૧૩. દાસપણું
શ્રીહરિએ માતાને ઉપદેશ દેતાં કહ્યું, “માનમાત્રને તજીને ભગવાનના દાસ થઈને વર્તવું અને સમયે સમયે સેવામાં હાજર રહેવું તેને દાસભક્તિ કહેવાય છે. ભગવાનને માટે જે કાંઈ જળ, પુષ્પ, તુલસી, ચંદન, ભોજન વગેરે જોઈએ તે પોતે જાતે તૈયાર કરે અને ઋતુને અનુસારે વિનયપૂર્વક તે તે વસ્તુ અર્પણ કરવામાં તત્પર રહે, તે દાસભક્તિ કહેવાય છે. દાસભક્તિ યુક્ત પુરુષ ગમે તેટલો મહાન હોય તોપણ ભગવાનની નીચામાં નીચી કોઈ પણ ટહેલ કરવામાં તથા મંદિરમાં વાળવું, લીંપવું વગેરે ક્રિયામાં સહેજ પણ માન નહિ રાખતાં, પોતાનાં અહોભાગ્ય સમજે છે તથા બીજા ભક્તોને પોતાથી અધિક માની તેમને નમતો રહે છે, તેમની સાથે કપટ રાખતો નથી.”1
સરધારમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતાના દોષ જુએ તે દાસ. દાસનો દાસ થાય તે જ સિદ્ધ છે. ધ્યાન, ભજન, યોગાભ્યાસ, જપ, તપ, ત્યાગ, વૈરાગ્ય વગેરેનું ફળ એટલું જ છે જે પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ માને. ભક્તના દાસનો દાસ થઈને રહે તેને જ અમે શ્રેષ્ઠ માનીએ છીએ.”2
રાજકોટમાં શ્રીહરિએ ડુંગરજી અને અલર્ક નૃપ વગેરે ભક્તોને વાત કરતાં કહ્યું, “નાનો સંત હોય તેના પણ દાસાનુદાસ થવું, કારણ કે નાનો તણખો પણ બ્રહ્માંડનો નાશ કરવા સમર્થ છે. કોઈ ગુણનું માન સંત પાસે ન રાખવું. જે અભિમાન રાખે છે, તેના પ્રત્યે અમને સહેજે અરુચિ રહે છે. સરલચિત્ત રહેવું, તે અનંત ગુણોનું મૂળ છે. સરળતા વિના મેરુ જેટલા ગુણ હોય, તોપણ ટકતા નથી.”3•
અલૈયા ખાચરને શ્રીહરિ વાત કરતાં કહે, “બહુ છક છે તે અનંત દોષનું મૂળ છે. ભવ-બ્રહ્માદિકને છકને લઈને વિઘ્ન આવ્યાં. માટે દાસના દાસ થઈને રહેવું. દાસના દાસ થઈને રહે તેને વિઘ્ન નડતાં નથી. પૂર્વે ઉદ્ધવ, પ્રહ્લાદ થઈ ગયા તેની રીતિ જોવી. તે ભક્તોમાં શિરોમણિ હતા તો પણ તેમણે દાસના દાસ અને તેના પણ દાસ થવા વર માગ્યા છે.
“દાસ થઈને સેવા કરે તેનાથી વિઘ્ન બધાં ડરીને દૂર ભાગે છે. દાસાનુદાસ થઈને જે ભક્તની સેવા કરે તે સેવાથી જેવા ભગવાન પ્રસન્ન થાય છે તેવા બીજા કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી. હરિજનમાં જે મોટેરો કહેવાતો હોય તેને ભક્તની સેવારૂપી સાધનમાં જો પ્રીતિ ન હોય તો તેને મનુષ્ય જાતિમાં ન માનવો. તેને ભૂત-પ્રેતનો અવતાર મળે છે. વળી, તેને માથે કોઈ રક્ષાનો કરનાર ન હોવાથી જમકિંકર તેનો રક્ષક બને છે. હરિભક્તોમાં જે મોટેરો થઈને ફરે તેથી તે હરિજનની સેવા કરે નહિ, પણ હરિજનો પાસે પોતાની સેવા કરાવે છે તે તો મોટા પર્વતના દેહને પામે છે.”4
