૫૧. પ્રગટ

 

કારિયાણીમાં ખટ્વાંગ રાજાએ શ્રીહરિ અને સંતોની પૂજા કરી. અને ગદ્‌ગદભાવે પ્રાર્થના કરી. શ્રીહરિએ તેમને પ્રસન્ન થઈ કહ્યું, “ભગવાનના પ્રગટ સ્વરૂપમાં જેનો નિષ્ઠાભાવ છે તે ભક્તને સર્વથી શ્રેષ્ઠ જાણવો. પ્રગટ સ્વરૂપને મૂકી જે અન્યને ભજે છે તે કુમતિ છે. જેમ જેની કૂખે જન્મ ધર્યો તે માતાપિતાને મૂકી કોઈ બીજા પર બહુ પ્યાર રાખે તે શું ડાહ્યો કહેવાય! એ કુમતિ જન છે. હાલ જેના દ્વારા જન્મ મળ્યો તેને છોડીને પૂર્વે થઈ ગયેલાં માતાપિતામાં મન જોડે તે મૂર્ખ છે. તેમ પૂર્વે થઈ ગયા તેમાં મન જોડે ને તેની પરમ સેવા કરે તેને પ્રગટની વાત હાથ આવી નથી. તેને કુમતિ જાણવો. પ્રગટ સ્વરૂપને ઓળખી તેમાં જીવ બાંધવો એને પતિવ્રતા તુલ્ય ભક્તિ કહી છે. એવી ભક્તિ કરનાર ભક્ત પાવનકારી છે. તે વિના અન્ય સર્વ ભક્તોને વ્યભિચારી ભક્ત જાણવા.”1•

કારિયાણીમાં શ્રીહરિએ વાત કરી કે, “પ્રગટ વગર મુક્તિ નથી.” ત્યારે મુક્તમુનિએ પૂછ્યું, “પ્રગટ સ્વરૂપની વાત તમે કહો છો, પણ શાસ્ત્રમાં એ નથી. તો અન્યને કેમ સમજ પડે! ગ્રંથમાં કલ્યાણની વાત અનેક પ્રકારે લખી છે. તે જોઈને મતિ ભમી જાય છે. તો કોનામાં સ્નેહ કરવો?”

આ સાંભળી શ્રીહરિએ વિસ્તારથી વાર્તા કરી, “એક કાર્યને સિદ્ધ કરવા અનેક સાધન જોઈએ. એમ મોક્ષનું કામ સરળ કરવા શાસ્ત્રો અનેક પ્રકારનાં રહ્યાં છે. એક એક શાસ્ત્રમાં વાતો પણ અનંત પ્રકારે લખાઈ. જેનો પાર આવે તેમ નથી. વળી, જીવે અનંત જન્મ ધર્યા છે તે એક એક જન્મની રુચિ ભિન્ન ભિન્ન ભેગી થઈ છે. કોઈને એક શ્રદ્ધા નથી. વળી, જાતિ અનેક છે, તેમાં પણ દેશકાળ અનુસારે તે તે જાતિ માટે વિચારીને કેટલીક વાતો લખી હોય, કેટલીક યુગ અનુસાર લખી હોય, કેટલીક આપત્કાળે કેમ રહેવું તે વાતો લખી હોય. એમ, શાસ્ત્રોમાંથી મોક્ષની વાત હાથમાં આવતી નથી. ખોટા સંત મળે તો શાસ્ત્રને વિપરીત નિરૂપે. પરંતુ ભગવાન પ્રગટ મળે છે, ત્યારે જુદી જ વાત બને છે. સર્વે શાસ્ત્ર પ્રગટમાં આવી મળે છે. પ્રગટ સૂર્ય વિના અંધારું ટળે નહિ, પ્રગટ અન્ન વિના ક્ષુધા ટળે નહિ. પ્રગટ જળ વિના તૃષા છિપે નહિ - એમ લોકમાં પણ પ્રગટનું મા’તમ છે. તેમ પ્રગટ ભગવાનના સંબંધ વિના કોટિ ઉપાયે મોક્ષનું કાર્ય સરતું નથી.

“પ્રગટની વાત પણ શાસ્ત્રમાં છે. કોઈ વાત શાસ્ત્રની બહાર નથી. શાસ્ત્ર બહાર કહેનારો ગમાર છે. ભગવાન ને સંતનાં લક્ષણો શાસ્ત્રમાં કહ્યાં છે. તે મુજબ તેને ઓળખી જીવ જોડે તો મોક્ષ થાય.

“પ્રગટ ભગવાનના સંકલ્પમાં શાસ્ત્રમાત્ર સમાઈ જાય છે. એમની વાણીને જ શાસ્ત્ર કહ્યું છે. એટલે જ એ શાસ્ત્રને જે ન માને તે અસુર છે. સંત મળે છે ત્યારે આ વાત સમજાય છે. સંતની રીત સાચી છે, અસંતની ખોટી છે. જેણે પોતાનું શ્રેય કરવું છે, તે વારંવાર આ પ્રગટની વાત ધારે ને વિચારે તો તેને અવશ્ય સમજાશે.”

‘સંત કી હે સત્ રીત, અસંત કી હે અસત્ મહા,

અપને કરનહિ હિત, વાર વાર ધારના વિચાર કર.’2

ગઢપુરમાં શ્રીહરિએ જીવેન્દ્ર નૃપને વાત કરતાં કહ્યું, “ભક્તજનોએ અમારી આજ્ઞામાં વર્તી અત્યંત નિર્વાસનિક થવું, તો અમારા ધામમાં જવાશે.

“અપાર જનોના મોક્ષ કાજે આજ અમે પુરુષોત્તમ સ્વયં પ્રગટ થયા છીએ. સૂર્ય વિના કોટિ ઉપાયે અંધારું ન ટળે, તેમ અજ્ઞાનરૂપ અંધારું જીવને અનંતકાળથી વળગ્યું છે. તેનો પ્રગટ હરિ વિના અંત આવે નહિ.”

‘અનંત જન કે મોક્ષ હિ કાજા, પુરુષોત્તમ પ્રગટ હેં આજા.

અજ્ઞાનરૂપ તિમિ તમ અનંતા, પ્રગટ હરિ બિન આત ન અંતા.’3

બોટાદના મહાજન પાસે શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “પૂર્વે જેને જે જે અવતારનો યોગ થયો, તેણે તે તે અવતારમાં જ અધિક ભાવ રાખ્યો છે. તેમ તમારે પણ સંપ્રદાયની રીતિ અનુસાર સમજવું. બીજાના ઘરનું દ્રવ્ય પોતાને ખપ ન લાગે. તમને જે મળ્યું છે તેવું બીજાને મળ્યું નથી. બહુ પ્રકારે જતન કરીને તે જાળવવું. કુસંગથી છેટે રહી પ્રગટનાં ચરિત્રોનું ચિંતવન, મનન અહોનિશ કરવું.

“પ્રગટનું ધ્યાન-ભજન, કથાવાર્તા-કીર્તન, સ્મરણ કરવું. અનેક પ્રકારે તેની પૂજા કરવી. જેને સત્સંગ થયો છે તેને આ પ્રકારે પ્રગટનો સંગ કદી છૂટતો નથી. જેટલું ભગવાનનું વિસ્મરણ એટલો તેને કુસંગ જાણવો. એ કુસંગ ન લાગે તેનો ભય સદા રાખવો.”4

લોયા-નાગડકામાં શ્રીહરિએ સંતોની પંક્તિમાં પીરસ્યું. સૌને જમતાં જોઈ શ્રીહરિ અપાર પ્રસન્ન થયા ને કહ્યું, “અમારે એક એક સંત દ્વારા અનંત જનનો મોક્ષ કરવો છે. અક્ષરપતિ અવિનાશી અમે પોતે અનંત શક્તિના ધરનારા આજે મોક્ષના દ્વાર રૂપે પ્રગટ છીએ. આજે હેતે કરીને તમને પોતાની વાત કરીએ છીએ.”

