૧૨. ભક્ત

 

શ્રીહરિએ માતાને ઉપદેશ આપતાં કહ્યું, “ભક્ત બે પ્રકારના છે: સકામ અને નિષ્કામ. લૌકિક પદાર્થની કામનાવાળા સકામ છે, જે ગોલોકાદિ ધામમાં મનવાંછિત ભોગ ભોગવે છે. બીજા નિષ્કામ ભક્ત તો ચાર પ્રકારની મુક્તિને પણ ઇચ્છતા નથી, આણિમા, લઘિમા જેવી અષ્ટ સિદ્ધિઓને પણ ઇચ્છતા નથી. ભક્તવત્સલ ભગવાન નિષ્કામ ભક્ત પર પ્રસન્ન થાય છે. આવા ભક્ત ઉત્તમ છે ને પૂર્ણકામ છે; ભગવાનના હૃદય સમાન છે. તેમનો પ્રેમ દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે છે. ગંગાના પ્રવાહની પેઠે કોઈ અંતરાયનો રોક્યો રોકાતો નથી. દેશકાળાદિ વિઘ્નોથી તેનો પ્રેમ ઘટતો નથી.

“નિષ્કામ ભક્તની ઇન્દ્રિયો અને અંતઃકરણની વૃત્તિઓ સહજે ભગવાનમાં જ વર્તે છે. બીજે તેમને આસક્તિ થતી નથી. જગતનાં અતિ રમણીય પદાર્થોને તે અતિ દુઃખદાયી સમજે છે. ભગવાનના સંબંધ વિનાના પુષ્પહાર કે આભૂષણ તેમને સર્પ જેવા તેમજ દૂષણરૂપ લાગે છે, વળી, ભગવાનના સંબંધથી રહિત ભોગમાત્ર તેમને દુઃખરૂપ થઈ પડે છે.

“અંદર ને બહાર એક ભગવાનની જ સ્મૃતિ તેને રહે છે. તે ક્યારેક નિર્લજ્જપણે કીર્તન ગાય છે. ઊંચે સ્વરે ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે. ભગવાનના મહિમાનું ગાન ને નવધા ભક્તિ વિના તે રહી શકતો નથી. એવા ભક્ત પોતાના ચરણની રજથી જગતને પવિત્ર કરે છે. દેહ મૂકીને આવા ભક્ત અક્ષરધામમાં ભગવાનની સેવાનો આનંદ લે છે. ભગવાન તેને અપાર દિવ્ય સુખ આપે છે.”1

ગોંડલના રાજા હઠીસિંહને શ્રીહરિએ ભક્તનાં લક્ષણ જણાવતાં કહ્યું, “ઉત્તમ ભક્તમાં ચિંતામણિ અને કલ્પવૃક્ષ જેવા અનેક ગુણો સદાય રહેલા છે. કાચનું જેવું પાત્ર તેવો ગુણ તેમાં છવાય છે, તેમ મારા અવતારોના ગુણ છે. તે જેવું પાત્ર તેવો ગુણ તેમાં દેખાયો પરંતુ મોક્ષરૂપી ગુણ કેવળ મારામાં છે, જે ગુણ ક્યારેય ખંડિત થતો નથી, અખંડપણે રહે છે. બીજા રહેલા ગુણોમાં નિર્દોષગુણ અખંડ રહે છે. આ ગુણ એક જ છે, એનાં નામ અનંત થયાં છે.

“ભક્તોના મનોરથ પૂર્ણ કરવા અમારો સહજ સ્વભાવ છે. શાંત સ્વરૂપ, સદા સુખદાયીપણું, પુરુષોત્તમનારાયણ એવું નામ વગેરે મારો ઉત્તમ ભક્ત હોય, તે જાણે છે. એ ભક્ત મને સર્વોત્તમ(સર્વોપરિ) જાણે છે. મારાં જેટલાં ચરિત્રો છે, તેને દિવ્ય ને મોક્ષદાયી માને છે. ઉત્તમ ભક્ત મારા ચરિત્રમાં ક્યારેય પ્રાકૃતબુદ્ધિ લાવતો નથી. દિવ્ય અને અલૌકિક કરીને તેનું ગાન કરે છે. મારી મનુષ્ય જેવી મૂર્તિમાં પણ દિવ્યભાવ રાખે છે. મારી મૂર્તિનો જેને જેને સંબંધ થાય છે તેને પણ તે દિવ્ય ને અલૌકિક માને છે. એવો મહા ઉત્તમ ભક્ત જ અક્ષરધામની પરમગતિ પ્રાપ્ત કરે છે. એવો ઉત્તમ ભક્ત મારા વચનને સર્વોત્તમ ગણી તેનો ક્યારેય લોપ કરતો નથી. મને અંતર્યામી જાણે છે અને છળકપટનો ત્યાગ કરીને મને ભજે છે. મને ભજતો હોય અને છળકપટ રાખતો હોય, તેની સાથે મારે પ્રીત થતી નથી.”2•

ઈંગોરાળામાં શ્રીહરિએ મુક્તમુનિ અને બ્રહ્મમુનિને વાત કરતાં કહ્યું, “શુદ્ધ થયા વગર ભગવાનનો પ્રતાપ જુએ તોપણ ઉત્તાપ રહ્યા કરે. શુદ્ધ થવાનું કારણ ખપ અને વિશ્વાસ છે. ખપ-વિશ્વાસ વગર શુદ્ધ વૈરાગ્ય પ્રગટતો નથી. ચાર પ્રકારનો પ્રલય જાણે તે વૈરાગ્યનું કારણ બને છે. નિત્ય શ્રવણ મનન રાખે અને અભ્યાસ કરે ત્યારે જ્ઞાનનો પ્રકાશ થાય છે. ખોટ રહે છે તે અભ્યાસ કરવામાં આળસ છે તેનાથી તે વૃદ્ધિ પામતો નથી. આ લોકના સુખનો નિત્ય અભ્યાસ છે તો ચિત્તમાં તેનો અભાવ આવતો નથી અને વધુ ને વધુ ઇચ્છા કરે છે. સત્સંગમાં જન આવે અને ધર્મ પ્રમાણે વર્તે અને ભગવાનમાં દૃઢ નિશ્ચય થાય તે અક્ષરધામમાં પહોંચે છે. ધીરજ વિનાનો હોય તે પોતાની મનોકામના પૂરી કરવા અન્ય દેવને ભજવા લાગે છે. અમને અને અન્ય દેવને તે એક કરીને માને છે. સત્સંગમાં રહીને જે અન્ય દેવની આરાધના કરે તેને સકામ ભક્ત જાણવો, તે કદી અક્ષરધામને પામતો નથી.”

‘સત્સંગ મેં રહિ કે જોઉ, અન્ય દેવ આરાધત કોઉ.

સો ન જાવત અક્ષરધામા, એસો ભક્ત સો જાનો સકામા.’

સંતની આજ્ઞા મુજબ વર્તન કરે, યથાશક્તિ કથા-વાર્તા કરે, ધ્યાન-ભજન કરે, સંતને દીન-આધીન રહે, નિર્માનીપણે વર્તે તેને અમે પાકો સત્સંગી જાણીએ છીએ. તે અમારો છે.”3

ઈંગોરાળા ગામે શ્રીહરિ કહે, “જેને અમારો દૃઢ વિશ્વાસ છે, અમારા વિના જે બીજાને સંભારતા નથી તેની ચિંતા અમે કરીએ છીએ, તેની સંભાળ અમે લઈએ છીએ. તેના સુખે સુખી રહીએ છીએ ને તેના દુઃખે દુઃખી થઈએ છીએ.”

