૮. હેત-પ્રીત

 

શ્રીહરિએ ગોંડલના ભૂપને વાત કરતાં કહ્યું, “કહ્યા વિના હિત કરે તે ઉત્તમ મિત્રનું લક્ષણ છે. મિત્ર ત્રણ પ્રકારના છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ મિત્રની પ્રીત પથ્થરમાં રેખા જેવી છે તે ક્યારેય ટળતી નથી. મધ્યમ મિત્રની રીત રેતીમાં રેખા જેવી છે જેને કોઈ સ્પર્શે નહીં ત્યાં સુધી દેખાય છે. પછી ટળી જાય છે. કનિષ્ઠ મિત્રની રીત તો આકાશની રેખા જેવી છે જે દેખાતી જ નથી. દેખાય તો ક્ષણમાં ટળી જાય છે.”1

બંધિયાથી પીપળિયા જતાં માર્ગમાં શ્રીહરિ કહે, “સિંહ બધાને મારે છે, પણ પોતાનાં બચ્ચાને મારતો નથી. બિલ્લી ઉંદરને મારે છે, પણ પોતાનાં બચ્ચાંને મારતી નથી. તેમ જેને જેના ઉપર હેત હોય તે તેનું અહિત કરે નહિ.”2

સરધારમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “હું સદા ભક્તને આધીન છું. જે મારે વિષે પ્રીતિ કરે છે તેમાં હું કરોડ ઘણી પ્રીતિ કરું છું. નિષ્કપટની સાથે મારે પ્રીતિ ટકે છે.”3

ગઢપુરમાં શ્રીહરિ કહે, “જગતનો માર્ગ અને મોક્ષનો માર્ગ બન્ને જુદા છે. અમે મોક્ષને માર્ગે ચાલ્યા છીએ. જે કોઈ નીતિ-નિયમમાં રહીને મોક્ષને માર્ગે ચાલે છે તેની સાથે અમે હેતપ્રીત કરીએ છીએ.”4

કુંડળમાં શ્રીહરિ કહે, “સાકરમાં સોમલખાર ભળે તો સાકર પણ ઝેર થઈ. તેમ સજ્જન કુસંગી સાથે હેત કરે તો તે પણ ખળ બને છે. અમારા સત્સંગી આશ્રિતે એવા ખળને ઓળખવા તેની સાથે કદાપિ હેત ન કરવું. નિર્દોષ ચરિત્રમાં પણ દોષ પરઠે તેને ખળ જાણવો.” ‘ખલ જન ખોજત દોષ’5

બોટાદમાં શ્રીહરિ કહે, “હરિજનોને સત્સંગમાં આત્મબુદ્ધિ ન થાય ત્યાં સુધી પ્રાકૃત બુદ્ધિ રહે છે, અને ત્યાં સુધી ગુણદોષ લીધા કરે છે. જેને જેના પર હેત હોય તેને તેના માટે કોઈ કામ કરવું કઠણ નથી, અરે! તેને માટે ઘરબાર સહિત સર્વસ્વ ત્યાગ કરી દે. જગતની આ રીત છે. એ જ રીત ભગવાનના માર્ગની છે. ભગવાનમાં જેને અલૌકિક પ્રીતિ લાગી ગઈ તે મરણ પર્યંત જપ, તપ, વ્રત, તીર્થ, યજ્ઞ, દાન આદિ ઉમંગથી કરે છે. જેને સારી રુચિવાળા સંતનો સંગ મળે છે, તેને સારી રુચિ પેદા થાય છે. માયિકનો સંગ થાય તો માયિક પદાર્થમાં રુચિ કરાવે છે.

“જેને સાચા ગુરુ ન મળે તેનો મનુષ્ય જન્મ એળે જાય છે.”6

મોડા ગામે શ્રીહરિ સંતોને કહે, “જેને જેના પ્રત્યે પ્રીતિ હોય તે છાની રહેતી નથી. વચન ઉચરે તેમાં અંતરની પ્રીત જણાઈ આવે છે. અતિ પ્રિય પદાર્થ પણ આપી દે છે.”7

સરધારમાં શ્રીહરિ કહે, “જેને દૃઢ સત્સંગ છે એવા એકનિષ્ઠાવાળા હરિભક્તો પરસ્પર મળે છે ત્યારે આનંદ ને પ્રસન્નતાના ઊભરા આવે છે. સંત અને હરિજનને પરસ્પર આનંદ થાય છે તે અમારે કારણે છે.”8