‘અક્ષરપતિ અવિનાશ હરિ, અનંત શક્તિ ધર તાય,

પ્રગટ રહે મોક્ષ દ્વારહિ, તુમકું કહત હિત લાય.’5

મેમકામાં શ્રીહરિ સંતોને કહેવા લાગ્યા, “ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ - આ એકાંતિક ધર્મ છે. તેમાં રુચિ થાય, અનુરાગ જાગે તો બ્રહ્મવિદ્યા વરે. એકાંતિક ધર્મ વિના બ્રહ્મવિદ્યા ફળીભૂત થતી નથી.

“આ સર્વેનું મૂળ બીજ પ્રગટની દૃઢ ઉપાસના છે. જે દી તે દી આમ વિચારીને પ્રગટને આધીન વર્તશે, ત્યારે મોક્ષ પ્રાપ્ત કરશે.”6•

ભુજમાં શ્રીહરિએ ભક્તો આગળ વાત કરતાં કહ્યું, “અમે આ લોકમાં મનુષ્યદેહ ધર્યો છે. મનુષ્યોને શરણે લઈ તેનું હિત કરવા મનુષ્યની રીતે વર્તન કરીએ છીએ. અમારા જન્મથી લઈને બધાં ચરિત્ર પરમ પવિત્ર છે. કોઈ તેમાં પરોક્ષભાવ લાવીને વર્ણન કરે, પણ આશય પ્રત્યક્ષ મૂર્તિનો છે. પહેલાં પરોક્ષમાં પ્રીત થાય પછી પ્રત્યક્ષમાં થાય એવી અનાદિની રીત છે.

“જેને પ્રત્યક્ષ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું તે તેની મરજીને બરાબર જાણે છે. પ્રત્યક્ષ ભગવાનની રુચિ, મરજી અનુસાર ગ્રંથરચના કરે તે મહાકવિ કહેવાય. જે ગ્રંથ પરસ્પર વૈરભાવ પ્રગટાવે, તે ગ્રંથ જ ન કહેવાય.

“લોક, શાસ્ત્ર અને અનુભવમાં મળતું આવે તેમ હરિનાં ચરિત્ર વર્ણવ્યાં હોય તો તેને સાંભળીને કોઈને અભાવ આવે નહિ.”7

ગઢપુરમાં શ્રીહરિને જીવાખાચરે પૂછ્યું કે, “એકને ભગવાન મુખ્ય છે અને બીજાને માયા મુખ્ય છે. તેનું શું કારણ?” ત્યારે શ્રીહરિ કહે, “બધાની બુદ્ધિ એક નથી હોતી. અર્જુન અને ભીષ્મ બંને ભક્ત હતા. બંને કૃષ્ણ વિના બીજાને માનતા નહોતા, પણ અર્જુન શ્રીકૃષ્ણ કહે તેમ ચાલતા. જ્યારે ભીષ્મ પોતાનું ધાર્યું કરતા. મહિમા ઘણો જણાયો પણ કૃષ્ણનું ગમતું ન કર્યું. ભગવાન પાસે ચક્ર ધરાવડાવ્યું. પછી પોતે મરવા ઇચ્છ્યું. ટેક છોડાવીને પછી બહુ સ્તુતિ કરી. ભક્તની તે રીત નહીં. ત્યાગ, જપ, તપ, વ્રત, તીર્થ, યજ્ઞ, બ્રહ્મભોજન તથા નાના પ્રકારનાં દાન કરે પણ મનમુખી હોય તેનું કલ્યાણ થતું નથી એમ અમે માનીએ છીએ. સૂર્ય ઉદય થાય તો દીવા, મશાલની જરૂર રહેતી નથી; વરસાદ પડે ત્યારે કોસથી પાણી કાઢવાની જરૂર રહેતી નથી; વહાણમાં બેસે તેને તુંબડાં બાંધવાની જરૂર રહેતી નથી, તેમ ભગવાન પ્રગટ મળે ને તેનું ગમતું કરે તેને બીજાં સાધન આપોઆપ થઈ જ જાય છે.”8

માંગરોળમાં ગામ-ગામના હરિજન આવ્યા અને અન્નકૂટોત્સવ કર્યો. શ્રીહરિની આરતી ઉતારી. જય-જયનાદ ગુંજાવ્યો, સૌએ સ્તુતિ કરતાં કહ્યું, “આપ અમને મળ્યા. અમારાં ભાગ્યનો પાર નથી. અમારો મનુષ્યજન્મ સાર્થક કર્યો. મનુષ્યદેહ પામીને જેને શ્રીહરિનો યોગ નથી થયો, તેને અમે અતિ અભાગી કહીએ છીએ.”

ત્યારે શ્રીહરિ કહે, “અમે સત્સંગમાંથી જતા નથી. અમારા પછી પણ જે જીવ સત્સંગમાં જન્મ લેશે ને અમારાં જે જે વચન છે તેમાં પ્રતીતિ લાવીને તે પ્રમાણે વર્તશે તેનો અમે મોક્ષ કરીશું. અમારાં ચરિત્ર જે સાંભળશે, તેને અમે અતિ સુખિયા કરીશું. અમારાં વચન એ અમે જ છીએ એમ જરૂર જાણજો. અમારાં વચન જે પાળે તેની પાસે અમે રહીએ છીએ. અમારાં વચન ન માને અને રાત-દિવસ અમારી પાસે રહી સેવા કરે, તેને અમે દૂર માનીએ છીએ. આ અમારો મત સૌ હરિજનો નિશ્ચય કરીને માનજો. અમારાં વચન અમારા કરતાં પણ મુખ્ય અમે માનીએ છીએ. પંચભૂતનું તન તો પંચભૂતમાં મળશે પણ અમે જે જે વચન કહ્યાં છે તે વિચારશો તો અમારું પ્રગટપણું જણાશે.”9•

જૂનાગઢમાં શ્રીહરિએ મુક્તમુનિને ધ્યાનમાંથી જાગ્રત કરી કહ્યું, “અમારાં પ્રગટ ચરિત્રોનું તમારે નિત્ય ચિંતવન કર્યા કરવું. અમે જ્યારથી પ્રગટ થયા ત્યારથી આજ સુધી જે કંઈ ચરિત્રો કર્યાં છે તે બધાં પરમ પવિત્ર છે ને કલ્યાણકારી છે. એના જેવી કોઈમાં શાંતિ નથી. બ્રહ્મસુખના કરતાં પણ કોટિગણી શાંતિ અમારાં ચરિત્રોમાં રહેલી છે. અમારાં ચરિત્રો અને વચનનાં કાવ્ય-કીર્તન તમારે સદા કરવાં એ તમને અમારી આજ્ઞા છે.”10•

