૫. પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ
શ્રીહરિ પોતાની માતાને ઉપદેશ દેતા થકા કહે છે,
‘હે માત, મેં અબહિ જો તોઈ, પરમાત્મા કે સ્વરૂપ હિ સોઈ.
તાકે જ્ઞાન કહત હૈં જોઉ, જથાર્થ જૈસે રહાયે સોઉ.’
“હે માતા, હવે હું તમને પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કહું છું: પરબ્રહ્મ પુરુષોત્તમ માયાના ગુણથી રહિત હોવાથી નિર્ગુણ કહેવાય છે, પ્રકૃતિના જે ગુણો છે તે તેમનામાં લેશ પણ નથી. શ્રીહરિ અક્ષરધામના અધિપતિ છે. મહાસમર્થ અવિનાશી છે. અલૌકિક દિવ્યમૂર્તિ છે. અક્ષર આદિના આત્મા છે. અક્ષરથી પર એવું મહાસ્વરૂપ છે. સર્વ જીવોના અંતર્યામી અને સર્વોપરી છે. એમનાં ચરિત્ર અને ગુણ અપાર છે.”1•
શ્રીહરિ માતાને કહે, “હે માતા, પરમાત્મા શ્રીહરિ સૌના નિયંતા છે, બીજા સૌ એ પરમાત્માને આધીન છે - આવું જ્ઞાન સત્પુરુષનો પ્રસંગ કરવાથી પ્રાપ્ત થાય છે. એ પામ્યા પછી જાણવાનું કાંઈ બાકી રહેતું નથી. જે સત્પુરુષનો પ્રસંગ કરે છે તેનાં સંસારનાં બંધન તૂટે છે અને ભગવાનના ધામને તત્કાળ પામે છે.”2
ગઢપુરમાં ઉન્મત્તગંગામાં સ્નાન કરી શ્રીહરિ જીવેન્દ્ર નૃપના દરબારમાં આવી બિરાજ્યા ને સૌને પરાત્પર અક્ષરધામની વાર્તા કરવા લાગ્યા:
‘અક્ષરધામ કહાવત જોઉ, તિનસે આપહિ આયે સોઉ;
જિન કારન લીને અવતારા, સો સબ કહત કરિ વિસ્તારા.’
“માયાપાર જે અક્ષરધામ કહેવાય છે, ત્યાંથી અમે સ્વયં અહીં પ્રગટ થયા છીએ. સાથે અક્ષરધામ ને મુક્તોને લાવ્યા છીએ. એ સિવાય ત્રિલોક, વૈકુંઠાદિ ધામના વાસીઓ પણ આવ્યા છે. રાધા, લક્ષ્મી ને તેનો સેવકવર્ગ પણ આવ્યો છે. કેટલાક શ્વેતદ્વીપ ને બદરિકાશ્રમના મુક્તોએ પણ દેહ ધર્યા છે.”3
મોડા ગામે રણમલજીના ભવનમાં શ્રીહરિએ નિવાસ કર્યો. અરુણોદય પછી સંતોને ઉદ્દેશીને શ્રીહરિ કહેવા લાગ્યા, “એક એક ગુણ સાધુનો શીખવો. ગુણ શીખવા એ સંતની રીત છે. અમને તમે જે જે આવીને મળ્યા છો તે સર્વને બ્રહ્મરૂપ કરવા છે, માટે ખબરદાર થઈને રહેજો, નહીં તો પગ ટકશે નહીં. અમે જે દિવસથી સત્સંગમાં આવ્યા છીએ, તે દિવસથી અમારા સ્વરૂપના નિશ્ચયની દૃઢતા કરાવીએ છીએ હૃદયમાં અમારા સ્વરૂપની દૃઢતા પ્રથમ પાકી થઈ જાય પછી તેને પોતાનું સ્વરૂપ સહેજે ઓળખાય છે, ને તે પરમ પ્રકાશ અનુભવે છે. સૂર્ય વિના અંધારું ટળે નહિ, તેમ મારા સ્વરૂપની દૃઢતા વિના જ્ઞાન થતું નથી.”
‘મેરે સ્વરૂપ કી દૃઢતા, પ્રથમ હોવે ઉર જાસ;
તેહિ કર નિજ સ્વરૂપ કો, હોવહિ પરમ પ્રકાશ.
સૂર્ય ઉદે બિન, તમ ન ટરે કબુ નેંનઉં સેં;
સર્મ કરે કોટિ દિન, મમ જ્ઞાન બિન ન જ્ઞાન હોત.’4
વડતાલમાં જોબનપગી તેમજ નારણગિરિ વગેરે ભક્તો સન્મુખ શ્રીહરિએ પોતાના સ્વરૂપની અદ્ભુત વાત કરતાં કહ્યું, “અહીં જન્મ પામનાર પંખીઓ, પૂર્વે ઋષિઓ હતા. તે મુક્તિ માટે આવ્યા છે.”
હરિજનો કહે, “અમે તો કોઈને ઓળખતા નથી. તમારી ગત ન્યારી છે, તે તમે જાણો.”
ત્યારે શ્રીહરિ કહેવા લાગ્યા, “અમારું સર્વોપરી અક્ષરધામ અહીં ભેગું જ રહ્યું છે. પણ, કોઈના દેખ્યામાં આવતું નથી. મુક્તો પણ અપાર છે, પરંતુ અમારી ઇચ્છાથી કોઈને પોતાના આશ્ચર્યનું તાન નથી, બધા મનુષ્યભાવે વર્તે છે.”5•
મેથાણમાં શ્રીહરિએ સભામાં વાત કરતાં કહ્યું, “અમે અમારા આશ્રિત ભક્તોને અક્ષરધામનું અલૌકિક સુખ આપવાનો સંકલ્પ કર્યો છે. એટલા માટે અમે સત્સંગમાં વિચરણ કરીએ છીએ. અમને બીજો કોઈ સ્વાર્થ નથી, અમારી કોઈ ક્રિયા અમારા સ્વાર્થ માટે નથી. ખાતાં, પીતાં, ઓઢતાં, પહેરતાં બધી ક્રિયામાં અમે અમારા સ્વરૂપનો વિચાર ભૂલતા નથી. સ્વરૂપ વિના બીજું ચિંતવન કરતા નથી. અમારા સ્વરૂપથી અધિક કોઈને જોતા નથી. વિચારરૂપી ખડગે કરીને માયાનાં બધાં આવરણો અમે છેદી નાખીએ છીએ. જીવના મોક્ષ માટે વિચરીએ છીએ.
“બ્રહ્માંડના જેટલા પદાર્થ છે તેમાંથી કોઈ અમને આવરણ કરવા સમર્થ નથી. અમે અમારા સ્વરૂપના સુખે સુખિયા છીએ. બીજાં સુખમાત્રને દુઃખદાયી જાણ્યાં છે. જ્યાં લગી કાળનો ભય છે, ત્યાં લગી દુઃખ છાયું છે, એક ભગવાનનું શરણ અભયપ્રદ છે. આજ જે જે સત્સંગી થયા છે તે સર્વે અભયપદ પામી ગયા. અમારા સ્વરૂપની જેને સમજ નથી, તેને સુખની કોઈ ગમ જ નથી.
“રાજાએ જાતિથી હીન ભિખારણને રાણી કરી, પણ તેનો સ્વભાવ ભિખારણનો જ રહ્યો. તેમ સમજણ વિનાના હરિભક્તોને પણ એવા જ જાણવા.”6
ગઢપુરમાં જીવેન્દ્રના ભવનમાં શ્રીહરિ વિરાજતા હતા ત્યારે જીવેન્દ્રએ પ્રાર્થના કરી કે, “પ્રભુ! હવે ક્યારેય ઉદાસ થશો નહીં, અને અહીંયા નિવાસ કરીને રહો.”
શ્રીહરિ કહે, “અમને રાખવા કઠણ છે. અમે જેને પોતાના માન્યા છે, તેને વારંવાર વઢીને કહેવું એવો અમારો સ્વભાવ છે. અમે વઢીએ તોપણ અમારા સિવાય જીવનો ઠરાવ બધો ઉડાડી દે એવો હોય તેના ઉપર અમને હેત ઊપજે છે. જીવની દોટ સંસાર તરફ છે, અમારી દોટ ભગવાન તરફ છે. અમે સંસારને સ્વપ્ન જેવો અસત્ય જાણીએ છીએ. ચક્રવર્તી ભૂપ પણ નાશ પામે છે. એવું નાશવંત બધા લોકનું સુખ છે. બ્રહ્માંડનો પ્રલય વિચારે ત્યારે મોહમાત્ર ટળે, અને અમારામાં પ્રીતિ થાય. વર્તન અને સમજણમાં ભગવાનનું ધામ રહેલું છે. આ બે વાનાં ન હોય તેને ભગવાનના ધામનું સુખ મળતું નથી. આ દેહ વિકારવાન છે, અસત્ય છે, આત્મા અને પરમાત્મા સત્ય છે, અમારું ધામ સર્વોપરી છે. આ વાત જે સંત-હરિજન યથાર્થ જાણે તે બુદ્ધિવાન છે. તેનો દેહ પડે છે ત્યારે વિમાનમાં બેસીને તેનો આત્મા હરિના ધામને પામે છે.”7
જેતલપુરના મહોલમાં શ્રીહરિ વિરાજતા હતા. સંધ્યાવેળા થઈ. મશાલનો પ્રકાશ થયો. મોટી સભા ભરાઈને બેઠી. આરતી-નારાયણ ધૂન થયાં. પરોક્ષ અવતારોનાં નામ લઈ, તે તે અવતારે કરેલી ભક્તોની રક્ષા ને દિવ્ય ચરિત્રોનો ઉલ્લેખ કરી શ્રીહરિએ કહ્યું, “જેને જે અવતારનો યોગ થયો તેણે તે અવતારને સર્વથી મોટા ગણ્યા, પતિવ્રતા ભક્તિવાળાની આ રીત છે. અવતારોના પણ અનંત ભેદ છે તે જોઈને તેનું સાચું પારખું થાય, પરંતુ તેને પરખનાર પણ બહુ ઓછા છે. જેમ હીરાથી હીરો વેંધાય, તેમ જ્યારે સ્વયં શ્રીહરિ પ્રગટ થઈને પોતાનું સ્વરૂપ ઓળખાવે છે ત્યારે તે વાત માન્યામાં આવે છે. બીજો કોઈ શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન કરાવવા જાય તેમાં પોતાની સમજનો ગુણ મૂકે, પણ યથાર્થ નિરૂપણ કરી ન શકે. જે દર્પણ તુલ્ય, જેમ છે તેમ વાત કરે તે તેના વર્તનમાં દેખાઈ આવે. શ્રીહરિનો પ્રગટપણે સર્વોપરી નિશ્ચય જેને થયો તે જેવો શ્રીહરિનો મહિમા જાણે ને સર્વોપરી માને એના જેવું માહાત્મ્ય બીજો કોઈ જાણી ન શકે ને કહેવા જાય તોપણ તેમાં ન્યૂનતા જરૂર રહે. અરે, પાતાળ લોકથી પ્રકૃતિપુરુષ ને અક્ષરબ્રહ્મ પર્યંત બધાને ન્યૂન કહી દેખાડે.
