આ ગ્રંથ વિષે કિંચિત્...
ભગવાન સ્વામિનારાયણનાં લીલાચરિત્રો અને ઉપદેશો તત્કાલીન સંતો-પરમહંસોએ લખી લીધાં હતાં. એ પરમહંસોમાં શ્રીહરિથી ૨૩ વર્ષ મોટા અને શ્રીહરિનાં લીલાચરિત્રોના પ્રત્યક્ષ સાક્ષી મુક્તમુનિનું પ્રદાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં અજોડ રહેશે. તેમણે પદ્યગ્રંથમાં મુક્તાનંદ કાવ્ય રચ્યું. તેમણે કરેલી મહત્ત્વની નોંધોના ખરડા અને તેના પરથી તેમના શિષ્ય સિદ્ધાનંદમુનિ (આધારાનંદ સ્વામી)એ હિન્દી-વ્રજ ભાષામાં રચેલો વિરાટ ગ્રંથ ‘શ્રીહરિચરિત્રામૃત સાગર’ એમને યાવત્ચંદ્રદિવાકરૌ આ ભૂમંડલ પર ખ્યાતિ અપાવતો રહેશે. મુક્તાનંદ સ્વામીની લેખિની અંતિમ શ્વાસ સુધી શ્રીહરિનાં ચરિત્ર-ઉપદેશ લેખનમાં દોડતી રહી. ‘વચનામૃત’ ગદ્યગ્રંથના સંપાદન કાર્યમાં તેઓ તથા અન્ય ત્રણ સદ્ગુરુ સંતોની લેખનસેવા પણ સંલગ્ન છે.
સિદ્ધાનંદ સ્વામી રચિત ‘શ્રીહરિચરિત્રામૃત સાગર’ આજે સંપ્રદાયમાં ગુજરાતી ભાષાંતરમાં ઉપલબ્ધ છે. તેનાં થોડાંક પ્રકરણોના બે ભાગ હિન્દી-વ્રજમાં પણ પ્રકાશિત થયા હતા. મૂળ હસ્તપ્રત ‘હિન્દી-વ્રજ’ મિશ્રિત ચોપાઈ-દોહા-સોરઠામાં લખાયેલો, તેની હસ્તપ્રત આજથી ચાલીસેક વર્ષ પૂર્વે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની જાણમાં આવી. તે વખતે તેમણે એ હસ્તપ્રતના લિપ્યાન્તર થયેલા મોટા ૨૯ ગ્રંથો મેળવી આપ્યા. નડિયાદના પરમ ભક્ત કૃષ્ણાભાઈ અને મંડળ દ્વારા એ ગ્રંથોની હાથેથી નકલો કરાવી. પાછળથી એની અસલ ફોટોકોપી પણ પ્રાપ્ત થઈ.
સદ્ગુરુ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના હૃદયમાં એક સંકલ્પ સતત રમ્યા કરતો - આ મૂળ હસ્તપ્રતોનું વ્યવસ્થિત પરિશીલન થાય. પાંચેક વર્ષ પૂર્વે સને ૨૦૦૧માં તેમણે મને આ અંગે સંશોધન કરવા આદેશ આપ્યો. જોકે તે વખતે ‘સ્વામિનારાયણ ચરિત માનસ’ પણ તેમને રચાવવું હતું, એટલે એ કાર્ય પહેલું આટોપવા કહ્યું. સન્ ૨૦૦૨થી ૨૦૦૪માં એ કાર્ય ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજની કરુણા-કૃપાથી સારી રીતે પૂર્ણ થયું. સદ્ગુરુ ઈશ્વરચરણ સ્વામીએ ફરી આ હસ્તપ્રતો પર કામ કરવા આદેશ આપ્યો.
પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદથી એ કાર્ય મેં હાથમાં લીધું. જેમ જેમ મૂળ વાંચતો ગયો, તેમ તેમ શ્રીહરિના ઉપદેશ પર વધુ ધ્યાન કેન્દ્રિત થતું રહ્યું. આ ઉપદેશોને વિષય-વિભાગવાર જુદા કરી અનુવાદ કરતો ગયો. મછોદરી બાગ વારાણસીથી પૂજ્ય શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ પ્રકાશિત કરેલા ગુજરાતી ગ્રંથોનો પણ આધાર મળ્યો. આમ કામ શરૂ કર્યું. કુલ મળીને ૨૯ જેટલા વિષય વિભાગ કર્યા. કામ જટિલ તો ખૂબ હતું, કારણ કે શ્રીહરિનો ઉપદેશ ૨૯ પૂરમાં ફેલાયેલો હતો. એ પ્રવાહિત અમૃતવાણીને વિષયવાર વહેંચવામાં ભાષાંતરને ક્યાંક દોઢે પણ ચઢાવવું પડ્યું.