‘દૃઢ વિશ્વાસ હમારો જેહી, રહત ચિંતા હમારે તેહી.

હરિજન જાનિ કે હિત હમારે, તેહિ બિન ઓરકું નાહિ સંભારે.

તિનિકે સુખે હમ હેં સુખી, તિનિકે દુઃખે હોત હમ દુઃખી.’4

ઝીંઝાવદરમાં શ્રીહરિએ સ્નાન કરતાં કરતાં વાત કરી, “ભગવાનને સંભાર્યા વિના જે ભક્ત જળ પીએ કે આહાર કરે તે દારૂ પીધા ને માંસ ખાધા બરાબર છે. માટે હરિને સંભારીને ક્રિયા કરવી.”5

કારિયાણીમાં શ્રીહરિ કહે, “જીવના સાચા મિત્ર ભગવાન કાં ભગવાનના ભક્ત એ બે જ છે. તે વિના બીજા સઘળા જીવનું હિત બગાડનારા કુમિત્ર છે. એવા કુમિત્રને મિત્ર ગણી કોઈ તેનો સંગ કરે તો તે પણ કુમિત્ર જેવો થઈ જાય છે. ભક્તનો સંગ મળે ને હરિવિમુખનો સંગ ન મળે તેવો યત્ન કરવો.”6

કુંડળમાં મુક્તમુનિના પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રીહરિ કહે, “મૃત્તિકાના પાત્રની પેઠે જ્ઞાનરૂપ અગ્નિમાં પક્વ થાય ત્યારે હરિજન સાચો. જેમાં જેટલી સહન શક્તિ તેટલું સામર્થ્ય વધારે. જયદેવ, મયૂરધ્વજ અને હરિશ્ચંદ્ર આપતકાળમાં પણ દૃઢ રહ્યા. તમને જે સત્સંગ મળ્યો છે તેવો તેમને નહોતો, છતાં અચલ દૃઢતા રાખી. એવી દૃઢતા થાય ત્યારે પાકો હરિભક્ત કહેવાય.”

‘એસો જન હરિજન કહાવે, તેહિ બિન સબહિ કચ્ચે રહાવે.’ 7

ચૂડાપુરના રાણીના ભવનમાં શ્રીહરિએ થાળ જમ્યા પછી વાત કરતાં કહ્યું, “બળહીન ભક્ત ક્યારેય ભગવાન ભજી ન શકે. તે સત્સંગ કરતો થકો વિમુખ થઈ જાય. મડદાને કોણ સંઘરે? બળહીન ભક્ત મડદા તુલ્ય જાણવો. તેને અડવાથી આભડછેટ લાગે, એટલે દૂર જ રહેવું. સંતો! ગામ ગામ ફરીને સૌને શૂરવીર ભક્ત થવા પ્રેરણા આપવી, વાતો કરવી.”8

લીંબડીના હરિસિંહ નૃપને શ્રીહરિએ કહ્યું, “જેના હૃદયમાં મોક્ષનો અંકુર પ્રગટ્યો હોય તેને મનુષ્ય જાણવો. મોક્ષના ખપ વિનાનો મનુષ્ય પશુ તુલ્ય છે. સુવર્ણ, હીરા, માણેકને દુર્લભ ધન જાણ્યું છે તો તેનું જતન કરીને રાખે છે. તે કરતાં સંતરૂપી ધન અનેકગણું દુર્લભ છે, તેને જતન કરી જાળવવું.”9

ગઢપુરમાં શ્રીહરિએ જીવેન્દ્ર નૃપને કહ્યું, “સારો-નરસો હરિભક્ત વિપત્તિ પડ્યે પરખાય છે. લોક-વ્યવહારની મોટાઈ લોકમાં શોભાડે પણ સત્સંગની મોટાઈ જુદી છે. નિર્માની થઈને સંતને દીન-આધીન રહે તેની સત્સંગમાં મોટપ છે.”10

ગઢપુરમાં જીવા ખાચરના દરબારમાં મુક્તમુનિએ શ્રીહરિને કહ્યું, “રામાનંદ સ્વામીની મરજી આપ જ એક જાણો છો. એટલે અમે આપની મરજીમાં વર્તવાનો દૃઢ નિરધાર કર્યો છે.”

આ સાંભળી શ્રીહરિ કહે, “પોતાનું ધાર્યું કરે ત્યાં સુધી જીવપણું મટતું નથી. ભગવાનનું ધાર્યું કરે ત્યારે તેમાં ભગવાનના જેવા ગુણ આવે છે. ભગવાનના ગુણ જ્યારે આવે ત્યારે તે અતિ પ્રતાપી થાય છે. પ્રકૃતિપુરુષ સુધીના ભોગ તેને હળાહળ ઝેર જેવા દીસે છે. સહજ રીતે દેહ નિભાવવા ગુજરાન કરે, પણ દેહનું જતન ન કરે. સર્વ કરતાં ભગવાનમાં અધિક માલ માને. ભગવાન વિનાનું સુખ મહાભયંકર માને. આવી સમજણવાળો હરિભક્ત મોટો છે.”11

ભુજ આવવા સાથે જોડાનાર હરિભક્તોને શ્રીહરિએ કહ્યું, “હરિભક્તોએ નાતજાતનો ભેદ ભૂલી પરસ્પર એકબીજાના સેવક બનવું. એકબીજાને તુંકારે બોલાવવા નહિ, કોઈને પારકો માનવો નહિ. આ પ્રમાણે અમારું વચન માનીને વર્તે તે બુદ્ધિવાળો છે. બુદ્ધિવાળાને સાચી વાત તરત સમજાય છે. સવળું ગ્રહણ કરે, તેને કોઈ પ્રકારનો ક્લેશ થતો નથી. સવળું ન લે, એ બુદ્ધિવાળો નથી. અવળું લેતો હોય, તેના સંગથી દૂર રહેવું. સત્સંગમાં ધર્મ-નિયમ યુક્ત તથા સંત ઉપર પ્રીતિવાળા, એક મતિવાળા અને સમાધિનિષ્ઠ ઘણાય ભક્તો છે. તેમને કોઈ સિદ્ધિઓ દેખાડે, ધન, પુત્ર કે ગરાસ આપે તથા કામણ-ટૂમણ કરે, મરેલાને જીવતાં કરે, આકાશમાં ચઢે એવા સત્સંગ વિનાના બીજા મનુષ્યો મળે તોપણ તેને વિષે તેમને નિષ્ઠા થતી નથી. અને એવાને તે પાખંડી માને છે.

“દેહમાં ગમે તેવો રોગ આવે તેને પ્રારબ્ધકર્મનું ફળ સમજીને તે મટાડવા માટે દોરા-ધાગા બાંધતા નથી. બે દિવસ વહેલું-મોડું મરવાનું તો છે જ. પુરુષપ્રકૃતિ સુધી કોઈ અમર રહેતું નથી - એમ સમજીને પુત્ર કે સ્ત્રી જીવે-મરે તેનો શોક કરતાં નથી. અમારાથી અધિક કોઈને હિતકારી માનતા નથી.

“હરિનું શરણું લીધું તેને બીજા બીચારા દેવ વગેરે શા કામના છે? ચક્રવર્તીનું શરણ લીધા પછી કંગાલનું શરણ લેવાનો કાંઈ અર્થ નથી. જેમનો પાકો સત્સંગ હોય છે તેમાં કોઈ ભૂત, પ્રેત કે પાખંડી પ્રવેશ કરી શકતા નથી.