જેતપુરમાં શ્રીહરિ રામદાસ સ્વામી અને સંતોને કહેવા લાગ્યા, “જે સેવક સરળ ચિત્તવાળા, માન વિનાના, ક્રિયામાં નિપુણ, કોઈનાં છિદ્રો કહે નહિ તેવા, હરિજનોના દાસ થઈને રહેતા હોય, ખાવા-પીવાની વસ્તુ કોઈને આપ્યા વિના ખાતા ન હોય, કોઈનું કામ બગાડતા ન હોય, કોઈ પર ક્રોધ કરતા ન હોય - એવા સેવક ઉપર અમારે ભાવ રહે છે. એવા તો એક મુકુંદાનંદ છે. અમે ક્યારેક તપીએ છીએ, પણ એમની વૃત્તિ તો એકધારી શાંત છે.”5
બુધેજમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સંત-હરિજનોમાં જેને ભાવ હોય તેને સેવાનો ઉત્સાહ રહે છે. સત્સંગની સેવા તે જ મોક્ષપદ છે. સત્સંગમાં સેવા કરે છે તેને અમે ધામમાં જ દેખીએ છીએ. ધામમાં રહીને અમે બધાને પીરસીએ છીએ તે તમને દેખ્યામાં આવતું નથી. તમને પીરસવાની અમને વારે વારે શ્રદ્ધા જાગે છે. તમે બધા સંતો, વર્ણી અને પાર્ષદો સેવા કરો છો તેથી તમારાં ધન્ય ભાગ્ય છે. તમે જે સેવા કરો છો તેને ભવ-બ્રહ્માદિ દેવતાઓ ઇચ્છે છે, પણ તેને મળતી નથી. એવી સેવા મળી છે છતાં તેને મૂકીને બીજી ઇચ્છા રહેતી હોય તેને ભિખારી જાણવો. જેમ રાજાએ ભીખતી વાઘરણને રાણી બનાવી, કંચનના મહોલમાં રાખી, દાસ-દાસીઓને તેની સેવામાં રાખ્યાં. વિવિધ પકવાન મળતાં, અંગ પર સુવર્ણ-મોતીના ભૂષણનો પાર નહિ, પણ તેને ભીખવાની ટેવ હતી તો રાજમહેલ તેને બંદીખાનું લાગ્યું ને સાહ્યબી બધી અંગારા તુલ્ય લાગી. તેમ સેવા વિના જે બીજું ચિંતવે છે તે બધાય ભિખારી છે.”6
સારંગપુરમાં શ્રીહરિએ હરિજનોને વાત કરતાં કહ્યું, “જગતમાં જે પ્રભુ ન હોય છતાં પ્રભુ થઈને બેસે તેને અમે પાપી માનીએ છીએ. નિત્ય તેને આખા બ્રહ્માંડનું પાપ લાગે છે. તેમાં જેટલી પ્રભુતા હોય તે જણાયા વિના રહે નહિ. જેમ સૂર્યનો ઉદય થાય તે કોઈને કહેવું પડતું નથી.
“મનુષ્યમાત્રને મોટા થવાની હોંશ છે, પણ સૌના દાસ થયા વિના મોટાઈ મળે નહિ. અમે તો મોટાઈમાં સુખ માન્યું જ નથી. જેવી સ્વામીની મરજી તેમાં અમે સુખ માન્યું છે. પછી ક્યારેય દુઃખ રહેતું નથી. અમારી પેઠે માને તેને પણ સુખનો માર્ગ મળે. અંત સમે તેની સહાય પણ અમે કરીએ.”7
શ્રીહરિએ અલર્ક રાજાને કહ્યું, “હરિભક્તોનો દાસ થઈને રહે તે બુદ્ધિમાન છે. દાસને ક્યારેય દુઃખ હોતું નથી. મોટાને જ દુઃખ હોય છે, કારણ કે તેમાં જેટલું માન હોય તેટલું દુઃખ થાય છે.”8
કરિયાણામાં ઓઢા ખાચરના ભવનમાં શ્રીહરિ કહે, “સંત-હરિભક્તોના દાસ થવાનો નિત્ય અભ્યાસ રાખવો. પોતાથી તેમને અધિક સમજવા અને સદા ગરજુ રહેવું. ક્યારેય તેમની સાથે બખેડો કરવો નહિ. જેટલો વિરોધી થઈને વર્તે તેટલો તેમાં ફરક સમજવો. વર્તન ઉપરથી જ જેટલો સત્સંગ થયો હોય તેટલો ઓળખવામાં આવે છે. અંતરમાં ફરક હોય તે ઉપરથી દેખાય નહીં. પણ સત્સંગ સૂર્ય જેવો છે, તે વર્તનમાં જ દેખાડી દે છે.”9
