૨. ધર્મ, નિયમ, સદાચાર

 

શ્રીહરિએ માતાને ઉપદેશ આપતાં કહ્યું, “બ્રહ્માદિક દેવો, ઈશ્વરો તથા સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણેય લોક ધર્મથી ધારણ કરાયેલા છે. ધર્મનું જેટલું આચરણ કરે એટલી તે મોટાઈ પામે છે. નીચ જાતિનો પુરુષ પણ ધર્મમાં વર્તતો હોય તો બ્રહ્માદિક દેવોને પણ પૂજવા અને વખાણવા યોગ્ય થાય છે અને બ્રહ્માદિક દેવ પણ જો ધર્મમાંથી પડે તો મનુષ્યોએ પણ નીંદવા યોગ્ય બને છે. સત્પુરુષનો સદાચાર એ ધર્મનું પ્રમાણ છે.”1

પૂનામાં નીલકંઠવર્ણીએ બાજીરાવ નૃપને વાત કરતાં કહ્યું, “શિવ, બ્રહ્માદિક એક-એકથી અધિક છે, તેમ અધિક અધિક ભગવાનને આધીન વર્તે છે, ત્યારે તેમનો યશ પણ જગતમાં વિખ્યાત છે.”2

માંગરોળમાં વજરુદ્દીન રાજાને ત્યાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “અધર્મ કરે તે યવન છે. ધર્મ પાળે તે જ વર્ણમાં કહેવાય, બીજા વર્ણની બહાર છે. માટે હરિભક્તોએ ધર્મમાં દૃઢ વર્તવું. ત્યાગીએ ત્યાગીના ધર્મમાં અને ગૃહસ્થે ગૃહસ્થના ધર્મમાં રહેવું. એકબીજાની દેશી લેવી નહિ. જે અમારું વચન માનશે નહિ, તેને અમે સહાય કરશું જ નહિ. પછી અમારો દોષ કાઢતા નહિ.”3

ગઢપુરમાં અભયરાજાને શ્રીહરિ કહે, “કોણ માતા અને કોણ પિતા? કોણ બંધુ અને કોણ પુત્ર? અમારે કોઈને વિશે પ્રીતિ નથી. અમે ધર્મને પરિવાર માન્યો છે. જેનામાં જેટલો ધર્મ વિશેષપણે હશે તેની સાથે અમે અધિક પ્રીતિ કરીએ છીએ. અધર્મ ટાળવા હું પ્રગટ થયો છું. જો અમને રાખવા હોય તો ધર્મ અને ભક્તિ રાખો. તે વિના સોનાનો મહેલ હોય તોપણ હું રહેતો નથી. ધર્મ-ભક્તિનું સન્માન હોય ત્યાં હું રહું છું.”

‘કોન માત કોન તાત, કોન બંધુ પુત્ર હિ કોન,

કોઈકું ન હમ ચહાત, ધર્મ કું અબ હમ કુટુંબ કિયેઉ.

જિતનો જામે ધર્મ અધિકાઈ, તિનસેં પ્રીત અધિક હમ લાઈ.

હમકું રખન કું જેહિ હોત ભાવા, ધર્મ ભક્તિ સો અધિક રખાવા.

ધર્મ ભક્તિ કે જ્યાં સન્માના, તિહાં હમ રહે તજિકે માના.’4

કુંડળમાં શ્રીહરિ કહે, “અમે આપેલા નિયમ જે કોઈ રાખે છે તેને અન્ન અને વસ્ત્રનું ક્યારેય દુઃખ આવતું નથી.”5

કુંડળમાં અમરા પટગરના ભવનમાં શ્રીહરિએ કહ્યું, “ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેને ઓળખીને ભજે છે, તે અધર્મી પણ ધર્મી બની જાય છે. સવળું ગ્રહણ કરે તે ધર્મી અને સુબુદ્ધિ છે. અવળો વિચાર રાખે તે અધર્મી અને કુબુદ્ધિ છે. મોક્ષમાર્ગ અને જગત બન્નેની રીત ન્યારી છે. જગતમાં જેને સૌ ધર્મવાન્ કહેતા હોય પણ જો તે ભક્તનો દ્રોહ કરે તો અધર્મી જ છે. એ ગમે તેટલો ધર્મ પાળતો હોય પણ પંચ મહાપાપથી પણ તેને અધિક પાપી જાણવો. જગતનો જીવ પંચમહાપાપે યુક્ત હોય પણ તે જો ભગવાનના ભક્ત પાસે વિનય કરે, પ્રાર્થના કરે અને સત્સંગનું અન્ન પેટમાં જાય તે અંતે મહા શુદ્ધ થઈ જાય છે. જન્મમૃત્યુથી છૂટી અક્ષરધામને પામે છે. આવો ઉત્તમ ભક્તના સંગનો પ્રતાપ છે.”6•

કુંડળમાં મુક્તમુનિ અને બ્રહ્મમુનિને શ્રીહરિ કહે, “શુક-નારદ સમ સંતો અને અનંત ધામના મુક્તો તથા પૂર્વ અવતારના અંબરીષ, ધ્રુવ, પ્રહ્‌લાદ, પ્રિયવ્રત, પાંડવ, ઉદ્ધવ જેવા ભક્તો તથા રાધા, રમા, સીતા જેવાં બાઈ ભક્તો સત્સંગમાં આવ્યાં છે, તે ધર્મ પ્રવર્તાવવા અને અનેક જીવોનું કલ્યાણ કરવા નિયમમાં વર્તે છે. નિયમ એ સત્સંગની શોભા છે. વસ્ત્ર-અલંકાર વિના મનુષ્ય શોભતો નથી, નગ્ન સામું કોણ જુએ! પછી ભલે તે રાજા હોય કે જોગી - વસ્ત્રહીન તરફ કોઈ દૃષ્ટિ કરતું નથી.

“કાશી, અયોધ્યા, ગોકુલ, વૃંદાવન, મથુરા ફરી આવો - આ સત્સંગ સિવાય વિષયનો અભાવ ક્યાંય નથી. અમારા નિયમ ન પાળે તેને ખળ જાણવો.

“નિયમથી જ સત્સંગની શોભા છે, ખળજન તેને તુચ્છકારે છે, નિયમ પાળનાર ભક્તોને જોઈ તે હાંસી ઉડાવે છે, પણ દેહ છૂટ્યે તેને જમ બાંધીને લઈ જાય છે.”7

લોયામાં શ્રીહરિ કહે, “નીતિ-નિયમમાં જે દૃઢ રહેશે તેને અન્ન-વસ્ત્ર સામેથી આવીને મળશે. લોકમાં તેની કીર્તિ વધશે. નીતિમાં ચાલનાર અમારો ભક્ત કદી દુઃખી થતો નથી. નીતિનો માર્ગ અમને ગમે છે. નીતિ બહાર ચાલે છે તેના પર જમ કોપ કરે છે. તેનાં અન્ન, ધન અને બુદ્ધિ નાશ પામે છે. અમારું વચન નહિ માને તેને બીજો કોઈ બળજબરીથી એ વચન પળાવશે. ભગવાનના જ્ઞાન વિના ને ધર્મના પાલન વિના કોઈની મુક્તિ થતી નથી.”8

શેખપાટમાં સંતોને શ્રીહરિએ કહ્યું, “અમારાં વચન શાંતિદાયક છે. વચનમાં જે સુખ માને છે તેને ક્યારેય અસુખ ન વર્તે. આજ્ઞા પાળી ને અસુખ થયું તેમ કહે તેની સમજણમાં તેટલો ફેર છે.

“જીવમાત્રને પોતાનું મનનું ગમતું કરવાની ઇચ્છા રહ્યા કરે છે. ભગવાનનું ગમતું કરે તેને શાંતિ જ હોય. વચનાકાર ન થાય ત્યાં સુધી શાંતિ થતી નથી. જેટલું વચનમાં દુઃખ માને છે તેટલો ખપમાં વાંધો છે. જેને જેની સાથે સ્વાર્થ હોય તે તેની મરજી પ્રમાણે વર્તે.”9

કચ્છમાં માંડવી બંદરે હરિજનો પ્રત્યે વાત કરતાં શ્રીહરિએ કહ્યું, “અક્ષરધામના મુક્ત પણ અહીં અમારું વચન લેશ પણ લોપે તો તેનું મુક્તપણું નાશ થઈ જાય છે અને અંતરમાં ક્લેશને પામે છે. જેમ મહાસમર્થ નારદજી હરિનું મન કહેવાયા, પણ કન્યાનું રૂપ જોયું કે તરત મનમાં વિકાર થયો. શૃંગી ઋષિ, સૌભરિ, પર્વત, ભવ, બ્રહ્મા, ચ્યવન, ચંદ્ર, ઇન્દ્ર એવા મોટા સૌને ગુણના ભાવ જણાણા છે ને ક્લેશ થયો છે, માટે વચનમાં વર્તવું.”10

કોટડામાં શ્રીહરિ કહે, “અધર્મ-અનીતિ કરે તેની સહાય કોઈ ન કરે. વચન માને તેની સહાય સંત કરે છે.”11

કાળાતળાવમાં શ્રીહરિ કહે, “અમારો જેટલો પ્રતાપ છે તે બધો નિયમમાં જોડી રાખ્યો છે. માટે સંત-હરિજને નિયમમાં દૃઢ રહેવું. સમાધિનિષ્ઠ હોય, બ્રહ્મવેત્તા હોય, પણ જો નિયમ અને નિશ્ચયમાં (આજ્ઞા-ઉપાસનામાં) શિથિલ વર્તે તો તેને અસુર અને વિમુખ જાણવો. નિયમ અને નિશ્ચય ઉપરથી જેવું અંતર હોય તેવું જણાય છે. તેમાં દંભ ટકતો નથી. સૌનો મોક્ષ કરવા અમે નિયમ બાંધ્યા છે.”12•

માનકુવામાં શ્રીહરિએ ગૃહસ્થના ધર્મ જણાવતાં કહ્યું, “જેના સંગથી પોતાના શીલનો ભંગ થાય તેનો સંગ તજવો. મા, બહેન અને પુત્રી સાથે આપત્કાળ વિના એકલા રહેવું નહિ. પરસ્ત્રીનું કલંક અતિ મોટું છે. ભવ, બ્રહ્મા, ઇન્દ્ર, ચંદ્ર, પરાશર વગેરે મોટાને પણ તે કલંક લાગ્યું છે, તો જીવની શી ગણના?”13

ગઢપુરમાં શ્રીહરિ જીવેન્દ્રને કહે, “ભગવાનનું ગમતું કરે તેને બીજાં સાધન આપોઆપ થઈ જાય છે.”14

ભડલીમાં શ્રીહરિએ વેરાગીને વાત કરતાં કહ્યું, “નિયમમાં વર્તે તેની જ મોટાઈ સાચી છે. શાહુકાર કરતાં ચોરની પાસે ધન વધારે હોય, તેથી કરીને ચોર શાહુકાર બની જતો નથી. નિયમ-ધર્મમાં રહે તે શાહુકાર છે. નિયમ-ધર્મની બહાર રહે તે ચોર છે. ભૂખ-તરસ અને દેહનું ભાન હોય ત્યાં સુધી વિધિ-નિષેધ પાળવાં જ જોઈએ. જ્ઞાનચક્ષુ વગરના અંધ કહેવાય છે તે વિષયજાલમાં બંધાય છે. તે જ્યારે જ્ઞાની ગુરુનો સંગ કરે છે ત્યારે મોહજાલમાંથી મુક્ત થાય છે.”15•

મેથાણમાં શ્રીહરિએ એકાદશીનું વ્રત કરવા હરિજનોને મીઠા વચને કહ્યું, “એકાદશીનું વ્રત કરવું. બધી એકાદશીને દિવસે ફલાહાર ન કરવો તે ઉત્તમ વ્રત છે. તેમાં પણ દેવપોઢી, દેવઊઠી અને જળઝીલણી એ ત્રણ એકાદશીએ તો ફલાહાર ન જ કરવો અને આખી રાત્રિ જાગરણ કરવું અને આનંદથી કથા-કીર્તન કરવાં જેથી મહાપાતક નાશ પામે છે. કોટિ યજ્ઞ જેટલું એક એકાદશીના વ્રતનું ફળ કહ્યું છે. એકાદશીના દિવસે અન્ન ખાય તેને માંસ તુલ્ય કહ્યું છે. વળી ભગવાને કહ્યું છે કે એકાદશીને દિવસે અજાણતાં પણ અન્ન ખાય છે તે મને છાતીમાં બાણ મારે છે. એકાદશીને દિવસે તો કાચા અન્નનો પણ સ્પર્શ ન કરવો. જે રોગે કરીને પરવશ હોય તેણે એક વખત ફરાળ ખાવું અને અશક્ત હોય તેણે મોટી ત્રણ એકાદશી સિવાય બીજી એકાદશીઓમાં ફલાહાર કરવો.

