૩૦. પ્રકીર્ણ
પ્રવૃત્તિ-નિવૃત્તિ, પુરુષ પ્રયત્ન
સરધારમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “હરિમાં તાન વધે એટલા માટે જે પ્રવૃત્તિ કરે છે તે નિવૃત્તિ જ ગણાય, એમ એકાંતિક ભક્તો જાણે છે.”1
શ્રીહરિએ ગોંડળમાં વાત કરતાં કહ્યું કે, “અભયપદ મેળવવાનો પ્રયત્ન કરે તો તે પણ મળે છે. ઉપાય કર્યા વિના કાંઈ મળતું નથી. આ જીવ બીજા સુખને માટે ઉપાય કરે છે, પણ મોક્ષને માટે કરતો નથી.”2
શ્રીહરિ સંતોને કહે, “મોક્ષના માર્ગમાં કામ ન આવે તે બધું નિરર્થક છે. કેવળ નામમાત્ર છે.” ‘નામમાત્ર તેહિ સબ કાવે, મોક્ષ કે મગ મેં કામ ન આવે.’3
સમઢિયાળામાં લાખાખાચરને ઘરે શ્રીહરિ દૂધ, ભાત, સાકર, જમીને દહીં, ભાત, સાકર જમ્યા અને બોલ્યા, “જેવો અભ્યાસ રાખે તેવી વાત સિદ્ધ થાય. જગતની વાત અતિ તુચ્છ છે, તોપણ અભ્યાસ કર્યા વિના આવડતી નથી તેમ સત્સંગનો અભ્યાસ કરે તો તે દૃઢ થાય, અને જન્મ-મરણનો વ્યાધિ મટે, તે વ્યાધિ મટાડવા માટે જ ભગવાને મનુષ્ય તન આપ્યું છે, પણ પંડિત-પુરાણી થવા છતાં જીવને ગમ રહેતી નથી.”4
મૂલેન્દ્ર નૃપને શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “અભ્યાસ કર્યા વિના કોઈ વાત તત્કાળ દેખ્યામાં આવે નહિ. સૌને વગર અભ્યાસે જોવાની ઇચ્છા છે, પણ તે વગર અભ્યાસે કેમ દેખી શકાય? જેવી રુચિ હોય તેવું ચિત્ત ચોંટે અને તે પ્રમાણે અભ્યાસ કરવામાં તત્પર થાય. રુચિ હોય તો કઠણ અભ્યાસ પણ સૌ કરે છે અને મરણ સુધીનું કાર્ય પણ તેને કઠણ લાગતું નથી.”5
ગઢપુરમાં જીવેન્દ્ર નૃપના દરબારમાં શ્રીહરિએ કહેલી વાત મુક્તમુનિએ કહી, “દરેક વાત સિદ્ધ કરવામાં પ્રથમ શ્રમ કરવો પડે છે. પછી ફળ આવે છે ત્યારે અપાર સુખ થાય છે. વધારે અન્ન મેળવવા માટે પ્રથમ ઘરનું અન્ન પૃથ્વીમાં નાંખવું પડે છે, અને ઉપરથી શ્રમ થાય છે. તેવી રીતે મોક્ષના ફળમાં સમજવું.”6
ભાદરામાં વશરામ સુથારને ઘરે શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સમય વિનાની કથા કે કીર્તન સારાં હોય તો પણ મનને શાંતિ કરે નહિ. તાવનું જોર હોય ત્યારે અન્નની રુચિ નાશ પામે. તે વખતે શીરો લાવે તોપણ શત્રુ સમાન લાગે. તાવ ગયા પછી અન્નની વધારે રુચિ થાય ત્યારે ભાવથી માગે તોપણ દેતા નથી. ચાતુર્માસમાં વરસાદ જેટલો જોઈએ તેટલો વરસે તો સારો લાગે પણ જરૂર ન હોય અને આવે તો સારો લાગે નહીં.”7
શ્રીહરિએ જીવેન્દ્ર નૃપના ભવનમાં સભામાં વાત કરતાં કહ્યું, “કરોડપતિ હોય પણ જેનો જીવ કૃપણ(લોભી, કંજુસ) હોય તે ધન ખરચી ન શકે. ઘરમાં દીવો કરવો હોય તેમાં પણ કસર કર્યા કરે, મા-બાપની સાથે મહોબત રાખે નહિ, પુત્ર, ભાઈ, ભત્રીજા તથા તેઓની પત્નીઓનાં વસ્ત્ર, આભૂષણ અને ખાનપાનમાં સંકોચ રાખ્યા કરે. કૃપણનો વ્યવહાર કોઈ સંકોચ વિના હોય નહિ. એમ કરતાં જો ખર્ચ આવે તો ખાવું-પીવું ઝેર જેવું લાગે ને નિદ્રા આવે નહિ. માથું કાપ્યા જેવું લાગે. એવા કૃપણનું ધન સંત કે બ્રાહ્મણના મુખે જાય નહિ, નાશ પામે કે પાપને માર્ગે જ વપરાઈ જાય. કૃપણતા ટળી નહિ તો અંતે મરીને સાપ થાય. કંજૂસનું ધન મર્યા પછી પણ રંચમાત્ર કામ લાગે નહિ. મોક્ષના માર્ગમાં વાપરે તેટલું જ ધન સાથે લીધું કહેવાય.
“અમારી પૂજા થાય છે ત્યારે અનંત વસ્ત્રાભૂષણ આવે છે તે મયારામ ભટ્ટ રાખે છે, કારણ કે તેમની પ્રકૃતિ એવી છે કે કોઈ પણ ચીજમાં લલચાય નહિ. ફાવે તેવી રૂપવતી સ્ત્રી હોય તોપણ કાળી નાગણી જેવી સમજે છે. વીસ વર્ષ તેમને થયાં ત્યારે તેમની સ્ત્રી મરણ પામી, છતાં અતિ આનંદ પામ્યા કે હવે આપણે નિર્બંધ થયા. કામ અને લોભ બેઉ નરકનાં દ્વાર કહ્યાં છે. જ્યાં સુધી તેમાં મન રહે છે, ત્યાં સુધી તેને અનાસક્ત પુરુષ નરકમાં પડેલાં દેખે છે. નારી અને ધનને લીધે વારંવાર જન્મમરણ થાય છે. લખચોરાશીનું દુઃખ પણ ધન અને નારીમાં રહેલું છે. જે કંઈ દુઃખમાત્ર છે, તે ધન અને નારીમાં રહ્યાં છે. ધન-નારીનો જે ત્યાગ કરે છે તેને બ્રહ્માદિ દેવતાઓ વંદન કરે છે.”8
ખપ
ઝીંઝાવદરમાં શ્રીહરિએ અલર્ક રાજાને વાત કરતાં કહ્યું, “મોક્ષનો ખપ હોય એવાં સ્ત્રી-પુરુષો તો લોભને ગણતાં જ નથી. અને તન-ધનને ધૂળ જેવાં જાણે છે. જેને સત્યનો જ ખપ હોય છે તે સત્ય રાખવા માટે અગ્નિમાં પડીને દેહત્યાગ કરે છે. તેમ જેને ખપ હોય તેનાથી શું ન થાય! ખપમાં જેટલી ખોટ તેટલો દોષ ભાસે છે. ખપ વિના કોટિ ઉપાયે મોક્ષ થાય નહિ.”9
ભાદરામાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “વેશ્યાનો ધંધો તે અતિ નીચ પાપ છે. ધનમાં માલ માન્યો છે તેથી તે પાપનો અભાવ થતો નથી. તેવો માલ જો ભગવાનમાં મનાય તો કોઈનો છોડાવ્યો કેમ છૂટે? પણ ભગવાનનો ખપ ધનના જેટલો નથી, એવું જીવને અજ્ઞાન છે. પ્રહ્લાદ અને બલિ જેવાને જ્યારે ભગવાનનો ખપ સમજાયો, ત્યારે ત્રિલોકીના ભૂપ હોવા છતાં ત્રિલોકીના સુખને ચિંતામણિ આગળ કાચ ગણાય તેવું જાણ્યું. ભગવાનનું જ્ઞાન ન હોય ત્યાં સુધી દેવો અને મનુષ્યો ચિંતામણિ છોડીને કાચમાં માલ સમજે છે. ભગવાન વિનાનું બીજું ફાવે તેવું જ્ઞાન હોય તો પણ અજ્ઞાન છે.