જેતપુરમાં મૂળુવાળાના ભવનમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “જે જ્ઞાની જનો છે તે ક્યારેય અજ્ઞાનીના નોરમાં ચાલે નહિ, આ લોકના અનિત્ય ભોગમાં બંધાય નહિ, તથા પંચવિષયને નીરસ માને છે. મૂર્તિમાં રસ લાગ્યો હોય તેને ખાવું-પીવું પણ ગમતું નથી. અન્ય રસમાત્ર ખારા થઈ જાય છે. શુદ્ધ ચિત્ત વિના અતિ શુદ્ધ મૂર્તિ ધાર્યામાં આવે નહિ. અભ્યાસ કરીને દેહ અને બ્રહ્માંડના ભાવમાં વૈરાગ્ય પામે અને જે જે ક્રિયા કરે તે મૂર્તિ ધારીને કરે. મૂર્તિને મૂકીને એક પણ ક્રિયા કરે નહિ. મૂર્તિ વિના અન્ય સર્વનો જ્ઞાનપ્રલય કરી નાખે. જેમ અતિશય ગરીબ માણસ હોય અને તેને અતિ તૃષ્ણા હોવા છતાં અન્ન-વસ્ત્ર મળતું ન હોય તેને અચાનક બ્રહ્માંડનું રાજ્ય આવી પડે ને જેવું સુખ થાય તેથી કરોડ ઘણું સુખ મૂર્તિમાં રહ્યું છે. આવી જ્ઞાનદૃષ્ટિ સાથે મોટાનો વિશ્વાસ રાખે તે સમાન મોટો કોઈ દાસ નથી.”10
શ્રીહરિએ માંડવીમાં વેદાંતીને વાત કરતાં કહ્યું, “પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાનનું પાકું જ્ઞાન મેળવી, તેમના દાસ થઈને દેહ અને બ્રહ્માંડથી પર વર્તે ત્યારે બ્રહ્મભાવ આવ્યો કહેવાય. જે બ્રહ્મરૂપે વર્તે છે તે આત્મા(અક્ષરબ્રહ્મ)ને પરમાત્માને, તેમના ભક્તોને તથા શ્રીહરિના દિવ્ય ધામને સત્ય માને છે. અને તે વિના અન્ય આકારમાત્રને દેખે, કે કાને કરીને સાંભળે પણ તેને લેશ પણ સત્ય માનતા નથી. તે (માયામય સઘળું) નાશ પામે ત્યારે શોક કરતા નથી. નાશવંત વસ્તુ પાછળ મનુષ્યને જ્યાં સુધી શોક થાય છે ત્યાં સુધી તેનું જ્ઞાન મિથ્યા છે. ભલે તે વિવિધ પ્રકારે તેનો બોધ કરાવતો હોય!”11•
જૂનાગઢમાં શ્રીહરિ કહે, “અભાવ અરુચિ વર્તે અને સેવા કરવામાં ઉમંગ ન જાગે તો જાણવું તેને સત્સંગમાં પ્રીતિ નથી. ધ્યાન કરે તોપણ સેવામાં તાન ન હોય તો ધ્યાન મિથ્યા છે. સમાધિ, ધ્યાન, ધારણા, જપ-તપ, તીર્થ, દાન-પુણ્ય અને આત્મનિષ્ઠા એ બધાંય સાધનોનું ફળ સેવા છે. સેવા વિનાનાં સાધન તે ફળ વિનાનાં વૃક્ષ જેવાં છે. ચિત્રકેતુ, ઇન્દ્ર વગેરે ઘણાય દેવ મનુષ્યોએ સેવાથી મોટાઈ મેળવી છે અને માને કરીને પડી ગયા છે.”12
વર્ણીને શ્રીહરિ કહે, “સેવા સમાન કોઈ કસોટી નથી. સેવા બધાંય સાધનોનું મૂળ છે.”13
વર્ણી પ્રત્યે શ્રીહરિએ કહેલી વાત મુક્તમુનિએ સભાજનોને કહી, “શ્રીહરિ કહે - હરિજન સેવકની એવી રીત છે કે ગુરુ-સંતની સેવા પરમ પ્રીતિ ને રસપૂર્વક કરે છે. દાસ થઈને જે જે સેવા જે પ્રકારે કરે તે હરિજન તે પ્રકારના થાય છે. નાનપ-મોટપ સેવામાં રહેલી છે. જેવી ખેતી કરે તેવી ઊપજ મળે. સ્વાતિ નક્ષત્રની વર્ષાનાં બૂદ એક પ્રકારનાં છે, પણ પાત્ર પ્રમાણે ન્યારા ન્યારા ગુણ પ્રગટે છે.
