૧૪. નિષ્કામવ્રત, બ્રહ્મચર્ય
શ્રીહરિનો ઉતારો જૂનાગઢના નાગરવાડામાં અમરસિંહ દીવાને ગોઠવ્યો હતો. તેમણે શ્રીહરિને કહ્યું, “આપનો નિવાસ ક્યાં કરાવું?”
ત્યારે શ્રીહરિ બોલ્યા, “જ્યાં સ્ત્રીનો પગફેર ન હોય ત્યાં અમને ગમે.”
તેણે કહ્યું, “એવું તો એક દીવાનખાનું છે.”
શ્રીહરિ ત્યાં પધાર્યા અને ઉતારો કરી મોદ પામ્યા.
‘સહજ જગે સબહિ હેં તુમારિ, કહો તિહાં ઉતરાયે બ્રહ્મચારિ,
તબહિ બોલે સો બર્નિરાયા, જહાં ત્રિય પગ ફેર ન રહાયા.’1
જીવુબાનો ત્યાગ જોઈ રાજબાઈએ ગૃહત્યાગ કર્યો. ભગવાન ભજવા ગઢડા આવ્યાં, તે વાત જીવુબાએ શ્રીજીમહારાજને કરી. શ્રીહરિએ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને બોલાવીને જીવુબાએ કરેલી વાત કરી. પછી કરુણા કરી કહેવા લાગ્યા -
“જુઓને, સત્સંગની વાત કરવામાં ત્યાગની ચાનક ચઢી જાય છે. બાઇયું પરણ્યા ધણીનો ત્યાગ કરી દે છે, પછી તેના પિતા સમજાવે તો મીરાંબાઈનું ઉદાહરણ આપે છે. રામાનંદ સ્વામી કાશી જઈને છાના રહ્યા. એમ ત્યાગમાં ઉપાધિ બહુ રહી છે. નરનો અભાવ નારી જીવમાંથી કરે ને નારીનો અભાવ નર જીવમાંથી રાખે તો ત્યાગ પાર પડે. નિષ્કામવ્રત પાળવું કઠિન છે. ગોપીઓ જેવા કોઈ ભક્ત નહિ, પરંતુ નિષ્કામવ્રત રાખનાર ભક્ત, ગોપીઓ કરતાં પણ અધિક છે.
“બ્રહ્મચર્ય વ્રત પાળવાની ઇચ્છા જેને હોય તેણે નિયમોનું બહુ પ્રકારે કડક પાલન કરવું પડે. ઔષધ કરતાં પણ ચરી ચઢે. રોગીને ચરીમાં અધિક શ્રદ્ધા હોય તો કામ સરે. નિષ્કામવ્રત દૃઢ રાખવાની આટલી ચરી છે –
“પ્રથમ દેહને અનિત્ય માની તેનું નિરંતર દમન કરે ત્યારે દેહ નિયમમાં આવે છે. બીજું, આત્માને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર માની આત્મનિષ્ઠા કેળવવી. ત્રીજું, રસાસ્વાદ જીતવો. દેહમાં જેટલો રસ જાય તેટલો જીવમાં કામ જાગે. મધુર, ખાટો, ખારો, તીખો ને કડવો – પાંચે રસમાં કામ રહેલો છે. ધીમે ધીમે આહારનો સંકોચ કરવો. ચોથું, વિચાર્યા વિના કોઈનો વાદ ન લેવો, મોટા સત્પુરુષ નાવ સમાન છે તેનો સંગ રાખવો, માન મૂકીને તેમની સેવા કરવી.
“પાંચમું, ગુરુમુખી થવું. પોતાનું ધાર્યું જેટલું થાય છે તેટલું માન જાણવું. અગ્નિમાં પ્રવેશ કરવો સહેલો છે, પણ મનનું ધાર્યું મૂકવું કઠણ છે.