“જ્યારે શ્રીહરિ પોતાના સ્વરૂપની વાત કરે તેમાં કસર રહેવા ન દે. કારણ, પોતે સર્વ અવતારના કારણ છે. દેખાદેખીથી કોઈ બીજા અવતારને આ પ્રમાણે (સર્વનું કારણ) કહેવા જાય તો તે અવતારનો ચોર ઠરે છે, કારણ કે પોતાનો મોક્ષ પ્રગટ વિચરતા શ્રીહરિના હાથમાં છે. પ્રગટ વગર કદી મોક્ષ થતો નથી. આગળ પણ અનેક અવતારો થયા તેમાં જેને જે મળ્યા ને ઓળખ્યા તેની તેવી ગતિ થઈ છે. પ્રગટની ઉપાસના ને કીર્તન સૌએ કર્યાં છે. પ્રગટનાં ચરિત્રો ગાયાં છે.
“જેને જે અવતાર મળ્યો તેણે તેનાં જ ચરિત્ર ગાયાં છે. એમ વિવેકી ભક્તે પ્રગટમાં તાન રાખવું જોઈએ. ભગવાનના અવતારની જેને ઉપાસના નથી તેને અવતારની વાત કરવી, જેથી તેને પ્રગટ ઉપર પણ ભાવ આવે. બીજાનું આપણે સાચું કહીએ તો આપણું સાચું માને અને અસત્ય કહીએ તો આપણને તે પણ અસત્ય કહે. બીજાને પૂજ્ય કરીને માને તો પોતે પણ પૂજાય. ભગવાનના અવતારોનું ખંડન કરે તે પાકો અસુર છે. જે અવતારે જેટલો પ્રતાપ દેખાડ્યો તે લખાયો છે. પ્રગટનાં ચરિત્રોનું ગાન-શ્રવણ કરવું તેમાં મોક્ષ નિશ્ચિત છે. પૂર્વે થયેલા અવતારોના ભક્તોએ પણ આ તાન રાખ્યું હતું. એમ સુબુદ્ધિ જને પોતાના ઘર પર (પ્રગટ મળ્યા છે તે પર) તાન રાખવું. જો એવું તાન ન રાખે, તો ત્રિશંકુ જેવી દશા થાય.”
એ પ્રમાણે શ્રીહરિને વાત કરી જે સાંભળી સંત-હરિજન સૌ પ્રસન્ન થયા, સુબુદ્ધિ ભક્તોમાં કંઈક સમજણની કસર હતી તે આ વાત સાંભળી ટળી ગઈ.8•
ઝીંઝરમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સર્વથી પર એવો હું આ સત્સંગમાં નિવાસ કરીને રહ્યો છું. મારા ઉત્તમ ભક્ત સેવક (અક્ષરબ્રહ્મ) છે તે મારા સ્વરૂપને યથાર્થ જાણીને મારું ચિંતવન કરે છે.
“હું જે જે વાર્તા કરું છું તેમાં પણ મારે એ જ તાન રહે છે કે મારી મૂર્તિ સિવાય અન્ય પદાર્થમાત્ર સર્વ સત્સંગીને ટળી જાય, મૂર્તિ જેવી પ્રીતિ કોઈમાં થાય નહિ. જેનું ચિત્ત મારી મૂર્તિ સિવાય બીજું કોઈ ચિંતવન કરે નહીં તેવા ભક્ત પર મને પ્રીતિ થાય છે. તે વિના તો અક્ષરધામ સુધી બીજે ક્યાંય અમારે પ્રીતિ નથી.”9•
સારંગપુરમાં શ્રીહરિએ હરિજનોને વાત કરતાં કહ્યું, “જે ભગવાનની મૂર્તિમાં સુખ નહિ માનીને બીજે સુખ માનનારા છે તે અમને કંચનના મહોલ, ઉત્તમ પ્રકારનાં ખાન-પાન તથા અમૂલ્ય વસ્ત્ર, હાથી, ઘોડા વગેરે આપવા માંડ્યા, પણ અમે ત્યાં પળમાત્ર ટક્યા નહિ. જે અમારી સિવાય બીજું કંઈ ન ઇચ્છે તેની પાસે તો અમે સદાય રહીએ છીએ. તેને માટે તો અમે દેહ ધર્યો છે. વિના રાખે પણ તેની પાસે અમે રહીએ છીએ.”10
શ્રીહરિ આધોઈ, ધમડકા થઈ ભચાઉ આવ્યા અને લુહાર હરિભક્તને ઘેર ઊતર્યા. તે ભક્તને તુલસીકૃત રામાયણનો અભ્યાસ હતો. શ્રીહરિ તેમની પાસે વંચાવવા લાગ્યા. ત્યારે તેમને રામચંદ્રરૂપે શ્રીહરિનાં દર્શન થયાં. આ દર્શનથી લુહાર ભક્ત ગદ્ગદકંઠ થઈ ગયા. અહોભાવથી નેત્રમાં જળ વહેવા લાગ્યાં. ત્યારે શ્રીહરિએ તેને અક્ષરધામના પોતાના સર્વોપરી પરબ્રહ્મ સ્વરૂપનાં દર્શન કરાવ્યાં. લુહાર ભક્ત અનંત અવતારોને શ્રીહરિની હજૂરી કરતા જોયા, તેના ભક્તોને પણ જોયા. લુહાર ભક્તના આનંદનો પાર ન રહ્યો. વળી, એ બધા અવતારોને શ્રીહરિએ પોતાની મૂર્તિમાં લીન કરી લીધા. આથી તેમણે શ્રીહરિને સર્વ અવતારોના કારણ અવતારી રૂપે જાણ્યા.
શ્રીહરિ કહે, “અમે ભગવાન (પુરુષોત્તમ) પ્રગટ થયા છીએ. તે અમે અમારી વાત કરતા નથી, જેને પ્રતાપ દેખ્યામાં આવે છે તે અમારા સ્વરૂપની વાત જેમ છે તેમ કહે છે.”11•
કચ્છ-ભૂજમાં સભાજનોને શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ભગવાનની કર્તૃત્વશક્તિ ભયરૂપે સર્વત્ર દેખ્યામાં આવે છે. સ્થાવર-જંગમ સૃષ્ટિ નિયમમાં રાખી છે. પાતાળથી પ્રકૃતિપુરુષ સુધી કોઈ નિયમ બહાર ડગ ભરી શકે નહિ. અનંતકોટિ બ્રહ્માંડોને આ રીતે નિયમમાં વર્તાવે છે, એવા એ સમર્થ છે. જે જીવને જે પ્રકારના દેહનો કર્મસંબંધ હોય, તેને તેવા દેહ ધરાવે છે. જેને જેવું કર્મ, તેને તેવો આહાર આપે છે. પોતાના કર્તૃત્વમાં ભગવાન પળનોય વિલંબ કર્યા વિના જીવોને કર્મનું ફળ આપે છે. અંતર્યામી છે. શુભ કર્મ કરે તેને શુભ ગતિ આપે છે, અશુભ કર્મ કરે તેને અશુભ ગતિ આપે છે. મનુષ્યને જ્ઞાનરૂપી નેત્ર દીધાં છે, છતાં જે બંધ રાખીને ચાલે છે તે ખુવાર થાય છે.”12
કરિયાણામાં દેહાખાચરના ભવનમાં નાગર સેનાપતિ શ્રીહરિના દર્શને આવ્યો. શ્રીહરિએ ઉપદેશ આપતાં તેને કહ્યું, “પરબ્રહ્મનું ધામ સૌથી પર અક્ષરધામ છે. તે ધામનું સુખ અનંત છે. અન્ય ધામનાં સુખને ભેગાં કરીએ તોપણ અક્ષરના એક રોમમાં રહેલા સુખની આગળ કોઈ ગણતરીમાં આવતાં નથી. શિવ, બ્રહ્મા તો દેવતા છે. એનાં સુખ તો અક્ષરધામનાં સુખ આગળ અતિ તુચ્છ લાગે છે. સાકર આગળ ખારો કેવો લાગે એવું છે! બાળકબુદ્ધિ હોય તે તેમાં લોભાય છે. જેમ આ લોકમાં બાળકને ચિંતામણિ અને બોરમાં કેટલો ભેદ છે તે ખબર ન હોવાથી ચિંતામણિ મૂકીને બોર દેખી લોભાય, તેમ અક્ષરધામના સુખનું જ્ઞાન જેને નથી તે અન્ય ધામના સુખમાં લોભાઈ જાય છે.
“સાચા સંતનો સંગ ન મળે ત્યાં સુધી શ્રીહરિના ધામનો લોભ લાગતો નથી, જેને એવો સંગ મળે છે તે બહુ મોટી પદવીને પામ્યા છે, પરમ અનુપમ ભક્ત થયા છે. જ્યાં સુધી માયાની મોટપ અંતરમાં મનાય છે, ત્યાં સુધી તે બાળકબુદ્ધિ છે. અનંત બ્રહ્માંડનાં સુખ પણ શ્રીહરિના ધામ પાસે તુચ્છ છે. બાળકબુદ્ધિ હોય ત્યાં સુધી તે જીવ ચોરાશીમાં ભટકતો રહે છે. જ્યારે અક્ષરધામના સુખનું પરપણું યથાર્થ મનાય છે, ત્યારે બીજાં ધામનાં સુખ તુચ્છ થઈ જાય છે, અને જીવ ચોરાશીથી ને જમપુરીથી છૂટે છે.”13
શ્રીહરિ ગઢપુર દાદાખાચરના દરબારમાં બિરાજતા હતા ત્યારે જ્ઞાનની વાતોમાં સમજી શકે એવા મોટા સદ્ગુરુઓને ગઢપુર તેડાવ્યા. નામ લખી લખી સૌને બોલાવ્યા હતા, તેથી એ મોટેરા સંતો એક એક સેવક સાથે લઈને ગઢડે આવ્યા. ઘેલાની સમીપે જીવેન્દ્રે સંતોને ઊતરવાની જગ્યા બનાવી હતી, ત્યાં સૌ ઊતર્યા. કથા-વાર્તા-કીર્તન-આરતી-ધૂન એમ સાંજ-સવાર સંતો કરતા. શ્રીહરિ દાદાના દરબારમાંથી ત્યાં સંતો પાસે પધારતા અને સ્વ-સ્વરૂપની અદ્ભુત વાતો કરતા. અન્ય અવતારો પૃથ્વી પર આવ્યા તેની પણ રહસ્ય વાતો કરતા, જે સાંભળીને સંતોને અદ્ભુત આશ્ચર્ય થતું.