શ્રીહરિએ કહેલી વાત મુક્તમુનિએ કહી, “ભગવાન પ્રગટ થાય છે ત્યારે ભક્તના સર્વે મનોરથ પૂર્ણ કરે છે. આ વખતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સહિત એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું છે. આ ચારેને ધારણ કરે તેની મહત્તા છે ને તેનો જ યશ લોકમાં વધે છે. જે પુરુષ જેટલા અંશે તેનું ધારણ કરે તેને તે મુજબ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ ભક્ત કહેવાય છે. ચારેને ધારણ કરનારો અતિ પરમ ને અનુપમ કહેવાય છે. ઇહલોક-પરલોકમાં આ ચારે ઉત્તમ આભરણ છે. ઉત્તમ ભક્ત તેને અખંડ ધારણ કરી રાખે છે. ભગવાન પ્રગટ થાય છે ત્યારે તેનું તાન સૌને આ આભરણ પહેરાવવાનું છે. કારણ, મોક્ષરૂપી ફળ આ એકાંતિક ધર્મમાં રહેલું છે ને તેના વગર મોક્ષ અધૂરો રહે છે. ભગવાનના નિશ્ચયરૂપી સાધનના આ ચાર પાયા છે, પરંતુ પ્રગટ ભગવાનના નિશ્ચય વિના કોઈ સાધન ફળીભૂત થતું નથી.”11

શ્રીહરિએ અલર્ક રાજાને વાત કરતાં કહ્યું, “જેને પ્રગટ હરિ મળ્યા છે તે દુઃખમાત્રથી તરી ગયા છે. તેમાં તો વિશ્વાસ રાખી તેમના વચનને જ ખીલો માની, તે ખીલે મનને બાંધી દેવું. મનનું રાજ્ય હોય ત્યાં સુધી મોક્ષ થાય નહિ. મનનો વિશ્વાસ નહિ રાખતાં શ્રીહરિનાં વચનનો વિશ્વાસ રાખી અનંત ભક્તો ધામમાં ગયા છે, તેને દેખ્યા છતાં જે નથી માનતા તે બુદ્ધિમાન હોય તોપણ જમપુરી અને ચોરાશીનાં દુઃખ છૂટતાં નથી, અને ત્યાં બુદ્ધિ કામ લાગતી નથી. માટે જેણે અમને વશ કરવા હોય, તેણે તો પ્રથમ અમને વશ થવું પડે.”12

શ્રીહરિ સંતો-ભક્તો કરિયાણાથી નીકળ્યા. માર્ગમાં નદી આવી. તેમાં કીર્તનો ગાતાં ગાતાં સ્નાન કર્યું. ત્યાં ખંભાળાના માણસિયા ખાચર તથા મોકા ખાચર આવ્યા ને શ્રીહરિને દંડવત્ કરી વિનંતી કરી કે, “અમારે ગામ કેમ ન આવ્યા! સૌ પુરજનો તમારાં દર્શન માટે તલસે છે.”

શ્રીહરિ કહે, “અમારે ક્યાં અહીંયાં એક વખત આવવાનું છે? દેહ પર્યંત ગામોગામ ફરતા જ રહીએ છીએ. અને દેહ છૂટ્યા પછી પણ ફરવું છે. કારણ, વૈકુંઠ ગોલોકાદિ ધામ પણ સત્સંગ તુલ્ય નથી. તે ધામના વાસીઓ, ભવ, બ્રહ્મા, શેષ શારદા ને અન્ય દેવો, ઋષિ-મુનિઓ પણ સત્સંગ કરવા ઇચ્છે છે. બીજાં સુખ જીવને મળવાં સહેલાં છે, પણ સત્સંગ મળવો દુર્લભ છે.”13

જૂનાગઢમાં દીવાનને શ્રીહરિ કહે કે, “કામ, ક્રોધ આદિકનો અમે તથા અમારા સંતો વિશ્વાસ રાખતા નથી. ભગવાનના ધામના સુખમાં જેની મતિ દૃઢ ચોંટી હોય તે અહીંના તથા ત્યાંના સુખનો વિચાર કરે. હરિના શરણ વિના ક્યાંય સુખ ન દેખાય તેવી સમજણ સમાધિથી કોટિગણી શ્રેષ્ઠ છે. સમાધિ કઠણ નથી, સ્વપ્ન જેવી છે. સ્વપ્નમાં રાજા થાય પણ જાગ્રત થાય ત્યારે તેના તે, તેમ કોટિ વાર સમાધિ થાય તોપણ મતિ શુદ્ધ ન થાય તો અષ્ટાંગયોગ શીખ્યો હોય તોપણ બધું વ્યર્થ છે. ગજ અથવા ગર્દભને વારંવાર નવડાવો તોય બહાર નીકળે ત્યારે તેવાને તેવા થઈ જાય. દીવો દેખીને જેમ પતંગિયું લોભાય છે તેમ જગતનું સુખ દેખીને લોભાય ત્યાં સુધી સમાધિનો કાંઈ અર્થ નથી. પ્રગટ હરિનો જોગ રાખીને જે મરે છે તે ભગવાનના ધામમાં જાય છે. વચમાં ક્યાંય અટકતો નથી. શ્રીહરિનો જોગ તે અગ્નિ રૂપ છે, તે જીવના મળમાત્રને બાળી મૂકે છે. તેમના યોગ વિના મળ છૂટે એવા નથી.”14

ભૂજમાં શ્રીહરિ કહે, “જીવનો મોક્ષ કરવા દેવતાઓ પણ સમર્થ નથી. મોક્ષ આપવામાં તો પ્રગટ ભગવાન કે ભગવાનના સાધુ સમર્થ છે. પ્રગટ હરિના સંતો, ભક્તો દેવથી પણ અધિક છે. તેમની જે સહાય કરે છે તે જન્મમરણથી અને ચોરાશીથી મુકાય છે.”15

હળવદમાં વિપ્ર નારણજીને ત્યાં શ્રીહરિએ કહ્યું, “શુભ આચરણ કરતો હોય, પણ પ્રગટ ભગવાનનો નિશ્ચય ન હોય તો તે શુભ યોનિને પામે, પણ જન્મમરણથી રહિત ન થાય. માટે પ્રગટ ભગવાનનો નિશ્ચય તે મુખ્ય શુભ માર્ગ છે. જ્યારે જે રૂપે હરિ પ્રગટ હોય તેને પ્રગટ હરિ જાણવા. પ્રગટને ઓળખી નિશ્ચય કરે તે જ ભક્ત કહેવાય છે. હરિ ભૂતળ પર સદા પ્રગટ રહે છે. જે સમયે જેના દ્વારા પ્રગટ હોય તે પ્રગટ હરિ છે. તેનો નિશ્ચય તે પ્રગટનો નિશ્ચય છે. તે પ્રગટ ગુરુરૂપ હરિ જગતનો ઉદ્ધાર કરવા સમર્થ છે.” એવી શ્રીહરિની વાત જે હરિજને સાંભળી તે સૌ ધન્ય ધન્ય થયા.”16•

મુક્તમુનિ કહે શ્રીહરિ એક વાત વારંવાર કહેતાં કે, “ભગવાન અને ભગવાનના સંત-હરિજન જ્યાં વિચરણ કરે તે ભૂમિ તીર્થધામ બની જાય છે. અન્ય તીર્થ નામમાત્ર તીર્થ, ધામ કે સ્થલ તરીકે રહે છે.”17

શ્રીહરિએ રામદાસ, મુક્તમુનિ, બ્રહ્મમુનિ ઇત્યાદિ પર પત્ર લખાવતાં એક વાત લખી, “ભગવાનનાં સર્વ ચરિત્રોને સદા દિવ્ય જ માનતા હોય તે ભગવાનના અનાદિ ભક્ત છે. અનાદિ ભગવાન (પુરુષોત્તમ) અને અનાદિ ભક્ત (અક્ષર) અહીં આવે છે, રહે છે અને શરણાગત જીવોનો ઉદ્ધાર કરે છે તેને ઓળખી લેવા.