“છઠ્ઠું આત્મવિદ્ થવું. આત્માને મનનો સંગ ન રહે ત્યારે તેને આત્મવિદ્ જાણવો. આવા આત્મનિષ્ઠ પુરુષ સરળ સ્વભાવના હોય છે. એવા તો એક જડભરત થયા જે સરળપણે વર્ત્યા. બીજા મોટા જોગીઓ ઘણા પણ જડભરતની તોલે ન આવે. અમે જડભરતને સંભારીએ છીએ ત્યારે નેત્રમાંથી જળ વહેવા લાગે છે. પ્રહ્લાદ, બલિ, પ્રિયવ્રત, શુક, સનકાદિકને સંભારીએ છીએ ત્યારે દિલમાં ખુમારી પ્રગટે છે.
“બદરીતળે બેઠા થકા નરનારાયણ ઋષિ મહાનૈષ્ઠિક વ્રત રાખે છે. એવા ભક્ત પર અમારી પ્રીતિ-રુચિ જાણી બધા સંતોએ એ રીતે વર્તવું.”2
શ્રીહરિએ સરધારમાં ગ્રામજનો પાસે વાત કરતાં કહ્યું, “નિષ્કામ વ્રત રાખે તે સત્સંગમાં મોટેરો છે. નિષ્કામ વ્રતનો ભંગ કોઈ કરે તો તે અમને તત્કાળ જણાવી દેવું, વિલંબ ન કરવો. નિષ્કામધર્મ રાખે તે અમારો છે. તેમાં જે ફેર પાડશે તેને સત્સંગ બહાર કરીશું. જો તેને સત્સંગનો ખપ હશે તો પ્રાયશ્ચિત્ત આપીશું. પ્રાયશ્ચિત્ત ન કરે તે અશુદ્ધ કહેવાય અને તે સત્સંગમાં બધાને અભડાવે છે. પોતાનું પાપ જે છાનું રાખશે તે મરીને બ્રહ્મરાક્ષસ થશે. એ અમારે શરણે રહેતો હશે તોપણ તેની સહાય અમે નહિ કરીએ. વચનમાં વર્તશે તે જ અમારો છે.”3•
જેતલપુરમાં શ્રીહરિ કહે, “બ્રહ્મચર્યનો નિયમ રાખ્યા વિના જપ, તપ, વ્રત તથા સત્સંગ આદિક કાંઈ પણ ફળીભૂત થતું નથી. એક સંતને જમાડે તો કોટિ યજ્ઞનું ફળ કહ્યું છે, પણ બ્રહ્મચર્ય વ્રત પાલન વિના તે ફળને ન આપે. યજ્ઞથી જગતમાં કીર્તિ મળે, પણ પાપ કરેલું ભોગવવું પડે.”4
વડતાલમાં એકાદશી અને પૂનમનો સમૈયો કરવા ભક્તો આઠમથી આવવાના શરૂ થઈ ગયા. પુરમાં ભીડ ખૂબ થવાથી સંતો તથા બાઈ-ભાઈ હરિભક્તોની વિભાગવાર સભા થઈ.
સભાની વ્યવસ્થા જોઈને શ્રીહરિએ પ્રસન્ન થકા કહ્યું, “ધર્મ વિના મોક્ષ હોય નહિ. નિષ્કામધર્મ વિના જગતમાં રહેલા અપાર ધર્મો જેમ નાક વિના મુખ શોભે નહિ તેમ શોભતા નથી. માટે અમારા હરિભક્તોએ નિષ્કામધર્મ મુખ્ય રાખવો. અને તેને દૃઢ કરવા માટે જ અમે વારંવાર દેશ-પરદેશ જઈ સમૈયા ને કથાવાર્તા કરીએ છીએ. અમારાં ચરિત્રોમાં પણ નિષ્કામધર્મ મુખ્યપણે રહ્યો હોય છે. અમે પ્રકરણો ફેરવીએ છીએ તેમાં પણ કામનું જોર ટાળવાનો હેતુ સમાયો છે.
“કામનું જોર અપાર છે. ઇન્દ્ર, ચંદ્ર, નારદ, ભવ-બ્રહ્માદિકને પણ ઘેરી લીધા છે. એટલા માટે જ મનુષ્યથી ન બને તેવાં તપ બહુ કર્યાં. શિવ સમાન કોઈ યોગી કહેવાય નહિ, બીજા યોગી તેમના આગળ પ્રાકૃત જેવા છે, છતાં પણ કામે તેમને વિઘ્ન કર્યું. જોગીઓના જોગી એવા નરનારાયણ ઋષિ અને શ્વેતદ્વીપમાં વાસુદેવ પણ નિષ્કામધર્મનું દૃઢ પાલન કરે છે, તપમાં રુચિ રાખે છે.