“દૈવીજન હોય તેને ધર્મનું પાલન ગમે છે, દીનાધીન વર્તે છે, સરળપણે રહે છે. ભગવાન અને ભગવાનના ભક્ત સાથે તેની પ્રીતિ અધિક ને અધિક ચઢતી રહે છે. જે નીતિમાં ચાલે છે તેને અપાર સુખ મળે છે. અનીતિ થોડી કરે તો પણ દુઃખનો પાર ન રહે. જાણીબૂઝીને જે અનીતિ આચરે છે તેને અતિવિપત્તિ પડે છે. જેમ જેમ અનીતિ કરે તેમ તેનું ફળ તેને મળતું રહે છે. જેને અનીતિ કરવામાં ડર નથી તેને તત્કાલ તેન બૂરું ફળ મળે છે.”16

શ્રીહરિએ સાયલા પાસે જેઠસુર બ્રાહ્મણના ગામે વાત કરતાં કહ્યું, “જ્ઞાનરૂપી નેત્ર હોય તેને બધું દેખાય છે. વિવેકબુદ્ધિ જેવી હોય તે પ્રમાણે જ્ઞાન થાય છે. અજ્ઞાનરૂપી અંધકારનું આવરણ હોય તેને નરકમાં મોક્ષ દેખાય છે, અને મોક્ષમાં નરક દેખાય છે. અજ્ઞાન નેત્રવાળો અંધ છે, તે અધર્મમાં ધર્મ માનીને વર્તે છે. આવા જમપુરીના અધિકારી મનુષ્યોને ઓળખી રાખવા ને તેનાથી દૂર રહેવું.”17

ગોંડળથી જેતપુર જતાં શ્રીહરિ બોલ્યા, “શાસ્ત્રમાં વર્ણાશ્રમનાં ધર્મ તથા જપ, તપ, દાન, વ્રત વગેરે સાધનો લખ્યાં છે, પણ તેનું ફળ સ્વર્ગલોક છે. પ્રાકૃતજનો તેને જ મુક્તિ માને છે. વર્ણાશ્રમનો ધર્મ રાખે તેને જ મનુષ્ય કહેવાય. સંત, બ્રાહ્મણ અને ગાયો સારુ ઇન્દ્ર વૃષ્ટિ કરે છે. તેથી બધી પ્રજાને લાભ મળે છે, પણ જ્યારે પશુવૃત્તિ થઈ જાય છે ત્યારે ઇન્દ્ર વરસતો નથી.

“ધર્મનું પાલન કરવાથી ઇન્દ્ર વરસે છે. ધર્મ રાખવાથી ભૂમિ ધાન્ય આપે છે, દેવતાઓ બધા પ્રસન્ન રહે છે.”18

જેતપુરમાં શ્રીહરિએ થાળ જમીને વાત કરતાં કહ્યું, “સ્ત્રીરૂપી માયા ભયંકર છે. ભગવાનની આજ્ઞામાં જે ભક્ત વર્તે છે, તેને એ માયા પીડતી નથી. હરિ આજ્ઞારૂપી કિલ્લામાં જે વસે છે તે કુશળ રહે છે. જે જે તે આજ્ઞારૂપી કોટમાંથી બહાર પગ મૂકે છે તેને એ માયા તરત ખાઈ જાય છે. આ ઘોર કળિકાળ વચ્ચે અમે પ્રગટ્યા છીએ. ધર્મના સૈન્ય વિના અધર્મનું મહાજોર પાછું હટતું નથી. અધર્મ સામે લડવા અમે ધર્મરૂપી હથિયાર સંતો-ભક્તોને આપતા રહીએ છીએ. જ્ઞાનરૂપી તોપના ગોળા છૂટે છે જે અધર્મના સૈન્યને હણે છે.”19•

માંગરોળના રાજાને શ્રીહરિએ કહ્યું, “વર્ણાશ્રમની રીત જે મોટાઓએ કરી છે તે પ્રમાણે રહીને પ્રીતિ રાખવી. તેમની રીત પ્રમાણે ચાલવાથી સુખ થાય છે. દેહની રીત અને જીવની રીત જુદી છે. મોટાએ બાંધેલી મર્યાદા જેટલી લોપાય છે તેટલું દુઃખ તત્કાળ આવે છે. મોટા માણસો પણ મર્યાદા ઓળંગીને ચાલે તો ફજેત થાય છે. આમ, જેવું કરે તેવું પામે એ ન્યાયે સુખ અને દુઃખ મનુષ્યને પોતાના હાથમાં છે.”20

જૂનાગઢમાં શ્રીહરિએ દાદાભાઈને કહ્યું, “વિધિ-નિષેધનાં જે વચન છે તે અમારાં જ વચન છે, તે પ્રમાણે વર્તવું જોઈએ. આપ-ડહાપણથી તેનો ત્યાગ કરવો નહિ. ઔષધની રીત વૈદ્ય જાણે છે અને તે પ્રમાણે કરી પળાવે છે. કરી ન પાળે તો અનેક રોગ થાય છે. વૈદ્યના હાથમાં નાડી આપી તો વૈદ્ય કહે તેમ કરવું જોઈએ.”21

બાબરાના જનોને શ્રીહરિ કહે, “જ્યાં ધર્મનું પાલન નથી, ત્યાં મોક્ષ પણ નથી. પ્રગટ મોક્ષ આ સત્સંગમાં છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર સિદ્ધ કર્યાં વિના કોઈ મોક્ષ પ્રાપ્ત કરી શકતું નથી, એ દૃઢપણે સૌ માનજો. એ ચારે અહીં સત્સંગમાં છે માટે સત્સંગનો યોગ સદા રાખજો.”

‘ધર્મ નહિં તિહાં મોક્ષ ન દેખે, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ન લેખે.

ચાર વિન મોક્ષ ન પાવે કોઉ, એસે નિશ્ચય કિયે સબ સોઉ.

સત્સંગ કો જોગ રખના સદાઈ, એસે કહે શામ સુખદાઈ.’22

બાબરામાં શ્રીહરિએ જીવાખાચરને કહ્યું, “કરોડોની વસ્તીમાં મનુષ્ય તેને કહેવાય કે જે શાસ્ત્રની વાતમાં સમજતો હોય. શાસ્ત્ર લોપીને ચાલે તેનો મોક્ષ થતો નથી. જેને મોક્ષનો ખપ નથી તે જ શાસ્ત્ર લોપે છે. જગતના લોકો જેવી જો ક્રિયા કરે તો જગતને ગમે છે. પણ દુનિયાની મરજી સાચવવા કરતાં આ જગતના કર્તા પરમેશ્વરની મરજી સાચવે તો બધાની સચવાય છે એ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. જે શાસ્ત્રનો લોપ કરે, તે ભગવાનનો દ્રોહી છે.”23

ભુજમાં હરિજનોને શ્રીહરિએ કહ્યું, “પોતાની આવકનો દશમો ભાગ ભગવાનને અર્પણ કરવાનો શાસ્ત્રમાં કહ્યો છે તે આપવો જ જોઈએ, નહિ તો ગૃહસ્થને પંચ પાપ લાગે છે. તેનું જે નિવારણ નથી કરતો તેને તે પાપ દિવસે દિવસે દસ ગણું વધે છે. અમે તમને આ વાત જો કહી દેખાડીએ નહિ, તો અમને પાપ લાગે. ભગવાનનું છે ને ભગવાનને શું આપવાનું? એવું કહે તેને કૃતઘ્ની સમજવો. હરિજને તો તન, મન, ધન ભગવાનને અર્પણ કર્યાં છે. ભગવાનને કંઈ જોઈતું નથી, તે તો કસાઈને પણ નિત્ય ખવડાવે છે, તો જે પોતાના જન છે તેને કેમ નહિ આપે! ભગવાનની આવી ઉદાર રીત જે ભક્ત જાણતો નથી તેને દશમો ભાગ આપવામાં સંશય થાય છે. તનથી પણ ધન અધિક છે. તન તજાય પણ ધન ન તજાય. નિર્મળ મનનો સત્સંગ દિવસે દિવસે શોભે છે, એમ લોભીજનનું અંગ દિવસે દિવસે ઘટે છે.”24

જેતલપુરમાં શ્રીહરિએ નિયમ પાલનની વાત કરતાં કહ્યું, “કુસંગીજનો નિયમ ન રાખે, પણ સત્સંગીએ નિયમ બહાર પગ મૂકવો નહિ. નિયમ એ સંતનો સંગ છે. અક્ષરબ્રહ્મ પર્યંત સૌ કોઈ અમારા નિયમ પાળે છે. ન પાળે તેના માથે કાળ, કર્મ અને માયાનો ભય છે. નિયમવાળાને ક્યારેય ભય થતો નથી.”25

શ્રીહરિએ શ્રીનગરમાં હરિજનોને વાત કરતાં કહ્યું, “જે સત્સંગી હરિજન થયો તેને તો તપ કરવું કે વનમાં રહેવું તે કરતાં પણ વચનમાં વર્તવું તે શ્રેષ્ઠ છે.”

‘હરિજનમાત્ર હિ જોઉં, સત્સંગી નામ ધરાયે તેહિ,

બચન મમં વર્તનો સોઉ, તપ-વન સે હિ શ્રેષ્ઠ તેહિ.’26

જેતલપુરમાં શ્રીહરિ કહે, “આવો ઉત્સવ કોઈ વાર થયો નથી. અમે બહુ પ્રસન્ન થયા. દેખાદેખી કોઈ કરે તો તેમાં ઘણાં વિઘ્નો આવે અને ધર્મનિયમ રહે નહિ ફેલી, અધર્મી, વ્યસની, વ્યભિચારી એવા માણસોના ઉત્સવ દેશોદેશમાં થાય છે. તીર્થનું મિષ લઈને એવાં નરનારી ઘરની બહાર નીકળીને તીર્થ કરવાનો વિશેષ આગ્રહ રાખે છે, પણ હેતુ જુદો હોય છે. તેઓ એવો પ્રેમ જણાવે કે તેની આગળ સત્સંગી હરિભક્તોનો ભાવ તો કાંઈ શોભે નહિ.

“તીર્થ-ઉત્સવનું ફળ તો જીવને શુદ્ધ કરવો એટલું જ છે. દેહના સંગે કરીને દેહરૂપ થઈ રહેલો જીવ જે પાપ કરે છે તે દેહના સંગમાં રહીને કોટિ ગણું તેણે ભોગવવું પડે છે.

“સુપંથનો ત્યાગ કરીને દેહના મદમાં જે કુપંથે ચાલે છે તેના દુઃખનો પાર આવતો નથી. એવાને ઉપદેશ ન કરવો. શાસ્ત્ર, સંત અને હરિભક્તને ઉલ્લંઘીને વર્તે તેને મનુષ્ય નહિ પણ ખર અને કૂકર (કૂતરા) જેવો જાણવો. તેવાને માટે તીર્થ કર્યાં નથી. તેને તીર્થનાં પાપ વજ્રલેપ થાય છે. બ્રહ્મચર્યવ્રત રાખીને તીર્થ કરે તો જ તે ફળીભૂત થાય છે.