“રોગ કરોડ પ્રકારના હોય છે. બધા રોગનું ઔષધ એક નથી, જુદું જુદું છે. વળી, રોગની ગુણવત્તા જાણીને ઔષધ આપે તે જ ઔષધ ગુણ કરે છે. ઔષધના જેટલા ગુણ છે તે સઘળા એક અમૃતમાં સમાઈ જાય છે. શ્રીહરિ અને સંત ગુરુની વાત અમૃત તુલ્ય જાણવી. કુમતિ જન જો એ અમૃત-ઉપદેશને વિષ માને તો તેને વિષ તુલ્ય ફળ આપે છે. એમ, વાતને માને ને ન માને તે પર સન્મુખ અને વિમુખના ભેદ પડે છે. હરિ-ગુરુની વાતને શ્રદ્ધાપૂર્વક ઝીલે ને અંતરમાં ઉતારે તેને માટે તે અમૃતનું ફળ આપે છે. આહાર જે રીતે કરે તેવું તેને ફળ મળે. જે આહાર જિવાડે છે તે જ આહાર મારે છે. તેમ સત્સંગ કરતાં કરતાં ઘટી પણ જાય છે ને વૃદ્ધિ પણ પામે છે.
“આ બધાં દૃષ્ટાંતનું સિદ્ધાંત એટલું છે કે દાસપણે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરવી. જે રીતે પૂર્વે ભક્તોએ સેવા કરી છે તે રીતે શુદ્ધ મને કરીને કરવી. કારણ, આ વખતે સત્સંગમાં ધામના મોટા મુક્તોએ દેહ ધર્યા છે ને નારદ, શુક, સનકાદિક અનંત મુક્ત પણ આવ્યા છે.”14•
મુક્તમુનિ કહે, “શ્રીહરિ કહેતા કે - મનુષ્ય તન પામીને ચક્રવર્તી રાજ્ય મળે પણ ભગવાનનો દાસ ન થાય તો તેનાં દુઃખનો અંત આવતો નથી.”15
કારિયાણીમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “આંખમાં સેવાનો ગુણ વસી જાય પછી તેના દુર્ગુણ કે અવગુણ નજરમાં આવતા નથી. સેવાનું આ અંજન અન્ય પંચરસના અંજન કરતાં પણ શ્રેષ્ઠ છે. ધનનું અંજન પણ આ અંજન પાસે ઝાંખું પડે છે. ભવ-બ્રહ્મા જેવા કોઈ સિદ્ધ, સમર્થ ને અંતર્યામી નથી, પણ કોઈ અસુર જો તેની આરાધના - સેવા કરે તો તેને વર દઈ દે છે. સેવકાઈ પાસે અનંત દોષ ઢંકાઈ જાય છે. સેવા જોઈ અંતર્યામી દેવ પણ અંધ બની જાય છે.
“સેવાથી હેત બંધાય છે, પછી તેનું બંધન થવાથી મન તેનો અભાવ જોતું નથી. અભાવ આવે ત્યાં સુધી સેવામાં કાચપ છે.”16
ગઢપુરમાં પ્રાગજી પુરાણી પાસે મહાભારતનું શાંતિપર્વ વંચાવીને શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણો આવે છે. સંતનો દાસ ન થાય કે હરિભક્તનો દાસ ન થાય તો તુચ્છ કીટમાં નિવાસ કરે છે. અનંત મહત પુણ્યે કરીને દાસપણું મળે છે. જે દાસાનુદાસ રહે છે તે વધતો વધતો વધી જાય છે.
“ચિંતામણિ, પારસમણિ કે કલ્પવૃક્ષ તેના કરતાં પણ દાસપદ ઊંચું છે, શ્રેષ્ઠ છે, અધિક છે. ઈશ્વરો, અક્ષરમુક્તો કે રાધા-રમાદિ ભક્તો દાસપણાના ગુણથી જ તે સ્થિતિને પામ્યા છે. ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટિ કલ્પ સુધી કરે અને ક્યારેય બરોબરિયાપણું આવવા ન દે, દાસના દાસનો દાસ થઈ રહે ત્યારે શ્રીહરિ તેને ‘દાસ’ની પદવી આપે છે. દાસ પદવી પરથી પર પદવી છે.