શ્રીહરિ કહે, “અવતારમાત્ર કોઈને કોઈ કાર્ય નિમિત્તે પૃથ્વી પર આવે છે, ને જેવું કાર્ય તેવું શરીર ધારે છે, ને સામર્થિ પણ એવી દેખાડે છે. ક્યારેક શરીરને અદૃશ્ય પણ કરી દે છે. ભગવાનમાં એવી કળા રહેલી છે. જગતના જીવ જાણી ન શકે એવા પાસે ભગવાન કામ લે છે. ભગવાન બુદ્ધિવંતોની બુદ્ધિમાં આવતા નથી, ને આજે પણ આવ્યા નથી. અવતારો કેવી રીતે આવે છે ને અદૃશ્ય થાય છે તેની ગમ પડતી નથી. જેમ કાષ્ઠમાં અગ્નિ રહ્યો છે તે અણુ-અણુમાં વ્યાપીને સર્વાંગ રહ્યો છે તોપણ કોઈના કળ્યામાં આવતો નથી, તો આ મનુષ્યતનમાં રહેલા ભગવાન કેમ કળ્યામાં આવે!
“બીજું દૃષ્ટાંત – જેમ આકાશ સ્વચ્છ હોય ને પલકારામાં અનેક વાદળ ચઢી આવે છે. તેના તરેહ તરેહના આકાર અને રંગ હોય છે. ગાજવીજ થાય પણ નીર ન દેખાય એ આશ્ચર્ય છે, જ્યારે વર્ષા થાય ત્યારે બધા જાણે જે આ નીર નહોતું ને ક્યાંથી આવ્યું!
“સ્થાવર-જંગમના દેહ પણ ક્ષણે ક્ષણે બંધાતા હોવા છતાં તે નજરે દેખાતા નથી, એવી શ્રીહરિની કળા છે. તેમના જેવું સામર્થ્ય ક્યાંય જોવા મળતું નથી. જેમાં જેટલું સામર્થ્ય દેખાય છે તે શ્રીહરિની ઇચ્છાએ કરીને દેખાય છે. પૃથ્વી પર જ્યાં જ્યાં શુભનું પ્રવર્તન થાય છે કે શુભ દેખાય છે તે શ્રીહરિના સંકલ્પનો પ્રભાવ જાણવો. અશુભ જણાય છે તે વિમુખ જીવનું કર્તવ્ય છે.
“ભગવાનના ભક્તની સમજ અનોખી છે, જેવા ભગવાન માયાના ગુણથી રહિત નિર્દોષ છે, તેવા જ તેમના ભક્તો પણ નિર્દોષ છે, માયાથી રહિત છે. આ વાતમાં રતિભર પણ અસત્ય નથી.”
‘ભગવાન તાકું જો જન જેહા, નિર્દોષ જિતના સમજત તેહા;
નિર્દોષ તિતના હોવત તાહિ, યામેં રતિ નહિ જૂઠ કહાહિ.’14
ગઢપુરમાં ઉત્તમના દરબારમાં ઉત્તરદ્વારે શ્રીહરિનું ભવન હતું. એ અક્ષરઓરડીમાં શ્રીહરિ બેઠા હતા. મધ્યરાત્રિએ ચંદ્રનો પ્રકાશ થયો. નિત્યાનંદમુનિ તથા મુક્તાનંદમુનિ બે પાસે બેઠા હતા, મુક્તમુનિએ હાથ જોડી કહ્યું, “મનમાં અપાર શાંતિ રહે અને ક્યારેય અશાંતિ થાય નહિ એવો સારમાં સાર ઉપાય હોય તે કહો.”
આ સાંભળી શ્રીહરિ મનોમન હસવા લાગ્યા, કે શાંતિના અપાર સિંધુ સમાન હું પ્રાપ્ત થયો તોપણ દૈવની માયાનું જોર તો જુઓ! એમ, શ્રીહરિ અંતરમાં અતિશય ઉદાસ થઈ ગયા ને બોલ્યા:
“શાંતિ કરવા તો અમે સત્સંગમાં ટક્યા છીએ. અમે જે જે વાત કરીએ છીએ તેનું રહસ્ય શાંતિ કરવાનું છે. ધ્યાન, ધારણા, સમાધિ કરાવીએ છીએ. આશ્ચર્ય વાત કોઈ બાકી રાખતા નથી. અમારું ખાવું, પીવું, ચાલવું, સમૈયા કરવા, વસ્ત્ર આભૂષણ ધારવાં, જમાડવું, મળવું, પૂજા કરાવવી - વગેરે અમારી ક્રિયા જે જન અંતરમાં ધારે છે, ચિંતવે છે તેને શાંતિ થાય છે. અમારી બધી ક્રિયા શાંતિ માટે જ છે. અમે તો માનતા કે સત્સંગભરમાં મુક્તમુનિ સમાન કોઈ સમજુ નથી, પણ હવે વિચાર્યું કે સમજુના અંતરમાં પણ આજ સુધી શાંતિ થઈ નહિ તો બીજા જનની તો વાત જ શી!”
એમ વિચારમાં શ્રીહરિને હૃદયમાં ચેન ન રહ્યું. મનમાં અતિ ઉદાસ થઈ ગયા ને કહેવા લાગ્યા, “અમારો બધો શ્રમ વ્યર્થ ગયો. કોઈ વખત દયા ન કરી હોય એવી દયા અમે આ વખતે કરી છે. જન્મમરણ, લખચોરાશી ને જમપુરીનાં અપાર દુઃખ બધાનાં ટાળ્યાં છે. અરે, અમે એવું ઐશ્વર્ય મૂક્યું છે કે સંત-હરિભક્તના વચનથી કોઈ સત્સંગ કરે ને તે ગમે તેવો અધમ હોય તોપણ ધામમાં જાય!
“અનંત અવતારો પૂર્વે થઈ ગયા. તેમના જેવું સામર્થ્ય આજે અમે એક એક સંત દ્વારા દેખાડ્યું છે. આશ્રિત જનોને અંત સમયે સંતના વચનથી દર્શન દઈએ છીએ. વળી, ઊંચ-નીચ ગમે તે જાતિનો હોય, પણ અમારો આશરો કરી હરિજન થાય છે, પછી સત્સંગ કરીને તેનો જીવ અતિ શુદ્ધ થઈ જાય છે. ગમે તેવું મેલું વસ્ત્ર જળે કરીને શુદ્ધ થાય તેમ અતિ મલિનતા જેમાં હોય એવાનાં પાપ પણ સત્સંગના યોગે કરીને અમારા વચનથી નાશ પામી જાય છે. અમારી મોટાઈ અમારા મુખે કહેવી યોગ્ય નથી, છતાં કહીએ નહિ ત્યાં સુધી જનોને શાંતિ થતી નથી, આજે જે જનને સત્સંગ થયો છે તેને અમે ઈશ્વર તુલ્ય જાણીએ છીએ. કારણ, પૃથ્વી પરના ગ્રંથમાત્રનું રહસ્ય તેણે અમારા વચનમાં માન્યું છે! અમારું વચન અને બધા ગ્રંથો - તે બન્નેને એકતા છે એમ તે સમજે છે.”
આમ, શ્રીહરિને ઉદાસ થયેલા જોઈ નિત્યાનંદ સ્વામીએ વાતમાં વાત પલટી નાખી. તેઓ બોલવામાં અતિ પ્રવીણ હતા. તેમણે કહ્યું, “મુક્તમુનિનો કહેવાનો મર્મ પ્રભુ! સમજ્યા નહિ. તેઓ કહે છે કે આજે જેવી શાંતિ છે તેવી અખંડ કેમ રહે!”
ત્યારે શ્રીહરિ કહે, “ઠીક કહ્યું. તમે બોલ્યા ન હોત તો અમે તમારો ત્યાગ કરીને બદરીવનમાં જતા રહ્યા હોત. મનમાં એમ નિશ્ચય કરતા હતા તે વખતે તમે બોલ્યા. જીવ હવે સ્થિર થયો, ઉદાસીનતા જતી રહી, તમે ન બોલ્યા હોત તો સવારે અમને દેખત નહિ.”15
પછી શ્રીહરિએ પ્રસન્ન થઈને મુક્તમુનિને અંતરમાં શાંતિ અખંડ રહે એવી વાત કરવા માંડી, “અમે આ બ્રહ્માંડમાં પ્રગટ થયા. ભગવાનની યોગકળાનો કોઈ પાર પામતું નથી. જેમ જેમ તર્ક કરવા જાય, તેમ તેમ તે અપારના અપાર રહે છે. તેને પાર પામવાની ઇચ્છા રાખે તે બાળકબુદ્ધિ છે. જેમાં સર્વે આશ્ચર્ય રહ્યાં છે, જેનાથી કોઈ પર નથી (એવા અમે પોતે પુરુષોત્તમ છીએ) એવી સ્પષ્ટ વાત અમે ઘણીવાર કહી છે, તોપણ જો અંતરમાં શાંતિ રહેતી ન હોય તો શાંતિ ક્યાંથી મળશે! અમને જેવો આવડ્યો એવો ઉત્તર કર્યો. શાંતિની વધુ વાત નિત્યાનંદ સ્વામી તમને કહેશે.” એવી શીખ દઈ શ્રીહરિ પોઢી ગયા.
પછી નિત્યાનંદમુનિએ મુક્તમુનિને શાંતિ પમાડવા વાતો કરી કે, “આ શ્રીહરિ મળ્યા છે. તેમનાં ચરિત્રોમાં શાંતિ છે. તેમને રાત-દિવસ સંભારવા એ શાંતિનો ઉપાય છે. નારદજીએ વ્યાસજીને પણ પ્રગટ શ્રીકૃષ્ણના ચરિત્રમાં મન પરોવવા કહ્યું હતું. આજે શ્રીહરિ ધર્મને ઘરે પ્રગટ્યા, ગૃહત્યાગ કર્મો. અહીં આપણી વચ્ચે આવીને રહ્યા, અનેક ચરિત્રો કર્યાં તે સર્વે ચિંતવતાં પરમ શાંતિ થાય છે.”