“વેદ પુરાણ જાણવાં, ધર્મ રાખવો, જપ, તપ, વ્રત, તીર્થ, દાન વગેરે કરવું તે બધાંયનું ફળ એટલું જ છે કે ભગવાનનું જ્ઞાન થાય. તે બધાં સાધન કરીને પણ જો ભોગ મેળવવાની આશા રાખે તો સંસારનો રોગ મટતો નથી, અને રેંટે જોડેલો બળદ જેમ સવારથી સાંજ સુધી ચાલે, પણ જ્યાં હોય ત્યાંનો ત્યાં જ રહે છે તેમ ભોગની આશા રાખીને ફાવે તેવાં સાધનો કરે, પણ અંતે સંસારમાં ને સંસારમાં રહે છે. આત્મનિષ્ઠા તો એટલું ફળ આપે છે કે સુખદુઃખમાં શાંતિ રહે અને દેહનાં દુઃખ જે નદી જેવાં છે તેને તરી જાય, પણ મૃત્યુ સમયનાં દુઃખ તો સમુદ્ર જેવાં છે, ત્યાં મોટાં વહાણ વિના તરી શકાય નહિ. ભગવાનનું શરણ એ જ મોટું વહાણ છે. તેનાથી જ મૃત્યુરૂપી સમુદ્ર તરાય છે. આત્મજ્ઞાન તો તુંબડા જેવું ગણાય.”10
શ્રીહરિએ મુક્તમુનિને કહેલી વાત તેમણે કરતાં કહ્યું, “મહારાજ કહે - મોક્ષના ખપ વિનાના મનુષ્ય પશુ સમાન છે ને અપાર ક્લેશ સહે છે. ભગવાન વિનાનું જ્યાં સુધી તાન છે, ત્યાં સુધી હેરાન થાય છે, પણ અજ્ઞાનથી અંધ થયેલાઓને જાણવા છતાં ત્રાસ થતો નથી. ભગવાનના સાચા સંતો જીવમાત્રનું હિત કરવા તેમને ભગવાનનું જ્ઞાન અને તાન થાય એવી વાત કરે છે. બ્રહ્મા સમાન બુદ્ધિશાળી હોય, પણ હરિના સુખ જેવું સુખ બીજે મનાય અને હરિમાં તાન ન રહે તો તે પશુથી પણ તુચ્છ છે. પછી ભલે તેણે જ્ઞાન, વિદ્યા અને સન્માન મેળવ્યું હોય. આખા બ્રહ્માંડને સોનાનું બનાવતો હોય અને બ્રહ્માંડમાં બધાંને પકવાન જમાડતો હોય, પણ ભગવાનની ઉપાસના વિના જન્મમરણથી છૂટતો નથી.”11
વસ્તાણા ગામે શ્રીહરિએ પદાતીને વાત કરતાં કહ્યું, “ભજન, સ્મરણ, માળા, પૂજન, વંદન, દુઃખી સંતની સેવા કરવી, કીર્તન કંઠે કરવાં, પ્રાકૃતગ્રંથ વાંચવા, રસોઈ કરવી ઇત્યાદિ પ્રમાદીથી બને નહિ. પ્રમાદીનું કોઈ પણ કામ ક્લેશ વિનાનું હોય નહિ. પ્રમાદી અને આળસુ હોય તે નામમાત્રનો મનુષ્ય છે. સર્પ, સિંહ કે અગ્નિનો ભય આવે કે સરકારના સિપાઈ વેઠ માટે પકડે ત્યારે આળસ અને પ્રમાદ ભાગી જાય છે. જીવને જેના ઉપર ભાવ હોય તેમાં આળસ કે પ્રમાદ રહેતાં નથી. ભાંડ-ભવાઈમાં તથા વિવાહમાં આળસ-પ્રમાદ રહેતા નથી, કારણ કે તેમાં ભાવ છે.12
વચન પાલન
સરધારમાં શ્રીહરિએ મુક્તમુનિને ઉદ્દેશીને એકાંતમાં વાત કરતાં કહ્યું, “અમારું વચન જે માને છે તેને ક્યારેય લેશ પણ દુઃખ આવતું નથી. જેમ જરાસંધે અપાર રાજાઓનાં પુર કબ્જે કર્યાં હતાં, પરંતુ જે શ્રીકૃષ્ણના શરણમાં આવ્યા તે સૌની રક્ષા તેમણે કરી. તે રીતે જે મારો વિશ્વાસ રાખે છે, તેની હું રક્ષા કરું છું. તેનાં પાપમાત્ર ટાળી દઉં છું, એમાં સંદેહ રાખવો નહીં.”13
સત્યપુરમાં શ્રીહરિએ નારસંગજી નૃપને વાત કરતાં કહ્યું, “અમારો અવતાર કેવળ જનોના મોક્ષ માટે છે. મોક્ષમાં વિઘ્નરૂપ વિષયાસક્તિરૂપ રોગોના અમે વૈદ્ય છીએ. ચરી પળાવીએ અને દવા આપીએ. અમારાં વચનરૂપ ઔષધ ખાય તેનો વાસનારૂપ રોગ જાય, મોક્ષરૂપ ભગવાનનું ધામ પામે અને વિષયોને શત્રુરૂપ જાણે. દૂધપાક જેવું ભોજન નહીં પણ તેમાં સર્પની લાળ પડે ને ખાય તેના પ્રાણ જાય તેમ ચૌદલોક સુધી અધિક અધિક વિષય ભર્યા છે, પ્રકૃતિપુરુષના લોક સુધી વિષયનું રાજ રહ્યું છે. એ વિષયોને શત્રુ જાણી ત્યાગ કરે અને અમારો આશ્રય કરે તે માયા તજીને અમારા ધામને પામે.”14
શ્રીહરિએ ભુજના હરિભક્તો પર પત્ર પાઠવ્યો. તેમાં લખ્યું - મારા વચનનો આદર રાખે તે મારો આદર રાખ્યા બરાબર માનું છું. મારા વચનમાં મારો નિવાસ છે. તેમાં જેટલો આદર રાખો તેટલો હું તમારી પાસે છું. મનુષ્યતનુ ધાર્યું હોવાથી તે પ્રમાણે વર્તીએ છીએ. પ્રત્યક્ષ અને પરોક્ષ બેય ભાવ મનુષ્યતનમાં રહ્યા છે. તેમાં વચનરૂપી મારું શરીર ક્યારેય પરોક્ષ થતું નથી. મનુષ્યતન ચરિત્ર માટે છે.15
ગઢપુરમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ભગવાન અને સંતનાં વચન પદાર્થ કરતાં અધિક છે. વચનમાં વર્તવાથી તો અંતઃકરણ શુદ્ધ થાય છે. પદાર્થથી એ શુદ્ધ ન થાય.”16
શ્રીહરિએ બીજો એક પત્ર સંત-હરિભક્તોના હિત માટે હેતથી લખાવ્યો: “સ્વસ્તિશ્રી સત્સંગ મહાશુભ સ્થાને શુભોપમા લાયક પૂજ્યારાધ્યે સર્વ ઉમંગ શુભ ઉપમા લાયક પરમહંસ મુક્તાનંદ સ્વામી, રામદાસજી સ્વામી, શ્રીપાત દેવાનંદ સ્વામી આદિ સમસ્ત પરમહંસ તથા જયાનંદ, મુકુન્દાનંદ આદિ સમસ્ત બ્રહ્મચારી, કર્મયોગી વિપ્ર નાનાભાઈ વગેરે ગૃહસ્થ, તથા કર્મયોગી સમસ્ત બાઈઓ તથા જીવુબાઈ, રાજબાઈ વગેરે ત્યાગી સમસ્ત બાઈઓ પ્રત્યે, અનિર્દેશથી લિખાવિતંગ સ્વામીશ્રી સાત સહજાનંદજીના જય સચ્ચિદાનંદ વાંચશો.
“પત્ર લખવાનું કારણ સર્વે એકાગ્ર મનથી સાંભળજો. શુદ્ધ અંતઃકરણ વિના વાત ગ્રહણ થતી નથી. જેમ સમુદ્ર વધારે ઊંડો છે તો ત્યાં વધારે પાણી માય છે, તેમ જેનું જેવું અંતઃકરણ હોય તે પ્રમાણે વાત તેમાં ટકે છે. અમારી વાતનું રહસ્ય તમને સમજાવવા માટે અમે આ મનુષ્યતન ધર્યું છે. અમે આ લોકમાં ક્યારેય આવ્યા નથી એટલે પરમ રસપૂર્વક અમારું રહસ્ય પ્રગટ કરીએ છીએ.
“પૂર્વે રામ અને શ્રીકૃષ્ણ કાર્ય-કારણ અવતાર થયા. તેમણે સામર્થ્ય બતાવ્યું, પણ મંદમતિ અસુર ગુરુઓ અને તેમના શિષ્યો તેમની સામે પડ્યા છે. તે ભગવાનને મનુષ્ય કહે છે. અસુર ગુરુ પોતાના જેવી મતિ શિષ્યોને દે છે. અમૃત જેવા ભોજનમાં થોડું ઝેર પડે તોપણ તેને ઝેર કરી દે છે.
“અસુર ગુરુને જીવોનો મોક્ષ કરવાનો પ્રતાપ લેશ હોતો નથી, પણ ઉપદેશની વાતો શીખી શીખીને ઉપદેશ દે છે. તે જીવને સત્સંગના માર્ગથી પાડે છે અને બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ તેને શિર ચોંટે છે.
“એવા ગુરુને નારી અને ધનનો ત્યાગ હોતો નથી. વળી, એક પણ નિયમધર્મ તે પાળતા નથી. લાગ આવ્યે વિષય લંપટ થઈ જાય છે. નારીનો સંગ અને ધનનો સંગ્રહ કરતા હોવાથી તેનું ચિત્ત અતિ મલિન રહે છે. એવા અસુરને અને ભગવાનને કોઈ સંબંધ નથી. એવા ગુરુ ષટ્ચક્રની મોટી વાતો કરે, પણ યોગકળા સાધ્યા વિના ષટ્ચક્ર દેખાડવાં તથા નેત્રની વૃત્તિથી સામાની વૃત્તિ સંકેલી લઈ તેમાં મૂર્તિનો પ્રવેશ કરાવવો વગેરે યોગકળાની વાત પાખંડીમાં હોઈ શકે નહિ. તેના માથેથી યમ ને કાળનો ભય મટતો નથી. સ્ત્રી-પુત્રમાં બંધાયેલો હોય તે, તેમાં બંધાયેલાને છોડાવે એવું આજ સુધી બન્યું નથી.
“પત્ર લખવાનું બીજું કારણ કહીએ છીએ - ત્રણ દેહ (સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ) તથા ત્રણ અવસ્થા (જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ) તેનાથી પર આત્મારૂપ પોતાને માનીને ભજન કરવાવાળાનો જીવ શુદ્ધ જાણવો. દેહ અને જીવનો ગુણ એક સમજે છે ત્યાં સુધી દુઃખનો પાર આવતો નથી. જીવને વળગેલો દેહભાવ છૂટે અને દિવ્યભાવ (બ્રહ્મભાવ) કેળવાય એવો વિચાર અમે રાત-દિવસ કરીએ છીએ. અક્ષરભાવ પામ્યા વિના અક્ષરધામમાં ગતિ ક્યારેય થતી નથી. ભગવાનને જેમ દિવ્ય માનતા જશો, તેમ મતિ દિવ્ય થતી જશે.”17
શ્રીહરિએ પત્રમાં ધારણાની વાત કરતાં લખ્યું કે: “લક્ષ્યની વાત અનેક પ્રકારે કહેવામાં ને દેખવામાં આવે છે. લક્ષ્ય પણ અનેક પ્રકારનાં છે. ચિદાકાશ જે ભગવાનનું અક્ષરબ્રહ્મધામ છે તે આકારે જીવની વૃત્તિ થાય ત્યારે તે જીવમાંથી મુક્ત દશા પ્રાપ્ત કરે છે. જે અક્ષરધામમાં અનંતકોટિ મુક્તો રહ્યા છે એ ચિદ્ભૂમિમાં તેનો વાસ થાય છે.”18
શ્રીહરિ પત્રમાં કહે, “સત્સંગ જેને નથી તે આ નરક જેવા શરીરમાં ચોટી રહે છે. ભગવાન અને ભગવાનના ભક્ત જે સુખના સિંધુ છે તેને મલિન વસ્તુને અધિક કરી માને છે. ભગવાનનો ભક્ત તો ભગવાન અને સંતની સેવામાં જે ન આવે તે ચિંતામણિ ને કલ્પવૃક્ષ હોય તોપણ તેને મહા કુસંગ સમ લેખે છે.”19•
વૈરાગ્ય
શ્રીહરિએ માતાને ઉપદેશ આપતાં કહ્યું, “વૈરાગ્યવાળા સંતના પ્રસંગથી વૈરાગ્ય ઊપજે છે તથા તેમને મુખે સાંભળેલી પાતાળથી પ્રકૃતિપુરુષ પર્યંત સમગ્ર લોકોની અનિત્યતા, જે ચાર પ્રકારના પ્રલયે કરીને સમજ્યામાં આવે છે, તેનાથી પણ વૈરાગ્ય થાય છે. તથા એ પ્રલયોમાં નાશ પામતા નાના પ્રકારના જીવોને જન્મતાં, મરતાં તથા જીવતાં જે અનંત પ્રકારનાં દુઃખ પડે છે તેને સમજવાથી પણ વૈરાગ્ય થાય છે. વિષયોના ભોગમાંથી દુઃખ ઉત્પન્ન થાય છે. તથા અનીતિના ફળરૂપ યમપુરીનાં દુઃખ ભોગવવાં પડે છે. તેને જાણીને પણ વૈરાગ્ય થાય છે.”20
શ્રીહરિએ માતાને કહ્યું, “જેમ ભોજન, પાત્ર તથા આભૂષણ અગ્નિ વિના તૈયાર થાય નહિ અને સુધરે નહિ તેમ વૈરાગ્ય પક્વ થયા વિના મોક્ષનો માર્ગ સુધરે નહિ. વૈરાગ્યથી પાપરૂપી મળ બળી જાય છે. અગ્નિ પ્રગટ થાય નહિ ત્યાં સુધી કાગળમાં લખેલા અગ્નિથી કામ થાય નહિ. તેમ વૈરાગ્ય પ્રગટ્યા વિના કેવળ વૈરાગ્યની વાતથી પાપનો નાશ થાય નહિ. વૈરાગ્ય વિના મોક્ષની લાલચ રાખવી તે વ્યર્થ છે. વૈરાગ્યમાં દૈવત છે તેવું કશામાં નથી. નિધિનો પણ નિધિ વૈરાગ્ય છે. વૈરાગ્યરૂપ નિધિ મળે તો અનંતકોટિ બ્રહ્માંડનાં સુખ લૂખાં લાગે.”21
શ્રીહરિએ જેતપુરમાં મૂળુવાળાને વાત કરતાં કહ્યું, “કરોડો જનમાં કોઈક જ મોક્ષભાગી હોય. મોટાપુરુષોએ ગ્રંથ રચ્યા છે તેમાં ધર્મ, અર્થ, કામ લખીને તેમાં દોષ દેખાડીને મોક્ષનું ફળ સત્ય બતાવ્યું છે. સંસારમાં કુટાતા અત્યંત દુઃખી થઈ વૈરાગ્ય પામેલા મુમુક્ષુને મોક્ષનો માર્ગ પોતાની રીતે હાથ લાગતો નથી, પરંતુ આવા જનને જો સાચા સંત મળે ને તેનો સત્સંગ કરે તો ભવપાર તરે છે. ગૃહી-ત્યાગીનો કંઈ વિવેક ન હોય એવો અધર્મ હોય ત્યાં ક્યારેય મોક્ષ હોય નહિ.”22
સ્વામિનારાયણ મંત્ર
લોજમાં જન્માષ્ટમી ઉત્સવ પર આવેલા હરિજનોએ શ્રીહરિને અસુરો થકી રક્ષા કરવા પ્રાર્થના કરી ત્યારે શ્રીહરિ કહે, “તમારો દ્રોહ કરશે તેનો નાશ થશે. મારી કાળશક્તિ અધર્મવંશને ઉખેડી નાખશે. સ્વામિનારાયણ નામ તે અમારી મોટી મંત્રશક્તિ છે. તેનો જપ કરનારાને ભૂત, પ્રેત, મૂઠ, ચોટ, જાદુ જીન, વીર, કૃત્યા આદિક મલિન દેવ કાંઈ પણ કરી શકે તેમ નથી. જમકિંકર પણ તેને દેખી દૂર ભાગે છે.
“સ્વામિનારાયણ નામનો જાપ જે કરે છે તેના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. મૂઠ-ચોટ કે જાદુ-મંતર તેને સ્પર્શી શકતાં નથી. જે જે મલિન દેવ છે તે કોઈ આ નામ જપનારને પીડી શકતા નથી. સ્વામિનારાયણ મંત્ર કાને પડતાં જ તે બળવા લાગે છે. મહા ભયંકર જમદૂતો પણ આ નામ સાંભળીને નજીક આવી શકતા નથી. જે જીવનભર આ મંત્ર જપે તેને અંતકાળે ભગવાન પોતે સંતો તથા પાર્ષદોને સાથે લઈને તેડવા આવે છે. અને રથ, વિમાન વગેરે વાહનમાં બેસાડી અંતકાળે પોતાના ધામમાં તેડી જાય છે. આવો આ મંત્રનો મહાપ્રતાપ છે. એવો મહિમા સમજી અહોનિશ તેનું રટણ કરવું.
“જે જે નિયમ કહ્યા છે તેમાં દૃઢ રહેવું. ચિત્ત ભગવાનમાં રાખવું. દેહ-ગેહ, સુત, નારીનો સંબંધ બે દિવસનો છે. સૌ ઘડી કે પળના મહેમાન છે, એમ જાણી મનમાંથી તેને ટાળી દેવાં, સાચી પ્રીત ભગવાનની સાથે કરવી, સત્પુરુષનો સંગ કરવો ને કુસંગનો ત્યાગ કરવો.”23
શિયાણીમાં શિવરામ વિપ્રને ઘરે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન મુનિ જ્યારે કરી રહ્યા ત્યારે શ્રીહરિ બોલ્યા, “મુનિ! તમે જ્યારે ધૂન કરતા હતા ત્યારે ‘સ્વામિનારાયણ’ નાદ ત્રિલોકમાં વ્યાપી ગયો. જે કોઈ વારંવાર સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કરે છે તેમાં તેને ભગવાનના બધાં નામ જપનું ફળ મળી જાય છે. આ નામનો જાપ કળિયુગી મળનો અને પાપમાત્રનો નાશ કરે છે. આ મંત્ર સર્વથી પર છે. આજે આ મંત્ર પ્રગટ છે. જેમ પ્રગટ અગ્નિથી કામ થાય છે, તેમ આ મંત્ર દ્વારા સર્વ કાર્ય સફળ થાય છે. કારણ આ મંત્રમાં પરમાત્મા પ્રગટ વસે છે.”24
શ્રીહરિએ મોડા ગામનાં પુરજનો પ્રત્યે કહ્યું, “મોક્ષદાતા પ્રગટ ભગવાનનો જોગ થાય નહિ ત્યાં સુધી કર્મનો રોગ મટે નહિ. સ્વામિનારાયણનું નામ છે તે કર્મ બાળવામાં અગ્નિરૂપ છે.”25
કરિયાણામાં શ્રીહરિ નાગર સેનાપતિને કહે, “સ્વામિનારાયણ મંત્ર આજ કળિયુગમાં જીવનો ઉદ્ધાર કરનાર છે. સર્વે સંતો-હરિજનો સ્વામિનારાયણ મંત્રની માળા ફેરવે છે. તમારે જેટલી શ્રદ્ધા હોય તે પ્રમાણે નિત્ય સ્વામિનારાયણ જપ સાથે માળા ફેરવવી, પાંચ માળાથી ઓછી ક્યારેય ન ફેરવવી. અધિક કરો તો અધિક લાભ થાય. જીવને સાચો લાભ આ મંત્રના જપથી થાય છે.”26
શ્રીહરિએ પત્ર લખાવ્યો, “જે ભક્ત ત્રણ દેહ, ત્રણ અવસ્થાથી પર વર્તે, દેહને અસત્ય માને, આત્માને સત્ય માને, પોતાના આત્માને દેહથી પૃથક્ બ્રહ્મરૂપ જાણે ને પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમનો જોગ (ઉપાસના) કરે. એવા ભક્તને વિવેકી ને સમર્થ જાણવો. એવો ભક્ત ‘સ્વામિનારાયણ’ મહામંત્રનું ઉચ્ચારણ શ્વાસોચ્છ્વાસે કરે છે.
“સ્વામિનારાયણ મંત્ર સર્વોપરી સુખનું ધામ છે. કળિયુગમાં આ મંત્રનો મહિમા સર્વ મંત્રોથી પર કહેવાયો છે. ઊઠતાં-બેઠતાં, હાલત-ચાલતાં, ખાતાં-પીતાં, સૂતાં-જાગતાં જે જે ક્રિયા થાય તેની સાથે આ મંત્રનો દોર ચાલુ રાખવો. દેહ પરવશ થઈ જાય તોપણ તેની જીભ પરથી ‘સ્વામિનારાયણ’ નામ ન જાય. બધા જન સાંભળે તે રીતે જિહ્વાથી આ મંત્રનો ઉચ્ચાર કરવો.
“સ્વામિનારાયણ મંત્ર રટણ કરતાં તાલીનાદ કરવો અથવા કરમાં જપમાળા ઘુમાવવી. જ્યારે ઉચ્ચારણ કરવું ત્યારે મનમાં ઊઠતા મિથ્યા સંકલ્પનો ત્યાગ કરવો. સ્વામિનારાયણ નામ જપમાં જે વધુ આગ્રહ છે તે તેના નામી સાથે નામ જપનો છે. તેને જ અલૌકિક સુખ મળે છે.”