“પાણી વિનાનું ખેતર બગડે તેમ નિયમ વિનાનું કોઈ પણ પુણ્ય સિદ્ધ ન થાય. વાડ કર્યા વિના તથા ખબર રાખ્યા વિના જે ખેતી કરે તેને કાંઈ પણ હાથમાં ન આવે. હરાયાં પશુ ખાઈ જાય. વાડ કરી હોય તોપણ પંખી ખાધા વિના રહે નહિ, પણ એક મનુષ્ય સાચવનાર હોય તો પંખી પણ ન બેસે, તેમ ઇન્દ્રિયો અને મન પંખી સમાન જાણવાં, સંતનો સમાગમ રાખે ને ભક્તિ કરે તો સત્સંગરૂપી ખેતર સચવાઈ રહે.”27

જેતલપુરના મહોલમાં શ્રીહરિએ વાત કરી કે, “ગૃહસ્થના નિયમમાં ગૃહસ્થોએ વર્તવું. સત્સંગીએ સત્સંગીનો નિત્ય યોગ રાખવો. સંતસમાગમનું વ્યસન પાડવું. બાઈઓએ બાઈઓમાં સત્સંગ કરવો. મન, કર્મ, વચને નિયમમાં રહીને જે સત્સંગ રાખશે, તેને અંત સમે આ મૂર્તિનાં દર્શન થશે.”28

કણભામાં શ્રીહરિ કહે, “સત્સંગ એ વજ્રનો કોટ છે, તેને મન-કર્મ-વચને આશરીને રહેજો. અને ધર્મમાં ખામી આવવા દેવી નહિ. ધર્મ એ મારું હૃદય છે અને ભવન છે.”29

વડતાલમાં રામનવમી ઉત્સવ કરવા શ્રીહરિ પધાર્યા. મુખી તથા પુરજનોને બોલાવી વાત કરતાં કહ્યું, “ધર્મ વિના ભક્તિ કરે, વ્રત કે તીર્થ વગેરે કરે તે ફળીભૂત થતું નથી. ધર્મ લૌકિક અને અલૌકિક બે પ્રકારનો છે. તેમાં લૌકિક ધર્મથી દેવલોકની પ્રાપ્તિ થાય છે. તીર્થ, વ્રત, જપ, તપ વગેરે તથા કૂવા, વાવ, સદાવ્રત, ધર્મશાળા, સડક, પુલ કરાવવા તેમજ વર્ણાશ્રમ ધર્મ પાળવો વગેરે લૌકિક ધર્મ છે. તેનાથી બ્રહ્મલોક સુધીનાં સુખ પ્રાપ્ત થાય છે. અને ભાગવત ધર્મ છે તે અલૌકિક ધર્મ છે. તેણે કરીને ભગવાનનું ધામ પમાય છે. પ્રથમ લૌકિક ધર્મમાં નિષ્ઠા થાય તેના ફળસ્વરૂપે અંતે ભાગવત ધર્મમાં નિષ્ઠા પ્રાપ્ત થાય છે. ધર્મમાં જેને શ્રદ્ધા ન હોય તે અલૌકિક ધર્મ ન પાળે, એવું શાસ્ત્રનું રહસ્ય છે.

“જીવનું હિત સત્પુરુષ વિના કોઈ કરી શકે તેમ નથી. સાંસારિક સંબંધીઓ છે તે ભગવાનના ભક્ત ન હોય તો સંસારને જ હિતકારી માને અને મોક્ષના માર્ગમાં સમજે નહિ. માત-તાત, બંધુ અને નારી પણ મિથ્યા સ્નેહને લીધે જીવને મોક્ષને માર્ગે ચાલવા દેતાં નથી. સંસારનું જ્ઞાન કરનારા ગુરુથી અજ્ઞાન ટળે નહિ. જેને જેવું જ્ઞાન તેવું તે આપે.”30

વડતાલમાં જોબનપગીને શ્રીહરિ કહે, “ધર્મપાલનમાં અડગ રહેવું કઠણ પડે છે. તેને અગ્નિમાં બળી જવું સુગમ છે, પણ ધર્મની કલમ કઠણ પડે છે.”31

બુધેજમાં શ્રીહરિએ પાળાઓને કંસાર પીરસતાં કહ્યું, “દૃઢ ટેક ન હોય તો પલકમાં બધું ઊડી જાય. સરોવર નીરથી ભર્યું હોય પણ પાળમાં થોડું કાણું પડે ને નીર સ્રવે તે ધીમે ધીમે પાળો ધોઈ નાખે. પછી બધું નીર ચાલ્યું જાય. તેમ સત્સંગ કરતાં કરતાં ઘણા ગુણો પ્રાપ્ત કર્યા હોય, પણ નિયમની ટેક શિથિલ થઈ તો જાણવું કે બધા ગુણો સ્રવી જશે.

“નિયમ વિના માયિક-અમાયિક કોઈ વાત સિદ્ધ થાય નહિ. ભવ-બ્રહ્માદિક દેવો પણ નિયમ વિના દુઃખી થાય છે, તો અલ્પ જનોની શી વાત કહેવી? જે સમજુ ને ચતુર છે તે નિયમમાં વર્તે છે. નિયમ પાળે છે તેના ભાગ્યનો પાર નથી. ભવ, બ્રહ્મા ને ઇંદ્ર પણ જો નિયમ ભંગ થવાથી દુઃખી થયા હોય તો અલ્પ જનની વાત જ શી કરવી!”32

સમઢિયાળામાં લાખાખાચરને ઘરે શ્રીહરિ થાળ જમ્યા. પછી વાત કરતાં કહ્યું, “સંસાર તજે તોપણ સંસારનો તેટલો અને તેટલો જ રંગ રાખે છે. નામ અને વેશ ફર્યાં. વેઠ ગઈ અને ભીખ આવી તેટલો જ ફેર પડ્યો. ગૃહસ્થને તો લોક અને વેદ ઉલ્લંઘીને નારી રખાય નહીં અને રાખે તો નાત બહાર મૂકે કે રાજા દંડ દે, કાં નાક-કાન કપાય.”33

સમઢિયાળામાં શ્રીહરિએ લાખાખાચરને વાત કરતાં કહ્યું, “ધર્મ હોય ત્યાં જ ભક્તિ અને જ્ઞાન હોય. જ્ઞાન હોય ત્યાં વૈરાગ્ય હોય. અને આ ચારે જ્યાં હોય ત્યાં ભગવાન પ્રગટ હોય અને ત્યાં જ મોક્ષપદ હોય. ભગવાન હોય ત્યાં ધર્મ કુટુંબે સહિત નિવાસ કરીને રહે છે. વેદો, સ્મૃતિઓ અને પુરાણોમાં કહેલો આ અલૌકિક મર્મ છે.”34•

બોટાદના અદા શેઠને શ્રીહરિ કહે, “ત્રણ જાતિના સંત થાય તેનો ત્રણ યુગમાં બાધ નહિ, પણ કળિમાં તેનો દોષ છે, કારણ કે કળિ જેવી બુદ્ધિ થાય અને શ્વપચ લગીના જન ભેખમાં છાની રીતે પેસી જાય. એમ કળિમાં જે નીચ જાતિના છે તે ત્યાગાશ્રમને વટાળે છે. તે બહુ ઠેકાણે જોવામાં આવે છે. તે લોકો ધર્મના ઉપર ખેદવાળા હોવાથી વર્ણનો ઉચ્છેદ કરે છે... સત્સંગમાં જે બાઈ-ભાઈ છે તેને જેટલો સત્સંગનો ખપ છે તેટલું તેને વચન મનાવીએ છીએ. ખપ ઉપર જ અમે જોર કરીએ છીએ. અમારાં વચન જેને હિતકારી મનાય તેને અમે આગળથી તપાસીએ છીએ. સત્સંગમાં જે અમે શુદ્ધ વર્તન રખાવ્યાં છે તે નિર્દોષ જનોને પ્રિય લાગે છે. દોષિત હોય તે સત્સંગમાં પાર પડે નહિ.”35

કરિયાણામાં ઓઢા ખાચરના ભવનમાં શ્રીહરિએ વર્તનની વાત કરતાં કહ્યું, “સત્સંગમાં નિયમ વિનાની એકેય વાત નથી. જે નિયમ વિનાની વાત કરે તે અતિ સરસ હોય તોપણ એક દિવસ તે ઘાત કરે છે. મૃત્યુ થાય અર્થાત્ સત્સંગ મૂકી દે ત્યારે તેની ગમ પડે છે. જેમ દેહમાં કોઈ અંગ ખંડિત હોય તે જણાઈ જાય છે, તેમ નિયમ-વર્તનમાં જેટલો ખંડિત તેટલો તે તરત દેખાઈ આવે છે. શરીર પર આભૂષણ એ શોભા છે તેનાથી કોટિ ગણી શોભા નિયમ છે. નિયમરૂપી ભૂષણ ધર્યું તે તેના જીવની શોભા છે.

“અનંત બ્રહ્માંડમાં નિયમ જેવું ભૂષણ ન મળે. નિયમ આગળ બીજાં ભૂષણ કલંકરૂપ અને દુઃખરૂપ છે. નિયમ તજીને સારાં વસ્ત્ર, આભૂષણ, મોતી વગેરે ધારણ કરે તે લાંછન રૂપ છે અને પાપરૂપ લાગે છે. તેથી અમે નિયમરૂપી વસ્ત્ર-આભૂષણ હરિભક્તોને પહેરાવ્યાં છે, જે તેમને આ લોક અને પરલોકમાં અધિકપણે શોભાવે છે. જેને સત્સંગમાં પ્રીત હોય તે આ વાત સમજી શકે.” આટલી વાત કરીને શ્રીહરિ દરબારમાં પધાર્યા.36

શ્રીહરિએ માંડવી બંદરથી પ્રથાપત્ર લખાવ્યો, “સત્સંગના જે નિયમ છે, તે ધર્મનાં અંગ છે અને પરમ આભૂષણરૂપ છે. તેનાથી આ લોક અને પરલોકમાં જીવ શોભે છે. જે નક્કી નિયમ રાખતા હોય તેથી સત્સંગ વધે અને તેને જ સાચા સત્સંગી કહેવાય. નિયમ બહાર જે વર્તે છે તેનું ફળ અહીં કેટલાક પામે છે તે નજરે દેખાય છે. નિયમ તોડીને ઠગની પેઠે ઉપરથી જે સારો દેખાતો હોય, તેનો સંગ બાઈ-ભાઈ કોઈએ કરવો નહિ. દૃઢ નિયમ રાખે છે તે બ્રહ્મમહોલને પામે છે. જે નક્કી નિયમ રાખતા હોય અને ત્યાગી-ગૃહીના નિયમ તથા સત્સંગની પ્રથા પ્રમાણે નક્કી વાત કરતા હોય તથા અમારો જે પ્રતાપ જોયા સાંભળ્યામાં આવ્યો હોય તેની વાત કરતા હોય, તેથી સત્સંગ વધે છે, અને તેને જ સાચા સત્સંગી જાણવા.”37

તેરા ગામમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “નિયમમાં વર્તનારા રાજા, ગુરુ અને સૌનું પ્રતિદિન માન વૃદ્ધિ પામે છે. ધર્મ રાખવાના તાનથી અમે વારે વારે પ્રકરણ ફેરવીએ છીએ. અધર્મનું કામ એવું છે કે ધર્મનું રૂપ લઈ પ્રવેશ કરે છે. અમારાં વચનમાં ચાલે તેને જ અમે સત્સંગી કહીએ છીએ અને ન વર્તે તેને કુસંગી કહીએ છીએ.

“નિયમ વિના ચાલે તેટલો અવિવેક છે. નિયમ એ જ વેદનો સાર છે. નિયમ વિના વર્તે તે દંડવા યોગ્ય છે. નિયમમાં જે વર્તે છે તે સર્વેનું પ્રતિદિન માન વૃદ્ધિ પામે છે.”38

ભુજમાં ફૂલદોલનો ઉત્સવ રચાયો. તેમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “બાઈઓએ રંગ રમવો નહિ. જેને હરિ રીઝવવાનું તાન નથી અને રંગ રમે છે ને અપશબ્દ બોલે છે તે તો જમપુરીનાં અધિકારી છે. હરિભક્તોએ તો રંગ રમતાં કીર્તન જ ગાવવાં. ભગવાનને સંભારવા તો વારંવાર ઉત્સવ કરીએ છીએ. ભાંડ-ભવાઈ, વિવાહ, હોળી ને દારૂના સંસર્ગમાં આવે તે ડાહ્યા હોય તોપણ પશુ જેવા થઈ જાય છે. અને વર્ણાશ્રમ તથા નરનારીના વિવેકની બુદ્ધિ ગુમાવે છે. ભાંડ-ભવાઈમાં તથા કેફી ચીજ વગેરે અસાર વસ્તુમાં હરિભક્ત હોય તે ક્યારેય પગ ધરે નહિ. વિમુખજન હોય તે જ તેમાં રસ માને છે. હરિભક્ત થઈને નિંદિત કામ કરે તે હરિભક્ત ન ગણાય.”39

માંડવીમાં શ્રીહરિ કહે, “મને પ્રસન્ન કરવાનું જેને તાન હોય તે ધર્મ લોપે નહિ. ધર્મમાં જ બધા અર્થ રહેલા છે. જ્યાં સુધી તે જતન કરી રાખે, ત્યાં સુધી મોટા મોટા ભૂપોના કરતાં પણ શ્રેષ્ઠ છે. ધર્મે કરીને મેડી, મંદિર, ગામ, ખેતીવાડી, અન્ન, ધન, હાથી, ઘોડા, પાલખી, રથ વગેરે જે જે ચિંતવે તે બધું અપાર પ્રાપ્ત થાય છે.