સરધારમાં શ્રીહરિ કહે, “અલૌકિક સમજણવાળાને સુખ અને સંતોષ રહે છે. એવા જન પર હરિભક્તોનું હેત પણ દિન-પ્રતિદિન વધતું રહે છે. હેત વધે એ જ સત્સંગ કરવાનું ફળ છે. ભગવાન કે ભગવાનના ભક્તની સાથે નિશદિન રહે, પણ હેત વધે નહિ તો એમાં શું રૂડું થયું? માટે દૂર રહે પણ હેત વધે તો સાથે રહ્યા છે એમ સમજવું. સ્વાર્થરૂપી વિષ ભળે ત્યારે હેત તે કુહેતરૂપ બની જાય છે. વધારે પરિચયથી દોષદૃષ્ટિ થાય છે. પરમ મિત્રની પેઠે સંત-હરિજનમાં હેત હોય તો જ દોષ દેખાતા નથી.”9

બાબરામાં શ્રીહરિ કહે, “જીવને જેમાં સ્નેહ લાગે છે તેનો તેને ક્યારેય અભાવ આવતો નથી. સ્નેહ મનુષ્ય પાસે અતિ નીચ કામ કરાવે છે.”10

ગઢડામાં અભય નૃપનો ભાવ જોઈ શ્રીહરિ પ્રસન્ન થયા ને કહેવા લાગ્યા, “તમને અને તમારા પરિવારને ધન્ય છે જે તમને ભગવાનમાં ને સંતમાં પ્રીત થઈ છે. દેહ અને ગેહથી પણ અધિક સંતમાં પ્રેમ થાય તેથી મોટું કોઈ સાધન નથી. શ્રીહરિ પછી આ પૃથ્વી પર એવા સંત જ ભવજળ તરવાનું નાવ છે. દૈત્ય-રાક્ષસ અધર્મી છે, પણ સંતને નમતા રહે છે. ભવ, બ્રહ્મા, ઇન્દ્ર ને દેવતામાત્ર સંતને નમે છે. જગતમાં રાજાઓ કે ધનાઢ્ય પુરુષો સંતને દેખીને વારંવાર મસ્તક નમાવે છે કારણ કે સંતનો મુખ્ય સરળ સ્વભાવ છે. તેની આંખોમાં ને વાણીમાં અમૃત ભર્યું છે. પોતાનો દ્રોહ કરે તેના પ્રત્યે પણ તે ક્યારેય કુટિલ વચન ઉચ્ચારતા નથી. પોતે દ્રોહને નજરમાં લેતા જ નથી, બાળકબુદ્ધિ જાણીને ક્ષમા કરી દે છે. એકમાત્ર ભગવાનની મૂર્તિમાં જ સુખને દેખે છે. તે સિવાય બધું દુઃખદાયી જાણે છે. છતાં પણ અનેક જીવનું કલ્યાણ કરવાનું હિત ધાર્યું છે તેથી લોકો સાથે એટલી હેત-પ્રીત રાખે છે.

“તમારે સંતમાં પ્રીતિ થઈ છે તે ત્રિલોક જીતી ગયા છો. જે મુખ્ય સાધન કરવાનું કહ્યું છે તે તમે સિદ્ધ કરી લીધું. સંતમાં પ્રીતિ કરી તે સાધનમાત્ર તેમાં આવી ગયાં. ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ આવ્યો કે દુઃખમાત્ર નાશ પામી ગયાં! ભગવાન અને સંતને મૂકીને જે કોઈ સુખને ઇચ્છે છે તે દિન-દિન પ્રત્યે અધિક દુઃખને પામે છે.

“જે મનુષ્ય મોહને વશ થઈ દુઃખને સુખ કરી માનતા હોય તે ક્યારેય સંતને ન માને. ને સંતને ન માને તેથી તેનું કલ્યાણ પણ ક્યારેય થતું નથી, તે લખચોરાસીમાં હેરાન થતા ફરે છે. તમે અત્યંત ભાગ્યશાળી છો કે જગતથી પ્રીત તોડીને સાધુમાં કરી છે. ભગવાનમાં સુખ માન્યું છે. આવા ભક્તને જોઈ ભગવાન તેને આધીન થઈ જાય છે. જેમ બલિરાજાનું રાજ ભગવાને છીનવી લીધું, પણ તેને આધીન થઈ ગયા. સુવર્ણને ભઠ્ઠીમાં તપાવે પછી જ તેનો રંગ આવે છે. ભક્તની કસોટી પણ ભગવાન કરે છે ત્યારે તેની પ્રીત પરખાય છે. દુનિયાદારીનું અભિમાન હોય તો તે તાપ ખમી શકતો નથી, ને તે વિના શાંતિ પણ પામતો નથી.

“ભગવાન અને ભગવાનના સંતની સેવામાં પોતાનું મોટું ભાગ્ય માને તેટલું તેને ફળ મળે છે, સુખ થાય છે. હરિજનને સંસારનું દુઃખ એ દુઃખ જ ન હોય, તેને તો સંતનો સંગ જેટલો ન થાય તેટલું દુઃખ મનાય છે.

