૨૮. કપટ નિષ્કપટ
ચૂડાપુરમાં શ્રીહરિએ કહ્યું, “હરિભક્ત બે પ્રકારના - કપટી અને નિષ્કપટ. નિષ્કપટ સાધારણ વર્તે. બધા સાધુને તે સરખા માને. અધિક ન્યૂનનો વિચાર તેને ન હોય. કપટી અધિક વર્તી બતાવે ને સાધારણનો દોષ કહે, પણ મનમાં તો નિષ્કપટને યથાર્થ જાણતો હોય. આ બન્નેનો ભેદ પાકા અંતરવાળો કળે છે.
“કપટી હોય તે કપટરહિત ભક્તને પોતાના સંગમાં ખેંચી જાય છે. આમ, બન્ને મળીને પાકા અંતરવાળા હરિભક્તનો દોષ દેખાડી તેને પાછો પાડે છે. એ હરિભક્ત આ બન્નેની ઠગવિદ્યાને ક્યારેય પરખી શકતો નથી. સૂધા સારા જણાતા હોય એવા હરિજન પણ એમને ઠગી જાય છે. અવસર આવ્યે તેનું રૂપ ઉઘાડું થાય છે ત્યારે તેની પરખ પડે છે.”1
મોડા ગામે રણમલજીને ત્યાં શ્રીહરિ વાત કરતાં કહે, “નિષ્કપટપણે સત્સંગ કરે છે તેની પ્રીતિ સત્સંગમાં દિન દિન વધતી રહે છે. સંતો-ભક્તોને પણ તેના પ્રત્યે પ્રીત અધિક ને અધિક થાય છે. જે નિષ્કપટ નથી તેનું મોં સદા મ્લાન દીસે છે. જેવો અંતરનો ભાવ હોય, તેવો મુખ પર જણાઈ આવે. કપટીની આંખો તેનું કપટ કહી દે છે.”2
અલર્ક રાજાને શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સત્સંગે કરીને જેવી મતિ થાય છે તેવી અષ્ટાંગ યોગથી પણ થતી નથી. બીજાં અનંત સાધન કરો તેનું ફળ સત્સંગ છે. કોટિ જન્મ સુધી સાધન કરે તોપણ તે કોઈ સાધન સત્સંગને તોલે ન આવે. સત્સંગમાં દંભથી ચાલે તે પાર ન પડે, અને અતિ દંભી હોય તે વિમુખ થઈને સત્સંગની દેશી કાઢે, અને સત્સંગની વાત શીખીને વિમુખ જીવને ધૂતે. એમ સત્સંગ તજીને જે સત્સંગનો દ્રોહ કરે તે કૃતઘ્નીમાં કૃતઘ્ની, ચંડાળમાં ચંડાળ અને નીચમાં નીચ છે.”3
શ્રીહરિએ જેતપુરમાં મૂળુવાળાને વાત કરતાં કહ્યું, “ગમે તેટલો ધર્મ પાળે પણ જો લોકને દેખાડવા માટે હોય તો અંતે તે વિમુખની ગતિને પામે છે. ભગવાન તેને સહાય કરે નહિ. નિર્દંભપણે વાત કરે તથા હરિનાં ગ્રહણ કરવા યોગ્ય જે વચન તેને નિર્દંભ થઈને પાળે તેનું નામ સત્સંગ છે. સત્સંગ (સત્પુરુષ) વિના સત્સંગ ઓળખાય નહિ. લોક ઠગવા ધર્મનો વેષ ઉપરથી ધારે અને અંતરમાં ધર્મનો દ્વેષ રાખતો હોય તે જમપુરીનો અધિકારી છે. પોતામાં અવગુણ પરઠે અને સત્સંગને સત્ય માની નિર્દંભપણે ગુણ ગાય તેનો ઉદ્ધાર થાય છે.”4
આખા ગામમાં શ્રીહરિએ કહ્યું, “જે સાચા સંત સાથે ને હરિજન સાથે સુમેળ ન રાખે ને કુમેળ રાખે તે અમારો દ્રોહી છે. જે હરિજન સાચા સંત કે ભક્ત પાસે ચિત્ત ચોરે, કપટ રાખે એટલો તે કાચો રહે છે. સાચા સંત-હરિજનને મનથી નિર્દોષ જાણી તેમની સાથે સરળ વર્તે એવા ભક્તને સત્સંગનો આનંદ અખંડ રહે છે.”5•