“ધર્મ રાખશે તેને રૂપિયા અને સોનું ચરણમાં આવીને પડશે. ભૂમિ પરના જેટલા યોગ્ય પદાર્થ છે તે બધાંય ધર્મ દેખશે ત્યાં આવશે, માટે સર્વેએ ધર્મ રાખવો. ધર્મ પ્રમાણે ખાવું, પીવું, પહેરવું, ગાવું, પણ ક્યારેય ધર્મને વિસારવો નહિ. ધર્મનો પરિવાર જે શાસ્ત્રમાં ગણાવ્યો છે તે બધાય ગુણ રાખવા. જેમાં જેવો ગુણ હશે તે પ્રમાણે તે કહેશે. ધર્મ રાખશે તેને ધર્મી કહેશે, નહિ તો અધર્મી કહેશે. ધર્મ વિનાની અપાર સંપત્તિ હશે તે શ્વપચની સંપત્તિ જેવી ગણાશે અને ધર્મ રાખતાં સાધારણ સંપત્તિ હશે તોપણ શોભશે. ધર્મી માણસો દેખવામાં દુઃખી જણાતા હોય અને ખાનપાન ઉત્તમ ન હોય તોપણ જેને ધર્મ અને હરિમાં સ્નેહ છે તે ઉત્તમ છે.”40

શ્રીહરિએ મોડા ગામનાં પુરજનોનો ભાવ જોઈ વાત કરતાં કહ્યું, “નિયમ ન પાળે ને ગુપ્તપણે પાપ કરે તેને ધર્મરાજા દેખે છે. તેમને મન કોઈ ગુરુ કે રાજા નથી. ગુરુ કે રાજાનું ચલણ અહીંયાં હોય અને પૂર્વના તપે કરીને ફાવે તેમ વર્તે, પણ દેહ મૂકીને તેનું ફળ ભોગવવું પડે છે. ભગવાન તો પોતાની મોટપ સામું જોઈને તત્કાળ કોપ કરતા નથી. જીવની સંગે સદાય ભગવાન રહેલા છે. તે જીવ તેના કર્માનુસારે ઊંચ-નીચ જન્મને પામે છે.”41

ધોરાજીમાં શ્રીહરિ કહે, “અમારા ગુરુ રામાનંદ સ્વામી એકાદશી વ્રતને મુખ્યપણે માનતા. ત્યાગીઓની જેમ ગૃહસ્થોએ પણ કંઈક ને કંઈક તપ-વ્રત કરવાં જોઈએ. એકાદશીને દિવસે અનાજ ખાનારને શાસ્ત્રોમાં ઘણું મોટું પાપ થવાનું લખ્યું છે. શાસ્ત્રમાં કહેલાં સર્વ સાધનનાં અનંત ફળ એકાદશીના વ્રતમાં રહેલાં છે. વર્ષની બધી એકાદશીઓ જે કરે તે ભગવાનના ધામમાં જાય છે.

“કોટિ યજ્ઞ કરાવે તથા કરોડો ગાયોનું નિત્ય દાન કરે, નિત્ય એકભાર સુવર્ણનું દાન કરે તેના કરતાં પણ એકાદશીનું વ્રત અધિક છે. કોટિ કલ્પ સુધી તપ્તકૃચ્છાદિક વ્રત કરે તોપણ તેની બરોબર થાય નહિ. વિધિ સહિત કરેલાં તીર્થમાત્રનું ફળ એકાદશીના વ્રતમાં આવી જાય છે.”42

શ્રીહરિએ ધોરાજીમાં વાત કરતાં કહ્યું, “ધર્મ એ સૌનો હિતકારી છે. જેની સહાયતા ધર્મ કરે છે તેને અગ્નિ બાળતો નથી. સાપ કરડે તોય તે મરતો નથી. મહા સિંધુમાં નાવ ડૂબે ને બધા મરી જાય, પણ જેને ધર્મમાં અનન્ય નિષ્ઠા છે તેને તે રક્ષા કરી બચાવી લે છે. દુઃખરૂપી સંકટ તે અધર્મનું ફળ છે અને દુઃખનો નાશ ન થાય, સંકટમાં પણ સુખ આવે તે ધર્મનું ફળ છે. ચોરીનું કર્મ અધર્મનો માર્ગ છે. ધર્મિષ્ઠ જન અધર્મને ઓળખીને એ માર્ગે જતો નથી.”43

જૂનાગઢમાં દીવાનને શ્રીહરિ કહે કે, “કામ, ક્રોધ અને લોભનો અમે કદી વિશ્વાસ કરતા નથી. અમારા સંતો અને હરિજનો ધર્મને આશરીને રહેલા છે. અધર્મ કુળમાં તે ક્યારેય પ્રીતિ કરતા નથી. અધર્મ આચરણથી ભૂમિનું રાજ્ય મળે તો તેને નરકનો સાજ માને છે. ભગવાનના ધામના સુખમાં જેની મતિ દૃઢ ચોંટી ગઈ છે તેને નિશદિન એ સુખનો વિચાર આવે છે. અક્ષરધામથી નીચે પ્રકૃતિપુરુષ સુધીનાં સુખમાત્ર કાળનું ભક્ષણ છે, એમ તે દૃઢપણે માને છે.”44

જૂનાગઢમાં શ્રીહરિએ મુકુન્દાનંદ વર્ણી પ્રત્યે વાત કરતાં કહ્યું, “જે જે અવતારના આશ્રિત થયા, તેના ધર્મ અવતારની હયાતી સુધી રહ્યા. પાછળથી ગુરુ અને સંત જેટલા થયા તે સૌએ અવતારોનાં ચરિત્રો અને સંતોની વાતો કરીને પોતાનું ગુજરાન કર્યું. ચરિત્ર કહેવાં અને સાંભળવાં તેને પરમ મોક્ષ માન્યો. જ્યારે બહુ અધર્મ વધ્યો ત્યારે મનુષ્યનો ઉદ્ધાર કરવા પરમાત્માએ સાચા સંત સહિત પ્રગટ થઈ ધર્મનું સ્થાપન કર્યું. શ્રીહરિ અને સાચા સંત વિના ભક્તિ યુક્ત ધર્મનું સ્થાપન કોઈથી થઈ શકે નહિ એ સત્ય વાત છે.

‘સાચે શ્રીહરિ સંત વિન, ભક્તિ જુત ધર્મ જોઉ;

સ્થાપન હોત ન ઓર સે, સત્ય વાત હે સોઉ.’

“ધર્મ વિનાના ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય મોક્ષ આપી શકતાં નથી. વહાણનાં બધાં અંગ સંપૂર્ણ હોય ત્યારે તે તરી શકે છે અને બીજાને તારી શકે છે. તેમાં જેટલાં છિદ્ર તેટલાં વિઘ્ન આવે છે. એમ મોક્ષમાર્ગમાં પણ એ રીત જાણવી.”45

માંગરોળમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “વ્યાવહારિક ધર્મ-ભક્તિ જુદાં છે. તેનું ફળ અલ્પ છે. વ્યાવહારિક આચાર્ય હોય, વ્યાવહારિક ગુરુ હોય કે સંતો હોય તે બધા શિશ્નોદરની તૃપ્તિ માટે ફરતા હોય છે. તે જન્મમરણ અને ચોરાશીમાં જાય છે. વ્યાવહારિક તીર્થ મનુષ્યમાત્ર કરે છે. વ્યાવહારિક મત પણ અપાર છે. ધર્મમાં પશુ, પક્ષી કરતાં પણ જે ઊતરતા છે, તેને ગમાર માણસો શ્રેષ્ઠ જાણે છે, તેને તે વિષય પ્રાપ્તિ માટે સ્વીકારે છે, ભાગવત ધર્મ તેથી ન્યારો છે. તે તો બધાં સાધન શ્રીહરિની પ્રસન્નતા માટે સ્વીકારે છે.

“ભાગવત (એકાંતિક) ધર્મનિષ્ઠ ત્યાગી-ગૃહી સૌ કોઈ શ્રીહરિને પ્રસન્ન કરવા જે કંઈ સાધન કરે છે તેની તુલનામાં અન્ય સર્વે સાધન લવ સમાન તુચ્છ છે. અપાર સાધન પણ એકાંતિક ધર્મની તુલનામાં ક્યારેય આવતાં નથી. જેને શુદ્ધ વિચાર પ્રાપ્ત થયો છે, તેને આ વાતની ગમ પડે છે.”46•

અઢાર પરમહંસો કર્યા પછી તેમને શ્રીહરિએ કચ્છથી પાછા ગૃહસ્થાશ્રમમાં મોકલ્યા અને કહ્યું, “અમારાં જે વચન છે તેને અમૃત જેવાં માનવાં. તેને જે વિષ માને છે તેને વિષયનું ફળ મળે છે. અમારાં વચન સુખદાયી છે. ભાગ્ય હોય તેને વચન મનાય છે.

“ત્યાગી ગૃહી હરિભક્તોને અમને રીઝવવાનું તાન છે, તે જગતના ઉપહાસને ગણતા નથી, અમારા સિવાય કોઈમાં રાગ રાખતા નથી. જપ-તપ કરે છે. અમારી મરજી પ્રમાણે ચાલવું એથી ભારે બીજો મોક્ષ નથી.”47

શ્રીહરિએ ભુજના જગજીવન અને અન્ય વિપ્રોને અહિંસાધર્મની વાત કરતાં કહ્યું, “પાતાળથી પ્રકૃતિપુરુષના લોક સુધી જીવપ્રાણીમાત્ર અધિક સુખ માટે અપાર દુઃખ સહન કરે છે. સંસાર એવો છે કે સૌ દુઃખમાં જ સુખ માની બેસે છે. ચોરી કરવામાં અત્યંત દુઃખ પામવા છતાં ચોર લોકો ચોરી છોડતા નથી. લીલા કાંટામાં ચોરને બાળવામાં આવે છે તે જોવા છતાં ચોરી મૂકી દેતા નથી. જે રાજાના દીવાન બને છે તે તપના પુણ્ય કરીને બને છે. તપનું પુણ્ય જ્યારે થઈ રહે ત્યારે રાજાને તુચ્છ ગણે છે, ત્યારે રાજા તેનું કોઈક દ્વારા માન ખંડન કરે છે, છતાંય ન માને તો તોપે બાંધીને ઉડાવી દે છે. રાજાની મરજી પ્રમાણે ચાલે તેનો દિવસે દિવસે ઉદય થાય છે. તેવી જ રીતે વિવેકી જનો વેદની મર્યાદાનું પાલન કરે છે.

“વેદની મર્યાદા લોપનાર દેવ હોય તોપણ દુઃખી થાય છે, તો મનુષ્યો દુઃખી થાય તેમાં કાંઈ સંદેહ નથી. મનુષ્યતનથી કોઈ પણ પ્રાણીની હિંસા કરવી જોઈએ નહિ. જે પ્રાણીની હિંસા કરે છે, તે નિર્વંશ થાય છે અને દૈત્યમાં અધમ ગણાય છે. યજ્ઞમાં પશુ હોમ કરે તેના પર દેવ કોપે છે.”48

ગઢપુરમાં શ્રીહરિએ વણિક પ્રત્યે વાત કરતાં કહ્યું, “બુદ્ધિશાળી હોય પણ ભગવાનનું જ્ઞાન ન હોય ત્યાં સુધી તાજા જન્મેલા બાળક જેવા છે. સુંદર મનુષ્ય તન પામીને જે અધર્મ કરે છે તેને તેના અધર્મ પ્રમાણે યમપુરીમાં પાપ ભોગવવાં પડે છે. સત્પુરુષો જેનો નિષેધ કરે છે તે અધર્મ કહેવાય.

“જેને મોક્ષનો ખપ નથી તે દેહ તથા ઇન્દ્રિયોને યોગે કરીને તથા મલિન અંતઃકરણને યોગે કરીને નવા નવા ભોગ ઇચ્છે છે અને જીવને સદાય નિર્લેપ માનીને પાપમાં પ્રવર્તે છે.”49

ડભાણમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “અધર્મ વંશનો ત્યાગ તો જ થાય જો તેમાં દોષબુદ્ધિ થાય, તે સિવાય તલભાર પણ અધર્મ ત્યાગ ન થાય અથવા સંત હેતે કરીને અધર્મનો દોષ દેખાડે તો ત્યાગ થાય.

