૨૫. સુખ-દુઃખ

 

ભુજમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “અમારે અધિકારનો મોહ નથી. પાતાળથી સત્યલોક સુધી અને પ્રકૃતિ-પુરુષ સુધીના સુખમાં અમે જમપુરીથી વધારે દુઃખ માનીએ છીએ. ભગવાનની સ્મૃતિ ભુલાવે તે બધાં દુઃખ જ છે. ભગવાનની વિસ્મૃતિ કરાવે એવાં વૈકુંઠનાં સુખ હોય તોપણ તેમાં અમારું મન ટકે નહિ. બીજા લોકો અમને માને કે ન માને પણ ભગવાનમાં અખંડ ચિત્ત રહે તે જ મોટો અધિકાર છે, એમ અમે માન્યું છે. હરિભક્તના દાસાનુદાસ થઈને રહેવું છે એટલો મનમાં ઘાટ રહે છે. ધર્મ, ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન તેને રાખવાનું નિશદિન તાન રહે છે. બીજાને પણ તેનો રંગ લગાડી દેવાનું મનમાં તાન રહે છે. ખાવું-પીવું, ઓઢવું-પહેરવું કે શ્રેષ્ઠ વાહન પર બેસવું, તે સઘળું મહાદુઃખરૂપ સમજીએ છીએ.”1

કડીમાં નૃપને શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સુખમાત્ર સમજણમાં છે. જેણે ભગવાનને રાખ્યા છે તેની પાસે સુખ સદાય રહે છે. એવું માને તેને પણ સુખ મળે છે. અલૌકિક સમજણ વિના તો ફાવે તેવી મોટી સ્થિતિમાં પણ દુઃખી સમજે છે. માટે અનંત સુખ સમજણમાં જ રહ્યું છે.

“જેટલાં બ્રહ્માંડનાં દુઃખો છે તે રાજ્યના સુખમાં રહેલાં છે. એટલે રાજપાટના સુખને લેશ પણ સુખ માનવું નહિ. રાજનું સુખ વિષ સમાન છે. પ્રહ્‌લાદ, પ્રિયવ્રત, ઋષભદેવ, ચિત્રકેતુ, ઉત્તાનપાદ, પાંચ પાંડવ - એ સર્વેએ રાજ કરતાં વનમાં જઈ પ્રભુ-સ્મરણમાં અધિક સુખ માન્યું હતું. જેથી રાજનો ત્યાગ કરતાં વાર ન લાગી. જેટલો અધિકાર એટલું દુઃખ. રાજ-અધિકાર થોડો એટલું દુઃખ ઓછું. ખરું સુખ તો ભગવાન ભજવામાં જ છે, જેટલા ભજાય તેટલો લાભ. દુઃખ થાય તેવું સુખ દેતા અમને આવડતું નથી. ફરી ક્યારેય દુઃખ ન આવે એવું સુખ દેતાં અમને આવડે છે.”2

જેતલપુરના મહોલમાં શ્રીહરિએ સત્સંગ કરવાની રીત હરિજનોને કહી કે, “જપ, તપ, દાન આદિક ધર્મ શુદ્ધ થઈને પાળે ત્યારે દેવલોકનું સુખ પામે અને મનોવાંછિત ભોગ મળે, પણ હરિ ભજવાની શુદ્ધિ રહે નહિ. પ્રલયમાં જ્યારે ભોગ નાશ પામે ત્યારે અલ્પ દેહમાં જન્મવું પડે. તેથી કરીને દેવલોકને નરકના ખાડા જેવો કહ્યો છે. હરિના સંબંધ વિનાનાં જે બ્રહ્મલોક પર્યંતનાં સુખ તે બધાં પ્રાકૃત ગણાય.”3

વડતાલમાં શ્રીહરિ કહે, “માયિક સુખમાં જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી અમાયિક સુખ ન જ મળે અને ભવભટકણ પણ મટે નહિ.”4

શ્રીહરિએ જીવેન્દ્ર નૃપને વાત કરતાં કહ્યું, “જ્ઞાનરૂપી નેત્રથી અંતરમાં તપાસે ત્યારે વિપરીત મતિ જોવામાં આવે. જીવ દેહમાં રહ્યો છે ત્યાં સુધી તેને ગુણનો સંબંધ છે. તેમાં સત્ત્વગુણ તે શુદ્ધ છે. તમોગુણ, રજોગુણમાં અંતર અશુદ્ધ રહે છે. ગુણ દેહના છે, પણ જીવમાં તેની સાથે એકાત્મસંબંધ થયો છે, જેથી તે દોષ જીવના ગણાય છે અને સુખના ફળને જીવ ભોગવવા ઇચ્છે છે, માટે જ તેને દુઃખનું ફળ પણ મળે છે. જ્યારે સત્સંગ થાય છે ત્યારે સુખ અને દુઃખ આપનારાં કર્મ બળી જાય છે. સંતના વચનથી ભગવાનનો આશ્રય કરવો તે સર્વ સાધનમાં અધિક સાધન છે.”5

