૨૩. શ્રીહરિનો સ્વાભાવિક ગુણ

 

ચૂડામાં શ્રીહરિ થાળ જમ્યા અને પ્રસાદી જીવેન્દ્ર અને ઉત્તમ નૃપને આપી. જાલમસિંહે માંગીને લીધી. ત્યારે શ્રીહરિએ બ્રહ્મચારીને નજીક બોલાવી કહ્યું, “જેને જેને પ્રસાદીનો ભાવ હોય તે બધાને આપો.”

બ્રહ્મચારી જોઈ રહ્યા, કારણ કે થાળમાં એટલી પ્રસાદી હતી નહિ. શ્રીહરિ કહે, “થાળ કરો ત્યારે હરિભક્તોની શ્રદ્ધાનો વિચાર રાખવો. વધારે ભક્તો હોય તો મોટો થાળ કરવો. અમે કોઈને બોલાવીને પ્રસાદી આપીએ તે જીવનભર સ્મૃતિમાં રાખે. વાત કરી હોય તે યાદ ન રહે, પણ પ્રસાદી તો યાદ રહે.”1

અલૈયા ગામમાં શ્રીહરિએ હરિભક્તોને ઉદ્દેશીને એક પત્ર લખ્યો તેમાં લખ્યું કે, “સત્સંગ વિના પાપ ટળતાં નથી, પણ ઘરમાં ઉપાધિ હોય તેણે બહાર ન જતાં ઘરે રહીને સત્સંગ કરવો, પણ સત્સંગ છોડવો નહિ. ઘરમાં જેને બીજાની ઉપાધિ ન હોય તેણે દર્શન કરવા આવવું, પણ પોતાની ગાંઠનું ખાવું. હરિભક્તનું અન્ન ક્યારેય ખાવું નહિ. સગાં-સંબંધી ન હોય તેનું ખાવું નહિ. વિવેકી પુરુષો તીર્થમાં જાય છે, ત્યારે ઘરે પાછા આવે છે ત્યાં સુધી ગાંઠનું ખર્ચ કરે છે. અમારો આ નિયમ સર્વ રાખજો. કોઈ ધનવાન હરિભક્ત હોય તે શ્રદ્ધાએ કરીને જમાડે તો ધનથી દુર્બળ હોય તેણે એકવાર જમવું અથવા ગામમાં કોઈ ધનવાન હરિભક્ત પોતાની સાથે લાવ્યા હોય અને જમાડે તો દર્શન કરવા આવવું. દર્શનનું ફળ જમાડનારને મળે છે. જે જમાડે તેની સેવા કરે તો વધુ પુણ્ય મળે છે. કોઈકના વાહનમાં બેસીને દર્શન કરવા આવે તો તેનું ફળ વાહનવાળાને મળે છે.”2

માનકુવામાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “પ્રથમ અમારું અંગ કહીએ - અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. સંતો-ભક્તો એક એકથી ગુણે કરીને ઉત્તમ છે. અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. સેવા ન થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે.

“એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં અભાવ આવે છે. તેનો તિરસ્કાર કરી વઢીને અપમાન કરીએ ત્યારે અંતરમાં સુખ થાય છે. અમારે બાળપણાથી એવી પ્રકૃતિ છે કે ગરીબનો પક્ષ સહેજે રહે. બરોબરિયા બે જણ ઝઘડતા હોય તેને દેખી અંતરમાં ભાવ થતો નથી.

“અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ, જે હરિભક્તોથી અંતરમાં અતિશય ડરતો રહે અને રાત-દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે. ભલે અમારી સેવા ન કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ.

“કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પર જ તાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે અમારી સેવા કરતો હોય તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર સમી લાગે છે. ભલે નિત્ય નવી નવી શ્રદ્ધાથી સેવા કરે તોપણ તે સત્સંગમાં ઘટતો જાય છે. કોણ કેવી ને કેટલી સેવા કરે છે - તેના જુદા જુદા ભાવ અમે જાણીએ છીએ. અમે કોઈનું અહિત કરતા નથી, પણ સૌ પોતપોતાની રુચિ અનુસાર ફળ પ્રાપ્ત કરે છે.”3

સુખપુરમાં રાવત ધાધલને ત્યાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “આ સત્સંગરૂપી મહેલ તૈયાર નહિ થાય ત્યાં સુધી અમે ભૂમિ ઉપર રહીશું. તેના ઉપર કળશ ચઢાવીને જ અમે આરામ કરીશું.”4

મેથાણમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “રામાનંદ સ્વામીએ સત્સંગરૂપી મોક્ષનું વન અમને સોંપ્યું છે. તેમાં હરિભક્તો રૂપી વિવિધ કલ્પવૃક્ષો છે. તેમાં કેટલાંકનાં મૂળ પાતાળ સુધી ઊંડાં ગયાં છે. તેમનો કંઈ ડર નથી, પણ જેનાં મૂળ ઉપરછલ્લાં છે તેનો ડર રાખવો પડે છે. કુસંગરૂપી વાયુ આવે તો તેમનાં મૂળ ઉખાડી નાંખે, જેથી અમે તથા સંત બધા દેશમાં ફરતા રહીએ છીએ અને નિયમની વાડો વારે વારે કરીએ છીએ. પછી કાચો કોટ કરીશું જેથી અગ્નિનો ભય ન રહે. પછી પાકો વજ્રનો કોટ કરીશું કે જેથી હાથી અને તોપની પણ ધાક રહે નહિ. જેમ જેમ સંત-હરિભક્તોને ખપનું બળ આવતું જશે, તેમ તેમ નિયમ પાકા કરીશું. પછી એક સ્થાનમાં સુખે રહીશું.”5•

મેથાણમાં શ્રીહરિ કહે, “ભક્તોને અલૌકિક સુખ આપવા અમે સત્સંગમાં વારે વારે ફરીએ છીએ. અમારી એક પણ ક્રિયા સ્વાર્થને માટે નથી.”6

ભોંયરા ગામમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ભગવાનની કૃપા વિના જીવને પોતાના દોષ ક્યારેય દેખ્યામાં આવતા નથી, જ્યારે પોતાના દોષ દેખાવા લાગે ત્યારે જાણવું કે શ્રીહરિની કૃપા થઈ છે. પોતાના દોષ જાણ્યા વિના મોક્ષરૂપી ગુણ પ્રાપ્ત થતો નથી. મોક્ષરૂપ ગુણ ન આવે ત્યાં સુધી અન્ય ગુણ શોભતા નથી. પાતાળથી પ્રકૃતિપુરુષના લોક સુધી મોક્ષગુણ વિના લૂખું દેખાય છે. ભલે દૈહિક સુખ અપાર મળે, પણ એ જીવને દુઃખરૂપ છે.

“હરિના ચિંતવન વિના બીજાનું ચિંતવન કરવું એ દોષમાત્રમાં વિકટ દોષ છે. ભગવાન વિના અન્યનું ચિંતવન કાકવિષ્ટા સમાન જે જાણે છે તે સર્વગુણસંપન્ન છે.”7•

જેતપુરમાં શ્રીહરિ કહે, “ગરીબનો અપરાધ કદાચ મારાથી જો થઈ જાય તો મને અતિ દુઃખ થાય છે. તો બીજાની શી વાત કરવી!

“જેનો દેહ પરવશ છે તેને ગરીબ સમજવો. જે હરિનો ભક્ત વચન સહન કરી લે, સામે કશું બોલે નહિ તેને ગરીબ સમજવો.

“અતિબાળક અને અતિવૃદ્ધ હોય તેને પણ ગરીબ સમજવો.

“જે સ્ત્રીઓ સ્ત્રીધર્મથી યુક્ત હોય તેને પણ ગરીબ સમજવી.

“રાજા, ગુરુ ને ધનવાન - એ ત્રણમાં જો દયા ન હોય તો તે વજ્ર સમાન કહેવાય. અને તે ક્યારેય યશ પામે નહિ. કોઈનું બૂરું થાય તે અમને ગમતું નથી એવો અમારો સ્વભાવ છે.”8

જૂનાગઢમાં શ્રીહરિ મુક્તમુનિ આદિ સંતોને કહેવા લાગ્યા, “કોટિ બ્રહ્માંડોનાં નાડીપ્રાણ પળમાં સંકેલી લેવાં તે અમારે કઠણ નથી. એમ કરવામાં અમે મોટપ પણ માની નથી, પરંતુ અનાદિકાળથી જીવોને અજ્ઞાનરૂપ માયાનું ઘોર તમ વળગ્યું છે, ને તેમાં જ સુખ માની બેઠા છે, તે માયા-અજ્ઞાનને અમે પૂરણ પાપરૂપ દેખીએ છીએ. તે પાપથી સર્વને ઉગારીને નિષ્પાપ કરવા છે. એ અજ્ઞાનરૂપ માયાએ સૌને બેહાલ કરી મૂક્યા છે. પોતે દુઃખી છે તેનું મૂળ આ અજ્ઞાન છે, એવી ખબર એ જીવને નથી, તેથી એ દુઃખમાં સુખ માની બેઠા છે. એ અનાદિ અજ્ઞાનથી જીવને મુક્ત કરવો તે મોટી સામર્થિ છે.