“ઉત્તમ ભોજન લીધા પછી ઊલટી થઈ તો ફરી તેના સામું દૃષ્ટિ જતી નથી, તેમ પંચવિષય ઊલટી કરી નાખ્યા હોય તો તેમાં ભાવ થાય નહિ.

“હરિભક્ત થઈને એક દિવસ પણ સત્સંગ કરવો ચૂકે તેટલો તેને કુસંગ પેસે છે.” એમ શ્રીહરિએ હિંડોળે બેસીને વાત કરી.50

કારિયાણીમાં વસંત, હોરી અને ધુમારનાં પદો સંતોએ ગાયાં. પછી શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ભગવાનનો નિશ્ચય ક્યારેય ડગવો ન જોઈએ. પ્રહ્‌લાદનો નિશ્ચય મૂર્તિમાન દેખાય છે.” એમ કહીને શ્રીહરિએ ધર્મ-નિયમની વાત કરતાં કહ્યું, “પૂર્વે જે ભક્તો થઈ ગયા છે તે સર્વેએ ધર્મને આગળ રાખ્યો છે. એમના જીવનથી એ પણ જણાય છે કે જેણે ધર્મ લોપ્યો છે તેને મૂર્તિમાન અનુભવ થયો છે. નારદજી જેવા ભગવાનને કોઈ વહાલા નહિ, છતાં તેણે જો લગારેક ધર્મનો લોપ કર્યો તો મર્કટમુખ થયા.

“ભગવાનને ધર્મ એવો પ્રિય છે. શૃંગિ, સૌભરિ, ચ્યવન વગેરે મોટા મોટા મુનિવરોએ થોડો ધર્મ લોપ્યો તો તરત ઘરબારી થઈ ગયા. ઇન્દ્રિયોરૂપી અશ્વોને વિચારપૂર્વક નિયમમાં રાખે તો જ ધર્મ પળે છે. જો ઇન્દ્રિયોને નિયમમાં ન રાખે, તો પંચવિષય અંદર પેસે છે ને અધર્મનું આચરણ થાય છે.”51

શ્રીહરિએ ગોંડળમાં સંત-હરિજનોને વાત કરતાં કહ્યું, “જપ, તપ, તીર્થ, વ્રત આદિનું ફળ એટલું જ છે કે જેમાં પ્રગટ ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થાય. એ મળ્યા પછી એમના વચનમાં વર્તે. મન, કર્મ, વચને સંત-હરિજનની સેવા કરે. મોક્ષની આ સાચી રીત છે, પણ દંભથી ક્યારેય મોક્ષ થતો નથી. મોક્ષની વાત દંભ હોય ત્યાં હોય નહિ. આ વાત સર્વે નિશ્ચય કરીને જાણજો.”52

શ્રીનગરમાં શ્રીહરિએ પંડિતોની સભામાં વાત કરતાં કહ્યું, “ધર્મનો લોપ કરે તેના પર પ્રભુનો કોપ થાય છે. ભગવાનનો કોપ બધા મનુષ્યોને દેખ્યામાં આવતો નથી. ભગવાને બાંધેલી મર્યાદાને મિથ્યા કહે તેના પર તેમનો કોપ થાય છે. સુમતિ જન મર્યાદાનું પાલન કરે છે. જે મર્યાદા લોપતા નથી, તે સુખી રહે છે. તે આ લોક-પરલોકમાં દુઃખી થતા નથી. આ વાત નક્કી જાણવી.”53

સારંગપુરમાં સંત-હરિજનો ધૂન કરી રહ્યા પછી શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ફૂલદોલ આવી રહ્યો છે. જગતમાં તો લાજ-મર્યાદા ત્યજીને વર્તે છે. મનના સંકલ્પ દરેકને ઉઘાડા કરે છે. આઠ ઠેકાણે અંતરની વાત છૂપી રહેતી નથી - વિવાહ તથા ફાગના દિવસોમાં, ભાંડભવાઈ જોવામાં, યુવતીના સંગમાં, દર્પણ સામે, બાળકને રમાડવામાં અને જળ-સ્નાન - એ વખતે મનને જે નિયમમાં રાખે તેને દેવ જેવો જાણવો.

“મનની રીત તો પીપળાનું પાન, વીજળી, દીવાની શિખા, હાથીનો કાન, નદીનો પ્રવાહ, કુંભારનું ચક્ર અને વાયુ જેવી છે. મનને વશમાં ન રાખે તેને મનુષ્ય કહેવાય નહિ, તે તો પશુ સમાન થાય. હરિભક્ત થયા તેમણે ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેહને નિયમમાં રાખવાં. નિયમમાં ન રાખે તેટલું દુઃખ આવે છે. અમારા વચનથી જે નિયમમાં નહિ વર્તે તેને કોઈ રાજા આવશે અને બળાત્કારે આવીને વર્તાવશે.”54

સારંગપુરમાં શ્રીહરિએ સંતોને પંગતમાં પાંચવાર ફરીને પીરસ્યું પછી વાત કરતાં કહ્યું, “સાધુ અને વિધવા નારીએ રંગે રમવું નહિ, સંસારીઓ ભલે રમે. તેમાં પણ જે હરિજન છે તે ગૃહસ્થો-ગૃહસ્થોમાં ને સ્ત્રીઓ-સ્ત્રીઓમાં રમે. આ સદાચાર સર્વેએ પાળવો.”55

હળવદમાં નારાયણજી વિપ્રના ભવનમાં શ્રીહરિ કહે, “નિયમ વિનાની વાત લખ્યા વિનાના કાગળ જેવી છે. નિયમ વિના ધર્મ કેવળ નામમાત્ર રહે છે. ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્ય પણ ટકતાં નથી. નિયમમાં બધા સુખનાં સાધન રહ્યાં છે. અમારા હરિભક્તોએ સુખિયા રહેવું હોય તો નિયમ દૃઢ કરીને રાખજો.”

‘સુખ હોવન હિત હરિજન જિતને, નિયમ રખના દૃઢ કર તિતને.’56

શ્રીહરિએ ગઢપુરમાં જીવેન્દ્ર નૃપને વાત કરતાં કહ્યું, “જે જનો અનીતિ કરે છે તે દુઃખી જ થાય છે. નીતિવાળા સુખી થાય છે. જેવાં વૃક્ષ તેવાં ફળ આવે તેમ મનુષ્યમાં જેવો સંગ થાય તેવા ગુણ આવે છે, ને તેવી બુદ્ધિ થાય છે ને તે પ્રમાણે ખાવું, પીવું, પહેરવું રાખે છે.”57

મુક્તમુનિ કહે શ્રીહરિ એક વાત વારંવાર કહેતા, “ભગવાન અને ભગવાનના સંત જ્યાં વાસ કરે છે તે ભૂમિ તીર્થ બની જાય છે. અને યથાર્થ ધર્મનું પાલન કરનાર ભક્તો પણ જ્યાં વસે છે, તે તીર્થ થઈ જાય છે. અન્ય તીર્થ નામમાત્ર જ છે. આ વાત તે આમ જ છે.”58

ગઢપુરમાં શ્રીહરિએ સર્વગ્રંથનો અભિપ્રાય કહેતાં કહ્યું, “ભરતખંડમાં જન્મ પામી પાપ-પુણ્યનું જેને જ્ઞાન છે તે જ મનુષ્ય કહેવાય છે. જે પશુ-પંખી અને માછલાં મારીને ખાય છે, તેની રજેરજ વાત ભગવાનને ત્યાં લખાય છે. અને જે પ્રમાણે તેણે અહીંયાં પ્રાણીઓને માર્યાં છે કે માંસ ખાધું છે તે જ પ્રમાણે તેની ત્યાં દુર્દશા થાય છે. અને જે અહીં જીવ મારીને પ્રસન્ન થાય છે તે દેહ મૂકે ત્યારે નરકમાં પ્રાણીઓ તેને એ જ રીતે મારીને ખાઈને પ્રસન્ન થાય છે. ઈશ્વરની મર્યાદા એ મૂર્તિમાન ધર્મ છે. જે ધર્મ લોપે તેના પર ઈશ્વરનો કોપ થાય છે.”59

વડતાલમાં શ્રીહરિએ બાઈઓ અને ભાઈઓને પોતાના ધર્મમાં વર્તવાની વાત કરી કહ્યું જે, “આ મુજબ વર્તે છે તેમાં કળિ ક્યારેય પ્રવેશી શકતો નથી. સંત-હરિજન જો કુસંગ કરે તો તેમાં કળિ પ્રવેશ કરીને પોતાનું બળ દાખવે છે. નિયમનો કોટ દેખી કળિ થરથર કાંપે છે. જેને નિયમની કસર રહી તે મોક્ષનો લાભ ખોવે છે. સંત અને સત્સંગી વગર માયા કળિનાં રૂપ ધરે છે તેને કોઈ દેખી શકતું નથી.”60

શ્રીહરિએ પત્રમાં લખાવ્યું, “દેહાભિમાની હોય તે નિયમ લોપે છે અને વારંવાર પશુ-પંખીમાં જન્મ ધરે છે. ચોરાશી લાખ યોનિમાં વારંવાર ભટકે છે. અંતે તેની બૂરી ગતિ થાય છે. તે માટે બાઈ-ભાઈ હરિજને નિયમમાં ખબરદાર થઈને વર્તવું.”61

પત્રમાં શ્રીહરિ કહે, “સત્સંગી બાઈ-ભાઈએ પોતાના ગમે તેવા સંબંધી સાથે પણ એકાંતમાં બેસવું, ઊઠવું તથા ચાલવું નહિ તથા ગાફલપણું રાખવું નહિ. ગાફલપણું રાખે તેને સત્સંગ બહાર કરવો. મોક્ષનો ખપ હોય તેને પોતપોતાના નિયમમાં વર્તવું જ જોઈએ અને નિયમમાં વર્તશે તેને અમે અંત સમે વિમાન લઈ તેડવા આવીશું અને અવિચલ સુખ આપીશું. સત્સંગ અને ભગવાન તથા મોક્ષને માટે જેટલો ખપ હોય તેટલું જગતમાં અપમાન સહન કરી શકાય છે.”62

શ્રીહરિએ પત્રમાં લખાવ્યું, “ગુરુ, ગુરુના શિષ્યો ધર્મ-નિયમનો ત્યાગ કરી વર્તે છે તેટલા એ ચોર ઠરે છે. ભગવાનના ગુનેગાર છે. તેને જમદૂત પકડી જાય છે ને વિકટ જંજીરમાં જકડીને મારે છે.”63

સાંખ્યયોગી બાઈ-ભાઈને વર્તવાની રીત શ્રીહરિએ પત્રમાં કહી, “સત્સંગ અને સમાજમાં સંત-હરિભક્તો બેઠા હોય ત્યારે બીજો માણસ સાંભળે તેવી રીતે અપાન વાયુનો ત્યાગ થાય તો પચ્ચીસ દંડવત્ પ્રણામ કરવા. ચાર ઘડી ધૂન કરવી. એ બે વચન જે ન માને તેને સત્સંગી કહેવો નહિ, સત્સંગમાં ભલે સુખેથી રહે, માંદા ને ઘરડાનો દોષ નથી.”64

શ્રીહરિએ પોતાના ભક્તોને પત્રમાં લખાવ્યું કે, “સંત-હરિભક્તને પાછા પાડવા જે અધિક વર્તન દેખાડે છે તે કાળનેમિ ને રાવણ છે એમ જાણવું. તેને મરતી વખતે ભગવાન તેડવા આવતા નથી.

“જે ભગવાન અને સંતને રાજી કરવા માટે તેમની મરજી લઈને વર્તે ને તેમનો નિષ્કપટભાવે દાસ થઈને વર્તે, ઉદ્દંડ મતિ રાખે નહિ, કોઈની સાથે દ્વેષ રાખે નહિ, પોતાને સૌથી કનિષ્ઠ માને અને સંત-હરિભક્તોને મોટા સમજે, એવા સંત સમર્થ હોવા છતાં લેશમાત્ર મોટપ રાખતા નથી, તેને સાચા સાધુ જાણવા.”65

કુંડળમાં શ્રીહરિએ મામૈયા, અમરા પટગરને ધર્મપુરનાં રાણી કુશળકુંવરબાની વાત કરતાં કહ્યું, “રાણીએ અમારી મરજીમાં સુખ જોયું. ભગવાનની મરજીમાં ધામથી પણ અધિક સુખ માને તે સમાન કોઈ ભક્ત નથી. મરજીમાં રહે છે તે મુક્ત છે, સિદ્ધ છે, પ્રેમી છે, અક્ષર છે. મરજીમાં સુખ માનનારને કોઈ દુઃખ રહેતું નથી. શૂળીએ ચઢવું ને પૂજા પામવી એ બધું ભગવાનની મરજીથી થતું જાણી બન્નેમાં આનંદ પામે છે. એવાથી ભગવાન પળમાત્ર દૂર થતા નથી. સુખ અને સાધનમાત્ર ભગવાનની મરજી પાળવામાં આવી જાય છે. ગ્રંથમાત્રનું રહસ્ય પણ તેમાં આવી જાય છે. મરજીમાં ન ચાલે તે બધા ગ્રંથો ભણે કે તીર્થ-વ્રતાદિક સાધન કરે કે બ્રહ્માંડની રચના કરે, પણ ભગવાનના શત્રુ છે.