મેઘપુરમાં જન્માષ્ટમીના ઉત્સવ ઉપર એકત્ર થયેલ હરિજનોને શ્રીહરિ કહે, “વિવાહમાં પુત્રને નિમિત્તે બાપ ગાળો સાંભળીને રાજી થાય છે પણ દ્વેષ રાખતો નથી, તે અજ્ઞાને કરીને સહન કરે છે, તેમ હરિભક્તે જ્ઞાને કરીને વર્તવું એ અમારી આજ્ઞા છે. તેને પાળશો તો કોઈ દિવસ દુઃખી નહિ થાઓ. મનુષ્યદેહનું દુઃખ તો કાંઈ નથી, તેના કરતાં તો જન્મમરણનાં દુઃખ અપાર છે, પણ એ અજ્ઞાનથી અંધ થયેલાને દેખાતાં નથી.”6

મૂળીલા ગામમાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “કોઈ પણ સુખ છે તે દુઃખ વિના આવતું નથી. જેને ભગવાનનું સુખ સર્વથી અધિક મનાયું હોય તે તો પોતાને જેમ વધુ દુઃખ પડે તેમ તેને સુખ માની આનંદમાં રહે, કારણ કે તે જાણે છે કે ભગવાનનું સુખ અતિ દુર્લભ છે. તે અતિ દુઃખ સહ્યા વિના પ્રાપ્ત થતું નથી. ને અહીંનું જે કંઈ સુખ કહેવાય છે તે હકીકતે દુઃખ જ છે. છતાં એ દુઃખને સુખ સમજીને તેની પાછળ ઉદ્યમ કરે છે તે ભૂલ્યો છે, તેનો ભાવ ફર્યો છે.”7

જૂનાગઢમાં શ્રીહરિએ દામોદર કુંડ જતાં વાત કરી, “બ્રહ્માંડનાં જેટલાં કંઈ સુખ કહેવાય છે તે સઘળાં દુઃખમય છે અને અસત્ય, મિથ્યા છે. એવું જે સમજે તે અપાર બુદ્ધિવાળો છે, તે ક્યારેય દૈહિક સુખમાં લોભાતો નથી. દૈહિક સુખમાં લોભાય છે તેને અંધ-તમસથી અવરાયેલો જાણવો. એ અજ્ઞાન અંધકાર ગાઢ છે, તે સત્સંગ (સત્પુરુપના સંગ) વિના ટળતો નથી.”8

શ્રીહરિએ ભુજમાં જગજીવનને ઉપદેશ દેતાં કહ્યું, “જીવ જતાં મડદું થઈ જાય અને ભસ્મ, કીટ કે મળરૂપ બની જાય એવો આ ક્ષણભંગુર દેહ પરાધીન છે છતાં જીવ તેને માટે મિથ્યા મમત્વે કરીને ખુવાર થાય છે. આ જીવ દેહ ને દેહના સંબંધીને કાજે જે કંઈ પાપ કરે છે તે રજેરજ પાપનું ફળ તેને ભોગવવું પડે છે. એક પાપનું ફળ હજારગણું મળે છે. દેહે કરીને જેટલા જીવ અહીં મારે છે તે પ્રત્યેક જીવ તેને તે તે દેહમાં હજાર વખત મારે છે. માટે આવું દુઃખ સહન કરવાની તૈયારી હોય તેણે પાપ કરવું, નહિ તો પાપ કરવાથી ડરવું, દૂર રહેવું. અમારા આશ્રિત સત્સંગીએ તો જૂ-માંકડથી માંડી પશુ સુધીના કોઈ પણ પ્રાણીની હિંસા કોઈ પ્રકારે કરવી નહિ. થોડા પાપમાં અપાર દુઃખ રહેલું છે એમ સમજી અહોનિશ ડરતા રહેવું.”9

ભૂજમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “હરિભક્ત થયા છે તે સૌને કષ્ટ આવ્યાં છે. હરિભક્ત કાચો છે કે પાકો તે કષ્ટ આવે ત્યારે જણાય છે. કષ્ટમાં જે ધીરજ રાખે તેની કીર્તિ યુગોયુગ ગવાય છે. માટે જેનાં મોટાં ભાગ્ય હોય તેને જ સત્સંગ કર્યાથી કષ્ટ આવે. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. કષ્ટ વિના સુખ નથી. ત્રિલોકીના રાજા પ્રહ્‌લાદ, ધ્રુવ, અંબરીષને સત્સંગ માટે અપાર કષ્ટ આવ્યાં. ભગવાન જેના પતિ છે એવાં સીતાજીને પણ અપાર કષ્ટ સહન કરવા પડ્યાં છે. ભગવાનનાં માત-પિતા હોવા છતાં વસુદેવ-દેવકીને દુઃખ આવ્યાં છે. આજે કાંઈ આ નવી વાત નથી. ભક્ત-અભક્ત સૌને દુઃખ આવ્યાં કરે છે. કષ્ટ આવે ત્યારે સહન કરવાં જ જોઈએ. સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે? હરિભક્તને તો કષ્ટ છે જ નહિ, પણ સમજણમાં ફેર છે, તેથી કષ્ટ દેખે છે.

“સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને તે જ સાચો સત્સંગ છે. સંસારમાં હેત છે તો અપાર દુઃખ આવે તોપણ તે દુઃખ મનાતું નથી, ઊલટું સુખ માને છે. કષ્ટ જાણીને કોઈ ભોગનો ત્યાગ કરતું નથી, સત્સંગમાં જ જ્યાં સુધી કષ્ટ જણાય છે ત્યાં સુધી સત્સંગ કાચો છે, અને તેને વિઘ્ન છે. જેને જેમાં ખપ હોય તેને કાંઈ કઠણ પડતું નથી. સત્સંગ કરવામાં કષ્ટ આવે તેને સુખકર સમજે તે સૌ હરિભક્તોમાં મુખિયો છે.”10

વઢવાણમાં તુલસી દૂબેના ઘરે શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “આગળ જે જનોએ સત્સંગ કર્યો છે તેની રીત તપાસવી. તે રીત તપાસ્યા વિના સત્સંગના શુભ ગુણ આવે નહિ. અને તેથી નિશદિન અમારી પાસે રહે તોપણ દુઃખ ટળે નહિ. વિવેકમાં અપાર સુખ રહેલું છે. જેવો સ્વભાવ હોય તેવું સુખ પામે છે. સમજણ વિનાના જનો સુખદુઃખ પામતા રહે છે. ધાર્યું મળે ત્યારે સુખ પામે ને ન મળે ત્યારે દુઃખ પામે. માયિક ભોગ સુખ-દુઃખથી મિશ્રિત છે, એમ જાણી આનંદ માની મગ્ન રહેવું. કોઈનો દોષ લેવો નહિ.”11

ખોખરા મહેમદાવાદમાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “હરિમાં અપાર અને અવિચળ સુખ રહેલું છે, તેથી તેમને પ્રસન્ન કરવા માટે રાજ્ય સમૃદ્ધિને છોડીને ત્રિલોકોના રાજાઓ પણ દેહ અને દેહના સુખનો ત્યાગ કરી પ્રભુપદમાં પ્રીતિ કરી ગયા છે, ભગવાનમાં જ્યારે અગાધ સુખ મનાયું ત્યારે વન-પર્વતમાં જઈને રહ્યા અને માગ્યા વિના જે કંઈ કૌપીન-કંથા વગેરે ફાટ્યાં-તૂટ્યાં મળે તેનાથી નિર્વાહ કર્યો. ભયમાત્ર તજી નિર્ભય થયા.”12

ગઢપુરમાં વણિક પાસે વાત કરતાં શ્રીહરિ કહે, “જે ભગવાનથી ડરીને ધર્મના માર્ગે ચાલે છે તે સુખી થાય છે. આ લોકનું સુખ અતિ અલ્પ છે. તેને માટે અપાર ઉદ્યમ કરે છે. જેમ સૂકા હાડકાને ચાટીને કૂતરું તેમાં સુખ માને છે, તેમ અજ્ઞાની જીવો સુખથી રહિત જગતના પદાર્થોમાં સુખ માને છે. યથાર્થ સત્સંગી હોય તેને જ આવી અલૌકિક સમજણ હોય છે. જેને ખપ નથી તેવા પંડિતો ધર્મ, અર્થ અને કામ પરાયણ વચનો શાસ્ત્રમાંથી ગ્રહણ કરે છે ને દેહના પોષણ માટેના ઉપાયો લોકમાં પ્રવર્તાવે છે, અને અલ્પ સુખને માટે કુટુંબે સહિત બધાં સંસારમાં ડૂબી રહ્યાં છે.”13

