ દોષ છે.”9

શ્રીહરિએ ગઢપુરમાં સંતો-ભક્તોને વિવિધ ભાતનાં ભોજન કરાવીને વાત કરતાં કહ્યું, “જેને અક્ષરધામના ધામી પ્રગટ મળ્યા તેને વેદ, પુરાણ અને સઘળાં સાધન તેમાં આવી ગયાં. પછી જે સાધન કરવાનું છે તે કહીએ જે –

“પ્રથમ અમારો મત યથાર્થ સમજવો તે મોટું સાધન છે. સાધનમાત્રમાં એ પરમ સાર છે. તે સમજ્યા વિના બધાં સાધન નિર્જીવ છે.

“તારાથી ચંદ્રમા અધિક છે, ચંદ્રથી સૂર્ય અધિક છે, એમ ચૈતન્ય ચૈતન્યમાં ઘણો ભેદ છે. પશુથી મનુષ્ય શ્રેષ્ઠ છે. મનુષ્યથી દેવ, દેવ કરતા ઈશ્વર અધિક છે. અને ઈશ્વરથી પરમેશ્વર અતિ અધિક છે. એ જ રીતે સંત અને અસંતમાં ગંગોદક અને મદિરા જેટલો ભેદ છે. જેને જે વખતે જે ભગવાન પ્રગટ મળ્યા તેણે તે વખતે તેનું ભજન કર્યું છે. અને તે જ હરિજન કહેવાયા છે. તેને તુલ્ય બીજા જન આવે નહીં. ચાહે તેટલાં સાધન કરે તોય તે માયિકજન કહેવાય.

“ભગવાન અને ભગવાનના મળેલા સંત કે તે સંતના મળેલાનો આશ્રય કરે ત્યારે શ્રીહરિનો નિશ્ચય થાય છે, અને અપાર જન ભવસિંધુ તરે છે.

“મારાં લીલાચરિત્ર કહે તથા સાંભળે તેમાં આનંદ પામનાર મારા આશ્રિતોને અંતકાળે રથ વિમાનમાં બેસાડીને ધામમાં લઈ જાઉં છું. દાસનો દાસ થઈને જે નિત્ય સત્સંગ કરે છે તેની ભક્તિ હું પ્રમાણિત કરું છું.

“મારી મૂર્તિ મારું ધામ અને મારું ભજન કરતાં મારા સંતો-હરિજનો સર્વે ગુણાતીત છે. તેને જે અસત્ કહે છે અને અસત્ જાણે છે અને તેનો દ્રોહ કરે છે તેને જમ કિંકર જોરે કરીને પકડીને લઈ જાય છે.

“આ બ્રહ્માંડમાં હું અખંડ નિવાસ કરીને રહું છું. જોગી નૃપ કે વિપ્રનું રૂપ ધરીને વિચરતો રહું છું. આ પ્રકારની મારી રીત છે. તે તમને મારા જાણીને પ્રેમથી કહી છે. આ રીત જાણીને જે મને ભજે છે તે મારા સુખને નિશ્ચય પામે છે.”10

પીપળાવમાં શ્રીહરિ કહે, “ભગવાનના સંત અને ભક્ત માટે પ્રેમથી જે સેવા સહાય કરે છે, તેટલી ભગવાન તેની સહાય કરે છે. અમારા મનમાં ભગવાન અને ભક્તના જ સંકલ્પ થાય છે. બીજા સંકલ્પને અમે સંસૃતિ (જન્મ-મરણ) માનીએ છીએ. ભગવાનનાં કથા-કીર્તનાદિક અને ઉત્સવ-સમૈયામાં મંદિરમાં હરિભક્તો સાથે ભેગા થવામાં જે કાંઈ કાળ જાય છે તે લેખે લાગે છે. બીજો કાળ વ્યર્થ જાય છે. સત્સંગ વિના મોહ અને મદ ઊતરતો નથી. તે સત્સંગ કરાવવા માટે જ અમે ઉત્સવ-સમૈયા કરીએ છીએ અને સંતોને પીરસીએ છીએ. હરિભક્તોને રાજી રાખવા અમે જુદું જુદું પીરસીએ, પણ સંતોએ સંતની રીતે જમવું. પોતપોતાનાં તુંબડાં જળથી ભરીને બેસવું. લોકમાં અનાચાર થાય છે તેમ ન કરવું.”11