“લોકમાં તો લોકની રીતે રહેવું પડે, પણ ખરી પ્રીત તો ભગવાન ને સંતમાં દૃઢપણે જોડી હોય, સત્સંગના નિયમ મુખ્ય કરીને દૃઢ પાળતો હોય, સત્સંગમાં ન બેસતો હોય પણ સત્સંગનું કોઈ ઘસાતું બોલે તે ખમી શકે નહિ, શિર સાટે દૃઢ પક્ષ રાખે તો તેનું કલ્યાણ સત્સંગી જેવું જ થાય છે. સત્સંગના નિયમ ન રાખે અને સત્સંગનો પક્ષ ન હોય ને પોતાને સત્સંગી કહેવડાવતો હોય તોપણ તેને સત્સંગી ન જાણવો, તેને તો કુસંગી જાણવો. ભક્ત હોય ને ભક્ત સાથે લોભને વશ થઈ વેર બાંધે તો તેમાં અસુરનો પ્રવેશ થયો છે એમ સમજવું. ભક્ત સામે વેર કરવું એ હરિજનની રીત નથી.

“અંદર અસુર પ્રવેશ કરે ત્યારે સંત હિતની વાત કરે તોપણ તે મનાય નહિ. ઊધઈ લાગે પછી પર્ણ વિનાનું વૃક્ષ જેમ શોભતું નથી તેમ તે પણ શોભાહીન થઈ જાય છે. તેમ સંતના દ્રોહ રૂપી ઊધઈ જો મૂળમાં લાગી ન હોય ત્યાં લગી તેને સત્પુરુષ રૂપી માળી મળી જાય તો લીલુંછમ કરી દે.

“જેને સંત મળ્યા છે તે ભક્તના દ્રોહથી બીતો રહે છે. એકે એક ભક્ત પોતાથી મોટા છે, મહાત્મા છે એમ તે જાણે ને ઘસાતું વેણ તો ક્યારેય ન ઉચ્ચારે.

“જેને દેહના અંત સુધી સત્સંગ દૃઢ કરીને રાખવો હોય, તેણે મોટા મોટા ભક્ત થઈ ગયા તેની રીત શીખવી, મોટાના વર્તન સામું જોયા કરવું. તેની રીત ન શીખે તો કરોડ વર્ષ સુધી સત્સંગ કરે તોપણ મોટાઈ ન આવે. સત્સંગની જે રૂડી રીત છે તે અમે જેમ છે તેમ તમને કહી સંભળાવી. આ પ્રમાણે વર્તે તેને ત્યાગી કે ગૃહી જેવા છે તેવા પરખાઈ જાય છે. માટે જેની સમજણ દૃઢ થાય છે તેનું જ અંગ સત્સંગમાં દિનદિન પ્રત્યે વૃદ્ધિ પામતું જાય છે. આ વાત મોક્ષભાગી જનને અમૃત તુલ્ય છે. તે દિન દિન સાંભળવા તલસે છે.”11

શ્રીનગરના ભક્તોની પ્રાર્થના સાંભળી શ્રીહરિ કહે, “જેવી કુળ કુટુંબમાં પ્રીતિ છે તેવી પ્રીતિ જો ભગવાન અને સંતમાં કરે તો તે તરત ભવપાર થાય. હરિભક્તોએ ભગવાન ને સંતમાં પ્રીતિ કરવી તે નિષ્કામ ભાવે કરવી, તેનો ક્યારેય અભાવ ન આવે એ મહિમારસ સહિતની પ્રીતિ છે.

“સંતનાં દર્શન દેવ (ભગવાન) જાણીને કરે ત્યારે દર્શન કરનારને સંત સાથે અધિક ને અધિક સ્નેહ વધે છે, ને માયિકભાવ ઘટતો જાય છે. જેમ માતાપિતા પુત્રની સેવા મળ-મૂત્ર ધોઈને રાત્રિ-દિવસ કરે છે, તોપણ અભાવ આવતો નથી અને વળી જેમ પોતાના દેહનો મળ સૌ ધુએ છે, પણ અભાવ આવતો નથી. કારણ, તેમાં આત્મબુદ્ધિ મનાઈ ગઈ છે. આ હેતરૂપી માયા વજ્રસાર જેવી છે. એની બેડીથી કોઈ કાળે મુક્ત થવાતું નથી, પણ એવી આત્મબુદ્ધિ ને પ્રીતિ જો ભગવાનના સંતમાં થઈ જાય તો તે ભવના બંધનથી છૂટે છે.”12