હા, આ ઉપદેશની પ્રાસાદિકતા જળવાઈ રહે તે સતત ખાલ રાખ્યો છે. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી સતત માર્ગદર્શન આપતા રહ્યા. જેને કારણે મૂળ ચોપાઈ-સાખીમાં વણેલા ઉપદેશને કોઈ અલંકાર ચઢાવ્યા વિના, યથાતથા ગુજરાતીમાં ઢાળવાનું જાણપણું રહ્યું. ક્યાંક ફૂટનોટમાં તેની મૂળ સાખીઓ પણ મૂકી છે, જેથી શ્રીહરિના મુખે ઉચ્ચારેલાં એ વાક્યોને મૂળ સ્વરૂપે માણી શકાય અને નાણી પણ શકાય.
પૂર્વે થયેલા ગુજરાતી અનુવાદો બેશક સારા જ છે, પરંતુ કદાચ ચરિત્ર લેખન સાથે ઉપદેશ મૂકવામાં પૃષ્ઠ સંખ્યાની મર્યાદા નડી હોય કે અન્ય કારણ હોય – મૂળ ગ્રંથમાં હોવા છતાં ગુજરાતી થયું નથી કે છૂટી ગયું છે કે કોઈ કારણસર બાકાત રહી ગયું છે, તે હકીકત છે. ‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’માં કેવળ ઉપદેશનું આકલન કરવાનું હોઈ તે માટે સારી મોકળાશ મળી. શ્રીહરિનાં સિદ્ધાંતવચનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું, જેથી અન્ય ઉપદેશને ગૌણપણે રહેવા દઈ વિષય-વિભાગ કર્યા છે.
‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’માં કેવળ શ્રીમુખ વચનોને સ્થાન અપાયું છે. એ પછી શ્રીમુખથી સ્રવેલી વાણી હોય કે શ્રીહરિએ જ લખાવી મોકલેલા પત્રરૂપે હોય કે ખરડારૂપે - તેને અનુરૂપ પુર, તરંગ, પંક્તિની અંક સંખ્યા નોંધ સાથે અહીં મૂક્યાં છે. વળી, સ્થાનનિર્દેશ સાથે પૂર્વાપર સંબંધ પણ મૂક્યો છે. જેથી શ્રીહરિ કોને, ક્યાં, ક્યારે ઉપદેશ આપે છે, તે સુપેરે જાણી શકાય.
વળી, શ્રીહરિએ આપેલા ઉપદેશ સાથે મુક્તમુનિ, સિદ્ધાનંદમુનિ તેમજ અન્ય સંતોના મુખે ઉચ્ચારાયેલી પ્રાસાદિક વાતો પ્રસ્તુત વિષયને પુષ્ટિકારક હોય તે તે પ્રકરણના અંતે ‘પરિશિષ્ટ’ સ્વરૂપે કિંચિત્ રજૂ કરી છે. જે પૈકી સંપ્રદાયમાં કેટલાંક વાક્યો હરિચરિત્રામૃતસાગરના સંદર્ભ સ્વરૂપે જોવા મળે છે, જે શ્રીહરિના મુખે ઉચ્ચારાયાં ન હોય, પણ વિષયવસ્તુને પુષ્ટિકારક હોય એ દૃષ્ટિએ પણ એ વાક્યોની પ્રાસાદિકતાને ધ્યાનમાં રાખીને અહીં સંગૃહીત કર્યાં છે.
પાદટીપમાં ક્યાંક તરંગની સંખ્યા ડબલ મૂકી છે. જેમાં કૌંસમાં છે તે મૂળ ગ્રંથની જાણવી. લહિયાએ લિપ્યન્તર કરતી વખતે સરતચૂકથી બે-બે તરંગને એક જ ક્રમાંક આપ્યો હોય કે એક તરંગને બે ક્રમાંક આપ્યા હોય એવા સ્થાને આ સમસ્યા સર્જાઈ છે. પૂર્વપ્રકાશિત ભાષાંતર ગ્રંથોમાં એકથી સળંગ ક્રમાંક જાળવી રાખ્યા હોઈ દ્વિધાનું નિવારણ કરવા કૌંસમાં મૂળ તરંગ-અંક સંખ્યા રાખી છે. વળી, વ્રજ ભાષાની મૂળ તરંગ પંક્તિઓ ટાંકી હોઈ પૂર-તરંગ પછીની અંક સંખ્યા તે તે પંક્તિઓની જાણવી.
વિરાટ સાગરમાંથી મોતી ખોળવાનું આ જટિલ કાર્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજની કૃપા અને આશીર્વાદથી ચાર વર્ષમાં પૂર્ણ થઈ શક્યું. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીનું પ્રેમાળ માર્ગદર્શન કદી નહીં ભુલાય. પૂજ્ય વિવેકસાગર સ્વામીની નિર્ભેળ અનુવાદ તથા ચકાસણીની ટકોરે મને સતત જાગ્રત રાખ્યો છે. તેમનો આભાર માનું તેટલો ઓછો છે. અક્ષરપીઠના સર્વે સહકર્મીઓનો આભાર માની વિરમું છું. ક્યાંક કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તો તે મારી ગફલત ગણી દરગુજર કરશો.
- સાધુ અક્ષરજીવનદાસ