૧૮. અસત્પુરુષ, અસાધુ
ઈંગોરાળામાં શ્રીહરિ કહે, “અમારી આજ્ઞા પાળે નહિ અને મનમુખી થઈને ધર્મનું અપાર પાલન કરે, ખાનપાનનો ત્યાગ કરે, લોકમાં મહાવૈરાગ્ય દેખાડે, ફાટેલાં-તૂટેલાં વસ્ત્ર પહેરે, મુખમાં મારું નામ ઉચ્ચારે અને મને સંભારીને ખૂબ મારો મહિમા કહે અને રડે, સત્સંગ અને સંતનો મહિમા પણ વારંવાર અપાર કહે, પોતાનું તન સૂકવી નાખે, અહોનિશ અમારું રટણ કરે, ધ્યાન ધરે, આંખોની પાંપણો પણ મટકાવે નહિ! કથા કરે, કાવ્ય કરે, સારાં ગુણગાન ગાય, એવું અનેક પ્રકારનું વર્તન કરે, તે જોઈ ભૂલા ન પડવું, કારણ કે તે મારી આજ્ઞામાં વર્તતો નથી ને મનમુખી વર્તન કરે છે એટલે તે મારાથી વિમુખ છે, અંત સમે તેને લેવા માટે અમે આવતા નથી.”1•
ગઢપુરમાં શ્રીહરિએ જીવેન્દ્ર નૃપને વાત કરતાં કહ્યું, “અસત્પુરુષને અસુર જાણવો. જેને સત્સંગ થયો છે તેને જ અસુર ઓળખાય છે. અવતારોનું મૂર્તિઓનું ખંડન કરે, સત્પુરુષનો દ્રોહ કરે તે અસુર છે. હરિજનને વિષભરી દૃષ્ટિથી જુએ, સંત-હરિભક્તમાં અનંત દોષ પરઠે, તેને જોઈને રાત-દિવસ બળ્યા કરે, તે પણ અસુરની જાતિ છે.
“ભક્ત પાસે હાથ જોડી નમાય નહિ, મુખ મરડે, કસાઈ તુલ્ય પાપી જીવોના ગુણ ગાય, હરિવિમુખને હરિજનથી અધિક બુદ્ધિવાન કહી તેનાં વખાણ કરે, જગતના ફેલફિતૂરમાં આનંદ માને, હરિજન સાથે કુસંપ કરે - આવાં લક્ષણવાળા પાપીને અધર્મી જાણવા. દૈત્ય રાક્ષસ, અસુર ને નિર્દય કસાઈ જાણવા.”2
ચૂડાપુરમાં થાળ જમ્યા પછી શ્રીહરિ સંતો-ભક્તોને કહે, “સત્ય ક્યારેય અસત્ય થતું નથી, અસત્ય ક્યારેય સત્ય ઠરતું નથી. આમ વિચારી અમારા સત્સંગી હરિભક્તોએ ગાફલપણે ધર્મહીન લોકોની જાળમાં ફસાવું નહિ. દૃઢ નિષ્ઠાવાળા ભક્તોને ઘસારો લાગતો નથી.”3
માંડવીના પુરજનોને શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “શુદ્ધ વર્તન વિના મોક્ષ આપવાની વાત કરતો હોય તેને અસુર જાણવો. શાસ્ત્રો ભણીને અનંત જન્મ ખુવાર કરે, પણ શુદ્ધ વર્તન વિના મોક્ષ ન થાય. શુદ્ધ ગુરુ મળ્યા વિના શુદ્ધ વર્તન થતું નથી.”4
કાળાતળાવમાં શ્રીહરિ કહે, “સંત-હરિજનનું રૂપ ધરી સત્સંગમાં આસુરી જન ફરતા હોય તેનાથી ડરતા રહેવું. અમે સત્સંગના નિયમ બાંધ્યા છે, તેને તોડીને જે વર્તે તેને અસુર જાણવો. કોઈ સંત-હરિભક્ત બ્રહ્મવેત્તા કે સમાધિનિષ્ઠ હોય, પણ નિયમ અને નિશ્ચય વિનાનો હોય તો તેને અસુર અને વિમુખ જાણવો. નિયમ અને નિશ્ચય ઉપરથી જેવું અંતર હોય તેવું જણાય છે.”