“પોતે જ ભગવાન થઈ બેસે છે તેના પર શ્રીહરિનો કોપ ઊતરે છે. ને શ્રીહરિ કોપે તેના પર સંતનો કોપ પણ થાય છે. તેથી તેનામાં હદ વગરની કુમતિ પેદા થાય છે અને તે પાપે કરીને અસુરનું આચરણ થઈ જાય છે. તે હરિજનોને વાત કરે છે કે, પોતાનાથી કોઈ મોટું નથી. અંતે એ અસુરનો નરકમાં નિવાસ થાય છે. સત્સંગના દાસ થઈને વર્તે નહિ અને બહુ ધ્યાન અને જ્ઞાન કરતા હોય તથા તપ પણ અન્ન તજીને કરતા હોય તોપણ તેમનો વિશ્વાસ કરવો નહિ. દાસપણું રાખવાથી દિવસે દિવસે વૃદ્ધિ પમાય છે.”17
ઘોડાસરમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “દુઃખી (રોગી) સંતની સેવા કરે તેને કરોડ મહાપાપ લાગ્યાં હોય તોપણ નાશ પામે. દુઃખી સંતની સેવા કરનાર ધ્યાનમાં મૂર્તિનો સાક્ષાત્કાર કરે તેના કરતાં પણ અધિક છે. કોઈ પણ પદાર્થની લાલચ વિના જેઓ સેવાની ભાવનાથી જ સેવા કરે તે ભગવાનના ધામમાં જાય છે. લાલચથી સેવા કરે તે ધામને પામે નહિ.”18
ગઢપુરમાં વણિક પાસે વાત કરતાં શ્રીહરિ કહે, “મોટા મોટા ભક્તો થયા તેમણે ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરી છે. સેવામાં અનંત અપાર સાધન લીન થઈ જાય છે. સંતોની જાણે-અજાણે જે સેવા કરશે તે પરમ મોક્ષને પામશે એમાં સંદેહ નથી.”19
ગઢપુરમાં સંતો-ભક્તોને ઉદ્દેશીને શ્રીહરિએ કહ્યું, “ભગવાનના કેટલાય અવતારો થયા છે અને તે દરેકના જુદા જુદા ભક્તો થયા છે, તે બધા ભગવાનના દાસ થઈને રહ્યા છે, પણ કોઈ સ્વામી થઈને બેઠું નથી. કોઈ પણ થયો હોય તો બતાવો. આ મોક્ષની ગાદી સનાતન છે ને એક ચાલી આવે છે. તેના પર ગુરુએ કોટિવાર નિરધાર કરીને અમને બેસાર્યા છે. તેના પર બીજો કોઈ ભગવાન થઈને બેસે તે માયાનો જીવ કહેવાય. તેને તો કોટિ ગૌહત્યા જેટલું પાપ લાગે છે. જગતના બધા રાજા થઈ શકતા નથી. જેનામાં રાજાની લાયકાત હોય તે રાજા થાય છે. બીજો રાજા થવા જાય તો દુઃખના કૂવામાં પડે. પોતાને ભગવાન કહે તે અધમમાં અધમ છે, નીચમાં નીચ છે ને પાપીમાં પાપી છે.”
‘અધમ મેં અધમ જેતે, પાપિ મેં પાપિ પ્રબલ જેહિ,
ભગવાન હોત જન તેતે, નીચ મેં નીચ ભગવાન હોત.’20
ગઢપુરમાં સંતો-ભક્તોને ઉદ્દેશીને શ્રીહરિએ કહ્યું, “ભગવાન સિવાયના ભગવાન તરીકે પૂજાવા જાય છે તેના પૌંડ્રક જેવા હાલ થાય છે. અંતે નરકનો તે અધિકારી બને છે અને અતિ દુઃખને પામે છે. અત્યંત કઠિન સાધનો કરી કરીને મરી જાય, તોપણ અક્ષરબ્રહ્મ પર્યંત કોઈ ભગવાન થવાને સમર્થ થતું નથી.
“પૃથ્વી પરના બધા રાજાનો પ્રતાપ એક દેવતાના રોમમાં સમાઈ જાય છે. બધા દેવતાનો પ્રતાપ કશ્યપ પ્રજાપતિના એક રોમમાં સમાઈ જાય છે. કશ્યપનો પ્રતાપ મરિચ્યાદિકના રોમમાં, મરિચ્યાદિકનો પ્રતાપ બ્રહ્માના એક રોમમાં, બ્રહ્માનો પ્રતાપ વૈરાટનારાયણના એક રોમમાં સમાઈ જાય છે. તેમ વૈરાટનો મહત્તત્ત્વના રોમમાં, મહત્તત્ત્વનો અહંકારના રોમમાં, અહંકારનો પ્રધાનપુરુષના રોમમાં, પ્રધાનનો પ્રતાપ મૂલપુરુષના એક રોમમાં ને મૂલપુરુષનો પ્રતાપ અક્ષરબ્રહ્મના એક રોમમાં સમાઈ જાય છે. એ અક્ષરબ્રહ્મ પુરુષોત્તમની દાસભાવે સેવા કરે છે. જેવો અક્ષરનો પ્રતાપ છે, તેવો ભગવાનના એક એક રોમમાં ભર્યો છે. આ વાત બરાબર સમજાય છે તેને એક તલભર પણ પોતાની મહત્તા મનાતી નથી. આ વાત અતિ અકળ છે તે ભવ-બ્રહ્મા જેવાના કળ્યામાં પણ આવતી નથી.”21•
શ્રીહરિએ ગોંડળમાં સંત-હરિજનોને વાત કરતાં કહ્યું, “મનુષ્યદેહે કરીને જપ, તપ, તીર્થ થાય પછી તેનું ફળ એ છે કે પ્રગટ ભગવાન કે ભગવાનના સંત મળે. પછી તેમનાં વચન અનુસાર ચાલવું. ભગવાન અને ભગવાનના સંતો-ભક્તોની સેવા મન-કર્મ-વચને કરવી તે આત્મારૂપે રહેવા કરતાં પણ અધિક છે. સેવા કરવામાં દંભને અવકાશ નથી.