‘સ્વામિનારાયણ નામ કે, આગ્રહ નામી જુત;
રખત ભક્તજન તિનકું, સુખ મિલત હિ અદ્ભુત.’27
શ્રીહરિએ પત્રમાં વાત લખાવી કે: “ભગવાનનું નામ નામી સહિત લેવું. અતિ ભાવથી નામ લે તો દેહ છતાં ભગવાનના ધામને દેખે છે. જે હરિભક્ત નામીએ યુક્ત નામનું પ્રતિપાદન ન કરે તેને અમે દેહાભિમાની અને ગુરુદ્રોહી તથા સંતદ્રોહી માનીએ છીએ. નામીએ સહિત નામ લે તેને આત્મદર્શી, ગુરુભક્ત અને સંતભક્ત માનીએ છીએ ને અક્ષરધામમાં તે રહે છે. અમારા આ પત્રનું અતિ પ્રતિપાદન કરજો.”28
ગઢપુરમાં શ્રીહરિએ મુક્તમુનિના પ્રશ્નનો ઉત્તર કરતાં કહ્યું, “ઉત્કૃષ્ટ ઉપાસનાવાળો ભગવન્નિષ્ઠ ભક્ત એવું સમજે છે કે ‘સ્વામિનારાયણ’ એવા નામનું ઉચ્ચારણ, ગમે તેવા પાપી જીવને જો અંતકાળે થઈ આવે તો તે તત્કાળ સર્વે પાપથી મુકાય છે ને બ્રહ્મમહોલ-અક્ષરધામમાં જાય છે.”
‘ગમે તેસે પાપી હોય અરુ, અંત મેં જો તિનકું;
સ્વામિનારાયણ અસે નામ કે ઉચ્ચારન ઇનકું.
હોય જો તેહ સબ પાપ સેં, છુટ જાય તતખેવ હિ;
બ્રહ્મમહોલ કે વિષે નિવાસ કરે સદ્ય એહ હિ.’29
આશ્રય-અભયદાન
કુંડળમાં મામૈયાના ભવનમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “મારો જે આશ્રિત થાય છે તેને લોકો હડધૂત કરે છે, છતાં અનંત નરનારી હરિજન મને વળગી રહ્યાં છે. મને નિશ્ચય ભગવાન જાણીને જગતનું અપમાન સહે છે. જે મારો થાય છે, તેને કોઈ માન દેતું નથી. માતા-પિતા, પત્ની, ભાઈઓ કે પુત્રોમાં સ્નેહ રાખતાં નથી. મારો આશ્રિત જે થાય તેને બીજા તો દૂર પણ પોતાનાં જ કુટુંબીજન વૈરી ગણે છે. કારણ, મારો આશ્રિત નિષ્પાપ થયો. તેથી બીજાં પાપ આચરનારા કુટુંબીઓ અંતરમાં ભય પામે છે. ધર્મ-અધર્મ, ચોર, શાહુકારને સદા વૈરભાવ હોય છે. પતિવ્રતા અને વેશ્યાને કદી સ્નેહ થતો નથી, તેમ સત્સંગી અને કુસંગીને હેત થતું નથી. હેત થાય તો તેનો સત્સંગ રહે નહિ તે નક્કી વાત છે.”30
ગઢપુરમાં જીવાખાચરના દરબારમાં સંતોને વાત કરતાં શ્રીહરિએ કહ્યું, “અમારો જેણે આશ્રય કર્યો છે તેને અમારે શુદ્ધ કરવા છે. એટલા માટે જ અમે પ્રકરણ ફેરવીએ છીએ અને સત્સંગમાં ફરીએ છીએ.”31
માંડવીમાં શ્રીહરિ કહે, “જેણે જેણે મારું શરણ લીધું છે તેને ક્યારેય દુઃખ પડવા દઈશ નહીં. સંત મારા પરમ નિધિ છે. તેનાથી મારે અધિક કોઈ નથી. સંતને હું અક્ષરધામથી અધિક માનું છું.”32
ગઢપુરમાં જીવેન્દ્ર નૃપને શ્રીહરિ કહે, “‘બધું ભગવાનનું છે’ એમ કહેવામાં ફેર છે. ભગવાનને તો સૌ જાણે છે, પણ તેના નિમિત્તે ક્યારેય કશું થતું નથી. ભગવાન પોતે આવીને કહે, ‘તમારો પુત્ર આપો,’ ત્યારે અંતરમાં હરખ ન રહે અને વિમુખ થાય. ભગવાન જાણ્યામાં સંશય નથી, પણ પ્રાકૃત સમજણ વિશેષ રહી જાય છે. ભગવાનને યથાર્થપણે ભગવાન જાણીને એ મુજબ વર્તે એવા શૂરવીર હરિભક્તો થોડા હોય.” એમ કહી શ્રીહરિએ સમસ્ત સત્સંગમાં એક કાગળ લખાવ્યો કે: “સંત-હરિભક્ત, બાઈ-ભાઈ આદિ કોઈએ દેહને પોતાનું સ્વરૂપ ન માનવું પણ જીવનું સ્વરૂપ શુદ્ધ અક્ષરરૂપ છે એમ જાણી ચિંતવન કરવું. અક્ષરબ્રહ્મનો ભાવ જ્યારે જીવમાં આવે છે ત્યારે પ્રાકૃતભાવ બધો દૂર થઈ જાય છે. અક્ષરમાં સદાય અલૌકિક દિવ્યમૂર્તિ શ્રીહરિ રહ્યા છે. અને સત્સંગમાં જે મૂર્તિ વિચરે છે તે એક જ જીવમાત્રમાં રહી છે. આ દેહનાં સગાં-સંબંધીનો સ્નેહનો તાંતણો દેહ છૂટતાં પણ તૂટતો નથી. દેહ મરે છે પણ જીવ મરતો નથી. છતાં, મિથ્યા સ્વાર્થ માનીને પોતે અજ્ઞાનરૂપ થઈ ગયો છે. એવો સ્વાર્થ સત્ય (બ્રહ્મ-પરબ્રહ્મ)નો સાધે તો તેનું અજ્ઞાન જાય ને અક્ષર જેવો થઈ જાય. હરિભક્તને કાંઈ ભય નથી પણ સમજણ વિના તુચ્છ મતિ રહે છે. હીરો અને કાંકરો સમજણ વિના સરખા દેખાય. માન ન મળે તો સમજણ વિનાનો ભક્ત તે હરિરૂપ હીરાને ફેંકી દે, પણ સત્સંગની મોટપ તો એવી છે કે ભવ-બ્રહ્માદિક દેવો પણ માગે છે. આવો યોગ વારે વારે મળે નહીં.
“જગતની રીતમાં વર્તતા અનંતકાળ ગયા પણ ભક્ત ન થયા ત્યાં સુધી દુઃખ ટળ્યું નહીં. બ્રહ્માના સુખ આગળ કીટનું સુખ કાંઈ નથી. તેમ ભક્ત ન થાય અને અનંત પુણ્ય કરી બ્રહ્મલોકનું સુખ મેળવે તોપણ તે કીટનો કીટ જ છે. અમારે તો હરિભક્તોને બ્રહ્મરૂપ કરવા એટલો જ ઘાટ છે. તેને માટે ચરિત્ર કરીએ છીએ. બીજા જાણે કે ન જાણે અમને જેવા જાણશે તેવું સુખ મળશે. આ પત્રને પ્રાણપ્રિય કરીને રાખજો. જેને કીટ મટવું હોય તથા જે ખળ અને કુટિલ ન હોય, જેને હરિભક્તનો સ્વભાવ રુચે એમ હોય, એવાને જોઈને ભક્ત કરવો. કુટિલ સત્સંગ કરે તો વધારે કુટિલ થઈને સત્સંગીનો દ્રોહ કરે. હરિભક્ત તો નિશ્ચયે કરીને ભગવાનના ધામમાં જાય, પણ કુટિલને અપાર દુઃખ થાય. તે દુઃખ દેખીને કુટિલતા તજી જ્યારે નમ્ર થઈને પોકાર કરે, ત્યારે હરિભક્ત તેનો ઉદ્ધાર કરે.”33•
ગઢપુરમાં શ્રીહરિએ જીવેન્દ્ર નૃપને કહ્યું, “જે જેને શરણે હોય તે તેના વચનમાં વર્તે અને પોતાનું ધાર્યું મૂકી દે, તે શરણાગતિનું લક્ષણ છે. વર્તનમાં જેટલો ફરક પડે તેટલી શરણમાં કસર છે. દર્દી વૈદ્યનું શરણું લે પછી વૈદ્ય તેને ચરી બતાવે ને તે પ્રમાણે દર્દી વર્તે તો તેનો રોગ જાય. ચરી પાળ્યા વિના રોગ જાય નહિ. શરણાગતિનું લક્ષણ જ એ કે તે વચન પાળે. વચન પાળવાં તે મોક્ષ માટે ચરી છે.”34
ભાદરામાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “આત્મનિષ્ઠા તો એટલું ફળ આપે છે કે સુખ-દુઃખમાં શાંતિ રહે અને દેહનાં દુઃખ જે નદી જેવાં છે તેને તરી જાય પણ મૃત્યુ સમયનાં દુઃખ તો સમુદ્ર જેવાં છે. ત્યાં મોટાં વહાણ વિના તરી શકાય નહિ. ભગવાનનું શરણ એ જ મોટું વહાણ છે. તેનાથી જ મૃત્યુરૂપી સમુદ્ર તરાય છે. આત્મજ્ઞાન તો તુંબડા જેવું ગણાય.”35
જૂનાગઢમાં દીવાનને ઉદ્દેશીને શ્રીહરિએ કહ્યું, “હરિના શરણ વિના ક્યાંય સુખ ન દેખાય તેવી સમજણ સમાધિથી કોટિગણી શ્રેષ્ઠ છે. સમાધિ કઠણ નથી, સ્વપ્ન જેવી છે. સ્વપ્નમાં રાજા થાય અથવા અષ્ટાંગયોગ શીખ્યો હોય તોપણ બધું વ્યર્થ છે. દીવો દેખીને જેમ પતંગિયું લોભાય તેમ જગતનું સુખ દેખીને લોભાય ત્યાં સુધી સમાધિનો કાંઈ અર્થ નથી.”36
ગઢપુરમાં શ્રીહરિએ વણિક પ્રત્યે વાત કરતાં કહ્યું, “ભગવાનના શરણ વિના જે કાંઈ તપ કરે છે તે બંધન કરનારું છે. નાક-કાન કાપીને સોના-મોતીથી તન શોભાડે, તેમ ભગવાનના શરણ વિનાનું તપ પણ દૂષણરૂપ થાય છે.”37
વડતાલમાં શ્રીહરિ કહે, “જેને અમારો આશરો છે એવા હરિભક્તને અંતકાળે અમારી સ્મૃતિ રહે અથવા ન રહે તોપણ અમે ને અમારા સંત તેની પાસે જ રહીએ છીએ.”