જેતલપુરના મહોલમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “અમારાં દર્શન મૂકી સંતો માટે રસોઈ કરે છે તેનું ફળ દર્શનથી પણ અધિક છે. આવા સંતો ઠેર ઠેર મળતા નથી. ભેગા રહેવાથી માહાત્મ્ય ઘટી જાય; ભેગા રહેવા છતાં માહાત્મ્ય ન ઘટે તેને શુદ્ધ મુમુક્ષુ જાણવો. એક સાધુની પૂજા દેખી બીજો સાધુ દ્વેષ ન કરે અને મનમાં અતિ પ્રસન્ન થાય તો તેને સર્વે સાધુમાં શિરોમણિ જાણવો.”13

જેતલપુરના મહોલમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સંત અને હરિભક્તોએ ભગવાનમાં પ્રીતિ થાય તે રીત શીખવી. પ્રથમ હરિભક્તોએ સંતની સાથે પ્રીતિ કરવી, તુચ્છ સ્વભાવ અને સ્વાર્થને માટે પ્રીતિ તૂટે નહિ તેનું નામ પ્રીતિ ગણાય.”14

જીવેન્દ્ર નૃપને શ્રીહરિ કહે, “‘બધું ભગવાનનું છે’ એમ કહેવામાં ફેર છે. ભગવાનને તો સૌ જાણે છે, પણ તેના નિમિત્તે ક્યારેય કશું થતું નથી. ભગવાન પોતે આવીને કહે, ‘તમારો પુત્ર આપો.’ ત્યારે અંતરમાં હરખ ન રહે અને વિમુખ થાય. ભગવાન જાણ્યામાં સંશય નથી, પણ પ્રાકૃત સમજણ વિશેષ રહી જાય છે. ભગવાનને યથાર્થપણે ભગવાન જાણીને એ મુજબ વર્તે એવા શૂરવીર હરિભક્તો થોડા હોય.”15

પીજમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “કુટુંબ અને દેહમાં જેવી પ્રીતિ થઈ છે તેવી સત્સંગમાં કરવી. કુટુંબ દેહને મિથ્યા જાણે તો સત્સંગમાં વિઘ્ન ન થાય. જેણે આવી પ્રીત સત્સંગમાં કરી છે તે જગત જીતી ગયા છે.”16

શ્રીહરિએ વડતાલમાં વાત કરતાં કહ્યું, “જેને મોક્ષનો ખપ ન હોય તે કરોડ ઇન્દ્રાણી સમાન હોય તો તેને પણ અમે સત્સંગમાં રાખવા ચાહતા નથી.”17

ઝીંઝરમાં શ્રીહરિ હેત વિષે કહેવા લાગ્યા કે, “જગતમાં વિવિધ પ્રકારના રસ છે, પણ હેતનો જે રસ છે તે સૌથી શ્રેષ્ઠ છે. હેત હોય તેને માથું આપે. તેના દોષ દેખાય નહિ.”18

ઝીંઝાવદરમાં અલૈયા ખાચરના ભવનમાં વાત કરતાં શ્રીહરિએ કહ્યું, “રાજા દશરથને પુત્ર કરતાં પણ સ્ત્રીમાં વધારે સ્નેહ હોવાથી રામને વગર અપરાધે વનમાં જવા પ્રેર્યા. લગાર પણ પુત્ર પ્રત્યે દયા ન આવી. રાજ્યના અધિકારી પુત્રને વનવાસ ન હોય, પણ નારીના સ્નેહમાં અંધ થયા હોવાથી કેટલાય યુગો સુધી વાયુભક્ષણ કરીને તપ કર્યા પછી ભગવાન પુત્રરૂપે થયા, છતાં પુત્રનો સંબંધ તોડી નાખ્યો.”19

મેઘપુરમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “રંકથી આરંભીને બ્રહ્મા પર્યંત સૌને જેટલી ધન (લક્ષ્મી) ઉપર પ્રીતિ છે એટલી લક્ષ્મીપતિ ઉપર નથી. લક્ષ્મી કાજે દોડનાર બધા રંકના રંક છે. ભગવાન ઉપર જેને તાન છે તે તો ધનને ધૂળ સમાન માને છે અને અસાર વસ્તુમાં હેત કરતા નથી. તે સર્વે જન્મ-મરણથી રહિત થઈ ગયા છે. અમારી સમજણ તો એવી છે કે ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ ન કરવી. ઉપર ઉપરથી વ્યવહાર કરીએ પણ અંતરમાં આ નિર્ધાર અમારો દૃઢ છે.”20