‘અનાદિ જો ભગવાન, અનાદિ રહે ભક્ત જેહુ;

આવત રહત પિછાન, શરનાગત કે ઉદ્ધાર કરત.’

“જ્યાં મોક્ષકારક એકાંતિક ધર્મનું સ્થાપન કરવાનું તાન છે અને અધર્મનું ઉત્થાપન કરવાનું તાન રહે છે, એવી કપટ રહિત રીત જ્યાં દેખાય ત્યાં ભગવાનનો વાસ છે એમ જાણવું.”

‘મોક્ષ-ધર્મ સ્થાપન પર તાના, અધર્મ ઉથાપન તાન રહાના.

નિષ્કપટ એસિ રીત જિહાં રહેઉ, ભગવાન કે વાસ તિહાં કહેઉ.’18

શ્રીહરિએ પત્રમાં લખાવતાં કહ્યું, “પ્રગટ ભગવાન અથવા ભગવાનના સાચા સંત વિના કોઈ મોક્ષનો માર્ગ જીવને દેખાડી શકતું નથી. સંતના યોગથી જીવ ભવબંધનથી છૂટે છે. જેમ પ્રગટ ભોજન મળ્યા વિના ભૂખ ભાગે નહિ, તેમ ભગવાન પ્રગટ મળ્યા વિના મોક્ષ ન થાય.”19

શ્રીહરિએ સાંખ્યયોગી બાઈ-ભાઈઓને પત્રમાં લખ્યું, “જેને પ્રગટ ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે એવા હરિભક્તો ફાવે તેમ દેહ મૂકે, તે ભગવાનના ધામમાં જ જાય છે. તેમાં હરિભક્તોએ સંશય રાખવો નહિ. જેને સત્સંગ નથી એવા લોકો ગમે તેવા તીર્થમાં રહે કે યોગ, યજ્ઞ કરે અને શાસ્ત્ર પ્રમાણે વિધિ સહિત દેહ મૂકે તોપણ તે મુક્ત થઈ શકતો નથી. સત્સંગની રીત અલૌકિક છે, તેને લૌકિક ન સમજવી. લૌકિક દેખે છે ત્યાં સુધી કુસંગ છે અને સત્સંગનું સુખ તેને આવતું નથી.”20

શ્રીહરિએ પત્રમાં એક વાત લખી, “ભગવાનની મૂર્તિમાં હેત લાવીને પરોક્ષપણે ભાવ લાવીને ભજે છે તે અક્ષરધામ સિવાયના અન્ય ધામને પામે છે. અથવા અપાર બ્રહ્માંડની રચનામાં તેને જોડે છે. અવતારોનો પાર નથી. જેટલાં બ્રહ્માંડો છે તેટલા ભગવાનના અવતાર છે. સ્વયં પુરુષોત્તમ ભગવાન પૃથ્વી પર કેવળ જીવોના કલ્યાણને વાસ્તે જ કરુણા કરીને પ્રગટ થાય છે. તે જે જે ચરિત્ર કરે છે તે કલ્યાણરૂપ છે. એમાં સર્વોપરી રસ સમાયેલો છે. એ રસની આગળ અન્ય રસમાત્ર સંસૃતિ(જન્મમરણ)રૂપ છે. સાક્ષાત્કાર પ્રગટ ભગવાનનું ભજન કરે છે તેના પર અમારે હેત રહે છે. એ હેતને અનુરૂપ અમે વાર્તા કરીએ છીએ.

“ભગવાનને ક્રિયા કરતા દેખે છે તે સઘળી ક્રિયાને કલ્યાણરૂપ માનીને તેનું ગાન કરે છે. ભગવાનની બધી ક્રિયા ભક્તને અર્થે છે. એમ ચરિત્રને કલ્યાણકારી જાણનારાં નરનારી પણ કર્મદોષથી મુક્ત થઈ નિર્દોષ ને શ્રેષ્ઠ ભક્ત થઈ જાય છે. પછી દેહને અસત્ય ને આત્માને સત્ય જાણી ભગવાનને ઉપાસે છે. દેહ મૂકીને અક્ષરધામમાં ભગવાનનું સુખ લે છે. પરોક્ષભાવે ભગવાનની મૂર્તિમાં અતિ હેતથી વળગ્યો હોય ને પિંડ-બ્રહ્માંડને મિથ્યા જાણી નૈષ્કર્મ્ય રહીને ભગવાનને ભજતો હોય એવો ભક્ત અક્ષરધામ સિવાયના તે ઇચ્છે તે ધામને ભગવાન પમાડે છે.

“પૃથ્વી પર ભગવાનના અવતાર જુદા જુદા રૂપે થયા કરે છે. જીવોના કલ્યાણ માટે વિચરતા ભગવાનને ઓળખીને તેની સાથે પ્રીત કરે છે, ને ભક્તિ કરે છે તેના પર અમને પણ પ્રીત થાય છે. ભગવાનની પ્રત્યેક ક્રિયા કલ્યાણકારી માનનાર ભક્ત શ્રેષ્ઠ છે. સાક્ષાત્કાર પ્રગટ શ્રીહરિને અસંગી, નિર્દોષ, કર્મ કરવા છતાં અકર્તા માનનારો આ ભક્ત દેહને મિથ્યા જાણે છે ને આત્માને એક સત્ય જાણે છે. તે દેહ મૂકે છે ત્યારે અક્ષરધામનો અધિકારી થઈને ભગવાન પુરુષોત્તમનું અખંડ સુખ લે છે.”21

શ્રીહરિએ ઉગામેડીના વૈષ્ણવ-પટેલને વાત કરતાં કહ્યું, “મનુષ્યતન મળવું દુર્લભ છે. કોટાનકોટિ કલ્પ વીતે પછી મનુષ્ય તન મળે છે. તે પણ ભરતખંડમાં મળવું દુર્લભ છે. તેમાં પણ ઉત્તમ, સંસ્કારી કુળમાં મળવું કઠણ છે. તેમાં પણ પ્રગટ ભગવાન અથવા ભગવાનના સંતનો યોગ થવો ઘણો દુર્લભ છે.”22

જેતલપુરમાં સંત-હરિજનોને રાત્રે જાગ્રત કરી શ્રીહરિ પ્રસન્નતાપૂર્વક વાતો કરવા લાગ્યા, “આજે આ ભગવાન પૃથ્વી પર પ્રગટ થયા છે તે સર્વનું કારણ છે. યત્કિંચિત્ વાત પ્રગટના ધાર્યા પ્રમાણે થાય છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેમની આજ્ઞામાં રહીને દેવો કરે છે. ભગવાન સંબંધી વાતમાં પ્રગટની વાત સર્વનું કારણ છે. પ્રગટની વાત સર્વએ ધારવી ને વિચારવી. પ્રગટ વિના સઘળું કાષ્ઠના પૂતળા જેવું છે. સર્વે અવતારો, દેવો, દેવીઓ પ્રગટને આધીન છે. પ્રગટ મૂર્તિ વિના તેને પોતાનું કોઈ બળ નથી. આ પ્રકારે પ્રગટને જાણ્યા પછી પણ જે જન પરચા ઇચ્છે છે, તેને પ્રગટના પ્રતાપની લેશ પણ ગમ નથી. પરચા તો અપાર થાય છે પણ અજ્ઞાનીને તે જોવાની દૃષ્ટિ નથી. જે પ્રગટનો પ્રતાપ જાણે છે, તે પરચા ઇચ્છતો નથી. આ બધું જેનું કર્યું થાય છે તેની પાસે બીજા પરચા કયા જોવા! એમ સમજી તેને સંશય થતો નથી. દેશકાળાદિ પ્રવૃત્તિ ક્ષણ ક્ષણ પ્રત્યે થાય છે તે તેમનો પ્રતાપ છે.”23