“અમારી વાતોમાં પણ જીવને અનાદિ અજ્ઞાનથી મુક્ત કરવા સંબંધી વાતોનું મુખ્યપણું છે. એ સાંભળીને સૌને તત્કાલ યાદ રાખીને લખી લેવી ને બીજાને તે વાત કરવી. તેમાં અમારી પ્રસન્નતા છે. કોઈ અમારી વાત સાંભળશે કે તેનું અજ્ઞાનરૂપી જાળું તૂટી જશે.”9

જીવેન્દ્ર નૃપના ભવનમાં શ્રીહરિ વિરાજતા હતા. નૃપે પ્રાર્થના કરી, “હે પ્રભુ! અમે અલ્પમતિ છીએ. જીવ, દેહ અને જગત સંગાથે જોડાણો છે એ સત્સંગમાં બંધાય. તમે ને તમારા સંત જીવનું બંધન ટાળવાની રીત જાણો છો તો તેનો ઉપાય કહો અને, પ્રભુ! અહીં સદા નિવાસ કરીને રહો. ક્યારેય ઉદાસ થશો નહિ.”

ત્યારે શ્રીહરિ બોલ્યા, “અમને રાખવા ઘણું કઠણ કામ છે. અમે અમારા જનને વારંવાર વઢીએ છીએ એ અમારો સહજ સ્વભાવ છે. જીવને ભગવાન સિવાયના જેટલા ઠરાવ છે તે મુકાવી દઈએ છીએ. એ મૂકે પછી તેમાં અમને ભાવ ઊપજે છે. જીવને સંસાર ગમે છે ને તે બાજુ દોડે છે અને અમારી દોટ ભગવાન તરફ છે. સ્વપ્નમાં ચક્રવર્તી રાજાને મળેલું સુખ અસત્ છે તેમ અમે સંસારને સ્વપ્ન જેવો અસત્ જાણીએ છીએ. મોટા ચક્રવર્તી પણ રાજ મૂકીને ગયા છે તેમ બધા લોકનું સુખ નાશવંત છે. જીવવું પોતાના હાથમાં નથી, મનુષ્યમાત્રને મરતાં જુએ છે છતાં આ જીવને ભય થતો નથી. તોપને મોઢે બાંધીને અનંત પકવાન ધરે પણ પલીતો ચાંપે તેટલી જ વાર છે એમ જાણ્યા પછી તેમાં કોને સ્વાદ રહે! એવો પાકો અભાવ જગતના સુખનો થાય ત્યારે વૈરાગ્ય કહેવાય. અનંતકોટિ બ્રહ્માંડના પ્રલયનો વિચાર કરે તો મોહ ટળે. સત્સંગ-કુસંગની રીત ઓળખીને સત્સંગમાં પ્રીત કરે ત્યારે સદ્‌બુદ્ધિ આવે અને સંત ગમે. સંતને પણ ઓળખવા. દોષમાત્રનો ત્યાગ કરી દે તે સંત. કળિયુગની ઓથ લઈ દોષોને પોષે તે અસંત છે. સાચા સંતને ભગવાનનો આશરો હોય અને ખોટાએ કળિયુગનો આશરો લીધો છે.”10

સરવઈમાં જીવણા ધાધલના દરબારમાં શ્રીહરિ થાળ જમ્યા. વર્ણીને બોલાવી શ્રીહરિએ કહ્યું કે, “સાંજ-સવાર અમે થાળ જમીએ તે બન્ને વખતની પ્રસાદી દરરોજ નિત્યાનંદ સ્વામીને બોલાવીને આપજો. તેમાં ફેર ન પડે. જ્યાં સુધી અમે તેમને પાસે રાખીએ ત્યાં સુધી તેમને થાળ આપજો. અમે જે વાત કરીએ છીએ તેનું રહસ્ય જેટલું હોય તે બધું તેમના હૃદયમાં લખાઈ જાય છે, જે ક્યારેય પણ ભુલાય નહિ એવું તેમનું અંતર સહજ સ્વભાવે છે અને બુદ્ધિનો તો પાર નથી છતાં તેનો તેમને ગર્વ નથી. સદાય અમારી પાસે વિનમ્ર રહે છે. બ્રહ્મા પણ તેમની બુદ્ધિનો પાર પામે નહિ, તેમ અગાધભુદ્ધિ છે.”11