“નાસ્તિકને ઈશ્વરનો ડર નથી. ભગવાન કે ભગવાનના સંત પ્રગટ મળે છે ત્યારે જીવની બુદ્ધિ આસ્તિક થાય છે. આસ્તિક થયા વિના મોક્ષ થાય નહિ. નાસ્તિક, શુષ્કવેદાંતી, ફૂડાપંથી, શક્તિપંથી અને અસુર - પાંચે એક નાતના છે. અમારા સત્સંગીઓએ તેનો સંગ ન કરવો.”12

સુખપુરમાં રાવત ધાધલના ભવનમાં શ્રીહરિએ રાજાને કહ્યું, “ધારેલી ટેક, ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી મૂકે નહિ, વિષમ દેશકાળે પણ તેમાં ફેર ન પડે, મનનું ધાર્યું ક્યારેય ન કરે, જેમ પતાકા પવનની દિશામાં વળે છે, તેમ ઘડી ઘડીએ પોતાના મનને સંત કહે તેમ વાળે તેને સર્વે હરિભક્તોમાં મોટેરો જાણવો.”13

ટિકરેપુરના વસ્તા સુથારને કાશી જવાની ઇચ્છા હતી. શ્રીહરિએ તેમના મનનો સંકલ્પ જાણીને કહ્યું, “જેને ભગવાન અને ભગવાનના ભક્તનો યોગ થયો છે તેને ગોકુલ, મથુરા, અયોધ્યા, કાશી, જગન્નાથ, બદરીનાથ, મુક્તનાથ, દ્વારકા વગેરે બધાં તીર્થ તેમાં આવી ગયાં. લોકો તીર્થ કરવા જાય છે એ બધાં તીર્થ આજે તમારા ઘરે આવ્યાં છે. આ અમારું વચન નહિ માનો તો ફરી ઘર આંગણે પાછા નહિ આવો.” આ સાંભળી વસ્તા સુથારને તીર્થ કરવા જવાનો ઘાટ ટળી ગયો.14•

જેતપુરમાં શ્રીહરિ કહે, “ગરીબનો અપરાધ કદાચ મારાથી જો થઈ જાય તો મને અતિ દુઃખ થાય છે, તો બીજાની શી વાત! એક તો બીજાના કટુ વચન સહન કરીને ચાલતો એવો ભગવાનનો ભક્ત હોય, બીજો એ કે જેનો દેહ પરવશ હોય, જે અતિ બાળક હોય ને જે અતિવૃદ્ધ હોય તે ચારેને ગરીબ જાણવા.”15

સાચા હરિજનની પરખ એ છે કે તેને ભગવાન વિના બીજો ઘાટ ન થતો હોય. સત્ય વાત કરે ને સત્ય વાતનો આદર રાખે, વર્તનનું અભિમાન ન હોય તેને શ્રેષ્ઠ હરિજન જાણવો. વળી, અપમાન કરનારા સામે વેર ન બાંધે, વેર કરે તેટલો કુસંગ જાણવો. ભગવાનનાં વચન મુજબ વર્તે એ હરિભક્તનું મુખ્ય લક્ષણ છે. ભગવાનની આજ્ઞા પાળવામાં લોક પ્રસન્ન થાય કે કુરાજી થાય, ભક્ત તે મનમાં લેતો નથી. મનમાં ભગવાનનાં વચન દૃઢ રાખીને એમ ઇચ્છે છે કે ભગવાનની પ્રસન્નતામાં બધાની પ્રસન્નતા સમાઈ છે. સાચો ભક્ત જીવમાંથી બધાનું હિત ઇચ્છે, પણ બૂરું ન ઇચ્છે. કોઈનું બૂરું થાય તેવું વચન ભૂલથી પણ ન કહે. પોતાના ભજનમાં કોઈ વિક્ષેપ કરે તોપણ તેને સહન કરી લે. સહન કરવા જેવી બીજી કોઈ મોટપ નથી.”16

ગઢપુરમાં શ્રીહરિ જીવાખાચરને કહે, “સંસારી બુદ્ધિ અંધકાર છે. જેને સંસારી બુદ્ધિ છે તેને અજ્ઞાનરૂપી વિકાર ટળતા નથી. જ્યાં સુધી અજ્ઞાન વિકાર છે, ત્યાં સુધી સત્સંગમાં ગુણ-દોષ પરઠ્યા કરે છે. ગુણદોષ પરઠે છે ત્યાં સુધી તેને શાંતિ પ્રાપ્ત થતી નથી. જેમ સુદ પક્ષમાં અજવાળું ને વદ પક્ષમાં અંધારું રહે છે, તેમ સંસારી મતિ વદ પક્ષ છે. અમાયિકમતિ સુદ પક્ષ છે. સત્સંગનો ચંદ્ર હૃદયમાં અજવાળું પાથરતો રહે ત્યાં સુધી ભક્તના હૃદયમાં શાંતિ વરતે, પણ કુસંગરૂપી અંધારાનો યોગ થતાં જ તેની શાંતિ હણાઈ જાય છે ને વિક્ષેપ પેદા થાય છે. સંસારના સુખમાં જેવી રુચિ છે તેવી રુચિ સત્સંગમાં થાય તેને હૃદયે સદા શાંતિ રહે છે.”17•

ભૂજમાં શ્રીહરિએ કહ્યું, “સત્સંગને અર્થે જ બધું કરી રાખે અને સત્સંગમાં જે લેવું દેવું તે સ્વાર્થને માટે ન કરતા હોય, એવા ભક્ત ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. સ્વાર્થ માટે સત્સંગમાં લેવા-દેવાનો વહેવાર કરે છે તે પરસ્પર લડીને સંત-હરિજનનો અવગુણ લઈને કુસંગી થઈ જાય છે. જેને કલ્યાણ વિના બીજો સ્વાર્થ નથી તે દિવસે દિવસે સત્સંગમાં વધે છે. સત્સંગથી કુસંગનો દોષ ઓળખાય છે. કુસંગનો ગુણ રહે ત્યાં સુધી સત્સંગની દૃઢતા ગણાય જ નહિ.”18

ભુજના ભક્તોએ કહ્યું, “પ્રભુ! અહીં અન્નકૂટ કરો. ખર્ચ થશે તે બધા સત્સંગી મળીને સરખે ભાગે ઉપાડી લઈશું.” ત્યારે શ્રીહરિ કહે, “અમને એવી રીત ગમતી નથી, કારણ કે કોઈક ગરીબ હરિજન મહા મુશ્કેલીએ નિર્વાહ કરતો હોય તેને પણ ખર્ચમાં બરોબર ગણો ત્યારે એને સત્સંગ રહે નહિ, સત્સંગ વધારવા માટે તો અમે ઉત્સવ કરીએ છીએ. આ તો ધનાઢ્યનું કામ છે.