“લોભ અને કામનું જોર એવું છે કે નિશ્ચયને તોડી નાખે, માટે તેનો વિશ્વાસ કરવો નહિ. દારૂ વગેરે કેફી પીણાથી જેમ બુદ્ધિનો નિયમ રહેતો નથી તેમ લોભ અને કામ પણ બુદ્ધિને ભ્રષ્ટ કરે છે, માટે નિષ્કામપણું રાખવું.”5
વડતાલની સભામાં શ્રીહરિએ કહ્યું, “નિષ્કામધર્મ દૃઢ પાળવો, બીજાં જપ, તપ વગેરે અનેક કરે, પણ નિષ્કામપણા સમાન કોઈ તપ નથી. માટે તેમાં ગાફલ ન રહેવું. નિષ્કામપણું ન હોય ત્યાં સુધી આપણે ભેગા થયા તેનું તથા ભક્તિ કરી તેનું કંઈ ફળ નથી.”6
મુક્તમુનિ કહે: “નિષ્કામવ્રત ઉપર શ્રીહરિને બહુ હેત હોવાથી વારંવાર તે સંબંધી વાત કરતા ને કહેતા કે, ‘નિષ્કામવ્રત વિનાનાં નરનારી પશુ સમાન છે. નિષ્કામી હરિભક્તો પાસે અમને રહેવું ગમે છે. બીજા ભાવથી જમાડે પણ તેનાથી ઉદાસ રહીએ છીએ. બ્રહ્મા અને ભવ જેવા દેવ આવીને બ્રહ્માંડની સમૃદ્ધિ આપે તોપણ નિષ્કામ વ્રત સિવાય પ્રિય લાગતી નથી.’”7
બોટાદમાં હમીર ખાચરના ભુવનમાં થાળ જમીને શ્રીહરિ કહે, “કહ્યા વિના અમારી રુચિ જાણે તેવા સેવકો અમને બહુ ગમે છે. સમય ઉપર સેવા થાય તે સેવા અતિ ઉત્તમ કહેવાય. તેવા સેવકો ઉપર વિના કર્યે ભાવ વધતો અને વધતો જ રહે છે. મુકુંદવર્ણી જે અમારા સેવક છે તેમાં બે ગુણ બહુ ભારે છે. એક તો સનકાદિક જેવું નિષ્કામપણું છે. એટલે કે બ્રહ્માંડમાં નારીમાત્રને માતા, બહેન અને પુત્રીરૂપે જુએ છે. સ્વપ્નમાં પણ તે ભાવના ફરતી નથી. બીજું અનુવૃત્તિ જોઈ સેવા કરવી એ તેમને આવડે છે.”8
તેરા ગામમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “જે સ્ત્રીઓ એકલી તીર્થમાં જાય છે તેનો ધર્મ રહે નહિ, અને પોતાના કુળને બોળનારી થાય છે. સુમતિ હોય તેમણે ઘરમાં રહીને ધર્મ પાળવો જોઈએ. ઘરમાં રહીને ધર્મ પાળે અને ભ્રષ્ટ ન થાય તો એકોતેર કુળને તારનારી થાય છે. માટે સધવા કે વિધવા બન્નેએ એકલા તીર્થ કરવાનો આગ્રહ ન રાખવો. પુરુષવર્ગના કહ્યામાં વર્તવું પણ સ્વતંત્રપણે ન વર્તવું. ઘર મૂકી સ્વતંત્રપણે ચાલે તો તે અંતે ભ્રષ્ટ થયા વિના રહેતી નથી.”9
ખોખરા મહેમદાવાદમાં શ્રીહરિએ સંતોને નિષ્કામધર્મ સંબંધી વાત કરતાં કહ્યું, “સંતના વર્તનમાં, અનંત ગ્રંથમાં કહેલી મોક્ષની વાત આવી જાય છે. લોકને રીઝવવા માટે જે કરે છે, તેનાં વર્તન તો જુદાં હોય છે. શૃંગી ઋષિ પિતા સાથે વનમાં રહેતા હતા. નારીનો શબ્દ પણ તેમણે સાંભળ્યો નહોતો. કોઈ નારીને દીઠી પણ નહોતી. તેથી સ્ત્રી-પુરુષનું ભાન નહોતું. એવાને પણ નારીએ છળ્યા છે. સૌભરિ, ચ્યવન વગેરે પણ ભ્રષ્ટ થયા છે. તો જે ધર્મ ન રાખે તેવા કળિયુગના જોગીનું શું લેખું? તેનો વિશ્વાસ રાખે તેની આશા છોડવી જ રહી, કારણ કે ઝેર પીએ તેનું ઘડી પછી મૃત્યુ થયા વિના રહે નહિ. તમને અમારાં વચન ન ગમે પણ અમે કહ્યાં છે, કારણ કે કામના વેગની તમને ગમ નથી.”