મુક્તમુનિએ શ્રીહરિએ કહેલી વાતો ગઢપુરમાં કહી, “શ્રીહરિ કહેતા કે - હરિજનની સમજણ એક-એકથી અધિક છે. પોતાની સમજણ મુજબ ભગવાનનું સ્વરૂપ ઓળખાવે, અને રુચિ અનુસાર જ્ઞાન-ધ્યાન કરે, પરંતુ ભગવાન અને ભગવાનના સંત-હરિજન ઉપર જેને પ્રીતિ નથી તે ફાવે તેવું જ્ઞાન, ધ્યાન કરતો હોય તોપણ શબતુલ્ય છે.”21

મુક્તમુનિએ શ્રીહરિએ કહેલી વાતો ગઢપુરમાં કહી, “શ્રીહરિ કહેતા કે - પાંચ આંગળીઓ નાની મોટી છે, પણ સૌનો સંબંધ એક પહોંચામાં છે. તેથી પહોંચો શોભે છે. એમ સંપ કરીને રહેવું એ અધિક બુદ્ધિનું કામ છે. બે જણ ભેગા સંપીને રહે ત્યારે બુદ્ધિ કળ્યામાં આવે. સંપ રાખી સાથે ચાલે તેટલા તે બુદ્ધિવંત જાણવા.”22

માંગરોળમાં શ્રીહરિ કહે, “તમારા જેવા હેતવાળા હરિભક્તો સત્સંગમાં જ્યાં જ્યાં છે, તેમની હેતરૂપી દોરીથી અમે સત્સંગમાં બંધાઈ રહ્યા છીએ. જેની જેટલી હેતની દોરી બળવાન તેટલા અમને ખેંચી જાય છે.”23

લોજમાં મુક્તમુનિ બ્રહ્મમુનિ પાસે ગાન કરાવી શ્રીહરિએ કહ્યું, “અક્ષરધામ, ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ અને બદરિકાશ્રમમાંથી અનંત મુક્તો આવ્યા છે એવું માહાત્મ્ય તમારે સૌએ પરસ્પર જાણવું. માહાત્મ્ય વિના સ્નેહ રહે નહિ. દરેક સત્સંગી પર હેત રાખવું. કુહેત છે તે અગ્નિ અને વિષ સમાન છે.”24

ભુજમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “કામી પુરુષને જેમ સ્ત્રીમાં પ્રીતિ છે તેવી રીતે ભગવાનમાં પ્રીતિ અને ધર્મ એ બે હોય તો મોક્ષ થયા વિના રહે નહિ. સત્સંગમાં ભાવ રાખે તો પ્રીતિ અને ધર્મ ટકે છે. ભૂમિ અને નીરના સંયોગ વિના બીજમાંથી વૃક્ષ થાય નહીં, તેમ પ્રગટ હરિ અને સંત વિના નિશ્ચય અને ધર્મ રહે નહિ. માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તો પ્રીતિ ટકે છે.”

‘ભોમિ નીર કે જોગ વિન, બીજ વૃક્ષ ન હોઈ,

તેસે પ્રગટ હરિ સંત વિન, નિશ્ચય ધર્મ ન રહે કોઈ.’25

ગઢપુરમાં શ્રીહરિએ મુક્તમુનિને વાત કરતાં કહ્યું, “ઉદ્ધવજી ઘણા જ્ઞાની હતા તોપણ ગોપીઓને પોતાથી અધિક માની. ગોપીઓનાં ચરણની રજ ઇચ્છ્યા. સંત-હરિભક્તોએ પરસ્પર ઉદ્ધવજી જેવો ભાવ રાખવો. સંત અને હરિભક્ત એકબીજાનો ભાર ન રાખે તો હાથી ગંગામાં નાહીને શરીર ઉપર ધૂળ નાખે તેના જેવું થાય છે. ઉદ્ધવ મતના થઈ પરસ્પર પ્રેમ ન રાખે તે લાંછનરૂપ છે અને હડકાયા શ્વાન જેવા છે.

“દિવસે દિવસે જે સંત-હરિભક્તોમાં પરસ્પર પ્રેમ વધારે એવા ભક્તોનાં કથા, વાર્તા, ધ્યાન, કીર્તન, વૈરાગ્ય સહુને સુખદાયી થાય છે, અને તે એકાંતિક ભક્ત છે.”26

ડભાણમાં શ્રીહરિએ હરિભક્તોને ઉદ્દેશી કહ્યું, “જેનું મન સત્સંગથી ઉથડક થયું તેને હેતે કરીને, મિત્રતા દાખવીને સમજાવે તોપણ તેને મનાતું નથી. બધી વાતો તેને વિષ સમાન લાગે છે.”27