“નિર્ધન ભક્ત તો જેવી શ્રદ્ધા હોય તેવી શરીરથી સેવા કરે. હુકમ કરીને સેવા કરાવવાની સત્સંગની રીત નહિ. નિર્ધનનો સત્સંગ ટકે એવી બરદાસ રાખવી જોઈએ. એક જણને સત્સંગ કરાવે તેને કેટલુંય પુણ્ય છે તે ભૂલવું ન જોઈએ. નિર્ધનની મરજી ન હોય તે કામ તેને કહેવું નહિ. જેમ તેમ કરીને તેને નભાવવો. જ્યારે સત્સંગ નિમિત્તે ખર્ચ કરવું હોય, ત્યારે ધનાઢ્ય હરિભક્તોએ જ માથે લેવું. સત્સંગ નિમિત્તે ખર્ચ કરે તે મુખ્ય હરિભક્ત ગણાય. અને તે જ ખરો ધનાઢ્ય છે. ધનાઢ્ય હરિભક્ત થઈને સત્સંગ નિમિત્તે જાણવા છતાં ખર્ચ ન કરે તેનાથી સત્સંગની શોભા નથી.”19•

ભુજમાં શ્રીહરિ બોલ્યા, “હરિભક્તે કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને સત્સંગની અદલ રીતથી ચાલવું. સત્સંગીનો શુદ્ધ ધર્મ જોઈ કરોડો પ્રતિષ્ઠિત લોકો પોતાના પુત્ર કરતાં વધુ વિશ્વાસ કરે છે. શુદ્ધ સંતના સેવનથી શુદ્ધ મતિ થાય છે. કેટલાક સત્સંગી ઠગ થઈને સંતોને ઠગે છે. કુસંગી કુસંગીનો વિશ્વાસ ન રાખે. મિત્ર મિત્રમાં પણ ધન અને નારીના સંબંધમાં વિશ્વાસ રાખનારા થોડા હોય, પરંતુ તે સૌ સત્સંગીઓનો વિશ્વાસ કરે છે. ધર્મથી સત્સંગીની મોટાઈ છે.”20

ગઢપુરમાં શ્રીહરિ કહે, “અમે વઢીએ અને મૂંઝાય નહિ તો તેના પર અમારે અધિક પ્રીત થાય છે, પણ એવા હરિભક્ત ઘરે ઘરે હોય નહિ. તેવા પાકા હરિભક્તને અમે પારખી લઈએ છીએ.

“ભગવાન અને ભગવાનના ભક્ત વિના આ જગતમાં બીજી કોઈ સાર વસ્તુ નથી. ભગવાન ને ભક્ત વિનાનું બધું મલિન છે. તે સત્સંગ કરીને જાણવું.”

‘હરિ-હરિજન વિન, જગ મેં નહિ હેં સાર કોઈ.

તા વિન સબહિ મલિન, સત્સંગ કરિ જાનના તેહિ.’21

કરિયાણામાં ઓઢા ખાચરના ભવનમાં શ્રીહરિ કહે, “જેને જીવનો સત્સંગ છે, તે તરત દેખ્યામાં આવે છે. સત્સંગ તો મહા સૂર્ય જેવો છે તે વર્તનમાં જ દેખાડી દે. સત્સંગના નિયમોનો જે સત્કાર કરે તે દિન દિન પ્રત્યે સરસ ભક્ત થતો જાય છે. નિયમ વિનાની વાત સરસ હોય તોપણ ક્યારેક ઘાત કરી દે છે. તે પાછળથી ખબર પડે છે. સત્સંગમાં નિયમ વિનાની એકેય વાત નથી.”22

શ્રીહરિએ ભુજ નગરના હરિભક્તોને કહ્યું, “મન તો ભૂત જેવું છે, ગુણને વશ વર્તે છે. હરિભક્તે તો તન, મન ભગવાનને અર્પણ કરીને હરિને અધીન વર્તવું. મનનો એવો સ્વભાવ છે કે કોટિ ચરિત્ર દેખાડે. સત્સંગ જે દિવસથી થયો છે ત્યારથી હરિભક્તને દિવ્યાકાર પ્રાપ્ત થયો છે. પણ દેહનો સંગ જ્યાં સુધી છે ત્યાં સુધી ગુણની ભ્રાંતિમાં સત્યતા દેખાય છે. જેમ બળેલી દોરડી હોય તે સત્ય જેવી દેખાય તેમ હરિ અને સત્સંગ અમાયિક છે. ભગવાનનો પ્રતાપ દેખીને માયા સદા આધીન રહે છે. જે ભગવાનને શરણે થયા છે તેને માયાનું લેખું નથી, બીજાને તો માયા પરાભવ કરે છે, કારણ કે સત્સંગી તો કોઈ પ્રકારે અનીતિમાં ચાલતો નથી. તેને મન શું કરનારું છે? કાળ, કર્મ, માયા, જમદૂત તે પણ તેને સ્પર્શ કરી શકતાં નથી. તેને તો ભગવાન એ જ સર્વસ્વ છે. પ્રગટ હરિના સંત છે, તે પણ નિયમમાં વર્તી સત્સંગના આશ્રિત જનોનું પોષણ કરે છે. પોષણ વિના તો બ્રહ્મા જેવો હોય તોપણ મનનું ભાવ્યું કરવાં લાગે. પોષણ વિના નિયમ નિષ્ઠા રહે નહિ તે પ્રગટ દેખ્યામાં આવે છે.”23

મૂળીલા ગામમાં સંતોએ કીર્તન ગાયાં, ત્યાં સુધી ગ્રામજનો બેઠાં. પછી શ્રીહરિએ વાત કરવાનો આરંભ કર્યો, ત્યારે સૌ ઊઠી ઊઠીને ચાલતાં થયાં. એટલે શ્રીહરિ સંતોને વાત કરવા લાગ્યા, “તમારાં ભાગ્યનો પાર નથી. આવો સર્વોપરી સત્સંગ અલ્પ પુણ્યવાળાને મળતો નથી. સર્વોપરી સુખના લોભી હોય તે સત્સંગ કરે છે. ઊલટી સમજણ હોય ત્યાં સુધી સત્સંગ ગમે નહિ. પ્રહ્‌લાદ અને પ્રિયવ્રત જેવાની સમજણ ગ્રહણ કરવી. પિતાએ બહુ સમજાવ્યો તથા ડરાવ્યો તો પણ પ્રહ્‌લાદે સત્સંગ વિના બીજામાં સાર માન્યો નહિ, દેહ સુધીનું મમત્વ છોડી દીધું અને ભગવાનને માટે દુઃખ સહન કર્યાં. ભગવાન માટે નાક-કાન કપાય કે ગધેડે બેસવું પડે તેને પણ મંગળકાર્ય જાણ્યું. સંતો-હરિભક્તોએ એવી સમજણ રાખવી.”24

શ્રીહરિએ પત્રમાં લખાવ્યું કે, “ભગવાનનું શરણ જેમણે નથી લીધું તેનો જન્મ વૃથા છે. શરણું ગ્રહણ કરનાર હરિભક્તને અમે દેવથી અધિક માનીએ છીએ. અમે આપેલ નિયમ મુજબ વર્તે તે ભક્ત સર્વોપરી થઈ જાય છે.”25

શ્રીહરિએ અક્ષરધામને ન પામે એવા ભક્તની વાત પત્રમાં કરતાં કહ્યું, “ભગવાનની પ્રતિમાની નવ પ્રકારની ભક્તિ પ્રત્યક્ષભાવ લાવીને ગદ્‌ગદકંઠ થઈને નિત્ય કરે, ચતુર્ભુજ મૂર્તિને હૃદયમાં ધારીને નિત્ય માનસી કરે, જેમાં મૂર્તિને પોતાના હૃદયમાં બોલતી-ચાલતી દેખે, એવા ભક્તો મરીને ગોલોકમાં જાય છે. ‘ગોલોક પામે ધામ હિ, કછુ સંદેહ ન એહ.’ એવા ભક્તને પરોક્ષ ભગવાનની મૂર્તિમાં અતિ હેત હોવાથી તેને તેવી પ્રાપ્તિ કહી છે. તે ભક્તો અક્ષરધામ સિવાય જેવા ધામને ઇચ્છે તેવા ધામને પામે છે, પણ અક્ષરધામને પામતા નથી.”