ગઢપુરમાં શ્રીહરિએ જીવેન્દ્ર નૃપને કહ્યું, “જે કોઈ મોક્ષ માટે પુરુષાર્થ કરે છે એ બધા જન અમારા છે. અમે એવા મોક્ષભાગી જન માટે જ સત્સંગમાં વિચરણ કરીએ છીએ. દેશ-દેશમાં વિચરવાનો બીજો કોઈ અમારે હેતુ નથી.”12

કૌકામાં શ્રીહરિએ પોતાની પ્રકૃતિ જણાવતાં કહ્યું, “અમને શહેર અને ઘરથી વન સારું લાગતું. વિકટ ગિરિ વનમાં વર્ણિવેષે ફર્યા અને ધન, નારી, ખાન-પાન વગેરે સંસારી સુખ તજી તપ અને ધ્યાનની રુચિ રાખતા. યોગ સાધના અને કીર્તન-કથામાં પ્રેમ રાખતા. એ પાંચમાં બધાં સાધન આવી ગયાં. સત્સંગનું માહાત્મ્ય ઉદ્ધવ સંપૂર્ણ જાણતા. તેમનાથી અમે કરોડગણું જાણીએ છીએ.”13

ડભાણમાં વાત કરતાં શ્રીહરિએ કહ્યું, “અમને ત્યાગ બહુ ગમે છે. જ્યારે ત્યાગનો છક આવી જાય છે ત્યારે રોકી શકાતો નથી. અમારી એવી સ્વાભાવિક પ્રકૃતિ છે. અતિ છક આવે ત્યારે દેહનું ભાન પણ રહેતું નથી. જગતમાં જે જે રસ છે તે ત્યાગ આગળ લૂખા છે. બધાયથી ત્યાગનો કેફ અધિક છે. અનંત બ્રહ્માંડનાં સુખ પણ તેને તુચ્છ લાગે છે. ત્યાગવૃત્તિરૂપી નિધિથી ભગવાન સંબંધી સુખ જ દૃષ્ટિમાં આવે છે.”14

કુંડળમાં મામૈયા પટગરના ભવનમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “દક્ષિણ અને નૈઋત્ય બાજુ જ્યારે કેતુ ઊગે ત્યારે અન્નનો સંગ્રહ કરવો, પણ પશુનો લોભ રાખવો નહિ. (આ સમયે દુકાળ પડે છે.) માટે પશુ વેચીને અનાજ લેજો. કુસંગીને આ વાત કરશો નહિ, કારણ કે ઈશ્વરની વાત અકળ છે. ધારે તેમ ન પણ કરે, કારણ કે ભક્તને આધીન છે. ભક્ત કહે તેમ તે કરે છે. કુસંગીને એ જોઈ અભાવ આવે. જેને અભાવ ન આવે એવા અમારા ડાહ્યા ભક્તોએ બે વર્ષ ચાલે તેટલું અનાજ રાખવું. ઘરખર્ચનો હિસાબ ગણી અનાજ રાખવું ને સાચવી શકાય તેટલાં પશુ રાખવાં. કૂવો, વાડી હોય એણે અન્ન ને ઘાસ કરવું. સોનું રૂપું હશે તો ખાધા-પીધાના કામમાં નહિ આવે. ગોળ-ઘી વિના ચાલશે, પાણી-અનાજ વિના નહિ ચાલે.”15