મહેમદાવાદમાં શ્રીહરિ કહે, “હરિજન થઈને હરિજનને, વ્યાવહારિક વાત માટે પણ કુવેણ કહે તે પૂરો ભક્ત કહેવાય નહિ. હરિભક્ત હોય તે બધાયનું હિત ઇચ્છે. હરિભક્ત થઈને મનમાં બીજાનું ખરાબ ઇચ્છે તેને જીવમાં કુસંગ જાણવો. કોઈ સ્વાર્થને લીધે હરિજન થઈને હરિજન સાથે વેર રાખે તે પૂરો હરિભક્ત નથી. અમારે સૌ પર હેત છે તેથી હિતની વાત કહીએ છીએ. અમે ધર્મનો પક્ષ રાખીએ છીએ. વચનમાં વર્તનારા પર અમારી નિરંતર કૃપા રહ્યા કરે છે.” એટલી વાત કરીને શ્રીહરિ અંબારામના ભવનમાં થાળ જમવા પધાર્યા.”12

ગઢપુરમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ઈર્ષ્યા સમાન કોઈ બીજો દોષ નથી. વિમુખ થાય પણ મરે ત્યાં સુધી ઈર્ષ્યા જાય નહિ. મોટા દૈત્યોએ મરવા છતાં ઈર્ષ્યા મૂકી નથી. સંત થઈને ઈર્ષ્યા રાખે તે દૈત્ય સમાન છે. જેનામાં ઈર્ષ્યાનો સ્વભાવ છે તે અમોને ગમતા નથી. તેને અમે સંત કહેતા નથી.”13

ગઢપુરમાં શ્રીહરિએ ઉન્મત્તગંગા તટે વાત કરતાં કહ્યું, “અમારી ઉપર રતીભર જે ભાવ રાખે છે તેને અમે મેરુ સમાન માનીએ છીએ, તેવો અમારો સહજ સ્વભાવ છે. અમારું જે ચિંતવન કરે છે તેને અમે કદી ભૂલતા નથી. અમારાં ચરિત્રોનું ગાન હરિજનોએ કરવું. અમારા સિવાય કોઈનામાં જેને પ્રીતિ નથી તેને અમે પૂરો હરિજન કહીએ છીએ. અમારે એવા હરિજનો પર તાન રહે છે. અમારા સિવાય અન્યમાં પ્રીતિ રહે તેટલી તેમાં કસર જાણવી. અને એવો કસરવાળો અમારાથી દૂર છે. સમીપ અને દૂરની રીત કહ્યા વિના જાણ્યામાં આવતી નથી.”14•