“આત્મારૂપ વર્તન કરવામાં દંભ પોષાય છે. ભગવાન ને સંતની સેવા વિના આત્મસુખની વાત પણ શુષ્ક છે, નીરસ છે. મોટા સિદ્ધ ધ્યાનમાં બેસે તે તેની મોટાઈ તેના પૂરતી છે, પછી તેની પાછળ દંભની વાત રહે છે. દંભથી ક્યારેય મોક્ષ થતો નથી. શ્રીહરિના દાસ થઈને જે રહે છે, તેનામાં મોક્ષ નિવાસ કરે છે. અર્થાત્ તે મોક્ષનું દ્વાર બની જાય છે.”22•
શ્રીહરિએ અલર્ક રાજાને વાત કરતાં કહ્યું, “નમ્ર થવામાં મોટપ છે. મોટાઈ પણ નમ્રતા વગર શોભતી નથી. જેમાં નમ્રતા નથી તો મોટપ પણ નથી. અનંત વિદ્યાઓ ભણે તેનું ફળ નમ્રતા છે. નમ્રતાથી વિદ્યા શોભે છે. જેણે નમ્રતા સિદ્ધ કરી તેને વગર મોટપે મોટપ મળે છે. સારાં આભૂષણ પહેર્યાં હોય તે પણ નમ્રતાથી શોભે છે. નમ્રતા ન હોય તો તે શોભતાં નથી. બીજા ગુણ ઘણા મેળવ્યા હોય, પણ નમ્રતા ન હોય તો તે ગુણ ઝેર રૂપ છે. પારસમણિ તથા ચિંતામણિ તથા બીજી રિદ્ધિ-સિદ્ધિ પામે, પણ નમ્રતા ન આવે ત્યાં સુધી મોટપ શોભે નહીં.”23
ગઢપુરમાં શ્રીહરિ સંતોને કહે, “દુઃખી સંતની જે સેવા કરે છે, તે મારી જ સેવા કરે છે. દુઃખી(રોગી) સંત, વર્ણી અને પાર્ષદની સેવા અલૌકિક ભાવ લાવીને કરવી. તે સેવાથી થયેલા લાભનો કોઈ દિવસ નાશ થતો નથી. પદાર્થનો લોભ રાખીને માયિક ભાવથી સેવા કરે તો માયિક ફળ મળે છે અને ભગવાન તથા ભગવાનના સંત ક્યારેય પ્રસન્ન થતા નથી. ભગવાન ને સંતનાં વચન પદાર્થ કરતાં અધિક છે. એ કાનથી સાંભળે તોપણ અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે, જે પદાર્થે કરીને થતું નથી.”24
શ્રીહરિએ સર્વે સંતોને પત્ર પાઠવ્યો. જેમાં સાચા સંતનાં લક્ષણ જણાવતાં લખ્યું, “જે સમાધિથી પણ મારી મૂર્તિને વિષે અધિકભાવ રાખે છે તે જ શ્રેષ્ઠ ભક્ત છે. સંતો-ભક્તોનો દાસ થઈ જે વર્તે છે તેને સમાધિ વિના સમાધિ છે. જે દાસ થયો તેના હૃદયમાં પ્રકાશ થાય છે. તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે. જે એકાંતિક સંત છે તેને દાસના હેતુની વાત ખબર છે.”25
કુંડળમાં રાજાઓ આગળ શ્રીહરિ ફરી કહેવા લાગ્યા, “સંત-હરિભક્તની મોટાઈ જે સમજે છે અને તેમનાં દર્શનથી જેનું અંતર ઠરે છે, તેને વિઘ્ન નડતાં નથી. દાસભાવ ન રહે તો મેરુ સમાન ગુણ હોય તોપણ શોભતા નથી. અનંત ધ્યાન-ધારણા કરતો હોય, ભૂત-ભવિષ્ય કહેતો હોય, અંતરનું જાણતો હોય, અનંત જીવોની નાડી જાણતો હોય, અનંત પરાક્રમ કરતો હોય, તોપણ જો દાસપણું ન હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે... દાસના ઉરમાં શ્રીહરિ નિવાસ કરીને રહે છે.”26