“મરજી જાણે તેણે જ સત્સંગ કર્યો છે, બીજાનો ન કર્યા બરાબર છે. મરજી ન સમજતાં જય-વિજય વૈકુંઠમાંથી પડ્યા. ભગવાનની સેવા કંઈ કામ લાગી નહિ. માટે સત્સંગ કરી ભગવાનની મરજીનું ધ્યાન રાખવું. મરજી પાળનારા પર્વતભાઈ આદિ ભક્તોનો દિવસે દિવસે અધિક રંગ રહ્યો છે. એવા અંગવાળા હોય તે સંત હરિભક્ત મોટા કહેવાય.”66

શ્રીહરિએ ઉગામેડીના વૈષ્ણવ પટેલને વાત કરતાં કહ્યું, “ભગવાનનું વચન લોપે તેટલો એ ભગવાનનો ચોર ઠરે છે. પછી તે ગમે તેટલો બુદ્ધિવાન હોય તોપણ શું? ગુનેગારને તો રાજા પણ તોપે ઉડાડે છે કે ફાંસી આપે છે, એ આંખથી પ્રત્યક્ષ દેખાય છે. ભગવાન પોતાના ગુનેગારને માફ કરે છે, પણ જમના હાથથી તે છૂટી શકતો નથી.

“ભગવાનની બાંધેલી મર્યાદામાં ન વર્તે તેને શાસ્ત્ર અસુર કહે છે. નાક અને જીવ વિનાનું શરીર જેવું શોભતું નથી, તેમ નીતિ અને ધર્મ વિનાનો માણસ શોભતો નથી.”67

ગઢપુરમાં શ્રીહરિએ હરિજનોની સભામાં વાત કરતાં કહ્યું, “જ્યાં નિયમનું પાલન છે ત્યાં ધર્મ છે ને જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન છે ને ભગવાન છે ત્યાં ભગવાનનું અક્ષરધામ છે. જ્યાં ધામ છે ત્યાં અપાર અવિચલ સુખ રહ્યું છે.

“જ્યાં નિયમ નથી ત્યાં અધર્મ છે. અધર્મ છે ત્યાં પાપ છે ને પાપને લીધે જમપુરી છે. જમપુરી છે ત્યાં અપાર દુઃખ છે. નિયમને મૂકીને ચાલે છે તે અપાર દુઃખને પામે છે.”68

વડતાલમાં ફૂલદોલ પર શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “જે નિયમ પાળે છે તેનામાં ભગવાન આવીને વસે છે. નિયમ રાખતો નથી તેનામાં અધર્મ નિવાસ કરે છે.” શ્રીહરિનાં આવાં વચન સાંભળી સંતો-ભક્તો હાથ જોડી બોલ્યા, “હે, મહારાજ! અમે આપના આપેલા નિયમનો ક્યારેય ત્યાગ કરીશું નહિ.” આ સાંભળી શ્રીહરિ ઘણું પ્રસન્ન થયા.69

વડતાલમાં શ્રીહરિએ સંતો-ભક્તોને વાત કરતાં કહ્યું, “જે જે નિયમ ધાર્યા હોય તે મનન કરીને યાદ કરવા. મનન ન કરે તો નિયમ ધાર્યા ન ધાર્યા સમાન છે. અમારું દર્શન ટાણે ટાણે ઘણા સંતો-ભક્તો કરે છે, પણ મનન ન કરે તો તે સ્મરણમાં રહેતું નથી. એ સ્મરણમાં રહે તે માટે અમે હુતાશની, દિવાળી-અન્નકૂટ, વસંતપંચમી જેવા ઉત્સવ ઊજવીએ છીએ, યજ્ઞ કરીએ છીએ, ચોરાસીમાં વિપ્ર જમાડીએ છીએ, દાન દઈએ છીએ, વિપ્રને જનોઈ ને કન્યાદાન દઈએ છીએ - એ બધું મનન કરવાથી યાદ રહે, ને તે ભક્તને અમારું સ્મરણ અંતકાળે થઈ આવે તો તેનું કલ્યાણ થાય. આ સિદ્ધાંત વાત છે.”70

વડતાલમાં અન્નકૂટ પર આવેલ સંતો-ભક્તોને શ્રીહરિએ કહ્યું, “જપમાળા ફેરવવી તે નિત્ય નિયમ રાખીને ફેરવવી. નિયમ વિના જે ફેરવે છે તેને શાસ્ત્રકથિત ફળ મળતું નથી. માટે આજથી સંતો, બ્રહ્મચારીઓ, પાર્ષદો, સાંખ્યયોગી બાઈઓ અને સર્વે હરિભક્તોએ શરીર નીરોગી હોય ત્યાં સુધી નિત્યે પચાસ માળા ફેરવવી, તેમાં પ્રમાદ ન કરવો, અવશ્ય ફેરવવી. જેમ ભોજન કરવાનો નિયમ ભૂલતા નથી, તેમ માળાનો નિયમ રાખવો. નિયમ વિનાની માળા ફેરવે તે નિષ્ફળ કહેવાય છે. ક્યારેક ભૂલી જવાય તો બીજે દિવસે બમણી ફેરવવી. બે દિવસ ભૂલી જવાય તો ઉપવાસ કરવો. પચાસથી અધિક ફેરવે તો વધુ રાજી થઈએ છીએ.”

પછી સંતો-ભક્તોએ શ્રદ્ધા પ્રમાણે માળાના નિયમ લીધા તેને શ્રીહરિએ છાતીમાં ચરણારવિંદ આપ્યાં. બાઈઓએ પણ નિયમ લીધો. શ્રીહરિ પ્રસન્ન થઈને બોલ્યા કે, “અમારા વચને કરીને જે નિયમ રાખે છે તેવાં મોટાં ભાગ્ય બીજા કોઈનાં નથી.”71

શ્રીહરિએ ગોંડલના ભૂપને કહ્યું, “ધર્મ-નિયમ એ દિવ્ય અંબર અને આભૂષણ છે. આવો મહિમા જણાશે તો નિયમ રાખવામાં સુગમતા રહેશે. જે નિયમ નથી રાખતા તે જમપુરીના અધિકારી થાય છે ને અપાર કષ્ટ સહે છે. પ્રમાદ જ્યારે મિત્ર બને ત્યારે તે બધાય હિતેચ્છુ સાથે વેર કરાવે છે. સુલટ વિચાર કરવામાં પ્રમાદ રહે તેટલો સત્સંગનો રંગ ચઢે નહિ. પ્રમાદથી સત્સંગ, સંત અને હરિભક્તની અરુચિ થાય છે.”72

પંચાળામાં શ્રીહરિએ નારીધર્મ સમજાવતાં કહ્યું, “સધવા કે વિધવા કોઈ નારીએ સ્વતંત્ર રહેવું નહિ. સ્વતંત્ર રહેવામાં ઉમા જેવી સતી સ્ત્રીઓ દુઃખી થઈ. સ્ત્રી કામિની છે, તેને લીધે મોટા મોટા દેવ અને ઋષિઓ વિકારી બન્યા છે. જે સ્ત્રી વિધવા થાય તેણે પુરુષ કરવાની ઇચ્છા હોય તો કરવો, પણ કલંકથી ડરવું. માતા-પિતાના કુળને તથા સત્સંગને લાંછન દેવું નહિ. જેને માથે લાંછન આવે નહિ તે સત્સંગમાં શ્રેષ્ઠ છે. વિષયાસક્તિ વિઘ્ન કરે છે, માટે વિષયની અરુચિ રાખવી અને વિધવાના ધર્મમાં નટ દોર ઉપર ચાલે તેમ સાવધાન થઈને ચાલવું.”73

શ્રીહરિએ મુક્તમુનિને પત્રમાં લખ્યું, “નીતિ ઓળંગીને ચાલે તેને અસુર જાતિ જાણવો. ભગવાનથી ડરીને ચાલે તે મનુષ્ય હોવા છતાં દેવ જેવો છે.”74

ગઢપુરથી શ્રીનગર મંડળ લઈને સંતોને મોકલતી વખતે શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “નગરમાં બે વાર ઝોળી માંગજો. કેટલી ભિક્ષા મળે છે તેની અમને ખબર મોકલતા રહેજો. પુરજનોનો ભાવ ઝોળી અને સંતોને કેવા વચનથી બોલાવે છે તે પરથી જણાઈ આવશે.

“સંતો પાસે પુરુષ હરિજન આવે પણ બાઈ હરિજન ન આવે તે ખ્યાલ રાખવો. પાસે આવનારના નિયમને નિત્ય તપાસવા. નિયમ વગરનો સત્સંગ મૂળ વગરના વૃક્ષ જેવો છે. જે જન સંતનો સમાગમ કરે છે તેને તેટલો સત્સંગ રહે છે. જે નક્કી વાત છે તે અમે કરતા રહીએ છીએ. અમને લલોપચો કરતા આવડતું નથી. જે જે ગામમાં બાઈ હરિભક્તો છે તેમાં જેને જેટલું નિયમમાં વર્તવાનું અધિક તાન હોય તેનો સમાગમ બીજી બાઈઓએ કરવો.”75

ગઢપુરમાં શ્રીહરિ કહે, “અમારા વચનનું જેટલું પાલન તેટલી અમારી પૂજા છે. વચનમાં કુતર્ક કરે તેના પર અમે પ્રસન્ન થતા નથી. અમારા વચનને મૂકીને બીજું કરે તેને અમે મનમુખી ગણીએ છીએ.

“મનમુખી ફાવે તેવો ગુણિયલ હોય તોપણ તેને અસુર જાણવો. આવા અસુર અમારાં આચરણ સાંભળીને અમારી દેશી કરે છે. મોક્ષભાગી જને આવા મનમુખી આચરણવાળા અસુરનો ત્યાગ કરવો.

“મોક્ષના ખપ વિના ફાવે તેમ વર્તે તેની સાથે અમારે લેવા દેવા નથી, તેનું કરેલું તે ભોગવે, પણ જેને મોક્ષનો ખપ છે તેણે સત્સંગની રીતે નિયમમાં વર્તવું.”76•

જવારજમાં શ્રીહરિ કહે, “બ્રાહ્મણો લસણ વગેરે અભક્ષ્ય વસ્તુ છાની રીતે ખાતા થઈ ગયા, તેથી તેમની વચનસિદ્ધિ રહી નહિ, બ્રહ્મચર્ય પણ રહ્યું નહિ.”77

સુરતમાં શ્રીહરિએ હરિભક્તો પ્રત્યે વાત કરતાં કહ્યું,

‘હરિ કહે હમારે બચન જીતનાં, વજ્ર કે કોટ સમ રહે તિતનાં;

અક્ષરધામ બચન હમારે, જુદે ન રહે કોઉ કલ્પ લગારે.’

“અમારાં વચન વજ્રના કોટ સમાન છે. અમારા વચનથી અક્ષરધામ કોઈ કાળે લેશ પણ જુદું નથી. અમારા વચનમાં રહે તેને વિઘ્ન આવતાં નથી. આજ્ઞારૂપી વજ્રનો કિલ્લો તજીને મનમાન્યું વર્તન કરે તેને માથે બધાં જ વિઘ્ન રહ્યાં છે. ઉન્મત્ત વર્તન એ જ વિષમ દેશકાળ છે. ધર્મનો લોપ કરે છે તે અંતર્યામીથી અજાણ્યું રહી શકતું નથી. પળેપળનું તે નિરંતર જાણે છે. જે જેવું કર્મ કરે છે તેને તેવું ફળ ભગવાન આપે જ છે.”78

સુરતના નાના શેઠને શ્રીહરિ કહે, “સ્ત્રીઓને ઉપદેશ દેવો તે સત્સંગીની રીત નથી. દારૂ અને અગ્નિ ભેગા થાય તો ઊડ્યા વિના રહે નહિ. અગ્નિના યોગથી ઘી નરમ થયા વિના રહે નહિ. પથ્થરનો પણ અગ્નિના યોગે રસ થઈ જાય છે. પુરુષ ને સ્ત્રી પરસ્પર અગ્નિ જેવાં છે. જળના યોગે કરીને બીજ ઊગ્યા વિના રહેતું નથી. નારીના પ્રસંગ વિના કામનું જોર ચાલતું નથી. રજસ્વલાના પડછાયાથી સર્પ પણ આંધળો થયાનું સંભળાય છે. ચ્યવન ઋષિ તપથી સિદ્ધ થયેલા હતા, છતાં રાજકન્યાનાં દર્શનમાત્રથી વિષયમાં રાગ થયો. માટે નિયમરૂપી કોટમાં રહે તેનો જ વિષયથી પરાભવ થાય નહિ.”