મોટેરા ગામમાં શ્રીહરિ કહે, “ભગવાનમાં ને ભગવાનના સંત તથા હરિભક્તોમાં જેટલું હેત વધુ તેટલું કારણ શરીર ટળે. હેત ઓછું હોય તો કારણ શરીરનો ભાગ જાણવો. એકબીજામાં મન ન મળે, એ પણ કારણ શરીરનો ભાગ છે. તે પોતપોતાની સમજથી તપાસી જુઓ. જેનું જેમ હશે તેમ જણાઈ આવશે. ડુંગળી ને લસણની ગંધ છીપી છીપે નહિ. સંતના દોષ જોતો હોય ત્યાં સુધી લસણ જેવી મતિ જાણવી.”28

સારંગપુરમાં જીવા ખાચરના દરબારમાં શ્રીહરિ કહે, “સાત્ત્વિક પુરુષમાં સંપનો અમૃત ગુણ રહેલો છે. રાજસી તીખા તમ-તમતા હોય છે અને તમોગુણી વિષ સમાન દેખાય છે. ત્રણેયના સ્વભાવ આહારે કરીને જાણ્યામાં આવે છે. રાજસીનો આહાર રાજસી અને તામસીનો આહાર તામસી હોય છે. તેથી વિચાર પણ તેના જુદા હોય છે. તામસી લોકો સર્પ, સિંહ, ચિત્તા, ચોર અને ઝેર જેવા છે. તેનાથી સાચવીને ચાલવું, નહિ તો બગાડ થાય પછી સુધારવું કઠણ પડે.”29

સારંગપુરમાં શ્રીહરિ સંતોને કહે, “મોટા મોટા સંત-હરિભક્તો જેમણે અમારે માટે સંસાર તજ્યો છે અને રાતદિવસ કથાવાર્તા-કીર્તન કરે છે, પણ ખચીત (જરૂરી, અવશ્ય) કરવાની જે વાત છે તેને યાદ રાખતા નથી અને બીજા ભારે ભારે ડોળ રચે છે. કૌપીન અને તુંબડાનું જેટલું જતન કરે છે તેટલું ભગવાનનું નથી. દેહમાં આસક્તિ છે તેટલી ભગવાનમાં થતી નથી. આ બધું મોક્ષમાં વિઘ્ન કરે છે. આ તમને સ્પષ્ટ કહી દીધું, હવે અમારું રહસ્ય ગ્રંથમાં લખાવીશું. કોઈ અત્યારે સમજે કે ન સમજે, લખેલું કોઈક સમજશે. જ્યાં સુધી દેહમાં હેત છે, ત્યાં સુધી અહંમમત્વ ને લોભ રહે છે. અને ગ્રંથમાં લખેલી વાત લગાર પણ કામ આવતી નથી.

“પદાર્થમાં જેવો મમત્વ છે, તેવો ભગવાનમાં કરવો. એમાં વેદો, શાસ્ત્રો અને અનંત ગ્રંથો સમાઈ ગયાં! કરી કરીને કરવાનું એટલું જ છે કે ભગવાનમાં ચિત્ત જોડવું. ભગવાન તુલ્ય કોઈ વસ્તુ નથી. એ દૃઢ સમજવું.”30

કરજીસણમાં શ્રીહરિ કહે, “લોકો એવું માને છે કે ક્યાં મનુષ્ય ને ક્યાં ભગવાન! એ બન્નેનો મેળ બેસે નહિ, એમ સમજી સંકોચ પામે છે, પણ પિતા, ગુરુ, સંબંધીની પેઠે શ્રીહરિમાં સંબંધ રાખવો.”31

વડતાલમાં સંતો-ભક્તો રંગે રમવા તૈયાર થયા, તેને શીખ દેતાં શ્રીહરિ કહે, “હાર-જીત હોય ત્યાં મન જુદાં પડી જાય. એક મન હોય ત્યાં જ બધા રંગ અને રસ રહે છે. એક મન રાખવા માટે જ અમે સદા વિચરીએ છીએ.”32

ભાવનગરના એક ઠગની વાત જીવાભાઈ અને રૂપાભાઈએ શ્રીહરિ પાસે કરી, ત્યારે શ્રીહરિએ બધા પદાતિને બોલાવી વાત કરતાં કહ્યું, “ધુતારાનો વિશ્વાસ ન કરવો એ વાત અમે વારંવાર કરી છે, તોપણ અમારા હરિજન તેનો વિશ્વાસ કરીને ઠગાય છે. ધુતારાનો વિશ્વાસ ન કરે અને અમારો વિશ્વાસ કરે તે અમારા સાચા દાસ છે.”33

બોટાદના ભગા શેઠને દુઃખમુક્ત કરવા શ્રીહરિ પધાર્યા. તેઓ ગદ્‌ગદ થયા ત્યારે શ્રીહરિ કહે, “જે ભક્ત અમારા વિના બીજે ક્યાંય હેત રાખે નહિ તેની સમીપે અમે અખંડ રહીએ છીએ. એવા ભક્તથી અમારે બીજું અધિક નથી. મારા અક્ષરધામ જેવો પ્રિય તેને હું ગણું છું. જેને જેટલો મારો વિશ્વાસ છે તેની તેટલી હું રક્ષા કરું છું.”