‘નિયમ નિશ્ચે મેં ન દંભ રહોવે, જેસો અંતર તેસો કલાવે.
તેહિ કારન હમ બાંધે નિમા, સબકે મોક્ષ કરન હિત સીમા.’5
ભદ્રેશીમાં સુરચંદ શેઠને ઘરે શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સંત-અસંતના ગુણ સમાન નથી. જેમ બગલો અને હંસ સમાન નથી. ચારામાં તેનો વિવેક જણાઈ આવે છે. હંસ મોતી અને પયનો ચારો કરે છે. બગલો માછલાં ખાય છે. જે સાધુ ધન રાખે, સ્ત્રીનો પ્રસંગ રાખે, લસણ-ડુંગળી ખાય, ગાંજો, ધંતૂર, માજમ, અફીણ, દારૂ, માંસ, સ્ત્રી વગેરેનું સેવન કરતા હોય તેવાને જે ગુરુ કરે તેનો શી રીતે મોક્ષ થાય? તેની કોઈ તપાસ કરતું નથી. જેવો ગુરુનો મોક્ષ થાય તેવો શિષ્યનો થાય. સંત થઈને ધર્મ ન રાખે તે ઘોર નરકમાં પડે છે. સાધુ થઈને ધન-સ્ત્રીનો સંગ રાખે તે અતિ પાતકી છે. પાપ કરે તેને પાતકી કહેવાય, તેને સંત કેવી રીતે કહેવાય? સંતને માર્ગે ચાલે તો સંત કહેવાય. સંત જીવનો મોક્ષ કરે, અસંત તો દુઃખ જ આપે. અસંતને પાપરત દેખીને લોક સાચા સંતને પૂજે છે.”6
ભુજમાં શ્રીહરિ હરિજનોને કહેવા લાગ્યા, “ધર્મનો એવો પ્રતાપ છે કે જે જન જેવો હોય તેને તેવો દેખાડી દે છે. સત્સંગમાં કપટથી ચાલી ધર્મની નકલ કરે ત્યારે અધર્મને લાગ મળે છે. તે તેને કુસંગમાં મોટેરો બનાવી નાક-કાન કપાવે. પછી જગતમાં નકટો થઈને ફરે, જગત તેને જાણે છે, પણ એકબીજાની મહોબતે કહી બતાવે નહિ.
“અધર્મીને બધી કળા આવડે છે. અધર્મી સત્સંગી થઈને બધાથી સરળ વર્તે, અમારાં વચનને તલ તલ જેટલાં યાદ રાખે અને કહી બતાવે, જેથી હરિભક્તને સાંભળીને ચિત્તમાં મોહ થાય ને તેને કોઈ કળી શકે નહિ.
“અધર્મી વિવિધ પ્રકારની કથાવાર્તા, તપ કરી સત્સંગમાં જોર ભર્યો વર્તે, ને સત્સંગમાં ત્યાગી-ગૃહીના એક એક નિયમને તથા સત્સંગની બધી જ રીત કહી બતાવે. ખપવાળાને પણ જેવું તાન ન હોય તેવો સાવધાન તે દંભી વર્તે.
“સત્સંગમાં એવો ધારો છે કે વિશેષ ચાલે તેને સૌ સારો કહે, અધર્મી તેને કેમ કહેવાય? ધર્મમાં ચાલે તેને અધર્મી કહે તે સમાન બીજો કોઈ પાપી ન કહેવાય. સત્સંગની આ રીત છે કે મહાપાપી હોય તે પણ ઉત્તમમાં ખપે, અંદરનું કપટ તો કોણ કળી શકે?