ખેડામાં વિલાયતી સાહેબને શ્રીહરિ કહે, “અમારી રીત એવી છે કે આ લોકનાં સુખ-દુઃખ પર તાન રાખવું નહિ, કારણ કે તે બહુ દિવસ રહેવાનાં નહિ. વિરાટના એક દિવસમાં ચૌદ ઇન્દ્ર મરે છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિ - એમ ચાર યુગની એક ચોકડી કહી છે. તેવી એકોતેર ચોકડી સુધી એક ઇન્દ્ર રાજ કરે છે ને અંતે નાશ પામે છે. એવા એક ઇન્દ્રની હયાતીમાં કેટલાય ચક્રવર્તી મરે છે! એમ આ લોકનું સુખ-દુઃખ ક્ષણભંગુર છે. જે ક્ષણભંગુર સુખ માટે યત્ન કરે, તે બુદ્ધિશાળી ન કહેવાય. પરદેશ જઈને ઉદ્યમ કરે ને બહુ ધન કમાય તેને લોક બુદ્ધિશાળી કહે છે, પણ તે બુદ્ધિશાળી નથી, અલ્પમતિ છે.

“અહીંના લોક ભોગ કાજે જેટલો કંઈ ઉદ્યમ કરે છે તે ઘાંચીના બળદ જેવો છે. જેમ ઘાંચીનો બળદ આખી જિંદગી ચાલે પણ ઠેરનો ઠેર જ રહે છે. માટે ઉદ્યમ એવો કરવો કે જે શાશ્વત સુખ આપે, ક્યારેય નાશ ન પામે.”14

સારંગપુરમાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “અમે શુદ્ધ જ્ઞાન આપીએ છીએ, પણ મનન કરવામાં કસર રહે છે. ખપનો વેગ એક સરખો રહેતો નથી. અનાદિ અજ્ઞાનમય કારણ શરીર સાથે જીવ મળી જાય છે, તેથી દુખિયો રહે છે. તે બધી જીવની જ કાચપ છે. જ્ઞાનનું મનન કરવામાં પ્રમાદ રહે તેટલું દુઃખ આવે છે. કેફી માણસ જેટલો કેફ છોડી દે તેટલો સુખી થાય તેમ હરિભક્ત તન અને મન અર્પણ કરવામાં જેટલી ચોરી રાખે તેટલો તે દુઃખી થાય. જે સંતની વાત સાંભળે નહિ, વિષયમાં તૃપ્ત થાય નહિ, તેઓ જન્મોજન્મ દુઃખી થાય છે. સત્સંગ કરે તે હરિભક્તને દેહે દુઃખ સહન કરવું પડે છે, પણ પાછળથી અપાર સુખ મળે છે. દેહનું જેટલું મમત્વ રાખે તેટલું વધુ દુઃખ થાય છે.”15

શ્રીહરિએ ગઢપુરમાં સંતોને વાત કરતાં કહ્યું, “ભગવાન અને ભગવાનના સંતમાં સુખમાત્ર રહેલું છે ને તે અત્યંત પ્રમાણમાં રહેલું છે. તેમનામાં સુખ નથી દેખાતું ત્યાં સુધી દુઃખ રહે છે. જ્યારે સંતમાં સુખ મનાશે, ત્યારે દુઃખમાત્ર ટળી જશે. આ સમજણ ન આવે ને ગ્રંથમાત્ર ભણે તોપણ ધગતું અંતર શાંત નહિ થાય, લેશ પણ સુખ નહિ આવે. આ સમજણ વિનાનું સઘળું જન્મ-મરણ કરાવનાર છે. બ્રહ્માંડોના દેવતા પણ આ સમજણ વિના દુઃખી છે.