જેતલપુરના મહોલમાં રંગોત્સવ યોજ્યો હતો. શ્રીહરિ હિંડોળે વિરાજ્યા. ત્યાં એકત્ર થયેલા સંતોને શ્રીહરિએ પ્રશ્ન પૂછ્યો કે, “તમે સંતો-હરિભક્તો અમારું ધ્યાન, સ્મરણ પૂજન કરો છો તેણે કરીને મોક્ષ માનો છો તથા અમારાં વચન અને અમારા સંબંધવાળી વસ્તુ પણ મોક્ષકારી માનો છો. તે અમે ના હોઈએ ત્યારે ભક્તો મુક્તમુનિનું ધ્યાન કરે તો મોક્ષ થાય કે ન થાય?”24

ત્યારે હાથ જોડીને સંત બોલ્યા કે, “અમને એ પ્રશ્નનો ઉત્તર સૂઝતો નથી. અમારી મતિ ટૂંકી છે.”

ત્યારે શ્રીહરિ કહે, “મંડળમાં જે મુખ્ય સંત હોય તે વિચાર કરીને બોલે.” એમ કહીને પછી પોતે જ કહેવા લાગ્યા જે, “મોક્ષદાતા સંત મળે છે ત્યારે તેમની સેવા મન, કર્મ વચને કરે તો વ્યાવહારિક બુદ્ધિને પણ મોક્ષપરક તે બનાવી દે છે. ભગવાનને મળવાનું પ્રથમ દ્વાર સંત છે. સંતના સમાગમ વિના કોઈ ભવપાર થઈ શકતું નથી. તમને બધાયને પણ પહેલા સંત મળ્યા ત્યારે અમારો નિશ્ચય થયો છે.

“ભગવાનના અવતારો થયા તેણે પોતાના મુખે ‘અમે ભગવાન છીએ’ એવી વાત ક્યારેય નથી કરી. સંતને મુખેથી ભગવાનનો મહિમા વિસ્તરે છે. ભગવાન તેમાં રહીને કાર્ય કરે છે. જીવનાં ચાહે તેટલાં પાપ હોય, પણ તે પલકમાં બાળી દે છે. જેમ મોટો દારૂનો ઢગલો હોય તેમાં તલભાર પ્રગટ અગ્નિનો યોગ થાય તો તરત સળગી ઊઠે છે.

“ભગવાન સદા પ્રગટ રહે છે. ભગવાનનાં નામ, ચરિત્ર પણ ક્યારેય પરોક્ષ થતાં નથી. ભગવાનની મૂર્તિ પ્રગટ રહે તેનાં ચરિત્ર આશ્ચર્યકારી છે. બ્રહ્માદિ દેવોને પણ તેમાં ગમ પડતી નથી, તો બીજા જનની તો વાત જ શી કરવી! ભગવાન તેની બુદ્ધિમાં પ્રેરણા કરે તેટલી તેને ગમ પડે છે.”

એટલી વાત શ્રીહરિએ કહી પછી સંતોને બુદ્ધિ અનુસાર ઉત્તર વિચારવાનું કહ્યું. એટલે સંતો ઊઠીને એકબાજુ બેઠા અને શ્રીહરિના પ્રશ્નનો ઉત્તર વિચારવા લાગ્યા. પછી નિશ્ચય કરીને સભામાં આવ્યા.

શ્રીહરિનો કહેવાનો મર્મ કોઈ પૂરો સમજ્યા નહિ. ભણનારા સંતમાં નિત્યાનંદમુનિ યથાર્થ સમજ્યા હતા. ફરતા સંતમાં કૃષ્ણાનંદમુનિ શૂરવીર હતા. તે સૌથી પ્રથમ બોલ્યા, પણ પ્રશ્નનો મર્મ સમજ્યા નહોતા. ફરતા સંતો જે બોલ્યા તે સૌનો વિચાર એક સરખો હતો કે, “તમારા વિના જે બીજાનું ધ્યાન કરે તે વ્યભિચારી ભક્તિ છે. તમારા જેવા જો બીજાને અમે જાણીએ તો જન્મ વ્યર્થ ગયો.” આમ, કોઈને પ્રશ્નનું રહસ્ય હાથ ન લાગ્યું.

શ્રીહરિ પ્રશ્ન પૂછે તે કંઈ નિશાન વિના પૂછે નહિ. જેનાથી અપાર જીવના ચોરાશીના ફેરા મટે અને પ્રગટ હરિ હોય ત્યાર પછી પણ એવું ને એવું રહે એટલા માટે શ્રીહરિને જેટલાં બાઈ-ભાઈ કે સંતો મળેલાં તે સિવાયના અર્થાત્ શ્રીહરિનો સાક્ષાત્ સંબંધ જેને નથી થયો, એવાં બાઈ-ભાઈ ને ત્યાગીઓના ઉપર આ પ્રશ્ન હતો.

શ્રીહરિની મરજી જાણીને નિત્યાનંદમુનિએ પોતાની સૂઝ પ્રમાણે ઉત્તર કર્યો કે, “મોટા સંતના વચનથી મોક્ષ થાય છે. એ મોટા સંત પણ ભગવાનનાં વચનને મોક્ષરૂપ માની વચનમાં વર્તે છે ને તે વિના હાનિ સમજે છે. વળી, પોતાને પ્રગટ ભગવાન મળ્યા છે તેનું ધ્યાન-સ્મરણ કરે છે. શ્રીહરિના જન્મથી માંડી સ્વધામગમન સુધીનાં ચરિત્રોનું નિશદિન ગાન કરતા રહે છે. એવા સંતને પૃથ્વીના સર્વે મનુષ્યો પામી શકતા નથી. પણ એવા સંત જેને મળે છે ને જેવા તેમને સમજે છે તેવો તેનો મોક્ષ થાય છે.

“શુકદેવજીના વચનથી પરીક્ષિત તરી ગયા અને નારદના વચનથી પ્રિયવ્રત, પ્રહ્‌લાદ, ધ્રુવ, દક્ષના પુત્રો, ચિત્રકેતુ વગેરે તરી ગયા. નારદજી દાસીપુત્ર હતા, પણ સંતની સેવા અને વચનથી તરી ગયા. એમ સંતથી ઉદ્ધાર થયેલાની વાતો શાસ્ત્રમાં લખેલી છે.

“ગોપ-ગોપી, ઉદ્ધવ, પાંડવ વગેરે પ્રગટમાં હેત-સંબંધ કરીને તરી ગયાં, પૂતના વગેરે વૈરભાવથી તર્યાં, પણ સંતમાં વૈર ભાવ રાખીને કોઈ તર્યો સાંભળ્યો નથી. સંત ધર્મમાં દૃઢપણે વર્તે છે. શ્રીહરિના દાસના દાસ થઈને વર્તે છે. શ્રેષ્ઠ ગુણોના ભંડાર હોવા છતાં સંતને ગુણનું અભિમાન હોતું નથી. એવા સંતની સેવા જેટલી માહાત્મ્ય અને શ્રદ્ધાપૂર્વક થાય તેટલો તેમાં પ્રગટ મોક્ષ રહ્યો છે, પણ આ વાત તરત સમજ્યામાં આવતી નથી. જ્યાં સુધી સમજાય નહિ, ત્યાં સુધી પ્રાકૃતમતિ ટળે નહિ. પ્રાકૃતમતિથી પ્રાકૃત સુખ મળે તેમાં દુઃખ રહ્યાં છે.