શ્રીહરિની વાત સાંભળી નાના શેઠ લજ્જા પામી ગયા ને કહ્યું, “મારામાં ઉન્મત્તાઈ ચઢી અને નિયમ ત્યાગ્યા. મેં સો બાઈઓને શિષ્યા કરી છે, હું કહું તેમ તે કરે એમ છે. તે બાઈઓએ સહિત હું સત્સંગમાં આવવા ઇચ્છ છું. કાલે મારી રસોઈ લો ને ગુનો માફ કરો. બાર વર્ષ હું વિમુખ રહ્યો ને ફાવે તેમ ચાલ્યો. મારા જેવો કોઈ અધમ નથી.”

આમ, બહુ પ્રકારે અનુનય કર્યો. પછી શ્રીહરિએ સંતો-ભક્તોને પૂછી નાના શેઠને સત્સંગમાં લીધા.79

સુંદરિયાણામાં પુરની બહાર સંતો-ભક્તોની સભામાં શ્રીહરિ કહે, “ભગવાનનો આશ્રય કરે પણ ધર્મ-નિયમ ન રાખે તો તે આશ્રય ભાંગેલા નાવ સમાન છે. ધર્મ નિયમ વિનાની કોઈ વાત ફળીભૂત થતી નથી. જે માણસ વ્યભિચારી હોય તે મનુષ્ય હોવા છતાં કૂતરાની મતિમાં ખપે છે. અધર્મી સત્સંગમાં રહેતો હોય તોપણ છુપાયો રહેતો નથી.”80

*

પરિશિષ્ટ

શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:

જેને શ્રીહરિને વિષે નિશ્ચય ન હોય અને અધર્માચરણવાળો હોય, તેને ધર્મવંશી જાણવો નહિ, પરંતુ પ્રગટ હરિનો જેને નિશ્ચય હોય તેને દૃઢ ધર્મવંશી જાણવો. આવી રીતે શ્રી સહજાનંદ સ્વામીએ પોતાના સંત-હરિભક્તો પ્રતિ કહ્યું.81•

જગતના સુખને માટે ઈશ્વરે બાંધેલા નિયમો તોડે તો બ્રહ્માદિકની પણ લાજ ન રહે અને અપયશ તથા દુઃખના પાત્ર બને, માટે નિયમમાં વર્તવું જોઈએ.82

શ્રીહરિના વચનનો જેને લેશમાત્ર ડર નથી તેને માથે યમનો દંડ રહે છે ને તે અતિશય ક્લેશ પામે છે. તેનાં દુઃખ વર્ણવી ન શકાય તેટલાં છે. સુમતિ સંત તેને જાણે છે ને દેહ પર્યંત ભગવાનના વચનમાં વર્તે છે. આજ્ઞારૂપી કોટમાં તે નિર્ભય રહે છે.83

જે પોતાને અક્ષર માનીને આજ્ઞામાં વર્તન કરે છે, તે પોતાનું સ્વરૂપ શુદ્ધ નિર્મળ દેખે છે. જે દેહરૂપે વર્તન કરે છે તેને આડે મેરુ જેવો અટૂટ પડદો આવી જાય છે. તેથી તે પોતાના રૂપને જાણી શકતો નથી.84

હરિના વચનમાં જે રહે છે તેના પર કાળકર્મ કે માયા આદિનું જોર લેશ પણ ચાલતું નથી. સર્વે ભગવાનની આજ્ઞામાં થર થર કંપતાં રહે છે. સ્થાવર-જંગમ જીવ સૃષ્ટિ શ્રીહરિની નિયામક શક્તિને આધીન રહે છે. કાળ, કર્મ ને માયા શ્રીહરિના ભક્ત સિવાય સર્વેને પોતાને આધીન વર્તાવે છે. ભગવાનનું વચન મૂકી નિજ છંદે વર્તે તો મુક્ત હોય તે પણ તત્કાળ દુઃખ પામે છે.85

હરિની આજ્ઞા અનુસાર મિતાહારી ભોજન લે છે તે નિત્ય ઉપવાસી છે. સાધુ ગ્રાસે ગ્રાસે હરિનું સ્મરણ કરે, વચન મુજબ દિવસમાં એકવાર જમે, તે સદા ઉપવાસી છે.86

વચનમાં રહે તેને જ ધર્મ અને ભક્તિ વધે છે. જ્ઞાન, વૈરાગ્ય અને સુખ-સંપત્તિ પણ વચનમાં જ રહ્યાં છે. ભગવાનનું ધામ પણ વચનમાં જ છે. સાધનમાત્ર વચનમાં આવે છે. વચન બહાર ચાલે તેને દુઃખ જ પ્રાપ્ત થાય છે. વચન તજ્યું તેણે બધાં સાધન તજ્યાં છે. સાધન વિના સુખ-સંપત્તિ ચાહે તે મૂર્ખ છે. વચન એ જ ખરાં વસ્ત્ર-આભૂષણ છે. એમ વચનમાં પરમ લાભ છે, તેને વિવેકી સંત-હરિજનો જાણે છે.87

શ્રીહરિએ બાંધેલી મર્યાદા ન લોપે ત્યાં સુધી દિનદિન પ્રતિ સત્સંગની વૃદ્ધિ થતી રહે છે, જે દિવસે મર્યાદાનો લોપ કરવાનું શરૂ થશે તે દિનથી બુદ્ધિમાં અંધકાર થઈ જશે.88

ત્યાગી સંતો એ શ્રીહરિનાં ઘર છે. તે સર્વને ધર્મમાં રખાવવાની ચાડ શ્રીહરિ રાત-દિવસ રાખતા. ત્યાગી-ગૃહીમાં જે વધારે ધર્મ રાખે તેમના ઉપર શ્રીહરિ વધુ પ્રેમ રાખતા. તેને બોલાવતા, સંભારતા. ધર્મ રાખીને જેટલી ભક્તિ કરે તે સર્વ શ્રીહરિ અંગીકાર કરતા. જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ અત્યંત હોય કે નિશ્ચય ભક્તિ અપાર હોય, અહોનિશ ધ્યાન કરે, પણ જો ધર્મપાલન ન હોય તો શ્રીહરિ પ્રસન્ન થતા નહિ. ધર્મ વિના કોટિ જન્મ સુધી કોઈ ભક્તિ કરે તો પણ શ્રીહરિ તેને સ્વીકારતા નહિ. એવા ધર્મહીનને શ્રીહરિ વિમુખ કહેતા. તેને ક્યારેય ચાહતા નહિ.89

શ્રીહરિ સમક્ષ સંત-હરિજન આરતી ઉતારતા પછી સ્તુતિ ને નારાયણધૂન થતી. બાઈઓ બાઈઓમાં ને ભાઈઓ ભાઈઓમાં બેસીને ધૂન કરતાં. બાઈઓ પુરુષોને જે સ્વામિનારાયણ કરતી નહિ, તેમ પુરુષો પણ બાઈઓને જે સ્વામિનારાયણ કરતા નહિ. આવો આ સત્સંગનો ધારો રહ્યો છે.90

મહિલાઓ મહિલાવર્ગમાં બેસીને ગીતો ગાય, કીર્તન-ભજન કરે તેમાં કોઈ બાધ આવે નહિ. એ જ રીતે પુરુષો પુરુષવર્ગમાં બેસીને કીર્તન ગાય, કથાવાર્તા કરે. આ પ્રણાલી કદી ભુલાય નહિ. સત્સંગની આ સદાયની પ્રથા છે જેને બધા હરિભક્તો સહર્ષ જાળવી રહ્યા છે, ક્યારેય તૂટવા દેતા નથી.91

પુરુષો અને મહિલાઓ પોતપોતાના ધર્મમાં રહીને શ્રીહરિની સેવા કરતાં. ધર્મ પાળે તેને શ્રીહરિ મુખ્ય ગણતા. સત્સંગની પ્રથા જ એવી બાંધી છે કે ધર્મમાં રંચમાત્ર કોઈ હરિભક્ત શિથિલ જણાય તો મુખ્ય જવાબદાર હોય તે તેને તુરત વિમુખ કરે. જેને સત્સંગનો ખપ છે તે ધર્મને મુખ્ય કરીને રાખે છે. તેથી દિવસે-દિવસે તે અધિક ને અધિક વૃદ્ધિ પામતો રહે છે.92

સત્સંગના નિયમ સૌ માટે રક્ષાના કોટ છે. નિષ્કામાદિ પંચવ્રતે પૂર્ણ ગુરુ જેને મળે છે તેને એ કોટ વહાલો લાગે છે. ગુરુના સંગે નિયમવાળો નિર્ભય થાય છે. પછી કામાદિ શત્રુ સામે પણ તે ક્યારેય ડગતો નથી.93

અધર્મનાં મૂળ કાપવા શ્રીહરિએ સંતો-ભક્તોના નિયમ રચ્યા છે. શ્રીહરિએ જેટલાં કંઈ નિયમ આપ્યા છે તે પ્રત્યેક નિયમમાં તેમણે અદ્‌ભુત દૈવત મૂક્યું છે. દૈવત વિનાનો એકપણ નિયમ નથી.94

નીતિ એ હરિનું સ્વરૂપ છે. નીતિમાનને ખાનપાન પણ દેવ સમાન મળે છે, તથા જગતમાં તેનું સૌ પ્રમાણ કરે છે. નીતિ એ જ ધર્મ છે, અનીતિ પાપ છે, અને દુઃખરૂપ છે. વિષ ખાઈને સુખ માનવું તેમ નીતિ વિનાનું સુખ ઇચ્છે તેને સમજવું. શ્રીહરિ નીતિવાળાનો હાથ ગ્રહણ કરે છે અને સદાય તેને પાસે રાખે છે. આ બધું હરિકૃપા અને સંતના સંગ વિના સમજાતું નથી.95

બાઈઓની સભામાં બાઈઓ જ બેસે, પુરુષ કોઈ ત્યાં ભૂલથી ક્યારેય ન બેસે. એ જ રીતે પુરુષોની સભામાં બાઈભક્તો અજાણ્યે પણ ન બેસે. દશ-દશ વર્ષનાં છોકરા-છોકરી પણ સત્સંગી થયાં પછી ભેગાં રમે નહિ. આ સત્સંગની પ્રણાલી સૌ સહેજે પાળે. સત્સંગ વિના બીજા મતમાં તો બધું એકાકાર થઈ ગયું છે. અગ્નિ અને દારૂ ભેગાં થાય પછી તેનું જે પરિણામ આવે, એવું નિયમ વિના સ્ત્રી-પુરુષ ભેગાં બેસનારનું થાય છે. નિયમ ન પાળે તો રાજા રાજસમૃદ્ધિને ખોવે છે. કોટિપતિ ધનાઢ્ય કહેવાતો હોય, પણ નિયમ ન પાળે તો એ અંતે ખાખ થાય છે. નિયમની રેખા ઓળંગે તેટલી જનને કેદ થાય છે. મોટો નિયમ લોપે તો તો આ જ લોકમાં તેનું ફળ ભોગવે છે.

રાજા પ્રજા માટે નિયમ કરે છે, તે જો પ્રજા લોપે તો દંડ દે છે. દંડ વિના નિયમ પળાતા નથી. અંગ પર ભૂષણ અનેક પ્રકારનાં પહેરે, પણ નિયમરૂપી ભૂષણ બધાં ભૂષણોમાં શ્રેષ્ઠતર છે. જેમાં જેટલો નિયમ તેનામાં તેટલી શોભા. જેને અંતરમાં ક્ષેમકુશળ રહેવાની ઇચ્છા હોય તેણે અહોનિશ નિયમ પાળવા. નિયમ વિના બધી વાતે પળે પળ દુઃખ આવશે. જે નિયમ ભંગ કરે છે તે એવાં દુઃખમાં પણ સુખ માને છે તેને પશુ જાણવો.