“સુખ અને દુઃખ તો આ માયિક શરીરના સંગને લીધે જ અનુભવાય છે. જેને પોતાના આત્મસ્વરૂપનું ને પરમાત્માના સ્વરૂપનું શુદ્ધ જ્ઞાન થયું છે તેને પિંડ-બ્રહ્માંડનો સંગ સ્વપ્ન તુલ્ય લાગે છે. જે એકવાર ભગવાનના સુખે સુખિયો થયો, તે ફરી ક્યારેય દુખિયો રહેતો નથી. જ્ઞાનીજન સુખદુઃખને પણ સ્વપ્ન માને છે, તેમાં ચોંટતા નથી. કમળના પત્ર પર જળનું બુંદ પૃથક્ રહે તેમ જ્ઞાની દેહથી જુદો વર્તે છે. જ્ઞાની તો ચિંતામણિ ને કલ્પવૃક્ષ છે.”16

શ્રીહરિએ ભાવનગરના વિજયસિંહ ઠાકોરના પાટવીકુંવરને વાત કરતાં કહ્યું, “રાજાનો કાયદો લોપે છે તેને જેમ પાછળથી દુઃખ આવે છે તેમ વિષયનાં અલ્પ સુખ માટે જે ભગવાનના કાયદાનું ઉલ્લંઘન કરે છે, તેને અપાર દુઃખ આવ્યા વિના રહેતું નથી. વિષય બંધનમાં સુખ દેખાય ત્યાં સુધી પશુબુદ્ધિ છે.”17

ગઢપુરમાં શ્રીહરિ સંતોને વાત કહેવા લાગ્યા, “ઇચ્છિત પદાર્થ ન મળે ત્યારે તત્કાળ ક્લેશ થાય છે. જ્યાં સુધી લૌકિક પદાર્થ મળે ને આનંદ થાય, ત્યાં સુધી એ તુચ્છમતિ છે, એને સુખની દિશા હાથ લાગી નથી.

“પદાર્થે કરીને થયેલ સત્સંગ મૂળ વિનાનો છે. મનનું ધાર્યું થાય ત્યાં સુધી સત્સંગમાં દિવસો વિતાવે, પદાર્થ ન મળે કે તરત વિમુખ થઈ જાય. પદાર્થની ઇચ્છાથી સત્સંગ કરે તેને મોક્ષનો ખપ નથી. દેહના અંત સુધી તેની ઇચ્છા મુજબ પદાર્થ મળ્યા કરે તો સત્સંગમાં તન છૂટે ત્યાં સુધી ટકી રહે. કોઈને દોષબુદ્ધિ થઈ જાય તોપણ સત્સંગથી વિમુખ થાય છે.”18

શ્રીહરિએ પત્રમાં લખ્યું કે, “દુઃખ વગર ભગવાનનું ભજન કોઈ કરતું નથી. દુઃખમાં ભગવાન સાંભરે છે તેવા સુખમાં સાંભરતા નથી. સુખી માણસો ભગવાનથી પણ વિષયમાં કોટિ ગણાં સુખ માને છે. બંધનમાં તેમને સુખબુદ્ધિ થઈ છે. ભાગવત તેને પશુથી પણ નીચ કહે છે. સાચો સત્સંગ કરે તે વિના અંતરમાં પ્રકાશ થતો નથી. જીવને અંતરમાં પ્રકાશ થાય તે હેતુથી વ્યાસજીએ ભાગવત, ગીતા જેવા ગ્રંથો રચ્યા, તોપણ ભગવાન જો પ્રગટ ન મળે તો મોક્ષનો માર્ગ હાથ લાગતો નથી. ભગવાન મળે અથવા ભગવાનના સાચા સંત મળે ને તેમનો જોગ જે જન કરે તેટલું તેનું ભવબંધન ટળે.”

‘વા ભગવાન કે સાચે સંતા, જેહિ જનકું મિલત રહંતા.

તાકે જોગ કર જન જિતના, ભવબંધન છુટત રહે તિતના.”19

ધર્મપુરમાં શ્રીહરિ રાજાને કહેવા લાગ્યા, “માયિક વિષયમાં અને પદાર્થમાં દુઃખ હોવા છતાં દુઃખ દેખાતું નથી, પણ દુઃખ આવ્યા વિના રહેતું નથી. સુખ ઉપર તાન હોવાથી દુઃખથી મરી જાય તોપણ માયિક સુખ માટે દુઃખ સહન કરે છે, એવો આ સંસાર છે. દારૂ વગેરેમાં કોઈ સુખ ન હોવા છતાં તેને માટે મરે છે ને વારે વારે ફજેત થાય, તોપણ તે માર્ગે ચાલે છે. સત્સંગથી તો અપાર સુખ થાય છે, છતાં તેને માટે જીવને તાન નથી.”20