‘જેસે ધામકિ ઇચ્છા તાહિ, અક્ષર વિન પાવત રહાહિ.’26

પછી શ્રીહરિ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એમ ત્રણ પ્રકારના ભક્તોની વાત પત્રમાં કરવા લાગ્યા. પ્રથમ ઉત્તમ ભક્તની ઓળખ આપતાં કહ્યું, “અપાર બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનાં કાર્યમાં જુદા જુદા અવતારો થયા છે. તેના ભક્તો પણ અપાર થયા છે, પરંતુ જીવનું કલ્યાણ કરવા જ્યારે ભગવાન પુરુષોત્તમ પ્રગટ થાય છે અને ચરિત્રો કરે છે, તેનાં કીર્તન, ધ્યાનમાં સર્વોપરિ રસ રહ્યો હોય છે. એ સાક્ષાત્કાર પ્રગટ ભગવાનનું ભજન કરનારા હરિજન ઉપર અમને બહુ હેત છે. એ ભક્તો ભગવાનની ક્રિયામાત્રને કલ્યાણરૂપ દેખે છે અને હિતકારી માને છે, ભગવાનને અનંત જીવોના જન્મ અને કર્મના ટાળનારા માને છે. પોતાના દેહને મિથ્યા તેમજ પોતાના આત્માને સત્ય માનીને તથા ભગવાનને નિર્દોષ અને અસંગી માનીને આત્મારૂપ થઈ પ્રગટ ભગવાનનું ભજન કરે છે. એ ભક્તો ઉત્તમ છે ને અક્ષરધામમાં ભગવાનનું અખંડ સુખ લે છે.”27

શ્રીહરિએ મધ્યમ ભક્તની વાત પત્રમાં કરતાં કહ્યું, “જે ભક્તને ભગવાનની મૂર્તિ ધારતાં ધન-ત્રિયાદિક વિષયમાં વૃત્તિ જાય ત્યારે મનમાં દાઝ થાય અને ધ્યાન છોડે નહીં. વળી, ઘાટ સંકલ્પને ખોટા કરતો રહે. શ્રીકૃષ્ણમાં ગોપી જેવું અસાધારણ હેત હોય પણ કોઈ પ્રકારનો આત્મા-અનાત્માનો વિવેક હોય નહીં. તેને દેહ મૂક્યા પછી ગોલોકની પ્રાપ્તિ થાય છે.”

‘આત્મા-અનાત્મા કે વિવેકા, કછુ જન જો જાનત નહિ છેકા.

મૂવે પિછે ભક્તજનહિ તાકું, ગોલોક કી પ્રાપ્તિ હોત વાકું.’28•

ફરી શ્રીહરિએ પત્રમાં ઉત્તમ ભક્તની વાત કરતાં કહ્યું, “ઉત્તમ ભક્ત પિંડ-બ્રહ્માંડને મિથ્યા સમજી ભગવાનને ભાવથી ભજે છે. મનુષ્યરૂપે પ્રગટ થયેલા પરબ્રહ્મ પુરુષોત્તમ પરમાત્મા શ્રીહરિને જેવા ધામમાં છે તેવા જ અહીં સમજે, નિર્ગુણ અને દિવ્ય સમજે, એમનાં ચરિત્રો, ક્રિયા કલ્યાણકારી સમજે. ભગવાનમાં અસાધારણ સ્નેહથી દેહભાવ ભૂલી ઉન્મત્તપણે જોડાઈ જાય, વૃત્તિમાં મૂર્તિ ચોંટાડી દે. વૃત્તિને મંદિર બનાવી તેમાં મૂર્તિ પધરાવી દે. તેને લૌકિક અહંકાર ન હોય, પણ પોતાને બ્રહ્મસ્વરૂપપણાનો અહંકાર હોય. આવા ભક્તને ઉત્તમ ભક્ત જાણવો. એવો ભક્ત દેહ મૂકે છે ત્યારે ગોલોકથી પર એવા અક્ષરધામને પામે છે.”

‘આવત હે અહંકાર હિ એસા, મેં હું બ્રહ્મસ્વરૂપ એસા.

ગોલોક સે પર અક્ષરધામા, એસે ભક્ત રહત તેહિ ઠામા.’29

શ્રીહરિએ કનિષ્ઠ ભક્તની વાત પત્રમાં લખતાં કહ્યું, “કનિષ્ઠ ભક્ત ભક્તિ ગૌણપણે કરે અને તેને જગતનું પ્રધાનપણું અધિક રહે. ભગવાનનો નિશ્ચય હોય, પણ દેહાત્મબુદ્ધિ સહિત હોય. સંતમાં ચિત્ત ઠરે પણ જગતમાં આસક્તિ રહે. સંતની સેવા કરવામાં ઉત્સાહ હોય, પણ એ ભક્તને જેવી પરોક્ષમાં પ્રતીતિ છે, તેવી પ્રગટમાં થતી નથી. મૂર્તિ ન દેખે તો ગદ્‌ગદકંઠ થઈ જાય, ભગવાન પ્રગટ બિરાજતા હોય ત્યારે તે દર્શન મૂકીને ધ્યાનમાં બેસી પરોક્ષનું ચિંતવન કરે. તેવા ભક્તને પરોક્ષ ભક્ત સાથે જેવી સુવાણ થાય છે, તેવી પ્રગટના ભક્ત સાથે થતી નથી. હેત પણ થતું નથી અને પરોક્ષના જેવું માહાત્મ્ય પણ પ્રગટના ભક્તનું જાણતો નથી. તેની રુચિ મુજબ ભગવાન તેને પ્રાપ્તિ કરાવે છે ને વૈકુંઠલોકમાં વસાવે છે.”

‘પ્રોક્ષ ભક્ત કું હિત રહે જેસા, પ્રત્યક્ષ ભક્ત કું હિત નહિ તેસા.

પ્રોક્ષ જેસે માહાત્મ્ય ન રહાયે, તેહિકર વૈકુંઠ તામે વસાય.’30

ફરી ઉત્તમ ભક્તની ઓળખ આપતાં શ્રીહરિ પત્રમાં કહે, “ભગવાન વિના જેને કોઈ ઇચ્છા નથી તેને ઉત્તમ ભક્ત જાણવો. એવો ભક્ત અક્ષરધામને પામે છે અને ભગવાનનું સુખ લે છે. જેને પરબ્રહ્મ પુરુષોત્તમ પરમાત્માનો સત્સંગ-સંબંધ થયો છે એવો ભક્ત પોતાના આત્મસ્વરૂપને બ્રહ્મ (અક્ષરબ્રહ્મ) માને છે. પોતાને બ્રહ્મ માની ભગવાન(પરબ્રહ્મ)ની સેવા કરે છે. એ સેવા જેવી બીજી કોઈ પ્રાપ્તિ તે માનતો નથી.”31•

શ્રીહરિએ ત્રણ પ્રકારના ભક્તોની વાત પત્રમાં કર્યા પછી કહ્યું કે, “ભગવાનની સેવાને જે ભક્ત પ્રવૃત્તિ કહે છે એવા ભક્તને ભગવાન બદરિકાશ્રમ કે શ્વેતદ્વીપમાં રાખે છે.”32

ગઢપુરમાં શ્રીહરિએ હરિજનો પ્રત્યે વાત કરતાં કહ્યું, “પાકા સત્સંગીની ઓળખાણ એ છે કે સુખદુઃખમાં એક રંગ રહે. સત્સંગ વિનાનું ગમે તેવું સુખ હોય તેને નકામું માને. સત્સંગથી વિમુખ કરાવે એવી રિદ્ધિ-સિદ્ધિનો ત્યાગ કરે. દેહમાં દુઃખ આવે તોપણ સત્સંગ મોળો ન પડે.