પીપળાવમાં શ્રીહરિ કહે, “ભગવન્નિષ્ઠ સંતની સેવા કરવા માટે અમે માર્ગ શોધતા હતા, તે એક માર્ગ જડ્યો કે જીવતા સુધી દરેક સમૈયાના પ્રસંગે હરિભક્તો સંતોને જમવા રસોઈ આપે, ત્યારે ભાવથી પીરસવું. સત્સંગમાં આવ્યા ત્યારથી આ નિયમ શ્રદ્ધાથી રાખ્યો છે. કોઈ દિવસ ભૂલતા નથી. અંગમાં વ્યથા હોય ત્યારે તો નિર્ધાર રહે નહિ એ અમારો નિયમ છે, તે તમને આજે કહ્યો. બીજો નિયમ એ છે કે સમૈયે સમૈયે એક વાર સંતને મળવું. ધર્મસર્ગને આશ્રિત બ્રાહ્મણથી અંત્યજ સુધી જે કોઈ છે, તેને અંત સમે દર્શન દેવામાં, ગમે ત્યાં તેનો દેહ છૂટે તોપણ, દેશકાળ નડતો નથી. સ્મૃતિ રહે કે ન રહે, પણ અમે તેને ભૂલતા નથી, એ ત્રીજો નિયમ છે તે અમે ક્યારેય કોઈ પણ અવસ્થામાં ભૂલતા નથી.”16

શ્રીહરિએ મુક્તમુનિને વાત કરતાં કહ્યું, “જેમાં છલ-કપટ નથી એવા જન સાથે મારે અખંડ પ્રીત રહે છે, જે કોઈ રીતે ટાળી ટળતી નથી. જેનામાં રંચમાત્ર કપટ દેખુ છું તેની સાથે ક્યારેય મારે પ્રીતિ થતી નથી. એવો મારો સહજ સ્વભાવ છે.”17

શ્રીહરિએ વરિષ્ઠબંધુને કહ્યું, “અમારું જે શરણ લેશે તથા દર્શન, સ્પર્શ કરશે તેને માથે કાળ, કર્મ, માયા અને યમનો તાપ નહિ રહે ને વસ્ત્રથી પૂજા કરશે તેનો મોક્ષ થશે. અનંત જીવોનો મોક્ષ કરવા અમે ધાર્યું છે. કંક, કોળી, કણબી વગેરેનો અમે ઉદ્ધાર કરીશું.”18

માંગરોળમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “જ્યારે ભગવાન અનંત જીવોને શરણે લઈ કલ્યાણ કરવા આવે છે, ત્યારે તેમના દોષ-અદોષ ગણતા નથી, પણ પોતાનું બિરુદ વિચારીને અભયપદ આપે છે. જેમ ચક્રવર્તી રાજા પ્રથમ ગાદીએ બેસે ત્યારે કેદીઓને છોડી દે છે, તેમ ભગવાન પણ મોક્ષને માટે જ્યારે પ્રગટે છે ત્યારે તેમનું નામ સાંભળી જે જે જનો આવે, તેમને અભય કરે છે.”19

સરધારમાં શ્રીહરિએ મુક્તમુનિને ઉદ્દેશીને એકાંતમાં વાત કરતાં કહ્યું, “અમારું વચન જે માને છે તેને ક્યારેય લેશ પણ દુઃખ આવતું નથી. જેમ જરાસંધે અપાર રાજાઓનાં પુર કબજે કર્યાં હતાં, પરંતુ જે શ્રીકૃષ્ણના શરણમાં આવ્યા તે સૌની રક્ષા તેમણે કરી. તે રીતે જે મારો વિશ્વાસ રાખે છે, તેની હું રક્ષા કરું છું. તેનાં પાપમાત્ર ટાળી દઉં છું, એમાં સંદેહ રાખવો નહીં. હું ધર્મનો લાલ છું; જ્યાં ધર્મ ત્યાં મારો નિવાસ છે. જે મારાં વચન પાળે છે તેની સંગે હું નિવાસ કરું છું. મારા ભક્તોને મારા પ્રાણ કરીને માન્યા છે. હું મારા ભક્તને સદાય આધીન રહું છું. ભક્ત મને ભક્તિએ કરીને બાંધી લે છે. જે જન મારી સાથે પ્રીતિ કરે છે તેનાથી કોટિ ગણી પ્રીતિ હું તેની સાથે કરું છું. જે નિષ્કપટપણે વર્તે છે તેની સાથે મારી પ્રીત ક્યારેય ટળતી નથી. જેનામાં રંચ માત્ર કપટ દેખ્યું તો તે મારી સાથે પ્રીતિ કરવા જાય તોપણ મારે તેની સાથે પ્રીતિ થતી નથી. આ મારો સહજ સ્વભાવ છે તે મેં આજે કહી દેખાડ્યો.”