શ્રીહરિએ દંભીની ઓળખ પત્રમાં લખતાં કહ્યું, “મનમુખી અને દંભી ભક્ત મારા ધામને પામતો નથી. જે નિર્દંભ વર્તે છે તે જ મારા ધામને પામે છે. પૂજાવા માટે દંભ થતો હોય છે. દંભી પુરુષ બીજાને પ્રતીતિ આવે તેમ વર્તે. સત્યને ત્યજી જે વર્તન થાય તેટલો દંભ જાણવો. દંભીમાં અપાર કલા રહેલી હોય છે. તે કોઈ જનના કળ્યામાં આવતી નથી, દંભીનું કલ્યાણ થતું નથી. દંભ ન રહે તે માટે અમે વારંવાર વર્તન બદલીએ છીએ.”6
શ્રીહરિએ પત્રમાં વાત લખતાં કહ્યું, “જે નિષ્કપટભાવે સત્સંગ કરે છે, તે ભગવાનના ધામમાં છતી દેહે બેઠેલા છે. ભગવાનનો અનન્ય આશ્રય હોય અને કોઈ પ્રકારનું અભિમાન ન હોય તો તેનો દંભ ભગવાન અંતકાળે પણ ત્યાગ કરાવે છે. અભિમાન ન હોય તો ભગવાન તેનું સંભાળી લે.”7
વડતાલમાં શ્રીહરિએ મુખી અને પગીને જે વાત કરેલી તે મુક્તમુનિએ કહી, “શ્રીહરિ કહે - સંતો-હરિભક્તોને વિષે જેવો ભાવ પરઠાય એવી પોતાની મતિ થાય છે. શુભ ભાવથી શુભ મતિ થાય, અશુભ ભાવથી અશુભ મતિ થાય. પોતાના દોષને ગુણ કરીને દેખાડે તે સત્સંગમાં રહે તોપણ મોટપ પામે નહિ. પાંચ દસ સંત તથા પાંચ પચીસ હરિભક્તોના ગુણ ગાય, પણ મનમાં પોતાના સમાન કોઈને માને નહિ. અંતર્યામી ભગવાન સંત-હરિભક્તમાં જેવી તેની મતિ હોય તે પ્રમાણે કરી દે છે. નિર્દોષ મતિ હોય તો નિર્દોષ થાય છે, અને દોષયુક્ત મતિ હોય તો દુષ્ટ થાય છે, જેથી વિના અગ્નિએ અગ્નિની પેઠે અંતરમાં વ્યથા રહ્યા કરે છે. નિષ્કપટ સત્સંગ કરે તે જ ટકે છે. ભગવાન આગળ કપટ ચાલતું નથી. સત્સંગથી ફાવે તેવા જનો સુધરે છે, પણ કપટી સુધરી શકતો નથી, કપટી ચપટ થઈ જાય.”8
વડતાલમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “અમને પ્રસન્ન કરવા દિલ ચોર્યા વિના જે કાંઈ કરે છે તેના ઉપર પ્રસન્ન થઈએ છીએ. જાતિ-કુજાતિ જોતા નથી. દિલચોર હોય તેને કનિષ્ઠ માનીએ છીએ. સત્સંગ કરવામાં જેટલું દિલ ચોરાય છે તેટલી હેતમાં કસર રહે છે. નિર્દંભ આચરણ અમને ગમે છે.”9
શ્રીહરિ ગઢપુરમાં સંતોને કહે, “જેવા બહાર હોય તેવા અંદરથી વર્તે તો સાચો વેશ કહેવાય. એમ સમજી સત્સંગ કરે તેને તે ફળીભૂત થાય છે.”10
ગઢપુરમાં શ્રીહરિએ મુક્તમુનિને કહ્યું, “જે વસ્તુ ભગવાન અને સંતને અર્થે કામ ન આવી તે બંધનકારી છે. ભગવાનના ઉપયોગમાં આવે એટલું જ નિર્બાધ છે - એવી નિષ્કપટ મતિવાળા ભક્તથી ભગવાન લગારેય દૂર રહેતા નથી.”11
બોટાદમાં શ્રીહરિએ ભગાશેઠ આદિ ભક્તો આગળ વાત કરતાં કહ્યું, “સમજણમાં કસર રહે છે તેટલાં વિઘ્નો આવે છે. જે હરિભક્ત કપટ, દંભ, માન-મત્સરથી રહિત થઈને વર્તતો હોય અને સંત-હરિભક્તને દિવ્ય માનતો હોય તેનો જ સંગ રાખવો. જેટલો હરિભક્તમાં મનમેળ રહે, તેટલો જ સત્સંગ છે. મન ચોરાય તેટલો કુસંગ પ્રવેશ કરે છે.”12