ગઢપુરમાં શ્રીહરિ ધરમપુરની વાત કરતાં કહે, “સમજણ હોય તેટલું સુખ મળે છે. સમજણરૂપી સુદર્શનચક્ર જ્યાં હોય ત્યાં માયા રહી શકતી નથી. આગળના ભક્તોએ રાજ્ય તજીને પણ ભગવાનને માટે કષ્ટ સહન કર્યાં છે. ભગવાનમાં સુખ ન હોય તો શા માટે તે દુઃખ ભોગવે? પણ તે જાણતા હતા કે બ્રહ્માંડમાં જે સુખ છે, તે કથનમાત્ર છે. અને તેમાં પણ કેટલાંય દુઃખ ભેગાં રહેલાં છે. ભગવાનના ધામનું સુખ તો અપાર અને અવિચલ છે. અહીંનાં સુખ તો બંધનરૂપ છે, એમ સમજીને તેમણે કષ્ટ સહન કર્યાં છે.”21

શ્રીહરિએ જીવક નૃપને વાત કરતાં કહ્યું, “બલિરાજાને વામન ભગવાને બહુ તાવી જોયા, છતાં તે ગુણ જ લેતા રહ્યા, ત્યારે ભગવાન તેમને વશ થયા. અમારી રીત પણ એવી છે. જેને અમારો વિશ્વાસ છે, તેને દુઃખ દઈએ છતાં સુખ માને, તેને અમે તજી શકતા નથી. અમે દુઃખ દઈએ તે તેના સુખને માટે હોય. વિપરીત મતિવાળાને તે સમજાય નહિ. જેટલું મન ચોરે છે તેટલું દુઃખ આવે છે. જે મન અમને સોંપી દે છે તે ક્યારેય દુઃખી થતો નથી. પાંડવોએ ભગવાનનો વિશ્વાસ રાખ્યો તો આજ સુધી તેમની કીર્તિ ગવાય છે ને ભગવાને તેમનો પક્ષ રાખ્યો.”22

જેતલપુરમાં દિવાળીની રાત્રે શ્રીહરિએ વાત કરવાની શરૂઆત કરી, તે મધ્યરાત સુધી વાત કરી. શ્રીહરિ કહે, “ભગવાનની વાત અમાયિક છે. જગતના જીવો તેને માયિક કહે છે. અને માયિક પદાર્થમાં સુખ માને છે. પરંતુ, માયામાંથી ઊપજ્યું સઘળું નાશવંત છે. માયિક સુખ અને અમાયિક સુખ - બન્નેમાં રાત-દિવસ જેટલો ભેદ છે. માયિક સુખ અસત્ય છે. તેને સત્ય માનીને જીવ ભવસાગરમાં ભટકે છે. માટે હરિભક્તે માયિક સુખમાં રાગ રાખવો નહિ. જે માયિક સુખમાં પ્રીતિ કરે છે, તેટલો તે ન્યૂન રહે છે. ભગવાન, સંત, હરિભક્ત અને ભગવાનનું ધામ અમાયિક છે તેમાં જીવને જોડી દેવો.”23

ગઢપુરમાં શ્રીહરિએ સંત-હરિજનો પ્રતિ વાત કરતાં કહ્યું, “ભગવાનના સુખમાં નજર પહોંચે છે તેને જ સાચો સત્સંગ થયો છે. જેમ અન્ન ને જળ વિના ચાલતું નથી, તેમ સંત હરિભક્ત વિના ચાલે નહિ એમ જે માને તે જ મોક્ષનો અધિકારી થાય છે.”24

*

પરિશિષ્ટ

શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:

હરિના માર્ગ વિના બીજા માર્ગે જેમ જેમ અધિક દોડે છે તેમ તેમ સુખથી દૂર થાય છે. ખોટાં સુખ લેવા કરોડો લોકો મરે છે. મિથ્યા સુખનો મોહ મદિરા કરતાં પણ બળવાન છે. સત્સંગ કર્યામાં લેશમાત્ર દુઃખ નથી. જગતનાં કષ્ટ વિચારે તો સત્સંગ થતાં વાર ન લાગે.25

સુખમાં સુખ એટલું જ છે કે જેમાં ભગવાનનો સંબંધ હોય. ભગવાનના સંબંધ વિનાના અપરિમિત સુખને પણ અક્ષરધામના મુક્ત અતિ દુઃખ જ માને છે. ભગવાન વિના બીજી વાતમાં જેટલું કંઈ સુખ જણાતું હોય એવી સમજણવાળો વિમુખ છે. ભગવાનનું ધામ અને તેમાં રહેલા મુક્તોની સમજણ મુજબ હરિજને ચાલવું.26