‘શ્રીહરિ કહે હરિજન જો, જે તે શરન ભયેઉ,
સ્મૃતિ રહો ન રહો યહ, હમ સંત પાસ રહે તોઉ.’38
માણસામાં સંધ્યા પછી સભામાં શ્રીહરિએ કહ્યું, “મોક્ષ માટે જે દુઃખ સહન કરે છે તેના ઉપર ભગવાનની અપાર પ્રસન્નતા થાય છે. ભક્તનું સુખ દેખીને ભગવાન પ્રગટ થતા નથી, પણ દુઃખ દેખીને પ્રગટ થાય છે. ભક્તને બીજું આલંબન હોય ત્યાં સુધી ભગવાન સહાય કરતા નથી.”39
ધીરજ
નીલકંઠવર્ણીરૂપે શ્રીહરિએ પુરીના નૃપને કહ્યું, “‘ધર્મ હોઈ તિહાં રહેનો જાઈ, હમારો સિદ્ધાંત ઇતનો રહાઈ. અધર્મ કો ફલ પાપકું પાવે, ધર્મ કો ફલ ધર્મ રહાવે.’ અમે સિદ્ધાંત કર્યો છે કે ધર્મ હોય ત્યાં જઈને રહેવું. અધર્મનું ફળ પાપ ને ધર્મનું ફળ પુણ્ય મળે છે. ઈશ્વરનું કાળચક્ર બધાને નજરમાં રાખે છે. પરમાત્મા અંતર્યામી છે. જે કોઈ એનું સ્મરણ કરે છે તેની રક્ષા તે કરે છે.
“ભક્તે દેશકાળમાં ધીરજ ધરવી. બધાની નાડી હરિના હાથમાં છે. કોઈ કુમતિ જન ગાળ દે કે તાડન કરે તે સાધુએ સહન કરવું. મનમાં તેનું હિત ચિંતવવું પણ બૂરું ક્યારેય ન ઇચ્છવું. જડભરત ક્યારેય કોઈનું ખરાબ ઇચ્છતા નહિ. આથી ભગવાન તેની રક્ષા કરતા. પ્રહ્લાદે કેટલી ધીરજ રાખી! મયૂરધ્વજ, હરિચંદ્ર, દધીચિ વગેરેએ સહન કર્યું તો સંતની પંક્તિમાં આવી ગયા.
“સહન કરવું એ સાધુનો માર્ગ છે. ન સહે તે અસુરનો માર્ગ છે.”40
સરધારમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “દેશકાળ સદાય સરખા રહેતા નથી. સત્સંગનો રંગ ચઢ્યો છે તેને જીવતાં સુધી પાર પાડવો. જેની સદાય એક સ્થિતિ રહે છે, સુખ-દુઃખમાં ધીરજ ડગતી નથી તેનો યશ આ બ્રહ્માંડમાં અખંડ રહે છે. ધીરજવાળો કાળના માથે પગ મૂકે છે. સુખ અને દુઃખ વાદળની છાયા જેવાં છે. છાયા આપણા હાથમાં નથી. સંતને હિતકારી માની તેના વચનમાં વિશ્વાસ કરવો.”41
ગઢપુરમાં જીવાખાચરને શ્રીહરિ કહે, “અમે સમજુને જ વઢીએ છીએ, બીજાને તો બોલાવતા પણ નથી, તોપનો મારો તો પથ્થરના કિલ્લા ઉપર હોય, પણ ઘાસની ગંજી ઉપર હોય નહિ.”42
ધમડકામાં રાયધણજી નૃપના ભવનમાં શ્રીહરિએ જમીને સંતોને પીરસ્યું. પછી સભામાં વાત કરતાં કહ્યું, “સુખ-દુઃખમાં ધીરજ રાખે અને ભગવાનનો આશ્રય રાખે તેને કષ્ટ રહે નહિ. ધીરજ રાખનારનો અંતે જય થાય છે. ધીરજ ન રાખે તો અતિશય કષ્ટો સહન કરવાં પડે.”43
ધમડકામાં શ્રીહરિ કહે, “અમે પ્રથમ વિચાર કર્યા વિના કંઈ પણ કામ કરતા નથી. જે કામનું ફળ અને પોતાની પહોંચ વિચારીને કામ કરે છે તે સુખી થાય છે. નહિ તો ન ટળે એવું દુઃખ તેને આવે છે.”44
જૂનાગઢમાં શ્રીહરિએ દામોદર કુંડ જતાં વાત કરી, “સત્સંગથી જ મનોવાંછિત સુખ પમાય છે. પણ ધીરજ તજી દે તે દુઃખી થાય છે. દુઃખ દેખી ડગે નહિ તેનો સત્સંગ સાચો છે.”45
વડતાલમાં ફૂલદોલના ઉત્સવ પર શ્રીહરિ સંતો-ભક્તોને કહે, “વિચાર્યા વિના જેટલું કરે તેને તેટલો ક્લેશ આવે છે. ક્લેશ આવે પછી ધીરજ રાખે તો શાંતિ રહે. ધીરજ વિના પાર ઊતરવું મુશ્કેલ છે.
“આ લોક જ એવો છે જેમાં મહા સમર્થને પણ દુઃખ આવ્યાં છે ને આવે છે. ધીરજરૂપી મનવારમાં બેસી ગયો તે દુઃખમાત્રને ઉલ્લંઘી જાય છે.
“ધીરજ જેવી બીજી કોઈ સમજણ નથી. જેટલી જેને ધીરજ તેટલો તે મરદ કહેવાય. ધીરજ ખોઈ તો બધું ખોયું. ધીરજ મોટું ધન છે. ક્ષત્રિયને યુદ્ધ વેળાએ ધીરજ પરખાય. સંતની ધીરજ સાધુતામાં પરખાય છે.
“હરિભક્તની ધીરજ આશરો ન ફરે ત્યારે દેખાય છે. વળી, આધિ, વ્યાધિ, ઉપાધિમાં પણ તેનો આશરો ન છૂટે ત્યારે ધીરજ કળ્યામાં આવે.”46
વાસના-દોષ-સ્વભાવ
ગોંડલમાં શ્રીહરિએ હઠીસિંહ રાજાને વાત કરતાં કહ્યું, “માણસનો ક્રોધ પણ ત્રણ પ્રકારનો છે, જેથી મનુષ્યો ત્રણ પ્રકારના કહેવાય છે. ઉત્તમ મનુષ્યનો ક્રોધ જળમાં લીટો કર્યો હોય તેવો ક્ષણસ્થાયી છે. મધ્યમ પ્રકારનો ક્રોધ રેતીમાં લીટા જેવો છે, અને કનિષ્ઠ પ્રકારનો ક્રોધ પથ્થરના લીટા જેવો છે કે જે પ્રાણ જાય તોપણ મટે નહીં.”47
માંડવીમાં શ્રીહરિ કહે, “મોહરૂપી સમુદ્રમાં જગત આખું ડૂબ્યું છે. સંત મળે છે, ત્યારે બાંહ્ય ગ્રહીને જીવને બહાર કાઢે છે અને તેનો ઉદ્ધાર કરે છે.”48
શ્રીહરિએ તેરાપુરના જનો પ્રત્યે વાત કરી કે, “વિષય-વાસનાને કારણે લખચોરાશીમાં જીવ અનંત વાર જન્મ્યો છે અને નરકનાં દુઃખ ભોગવ્યાં છે. છતાં તેનો અભાવ થતો નથી. મનુષ્ય દેહ પામીને પણ જે દુઃખમાંથી છૂટવાનો ઉપાય કરતો નથી તે આત્મહત્યારો કહેવાય છે.”49
શ્રીહરિએ અંજાર ગામના હરિજનોને હેત લાવીને વાત કરી, “જે વાત કરવા જેવી નથી તે કરવા માટે લોક-શાસ્ત્રમાં નિષેધ કરેલો છે, તેને જે કરે છે તે આ લોક અને પરલોકમાં દુઃખી થાય છે છતાં કરે છે, તેનું નામ મોહ છે. દરેક પ્રકારની મદિરાથી મોહમદિરા ભારે ઉન્મત્ત કરનારી છે. મોહમદિરાથી મનુષ્યો અંધ થાય છે. અને જેમાં તે ખોટી રીતે સુખ માની બેઠો છે તેમાં કોઈ દુઃખ દેખાડે તો તેને શત્રુ માને છે.”50
વડતાલમાં શ્રીહરિએ કહ્યું, “સમર્થ થઈને લોભ કરે તે મળ સમાન છે. ભગવાનને માર્ગે લોભ રાખે અને સુમાર્ગે પણ ધન વાપરે નહિ એ અમને રુચે નહીં. સુમાર્ગે ન વાપરે એનું કુમાર્ગે જાય છે. તેનું ફળ મહાપાપરૂપે ભોગવવું પડે છે.”51
ગઢપુરમાં શ્રીહરિએ કહ્યું, “જ્યાં સુધી સત્સંગ ન કરે ત્યાં સુધી મોહના પૂરમાં વહે છે અને અવશ્ય કરવાની વાત તેને દેખાતી નથી. ભગવાન વિનાની વાત ઝેર જેવી લાગે ત્યારે મોહ ગયો કહેવાય.”52
વાણી અને વિવેક
માનકુવામાં શ્રીહરિ કહે, “એકબીજાની મર્યાદા રાખવી. કટુ વચન બોલવું નહિ. કટુ વચન બોલે તે કુસંગી કહેવાય.”53