“ભજનારામાં દોષ હોય પણ જેનો આશ્રય છે એવા સંતમાં તલભાર દોષ ન હોવાથી ભજનારાનો મોક્ષ થાય છે.”

શ્રીહરિ કહે, “પ્રશ્નનો ઉત્તર યથાર્થ થયો.”25•

મુક્તમુનિએ શ્રીહરિની સ્મૃતિ કરતા કહ્યું, “શ્રીહરિ જ્યારે જ્યારે સંતોને પાસે તેડાવતા ને સ્નેહપૂર્વક રાખતા, ત્યારે પોતાના પ્રગટ થવાની રીત (હેતુ) વારંવાર કહેતા.”

વળી શ્રીહરિ કહેતા કે, “આ સત્સંગમાં જે સંત છે તેમાં જન્મ લઈ અમે સંતનો સંગ ઇચ્છીએ છીએ. અમારી રુચિમાં તો ભગવાનના ધામમાં રહેવું તે કરતાં પણ અમે અહીં સંતનો સમાગમ અધિક માન્યો છે. સંતને અમે સૌથી અધિક એટલા માટે કહીએ છીએ કેમ કે, ભગવાન સંબંધી જે કંઈ વાત કહેવાય છે તે સત્સંગ વિના સમજાતી નથી. માયિક જન કોટિ જન્મે પણ સત્સંગના જોગ વિના ભગવાનનું ધામ પામતા નથી. એ ધામ કરતાં પણ સંતના સમાગમનું માહાત્મ્ય અપાર છે તે અમે જ જાણીએ છીએ. બીજાને તેની લગારેય ગમ પડતી નથી. જેમ જગતના જીવમાં જગતની વાત રહે છે, તેમ ભગવાનની વાત સંતમાં રહી છે. જેમનામાં ભગવાન પ્રગટ વસે છે, એવા સંતને ભગવાનની વાતમાં અધિક રુચિ હોય છે. તે ભગવાનના સંબંધ વિનાની વાતમાં ક્યારેય ચિત્ત પરોવતા નથી. ભગવાનની વાતે કરીને સંતનો મહિમા અપાર રહ્યો છે. જે સંતમાં ભગવાનસંબંધી વાતનું અધિકપણું હોય, તેમાં ભગવાનનો નિવાસ જાણવો.

“અમે સંતને અધિક જાણીએ છીએ, બીજાને તો તે પોતાના જેવા જ દેખાય તેને લીધે સંતની મોટપ તેની નજરમાં આવતી નથી. ભેગો રહીને સંતની કરે તોપણ તેની સાધારણ મતિ રહે છે. જેવી મતિ તેવો મોક્ષ થાય એમ સર્વ શાસ્ત્ર કહે છે.” આ પ્રકારની વાત શ્રીહરિ બહુ વખત વારંવાર અપારપણે કરતા. પ્રસન્નતાપૂર્વક જેમ પોતાને વર્તતું તેમ શ્રીહરિ કહેતા. અહીં તો એ વાત દિશમાત્ર લખી છે. બધી વાત કહ્યામાં આવતી નથી. સોનાની ભૂમિ હોય ત્યાં સોનાનું શું આશ્ચર્ય?26•

શ્રીહરિએ જેતલપુરના મહોલ પર વાત કરી હતી તે મુક્તમુનિએ સ્મૃતિમાં રાખેલી કહી - પ્રગટ ભગવાન મેળવાવે તે પાકો સત્સંગ છે. પૂર્વે અવતારો ઘણા થયા, પરંતુ એ પરોક્ષના ભજનથી કામ થતું નથી. આ વાત તો જે બુદ્ધિવાળો હોય ને વિચારીને હૃદયમાં તપાસ કરે તો જણાઈ આવે છે.

‘પ્રગટ મેં તાન મેલાવે તાકો, તબ સત્સંગ સો જાનના પાકો.

પ્રોક્ષ સે કબુ કામ ન હોવે, બુદ્ધિવંત નિજ દિલ મેં જોવે.’27

ગઢપુરમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “અનેક જીવના કલ્યાણને અર્થે પુરુષોત્તમ ભગવાન પૃથ્વી પર પ્રગટ થાય છે. તેમનો સમાગમ જીવને જ્યારે થાય છે ત્યારે તેને પુરુષોત્તમ ભગવાનનો યથાર્થ મહિમા સમજ્યામાં આવે છે. પછી તે જીવના ઇન્દ્રિયો-અંતઃકરણ પણ પુરુષોત્તમરૂપ થઈ જાય છે.”28•

ગઢપુરમાં શ્રીહરિએ સંતો-ભક્તોને વાત કરી કે, “પોતાના ભક્તજનને અપાર દિવ્ય સુખ આપવું એવો નિરધાર કરીને ભગવાન તેની સેવા પ્રીતિપૂર્વક અંગીકાર કરે છે. એ ભગવાન અહીં પૃથ્વી પર પોતાનું અક્ષરધામ સહિત પધારે છે. અને પૃથ્વી ઉપર વિરાજમાન રહે છે. આવી રીતે સમજીને આ વાત બીજાને પણ કરવી.”29

ગઢપુરમાં શ્રીહરિએ સંતો-ભક્તોની સભામાં એક વાત કરી, “રામ, કૃષ્ણ ઇત્યાદિ પરોક્ષ અવતારોનું માહાત્મ્ય જન જાણે છે અને શુક, સનકાદિક, નારદ, જડભરત, ઉદ્ધવ, હનુમાનજી આદિ પરોક્ષ સાધુનું માહાત્મ્ય જાણે છે એવું માહાત્મ્ય આ પ્રત્યક્ષ ભગવાન(શ્રીહરિ)ના સાધુનું સમજે તેને કલ્યાણના માર્ગમાં બીજું સમજવું બાકી રહેતું નથી. અને એવા માહાત્મ્યના સમજનારાએ સાધનમાત્ર કરી લીધા જાણવાં. આ વાત એકવાર કહ્યે સમજો કે લાખવાર પણ આટલું જ સમજવાનું છે. એ સમજ્યા વગર છૂટકો નથી. શિવ-બ્રહ્મા કે શુક નારદ-સનકાદિકને પૂછો તો તે પણ નિપુણ છે, તે અનેક યુક્તિ લડાવીને પણ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતને જ કલ્યાણના દાતા કહી બતાવે છે. પરોક્ષ ભગવાન ને પરોક્ષ સંત જેવો મહિમા પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ ભગવાનના પ્રત્યક્ષ સંતનો કહેતા હોય તેનો નિશ્ચય પણ દૃઢ જાણવો એ ક્યારેય કલ્યાણના માર્ગથી પડે નહિ.”30

ગઢપુરમાં શ્રીહરિએ સંતો-ભક્તોને વાત કરી કે, “કથા-કીર્તન, ચિંતવન, ધ્યાન, ભજન-સ્મરણ, પૂજન - જે કંઈ કહો તેમાં પ્રગટ ભગવાનનો સંબંધ રહ્યો છે. જે ભક્ત પરોક્ષ માનીને ભજે છે તેને આ પ્રાપ્તિ નથી. પ્રત્યક્ષ ને પરોક્ષભાવ સમજણમાં જણાઈ આવે છે. પ્રત્યક્ષ માને છે તેને વાતોના કરનારા, દર્શન-સુખના દેનારા તેની સામે છે. માટે જે પ્રત્યક્ષને ભજે છે તે સૌથી શ્રેષ્ઠ છે. ને તે પોતે પણ પોતાને ક્યારેય ન્યૂન માનતો નથી.”31•

કારિયાણીમાં શ્રીહરિ વાત કરવા લાગ્યા, “આ પૃથ્વી પર અમે પ્રગટ હશું ત્યાં સુધી અધર્મનું જોર લેશમાત્ર ચાલશે નહિ. અમારી આગળ અધર્મ થરથર ધ્રૂજે છે. સૂર્ય આગળ અંધારું કેવી રીતે ટકી શકે?”