ત્યારે સંતો બોલ્યા કે, “આપ જેમ કહો તેમજ અમારે વર્તવું છે. તમે અમારા નાવરૂપ છો.”10
ગઢપુરમાં જીવેન્દ્રના દરબારમાં અન્નકૂટને દિવસે સંતોની સભામાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “કામ અને લોભ બેઉ નરકનાં દ્વાર કહ્યાં છે. જ્યાં સુધી તેમાં મન રહે છે, ત્યાં સુધી તેને અનાસક્ત પુરુષ નરકમાં પડેલાં દેખે છે. નારી અને ધનને લીધે વારંવાર જન્મમરણ થાય છે. લખચોરાશીનું દુઃખ પણ ધન અને નારીમાં રહેલું છે. જે કંઈ દુઃખમાત્ર છે, તે ધન અને નારીમાં રહ્યાં છે. ધન-નારીનો જે ત્યાગ કરે છે તેને બ્રહ્માદિ દેવતાઓ વંદન કરે છે.
“જેને ભગવાન અને ભગવાનના સંતને પ્રસન્ન કરવાનો મનમાં ભાવ હોય અને દેહનો અભાવ થયો હોય તે ધન અને નારીનો ત્યાગ કરી શકે છે. આ પ્રકારના જે ત્યાગી કે ગૃહસ્થ હરિજન છે તે મનુષ્ય તનમાં મુક્ત છે, કારણ કે આવો ત્યાગ માયિક જન કરી શકે નહિ. આવા બ્રહ્મચર્યનિષ્ઠ સંતો-ભક્તોને કારણે અખિલ બ્રહ્માંડમાં સત્સંગનું સર્વાધિકપણું આજે જણાય છે. બ્રહ્માદિ દેવતાઓ કરતાં પણ આવો સત્સંગ અધિક છે.”11•
મહેળાવથી વડતાલ જતાં રસ્તામાં શ્રીહરિએ કહ્યું, “નિષ્કામવ્રત જેટલું જેનામાં રહેલું હોય, તેટલો તેનામાં નરનારાયણ દેવનો વાસ છે. વસંત પણ સદાય ત્યાં રહે છે. યશ અને નીતિ, રૂપ-રંગ પણ ત્યાં રહે છે. અમે જે જે ચરિત્ર કરીએ છીએ તેમાં સત્સંગની આ રીત-મર્યાદા સહેજે રહી હોય છે. વિપરીત રીત અમને રુચતી નથી.”12
ગઢપુરમાં શ્રીહરિએ કહ્યું, “બાઈ-ભાઈ હરિજનોએ નિષ્કામવ્રતનો ભંગ ન થાય એ રીતે વર્તવું. એવું અમે પ્રીતે કરીને ઘણીવાર કહ્યું છે. જે પુરુષ હરિભક્તનું નિષ્કામવ્રત ભંગ થાય તેને હરિભક્ત કહેવો નહિ અને તેને સત્સંગથી દૂર કરવો. દેશકાળે કરીને કોઈને ફેર પડે, તેને સત્સંગનો ખપ હોય તો તે પ્રાયશ્ચિત્ત કરી લે. જેટલો ખપ હોય તે બધાને દેખ્યામાં આવે છે. બિનસત્સંગી પણ તેનું પ્રમાણ કરે છે, અને કાચપ હોય તે કહી દે છે. કાંટે ચઢે ત્યારે અધિક-ન્યૂન માલૂમ પડે. અંદર-બહાર એકસરખું વર્તન જેનું હોય તેને માયા રહિત જાણવો. અંતરમાં કપટ હોય તેને હરિભક્ત કહેવાય નહિ. નિષ્કપટી હરિભક્તોનો પાયો જ સત્સંગમાં પાકો છે. એક એકનો વિશ્વાસ ન હોય તો શત્રુભાવ ને કપટ રહે છે.”13