શ્રીહરિએ જેતલપુરના મહોલ પર વાત કરી કે, “દંભી જેટલું કંઈ કરે છે તે લોકને દેખાડવા કાજે કરે છે. દંભીનું કોઈ બીજું નહિ પણ પોતે જ પ્રમાણ છે. સત્સંગમાં જેટલા દંભી છે તે સાચા સંત ને હરિજનો કરતાં પોતાનું વર્તન અધિક દેખાડે છે અને સાચા જનમાં દોષ જણાવે છે. વિશ્વાસી લોકો દંભીને ભગવાન જેવા માને છે ને બીજાનો દોષ લે છે. દંભી અધિક વાની રાખતો હોવાથી તેને સૌ તરત માને છે, પણ સરળ નિર્દંભી સંતને માને નહિ. દંભીનો સત્સંગ પણ અધિક દેખાય. તે લોક ઠગવા વર્તે છે. સાચા સંત દંભીને નખશિખ ઓળખે છે, પણ તેની પ્રતિષ્ઠા ભંગ કરતા નથી. દંભી હોય તે બને તેટલો છાનો સંતનો દ્રોહ કર્યા વિના રહે નહિ, ઉપરથી સારો રહે. એવાનો સંગ કરે તેને સંત-હરિભક્તોનો ભાવ ન રહે ને કુસંગને તે અધિક સત્સંગ માને છે.”13
વડતાલમાં ગોમતીકાંઠે સભાજનોને વાત કરતાં શ્રીહરિએ કહ્યું, “સત્સંગ કરે છે તે મોક્ષના ખપવાળા છે પણ સમજણમાં બહુ ફેર છે તે રુચિ અને ભાવથી દેખાય છે. ભગવાન વિના ક્યાંય સુખ ન માને તેવા હજારોમાં એકાદ જ હોય. દંભીને તો અમે યથાર્થ ઓળખીએ છીએ. દંભી તો સાચાથી પણ અધિક ભાવ દેખાડે છે. તેથી સાચા હરિભક્તો તેમાં લેવાઈ જાય છે. પોતાને લોકો માને તેમાં જ દંભીઓને વર્તવાનું ધ્યાન હોય છે. દંભીનું જ્ઞાન ગુપ્ત હોય છે. તેને જે માને તેની તે પ્રશંસા કરે છે અને તેને ખોદે તેને કુસંગી માને છે, પણ કપટીને જે સરસ માને છે તે કપટીની ગતિ જ પામે છે. માટે વિચારીને કપટીને પારખી લેવો. કપટ કળ્યામાં આવે તો જાહેર ન થાય તેમ તેની શિક્ષા કરવી, જેથી સત્સંગની લાજ જાય નહિ. સર્વોપરી સત્સંગની અપાર આબરૂ છે તેનું જતન કરે તો જ રહે. મમત્વ હોય તેટલું જતન થાય. જેને પોતાના જેવી જ સત્સંગની જતન કરવાની વૃત્તિ હોય તે ભગવાન સમાન ગુણવાળો કહેવાય.”14
વડતાલમાં ઉત્સવ બાદ શ્રીહરિએ હરિજનોને વાત કરતાં કહ્યું, “સાચા કરતાં દંભીનું બહુ દેખાય, પણ ધર્મનિયમથી ખસે છે ત્યારે કોઈ ભાવ રાખતું નથી. દંભી ફાવે તેવો હોય, પણ અમે એવી પ્રથા બાંધી છે ને ત્યાગી-ગૃહીની એવી સડક કરી છે કે તેનાથી સત્સંગ વિરુદ્ધ વાત થઈ શકે નહિ. નટના દોરની પેઠે સાવધાન થઈને વર્તે ને ગફલત ન રાખે તો જ ત્યાગી અને ગૃહી પોતપોતાની પ્રથામાં વર્તી શકે. પ્રથા લોપે તો પોતે લોપાઈ જાય, એવી અમે વેદ-પુરાણ સંમત પ્રથા હજારવાર તપાસીને બાંધી છે.”15
આમોદમાં દીનાનાથ ભક્તને ઘરે શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ભગવાનનો જેને ખપ નથી તે દુર્બુદ્ધિ રહે છે. કપટનો ત્યાગ કરી સત્સંગ કરે તો દુર્બુદ્ધિ ટળે. નિષ્કપટ વર્તે તે જ બુદ્ધિશાળી છે. આચરણમાં કપટ રહે તેટલો નિર્મત્સર સંત સાથે અંતરાય રહે. કપટ રાખે તેટલું દુઃખ મળે જ છે. શરીરમાં તેને એવો વ્યાધિ થાય છે કે જાણીએ જીવ હમણાં નીકળી જશે! નિષ્કપટ સંતમાં કપટ પરઠે તો તે કપટ દોષ તેને વળગે છે. જો પોતામાં દોષ દેખતો રહે તો તેને રતીભાર દુઃખ રહેતું નથી, બીજાના ગુણ ગ્રહે તે ઉત્તમ પુરુષ કહ્યો છે. ગુણગ્રાહ્યતા એવો ગુણ છે કે તેનાથી ઉત્તમ કીર્તિ પ્રાપ્ત થાય છે.”16
સુરતમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “કપટ તજી જે ભક્તિ કરે છે તેને દુઃખ આવે ત્યારે એ દુઃખને ટાળવા બીજા નિષ્કપટ સંત-હરિભક્તો, ભગવાનની પ્રાર્થના કરે છે. તેવાની નિષ્કામ પ્રાર્થનાથી શ્રીહરિ જરૂર સહાય કરે છે, પણ કપટીની સહાય તે કરતા નથી. માટે કપટનો ત્યાગ કરીને સત્સંગ કરવો.”17
*
પરિશિષ્ટ
શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:
મુક્તમુનિ કહે શ્રીહરિએ મને વાત કરી હતી કે, “સંત-હરિભક્તને દિવસે દિવસે અધિક ગરજુ થવું અને દંભનો ત્યાગ કરવો એ જ સત્સંગ કરવાનું ફળ છે. ગરજુનો સત્સંગ શોભે છે અને શુક્લ પક્ષના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામે છે.” એમ દરેક વાતમાં શ્રીહરિ નિર્દંભપણાનું પ્રતિપાદન કરતા. દંભીનો શ્રીહરિ મળની પેઠે ત્યાગ કરતા.18
નિષ્કપટ થઈને ભગવાન ભજવાની બુદ્ધિ છે તે દેવથી પણ ઉત્તમ બુદ્ધિ છે. નિષ્કપટ હોય તેને જ શ્રીહરિ ને સત્સંગમાં રુચિ થાય છે. કપટીની મોટપનો ક્યારેક ભંગ થાય છે અને પછી તે શોભતો નથી, મોટો શાહુકાર હોય અને તેનું કપટ ઉઘાડું થાય તો માની સ્વભાવનો હોય તો મર્યા વિના રહે નહિ.19
ભક્તોના દોષો ટળે તેની ચાડ શ્રીહરિ અંતર્યામીપણે રાખતા. જનોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા. તેમાં પણ નિષ્કપટપણું એ તો અમૃત જેવો ગુણ છે. કપટ એ ઝેર છે. શ્રીહરિ કપટીનો ત્યાગ કરતા અને નિષ્કપટ વર્તે તેમાં અનુરાગ રાખતા, કોઈમાં નિષ્કપટપણું હોય છતાં થોડું કપટ રહી જતું હોય તો શ્રીહરિ એમાં અમૃત છે તેટલું ગ્રહણ કરતા ને તેટલો પ્રેમ દાખવતા.20
શ્રીહરિ વારે વારે કપટીની વાતો બહુ કરતા, કારણ કે વિશ્વાસી ભક્ત કપટીને પરમ એકાંતિક કરીને માને છે. પૂરેપૂરો કપટી હોય તે સહજમાં ઓળખાતો નથી. તે સાચા સંત કરતાં દસગણું સારું વર્તન દેખાડે છે અને લોકો જ્યારે તેનો વિશ્વાસ કરે છે ત્યારે તે સાચાને ખોટા અને ખોટાને સાચા કહે છે. વળી, દંભથી અગ્રેસર બનીને સ્વયં પૂજાવા લાગે છે.21
સંતની સભાથી જે જુદી ગોષ્ઠી કરે તથા પૂજાવાનો દંભ કરે તે વિમુખથી પણ વિમુખ છે. તેમને વચનમાં વર્તવું કઠણ પડે. ગુપ્ત જ્ઞાનગોષ્ઠિમાં મૂરખ જનોને ભાવ અધિક રહે અને તેને એટલા જ લોકો ગમે. સભાથી પૃથક્ જ્ઞાનગોષ્ઠિી કરનારા મુક્તમુનિ જેવા હોય તોપણ વિમુખ કહેવાય. એમ શ્રીહરિ વારે વારે કહેતા, તોપણ દંભી જુદા જ ચાલતા.22