“સત્સંગ થતાં પુત્ર કે ધનનો નાશ થાય કે માતા-પિતા દ્વેષ કરે, ઘર બળી જાય, કુળ-કુટુંબ રૂઠે તોપણ સત્સંગ મોળો ન પડે, પણ સત્સંગમાં વિરોધ કરનારાઓને તૃણ સમાન ગણે. સત્સંગ કરતાં ગુરુ કોપે, દીર્ઘ રોગ થાય, મૃત્યુ થાય - એમ ગમે તેવું વિઘ્ન આવે તોપણ સત્સંગની દૃઢતા ઘટે નહિ. તે હરિભક્ત સત્સંગિ-શિરોમણિ અને શૂરવીર છે. તેની વાત સાંભળીને પણ બીજા ભક્તો શૂરવીર બને છે. વિપત્તિમાં પણ પાકો સત્સંગ રાખે તે ભક્ત હરિશ્ચંદ્ર અને પ્રહ્‌લાદની પેઠે વિખ્યાત થાય છે. સત્સંગને માટે દુઃખ સહે તેને ભગવાન સર્વોપરી સુખ આપે છે.”33

શ્રીહરિએ બાપુભાઈના દરબારમાં મછિયાવમાં વાત કરતાં કહ્યું, “ત્યાગી અને ગૃહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઇચ્છવું. જે હરિભક્તનું હિત ઇચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારેય વેર ન કરવું. હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈએ છીએ. અન્ન, વસ્ત્ર, સન્માન તથા દેહસુખને માટે અમને ક્યારેય ઉદાસી થતી નથી. આ અમારી પ્રકૃતિ છે.”34

ગઢપુરમાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “જે હરિભક્તને મોક્ષનો ખપ જાગે છે ત્યારે અંતરમાં સદ્‌બુદ્ધિ પ્રગટ થાય છે. એક એક સંતમાં ગુરુબુદ્ધિ વર્તવા લાગે છે. જે સાધુને અન્ય સાધુમાં ગુરુબુદ્ધિ જાગે તો તેને પરમ ભાગવત જાણવા.”35

ગઢપુરમાં શ્રીહરિ કહે, “જે અપમાન થવા છતાં ક્ષોભ પામતા નથી એવા સંતો-હરિભક્તો અમારાં સગાંવહાલાં છે. તે વિનાના બીજા ભેગા રહેતા હોય તોપણ આનંદ થાય નહિ. ધર્મેયુક્ત ભક્તિ જેનામાં હોય તેને અમે વશ વર્તીએ છીએ.”36

શ્રીહરિએ ગઢપુરમાં વાત કરતાં કહ્યું, “જે હરિભક્તો સત્સંગને પોતાનો માને છે તે અમારા માટે, સંતો માટે કે મંદિરને માટે ફાવે તેટલું કરવું પડે તો પણ મનમાં કઠણ માનતા નથી. સમજણમાં ફેર તેટલું જ કઠણ પડે છે.”37

શ્રીહરિ કહેતા, “ભગવાન અને ભગવાનનું અક્ષરધામ એ વિના અનંત બ્રહ્માંડોના અપાર વૈભવ પણ વિઘ્નકર્તા છે ને કાળનું ભક્ષણ છે એમ જાણીને સત્સંગ કરે તેને સત્સંગી કહેવાય.”38

*

પરિશિષ્ટ

શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:

અતિ દૃઢ હરિભક્તની પરખ કઈ? જેને ભગવાન અને ભગવાનના સંતમાં અપાર હેત હોય, તેનાં દર્શન-સમાગમ વિના તેનાથી રહેવાય નહિ, સંતનો સંગ નિરંતર રાખે, સંત વિના એક દિવસ પણ રહી ન શકે. સંતની પ્રસાદી નિત્ય ઝંખે, મન, કર્મ, વચનથી સંતની સેવામાં જોડાયેલો રહે. ભગવાનની કથા-વાર્તા, ચરિત્રનું શ્રવણ કરે, તે વિના બીજી વાત ન કરે. સત્સંગ કરવામાં કોઈની પરવા રાખે નહિ. આવો હરિભક્ત ગુણે કરીને સરલચિત્ત અને નિષ્પાપ કર્મ કરનારો હોય, કપટ, કુટિલતાનો જેમાં લેશ પણ ન હોય, આવા હરિભક્ત પર ભગવાન અતિશય હેત રાખે છે અને માની જનથી દૂર રહે છે.39

ભગવાન અને ભગવાનના ભક્ત દર્પણ સમાન છે. હરિ-હરિજન મેં જૈસો ભાવા, તેંસો હોત હૈ આપ સ્વભાવા. હરિ અને હરિજનમાં જેવો ભાવ રાખે તેવો પોતે થાય છે. દર્પણ તો જેવું મુખ હોય તેવું બતાવે. ઘી-સાકર તુલ્ય કોઈ મેવો નથી, પણ તે જ્વરવાળાને ઝેર સમાન લાગે છે.40

ભગવાનની મરજીને રતીભાર પણ ન લોપે તે સાચો શરણાગત કહેવાય. જે મરજી લોપીને વર્તે છે તેને કુમાર્ગનું ફળ મળે છે.41

જેને ભગવાનના વચનપાલનમાં પ્રીતિ છે તેવા ભક્તને હરિનું સ્વરૂપ જાણવા. શ્રીહરિ એવા ભક્તના ચિત્તમાં અખંડ વસે છે. વચનમાં વર્તે તે નિર્બંધ છે. એ સનાતન મુક્ત છે. એવું જીવથી વર્તી શકાય નહિ.42

ભક્ત હોય તે સંગ ઓળખે. જેને પંચવિષયમાં આસક્તિ હોય તેવો સંગ તે કદી ન કરે. સહજ સ્વભાવે દેહનિર્વાહ થાય તેટલું સર્જન કરે. ભગવાનમાં જ તે અથાહ ને નિર્ભય સુખ માને, અનંત ધામોનું સુખ ભગવાનના સુખથી તુચ્છ માને, પાત્ર જોઈ એ સુખને વહેંચતો રહે, પાતાળથી પ્રકૃતિપુરુષ સુધી કોઈ સુખમાં કદી ન બંધાય. આત્મલાભ અને ભગવાનની મૂર્તિના સુખનો વિચાર કરે, બીજાં ધામનાં સુખ ભગવાનના સુખની પાશંગમાં પણ નથી આવતાં એવું જે માને તે સાચા ભગવાનના ભક્ત છે.43

ભગવાનનાં ચરિત્ર ભક્તને અમૃત સમાન લાગે છે. દરેક ચરિત્ર તે કલ્યાણકારી માને છે. ભક્ત હોય તે કદી પરમાત્મામાં દોષબુદ્ધિ ન કરે. તેની સદા એકમતિ રહે. તેને એક હરિમાં જ અનુરાગ હોય, સર્વ સારનો સાર હરિની મૂર્તિ છે. સુખમાત્ર તેમાં માને. એક શ્રીહરિને પૂજવાથી દેવમાત્ર પૂજાય તેમ દૃઢપણે સમજે. આવી મતિ શ્રીહરિમાં જે જન કરે છે તેને કોઈ માન આપે કે અપમાન કરે - તેની સામે તે દૃષ્ટિ પણ કરતો નથી. જેટલું કંઈ માયિક સુખ છે તેને તીવ્ર વિષ તુલ્ય ગણે છે.44