પછી મુક્તમુનિને ઘેડ બેઠી ને ચરિત્રો સંભારતાં હૃદયમાં શાંતિ થઈ. શ્રીહરિએ આ જાણ્યું ત્યારે પ્રસન્ન થયા. મુક્તમુનિએ વિનતિ કરી, “તમને પ્રસન્ન કરવાનું અમને તાન છે માટે આપની મરજી હોય તેમ કહેજો. આ આપની મૂર્તિ અક્ષરધામમાં અખંડ વિરાજમાન છે, છતાં એવી કંઈક યોગકળા છે કે એ આવ-જા કરતી દેખાય છે. ધામની મૂર્તિ અને આ મૂર્તિમાં અધિક-ન્યૂનપણું શ્રવણ કરવામાં આવે છે ત્યારે ઉત્તાપ થાય છે.”
શ્રીહરિ કહે, “જેને જેવી સમજ તેનો તેવો મોક્ષ થાય. ન્યૂન જાણે તો ન્યૂન ધામને પામે. આ મૂર્તિને માયિક જાણે તો તે જન માયિક જ રહે. મૂર્તિ કરતાં તેજને અધિક કોઈ માની લે તો તેને કોઈ પ્રાપ્તિ નથી, લખચોરાશી ટળતી નથી. જેને હાથ છે, પગ છે, મુખ છે, નેત્ર છે, નાક અને કાન છે, સંપૂર્ણ અંગો છે એવી (સાકાર) મૂર્તિને તેજરૂપ નિરાકાર માને તેને વારંવાર દેહ ધરવા પડે છે. હવે આ જોગમાં આવ્યા પછી જેવી વાતોનું, શ્રવણ-મનન કરે તેવું અંગ બંધાય છે. જેમ કોઈ ભૂત-પ્રેતની વાત સાંભળે પછી તેને પશુમાં, પંખીમાં, વૃક્ષ-લતામાં ને ઘાસમાં પણ તે ભૂતનો આકાર બંધાઈ જાય છે. તેમ જીવ જેનામાં રુચિ કરે છે તેને તેવું તન પ્રાપ્ત થાય છે. શબ્દ સાંભળે છે તેવું અંગ બંધાય છે.”16
ગઢપુરમાં સંતોની સભામાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સર્વ અવતારના અવતારી, અક્ષરધામના ધામી એવા સાક્ષાત્ પુરુષોત્તમ જ્યારે પ્રગટ મળ્યા અને ઓળખાણ થઈ તેને સાધનમાત્ર પૂર્ણ થઈ ગયાં. વેદ-પુરાણ ને શાસ્ત્રવિદ્યા માત્ર તેમાં આવી રહી. હવે પછી જે કરવાનું છે તે કહીએ છીએ. તે તત્પર થઈને સાંભળો અને સાંભળી નિત્ય મનન કરી અમારો અંતરનો મત જેમ છે તેમ તમે સમજો. જે સર્વ સાધનનો સાર છે. તે વિના સાધનમાત્ર નિર્જીવ છે.
“પ્રગટની (અમારી) ભક્તિ ઉપાસના કરવી અને ગુરુ, સંત ને હરિજનની સેવા કરવી. જે દેખાય છે તે ચૈતન્ય-ચૈતન્ય એક નથી, તે એક એકથી અધિક છે. સૌને સરખા સમજવા નહિ. જેમ તારાથી ચંદ્ર અધિક છે, ચંદ્રથી સૂર્ય અધિક છે, તેમ ચૈતન્યમાં પણ એવા ભેદ છે. જેમ પશુ કરતાં મનુષ્યમાં અધિક જ્ઞાન છે, મનુષ્ય કરતાં દેવો અધિક છે, દેવો કરતાં ઈશ્વરો અધિક છે અને ઈશ્વરો કરતાં પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અતિ અધિક છે, એમની ઉપાસના સૌએ કરવી.
“સંત-અસંતમાં પણ અપાર ભેદ રહ્યા છે. જેમ ગંગાનું પાણી અને મદિરામાં ભેદ છે, તેમ સંત-અસંત જુદા છે, તેને ઓળખીને સંગ કરવો.
“પૂર્વે અવતારો થઈ ગયા તે વખતે જેને તેની ઓળખાણ થઈ તેણે તેનું ભજન કર્યું. પ્રગટને મળેલા હરિજન અને બીજા જન તેમાં ઘણો ભેદ છે - તે બન્નેને સરખા જાણવા નહિ. પ્રગટના ઉપાસકને તુલ્ય બીજો થઈ શકતો નથી, તે ચાહે તેટલાં સાધન કરે તોપણ તેને માયિક જાણવો.
“સ્વયં પ્રગટ ભગવાન મળે તો તેનો આશ્રય કરવો અથવા તે પ્રગટ ભગવાનના મળેલા (ભગવાનના જેવા ગુણોને ધારણ કરેલા) સંત મળે તો તેનો આશ્રય કરવો અથવા તે સંતને મળેલા સાધુ કે હરિજનનો એક એક સંબંધ કરે તો ભગવાનનો યથાર્થ નિશ્ચય થાય. અને એ નિશ્ચય-આશ્રયે કરીને અપાર જનો ભવસાગર તરી જાય છે.
“મારાં લીલાચરિત્ર કહે તથા સાંભળે તેમાં આનંદ પામનારા મારા આશ્રિતોને અંતકાળે રથ કે વિમાનમાં બેસાડીને ધામમાં લઈ જાઉં છું.
“દાસનો દાસ થઈ જે નિત્ય સત્સંગ કરે છે તેની જ ભક્તિને હું પ્રમાણ કરું છું, સ્વીકાર છું. અને એવા ભક્તની જ કીર્તિ વધી છે ને શાશ્વત રહી છે. મારી મૂર્તિ દિવ્ય છે, મારું ધામ દિવ્ય ગુણાતીત છે, મારું નામ-સ્મરણ કરતાં મારા સંતો-ભક્તો પણ દિવ્ય ગુણાતીત છે. તેને જે અસત્ય કરીને કહે છે ને અસત્ય જાણે છે તે જન જ્યારે મરે છે ત્યારે તેને જમ પકડીને લઈ જાય છે. જેમ શ્વપચ શ્વાનને ખેંચીને લઈ જાય છે, તેમ ઊંધે માથે ખેંચીને જમ લઈ જાય છે. એ જીવનું રૂડું કરવા ધારું તોપણ તેનું રૂડું થતું નથી. તે ભલે મારા જેટલા ગુણ છે ને જેટલી સામર્થિ છે તેનું ગાન કરતો હોય તોપણ તે અસત્ય (વૃથા) થઈ જાય છે.
“મારી દૃષ્ટિથી બ્રહ્માંડો ઊપજે છે ને લય પામે છે. આ વાત કોઈની બુદ્ધિના તર્કમાં આવે તેવી નથી. એવો હું આ સત્સંગમાં સદાય પ્રગટ રહું છું અને જે ખરી ભક્તિ કરે છે તેના રંગમાં રાચું છું. એવા પરાભક્તિ યુક્ત પ્રેમી ભક્તના રંગમાં વારંવાર રંગાવું મને ગમે છે. એવા ભક્તનો જે દ્રોહ કરે છે તે જમનો કિંકર થાય છે. આ બ્રહ્માંડમાં હું અખંડ નિવાસ કરીને રહું છું. જોગી, સંત, રાજા કે વિપ્રનું રૂપ ધારું છું.
“મારી જે પ્રકારની રીતભાત છે તે મેં તમને બધી જ સ્નેહપૂર્વક આ કહી છે. મારું જે સુખ ને ઐશ્વર્ય છે તે હું મારા જનને નિશ્ચે પ્રાપ્ત કરાવીશ.”