પીપળીમાં શ્રીહરિ પુરજનો પ્રત્યે કહેવા લાગ્યા કે, “પથ્થર બધા પારસમણિ હોતા નથી એ મનમાં સમજી રાખવું. પારસ અને ચિંતામણિ પથ્થર જ છે પણ તેના ગુણ જુદા છે. ધાતુની જાતિ પણ અનંત છે તેના ભેદ બુદ્ધિવંતને જાણ્યામાં આવે છે. જેના હૃદયમાં વિવેક છે તે ભેદને પારખી શકે છે. વ્યવહાર માત્ર વિવેક વિના થતો નથી. વિવેક રહિત મનુષ્ય દરેકની સાથે સરખો વ્યવહાર કરે, તે ક્યારેય સુખી થાય નહિ. જગતમાં રાજાઓ ઘણા કહેવાય તેમાં પણ અનંત ભેદ છે. તે જ રીતે સંત-સંતમાં પણ ઘણા ભેદ છે. તેને બુદ્ધિમાન હોય તે જાણે છે. બુદ્ધિ-બુદ્ધિમાં પણ અનંત ભેદ છે. બધાની બુદ્ધિના ગુણો સરખા નથી.”54
ભૂજ કોટડામાં શ્રીહરિએ સભાજનોને વાત કરતાં કહ્યું, “અન્ય વ્યક્તિમાં અપરંપાર દોષ હોય, પરંતુ તેમાંથી એકાદ સારભૂત ગુણ શોધી તેને ગ્રહણ કરે તે વિવેકી અને બુદ્ધિમાન છે. વિવેકી જન જાણે છે કે આ દેહ નખથી શિખા પર્યંત અસાર વસ્તુથી ભરેલો છે, એટલે તેને મોહ થતો નથી.”55
સાથે ફરનારાને શ્રીહરિ એક વાત કરતા કે, “અમારી સાથે જે રહે તેણે કોઈ પ્રકારની રીસ રાખવી નહિ તથા સંત હરિભક્તોને ડારો દેવો નહિ. કોઈને કંઈ કહેવું હોય તો હાથ જોડીને બોલવું. તમને જે શસ્ત્ર બંધાવ્યાં છે તે સંત અને હરિભક્તોની રક્ષા માટે બંધાવ્યાં છે, પણ તેના કેફથી કોઈને દબાવવા નહિ. સંત-હરિજનોને લગારેય દુખવશો તેના દુઃખનો પાર નહિ આવે. તેની સન્મુખ અમે ક્યારેય જોઈશું નહિ, તમારું કરેલું તમે જાણો.”56
કૌકામાં હરિજનો પ્રત્યે શ્રીહરિએ કહ્યું, “સીતા અને રાધા જેવાં કોઈ ભક્ત ગણાય નહિ. તેમનો મહિમા રામ અને કૃષ્ણ જેવો છે અને મૂર્તિઓ પણ સાથે જ પધરાવાય છે. ભજન પણ તેમનું સાથે થાય છે. તોપણ બે-ત્રણ વાર તેમના વચનમાં દોષ આવ્યો. બાઈઓમાં જો ઈર્ષ્યા અને ક્રોધ ન હોય તો તેમનાં જેવાં કોઈ પ્રેમી નહિ, પણ ઈર્ષ્યા, ક્રોધ હોય તેથી ન બોલ્યાની વાત બોલાવે, જેમાંથી બીજાનું મરણ થશે તેનું પણ ભાન રાખે નહિ. બીજા ઘણાક ગુણો હોય, પણ તેમના ક્રોધથી ડરતું રહેવું પડે છે. બીજાને પાછા પાડવા માટે પણ તેમની ભાષા પ્રવર્તે છે, પણ તેમાંથી લાજવાળા માણસનું મરણ થાય છે. જે હરિભક્ત પુરુષો બાઈઓના વચનને સહન કરે છે તેમને ધન્ય છે. સીતાનાં વચન સાંભળીને વચનના ભયથી અમે પણ ઘર છોડીને બ્રહ્મચારી થઈ ગયા.”57
ગઢપુરમાં જીવેન્દ્ર નૃપના દરબારમાં શ્રીહરિએ કહેલી વાત મુક્તમુનિએ કહી, “સત્સંગની વૃદ્ધિ વાતે કરીને થાય છે, એ પ્રગટ દેખાઈ આવે છે. કથા-કીર્તન, ધ્યાન-સ્મરણ નિયમ પ્રમાણે થતાં હોય ત્યારે સૌ ભેગાં મળે, સમજણ થાય ને સત્સંગ વધે. મનમાં ધારો તો થાય. જે ધારો તે ફળે છે. તેનું મૂળ કથાવાર્તા છે. કથાવાર્તામાં અમૃત રહ્યું છે. વાત કરતાં ન આવડે તો વિષ બની જાય છે. વાતે કરીને ઝાઝા જન ઊગરે છે ને વાતે કરીને ઝાઝા જન મરે પણ છે. નટ જેમ દોર પર ચાલે તેમ વાત કરનારે કોઈ સામું જોયા વિના ભગવાન સામે સૂરત રાખવી. બધી વાત ગુરુ થકી શિખાય છે.”58
ગઢપુરમાં જીવેન્દ્ર નૃપને શ્રીહરિએ વાત કરી, “બુદ્ધિ હોય પણ વિવેક વિના મોક્ષના માર્ગે પ્રતીતિ થતી નથી. મનુષ્યતન પામીને મોક્ષને માર્ગે ન ચાલે અને ફાવે તેવો બુદ્ધિશાળી હોય તોપણ વ્યર્થ છે. બુદ્ધિ તે જ સારી કે તે મોક્ષના કામમાં આવે. મનુષ્યતન પામી જે કરવાનું છે તે ન થાય તેથી કોઈ બીજો મોટો દ્રોહ કે અજ્ઞાન નથી. ચિંતામણિ હાથમાં આવે અને અલ્પ સુખ માટે તેને તજી દે તેના જેવો તે અજ્ઞાની કહેવાય.”59
શ્રીહરિએ સુરતમાં અરદેશર કોટવાલ સાથે વાત કરતાં કહ્યું, “અનંત પ્રકારનાં શરીર છે. તેમાં મનુષ્ય તન સમાન કોઈ નથી. તેમાં બધા પ્રકારનો વિવેક રહેલો છે. મનુષ્ય થઈને પણ વિવેક ન આવે તો તે શરીર પશુમાં ખપે છે. વિવેક કરી સાર-અસાર સમજીને જન્મ-મરણ ને જમપુરીના દુઃખથી છૂટવું એ મનુષ્ય તનનું ફળ છે. એ દુઃખ જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી વિવેક આવ્યો કહેવાય નહિ. પોતાને બહુ ચતુર માને તેથી કરીને શું થયું? મનુષ્ય તન સુફળ કરે તે જ ખરો ચતુર છે.”60
કુસંગ
જૂનાગઢમાં શ્રીહરિએ વિપ્રોને વાત કરતાં કહ્યું, “કુસંગ ઓળખવામાં આવે એ જ સત્સંગનું ફળ છે. કુસંગ જ ન ઓળખાય તેનું નામ સત્સંગ નહિ.”61
શ્રીહરિએ ડભાણના હરિભક્તોને વાત કરતાં કહ્યું, “સત્સંગ દૃઢ કરીને રાખવો. જેમ પોતાની જાતની દૃઢતા છે એવી દૃઢતા કરવી. સત્સંગથી કોઈ વાત અધિક નથી. દુર્લભમાં દુર્લભ સત્સંગ છે જે સહેજે પ્રાપ્ત થયો છે. બાળકબુદ્ધિ રાખે તેનો સત્સંગ નાશ થઈ જાય છે. પાકો હરિભક્ત હોય પણ વિમુખની વાત સાંભળે તો બુદ્ધિ પલટાઈ જાય છે. માટે હરિભક્તે સાવધ રહેવું.”62
શ્રીહરિએ પત્રમાં એક વાત લખી હતી: “અસત્ પુરુષના સંગથી અસત્ ગુણ આવે છે. મોક્ષ-માર્ગની તેઓ હાંસી કરે છે. જેથી સુમતિનો નાશ થાય છે અને કુમતિનો ઉદય થાય છે.”63
શ્રીહરિ ફરી પત્રમાં વાત કહેવા લાગ્યા: “મુમુક્ષુ હોય તેને અસત્ પુરુષનો યોગ થાય તો તેની મતિ અસત્ થઈ જાય છે. પછી તે તીર્થ-વ્રત વગેરેને અસત્ કહે છે અને અસત્ માર્ગે દોડે છે, તેથી અસત્ ગતિ પામે છે. ઝેરનાં બી વાવે તેવું જ ફળ પામે છે. એવા જનો જીવે ત્યાં સુધી બીજાને સુખ થવા દે નહિ.”64
આદરજમાં શ્રીહરિએ કહ્યું, “સન્માર્ગે ચાલતા જનને અસન્માર્ગે ચલાવે તેને આખા બ્રહ્માંડના જીવોને માર્યા જેટલું પાપ લાગે છે.”65
અંતર્દૃષ્ટિ
શ્રીહરિએ મેઘપુરમાં વાત કરતાં કહ્યું, “દોર પર નટ ચાલે છે ત્યારે એક જ સૂરત રાખે છે અને સફળ થાય છે. દોર પર ચાલવા કરતાં પણ મોક્ષનું કામ ભારે છે. તેમાં બાળકબુદ્ધિ રાખે તો તે ખુવાર થાય છે. નારદ, પ્રહ્લાદ અને ધ્રુવની રીત રાખીને ચાલવું અને ભગવાનમાં પ્રીતિ કરવી. સત્ય, અસત્ય અને સારાસારનો વિચાર કરવો. કોઈ દિવસ ગબરગંડ રહેવું નહિ. સુવર્ણ જેમ તપાવીને શુદ્ધ કરી શકાય છે, તેમ જીવને ખૂબ શોધવો, પણ ગાફલ રહેવું નહિ. ગાફલનો વિશ્વાસ અને સંગ કરવો નહિ.”66