જવારજમાં શ્રીહરિએ ગામના પટેલને વાત કરી, “મનુષ્ય જે જે સાધન કરે છે તે બધાં સાધનો બ્રહ્મચર્ય વ્રતના પાલન વિના નિષ્ફળ છે. મનુષ્ય જાતિને બ્રહ્મચર્યનું પાલન એ મુખ્ય ધર્મ કહ્યો છે. બ્રહ્મચર્ય ભંગ કરે તેને માથે રાજાનો પણ દંડ છે.”14
મછિયાવમાં ફૂલદોલનો ઉત્સવ કરવા એકત્ર થયેલ સંતોને શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “અષ્ટપ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો તે દૃઢ બ્રહ્મચર્ય છે. તેમાં જેટલો ફર્ક પડે તેટલો તેને ક્લેશ થાય છે.
“ગૃહસ્થએ પોતાની સ્ત્રી સિવાય અન્યને મા, બહેન, દીકરી સમજી તેનો ત્યાગ રાખવો. પોતાની સ્ત્રીનો ત્યાગ પણ વ્રતને દિવસે રાખવો. ઋતુકાળે સ્ત્રીનો સંગ કરવો.”15
સુરતમાં શ્રીહરિએ પુરજનોને જે વાત કરી હતી તે મુક્તમુનિએ ઉત્તમનૃપને કહી, “એકનારી એ ગૃહસ્થનું બ્રહ્મચર્ય છે. પોતાની સ્ત્રી વિના અન્ય સ્ત્રીનો ત્યાગ રાખે તે લોકમાં ને શાસ્ત્રમાં મળતું આવે. ધર્મશાસ્ત્રનું ઉલ્લંઘન કરે તેને માથે દંડ થાય છે. પરસ્ત્રી સાથે હેત-પ્રીત કરે તેને શાસ્ત્ર-ઉલ્લંઘન દોષ કહ્યો છે.”16
*
પરિશિષ્ટ
શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:
મંદિરમાં દેવની સેવા-પૂજા કરે તેણે બ્રહ્મચર્ય દૃઢપણે પાળવું. બ્રહ્મચર્ય ન પાળે ને સેવા કરે તો તેના પર દેવનો કોપ થાય છે. અને અંતે તે ખુવાર થાય છે.17
નિષ્કામધર્મ જે પાળે છે તે જ ભક્તમાં રહી શકે છે. નિષ્કામધર્મ નથી પાળતો તે ભક્ત નથી. ભૂમિમાં અવતાર-ભક્તો અનંત અપાર થઈ ગયા, પણ નિષ્કામવ્રત, નિયમ-પાલન ને જ્ઞાનમાં પ્રગટના ભક્ત જેવું સામર્થ્ય કોઈનું સાંભળવામાં નથી આવ્યું. આમ, આ વ્રતને સર્વથી શ્રેષ્ઠ જાણવું. તેની તુલનામાં બીજું કોઈ વ્રત આવી શકતું નથી.18
અધર્મનાં જેટલાં દ્વાર છે તે સર્વે બંધ કરે ત્યારે નિષ્કામધર્મ રહે. બ્રહ્માએ નિજપુત્રી સામે દૃષ્ટિ માંડીને જોયું તે જ તેનો પ્રથમ અધર્મ કહેવાય. એ રૂપમાંથી કામ જન્મ્યો ને પછી મતિમાં અંધકાર થયો. માટે સ્ત્રી ચેતનવાળી હોય કે ચેતનહીન ચિત્ર, કાષ્ઠ, પાષાણની હોય પણ તેને જોવાય નહિ કે સ્પર્શ ન કરાય. દારૂ અને અગ્નિ એક સ્થાનમાં રહી ન શકે, તે કોટિ કરામત - ઉપાય કરે તોપણ ભડકો થયા વિના ન રહે. વળી, જે જે ઉત્પાત થયા છે તે નારીના પ્રસંગે કરીને થયા છે. આ વાત શ્રીહરિ વારંવાર કરતા.19