“અતિ કુટિલ ને કપટી હોય તે પોતાનું કપટ કળાવા દે નહિ. અંતર્યામી ભગવાન કોઈને દેખાડે તોપણ ધર્મવાળો હોય તેથી મુખે કહી શકે નહિ. સત્સંગમાં જ્યારે બૂરું કરે ત્યારે બધાના જાણ્યામાં આવે. જ્યારે તેને સત્સંગમાંથી બહાર કરે ત્યારે તેની મોટાઈ રહે નહિ. મોટેરાને કહેવાની રીત નહિ, કહેવા જાય તેને જ માથે દોષ નાખે અને ન્યાયનાં વચનને પણ અનીતિ કહે એવા ચાલાક હોય. એવાને અમે સત્સંગ કરાવતા નથી, કારણ કે તે આખા સત્સંગને ડુબાડે.”7
શ્રીહરિએ ઝીંઝરમાં ખોડાભાઈને ત્યાં થાળ જમીને વાત કરતાં કહ્યું, “ધુતારાનો વિશ્વાસ ન કરવો એમ અમે વારે વારે કહીએ છીએ. હરિભક્ત હોવા છતાં ધુતારાનો વિશ્વાસ કરે છે. ધુતારા જેવું તો સાચાને પણ બોલતા આવડે નહિ ને તેથી તે સહેજે પૂજાય છે. ધુતારા માટે તો જમપુરી કરી છે.”8
બોટાદમાં શ્રીહરિ કહે, “ભગવાનનાં કથા, કીર્તન અને ચરિત્ર રાત્રિ-દિવસ ધન અને નારીના તાનથી જે કરતાં હોય તેને કાકચાતુરી કહેવાય.”9
વઢવાણમાં તુલસી દવેને શ્રીહરિએ કહ્યું, “સત્સંગના યોગ વિના સંત-અસંત ઓળખાય નહિ અને તે વિના ભવરોગ ટળે નહિ. જેનાથી ભવરોગ ટળે એવા સંતને આસુરી સંતો પાખંડી માને અને મનાવે છે. જ્યાં આસુરી સંતનું ચલણ હોય, ત્યાં સાચા સંતનું સન્માન થવા દે નહિ. હર કોઈ પ્રકારે ચાલે ત્યાં સુધી તેમનું અપમાન કરાવે છે. સાચા સંત જ્યારે સત્ય વાત કરે ત્યારે અસંતને દુઃખ લાગે છે.”10
સારંગપુરના જીવાખાચરના દરબારમાં શ્રીહરિએ હરિજનોને કહ્યું, “ઉપરથી ડોળ રાખતા આવડે તેની જગત પૂજા કરે છે, પણ ગરીબ હરિભક્ત તો જગતની પૂજાને ગણ્યા વિના નિયમ, કથા-વાર્તા, કીર્તન કરીને મનમાં મગન રહે છે. ગરીબ કરતાં પ્રપંચીની સાધુતા વધારે દેખાય ને લોકોને રંજન કરવા વાતો પણ બહુ સંઘરી રાખે, પણ સાચા સંત પોતાના જીવના હિતનું જ અનુસંધાન રાખે છે ને સંસારીજનો પોતાની મોટપ જાણે નહિ એ રીતે વાત કરે છે.”11
શ્રીહરિએ પત્રમાં વાત લખાવી, “અસત્પુરુષના યોગથી જીવની મતિ અસત થઈ જાય છે. પછી જીવનભર તે અસત્ માર્ગે જ ભાવ રાખીને દોડ્યા કરે છે. વિષનું વૃક્ષ વાવે પછી વિષનાં જ ફળ પામે છે. અમૃતનું વૃક્ષ વાવે તો અમૃતફળ પામે છે.”12
અમદાવાદ નવાવાસમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ગબરગંડને સત્સંગનો પાસ લાગતો નથી, તે આસુરી જીવ છે. છતાં ઉપરથી ધર્મ-નિયમ રાખે છે, પણ તેથી સંત-હરિભક્તો સાથે જીવ મળતો નથી. પોતાના જેવો દેખે ત્યારે આનંદ થાય. પાકા અસુરને કોઈ પુણ્યે કરીને સત્સંગ થાય તો તે સૌથી અધિક વર્તનમાં રુચિ રાખે છે અને હરિના વચનથી અધિક વર્તે ત્યારે જ તેને શાંતિ થાય. સેવા-કીર્તનમાં તેને સહેજ પણ રુચિ હોય નહિ. આત્મસત્તારૂપ રહેવું તેમાં નિવૃત્તિ માને ને ભગવાનને બીજાની સાચી સમજણ કરતાં પોતે અધિક દેખે છે એમ કહે. સભાની વાત તેને સારી લાગે નહિ. બીજી વાત જોડે તાન હોય. અલગ બેસીને વાત કરવામાં ને અલગ ધ્યાન-સ્મરણ કરવામાં તેને ગમતું આવે. પોતાની રુચિમાં મળતો આવે તેને સારો માને. પોતાનું જ્ઞાન, ધ્યાન ને ધામ ત્રણેય સૌથી અધિક છે એમ કહે. પોતાની રુચિમાં ભળતા ન હોય તેની ઘૃણા કરે. પોતાનું માને તેમાં કોટિ ગણી પ્રીતિ રાખે ને તે વિમુખ હોય તો પણ ત્યાગ કરી શકે નહિ. ભગવાનનાં વચન ઉલ્લંઘીને વર્તે - એવા મનમુખી આ લોક અને પરલોકમાં દુઃખી થાય છે. કોઈ કઠણ વચન કહે ને સહન કરે ત્યાં સુધી નભ્યે જાય. સહન ન થાય ત્યારે પૂછ્યા વિના ચાલ્યો જાય! જેને અનંત સુખનો લોભ લાગ્યો હોય તે જ હળીમળીને રહે. તે દૈવી હોય તો બને.”13
ગઢપુરમાં ગેબી બાવાની ડીંગ જૂઠી પડી એ પછી શ્રીહરિએ સૌને વાત કરતાં કહ્યું, “જેમાં જેટલો ધર્મ હોય તેમાં તેટલો પ્રતાપ રહે. સત્પુરુષ વેદ પુરાણ સ્મૃતિનું પ્રમાણ કરે છે. અસત્પુરુષો પ્રમાણ કરતા નથી. તેને બળદ ને ખર સમાન કહ્યા છે. શાસ્ત્રો સાંભળ્યા વિના મનુષ્ય થઈ શકાય નહિ. ઇન્દ્ર અને બ્રહ્માએ પણ જેટલો શાસ્ત્રનો લોપ કર્યો, તેની મહોબત નહિ રાખતાં શાસ્ત્રોમાં તે સૂચવી દીધું છે. રાજકોટના લોંગ સાહેબે અમને કહ્યું હતું કે સત્સંગ વિના બીજા મતો ધર્મ માર્ગે ચાલતા નથી, તેથી સત્સંગનું ઉચ્છેદન કરવા ઇચ્છે છે. દ્વેષી લોકો ધર્મથી રહિત હોય છે. એમ ડહાપણ ને નીતિવાળા સાહેબ પણ સમજી ગયા છે. અધર્મીની સાથે વિવાદ કરવાથી તેને કંઈ અસર થતી નથી. એવા બગલાઓ ઠેર ઠેર હોય છે, પણ ધર્મી હંસ સત્સંગરૂપી માનસરોવરમાં હોય છે.”14
વડતાલમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “જીવ થઈને ભગવાન જેવાં આચરણ લોકને ભમાવવા કરે છે, તે ભગવાનનો અતિ ભારે દ્રોહી છે. તેનો દૂરથી ત્યાગ કરવો. મિથ્યા વાસુદેવની ગતિ થઈ તેવી તેની થાય છે. તેની બુદ્ધિ નીચમાં નીચ અને બૂરામાં બૂરી છે અને મરીને મળના દ્વારમાં નિવાસ કરે છે. આ વાત સમજ્યા વિના મોક્ષના માર્ગમાં વિઘ્ન થાય છે.”15
ગઢપુરમાં શ્રીહરિએ સંતોને વાત કરી, “સાધુ અને અસાધુ વર્તનથી પરખાય છે. સાધુને ભગવાનનો અપાર ખપ છે, અસાધુને લેશમાત્ર ખપ નથી.”16
પંચાળામાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “જેને જીવનમાં ધર્મ-નિયમ ન હોય તે ચ્હાય તેવી વાતો કરે કે પ્રતાપ જણાવે તોપણ અમારા હરિભક્તો તે પ્રતાપને ક્યારેય માનતા નથી. જે ધર્મ-નિયમ પાળે છે તેને જ પ્રતાપ આધીન રહે છે. ભગવાનને જાણ્યા પછી તેના વચનમાં ન વર્તે તો તેનો મોક્ષ થતો નથી. વળી, ધર્મ-નિયમમાં વર્ત, પણ પ્રગટ ભગવાનને ન ઓળખે તો તેનું જન્મ-મરણ ટળતું નથી. જેને નિશ્ચય દૃઢ હોય તે ધર્મ-નિયમ લોપે નહિ.”17
વડતાલમાં ગોમતી કાંઠે શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ભગવાન અને સત્પુરુષના સંકલ્પમાં સિદ્ધિનું ફળ સમાયેલું છે. એ જે જે વાત કરે કે સંકલ્પ કરે તે સિદ્ધ થાય છે. કદી મિથ્યા થતા નથી. સત્પુરુષના સંકલ્પને મિથ્યા કહે તે અસત્પુરુષ છે. અસત્પુરુષ ભવભટકણના ત્રાસથી છૂટે નહિ. મનફાવ્યું વર્તન કરે, આજ્ઞા લોપે ને શાસ્ત્ર વિરુદ્ધ વર્તે તેમાં શંકા કે ડર ન હોય એવાં લક્ષણોથી અસત્પુરુષને ઓળખવા.”18
*
પરિશિષ્ટ
શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:
ઘર છોડ્યું, સાધુનો વેષ ધર્યો, પણ સાધુતા ન આવી તો શું કામનું? પેટ ભરવા જે સાધુ થયો હોય તે તરત ઓળખાઈ જાય. ભગવાનને મૂકીને અન્ય પદાર્થમાં જેટલો રાગ છે તે જ અસાધુપણું છે. તે નામ માત્રનો સાધુ છે. ભગવાનનું નામ ન લે તો કોઈ ખાવાનું ન આપે એટલે નામ લે છે. હરિનું નામ લે ત્યારે તો ફેલ કરવા મળે છે. સંત થઈ પોતાના દેહને લાડ લડાવે તેની સહાય શ્રીહરિ કરતા નથી.19
દંભી સાધુ પોતાના દેહભાવને ક્યારેય ખોદતા નથી ને પોતાનો મહિમા ગાય છે. પોતાના દોષોને ગુણ કરીને દેખાડે છે અને સાચા સંતમાં રહેલા હરિના અખંડ સાંનિધ્ય જેવા અપાર ગુણોને દંભમાં ખપાવે છે. ભગવાનનું અખંડ સાંનિધ્ય સૌ માટે દોહ્યલું છે. દિનરાત હરિની સેવામાં એ સાચા સંત ખડે પગે રહે છે. આવું સાંનિધ્ય તો અનંત વર્ષ સુધી અન્ન તજી દે, અષ્ટાંગ યોગ પણ યુગો સુધી સાધે, તપે કરીને શરીર રાફડો કરી નાખે, શરીરમાં કેવળ હાડકાં જ રહે એવું તપ કરે તોપણ શ્રીહરિને ધારણ કરવા રૂપ સામર્થ્ય તેને દુર્લભ છે. આ ગુણ એવો છે કે કોટિ જન્મ સુધી કહીએ તોપણ તેનો પાર આવે નહિ. દંભી સાધુ બીજા અનંત ગુણો કેળવે ને દેખાડે, પણ આ ગુણ તેનામાં આવતો નથી. એટલે પોતાના અન્ય ગુણો સાચા સંતને પાછા પાડવા દેખાડે છે ને એનો આલોચ-આગ્રહ અગણિત રીતે બહાર લાવે છે. એટલું જ નહિ એ ગુણોનું અધિકપણું કહીને સાચા સંતના અનંત અપાર ગુણોને ઢાંકી દે છે. વળી, એ સંત જે ભગવાનની સેવા કરે છે તે વાતને જુક્તિએ કરીને જૂઠી કરે છે. એવા દંભી સંતને એના જેવા જ બીજા દંભી ભક્તો મળી રહે છે. તેને ભક્ત શિરોમણિ કરીને તે વખાણે છે.
દંભી એવા બડા ઠગ હોય છે કે સાચા સાધુને પણ ઠગ કહીને વગોવે છે. છતાં સાચા સાધુ સિદ્ધ હોઈ તેમને લોકો ઘરો ઘર પૂજે છે.20