શ્રીહરિની આ વાત સાંભળી સૌ સંત-હરિજન રાજી થયા અને શ્રીહરિની મરજીમાં શીઘ્ર વર્તવા દૃઢાવ કર્યો.17•
શ્રીહરિએ પત્રમાં જણાવ્યું, “મારા ભક્તને હું અપાર ઐશ્વર્ય બતાવું છું. જેનો કોઈ પાર પામી શકતો નથી. મારા દસ હજારમા અંશના પણ દસ હજાર અંશથી અને તેના પણ તેટલા અંશથી હું સમગ્ર વિશ્વમાં વ્યાપી રહ્યો છું. જેવો દેહને વિષે આત્મભાવ છે તેવું મારે વિષે હેત હોય તેને બ્રહ્મલોક પર્યંત બધું તૃણ જેવું લાગે છે. તેવા ભક્તોનો જાગ્રતમાં પણ સુષુપ્તિ જેવો દેહભાવ રહે છે. સદા આત્માને વિષે વૃત્તિ હોવાથી અખંડ જાગ્રત અવસ્થા પણ છે.”18
ધર્મપુરનાં રાણી કુશળકુંવરબાને શ્રીહરિએ કહ્યું, “માયિક વસ્તુમાં અમે ક્યારેય બંધાતા નથી. પિંડ-બ્રહ્માંડથી પર અને અતિશય જુદા અમે રહીએ છીએ. પિંડ-બ્રહ્માંડનું કાર્ય ભગવાનના ઉપયોગમાં આવે તેટલું અમાયિક થઈ જાય છે, પછી તે બંધન કરતું નથી. ભગવાનના ઉપયોગમાં ન આવે તે વસ્તુ ચાહે તેટલી મોટી હોય તોપણ નિરર્થક કહેવાય છે.”19
ધર્મપુરમાં શ્રીહરિ કહે, “ભગવાનના સ્વરૂપ સંબંધી વાત સાચા સત્સંગ (સત્પુરુષ) વિના સમજાતી નથી, જ્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે જીવ બ્રહ્મરૂપ થાય છે. આ સિદ્ધાંત વાત છે. પરબ્રહ્મની ઉપાસના વિના બ્રહ્મસ્થિતિ થતી નથી, બ્રહ્મસ્થિતિ થાય ત્યારે ફાવે ત્યાં પ્રવેશ કરે છે અને બીજા લોકોની વાત પણ અહીં બેઠાં દેખે છે, અને બીજાની નાડી પણ ખેંચી લે છે.”20•
શ્રીહરિએ કહેલી વાત મુક્તમુનિએ કહી, “અનંતકોટિ બ્રહ્માંડની સમૃદ્ધિને કોટિ કોટિ કલ્પ સુધી અવિચ્છિન્નપણે ભોગવે તેનું જેટલું સુખ છે તેના કરતાં ભગવાનનાં એક દર્શનનું સુખ વધી જાય. વિષયસુખ અલ્પ ને તુચ્છ છે, ભગવાનનું સુખ અપાર ને દિવ્ય છે, તે બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે.”21
વિસનગરમાં શ્રીહરિ કહે, “ભગવાન વગરનું જેટલું આલંબન છે તેનો ત્યાગ કરીને જ્યારે ભગવાનનું આલંબન થાય એવા જનને ભગવાન પલભર છોડતા નથી. ભગવાનમાં રહેલી યોગકળાનો પાર અક્ષર પણ લઈ શકતા નથી. જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા તે દેખાય છે.” એમ કહી પોઢી ગયા.22
શ્રીહરિએ જેતલપુરના મહોલ પર વાત કરતાં કહ્યું, “જે સંત-હરિજન સત્સંગના નિયમમાં વર્તે અને ધર્મ-ભક્તિના પુત્ર પ્રગટ શ્રીહરિના સ્વરૂપને વિષે જ તાન રાખે અને તે વિના ચાહે તેટલો મોટો હોય તોપણ તેને ક્યારેય માને નહિ તે સાધુ કે હરિજન શ્રેષ્ઠ છે. એવા સંત કે ભક્તને કોઈ દંભી કહે તો તેથી અધિક કોઈ પાપ નથી. સંત ઉપર સાચી પ્રીતિ હોય તે છુપાવી રહેતી નથી.”23
ગઢપુરમાં શ્રીહરિએ સંતો-હરિજનોને વાત કરતાં કહ્યું, “શ્રી પુરુષોત્તમ ભગવાનનું શરીર આત્મા અને અક્ષર છે. આત્મા અને અક્ષરમાં પોતે વ્યાપીને રહ્યા છે. પુરુષોત્તમ અતિ સમર્થ છે. આત્મા અને અક્ષર તેની પાસે પરતંત્ર છે, વ્યાપ્ય છે અને આધીન છે. એવી રીતે ભગવાન બંનેના શરીરી છે અને પ્રેરક, સ્વતંત્ર, નિયંતા, સકલ ઐશ્વર્ય સંપન્ન કહેવાય છે. સૌથી પર અક્ષર છે, તેનાથી પણ પર પુરુષોત્તમ કહેવાય છે. એ જીવોનાં કલ્યાણ કરવા કૃપા કરીને પરમ સ્નેહથી પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારણ કરીને આવે છે. છતાં પણ એ સદા દિવ્ય છે. તેમને મૂર્તિમાન જાણીને તેમની ઉપાસના-ભક્તિ કરે તો તે ભગવાનનું સામર્થ્ય પામે છે. પોતાનો આત્મા બ્રહ્મભાવ પામે પછી પુરુષોત્તમ ભગવાનની સેવામાં તે રહી શકે છે.”24•
ગઢપુરમાં સંતો-હરિજનોને શ્રીહરિ કહે, “અમે સદા નિર્દોષપણે રહીએ છીએ. અમારે વિષે જે દોષબુદ્ધિ કરે છે તેને જાગ્રત-સ્વપ્નમાં ક્યારેય સુખ થતું નથી. મનમાં ભૂંડા ઘાટ તેને પીડ્યા કરે છે અને દેહ ત્યાગ સમયે બહુ કષ્ટ પડે છે.”25
*
પરિશિષ્ટ
શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:
બાજીગર (નટ, ગોડિયો) ઘેર ઘેર ભિક્ષા માગી તુચ્છ નિર્વાહ કરે છે - તેની ગતિ કળા પણ સમજાતી નથી, તો માયાના પણ સ્વામી અને સિદ્ધના પણ સિદ્ધ શ્રીહરિનાં ચરિત્રમાં અનંત આશ્ચર્ય રહ્યાં હોય તેમાં શું કહેવું?26
બદરિકાશ્રમમાં નીલકંઠવર્ણી વેશે શ્રીહરિ પધાર્યા ત્યારે નર-નારાયણ ઋષિ તેમની પ્રાર્થના કરતાં કહે છે - તમે અમારા આશ્રમમાં પધાર્યા, તેથી આશ્રમ મહાપવિત્ર થઈ ગયો. કારણ તમારાં ચરણના પ્રતાપથી અનંતકોટિ બ્રહ્માંડ નિષ્પાપ થઈ જાય છે. સર્વથી અધિક અક્ષર છે, તેમનો મહિમા આપની ચરણ-સેવાના પ્રતાપથી છે.27
નરનારાયણ ઋષિ નીલકંઠપ્રભુ પ્રત્યે બોલ્યા, “આજ આ આશ્રમના ધન્યભાગ છે. વળી, આ બદરીતરુ સ્થાનના અતિશય ધન્યભાગ છે. પ્રભુ! તમને જે જાણતા નથી તે ખરેખર અભાગી છે. તમે અમને કૃતાર્થ કરવા માટે, તપને મિષે પધાર્યા છો. પોતાની અનંત સામર્થિને છુપાડીને વિચરો છો. તમે પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વયં છો, અમે તો તમારાથી અધિક બીજાને જાણતા નથી. કોઈ બીજાને તમારાથી અધિક જે કહે છે તે દેવતા હોય કે મનુષ્ય, પણ તેને અમે પશુ જ જાણીએ છીએ. તમારી જેવા તો તમે એક જ છો, સૌના સ્વામી છો. એવું અમે જાણીએ છીએ. તમારાથી અધિક જો કોઈ બીજાને કહે છે, તે કહેનારા કોટિ વખત નરકનો ભોગ કરે છે. તમારા લીધે બીજાની મોટપ કહે છે તેનાં પાપમાત્ર નાશ પામે છે, ને તેને સદ્બુદ્ધિ પ્રાપ્ત થાય છે. પ્રભુ! તમારો પ્રતાપ જે યથાર્થપણે નથી જાણતા તે જ અમને અધિક કરીને માને છે. ખરેખર તો આજે આપે આવીને, અમને દર્શન દઈને અધિક કર્યા છે.”28•
પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ માયા અને કાળના નિયંતા છે. અક્ષરકોટિ (અક્ષરબ્રહ્મ અને મુક્તો) જેનું નિત્ય ધ્યાન ધરે છે. ક્ષર-અક્ષર પર્યંત સર્વના કર્મફલપ્રદાતા છે. એને સમાન બીજું કોઈ નથી.
સર્વ કારણના કારણ છે. અનંત શક્તિઓના ધારક છે. સૌના પ્રેરક છે. તેઓ બ્રહ્મપુરમાં સદા સાકાર સ્વરૂપે બિરાજમાન છે. અનંતકોટિ મુક્તો જેના ચરણની સેવા અને નામરટણ નિશદિન કરે છે. અક્ષરબ્રહ્મ, મુક્તો, ઈશ્વરો, જીવો વગેરે સૌના પોતે ધ્યેય-ઉપાસ્ય છે.29•
બ્રહ્માનંદ સ્વામીને સમાધિમાં બદરીપતિ નરનારાયણે દર્શન દીધાં ને કહ્યું, “અનંત અવતારો થયા છે તે સૌ અવતારોના કારણ એવા અક્ષરપતિ શ્રીપુરુષોત્તમ અવિનાશી આજે અધર્મનો નાશ કરવા પ્રગટ્યા છે. તે મહાપ્રભુને મારા જય સ્વામિનારાયણ કહેજો.”
બ્રહ્મમુનિ કહે, “અમે તો તમને અક્ષરપતિ પુરુષોત્તમ માનીએ છીએ. તમે જ એ (સહજાનંદ સ્વામી) રૂપે અહીં આવ્યા છો.”
ત્યારે નરનારાયણ દેવે કહ્યું, “અમારા જેવા તો તેમને અનંત છે, તેમના સમાન કોઈ નથી. તે આદિ નારાયણ છે. તેનું ધ્યાન અમે નિત્ય ધરીએ છીએ અને ઇચ્છીએ છીએ કે, અમારા હૃદયમાં તેઓ ક્યારે દર્શન દેશે! એ પુરુષોત્તમ નારાયણ અમારા માટે અગમ્ય છે. તો બીજી (એમનાં ગુણ-મહિમા-સ્વરૂપ સંબંધી) શી વાત કરવી?
“અમે તો એમની આજ્ઞા રતીભાર ભંગ કરતા નથી. અમારા સંકલ્પો તેઓ પોતાની શક્તિથી પકડીને તેને તોડે છે. વધું શું કહીએ? જ્યાં સુધી એમની મરજી હશે, ત્યાં સુધી લોકો અમને માનશે.”30•
અલર્ક, સોમ વગેરે રાજાઓએ બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે તમે સમાધિમાં શો પ્રતાપ દેખ્યો? ત્યારે તેમણે હસીને કહ્યું, “આપણને સર્વોપરિ વાત મળી છે. સર્વ સુખનું કારણ જે કહેવાય છે તે શ્રીહરિ અહીં રહ્યા છે. તેમનાથી કોઈ પર કે અધિક નથી – આ વાતનો મને દૃઢ નિશ્ચય થયો. સમાધિમાં શ્રીરામાનંદ સ્વામીને મેં બદરિકાશ્રમમાં દેખ્યા. શ્રીહરિ મને બદરિકાશ્રમ સુધી મૂકી અદૃશ્ય થઈ ગયા. ત્યાં અનંત ઋષિઓ સહિત નર-નારાયણના મેં દર્શન કર્યાં. તેમણે મને પોતાની પાસે બેસાર્યો.
“શ્રીહરિનાં ચરિત્ર મને પૂછવા લાગ્યા. મેં કહ્યું, ‘તમે જ અહીં બેઠા થકા ત્યાં અવતાર લીધો છે.’