શ્રીહરિને મન કોઈ ભક્ત દૂર નથી. ભક્તના મનમાં એવું દૂરપણું લાગે છે. જો ભક્ત શ્રીહરિને પાસે જાણે તો શ્રીહરિ તેની પાસે દર્શાય છે. જો ભક્ત શ્રીહરિને મનની વૃત્તિમાં ધારે, તો શ્રીહરિ વૃત્તિમાં દર્શાય છે. આત્મરૂપ થઈને ધારે તો આત્મામાં દર્શાય છે અને આંખો સામે તો મૂર્તિમાન દર્શાય છે.45

સત્સંગ થતાં પહેલાં તો જીવ માયાના ત્રણ ગુણથી આવૃત્ત હતો. તે સત્સંગમાં આવ્યો ત્યારે તેના ત્રણ પ્રકારનાં કર્મ છૂટી ગયાં અને ગુણાતીત બન્યો. અને હરિભક્ત કહેવાયો. હવે તન, મન, ધનથી જે કંઈ કરે તે ભગવાનના સંબંધવાળું જ હોય - અર્થાત્ તેણે તન, મન, ધન ભગવાનને અર્પણ કર્યાં કહેવાય. એટલે અંબરીષ, બલિ, પ્રહ્‌લાદ, પ્રિયવ્રત, જનકની જેમ એ પણ આત્મનિવેદી થયો. એટલે તેણે તને, મને, ધને કરીને ભગવાન કહે તેમજ કરવું જોઈએ.46

હરિભક્તો પરસ્પર ઈર્ષ્યા નહિ રાખીને એકબીજાને ધર્મ પાળતા જોઈને આનંદ પામે ને એકબીજાનાં વખાણ કરે તથા પરસ્પર વિશ્વાસ રાખે. અંતરમાં કોઈ ઘાત રાખે નહિ. લોભવશ થઈ કોઈ તેવી ઘાત રાખે તો તે ફાવે તેવી સેવા કરતો હોય તોપણ તેને સત્સંગી ગણે નહિ. અને પ્રાયશ્ચિત્ત કરે તોપણ તેની પૂરી પ્રતીતિ રાખે નહિ, એકવાર ધર્મ ત્યાગ કરે તેનો સંગ પણ કોઈ હરિભક્ત રાખે નહિ. આવી સત્સંગની દૃઢ પ્રથા છે.47

જીવન પર્યંત સંતનો સમાગમ કરવો ને મનનું ધાર્યું કરવું નહિ તે ઉત્કૃષ્ટ સમાધિ છે. દૃઢ સત્સંગ થયો તે ડગે નહિ. મોટાં મોટાં વૃક્ષ હોય પણ તે વાયુની ઝડી લાગે ત્યારે ડગે છે, પણ નાનો પર્વત હોય તો તેનાં મૂળ ક્યારેય ડગતાં નથી. તેને ઊધઈ અને અગ્નિનો પણ ભય નથી. માટે વિપરીત દેશકાળમાં પણ જેનો સત્સંગ અડગ હોય અને તે સમાધિહીન હોય પણ પાકો છે. અને સમાધિવાળો હોય અને તેને દેશકાળ લાગે તો તે કાચા બાળક જેવો છે. બાળકને બોરમાં રસ મનાય છે, તેને ચિંતામણિ હાથમાં આવે તો ફેંકી દે. તેમ સત્સંગરૂપી ચિંતામણિનો મહિમા જેને બાળબુદ્ધિ ન હોય તેને જ સમજાય છે. બીજાને તો સમાધિ હોય તેટલી જ વાર આશ્ચર્ય રહે છે અને પછી દેહાકાર થઈ જાય છે અને આશ્ચર્યમાં ભૂલી જાય છે.

ગોપ-ગોપીઓને ભગવાન આશ્ચર્ય દેખાડતા પણ તે ભૂલી જતાં, નારદજી ભૂલ્યા નહિ. ઉદ્ધવને પણ એવું જ્ઞાન હતું. તે પ્રતાપ દેખાય કે ન દેખાય અપાર મહિમા સમજતા. અક્રૂર સમાધિનિષ્ઠ હતા પણ દેશકાળથી મતિમાં મોહ થયો અને સમાધિ કામ આવી નહિ. માટે નિષ્કામ ભક્ત થવું એ સૌથી કઠણ છે.48

શૂરવીરતા સમય ઉપર જણાઈ આવે. સૌ હરિભક્તની સમજણ એક હોય નહિ. દેશકાળે કરીને હરિભક્તોનાં વર્તન એક સરખાં રહે નહિ. શૂરવીર કાયર થાય અને કાયર શૂરવીર થઈ જાય, પણ ભક્તપણામાં જે માન તે ભગવાનને ગમતું નથી.49

વિપત્તિરૂપી કસોટી વિના ભક્ત ઓળખાય નહિ. પ્રહ્‌લાદ, બલિ, ધ્રુવ, મયૂરધ્વજ, હરિશ્ચંદ્ર, દધીચિ, રામ, સીતા, લક્ષ્મણ, પાંડવ, કુંતા, દ્રૌપદી, ગોપ, ગોપી, નંદ, જશોદા, વસુદેવ, દેવકી તથા વિદુરજી વગેરેએ અતિકષ્ટ પામવા છતાં સત્સંગનો પક્ષ રાખ્યો. જ્યાં અનંત સુખનો લોભ હોય, ત્યાં પ્રથમ દુઃખ તો આવે જ. માટી કે ધાતુના ઘાટ બનાવે તથા અનંત જાતનાં પકવાન કરાવે તે અગ્નિની કસોટીમાં પસાર થાય ત્યારે જ સિદ્ધ થાય છે.

ભક્તને જે કષ્ટ આવે છે તે ભગવાનથી અજાણ્યાં નથી. ભક્ત જેટલું સહન કરે છે તેથી કરોડગણું સુખ ભગવાન પ્રસન્ન થઈ તેને આપે છે. પછીથી કાંઈ વિઘ્ન ન રહે. ભગવાનનો આવો નિશ્ચય જેને હોય તે દિવસે દિવસે વૃદ્ધિ પામે અને કોટિ વિઘ્ને પણ પાછો હઠે નહિ.50

સોરઠનાં જેટલાં બાઈ-ભાઈઓ હતાં તે સૌ સત્સંગના સ્તંભ જેવાં હતાં, પણ કોઈના કળ્યામાં આવતાં નહિ. શ્રીહરિનાં વચન પ્રમાણે વર્તતાં. સંસારમાં હાણ-વૃદ્ધિ થાય તેનો હર્ષ-શોક રાખતાં નહિ, પણ ઘરમાં મહેમાન થઈને રહેતાં. જેથી કોઈનું મરણ થતાં વિયોગનું દુઃખ થતું નહિ. અને ધ્યાન-ધારણાનો અભ્યાસ રાખતાં જેથી ગૃહસ્થાશ્રમી હોવા છતાં જોગી જેવાં હતાં. કોઈ મારે કે ગાળ દે તો મોઢેથી વચન બોલતાં નહિ. તથા કોઈની સાથે વિરોધ કે વૈર થાય તેવી ક્રિયા કરતા નહિ. ખાવા-પીવા માટે ક્લેશ કરતા નહિ. સત્સંગને માટે તન, મન, ધન કોઈ પણ કામ ન લાગે તેને કુસંગ સમજતા. પશુ, વાહન, ખેતી, આ બધું સત્સંગના કામમાં ન આવે તો તેને ભોગવતા નહિ. વસ્ત્ર, ભોજન, આભૂષણ આદિ પણ સત્સંગમાં કામ ન લાગે તો વાપરતા નહિ. એવા હરિભક્તોનાં દર્શન કરવા શ્રીહરિએ બીજા દેશના હરિભક્તોને તેડાવ્યા. દરેક દેશના હરિભક્તોને વર્ષમાં એકવાર શ્રીહરિ ભેગા કરતા, જેથી સત્સંગની પરસ્પર સમવૃદ્ધિ થતી અને પોતપોતાની ન્યૂનતાને ઓળખીને ચઢતો રંગ રાખતા, ભેગા ન થાય તો આ બધું સમજાય નહિ.51