શ્રીહરિની આ વાણીને સાંભળી મુક્તમુનિએ પોતાની હિતકારી માની અને મનમાં દૃઢ નિર્ધાર કર્યો કે શ્રીહરિને ગમીએ તેવા થવું છે. પોતાની મરજીનો ત્યાગ કરી શ્રીહરિની મરજી મુજબ કરવું છે. જ્યારે શ્રીહરિને તન, મન, પ્રાણ અર્પણ કર્યાં ત્યારે હવે પોતાનું છાનું શું રહ્યું? મુક્તમુનિએ આ પ્રસંગ પર આઠ પદ ‘એસી ભક્તિ કરો મન મીતા’a વગેરે બનાવ્યાં છે.20•

કોટડામાં શ્રીહરિ કહે, “ધર્મ-ભક્તિ જે દૃઢ રાખે છે, તેનો હાથ અમે કદી છોડતા નથી. તેનો પરમ મોક્ષ કરવો એ અમારું બિરુદ છે. અમે સૌ હરિભક્તોને અર્થે દેશ-દેશમાં વિચરણ કરીએ છીએ. પ્રીતિ કરીને ધર્મભક્તિમાં તેની વૃદ્ધિ કરાવીએ છીએ.”

‘ધર્મ-ભક્તિ કું રખે દૃઢ જાહિ, કબહું મેં ન છોડૂઁ તાહિ,

એસો હૈ અબ બિરદ હમારે, પરમ મોક્ષ કરન તુમ્હારે.’21

જેતપુરના રાજાએ શ્રીહરિની વિદાયવેળાએ પ્રાર્થના કરતાં કહ્યું, “અમે તમારી પાસે રહીએ ને દેહ પર્યંત રાજ્ય બંધન કરે નહિ એવો વર આપો.”

ત્યારે શ્રીહરિ કહે, “અમારું ભજન કરો તો રાજ્ય બંધન નહિ કરે. જે અમારું ભજન કરે છે તેની પાસે અમે નિરંતર રહીએ છીએ, પણ એ વાત સમજણમાં આવતી નથી.”22

જેતપુરના રસ્તે શ્રીહરિ કહે, “અમારી પ્રકૃતિ એવી છે કે દેહ અને દેહના સંબંધી ઉપર ક્યારેય પણ હેત રાખતા નથી અને હરિભક્તો, સંતો ઉપર દેહ કુરબાન કરીએ છીએ. તેને અર્થે જેટલું થાય તેટલું સફળ છે.”

‘શ્રીહરિ પુનિ કહત હે, પ્રકૃતિ હમાર હે એહ.

દેહ દેહ કે સંબંધિ મેં, રખત ન કબઉ નેહ.

હરિસંત હરિજન ઉપરિ, દેહ કરત કુરબાન.

તેહિ અર્થ જિતનો આવહિ, તિતનો હિ ફલ માન.’23

જેતપુરમાં શ્રીહરિ કહે, “હું આકાશ જેવો નિર્બંધ છું, કોઈના બંધનમાં આવું તેવો નથી, પણ જેનામાં અપાર સાધુતા દેખું છું તેના બંધનમાં આવું છું અને ત્યાંથી છૂટી શકતો નથી. દેવ, મનુષ્યો અને દૈત્યને મારી સાથે વૈર નથી હોતું, પણ સાધુનો પક્ષ રાખું છું ત્યારે તે મારી સાથે વૈર કરે છે.”24•

જેતલપુરમાં શ્રીહરિએ કહ્યું, “અમારે તો હરિભક્તોને બ્રહ્મરૂપ કરવા એટલો જ ઘાટ છે. તેને માટે વિચરણ કરીએ છીએ, કોઈ સ્થાને ઠરીને બેસતા નથી. બીજા જાણે કે ન જાણે.”

‘હરિજન બ્રહ્મરૂપ હિ કરનાં, તેહિ હિત હેં હમારો વિચરનાં,

એહિ વિન ઘાટ નહિ મન ઓરા, એહિ હિત ઠરત નહિ એક ઠોરા.’25

શ્રીહરિ શેખપાટ પધાર્યા ત્યારે લાલજી સુથારને માથામાં ચોટ લાગવાથી મૂર્છિત થઈ ગયા હતા. તેમનાં માતુશ્રી તેને મૃત જાણી રડવા લાગ્યાં ને શ્રીહરિને કહ્યું, “લાલજીને જીવતો કરો.”