વાસણ સુથારને ઘરે શ્રીહરિ કહે, “સત્સંગના પ્રતાપથી સત્સંગના ગુણ આવે છે, પણ તેને જીરવવા કઠણ છે. સત્સંગ મળવો સુગમ છે, પણ પાત્ર થવું કઠણ છે. સત્સંગીમાં જેમ જેમ ગુણ આવે, તેમ તેમ સહજ રીતે દીન થતું જવાય. મોટા સંતની આગળ સૌ સહેજે દીનપણે વર્તે છે. ભાવથી પગે લાગી સેવા કરે છે, પણ નાના સંતને તુચ્છ માને છે તેને ગમ રહેતી નથી. અન્યને તુચ્છ માને તે પોતે જ તુચ્છ થાય છે. સંત-હરિભક્તોનો રંગ જે રીતે દિવસે દિવસે વધતો રહે, મેરુ જેવા ગુણ હોય પણ આવી વાત ગ્રહણ ન કરે તો તે ગુણ આકડાનાં તૂરની જેમ ઊડી જાય છે.”27
શ્રીહરિએ આનંદમુનિને કહ્યું, “ત્યાગ, વૈરાગ્ય, ધર્મ, જ્ઞાન થઈ શકે પણ સેવામાર્ગ કઠણ છે. ભગવાનના મંદિરને માટે જે જેવી સેવા કરશે તેને તેવું ફળ મળશે. જ્ઞાન અને ધ્યાનની ઓથ લઈને સત્સંગમાં ઘણાય આત્મનિષ્ઠ બનશે, પણ સેવા-નિષ્ઠ છે તે જ સાચા આત્મનિષ્ઠ છે. સેવાનિષ્ઠ વિના જ્ઞાન અને ધ્યાનવાળા દંભી છે. શરીર, વચન અને ધનથી ભગવાનની સેવા થાય, તે સિવાય બીજું કાંઈ અધિક નથી.”28
સુરતમાં શ્રીહરિએ પુરજનોને જે વાત કરી હતી તે મુક્તમુનિએ ઉત્તમનૃપને કહી, “ભગવાનના દાસના દાસના ચરણસેવક થઈ વર્તતા હોય એ ભગવાનના સાચા સંત છે. એવા સંતની ભાવે સહિત જે સેવા કરે છે, રાત-દિન ખડે પગે રહે છે, ને સેવામાં ક્યારેય અરુચિ લાવે નહિ તેની મોટપ સર્વથી શ્રેષ્ઠ છે. તેને પાકા હરિભક્ત જાણવા.”29•
*
પરિશિષ્ટ
શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:
જીવ જ્યારે શ્રીહરિને શરણે થઈને ભજે ત્યારે તે બંધનથી છૂટે. દાસ થઈને જે વર્તે તેની જ સમજણ સાચી છે. આત્મસ્વરૂપે વર્તનારા દાસપણું ભૂલી જાય છે, તેથી કર્મબંધન રહે છે. આત્મારૂપે થઈ હરિના દાસ રહે તે નક્કી હરિભક્ત કહેવાય. તે શ્રીહરિના વચનને ક્યારેય ઉલ્લંઘે નહિ. જેટલું વચન પર તાન તેટલો શ્રીહરિ તેને સમાસ કરે છે.30
જેવા સમર્થ શ્રીહરિને જાણે તેવો પોતે બને, પણ શ્રીહરિ તો તેનાથી અપારના અપાર જ છે. એમ શ્રીહરિને જાણીને પોતે બ્રહ્મ સમાન થાય તોપણ શ્રીહરિનો ડર રાખી સંત-હરિભક્તોના દાસ થઈ અણુ પર્યંત કોઈ જીવને દુખવે નહિ, ત્યારે તેને અક્ષર જેટલું સામર્થ્ય પ્રાપ્ત થાય છે.31
પોતાનામાં અક્ષર જેવા ગુણ આવે તોપણ હરિ અને હરિજનના દાસ થઈને રહે તેવા સંતો-ભક્તો ભગવાનને ગમે છે. તેના ભુવનમાં શ્રીહરિ સદા વસે છે.
‘અક્ષર કે ગુન કહાવત સબહુ, આપમેં બસે અખંડ જબહુ.
હરિ હરિજન કે રહે તોહુ દાસા, હરિજન કે ગુન કરે ન વિનાસા.
એસે હરિજન હરિ મન ભાવે, તાકે ભુવન હરિ સદા રહાવે.’32
સેવા કરે પણ મરજી વિના કરે તેના પર શ્રીહરિ રીઝતા નહિ. દાન, પુણ્ય, યજ્ઞ, તીર્થ વગેરે સાધન મરજી જોયા વિના કરે તેના ઉપર શ્રીહરિ પ્રસન્ન થતા નથી. બીજા ભક્તો પર દ્વેષ કે ઘૃણા રાખીને કોઈ ભક્ત ફાવે તેવું શ્રેષ્ઠ વર્તન કરે તોપણ શ્રીહરિ રીઝે નહિ. દ્વેષરૂપ અગ્નિથી તેનાં સાધન સઘળાં બળી જાય છે. દૂધ-સાકરમાં ઝેર પડે તેના સમાન તે સમજવું.