“ત્યારે નરનારાયણ હસતાં થકા કહે, ‘શ્રીહરિ અક્ષરપતિ પુરુષોત્તમ છે. તેમના તુલ્ય કોઈ બીજા સમર્થ નથી. આ શ્રીહરિ અવતાર નથી, પરંતુ સર્વ(અવતારો)ના કારણ છે. તેમની ઉપર બીજું કોઈ નથી. એ સર્વોપરી સર્વનિયંતા છે. અવતારો અનંત થયા છે, તેમના ભક્તો પણ અનંત છે. તે સર્વે એકાદવાર એમનું (પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણનું) દર્શન થઈ જાય એમ રાત-દિવસ મનમાં ઇચ્છ્યા કરે છે. અમને પણ એમનાં એકવાર દર્શન થવાં દુર્લભ છે. એમણે મનુષ્યનું શરીર ધર્યું છે તેથી ભરતખંડનાં મહાભાગ્ય કહેવાય. હવે શ્રીહરિને પ્રસન્ન કરી અનંતકોટિ મનુષ્યો ભવપાર થશે. આવો અવસર ક્યારેય આવ્યો નથી.’”31•
શ્રીહરિ સુરાભક્તની ઓસરી પર ઢોલિયે તકિયા પર આવીને બિરાજ્યા. મંદ મંદ હસતા થકા સંત-હરિજન પર દૃષ્ટિ કરી, સૌને સમાધિમાં મોકલ્યા, પછી પ્રીતિ સહિત સૌને નીરખવા લાગ્યા. સમાધિની આ વાત અટપટી છે. પૂર્વે કોઈ અવતારમાં આવું ઐશ્વર્ય કદી દીઠ્યું નથી. સામર્થ્ય જોતાં અવતાર અને અવતારી વચ્ચેનો ભેદ સ્પષ્ટ જણાઈ આવે છે. આ વાત સમાધિવાળા કહે છે, પણ બીજાને તે સમજાતી નથી.32•
સમાધિમાંથી જાગ્રત થઈને ભક્તોએ શ્રીહરિને કહ્યું કે, “સૂર્યલોકમાં સૂર્યદેવે સ્તુતિ કરતાં કહ્યું, ‘તમે અવતાર માત્રના કારણ છો. અધર્મનાં મૂળ ઉખાડવા પ્રગટ થયા છો. મને આજે પવિત્ર કર્યો.’”
‘જો જો ભયે અવતાર, તાકો કારન તુમ હો હરિ;
અબ પ્રગટે ધર્મ કે દ્વાર, અધર્મ મૂલ ઉથાપ કરન.’33
શ્રીહરિ દૃષ્ટાંતો અને પ્રસંગો કહીને એકાંતિક ધર્મ સિદ્ધ કરવો એ એક વાત વારંવાર દૃઢાવતા ને કહેતા કે, “એકાંતિક ધર્મમાં ચાર તત્ત્વ આવે છે - ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ. અમે આ ચાર વાત જીવના હૃદયમાં દૃઢ કરાવવા સારું સર્વોપરી અવતાર ધારણ કર્યો છે.”
‘ભક્તિ ધર્મ વૈરાગ્ય રુ ગ્યાના, તો પર સબકો તોડત તાના;
ચાર બાત દૃઢ કરને હિતા, સર્વોપરિ અવતાર ધરિતા.’34
શિયાણીના શિવરામ વિપ્રે શ્રીહરિની પૂજા કરી. તેમણે ભાગવત અને બ્રહ્મવૈવર્ત પુરાણનો સારી રીતે અભ્યાસ કર્યો હતો. કૃષ્ણજન્મ ખંડ પ્રત્યે તેમને બહુ ભાવ રહેતો. શ્રીકૃષ્ણને તેઓ સૌથી પર માનતા.
આજે શ્રીહરિએ તેમને પોતાનું સ્વરૂપદર્શન કરાવ્યું. શિવરામ વિપ્રને સમાધિ થઈ. તેમાં તેમણે અનેક શ્રીકૃષ્ણ દીઠા. દશ અને ચોવીસ - જેટલા અવતાર પૃથ્વી પર થયા તે સર્વે શ્રીહરિની મૂર્તિમાંથી નીકળતાં ને પાછા મૂર્તિમાં લીન થતા જોયા. તેઓ શ્રીહરિના અનન્ય આશ્રિત થયા ને સ્વામિનારાયણ જપવા લાગ્યા. જેમ હાથીના પગલામાં બધાં પગલાં સમાઈ જાય તેમ સ્વામિનારાયણ નામમાં બીજાં અનંત નામ સમાઈ જાય એવો એ બળિયો મંત્ર છે. શિવરામ વિપ્રે આવો પ્રતાપ હૃદયમાં પ્રત્યક્ષ અનુભવ્યો પછી અન્યનો જાપ ત્યજી સ્વામિનારાયણમાં અધિક સામર્થિ જોઈ તેને ભજવા લાગ્યા.35•
અનંત બ્રહ્માંડોના દેવો, ઈશ્વરો, અનંત પ્રધાનપુરુષો, પ્રકૃતિપુરુષ - એકએકથી દશ-દશ ગણા અધિક સામર્થ્યવાન છે. તેનાથી પર અક્ષર છે ને એ સર્વેનું સામર્થ્ય પુરુષોત્તમ નારાયણનું આપેલું છે. રવિ આગળ તારા લીન થાય છે, તેમ તે સર્વેનું સામર્થ્ય પુરુષોત્તમ પાસે કશા લેખામાં નથી, પુરુષોત્તમનારાયણ એ સર્વની સહાય કરે છે, પરંતુ સર્વે મળીને પુરુષોત્તમની સહાયતા કરવાને સમર્થ નથી. પુરુષોત્તમને કોઈની સહાયની જરૂર પણ નથી. આનંદમય તેમનું ધામ છે. ભોગ પણ આનંદમય છે. તેમની મૂર્તિ પણ આનંદમયી છે.36•
શ્રીહરિ જેતપુરમાં ભાદર નદીએ પધાર્યા, ત્યાં રામાનંદ સ્વામીનાં સાક્ષાત્ દર્શન થયાં. શ્રીહરિ ઘોડેથી ઊતરી તેમને પગે લાગ્યા. અદ્ભુત વેશ હોવાથી બીજા કોઈ તેમને ઓળખી શક્યા નહિ.
રામાનંદ સ્વામી કહે, “હું તમારાં દર્શન કરવા આવ્યો છું.” એમ કહીને કહેવા લાગ્યા, “બીજા અનંત અવતાર થયા, જેનો ગણતાં પાર આવે નહિ. જેનામાં જેટલો પ્રતાપ હતો તેણે તેટલી સામર્થિ જણાવી. કોઈએ દીપક તો કોઈએ મશાલ જેટલું સામર્થ્ય બતાવ્યું. કોઈએ અગ્નિ તો કોઈએ વીજળી, વડવાનળ કે સૂર્ય જેટલું સામર્થ્ય દર્શાવ્યું. જેમ મહાપ્રલયની તુલનામાં અન્ય પ્રલય કોઈ નજરમાં આવતાં નથી, એ જ રીતે હે શ્રીહરિ! આપના સામર્થ્ય-પ્રતાપમાં અન્ય અવતારોનું સામર્થ્ય લીન થઈ ગયું, ઢંકાઈ ગયું. આપનું સામર્થ્ય અધર્મી, અસુરોને જાણ્યામાં આવતું નથી. સદ્ધર્મ અને ભક્તિ તમારાં માતાપિતા છે, તથા સત્ જ્ઞાન ને વૈરાગ્ય તમારા બંધુ છે. આમ, આ સઘળું ધર્મકુળ (એકાંતિક ધર્મ) આ સત્સંગમાં છે. આમ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ચારે અંગ યુક્તને ધર્મવંશ જાણવો અને એને સંત થકી મુખ્ય કરીને માનવો.
“ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ યુક્ત સંતને સન્માનવા. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને થયું હોય તે આવા લક્ષણ વગરના સાધુનું મુખ પણ જોતા નથી. ભગવાનના સ્વરૂપના જ્ઞાન વિનાનો ધર્મવંશી હોય તેને માનવો પૂજવો નહિ, ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન વિનાનો એ વાંજણી ગાય જેવો છે. તે ધર્મનો વંશ હોય તો એકવાર અન્ન આપવા યોગ્ય છે, પણ માનવા યોગ્ય નથી, કારણ કે વંધ્યા ગાયથી વિસ્તાર થાય નહિ. તમે બધું જાણો છો, પણ આટલો સંકલ્પ થયો તે તમને કહ્યો.37•
રામાનંદ સ્વામીએ શ્રીહરિને દર્શન દઈ કહ્યું, “તમે અક્ષરધામનું મહા તખત છોડીને મૃત્યુલોકમાં પધાર્યા છો એટલે આ સત્સંગના ભાગ્યનો પાર નથી. તમારી સેવા-પૂજા માટે અક્ષરમુક્તો પણ પ્રગટ્યા છે. અક્ષરધામમાં રહેલા અહીં આવ્યા છે. જેને આપનું સ્વરૂપ ઓળખાયું તેને હૃદયમાં શાંતિ છે. હવે જે આવ્યા છે તેને ફરી આ પૃથ્વી પર આવવું ન પડે એવો આત્યંતિક મોક્ષ સૌનો કરજો. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ કદી જીર્ણતાને પામે નહિ એવો ઉપાય કરજો.
“દેશો દેશમાં મંદિરો કરજો. તે મંદિરોમાં હંમેશાં સૌને તમારાં દર્શન થાય એવું કરજો અર્થાત્ તમારી મૂર્તિઓ પધરાવજો. તમારું સ્થાન સદાય રાખે એવો ધર્મવંશ (પૂર્વ કહેલા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ યુક્ત એવા એકાંતિક સંત) રહે.”38•
કોઈ કીમિયાગર આવે ને અનંત ચમત્કાર બતાવે, શ્રીહરિની જેમ બોલે, ચાલે, હસે, જુએ. એમ અદલ દેશી લાવે, પણ શ્રીહરિના જંબુરિયા સંતો તેને કળી જતા ને લેશ પણ તેનામાં લોભાતા નહિ.
હરિભક્તોમાં એક પર્વતભાઈ શ્રીહરિના એવા પાકા જંબુરિયા હતા. તેમની સર્વોપરીપણાની અને અવતારના અવતારીપણાની સમજણ શ્રીહરિએ વખાણી હતી. હરિ વિના તેમને બીજા અવતારનાં દર્શન થાય અને શ્રીહરિ કહે કે અવતાર એ હું જ છું તોપણ તે અવતારને વિષે પ્રેમ થાય નહિ. તેમને જ્યારે પૂર્વે થયેલા અનેક અવતારો દેખ્યામાં આવ્યા, ત્યારે પણ તેમાં રુચિ થઈ નહિ.
સ્વયં શ્રીહરિએ કહ્યું, “પર્વતભાઈ! આ અવતારોનાં દર્શન કરો.” તોપણ પર્વતભાઈ ડગ્યા નહિ. પર્વતભાઈની સમજણ ચકાસવા અવતારો પાંચ વર્ષ સુધી લાગ્યા રહ્યા. તે પર્વતભાઈની પાછળ પાછળ ફરતા. ખેતરમાં ખેતી કરવા જાય તો ત્યાં જતા.