ગમે તેવા સમર્થ પુરુષો હોય અને નારીને નાગણી જેવી સમજતા હોય, વિષયને નરક જેવા માનતા હોય, છતાં જેણે પણ નારી તજી નથી તેને વિષ ચઢતાં વાર લાગે નહિ. પાષાણ અને લોહ સમાન કઠણ હૃદય હોય, પણ નારીનાં નયનરૂપી અગ્નિ જો લગાર પ્રવેશ કરે તો પાણી થઈને તરત વહેવા લાગે. શિવ અને બ્રહ્મા જેવા સમર્થ પણ પીગળીને પાણી થઈ ગયા, તો બીજાનું શું લેખું! સૃષ્ટિ થઈ છે ત્યારથી નારી અને પુરુષ અંતરમાં એકરસ થઈને રહ્યાં છે. દેહથી ફક્ત જુદાઈ દેખાય છે. તે અંતરને જુદાં કરવા માટે ભગવાને વર્ણાશ્રમના ધર્મ બાંધ્યા છે. તેનો જે લોપ કરે તેને દંડ થાય છે. માટે ભગવાનને અંતર્યામી જાણી તેમનાથી ડરીને નીતિ પ્રમાણે ચાલવું.20
નિષ્કામાદિ ગુણ એક એવો અલંકાર છે કે તેને ધારણ કરનારની શોભા જેવી બ્રહ્માંડમાં કોઈની શોભા નથી. આ ગુણો ગુણાતીત છે. તે જેવા તેવા પુરુષમાં કદી આવતા નથી. ભલે ચૌદ લોક પોતાને વશ વર્તે તોપણ નિષ્કામાદિક ગુણ ક્યારેય ત્યજવા નહિ. આ ગુણને પ્રાપ્ત કર્યા પછી જો માયિક પદાર્થની તૃષ્ણા કરે તો તેટલી ગુણપ્રાપ્તિમાં કસર જાણવી. સહજ મળે તેનાથી ગુજરાન કરી લે એવા સંત સૌથી મોટા છે. આવી વાત શ્રીહરિ નિત્ય કરતા જેથી લેશ પણ માયાનો પાશ ન રહે.21•
સત્સંગમાં શ્રીહરિએ બાઈઓ અને ભાઈઓમાં નિષ્કામધર્મ દૃઢ કરાવ્યો. બન્ને એકબીજાના સંબંધથી રહિત થઈ ભક્તિ કરે એવી યોજના કરી. એમ ચારે વર્ણમાં આ ધર્મ પ્રવર્તાવ્યો.
સ્ત્રી પરપુરુષ સામે દેખે નહિ કે બોલે નહિ. જો જોવા-બોલવાનો સંબંધ રાખે તો તેનો ધર્મ ક્યારેય રહે નહિ. તે પિતાનો, ભાઈનો કે પુત્રનો પણ સંબંધ ન રહે. એટલે જ પિતા, ભાઈ કે પુત્ર સાથે એકાંતમાં તેણે રહેવું નહિ. નારી અગ્નિ સમાન છે ને પુરુષ ઘી સમાન છે. બન્નેનો યોગ થાય ત્યારે કઠિન ઘી પીગળ્યા વિના રહે જ નહિ. દારૂનો ઢગલો મેરુ તુલ્ય હોય પણ તલભાર અગ્નિનો સંબંધ થાય તો બળ્યા વિના રહે નહિ. આવાં દૃષ્ટાંત અપાર છે. માટે સ્ત્રી-પુરુષનો સંબંધ એવો છે.