સત્સંગ થયા પછી આંખે કરીને અયોગ્ય જુએ તો તે જન્મોજન્મ અંધ રહે છે. કાનથી અયોગ્ય સાંભળે તો જન્મોજન્મ બહેરો રહે છે. નાસિકાથી અયોગ્ય ગંધ લે તો જન્મોજન્મ નાક કપાવે છે. જિહ્વાથી અયોગ્ય સ્વાદ લે તો જન્મોજન્મ મુખરોગથી પીડાય છે. અયોગ્ય વાણી વદે તો જન્મોજન્મ મૂંગો રહે છે. ત્વચા અયોગ્ય સ્પર્શ કરે તો જન્મોજન્મ કોઢિયાપણું આવે છે. પગ અયોગ્ય જગ્યાએ ચાલે તો જન્મોજન્મ પંગુ બને છે. હાથ અયોગ્ય કામ કરે તો જન્મોજન્મ હાથમાં ગરમી નીકળતી રહે છે. માટે હરિજન સૌએ ચેતવું.

આ વાતને જે હરિજન હૃદયમાં ઉતારીને તે પ્રમાણે વર્તે છે તેણે શ્રીહરિની સર્વપ્રકારે પૂજા કરી એમ જાણવું.

કેસર-ચંદન ચર્ચે, વસ્ત્ર, આભૂષણ પહેરાવે, અપાર ફૂલોના હાર ધારણ કરાવે, છાતીએ ચંદન ચરચીને ભેટે, પ્રેમે કરીને આરતી ઉતારે, દુંદુભિ બજાવે, ગાન કરે ને હરખાય, તાલ બજાવે ને નાચે - અનેક પ્રકારે ચાતુરી દર્શાવે ને પૂજા કરે, પણ ભગવાન રીઝતા નથી. દેવો પણ જાણે છે કે હરિને રીઝવવાની આ ચતુરાઈ નથી. તેની બધી સેવા, પૂજા, નિયમ પાલન વગર નિષ્ફળ જાય છે. શ્રીહરિ એવી પૂજાને અંગીકાર કરતા જ નથી. જે શ્રીહરિને અક્ષરપતિ પુરુષોત્તમ પરબ્રહ્મ જાણીને આશરો-ભજન કરે છે, તે બધા હરિજન શ્રીહરિના વચનમાં શ્રેષ્ઠપણે વર્તે છે.96

શાસ્ત્રનું ઉલ્લંઘન કરીને વર્તવું તેટલો અધર્મ કહેવાય. શ્રીહરિના વચનમાં રહીને નિયમ પાળે તે સમાન બીજો કોઈ લાભ જ નથી. મનમુખી થઈને અધિક નિયમો રાખે અને અન્ન-જળ આદિકનો ત્યાગ કરે, મેલાં-જૂનાં વસ્ત્ર પહેરે, માનનો ત્યાગ કરે અને ઉપરથી ધ્યાનનું બળ દેખાડે, પણ ભગવાનનાં ચરિત્રમાં કે ભક્તિમાં રુચિ ન હોય તો તેનું ફળ તુચ્છ છે.97

સત્સંગી હરિભક્ત સ્ત્રીઓ પુરુષનું મુખ દેખતી નથી અને પોતાનું મુખ પુરુષને દેખાડતી નથી. સત્સંગની આ રીત રહી છે. સત્સંગ વિના બીજે આ રીતે જોવા ન મળે. જ્યાં વ્યભિચાર છે ત્યાં મોક્ષની વાત નથી. ઘોર નર્કની પ્રાપ્તિ છે.98

ધર્મમાં જે વર્તે છે તેને શ્રીહરિ અધિક પોતાની સેવા આપે છે. શિથિલ વર્તનાર શ્રીહરિનું સુખ લઈ શકતા નથી. શ્રીહરિને ધર્મ અતિશય વહાલો છે. ધર્મભંગ કરે તે શ્રીહરિને દીઠો ગમતો નહિ. તેનો તો તરત ત્યાગ કરી દેતા. સત્સંગથી તેને બહાર કરી દેતા. ફરી તેના પર ક્યારેય વિશ્વાસ કરતા નહિ.99

પૃથ્વીને એક પગલામાં સમાવી લે તેવા મહા બળવંતને પણ કામાદિકે જીતી લીધા છે. એવા એ મહાભયંકર દોષો છે, તેને જીતવા કઠણ છે, પરંતુ પ્રગટ હરિના વચને જે જનો સત્સંગના નિયમ પાળે છે તે કામાદિકને સહેજે જીતે છે. શ્રીહરિનો જેને માહાત્મ્યજ્ઞાને સહિત દૃઢ નિશ્ચય હોય કે આ ભગવાન તુલ્ય બીજો કોઈ ભગવાન નથી - એવી સમજણ સાથે નિયમ પાળે તેનાથી કામાદિ ડરીને ભાગે છે. જેને ભગવાનના ધામના સુખનો લોભ હોય ને ખપ હોય તેને નિયમ રાખવા કંઈ કઠણ પડતા નથી.100

જ્યાં સત્સંગના નિયમ છે ત્યાં ધર્મવંશ સ્થપાયો જાણવો. ભગવાન અને ભગવાનના સાધુ ધર્મવંશનું સ્થાપન કરવા સત્સંગમાં વિચરતા રહે છે. કથા-કીર્તન કરીને, કરાવીને અધર્મનું મૂળ ઉચ્છેદન કરતા રહે છે. જ્યાં સત્સંગ છે ત્યાં શ્રીહરિ નિવાસ કરીને રહે છે. સત્સંગીઓની રક્ષા કાજે નિયમરૂપી કોટ બાંધ્યો છે. સત્સંગમાં જેટલા કંઈ નિયમ કહ્યા છે તે ધર્મવંશ પરિવાર છે. જ્યાં નિયમનો કોટ નથી ત્યાં વર્તન પરથી જ દેખાઈ આવે છે કે ત્યાં અધર્મ વંશનો પરિવાર ફાલ્યો છે. એ અધર્મ વંશીનો સંગ જે જન કરે છે તેને મહાકુસંગ લપટાય છે ને જન્મમરણ, લખચોરાશી, જમપુરીમાં મહાદુઃખ ભોગવે છે. અધર્મને માર્ગે ચાલનારને રાજા દંડે છે ત્યારે કોરડા મારે છે, કેદ કરે છે, કેટલાકનાં નાક કાન કાપે છે, કેટલાકનું મસ્તક છેદે છે. એમ અનંત પીડા મનુષ્ય કુસંગને છંદે ભોગવે છે.101

એક જ નિયમ પણ દૃઢ કરીને રાખે એવા જન પર શ્રીહરિ પ્રસન્ન થઈ જતા. ધર્મ પર શ્રીહરિને અપાર હેત છે. જેમનામાં શ્રીહરિ નિષ્કપટ રૂપ ધર્મને દેખે છે ત્યારે તત્કાળ પ્રસન્ન થઈ જાય છે. કપટી પર રીઝવામાં વિચાર કરે છે. શ્રીહરિની પ્રસન્નતાનાં જેટલાં કાંઈ સાધન છે તેમાં નિષ્કપટપણું શ્રેષ્ઠ સાધન છે. આ સાધન જે સિદ્ધ કરે છે તેના પર તત્કાલ રીઝે છે. કોટિ સાધન કરે પણ કપટ તજે નહિ તેવા જન પર શ્રીહરિ ક્યારેય રીઝતા નહીં. બહાર સરળતા દેખાડે પણ અંદર કપટી અને કુટિલ હોય તો તે અતિ દુઃખી થાય છે.102

પર પુરુષના સંબંધથી સ્ત્રીઓને પોતાનો ધર્મ સચવાતો નથી. પિતા, પુત્ર કે બંધુ સાથે પણ એકાંતમાં બેસે નહિ, તો ધર્મ રહે. કારણ કે પુરુષ ઘી સમાન છે અને સ્ત્રી અગ્નિ સમાન છે. અગ્નિનો સંબંધ થતાં ઘી ઓગળ્યા વગર રહે જ નહિ. મેરુ જેટલો દારૂનો ઢગલો હોય તેમાં તલ જેટલો અગ્નિ અજાણ્યે પડે તો ફૂટ્યાં વિના રહે નહિ, માટે સંબંધ ન રાખે તો જ ધર્મ દૃઢ રહે.103

મોક્ષનો ખપ ન હોય તો નિયમ રાખવો કઠણ પડે છે. ભલે ચ્હાયે તેવો પ્રવીણ હોય, પણ ખપ વિના નિયમ પાળી ન શકે. અને ચિંતામણિ તુલ્ય આ શરીર વિષયમાં ખોઈ બેસે છે.104

જે નિયમમાં વર્તે છે તેને માયા બંધન કરતી નથી, નિયમનો જેટલો ત્યાગ એટલી માયા તેને પીડે છે ને બંધનમાં નાખે છે. એવા હરિભક્ત સત્સંગમાં ઘટી જાય છે. સત્સંગ કરતો થકો ઘટે તે નિયમના ભંગે કરીને ઘટે છે. ધનથી પણ જેને નિયમ અધિક વહાલા હોય તેનો સત્સંગ અચળ રહે છે. જેને કોઈ પ્રકારનો નિયમ ન હોય તે પોતાની પદવી થકી પડી જાય છે. ભવ-બ્રહ્માદિ દેવો પણ ભગવાનના નિયમમાં વર્તે છે. જે દિવસે નિયમનું ઉલ્લંઘન કર્યું છે, તે દિવસે તે પણ દુઃખી થયા છે. વાતનો કરનારો ગમે તેટલી મીઠી વાતો કરે, પણ નિયમ પાલન ન કરતો હોય તો તે વૃથા છે. જેટલા નિયમ અધિકપણે પાળે તેટલું તેનામાં ઐશ્વર્ય રહે છે તેની વાણીમાં ઐશ્વર્ય વધે છે. એટલે તેની વાત પણ અસર કરે છે.105

નિયમ એ શ્રીહરિનું સ્વરૂપ છે. જેટલી કંઈ શોભા છે તે નિયમથી છે. નિયમ વિના કોઈ શોભા નથી. જે નિયમનો ત્યાગ ક્યારેય કરતો નથી તેના પર શ્રીહરિ અનુરાગ રાખે છે.106

ગમે તેવો જ્ઞાની હોય, ધ્યાન હોય, વાક્‌પટુ હોય કે યોગકળાઓ જાણતો હોય, પણ સત્સંગના નિયમ ન પાળતો હોય તો તેના ગુણમાત્ર ઊલટી કરેલા અન્ન સમા છે. નિયમપાલનમાં ભગવાનનું દૈવત રહેલું છે.

જ્યાં સુધી નિયમોનું પાલન રહે, ત્યાં સુધી સત્સંગ વૃદ્ધિ પામતો રહે છે. નિયમોનું પાલન પણ ભગવાન કે ભગવાનના સાચા સંતનો યોગ હોય ને નિશ્ચય હોય ત્યારે થાય છે. ભગવાન ને સંતના નિશ્ચય કે યોગ વિના ચ્હાયે તેવા નિયમ પાળે તોપણ ભવ ન તરે.

સંતના યોગમાં રહી નિષ્કપટ ભાવે સત્સંગ કરે તેને અંત સમે ભગવાન કે ભગવાનના સંત દર્શન દઈ તેડવા આવે છે. એવો યોગવાળો જીવ દોષ ટાળવા મથતો હોય ને તે ગણિકા જાતિ હોય તોપણ ભગવાન ને સંત તેને અંત સમે નિષ્કામી કરી દે છે.107

જે ભગવાનનાં વચનમાં રહે છે તેને ભગવાનની મૂર્તિ પલવાર દૂર જતી નથી. તેની સમીપે ભગવાન રહે છે તેથી તેને જગતના મળનો પાશ ટળી જાય છે.108

જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન વાસ કરીને રહે છે. ને જ્યાં ભગવાન પ્રગટ છે ત્યાં જ ધર્મનું પાલન દેખ્યામાં આવે છે. અધર્મ હોય ત્યાં ભગવાન રહેતા નથી, ને ભગવાન હોય ત્યાં અધર્મ રહેતો નથી. ધર્મ વગરનો સંપ્રદાય વાડ વિનાના ખેતર જેવો છે. દેખાવા છતાં તે નામમાત્ર રહ્યો હોય છે.109