શ્રીહરિએ પત્રમાં જણાવ્યું: “ગાફલને દેખીને કળિનું જોર પ્રવર્તે છે. સત્સંગી બાઈ-ભાઈએ પોતાના ગમે તેવા સંબંધી સાથે પણ એકાંતમાં બેસવું, ઊઠવું તથા ચાલવું નહિ તથા ગાફલપણું રાખવું નહિ. ગાફલપણું રાખે તેને સત્સંગ બહાર કરવો અને હરિજનબાઈ પુરુષ સાથે છાની પ્રીત અને પ્રસંગ રાખે, તો તેનો પણ તરત ત્યાગ કરવો. જેને મોક્ષનો ખપ હોય તે નિયમમાં વર્તે છે. નિયમ વગરની વાત બધી દૈવત વિનાની જાણવી. જે બાઈ-ભાઈ-હરિજન નિયમમાં યથાર્થ વર્તશે, એને અમે અંત સમયે નિશ્ચય વિમાન લઈને તેડવા આવીશું અને અવિચલ સુખ આપીશું.”67
કથાવાર્તા
ગઢપુરમાં શ્રીહરિ કહે, “કથામાં પ્રીતિ ન હોય તે અમને બહુ પ્રિય લાગતા નથી. કથા-કીર્તનના અંગવાળાનાં અમે વખાણ કરીએ છીએ.”68
પત્રમાં શ્રીહરિ હરિજનોને ફરી કહેવા લાગ્યા, “કથા, કીર્તન ને સેવામાં જેનું ચિત્ત પરોવાય નહિ, તેને રોગી અને બાળક જાણવો. જેનો રોગ અને બાળબુદ્ધિ જાય તેને કથા-કીર્તનમાં રુચિ થાય છે. તે વિના સત્સંગમાં મૂળ જામતું નથી.”69
શ્રીહરિએ સંતો-હરિજનોને પત્રમાં એકાદશીના જાગરણની વાત કહીને કહ્યું, “હરિજનોએ ભેગા મળીને કથા-કીર્તન કરવાં અને અમારાં ચરિત્ર જે દેખ્યામાં આવ્યાં હોય તે સંભારવાં. શ્વાસોચ્છ્વાસે ભગવાનનું નામ બોલવાનો અભ્યાસ રાખવો. એવી રીતે ભજન કરે તેને મનના સંકલ્પ બંધ થાય છે.”70
ગઢપુરમાં શ્રીહરિ કહે, “અમે સંતો માટે, મંદિર માટે જેટલું કરીએ તે તલભાર પણ કઠણ મનાતું નથી. અન્ન ને જળ જેમ મનુષ્યનું જીવન છે, તેમ ભગવાન સંબંધી કથા-કીર્તન પણ ભક્તનું જીવન છે. કથા, કીર્તન ને સત્સંગની સેવામાં જેટલો ભાવ છે તેટલો જ સત્સંગ સાચો છે.”71
મહિમા, માહાત્મ્ય, ગુણગ્રાહક દૃષ્ટિ
બોટાદમાં શ્રીહરિ કહે, “માહાત્મ્ય વિના ગુણદોષ આવે છે અને ગુણદોષ આવે ત્યાં સુધી વિઘ્ન રહેલાં છે.”72
કૌકામાં હરિજનો પ્રત્યે શ્રીહરિએ કહ્યું, “મહિમા વિના સત્સંગ સમજાય નહિ, મહિમા હોય તે સત્સંગમાં દિવસે દિવસે વધે છે. મહિમા વિનાનાં સાધન વૃથા છે. મહિમા વિનાનાં સાધન મેરુ સમાન હોય તોપણ મહિમાએ યુક્ત અણુ જેટલાં સાધન બરાબર થાય નહિ. કરોડો મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે નહિ. હરિભક્તને પરસ્પર હેત ન હોય તો સાધન અપાર કરે તોપણ ફળ મળતું નથી. બીજાં અંગ નીરોગી હોય પણ શ્વાસ બંધ થાય તો કોઈ સહાય કરી શકે નહિ, તેમ મહિમા વિનાનાં સાધન જાણવાં. મહિમા રસ છે અને સાધન કૂચા છે. માયિક જીવને તે ગમે નહિ. તેને તો માયિક વસ્તુ ગમે. ગીંગો ગોબરમાં જ લોભાય અને ગધેડો કૂચામાં જ લોભાય છે. ચિંતામણિનો મહિમા તે બાળક જાણતો નથી, તેથી બોરને પણ તેથી અધિક માને છે... મહિમા વિના પરીક્ષિતને પણ સંશય થયો.”73
આખા ગામમાં શ્રીહરિ કહે, “ગુરુ, સંતો અને હરિભક્તોના અલ્પ ગુણ હોય તેને મેરુ સમાન કહે તો શુદ્ધ મનવાળો છે. તપ કરવા કરતાં પણ સંતના ગુણ ગ્રહણ કરવા તેનું બળ વધારે છે.”74
ધ્યેય, અંતિમ લક્ષ્ય
શ્રીહરિએ હરિજનોને પત્રમાં વાત લખતાં કહ્યું: “દુઃખ સહન કર્યા વગર સુખ મળતું નથી. મોક્ષને માટે પ્રથમ સુખનો ત્યાગ કરે ત્યારે તેને અવિચલ સુખ મળે છે. ઉદ્યમ વગર અલ્પ વાત પણ સિદ્ધ થતી નથી. મોક્ષને માર્ગે ચલાય તેટલું જ મનુષ્યદેહનું ફળ છે. બુદ્ધિમાન થઈને મોક્ષને માર્ગે ન ચાલે તો તે ગમે તેવો બીજી વાતે કુશળ હોય છતાં મનુષ્ય તન ન પામ્યા બરાબર છે. બુદ્ધિનું ખરું ફળ અવિચળ સુખ સિદ્ધ કરવું એટલું જ છે, બીજા ઉદ્યમ કાંઈ પણ અર્થમાં આવતા નથી.”75
*
પરિશિષ્ટ
શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:
સ્વામિનારાયણ મંત્ર
શ્રીહરિએ સ્વામિનારાયણ મંત્રની ધૂન સ્વયં કરાવી. એ શબ્દ ચૌદ ભુવન, ગિરિ, વન, તરુવરો બધે વ્યાપ્યો. જમપુરીમાં જેના કાને એ મંત્ર પડ્યો તેનાં સર્વે પાપ બળી ગયાં. ધર્મરાજ કહે, “પૂર્વે અવતારોએ આવું ઐશ્વર્ય જણાવ્યું નથી.” નરકના કુંડ ખાલી થવા લાગ્યા. જીવો પાપમુક્ત થઈ ચતુર્ભજ રૂપ ધારણ કરીને દેવ થવા લાગ્યા. ધર્મરાજાએ એ જીવોને કહ્યું, “દેવ થયા તે તમારાં પુણ્ય નથી. આજ સ્વામિનારાયણ ભૂતલમાં પ્રગટ વિરાજે છે. તેમના મંત્રના પ્રતાપે તમારો ઉદ્ધાર થયો છે. એમ નિશ્ચય જાણજો.”76
‘સ્વામિનારાયણ’ મંત્રનું ઉચ્ચારણ જે જન કરતો હોય ને તેના કંઠમાં પ્રાણ આવી ગયો હોય તોપણ તેને અન્ન-જળનું પોષણ થતું રહે છે.
દુખિયારાને કદી કડવું વચન ન કહેવું. જો કડવું વચન કહે તો તે દુખિયારાનાં સઘળાં પાપ તેને વળગે છે. આ સત્સંગની રીતિ છે. નિયમ-ધર્મનું પાલન કરોડ વરસ સુધી કરે, પણ જો ગરીબ ભક્તને દુખવે તો તેના પરથી શ્રીહરિનો રોષ ઊતરતો નથી. ભલે દિવસ-રાત સ્વામિનારાયણનું ભજન કરે, પણ તેને જોઈને શ્રીહરિની છાતી ઠરતી નથી. આ લોકમાં કદાચ તેની કીર્તિ અપાર હોય, જગત તેને પૂજ્ય કરીને માને, પણ અનાથને જો દૂભવે તો તેને દુઃખ અત્યંત ભોગવવાં પડે છે.77•
શ્રીહરિએ જીવેન્દ્ર નૃપના ભવનમાં રંગોત્સવ કર્યો. જાણે બારે મેઘ મળી હેલી મચાવી હોય તેમ શ્રીહરિએ રંગવર્ષા કરી. આકાશમંડળમાં ‘સ્વામિનારાયણ’ મંત્રની ધૂન, દેવો વાજિંત્ર સાથે ગુંજાવવા લાગ્યા. ચૌદ લોકનાં ધામોમાં એક સાથે સ્વામિનારાયણ મંત્રનાદ ગુંજ્યો.
સ્વામિનારાયણ નામનો મહિમા કળિયુગમાં ઠેર ઠેર છવાઈ ગયો. અવતાર માત્ર પોતાના ભક્ત સહિત આ સ્વામિનારાયણ મંત્રનો ઉચ્ચાર કરવા લાગ્યા. સ્થાવર જાતિ પણ આ મંત્રનું ઉચ્ચારણ કરવા લાગી.