હીરજીભાઈ કહે, “આપે સાચી વાત કહી. તમે પ્રગટ થયા છો તે દિવસથી શરણે આવેલા અપાર જીવોનો ઉદ્ધાર થયો છે, પણ તમારા પછી એવી પુનિત કલ્યાણની રીત કેવી રીતે ચાલશે તે કહો.”

ત્યારે શ્રીહરિ કહે, “તમે જે રીતે વિચાર્યું તેનો વિચાર અમે નિત્ય કરીએ છીએ. આ જ રીતે કલ્યાણનો માર્ગ અમારા પછી પણ ચાલુ રહેશે અને તો જ અમારું આ લોકમાં આવ્યું સાર્થક કહેવાય ને! કલ્યાણની પરંપરા ન રહે તો પ્રગટ થયાનો અર્થ રહે નહિ. કલ્યાણનો આવો જ પ્રવાહ ચાલશે. એમાં તલભાર પણ મિથ્યા જાણશો નહિ. કલ્યાણના પ્રવાહ માટે નિયમની એક સડક અમે બનાવી છે. બધાં શાસ્ત્રોમાંથી સારરૂપ મોક્ષપરાયણ વચન શોધીને તે સડકમાં જડી દીધાં છે, અને તેમાં વિઘ્નરૂપ અધર્મી ગુરુ (અસત્પુરુષ)ની ઓળખાણ કરાવીને કુમાર્ગ પણ દેખાડી દીધા છે. અને સત્પુરુષના સંગરૂપી અનુપમ મોક્ષમાર્ગ બતાવ્યો છે, તેથી બ્રહ્માંડ રહે ત્યાં સુધી કલ્યાણનો પ્રવાહ ચાલશે. અમારાં વચન તે અમે છીએ. હરિજન થઈને સત્સંગની રીત બહાર ચાલશે તેનો ઉદ્ધાર થશે નહિ.

“ભગવાન અને ભગવાનના સંતો-ભક્તોને જે દિવ્ય જાણશે અને તેની સેવામાં ક્યારેય મન ચોરશે નહિ ને પોતાનો દોષ જોતો રહેશે તેનો ઉદ્ધાર થશે, પરંતુ પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે ને તે જ્ઞાની, ત્યાગી ને ધ્યાની હશે તોપણ તેના કલ્યાણમાં ફેર છે. સંત-હરિભક્તના ચરણની રજ પોતાને સમજે ને નિષ્કપટ વર્તે તેનો નિશ્ચય મોક્ષ થાય છે.”32

લોયામાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “જેને સાચો સત્સંગ મળે છે તે પૂર્ણમાસીના ચંદ્રની પેઠે સતત વૃદ્ધિ પામ્યા કરે છે. જ્યાં ભગવાન અને ભગવાનનું ધામ રહ્યું છે, ને ભગવાનના ભક્તોનો મહિમા પણ અપાર છે એવા સત્સંગની તોલે અનંતકોટિ બ્રહ્માંડ આવતાં નથી, કેમ કે એ અનંતકોટિ બ્રહ્માંડનું સુખ આ સત્સંગના સુખ આગળ લૂખું છે. નારદ, શુક, સનકાદિક, ઉદ્ધવ, હનુમાનજી જેવા ભક્તો આ પ્રગટ ભગવાનના સુખ પાસે અનંતકોટિ બ્રહ્માંડનાં સુખને મળ તુલ્ય સમજે છે.”33

અંકલેશ્વરમાં શ્રીહરિએ કહેલી વાત મુક્તમુનિએ ઉત્તમ નૃપને કહેતાં કહ્યું, “અજામિલને અજાણતાં પણ સાચા સંતનો સંગ થયો ને તેની સેવા કરી તો એના જીવનો ઉદ્ધાર થયો છે. પિંગલા જેવી વેશ્યા પણ દત્તાત્રેયનો યોગ થવાથી તરી ગઈ. યવન, ગીધ, કંક, વાનર જાતિ કે શ્વપચ પણ પ્રગટ ભગવાન કે તેમના સત્પુરુષના યોગે ભવપાર થયા છે.

“ભગવાન કે સત્પુરુષના યોગ વિના ચહાય તેટલા ગ્રંથ ભણે કે વેદ ભણે તો પણ તે શબ તુલ્ય છે. કાષ્ઠ અને પથ્થરમાં અગ્નિ રહ્યો છે એ વાત સાચી, પણ પ્રગટ અગ્નિ વિના કાર્ય સરતું નથી. તેમ પ્રગટ ભગવાન કે પ્રગટ સત્પુરુષ વિના જીવોનો મોક્ષ ક્યારેય થતો નથી.

“સત્ય માર્ગ પર ચાલવે કરીને સત્પુરુષ ઓળખાય છે. સૂર્ય ઊગે તેનો પ્રકાશ ચારે દિશામાં પ્રસરે પણ ઘુવડ તેને જીવનભર દેખી શકતા નથી. સૂર્યના પ્રતાપની તેને પરખ જ નથી, તેમ શ્રીહરિનો પ્રતાપ પ્રગટ છે. તેને જેમ છે તેમ જે નથી જાણતા તે બુદ્ધિમાન હોવા છતાં બુદ્ધિ વિનામાં ખપે છે.”34

મુક્તમુનિએ ઉત્તમ નૃપને શ્રીહરિની પ્રસાદી તુલ્ય વાર્તા કહેતાં કહ્યું, “સત્યવાતનું આચરણ જ્યાં થતું હોય ને જીવનું અજ્ઞાન ટાળે ત્યાં ધર્મવંશ જાણવો. જેનામાં ધર્મવંશ છે તેનામાં ભગવાનનું પ્રગટપણું માનવું.

‘અજ્ઞાન ટારત જેતી બાતા, ધર્મવંશ હિ તેતિ રહતા,

ધર્મવંશ કી બાત રહે જામેં, પ્રગટ ભગવાન રહત તામે.’

“અધર્માચરણ થતું હોય ત્યાં ભગવાન ક્યારેય રહેતા નથી, એવાં તીર્થ કે ધામ પણ ભગવાન વિનાનાં જાણવાં. પૂર્વે કહેલો ધર્મવંશ જેને રુચે તેને આ વાત દેખ્યામાં આવે છે. ભગવાનના નિવાસ વિના સત્ય વાત પણ રુચતી નથી ને એટલે જ જીવને દુઃખ મટતું નથી.”