સં. ૧૮૭૮ની જળઝીલણી શ્રીહરિએ ગઢપુરમાં કરી. લાલજી, ગણપતિની સવારી કાઢી. સૌ ઉન્મત્તગંગા તટે આવ્યા. શ્રીહરિ ભાવસારના આરે તટ પર આવીને બેઠા, શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. એટલામાં એક સંતે આવીને ફૂલના દસબાર હાર તથા ગુચ્છ તોરા વગેરે શ્રીહરિને ધરાવ્યા. પછી શ્રીહરિએ સંતોને પૂછ્યું, “લાલજીને ધરાવીને અમને ધરાવ્યા છે?” સંત આ વાત જાણતા ન હતા. તે જાણી લાવવા શ્રીહરિએ કહ્યું, ત્યારે સંતો બોલ્યા કે લાલજીને ધરાવ્યા નથી. ત્યારે શ્રીહરિએ હાર તોડીને ભૂમિ ઉપર નાખી દીધા ને કહ્યું કે, “પૃથુ ભગવાન થયા હતા. તે મૂર્તિની સેવા કરતા ત્યારે મૂર્તિનું સન્માન અધિક રાખતા હતા. સત્ય વાત માનવામાં અમે શરમાતા નથી. સત્પુરુષના જોગ વિના મોક્ષની રુચિ થતી નથી. સત્પુરુષ પોતે મોક્ષને માર્ગે ચાલીને અજ્ઞાની જનોને સાચી વાત બતાવી મોક્ષને માર્ગે ચલાવે છે. અને ભગવાનની જે આઠ પ્રકારની મૂર્તિ કહી છે, તેમાંથી હરકોઈ પ્રકારની મૂર્તિ પોતાના શિષ્યોને પૂજવા આપે તે મૂર્તિમાં પ્રગટ હરિની બુદ્ધિ રાખીને સેવા કરવી જોઈએ. જેથી નિશ્ચય મોક્ષ થાય છે. અમે પ્રગટ થયા ત્યારથી અધિક અધિક સુખ આપતા રહ્યા છીએ અને મોક્ષની પ્રથા ક્યારેય ન તૂટે તેવી બાંધી છે, પણ પુણ્ય વિના સમજાય નહિ. રખેવાળ વિના ખેતરમાં ગધેડાં ચરી ખાય. જેને કોઈ વાતનો નિયમ ન હોય તેમાં પણ મોક્ષ માને તેને ગધેડા કહેવાય. ધર્મરહિત થઈને ભગવાનની મૂર્તિ પૂજે તેને તો બ્રહ્માંડ હણ્યાનું પાપ લાગે છે. છતાં લોકો ત્યાં પ્રેમે કરીને દોડે છે. કાદવમાં કાદવવાળાં વસ્ત્ર ધોવાથી ઊજળાં થાય તો તેમનું કલ્યાણ થાય!”

એમ વાત કરી લાલજીને વહાણમાં બેસાડી આરતી કરી. ગણપતિને ગંગામાં પધરાવ્યા પછી લાલજીને જળવિહાર કરાવી બહાર આવ્યા. શ્રીહરિ તથા સંત-હરિભક્તો નાહ્યા. પછી પુરમાં ચાલ્યા. દરબારમાં તેમજ આહીરોને ત્યાં લાલજીની પધરામણીની પૂજા થઈ. પુરના ભક્તોએ ઘેર ઘેર પધરાવી પૂજ્યા.15

*

પરિશિષ્ટ

શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:

ઝાલાવાડ અને હળવદ મચ્છુકાંઠા સુધીના હરિભક્તો દર્શન કરવા સારુ આવ્યા. પોતપોતાનું ભાથું સાથે લાવ્યા હતા. આ રીત જોઈ શ્રીહરિ પ્રસન્ન થયા. શ્રીહરિ એકએક ભક્તને મળી નામઠામ પૂછતા હતા. ઉતારો કરાવતા હતા. કોઈ મા-બાપની ભીતિથી ભાથું લીધા વિના આવ્યો હોય તેની બરદાશ શ્રીહરિ કરતા. કોને શું કહેવાનું છે તે ભૂલે નહિ, બધું સ્મરણમાં રાખે, એવો શ્રીહરિને અભ્યાસ હતો. પાછા ઘરે જાય ત્યાં સુધી દરેક હરિભક્તની જાતે ખબર રાખે, બીજા પાસે રખાવે, શ્રીહરિની સૂરત એવી કે અપાર ભીડમાં પણ ભક્તને કહેવાનું ચૂકતા નહિ. જેમ વધુ ભીડ તેમ વધુ સૂરત રાખતા. અનંત પ્રકારની વાર્તા કરીને તેનો મોક્ષ કરવાનું એક તાન શ્રીહરિને રહેતું. કોઈને હેતે બોલાવે, કોઈનાં વખાણ કરે, કોઈ ન આપે તો માગીને લે ને કોઈ આપે તો પણ ન લે. આમ, કોઈ પણ પ્રકારે હેત કરી મોક્ષ કરવાનું તાન એમને રહેતું. શ્રીહરિનું ચરિત્ર એક પણ એવું નહોતું જેમાં અવગુણ આવે. મનુષ્યચરિત્રમાં પણ અવગુણ ન જુએ તે એકાંતિક, હરિનો દાસ કહેવાય.16

મુક્તમુનિએ શ્રીહરિની અનાસક્તિની વાત કરતાં કહ્યું, “શ્રીહરિ પાસે ગામ-ગામના હરિજનો આવતા અને અપાર સેવા કરતા, પૂજા કરતા, વસ્ત્ર આભૂષણ કેટલાક પ્રકારના લાવતા, શ્રીહરિને પ્રેમથી પહેરાવતા, પરંતુ શ્રીહરિ તે સઘળું બીજાને આપી દેતા.