હરિ કહે મો બિન રખે ન જાહિ, તાકે મૈં સમીપ જો રહાહિ.

મો બિન જો રખત રહે જિતના, તિન સે દૂર રહત મૈં તિતના.

ભક્ત સે મૈં અધિક ન રખેઉ, અક્ષરધામ જો એસે તેઉ.34

જેતલપુરમાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “કોઈ પણ વાતને વિચારીને તેમાં બીજાનું હિત રહેલું હોય તેવાં જ વચન મોઢેથી બોલે, તેના પર સૌને પ્રીતિ થાય છે. તે પ્રમાણે બોલવું કઠણ છે. બીજાનું હિત ઇચ્છે તેટલું પોતાનું થાય છે.”35

વડતાલમાં શ્રીહરિએ હરિજનોને વાત કરતાં કહ્યું, “સંપ એ ભગવાનનું દૈવત છે. કુસંપ એ કળિયુગ છે. જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ-સિદ્ધિ ને પ્રભુતા રહે છે. સંપ નથી ત્યાં કળિ કુટુંબ સહિત વસે છે.

“પરસ્પર વિરોધ થાય તે કળિયુગનું લક્ષણ છે. સંપ, સુહૃદભાવ અને દયા-મરજાદા હોય ત્યાં ભગવાન વસે છે. જ્યાં આ સર્વે નથી ત્યાં ધર્માદિક પણ કથનમાત્ર છે એમ જાણવું. અને દયા-મર્યાદા, સુહૃદપણું ને સંપ છે ત્યાં જ મોક્ષ છે. આ ચાર વિના ફાવે તેવી મોઢે વાતો કહે ને ગુરુ થઈને પૂજાય તથા ગાદી, તકિયા, વાહન, વસ્ત્ર, ભૂષણ, ધન, ખાન-પાન, પૂજા મળતાં રહે, પણ તેનો કાંઈ અર્થ નથી.

“આકાશમાં ગતિ કરે તોપણ સંપ-સુહૃદભાવ વગર મોટાઈ આવતી નથી ને એ વિના મોટાઈ છે તોપણ કૃષ્ણપક્ષના ચંદ્રમાની પેઠે લુપ્ત થઈ જાય છે.”36

વડતાલમાં ગોમતી કાંઠે શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ભગવાન કે સત્પુરુષમાં જ્યાં સુધી જીવ બાંધે નહિ ત્યાં સુધી શાસ્ત્ર ભણે કે હુન્નર શીખે તો પણ મોક્ષ થાય નહિ.”37

*

પરિશિષ્ટ

શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:

જ્યાં હરિભક્તોમાં પરસ્પર સુહૃદપણું હોય, એકબીજાનું હિત ઇચ્છતા હોય, છળ, કપટ અને મલિનતા હોય નહિ, એક એકથી મન છૂપું ન હોય, ધર્મનિયમમાં શૂરા થઈને એક જ ભાવથી સૌ વર્તતા હોય, પરસ્પર દૈહિક સંબંધ વિના પણ ગાઢ સંબંધી જેવું હેત રાખતા હોય એવા ભક્તોની પાસે શ્રીહરિ વારંવાર પધારતા. તેમની પ્રેમ અને શ્રદ્ધા-મહિમાની દોરીથી બંધાઈ રહેતા.38

જેને સંત-હરિભક્તોમાં પ્રીતિ નથી તેને ભગવાનમાં ક્યારેય સ્નેહ વધતો નથી. સંત-હરિજનોમાં જેને અરુચિ થઈ તેને પોતાનું સ્વરૂપ નહીં ઓળખાય. સંત-હરિજન દર્પણ છે. તે વિના ભગવાનની મૂર્તિ દેખાતી નથી. આ સમજણ જે ભક્તને નથી તેને વિમુખ જાણવો.39

શ્રીહરિ વારંવાર વઢે તોપણ ઝાંખા ન પડે, પણ મનમાં સુખ માને એવા ભક્તો ઉપર શ્રીહરિ અતિ કૃપા વરસાવતા ને હેત કરતા. હેતની વૃદ્ધિ કરવા માટે જ શ્રીહરિ વારંવાર વઢતા. જેમ જે હીરો તોડ્યો ન તૂટે તે અમૂલ્ય છે અને તેના પર હેત થાય છે, એમ અમૂલ્ય હરિજન કરવા માટે શ્રીહરિ તેમને વઢતા. ક્યારેક ક્યારેક મૂંઝાય તેના ગુણ શ્રીહરિ જાણી લેતા અને પછી તેની સાથે તે પ્રમાણે વર્તી તેનું હિત થાય તેમ કરતા.40