શ્રીહરિ સ્વયં સ્વમુખે સ્વામિનારાયણ મંત્રજાપ કરવા લાગ્યા ત્યારે અવતારોનાં અન્ય અનંત નામો ને મંત્રો આ સ્વામિનારાયણ નામમાં આવીને લીન થતાં હોય તેવું સૌને દેખાયું.78•
ભુજમાં શ્રીહરિ ગંગારામ મલ્લને ત્યાં ઉતારે બિરાજતા હતા. સંધ્યા વખત થયો ત્યારે પૂજા કરી નાહ્યા અને મશાલો તથા બિલોરી ઝાડનો પ્રકાશ થયો. સૌ સંધ્યા આરતી કરીને તાળી વગાડતાં ‘સ્વામિનારાયણ’ મહામંત્રની ધૂન કરવા લાગ્યા. શ્રીહરિ હિંડોળામાં ઊભા રહીને ધૂન કરતા હતા. તે બે ઘડી (૪૮ મિનિટ) સુધી એકધારી ધૂન કરી અને સર્વત્ર નાદ વ્યાપી ગયો. સ્વામિનારાયણ નામ સર્વથી વિખ્યાત છે. જેમાં અન્ય બધાં નામ સમાઈ જાય છે. તેનો જપ કરતાં બીજાં કોઈ નામ બાકી રહેતાં નથી. આ મંત્ર કોઈ એક જ વાર જપે તોપણ અન્ય સર્વે મંત્રોનો જાપ તેમાં આવી જાય છે. આવો મહિમા-પ્રતાપ જાણીને જે જન ‘સ્વામિનારાયણ’ મંત્રનું ઉચ્ચારણ કરે છે, તેને સકલ મંત્રોનો પ્રતાપ અને ફળ પ્રાપ્ત થાય છે. બીજા નામમાં બધાંય નામનો પ્રતાપ આવે નહિ. જેને મહિમા નથી તે બીજા નામને અધિક કરીને માને છે.79
વાણી-વિવેક
કટુ વચન તે મોટામાં મોટું ઝેર છે. લગારેક કટુ વચન કહે તોપણ તેને દુઃખનો પાર રહેતો નથી. વારંવાર કટુ વચન કહે તેની સહાય શ્રીહરિ કરતા નથી. વળી, કટુ બોલનારને મર્યા પછી પણ જશ મળતો નથી. માણસ માત્ર તેને વગોવે છે. નર કે નારી કડવું વચન સુણીને મરે છે. ગરીબ મૂંઝાઈને મરે પણ જે ગરીબ નથી તેને વાણી મારે છે. કટુ ભાષણ એ મર્યા વિનાનું મૃત્યુ છે. અપશબ્દ બોલવામાં જેને લાભ મનાતો હોય તો તે ઠગારો લાભ છે. એવા જનની ધન-સંપત્તિ નાશ પામે છે. અરે, પોતાનું પણ મૃત્યુ થાય છે તોપણ તે પોતાનો કટુભાષણનો સ્વભાવ છોડતો નથી. જેને અતિ સંપત્તિ મળે છે તેનો મદ વચનમાં જણાઈ આવે છે. દ્રવ્ય અને મોટાઈ પાત્ર વિના ટકતાં નથી. અપાત્ર હોય તેને ધન-મોટાઈ મળે તો તે નિધડક બોલવા લાગે છે.80
સંતનાં વચન વિચારપૂત હોય છે. શુદ્ધ મનમાંથી આવતાં હોય છે. સંત ક્યારેય અપ્રિય ઉચ્ચારતા નથી. પ્રિય જ બોલે છે, અને સંત તેને જ કહેવાય. અપ્રિય બોલે તે અસંત છે. સંત ક્યારેક અપ્રિય કહે તો તે વચન જીવ માટેનું ઔષધ છે એમ સુજ્ઞ જનો જાણે છે. અસાધુને તે સમજાતું નથી.81
સંતના મંડળમાં જે મુખ્ય હોય તે પોતાનું વર્તન શુદ્ધ રાખી બીજા સંતને વાત કરે તો તેઓ ગ્રહણ કરે. વર્તન વિના કરેલી વાત અસર કરે નહિ. વચનામૃત મુખે કર્યાં હોય, સત્સંગના ગ્રંથોનું રહસ્ય યાદ રાખ્યું હોય, યોગકળા શીખી રાખી હોય, તે બીજા સંત-હરિભક્તને હરાવવા માટે કે પોતાના સ્વાર્થને માટે કર્યું હોય તો તે ઝેર સમાન છે.82
સહનશીલતા
અક્ષર પણ જેને આધીન વર્તે છે જેની મરજીને ક્યારેય લોપતા નથી એવા શ્રીહરિ સામર્થ્ય છુપાડીને વર્તે છે. અલ્પ મનુષ્ય જેમ તેમ બોલી જાય તોપણ તેને સહન કરે છે. આવી સહનશીલતા હરિ સિવાય કોઈમાં સંભવે નહિ. સમર્થ હોય ને સહન કરવું તે કપરું છે. સામર્થિ હોય ને સહન કરે તેને ભગવાન જાણવા. સહન ન કરે તે જીવકોટિના છે. આ તફાવત વિષમ દેશકાળ આવે ત્યારે પરખાય છે. તે વિના પરખાય નહિ.83
શ્રીહરિની સેવામાં જે પાળા રહેતા તે શ્રીહરિની મરજી ક્યારેય લોપતા નહિ. શ્રીહરિ તેમનો તિરસ્કાર કરે, વઢે તો સવળું લેતા. દુખાતા નહિ. સવળું લઈ મહિમાથી સેવા કરે તેને શ્રીહરિ રાખતા, વઢે ત્યારે દુઃખ લગાડે તેને દૂર કરતા. કહે ને ખોટું લગાડે તેનો વિશ્વાસ શ્રીહરિ કરતા નહિ. સહન ન કરી શકે તેને જેમ તેમ કરીને નભાવી લેતા, દુખવતા નહિ.
‘જ્યું ત્યું કર તેહિ કરત નિભાવા, કોઈ રીત કર ન દેત દુખાવા...’84
આ સત્સંગમાં એક હરિભક્ત બીજા હરિભક્તનું અપમાન કરે ને જો તે અપમાનને સહી લે તો તે હરિભક્તને સત્સંગમાં શિરોમણિ જાણવો. હરિભક્ત થઈને હરિભક્તનું અપમાન ન કરવું. અજાણે અપરાધ થઈ જાય તો કર જોડીને, ક્ષમાની પ્રાર્થના કરવી એ હરિભક્તની રીત છે. અને સામેના હરિભક્તે પણ ક્ષમા કરી દેવી. કાંઈ અપરાધ થયો નથી એમ કહેવું. વિનય તજી ક્રોધ કરીને કહેવું તે સત્સંગની રીત નથી.85
મનુષ્યની જાતિ એક છે, પણ જેવો ખપ હોય તેવો સત્સંગ થાય. વાત સાંભળતાં સાંભળતાં પાપ ટળે છે ત્યારે સત્સંગ થાય છે. ધીરે ધીરે સત્સંગ વૃદ્ધિ પામે. એક દિવસે બધા સત્સંગી થાય નહિ. હિત દઈને કહેતાં આવડે તે સંતથી સત્સંગ થાય. કડવાં વચન બોલવાથી દસ વર્ષનો સત્સંગ પણ ટળી જાય. સો વર્ષની ઇમારત નવી ને નવી રાખવી હોય, પણ અગ્નિ લાગે તો કાંઈ રહે નહિ, તેમ કડવાં વચન ઝેર અને અગ્નિ સમાન છે. કડવાં વચન પણ ઔષધિ સમાન મનાયાં હોય તો વિવાહની ગાળો પેઠે પ્રિય લાગે.86
ભગવાન જેવી ક્ષમા આપે છે તેવું બીજા કોઈથી થઈ શકે નહિ. જેમના હાથમાં અનંતકોટિ બ્રહ્માંડની દોરી છે એવા એ મોટા સમર્થ હોવા છતાં જરણાં કરે, કટુક વચન ક્યારે મુખથી ઉચરતા નથી. ક્ષમાવાનથી મોટો કોઈ નથી. સર્વે મોટપમાં આ મોટપ અધિક છે. એ જીવની દૃષ્ટિમાં આવતી નથી, મોટાની મોટપ જ એ કે જરણા કરે, જેટલી જરણા કરે તેટલી મોટપ વધુ. જેનું કંઈ ઊપજે નહિ ને જરણા કરે એ કંઈ મોટપ નથી.
સર્વથી મહાન કહેવાતો હોય ને તેનામાં જો ક્ષમાનો ગુણ ન હોય તો તેના દ્વારા અનંત જીવોનો મોક્ષ થાય નહિ. અનંત રિદ્ધિ-સિદ્ધિ ક્ષમાવંત પુરુષની દાસી થઈને રહે છે. અને અનંત શુભ ગુણો પણ ક્ષમાવંતના દાસ થઈને રહે છે. ક્ષમા જેવી કોઈ પ્રભુતા નથી, ક્ષમા સત્પુરુષને જ વરે છે જે સમર્થ હોવા છતાં ક્ષમા કરે છે.87
મુક્તમુનિ કહે, “શ્રીહરિ કહેતા, ક્ષમા કરે તેને સમર્થ જાણવો. ભૂમિ અપાર પાપ સહન કરે છે, તો તેની મોટાઈ છે. તેના કરતાં દશગણું જળ મહાન છે. જળ કરતાં તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહામાયા તે દશ-દશ ગણાં મહાન છે. માયાથી પાર અક્ષરધામ છે. તે ધામના અધિપતિ શ્રીહરિનું સામર્થ્ય વર્ણવ્યામાં જ કેમ આવે! પોતાનામાં અધિક સામર્થ્ય હોવા છતાં તેને જણાવે નહિ તે જ મોટાની મોટાઈ છે.”88
દેહભાવ
દેહ-અધ્યાસ એ પંચ મહાપાપોમાં અધિક પાપ છે. સત્પુરુષના પ્રસંગથી દેહભાવ ટળે છે, એમ શ્રીહરિ કહેતા.89
બ્રહ્મભાવ કેળવી આત્યંતિક પ્રલય કરે તો તીવ્ર વેગે વૃત્તિ જોડાય. ભગવાનમાં મન જોડવા દેહભાવ નડે છે. દેહભાવ ટળ્યો ન હોય ને કહે જે મને બહુ સુખ આવ્યું - તે કથનમાત્ર છે. દેહભાવ સહિત કોટિ વર્ષ સુધી સત્સંગ કરે તોપણ તેને કશું ફળ મળતું નથી, દેહભાવ ટળે પછી ફળ મળે.90
જે ભક્ત સેવા કરવામાં આળસ રાખે તેના પર શ્રીહરિ ક્યારેય રીઝતા નહિ. જેને આળસ ન હોય કે આળસને હટાવીને સેવા કરતો હોય તેનાં અપાર વખાણ શ્રીહરિ કરતા. દિન-દિન પ્રત્યે અધિક ને અધિક શ્રદ્ધા રાખીને સંતની સેવા કરે ને તેમાં શુદ્ધભાવ રાખે તો શ્રીહરિ પ્રસન્ન થઈ જતા ને સેવા કરનારામાં શુભ ગુણો મૂકતા.91
પ્રકીર્ણ
અનુવૃત્તિમાં જે વર્તે છે તેને શ્રીહરિ અક્ષર સમાન કરે છે અને અક્ષરમુક્ત હોય તોપણ જો મરજી વિરુદ્ધ વર્તે ને અનુવૃત્તિ ન પાળે તો કીટ જેવો થઈ જાય છે.92
સત્સંગથી વિમુખ રહે ત્યાં સુધી અંતરમાં સુખ આવે નહિ. જે દોષથી વિમુખ થયો હોય તે દોષ પર વૈરબુદ્ધિ રાખી ભગવાન અને ભક્તના ગુણ બોલે તો તેમની કૃપાથી તેના દોષ નાશ પામે છે અને સન્મુખ થાય છે. સન્મુખ થવાનું કારણ પોતાનો સ્વભાવ છે. પોતાના દોષ દેખે નહિ ને સંત-હરિભક્તોથી મન જુદાં પડે તો ફાવે તેવો મોટાઈ પામેલો હોય તોપણ વિમુખ થઈ જાય. એકબીજાની મોટપ સહન થઈ શકતી નથી, જે બીજાની મોટપ સહન કરે તે સાચા સંત-હરિભક્ત કહેવાય, સત્સંગની આ રીત છે. આનો જેટલો ત્યાગ કરે તેટલો સત્સંગનો ત્યાગ કર્યો કહેવાય.93
જે હરિભક્ત અણુ સમાન ગુણને પણ મેરુ સમાન દેખે છે તે હરિભક્ત મુખ્ય છે.94
નિર્માની સંત શ્રીહરિને ખૂબ ગમે છે. માન તો લેશ પણ ગમતું જ નથી. જે સંત માનરહિત વર્તે તે સંતને શ્રીહરિ બધાથી અધિક કહીને વખાણતા અને સંતોને નિર્માની થવા નિરંતર વાતો કરતા. એક દિન નહિ, પણ સદા નિર્માની રહેવા પર ભાર દેતા.95