હરિભક્તોમાં શુદ્ધભાવ હોય ને જો થોડો જ ગુણ હોય તોપણ શ્રીહરિ તેને મેરુ સમાન માને છે અને અનંત દોષોને જોતા નથી. જેમ આ દેહ અંદર બહાર નખશિખ મલિન છે, પણ અણુ જેટલા જીવના સંબંધે કરીને શુદ્ધ દેખાય છે. જે હરિભક્ત હોય તેણે એકબીજાના દાસ થઈને રહેવું. પોતાના મનમાં પોતાને અધિક માનવો નહિ. અધિક મનાય તેટલો કુસંગ ગણાય.33
મુક્તમુનિએ શ્રીહરિની સ્વાભાવિક પ્રકૃતિ કહી, “જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. તેનો ભક્તિભાવ કોઈ કાળે ઓછો થતો નથી. સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિ જનોનો સત્સંગ નક્કી કરતા. હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રીહરિ પ્રીતિ રાખતા. તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષો ટળે તેની ચાડ અંતર્યામીપણે રાખતા. જનોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા. નિષ્કપટપણું એ તો અમૃત જેવો ગુણ છે. ગુણમાત્રમાં એ ઉત્તમ ગુણ છે. અને કપટ એ વિષ છે. જેનામાં શ્રીહરિ કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા. અને જેનામાં નિષ્કપટપણું દેખતા તેની સાથે અનુરાગ કરતા.”34
ભગવાન અને સંત ભેગા રહે ને મતિ ન ફરે, એનો ઉપાય એ છે કે ભગવાન અને સંતના જે ગમતામાં વર્તે, કોઈ વખાણે તોય છક ન આવે, કથાવાર્તા, કીર્તન-ભજન, ધ્યાન-સમાધિ વગેરે ગુણો હોય ને બીજા પણ સત્સંગના ગુણો પ્રાપ્ત થયા હોય તોપણ તેનું માન ન આવે. ભગવાન ને સંત ગમે તેવી મોટપ આપે તથા મોટા મોટા રાજાઓ અને પ્રજા ચરણમાં આવીને નમે, છતાં સંત-હરિભક્તોનો કિંકર-દાસ થઈને રહે એની મતિ ક્યારેય ફરતી નથી, અને એને જ સુમતિ જન જાણવો. જે સત્સંગથી મોટપ પામ્યો હોય છતાં તેને ભૂલી જાય છે એને ભગવાન જોઈ રાખે છે ને અતિ ઊંચે ચઢાવી પટકે છે, તોપણ તેની ગમ તેને પડતી નથી.35
સંત આગળ સરળતા ન હોય તે મોટામાં મોટું વિઘ્ન છે. મોટા સંત પાસે દબાઈને રહેવું. સંત આગળ સરળ વર્તે તેને ક્યારેય વિઘ્ન ન આવે. માનીને જીવે ત્યાં સુધી સન્માન મળતું રહે તો તે નભ્યો જાય. સન્માન બંધ થાય ત્યારે સત્સંગ છૂટી જાય. માટે સંત-હરિજનના દાસ થઈને રહેવું. દાસ થઈને રહેવાનો અભ્યાસ રાખે છે તે ક્યારેય ઝાંખા થતા નથી. જે પોતાને સૌથી અધિક માને તે જ ન્યૂન થતો જાય છે. જે સંતો-ભક્તોનો દાસ થઈને નિષ્કપટ વર્તે છે, તેટલો તે મોટપને પામે છે. માનની મોટાઈ મન સુધી છે. માનને કાજે કઠિન સાધન માત્ર થાય, તે હરિજનને દબાવવા કરે છે. કઠણ સાધન કરે અને અન્નજળ તજે તેથી કરીને મોટાઈ આવતી નથી. હળીમળીને ચાલે તેના ઉરમાં આનંદ રહે છે.36
જે ભક્તના દાસ થઈને વર્તે છે તેને વિઘ્ન નથી. પોતામાં ગમે તેવા ગુણ હોય ને સત્સંગના પ્રતાપથી ઈશ્વર જેવો સમર્થ હોય, છતાં હરિભક્ત આગળ તેનો છક રાખે નહિ, ત્યારે તેને કંઈ વિઘ્ન રહેતું નથી. દાસપણા વિના એક પણ ગુણ શોભતો નથી અને ભગવાનની પ્રસન્નતા પણ ત્યાં સુધી થતી નથી.37