શ્રીહરિ પાસે જેટલું ધન આવતું તે તરત બ્રાહ્મણોને વહેંચી દેતા. જો બ્રાહ્મણ કોઈ ન મળે, તો નૃપને આપી દેતા. ફરી જરૂર પડે તોપણ પાછું માગતા નહિ. પૃથ્વી ઉપર વિચર્યા ત્યાં સુધી શ્રીહરિએ પોતાની પાસે ધન રાખ્યું કે રખાવ્યું નથી. વસ્ત્રો, ઘરેણાં, વાહન, કંઈ પણ પોતાનું કરીને રાખ્યું નથી. પોતે અત્યંત નિર્બંધ રહ્યા, આકાશ જેવા શુદ્ધ રહ્યા. આવું વર્તન કોઈમાં જોવા મળે નહિ. શ્રીહરિ સૌ સાથે એકરસ થઈ જતા, છતાં સૌથી પૃથક્ રહેતા. બીજાની દેશી(નકલ) કરીને વર્તે, પણ શ્રીહરિની દેશી તો કોઈ કરી શકતું નહિ. મત પંથ સઘળા હારી ગયા.17

હરિભક્તો ધન આપે તે શ્રીહરિ પોતે હાથે લેતા નહિ. ચરણમાં મૂકે તો સેવક લઈ લેતા. આવેલી રકમ શ્રીહરિના ખર્ચમાં વપરાતી. શ્રીહરિ આવક પ્રમાણે ખર્ચ કરતા, ધનસંચય કરતા નહિ. વધુ આવક હોય તો બ્રહ્મભોજન કરાવતા. વિપ્રને જનોઈ કે કન્યાદાન દેતા. વારે વારે યજ્ઞ કરાવતા. મોટાં મોટાં મંદિરો કરાવતા. તેમાં પણ કોઈની પાસે માંગતા નહિ ને રકમ ભેગી કરાવી રાખતા નહિ. મંદિરોમાં ક્યારેય અન્ન-વસ્ત્રની તાણ રહેતી નહિ.18

શ્રીહરિ નિજ ભક્તોને નિતનિવી પ્રીત કરતા, જમાડતા, લાડ લડાવતા, સાથે ફરતા રાજાઓ - ગામધણીઓને મન ગામગરાસ ખોટાં થઈ ગયાં હતાં. કોઈને ઘરે પાછા જવાનો ભાવ થતો નહિ. શ્રીહરિ પાસે માસ-બે માસ રહે તોય એ ઉદાસ થતા નહિ. જેને જે પ્રમાણે વસ્ત્ર જોઈએ તેને તેટલું વસ્ત્ર શ્રીહરિ આપતા રહેતા. શ્રીહરિ એટલું જમાડતા કે એ બધી વાત કહીએ તેટલી ઓછી પડે. કરોડ વાતની એક વાત એ કે શ્રીહરિની બધી વાત માપની બહાર રહેતી.19