સાધુ રોગે કરીને અવરાઈ ગયેલો વૃદ્ધ હોય તોપણ તેને જો નારીનો સંબંધ ભૂલ્યથી પણ થઈ જાય તો એ વિષયમાં પોતાનું મન અવશ્ય પરોવી દે છે.22
શ્રીહરિ જેનામાં નિષ્કામધર્મની દૃઢતા દેખતા તેને પ્રોત્સાહિત કરતા, પણ કોઈએ નિષ્કામધર્મનો લોપ કર્યો હોય પછી પ્રાયશ્ચિત્ત કરવા ઇચ્છે નહિ તો તેના પર શ્રીહરિ અકળાઈ જતા. તેનો ઉત્સાહ ભંગ કરતા અને બ્રહ્મચર્ય લોપ કરનારને દૂર કરતા, પણ એ મડદાનું જતન કરતા નહિ.23
બાઈઓ બાઈઓમાં ચાલે ને ભાઈઓ ભાઈઓમાં ચાલે આવી સત્સંગની પ્રથા સ્વયં પુરુષોત્તમનારાયણ શ્રીહરિએ બાંધી છે. નિષ્કામધર્મ જે રીતે દૃઢ રહે એવી રીત પ્રવર્તાવી છે. નિષ્કામધર્મ ન દેખે તેના ઉપર શ્રીહરિ પ્રસન્ન થતા નહિ, તેની સાથે હેત પણ રાખતા નહિ. નિષ્કામધર્મ વિનાના જેટલા મત, તીર્થ, ઉત્સવ-સમૈયા છે તેમાં બાઈ-ભાઈ એકાકાર છે. જેમાં નિષ્કામધર્મનું પાલન નથી તેને શ્રીહરિ અધર્મ જ માનતા. દારૂના મોટા ઢગલામાં રત્તીભર અગ્નિનો તણખો પણ વિસ્ફોટ સર્જે છે. તેમ નારી અને પુરુષનો સંસર્ગ નિષ્કામવ્રતને નાશ કરનારો છે. એમ બ્રહ્મા લગી નારીનો સંગ શ્રીહરિએ દેખ્યો પછી વિચારીને જોગવૃત્તિ ધારણ કરી.24•
ધન-સ્ત્રીમાં બંધાયેલા ગુરુના શરણે જવાથી કોઈ બંધાયેલો છૂટ્યો દેખ્યો નથી, નિર્બંધ ગુરુ મળે તો માયાનું બંધન પલકમાં ટાળી દે છે. ધન-સ્ત્રીમાં રાજા, રંક, ફકીર ને ઠેઠ દેવતા સુધી બંધાયેલા છે. તેમાં તમે સંતો વીરલા છો કે નિર્બંધ છો, ધન અને સ્ત્રીમાં જ જગત સમાયેલું છે. તે બન્નેનો જેણે ત્યાગ કર્યો તે જગત જીતી લીધું એમ બુદ્ધિમાન કહે છે.25•
નિષ્કામધર્મ વિના કરોડગણી ભક્તિ કરો તોપણ ભગવાન તે સ્વીકારતા નથી. નિષ્કામધર્મ વિના આકાશમાં ચાલતો હોય તોપણ શું? ને ભવ, બ્રહ્મા ને ઇન્દ્ર જેવો થાય તોપણ શું થઈ ગયું? નિયમ વિના નિષ્કામપણું સચવાય નહિ. બ્રહ્માદિક દેવને પણ નિયમ વિના નિષ્કામધર્મનો ભંગ થયો છે. પુલ વિના સમુદ્ર ઓળંગાય નહિ, તેમ નિષ્કામધર્મ રાખવાને માટે નિયમરૂપી પુલ છે.”26
નારી અને પુરુષનું ભેગું વર્તન જ્યાં હોય અને તેને ભેગા કરવામાં જે સુખ માનતા હોય તે અસત્પુરુષ છે. તે ક્યારેય સત્પુરુષના માર્ગે ચાલી શકે નહિ કે સજ્જનોમાં પણ તેનું નામ શોભે નહિ.27