‘એસે શ્રીહરિ બાત બહુ, કરતા રહે હિત લાય,

હરિજન પર રહે હિત બહુ, મુખ કહે ન આય.’35

*

પરિશિષ્ટ

શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:

જ્યાં ભાગવત ધર્મ, એકાંતિક ધર્મ છે, ત્યાં ભગવાન પ્રત્યક્ષપણે રહે છે. પ્રત્યક્ષ હરિના ભજન વિના, ભક્ત થયો હોય તોપણ તેનો મોક્ષ થતો નથી.

ભગવાન જ્યારે પરોક્ષ હોય છે, ત્યારે તેમને માનવાવાળા ભક્તો પણ અપાર હોય છે, પરંતુ પ્રત્યક્ષને જ્યારે તે નિશ્ચય કરી માને છે, ત્યારે અક્ષરધામમાં જાય છે. પ્રગટ માન્યા વિના અક્ષરધામની પ્રાપ્તિ થતી નથી.

‘પરોક્ષ હરિ હોત જબ, અનંત હિ ભક્ત હોત તબે,

પ્રત્યક્ષ હિ માને તબ, અક્ષરધામ મેં જાત તેહિ.’36

મનુષ્ય માત્ર પરોક્ષને આધીન રહે છે. પ્રગટની વાત કઠણ પડે છે. સૂઝે તેવો જ્ઞાની હોય તોપણ પ્રગટની વાત આવે ત્યાં અટકી પડે છે.37

રામાનંદ સ્વામીએ શ્રીહરિને કહ્યું, “સદ્‌ધર્મ અને સદ્‌ભક્તિ તમારાં માતાપિતા છે. તથા સત્ જ્ઞાન અને સત્ વૈરાગ્ય તમારા બંધુ છે. આ ચારે ઉપરાંત ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન વિના ફક્ત ધર્મનો વંશ હોય, તો એકવાર અન્ન આપવા યોગ્ય છે પણ માનવા યોગ્ય નથી. કારણ કે, વંધ્યા ગાયથી વિસ્તાર થાય નહિ.”38•

તપ, વ્રત, તીર્થ એ બધાનું પ્રયોજન પ્રગટ ભગવાન મળી આવે એ છે. જ્યાં સુધી પ્રગટ ન મળે, ત્યાં સુધી એ કર્યા કરવું, પરંતુ જ્યારે ભગવાન પ્રગટ મળે છે ત્યારે તે કહે તેમ કરવું તેમાં બધાં સાધન આવી ગયાં. પ્રગટ મૂર્તિ મળે ને જો એના વચન મુજબ ન વર્તે તો તેને પ્રગટ મળ્યાનું કોઈ ફળ નથી.39•

મોક્ષભાગી જનો અસત્ તત્ત્વોને કુસંગ જાણી તેનો સંગ કરતા નથી. દેહ-ગેહાદિક સાંસારિક પદાર્થ, દેહસંબંધી માત-તાત, કુટુંબ-પરિવાર તેમજ સત્સંગ કરવામાં વિઘ્નકર્તા પિંડ-બ્રહ્માંડ બધું ભગવાનના ધામ આગળ અસત્ છે. સારમાં સાર સર્વોપરી શ્રીહરિ છે. ઇન્દ્રિયો-અંતઃકરણ તેને પિછાણી ન શકે તો તે અસત્ છે. મોક્ષપરક ગ્રંથો પણ પિંડ-બ્રહ્માંડને અસત્ જાણી, મન-ઇન્દ્રિયોના સંગને કુસંગ જાણી તેનાથી છેટે રહે છે.

સાચા સંત મળતાં આ વાત સમજ્યામાં આવે છે. આત્મા-પરમાત્માનું જ્ઞાન સાચા સંત દૃઢ કરાવે છે. ભગવાનના સંબંધવાળા ભક્તો, સંતો, વર્ણીઓ સર્વે સત્ છે. સત્ ધર્મ, સત્ જ્ઞાન, સત્ ભક્તિ ને સત્ વૈરાગ્ય જેમનામાં સદા વર્તતાં હોય તો જાણવું કે શ્રીહરિ ત્યાં પ્રગટ છે. એવા સંત ભગવાનનું ધામ કહેવાય છે. જેમાં શ્રીહરિ નિવાસ કરીને સદા રહે છે.40•

જીવને મોક્ષનું કામ પ્રગટ ભગવાન મળે ત્યારે જ સરે છે. પ્રત્યક્ષ શ્રીહરિથી જેવો મોક્ષ થાય છે, તેવો બીજા કોઈથી થતો નથી. પ્રગટ ભગવાન વિના જો બીજાથી મોક્ષ થતો હોત તો કોઈ પ્રગટને ભજેત જ નહિ. શ્રીહરિ સ્વયં મનુષ્યદેહે પ્રગટ હોય અથવા શ્રીહરિ જ કોઈને મોક્ષ કરવાની સામર્થિ આપે તેનાથી જીવનો મોક્ષ થાય છે. શ્રીહરિના વચનથી એવા જન (શ્રીહરિના ભાવને પામેલા એકાંતિક સાધુ) કોટિ જીવોનો મોક્ષ કરે છે. શ્રીહરિના વચનનું આ સામર્થ્ય છે. જેનો વિચાર્યા વગર ખ્યાલ આવતો નથી. વિચાર ન કરે તે કલ્પો સુધી દુઃખી રહે.41•

જ્યાં વિષય, ફેલ કે વ્યસનસંબંધી કોઈ વાત ન હોય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સહિત ભગવાન શ્રીહરિની વાતો, કથા ને કીર્તન હોય, ગ્રામ્યવાર્તાનો ઉચ્છેદ થઈ ગયો હોય, ત્યાં પ્રગટ મોક્ષ રહ્યો છે તેમ જાણવું.42

પ્રગટ ભગવાનના સંબંધ વિના ગમે તેટલાં જપ-તપ કરે, પણ બ્રહ્માંડની બહાર ગતિ નથી.43

જ્યાં વર્તન છે ત્યાં જ પ્રગટ મોક્ષ છે ને પ્રગટ શ્રીહરિ પણ એ સ્થાને જ વસે છે. શ્રીહરિની જે કંઈ વાત છે તે પણ વર્તનમાં જણાઈ આવે છે. આવું વર્તન જ્યાં દેખાય ત્યાં મોક્ષ માનવો. કારણ, શ્રીહરિ જ્યાં પ્રગટ હોય ત્યાં જ આવું શક્ય બને. પ્રગટની આવી સમજ નથી ત્યાં સુધી એટલી કસર હરિજનને રહે છે.44•

જ્યાં પંચવિષયનું ખંડન હોય, ઇન્દ્રિયોનો નિગ્રહ હોય, ત્યાં ભગવાન પ્રગટ હોય છે. શુભ વર્તન ઉપરથી પ્રગટ ભગવાન ઓળખાય છે. નારી-ધનને જે બંધનરૂપ માને તેને પ્રગટ ભગવાન મળે છે. પ્રગટને મળેલ સંતથી પ્રગટ ભગવાનનું જ્ઞાન થાય છે.45

સત્શાસ્ત્ર મુજબ ચાલતા હોય ને અસત્શાસ્ત્રનો ત્યાગ કર્યો હોય, તેણે કરીને તેને સત્પુરુષ કહેવાય છે. અહીંનું સુખ ચ્હાય તેટલું મળે, પણ તેને અસત્ય ને તુચ્છ કરી વર્તતા હોય. દેહ ને દેહના સંબંધીમાં હેત-મમત્વ ન હોય, એક ભગવાનને જ સત્ય માનતા હોય એવા સત્પુરુષ પ્રગટ ભગવાન છે.46•