શ્રીહરિની મરજીથી ભક્તોને સમાધિ થતી, તેમાં આશ્ચર્યની વાત દેખાતી, અને કોઈકને વિષે હેત હોય તેથી કરીને દુર્ગતિ પામ્યો હોય તેને દુઃખથી છોડાવવા ઇચ્છા કરે ત્યારે શ્રીહરિને વીનવતા. ત્યારે શ્રીહરિ કહેતા કે જે સંબંધી તમને તજીને જાય તેને સંબંધી ન કહેવાય. દેહાદિકના જે સંબંધી છે તેને સંતો સંબંધી કહેતા જ નથી.

હરિભક્તની અને જગતના જીવોની સમજણ જુદી જુદી છે. માટે જીવતો હોય ત્યારે જ સંબંધીને સત્સંગ કરાવવો. મૂઆ પછી તો મનુષ્યશરીર પામ્યા સિવાય મોક્ષ થાય નહિ. કેટલાક સંબંધીઓ જમનો માર ખાય છે, કેટલાય ભૂત, પ્રેત, સર્પ, પશુ, પંખી, તરુ, લતા વગેરે જન્મને પામ્યા છે, તે દિવ્ય દૃષ્ટિવાળા જોઈ શકે છે. તમારામાં હેત હશે તો તમે ઉચ્ચારણ કરેલું સ્વામિનારાયણ નામ સાંભળીને વિકટ યોનિમાંથી છૂટી જશે. સત્સંગીમાં હેત થયા વિના દુઃખમાંથી છુટાય નહિ, શ્રીહરિનો પ્રતાપ મહિમા જેના હૃદયમાં જેટલો દૃઢ હશે તેટલો તે મોક્ષ કરશે.41

જે હરિભક્તો મરજી સમજે અને મરજી રાખે તેને ત્યાં શ્રીહરિ વિના બોલાવ્ય વારંવાર જતા. મરજી જાણ્યા વિના પ્રેમ દેખાડ્યા કરે તેને ત્યાં વારે વારે જતા નહિ. ભય, પ્રીતિ અને પ્રતાપ દેખીને મરજી સચવાય છે. સ્વાર્થે કરીને મરજી રાખે છે, પણ સ્વાર્થ સિદ્ધ થાય ત્યારે તે રાખતો નથી, તે ક્યારેક દ્રોહ કરવા પણ તૈયાર થાય.

જીવે ત્યાં સુધી એકમતિ રહે તો રંગ પાકો જાણવો. પણ મતિ એક સરખી રહેતી નથી, દેશકાળે મતિ ફરી જાય છે તે પ્રત્યક્ષ દેખ્યામાં આવે છે. જીવે ત્યાં સુધી જે હરિભક્તની મતિ ફરે નહિ, સંતની સેવામાંથી પાછો પગ ભરે નહિ. અનેક વિઘ્નો આવે તોપણ અધિક ને અધિક હેત-ભાવ, ઉત્સાહ રહ્યા કરે એવા હરિજનને અક્ષરધામનો મુક્ત લેખવો. તેની મોટપ સંતની મોટપ જેટલી છે.42

સંસાર છોડી ત્યાગી થયો, પણ વિવેક વિના ધન-સ્ત્રીમાં બંધાય છે. ત્યાગીને મોટું બંધન ધન અને સ્ત્રી છે. ત્યાગી થઈને ધન-સ્ત્રીનો પ્રસંગ રાખે છે તે આખા જગતનું મળ ખાય છે. સાચા ત્યાગીની એ રીત નથી.43

જેમણે નારી-ધનનો ત્યાગ કર્યો છે તેવા ત્યાગી ફરી પોતાના ઘરમાં આવે જાય તો તેને ત્યાગી નહીં પણ ઘરબારી જ જાણવો. અને એવા ત્યાગીને ગૃહસ્થ જો ધન આપે તો તે આપનાર નરકમાં પડે છે. અને ત્યાગી પણ જે દિવસથી ધન પોતાનું કરીને રાખે કે અન્ય પાસે રખાવે તે દિવસથી નિત્ય એક ગાય માર્યાનું પાપ તેને લાગે છે. વળી, એવા ત્યાગીનું ધન કોઈ ગૃહસ્થ પોતાના ઘરે રાખે તો તે ત્યાગી અને ગૃહસ્થ બન્ને નરકમાં પડે છે.44•