સંતો-ભક્તોની પંક્તિમાં શ્રીહરિ સ્વયં પીરસતા. બીજા કોઈ પીરસે તેથી શ્રીહરિનું મન માનતું નહિ, કારણ કે જન જનની જે ભિન્ન રુચિ તેને શ્રીહરિ જાણતા. કેટલાક પીરસનારા ‘લો લો’નો બકોર કરે, પણ લગારે આપે નહિ, માગે તો સાંભળે નહિ, વારે વારે ક્રોધ કરે, આપે તો ખૂબ આપી દે, ન આપે તો કશું આપે નહિ, ધીરે ધીરે પંક્તિમાં ફરે, પીરસવામાં પંક્તિભેદ કરે, મમત્વથી રહિત થઈને પીરસે નહિ, એવો સ્વભાવ જેનો દેખ્યામાં આવે તેના હાથમાંથી શ્રીહરિ ખેંચી લેતા. ફરી તેને પીરસવા દેતા નહિ. પીરસવામાં જેની નિર્દોષ મતિ હોય, ભેદબુદ્ધિ હોય નહિ, ઓછું અધિક જોઈએ તેટલું આપે, પાછળથી માગે તો ફજેત કરે નહિ, તેવાની પાસે ક્યારેક પિરસાવે તોપણ પોતે ફરે તેટલો સંતોષ રહેતો નહિ. કોઈ રસોઈ આપે તેને ફરવા દેતા, જેથી તેના મનમાં હર્ષ રહે અને વારે વારે સંભારે અને ધ્યાનમાં આવે.20

કારિયાણીમાં યજ્ઞ કર્યો. શ્રીહરિએ પૂર્ણાહુતિ વખતે બ્રાહ્મણોને ભાવથી દક્ષિણા આપી. ઘી વધ્યું તે બ્રાહ્મણોને પિવડાવી દીધું. પોતે ઘીનું પાત્ર હાથમાં લઈને પાતા. જેટલા શેર ઘી વિપ્ર પીએ તેટલા રૂપિયા તે બ્રાહ્મણને આપતા. એમ સૌને પ્રસન્ન કર્યા ને વિદાય આપી. ઘી, ગોળ અને લોટ વધેલો તેનાથી શ્રીહરિએ સંત-હરિભક્તો અને પુરના લોકોને જમાડ્યા. શ્રીહરિ કહે - અમે જ્યારે જ્યારે જમાડીએ છીએ ત્યારે સામાન બહુ વધે છે. રામાનંદ સ્વામી અમારી સહાય કરે છે, નહિ તો એવું બને નહિ.21

લોયાથી શ્રીહરિ પંચાળા આવ્યા. લોયામાં અયોધ્યાવાસી મળ્યા ત્યારથી શ્રીહરિએ ઉદાસી ગ્રહણ કરી હતી અને અન્ન છોડ્યું હતું. શ્રીહરિની સ્વાભાવિક પ્રકૃતિ વિષે મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ વાત કરેલી તે તેમણે સ્મરણમાં રાખી હતી. અન્ય વરિષ્ઠ પરમહંસોને તેમણે આ વાત કહી. મુક્તમુનિ કહે, “રામાનંદ સ્વામીએ શ્રીહરિના વિરક્ત સ્વભાવ વિષે મને એકાંતમાં કહ્યું હતું કે શ્રીહરિના સંબંધી ભેગા નહિ થાય ત્યાં સુધી તે સંત-હરિભક્તોને અપાર સુખ આપશે. જ્યારે સંબંધીનો જોગ કદી પણ થયો ત્યારે જાણજો કે શ્રીહરિ ઉદાસ થઈ જશે, કારણ કે પોતે ત્યાગી વર્તે છે. ઉપરથી સંત-હરિભક્તને બોલાવશે પણ અંતરમાં દેહ ક્યારે ત્યાગ કરવો તેના વિચારમાં રહેશે. બીજી ઉદાસી તો તમે કોઈ પણ રીતે દૂર કરાવી શકશો, પણ દેહના સંબંધથી થયેલી ઉદાસી પ્રાણ ત્યજાવીને રહેશે. કારણ શ્રીહરિ તેને જ સંબંધી માને છે જેનામાં ભક્તપણું હોય અને ધર્મ રાખવામાં પ્રીતિ હોય. એવા દૃઢ વિશ્વાસવાળા ભગવાનના ભક્તને પોતાના સાચા સગા માને છે, એનો ત્યાગ તેઓ ક્યારેય કરતા નથી. ભગવાનના ભક્તપણામાં ને ધર્મપાલનમાં જેને કસર હોય તેને શ્રીહરિ રતિ-રતિ જાણે છે. વર્તન જોઈ શ્રીહરિ સુખ આપે છે.”22