શ્રીહરિ કહે, “અમે મારનારા નથી કે મરેલાને જિવાડવાનું અમને આવડતું નથી. જો અમને જિવાડતાં આવડતું હોત તો ગુરુ રામાનંદ સ્વામીને અમે તરત જ જિવાડત. અમને તો એવું જિવાડતાં આવડે છે કે ફરી મરવું જ ન પડે. તે વિના તો મરેલાને જિવાડે તોપણ તેને અમે મરેલો જ માનીએ છીએ. માયિક દેહનો તો મરણ જ ધર્મ છે. જીવ ક્યારેય મરતો નથી.” એમ કહી શ્રીહરિ કહે, “લાલજી મર્યા નથી, પણ મૂર્છિત થયા છે.” પછી શ્રીહરિએ જાતે પાટો બાંધ્યો ને ઘા રુઝાવ્યો. શીરો જમાડીને સાજા કર્યા.26

શાપુરમાં શ્રીહરિ કહે, “અમે તો સદા નિર્બંધ છીએ, અમારા દેહનો પણ અમને વિશ્વાસ નથી, અમે અનંતકોટિ બ્રહ્માંડના મુકામ અને ભોગને ચલાયમાન દેખી અમારા અચળ મુકામ અક્ષરધામમાં સદા રહીએ છીએ. પિંડ-બ્રહ્માંડના સુખમાં અમે ક્યારેય બંધાતા નથી. જે ત્યાગી-ગૃહી અમારી સાથે હેત રાખે, અમારી રીતિ પ્રમાણે વર્તે, અમારો વિશ્વાસ રાખે તેને અમે મોક્ષ કરવાનો કોલ આપીએ છીએ. અમને લલચાવવા કરે તે અમને ગમતો નથી. આશાવાળા લોકો લલચાય. અમારે કોઈ આશા નથી. લલચાવે તેને ત્યાં એક રાત પણ અમે રહેતા નથી, અને જેને ભગવાનમાં પ્રેમ હોય અને પિંડ-બ્રહ્માંડનો અભાવ હોય તે અમારો અનાદર કરે તો પણ અમે તેને છોડતા નથી, કારણ કે એવા ભક્તો જ અમારે કુટુંબ-પરિવાર છે. તેનાથી અમે પલવાર છેટે રહેતા નથી.

“ગામ, ગરાસ કે ધન-માલ ભૂપાળ જો શ્રીહરિના ચરણે કરી રાખે તો તેને અમે બંધન માનતા નથી. ભગવાનથી જે વિમુખ રાખે તેને અમે બંધનરૂપ માનીએ છીએ. ત્રણેય અવસ્થામાં અમને એવી વૃત્તિ રહે છે.”27

ગઢપુરમાં શ્રીહરિએ સ્વરૂપાનંદ સ્વામીની સેવામાં રહેલા નિષ્કુળાનંદ સ્વામી તથા પરમહંસાનંદ સ્વામીની પ્રશંસા કરી, પછી કહ્યું, “પોતાનામાં દોષ જુએ ને સત્સંગમાં બધાના ગુણ ગાતો રહે તેને અંત સમે ભગવાન તેડી જાય છે ને તેનો મોક્ષ કરે છે. જે ભગવાન અને સંતમાં દોષ કલ્પે છે તેને જમદૂતો લઈ જાય છે. લખચોરાસીમાં નાખે છે. ફરી એકવાર તેને સત્સંગનો યોગ ભગવાન આપે છે ને તેનો મોક્ષ કરે છે. ભગવાનને પોતાના બિરુદ પર તાન છે.

“શુદ્ધ પવિત્રપણે રહી સત્સંગ કરે તેનો અણુ જેટલો ગુણ પણ ભગવાન મેરુ જેટલો માની લે છે. ભગવાન એ ગુણ અનંત કલ્પ સુધી પણ ભૂલતા નથી, તેને અપાર સુખ આપે છે.”

‘અનુ જિતનો ગુન હોય જાહિ, મેરુ જેતો સુખ દેવત તાહિ.

અનંત કલ્પ હોઈ જાવે જોઉ, ભગવાન કબુ ન ભૂલત સોઉ.’28

વડનગરમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સહુનો મોક્ષ કરવો તે અમારો સિદ્ધાંત છે. અને તે અમને સહુથી વધારે ગમે છે. સહુ કોઈનું હિત કરવું એવી અમારી સ્વાભાવિક રુચિ છે. મોક્ષમાર્ગે ચાલવું તે જ સૌથી અધિક છે. બધાનું હિત થાય એમ જ અમારી ઇચ્છા છે.”29