શ્રીહરિ તેમને પાંચ વર્ષ સુધી વઢ્યા ને કહ્યું, “પર્વતભાઈ! તમે અવતારોને કેમ માનતા નથી?”
એમ શ્રીહરિ વઢતા ત્યારે પર્વતભાઈ હસી કાઢતા. પણ અવગુણ ક્યારેય લેતા નહિ. શ્રીહરિ બહુ વઢ્યા ત્યારે પર્વતભાઈ કહે, “મહારાજ! સર્વ કારણના કારણ આપ મળ્યા, પછી મારે પામવાનું ક્યાં બાકી રહ્યું? આવા અનંત આપનામાં સમાયા છે. આપનો પાર કોઈ લઈ શકતા નથી, બ્રહ્મા પણ માયામાં મૂંઝાઈ ગયા હતા. આપની માયા એવી અટપટી છે કે બીજાની મતિ મૂંઝાઈ જાય. હું તો એમ દૃઢપણે સમજું છું કે વૃક્ષની અનંત શાખાઓ હોય, નાની ડાળીઓ ને પાંદડાં ગણ્યાં ન ગણાય એટલાં હોય, એ બધો વિસ્તાર બાથમાં આવે નહિ, પણ એક થડને બાથ લીધી તો બધાંય બાથમાં આવી ગયાં ગણાય. પ્રભુ! મેં તો એવો વજ્ર સમાન દૃઢાવ કર્યો છે કે કરોડ ભુજાવાળા ભગવાન પ્રગટ થાય ને તમારી જેવું સામર્થ્ય દેખાડે તોપણ હું તમારાથી વિશેષ તેને લેખું નહિ, મનમાં અમે જેવો ઘાટ કરીએ છીએ તે પ્રમાણે તમે દર્શન આપો છો. પછી તમારા વિના અમે બીજી વાત શીદ કરીએ! કારણને છોડી કાર્યને વળગે તે હરિભક્ત હોય તોપણ ભોળો છે. તમારી પૂર્ણ કૃપા હોય તો સદાય તમારામાં એક મતિ રહે.
“તમારું સામર્થ્ય અપાર છે. દેખ્યાથી પાર પમાતું નથી. તમારા એક એક રોમ છિદ્રમાં અનંત કોટિ બ્રહ્માંડ રહ્યાં છે. એ અનંત બ્રહ્માંડોમાં બ્રહ્મા આદિ એક એકથી અપાર રહ્યા છે, એ બધાનું સામર્થ્ય તમારા થકી છે.
“એક બ્રહ્માનું સામર્થ્ય પણ પાર પામી શકાતું નથી તો આપના સામર્થ્યની શી વાત કરવી! જેમ ચિંતામણિમાં કોઈ પદાર્થ દેખ્યામાં આવતો નથી, પણ પદાર્થમાત્ર તેમાં રહ્યા છે તે બધા સમય આવ્યે પ્રગટ થાય છે. એમ આપનું સામર્થ્ય આપ ઢાંકીને વર્તો છો, પણ સમયે પ્રગટ થઈ આવે છે.”39•
શ્રીહરિ તો એકના એક જ છે. તેમના ભજનથી જીવનાં પાપ બળી જાય અને અક્ષર જેવી મોટાઈ આવે. શ્રીહરિના બળથી જેવો સંકલ્પ ધારે તેવો સિદ્ધ થાય અને અનંત બ્રહ્માંડ રચવાનું સામર્થ્ય આવે. જેવા સમર્થ શ્રીહરિને જાણે તેવો પોતે બને, પણ શ્રીહરિ તો તેનાથી અપારના અપાર જ છે. એમ શ્રીહરિને જાણીને પોતે બ્રહ્મ સમાન થાય તોપણ શ્રીહરિનો ડર રાખી સંત-હરિભક્તોના દાસ થઈ અણુ પર્યંત કોઈ જીવને દુખવે નહિ, ત્યારે તેને અક્ષર જેટલું સામર્થ્ય પ્રાપ્ત થાય છે.40
શ્રીહરિએ ફણેણીના હરિજનોને કહ્યું, “અમારે તો તમારી ઉપર તેવો ને તેવો જ ભાવ છે, પણ દેશદેશમાં હરિભક્તો થયા છે તે ઠેર ઠેર ખેંચી જાય છે. એક એક રાત રહીએ તોપણ પાર આવતો નથી.” ત્યારે હરિજનો કહે, “તમે સાચું કહો છો. હરિભક્તો માટે જ તમે પ્રગટ થયા છો. મોક્ષનું કામ તમારા વિના બીજા કોઈ દેવ-મનુષ્યથી બને તેમ નથી. જે જે કાંઈ આશ્ચર્ય દેખાય છે તે તમારામાં જ છે. બીજામાં જો કોઈ સામર્થ્ય માને તો તેને તમારા સ્વરૂપનો નિશ્ચય નથી, એવી અમારી સમજણ છે. વળી, તમારી મૂર્તિમાં અને બીજા અનંત અવતારમાં સૂર્ય અને મશાલ જેટલો ફેર છે. હુતાશની જેટલો અગ્નિ હોય પણ સૂર્યને પહોંચે નહિ. ગિરનાર જેટલો હોય તોપણ તે પ્રકાશ સૂર્યના પ્રકાશમાં સમાઈ જાય. સૂર્ય વિનાના તારા હોય તેમાં ચંદ્ર મોટો ગણાય, પણ સૂર્ય ઉદય થતાં લીન થઈ જાય. ચંદ્ર, તારા અને અગ્નિમાં પ્રકાશ છે તે સૂર્યનો છે એવી અમારી બુદ્ધિ છે.”
શ્રીહરિ કહે, “જેમાં જેટલો પ્રતાપ છે તે છુપાવ્યો છુપાતો નથી. જેમ કસ્તૂરી ઢાંકી ઢંકાતી નથી તેમ.”41•
પરબ્રહ્મ શ્રીહરિ જ્યારે અક્ષરધામથી અવતાર ધારણ કરે છે ત્યારે પૂર્વે થયેલા અવતારોનો પ્રતાપ પોતાની મૂર્તિમાં ખેંચી લે છે ને એ સર્વેના પ્રતાપને ઢાંકીને પોતાના પ્રતાપનું સ્થાપન કરે છે. એકાંતિક ભક્ત તેનો નિશ્ચય કરી સર્વોપરી જાણે છે.42•
શ્રીહરિનો પ્રાગટ્યોત્સવ ભક્તોએ ફણેણીમાં સં. ૧૮૬૩માં કર્યો. તે દિવસે સૌએ નિર્જળ ઉપવાસ કર્યો હતો. ભજનમગ્ન રહી રાત્રિએ જાગરણ કર્યું. કારણ, સૌ શ્રીહરિને સર્વોપરી સમજતા હતા. કોઈ શ્રીહરિને સર્વોપરી કહે, પણ દેહાભિમાન હોય તો તે જ્ઞાન કથનમાત્ર છે. બુદ્ધિશાળી લોકો તેને સ્વીકારતા નથી. શ્રીહરિનો નિશ્ચય પોતાને દૃઢ થયો છે એવી અપાર વાતો લોકોમાં કરી દેખાડે ને લોકોને તેના પર ભાવ થાય એટલું ફળ મળે. પરંતુ શ્રીહરિને યથાર્થપણે સર્વોપરી જાણતા હોય એવા સંત તો પિંડ-બ્રહ્માંડથી પોતાને પર જાણીને વર્તતા હોય. જે જે વાત કરે તેમાં પણ દેહાભિમાન અને બ્રહ્માંડ-અભિમાન તજીને વર્તવાની વાત આવે. તનનું સન્માન તો કદી ઇચ્છે જ નહિ. પોતાના શરીરને તો તૃણ જેવું ગણે. લેશપણ રાગ-દ્વેષ કોઈ સાથે રાખે નહિ. તેને ઈર્ષ્યા-અસૂયા કોઈ પર હોય નહિ. એક ભગવાન શ્રીહરિનાં ચરણકમળમાં પરમ અનુરાગ દૃઢ કરીને રાખતા હોય. કોઈ અપમાન કરે તેનું લેશ દુઃખ તેને ન હોય. સમજણનું બળ અગાધ હોય. પિંડ-બ્રહ્માંડથી ન્યારા વર્તે. દુઃખનો લેશ સ્પર્શ નહિ એવા હોય. માયામાં પડેલા લોકોનો જેટલો કંઈ વ્યવહાર છે તેને ઢીંગલાં-ઢીંગલીનો ખેલ સમજે. જેમ જેમ પોતાના શરીરમાં અતિશય દુઃખ પડે, તેમ તેમ મહા સુખ થયું માને. દુઃખમાં ભગવાનનો અપાર ગુણ ગ્રહણ કરે. આવો ઊંચો વિચાર જેને હાથ આવ્યો છે એવા સંત પાતાળથી પ્રકૃતિ-પુરુષના લોક સુધીનાં સુખમાત્રને ઝેર સમજે છે. અધિક સુખને અધિક ઝેર માને છે. સ્વપ્નમાં પણ તેને સત્ય માને નહિ. સર્પ, અગ્નિ અને ઝેરને ભૂલમાં પણ કોઈ સુખરૂપ માની અડતું નથી, તેમ ઊંચા પ્રકારના વિષયોને વિષે વિષભાવના રહે અને દેહે કરીને વિષયનો યોગ થવા ન દે એવી સમજણ જેને આવી તેનો સાચો નિશ્ચય કહેવાય.43•
સ્વામિનારાયણનું નામ ભજે તે સર્વ સંત હરિભક્ત દિવ્ય છે. અનંત અપાર અવતાર થઈ ગયા તે સર્વે સ્વામિનારાયણમાં આવી ગયા. બધાનું સામર્થ્ય આમાં આવી ગયું. આ શ્રીહરિથી પર કોઈ નથી. જે આનાથી પર કહે છે તેને વિવેક નથી, અને કોઈ અવતારનો દ્રોહ પણ ન કરવો. જે દ્રોહ કરે છે તેને એટલી કસર છે, ને તે અસુરમતિનો ગણાય. દ્રોહ તજી પ્રગટ શ્રીહરિમાં સર્વ પ્રકારે જોડાઈ જવું. અન્યનો દ્રોહ કર્યા વિના અતિ હિતની વાત દૃઢપણે કરે તેની સંતમતિ કહેવાય છે. તેની સમજણ સર્વોપરી છે. તે તો અવતારોના ભક્તોને પણ દિવ્યભાવથી જુએ છે.44•
શ્રીહરિની કૃપાથી સમાધિ થતી ત્યારે તે સમાધિવાળા જનોને અલૌકિક ભૂમિકાઓ દેખાતી, તેમાં વૈકુંઠ, ગોલોક આદિ ધામ જોવામાં આવતાં. તે સર્વેથી પર અક્ષરધામ જે શ્રીહરિનું સર્વોપરી ધામ છે તે દેખ્યામાં આવતું. આ લોકમાં શ્રીહરિની અતિ નિકટ રહેતા નિષ્કામ ભક્તો પણ આ બધાં ધામોને હૃદયમાં દેખતા.45•
બ્રહ્મનિષ્ઠ પુરુષમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ અખંડ રહે છે. તે ભગવાનને સાકાર માનીને ઉપાસે છે. પંચતત્ત્વ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મને અનાદિ માને છે. મોક્ષની અનંત વાતો પ્રવર્તે છે તેમાં મૂળમાં આ પાંચ તત્ત્વ છે. બીજી વાતો શાખા ને પાંદડાં છે. અક્ષરબ્રહ્મ ધામ તેનું પુષ્પ છે અને પરબ્રહ્મ પુરુષોત્તમ સાકાર રૂપે તેનું ફળ છે.