અક્ષરના એક રોમમાં અનંતકોટિ બ્રહ્માંડ રહ્યા છે. એ શ્રીહરિના અક્ષરધામમાં અનંતકોટિ અક્ષરમુક્તો શ્રીહરિની સેવા દાસભાવે કરે છે. આ વાત એ જ ભક્ત સમજી શકે છે કે જેની બુદ્ધિમાં પ્રકાશ થયો હોય. જેટલો પ્રકાશ તેટલો વાતનો પ્રસંગ સમજે. આકાશના બધા તારા સરખા નથી, સૂર્ય જુદો છે, તેના પ્રેકાશ પાસે તારાનો પ્રકાશ કાંઈ નથી. તેમ બધાની બુદ્ધિ સમાન નથી. ભગવાનના ભક્ત અનંત છે, તેમ બુદ્ધિમાં ભેદ પણ અનંત છે.

અનંતકોટિ સૂર્યનો પ્રકાશ જેના એક એક રોમમાં ભર્યો છે એવા શ્રીહરિ પરમ દયાળુ છે. તે જેની સામે કૃપાએ કરીને જુએ છે તેની બુદ્ધિમાં એવો અનંત પ્રકાશ આવે છે. હરિની કૃપાચક્ષુ દ્વારા અણુ પણ મેરુ બને. તે સુમતિ પુરુષ જાણે છે. કુમતિ જનની બુદ્ધિ અંધ તમસ જેવી રહે છે.52

શ્રીહરિ પોતાની મરજીમાં વર્તાવે અને અનેક પ્રકારે ઇચ્છામાં આવે તેમ તાવણી કરે તોપણ નારી અને ધનનો જેમ અભાવ આવતો નથી, તેમ હરિનો અને સંતનો અભાવ ન આવે, દિન દિન પ્રતિ ભાવ વધતો રહે એવા જનો હોય તે સાચા ભક્તો છે.53

સાચો હરિભક્ત સંત, ગુરુ ને મંદિરની કોઈ પણ વસ્તુ ભોગવવાની ઇચ્છા ન કરે, સેવાથી પ્રસન્ન થઈ, ગુરુ જે પ્રસાદ આપે તે આદરથી લે. બને તેટલી સેવા કરે. બીજાની ઈર્ષ્યા કરે નહિ. પરસ્પર મોટાઈ સમજે. ભગવાન, સંત ને લોકનો ડર રાખે તે ધર્મવંશી છે. અને ભગવાન, સંત, લોક, નીતિ, શાસ્ત્ર અને રાજાનો ડર ન રાખે તે અધર્મવંશી છે. અધર્મવંશીનું બળ ચઢે ત્યારે દૈવીજનો ધર્મવંશી સંતોને પૂછીને યોગ્ય માર્ગ પર ચાલે છે. અધર્મવંશી તો માણસને મારી નાખે તો પણ તેના મનમાં ક્યારેય ક્ષોભ થતો નથી. અધર્મવંશી વધે છે ત્યારે સાચા ગુરુ ને સંતો લોકોને સદ્‌બુદ્ધિ આપતા રહે છે, ને માતા-પિતાથી પણ અધિક ઉપકાર કરે છે.54

જેને અન્ન-ધનની સહાય ન હોય તેવા ગરીબ હરિભક્તની સંભાવના સમર્થ હરિભક્ત ન રાખે તો સાચો હરિભક્ત નથી. ગરીબ હરિભક્તની જેટલી સંભાવના રાખે તેટલો મોટો હરિભક્ત કહેવાય. પર્વતભાઈ, ઝીણાભાઈ કાશીદાસ અને વડોદરાના સદાશિવને ગરીબ હરિભક્તો ઉપર બહુ દયાભાવ રહે છે. હરિભક્તોનો ધર્મ જે જીવતા સુધી દૃઢ રાખે અને રખાવે તે સર્વોપરી હરિભક્ત છે. કોઈ હરિભક્તને સત્સંગ નિમિત્તે દુઃખ આવ્યું હોય તો બીજા હરિભક્તને તેનું કષ્ટ નિવારણ થાય તેવો ઉપાય કરવો. હરિભક્તોમાં જેવો સંપ હોય તેવો સત્સંગ રહે છે. કુસંપ હોય તેટલો કુસંગ પ્રવેશ કરે છે. માટે હરિભક્તે કુસંપનો ત્યાગ કરવો.55

હરિભક્ત થયા છતાં હરિ નિમિત્તે ધન વાપરવામાં સંકોચ રહે અને સંસાર નિમિત્તે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં વારે વારે ખર્ચે તેને સંસાર મુખ્ય છે એમ કહેવાય. ધનથી ગરીબ હોય પણ ભગવાન અને સંતને મુખ્ય રાખે અને સંપત્તિ પ્રમાણે ખર્ચ કરે તેને ભગવાન મુખ્ય છે એમ કહેવાય. ઉત્સાહથી સેવા કરે તેટલી સંપત્તિ વધતી રહે છે. ભગવાન અને સંતના કામમાં આવે તેટલું જ અન્નધનાદિક સાચું છે. આવી સમજણ અલ્પ પુણ્યથી આવતી નથી. હરિભક્ત એમ સમજે છે કે ભગવાન અને સંત વિના બીજા નિમિત્તે મેરુ તુલ્ય પુણ્ય થાય તોપણ તેનું ફળ અલ્પ છે. વર્તન ઉપરથી સંત-હરિભક્તોની ઓળખાણ થાય છે.56

હરિભક્ત હોય તે ભગવાન ને ભગવાનના સંતનું અપાર માહાત્મ્ય સમજે. તેને દોષદૃષ્ટિ હોય નહિ, નિષ્પાપ વર્તે, ધર્મ-નિયમ દૃઢ પાળે અને મનમાં એવાં મનોરથ રહ્યા કરે કે ભગવાન અને સંતને અર્થે ન અપાય એવો કોઈ પદાર્થ અધિક નથી, તો ભગવાન તેનાથી દૂર રહેતા નથી.57

ભગવાનનો ખપ હોય તે જ મોક્ષને માર્ગે ચાલે છે. હરિભક્તે હરિભક્તમાં વિક્ષેપ કરવો નહિ. હરિભક્તમાં મન મળે તે જ સાચો ભક્ત છે. પાંચ હરિભક્તો સાથે મન મળે નહિ તે બુદ્ધિશાળી હોય તોપણ માની ભક્ત કહેવાય. મંદિરમાં નિત્ય આવે, કથા-કીર્તનનો નિયમ રાખે, હરિભક્તને ભાવથી નમે અને નિષ્કપટભાવે હરિભક્તને પોતાનાથી શ્રેષ્ઠ માને, કદી ક્રોધ ન કરે તે હરિભક્તની સાચી રીત છે.58