પુરુષોત્તમ ભગવાન અનંતકોટિ બ્રહ્માંડમાં એક સાથે તનુ ધારણ કરીને દર્શાય છે, પરંતુ પોતાનું અક્ષરધામનું તખત ક્યારેય ત્યાગ કરતા નથી. એમાં અનંત યોગકળાઓ રહેલી છે કે જેનો બ્રહ્મા વગેરે પણ પાર પામી શકતા નથી. મોટા પંડિત, પુરાણી કે તત્ત્વજ્ઞાની હોય અથવા મોટા મોટા સિદ્ધ કે સમાધિનિષ્ઠ હોય તોપણ તેની મતિમાં એ પરબ્રહ્મ આવતા નથી, પરંતુ અપાર ભક્તિવાળાના બંધનમાં તે આવે છે. ભક્તિ વિના તે કોઈને વશ થતા નથી એવા મહા બળિયા છે. આ વાત પણ જેને સત્સંગ હોય ને હૃદયની ભક્તિ હોય તેને જ માન્યામાં આવે છે.46•
સંતદાસ નામે શ્રીહરિના સાધુ સદેહે જ બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ વગેરે ધામોમાં જતા ને આવતા. શ્રીહરિ કરિયાણામાં વિરાજતા હતા તે સમયે સંતદાસ ત્યાં આવ્યા. સંતદાસને જે કોઈ સંત-હરિભક્ત જેવો પ્રશ્ન પૂછે તેવો ઉત્તર કરી દેતા. બધાં ધામોની વાત કરી છેલ્લે કહેતા કે, “એ સર્વેથી અધિક અહીં છે. આ શ્રીહરિની મૂર્તિ આગળ પૂર્વે થયેલા અન્ય અવતારોનું સામર્થ્ય અને સુખ કંઈ હિસાબમાં નથી. આ વાત ગ્રંથોમાં કહી છે તેનાથી પણ માલૂમ પડે છે. માટે તમને જે પ્રાપ્તિ થઈ છે તેવી કોઈને નથી થઈ. સર્વોપરી હરિની આ વાત પાત્ર વિના ટકતી નથી, જેમ કાચી માટીના ઘડામાં નીર ટકે નહિ, નીરનો સ્વભાવ એવો છે કે પાક્યા વિનાના પાત્રમાં ન રહે. આશરો કર્યો હોય ને દેશકાળ ફરે તોપણ એકમતિ રહે તે મતિ પાકી જાણવી. પાકી મતિવાળાને સર્વોપરી વાત કરતાં ડર ન રહે. તમારી બુદ્ધિ માયિક છે તેથી ડરીને કહેવું પડે છે. પરાધીન દશામાં પણ જેની મતિમાં ફેર ન પડે તેને કહેલી વાત સમાસ કરે. એવી મતિ શ્રીહરિમાં જ્યારે થાય ત્યારે તેને સિદ્ધમતિ થઈ જાણવી. તેને જેટલી વાત કરીએ તે બધી સમાસ કરે.”
એમ કહી સંતદાસજીએ કહ્યું, “પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ ને પ્રકૃતિપુરુષ - ઉત્તરોત્તર દશ-દશ ગણા અધિક છે. તે સઘળા લોક માયામય છે. માયાથી પર અક્ષરધામ છે. તે અક્ષરધામને આધીન અન્ય બધા લોક છે. આ હું તમને પ્રત્યક્ષ દેખીને કહું છું. તમને જે કંઈ અધિક વાત લાગતી હોય તો તે આ સત્સંગમાં શ્રીહરિ સ્વયં છે. જે તમને મળ્યા છે તેથી અધિક અક્ષરધામ પર્યંત બીજે ક્યાંય નથી. અક્ષરબ્રહ્મ ને અનંતકોટિ અક્ષરમુક્તો સ્વયં ત્યાં ધામમાં રહ્યા થકા આ પરબ્રહ્મ શ્રીહરિના વચનમાં વર્તે છે. તો પછી અન્ય લોક ને તેના અધિપતિ દેવતાઓ, મનુષ્યો એ બધાની વાત શી કરવી!
“પ્રકૃતિપુરુષ, અનંતકોટિ પ્રધાનપુરુષ, અનંતકોટિ બ્રહ્માંડો, તેના અધિપતિઓ, બ્રહ્મા, ભવ, ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય આદિ દેવતાઓ, રાધા-લક્ષ્મી આદિ જેવી અનંત શક્તિઓ, નારદ, શુક, સનકાદિક જેવા મુનિઓ જેમની આજ્ઞા કદી લોપતા નથી, એવા સર્વનિયંતા મહાસમર્થ શ્રીહરિ આ લોકમાં ક્યારેય પધાર્યા નથી, તે આ અવસરે પ્રગટ થયા છે. તેમનાં દર્શન પ્રાપ્ત થયા તેનાં પુણ્યનો પાર નથી, અન્ન-જળ, દૂધ, ફળ-ફૂલનો ત્યાગ કરી કોટિ કલ્પ પર્યંત કોઈ તપ કરે તોપણ શ્રીહરિનાં એકવાર દર્શન કરનારાની તોલે ન આવે.
“શ્રીહરિ સર્વથી પર સર્વોપરી અવતારી પુરુષોત્તમ છે આ વાત સર્વેએ દૃઢ કરી લેવી. આ દૃઢતા(નિશ્ચય)માં જેટલી કસર રહી તે ક્યારેય મટવાની નહિ. મુખ્ય તો આ વાત મોક્ષ માટેની છે. તે તમારાં હિતની જાણીને મેં કહી છે.”
‘તુમહિ મિલે ભગવાન, અક્ષરધામ પ્રજંત હિ.
અધીન નહિ હેં આન, કહત હું મેં દેખકર.’47
સર્વોપરી પુરુષોત્તમ ભગવાન કોશલ દેશમાં પ્રગટ થઈ, મુખ્ય મુખ્ય પર્વત, વન, તીર્થમાં દર્શન આપી, અનેક જીવોનો ઉદ્ધાર કરી રહ્યા છે. સર્વના કારણ હોય તે ધારે તે થાય છે. સમર્થ હોય તે અણુને મેરુથી અધિક કરે છે ને મેરુને અણુથી અલ્પ કરે છે.48
શ્રીહરિ અક્ષરધામના ધામી છે, તેઓ અનંત સુખમય મૂર્તિ છે, અનંત ઐશ્વર્યોથી યુક્ત છે. અક્ષરધામના સુખનો કદાપિ નાશ નથી થતો એવું અવિનાશી સુખ છે. એવા શ્રીહરિને પ્રસન્ન કરવા મૃત્યુલોકમાં હરિજન બાઈ-ભાઈઓ મન, કર્મ વચને નિષ્કપટ ભાવે સત્સંગ કરે છે. કેટલાક પુરુષોએ નારીનો ત્યાગ કરી દીધો તો કેટલીક બાઈઓએ પુરુષોનો ત્યાગ કરી દીધો. કેટલાક સંસાર ત્યજીને ત્યાગી સાધુ થઈ ગયા છે ને પંચવિષયથી ડરીને દૂર રહે છે. શ્રીહરિની મરજીથી સ્ત્રી અને પુરુષ જુદાં જ્યાં સુધી રહેશે ત્યાં સુધી સર્વે બ્રહ્માંડો શ્રીહરિને ધન્ય ધન્ય કહી બિરદાવશે.49
શ્રીહરિને જે ભક્ત સર્વોપરી જાણે છે, તેટલો તે સર્વોપરી થાય છે. ભગવાન પણ જે ભક્ત પોતાને જેવી રીતના જાણે છે તેને તેવી રીતનો કરે છે. જેવડું પાત્ર તેટલું દિવેલ સમાય ને તે રીતે વાટનો પ્રકાશ થાય, તેમ પાત્ર પ્રમાણે શ્રીહરિ સૌમાં પ્રકાશ મૂકે છે ને તેટલું તમ નાશ કરવા તે સમર્થ થાય છે.50•
શ્રીહરિની ઇચ્છાથી સૌ હરિજનને સમાધિ થઈ. સમાધિમાં દિવ્યતન ધરીને પૃથક્ પૃથક્ ધામ દીઠ્યાં, કેટલાક વૈકુંઠમાં ગયા, કેટલાક ગોલોકમાં ગયા, કેટલાક અપાર અક્ષરધામમાં ગયા. જે જે અવતારને જે ભક્ત માનતા હતા, તેને તે તે ધામમાં દીઠા, પૃથક્ પૃથક્ ભવન હતાં. તે એક એકમાં સ્ફટિક મણિ જડ્યા હતા. સૌથી પર અક્ષરધામ અપાર દીસતું હતું. શ્રીહરિની અપાર યોગકળાનો નિર્ધાર ક્ષુદ્રજન કેવી રીતે કરી શકે? શ્રીહરિના સ્વરૂપની સમજણ વિનાની જેટલી સમજણ છે તે બંધનરૂપ છે, એ માયાનું બંધન ટળતું નથી. જેને એ સ્વરૂપની ઓળખાણ થાય છે તેને બંધન ટળે છે તે અપરંપાર સુખને પામે છે. શ્રીહરિની સમજણ મુજબ ચાલે તેની કીર્તિ સૌ ધામમાં ગવાય છે.51•
શ્રીહરિનો સિદ્ધાંત અને ચરિત્ર સર્વોપરી છે. શ્રીહરિને સર્વોપરી જાણનાર વક્તા અને શ્રોતા પણ સર્વોપરી છે.52