૧૬. દેહભાવ

 

વનવિચરણમાં સિદ્ધોને શ્રીહરિ કહે, “અંતર્દૃષ્ટિ કરીને જુઓ કે દેહમાં કઈ વસ્તુ સારી છે? મળ, મૂત્ર, રુધિર વગેરેથી ચમારના કુંડ જેવો મલિન દેહ છે. તેનું જતન કરવું એમાં ડહાપણ કેવું? આત્મા અજર-અમર છે, તેને પોતાનું રૂપ માનીને દેહથી પર થઈ નિત્ય આત્માભ્યાસ કરવો.”1

મેઘપુરમાં શ્રીહરિ કહે, “જીવનું સુખ અમૃતરૂપ છે અને દેહનું સુખ ઝેરરૂપ છે. દેહ ચિત્તને વિભ્રાન્ત કરાવે છે. તેનાથી બીતા રહેવું.”2

શ્રીનગરમાં શ્રીહરિએ કહ્યું, “અક્ષરધામનો મહામુક્ત હોય, પણ જો તે દેહભાવમાં વર્તે તો તેનું મુક્તપણું દેહદશામાં પલટાઈ જાય છે. દેહબુદ્ધિ એવી પ્રબળ હોય છે કે મુક્તપણાનું જોર તેની પાસે ટકી શકતું નથી. આ વાત યથાર્થપણે અમારા સિવાય ને અમારા દિવ્ય અક્ષરધામ (સાકાર, મૂર્તિમાન) સિવાય કોઈના જાણ્યામાં આવતી નથી. એટલે અમે તે પ્રકાશ કરતા નથી.”3

શ્રીહરિએ પોતાની સાથેના અનુચરોને કહ્યું કે, “અહીં ખાવાપીવાનું કાંઈ દુઃખ નથી, પણ જેને ઘેર જવાની ઇચ્છા હોય તે અહીંથી જ પાછા ફરજો. જેને ખરી ઇચ્છા હોય તે જ અમારી સાથે ચાલજો. જેને ઘરનાં માણસ પાછળ રડે કે ક્લેશ કરે તેવા હોય તે પાછા જાઓ. શરમાશો નહિ.

“જીવમાં એવી અવળાઈ છે કે જે દુઃખનું મૂળ છે તેને સાચું માની જતન કરે છે. જેવી સગામાં મમતા છે, એવી સત્સંગમાં કરવી, જેથી મોક્ષનો સંદેહ ન રહે. તન-ધન-પુત્ર-પરિવાર – બધું મિથ્યા જાણીને, દેહભાવ ટાળીને સત્સંગની મમતા રાખી જે ભક્ત વર્તે છે તેને અક્ષરધામની મોજ મળે છે. તેની ગમે તે જાતિ હોય, પણ તેનો મોક્ષ નિશ્ચિત છે.”4

માંડવીમાં શ્રીહરિ કહે, “પાપમાત્રનું મૂળ દેહ છે, તેનું જતન કરે તો પ્રભુ ભૂલી જવાય છે અને વિષયમાં સુખ અધિક મનાય છે. વિષયસુખ માટે લોકો માથાં કપાવે છે અને નાક-કાન પણ કપાવે છે, પણ વિષયનો અભાવ થતો નથી. તપમાં રુચિ રાખે તો વિષયનો અભાવ થાય.

“ભગવાનની મૂર્તિ અંતરમાં ધારી દેહને કષ્ટ દે તો ભગવાન સહાય કરે છે. લોકોને દેખાડવા જપ-તપ કરે, તેનું ફળ મળતું નથી. આ સંતો તો ભગવાનને રીઝવવા માટે જ તપ કરે છે અને દેહને શત્રુ માનીને તેની સાથે વેર રાખે છે. જેથી તેમને ભીડામાં જેમ લઈએ તેમ રાજી થાય છે.”5

સાયલા પાસે જેઠસુર બ્રાહ્મણના ગામમાં શ્રીહરિ કહે, “ભગવાનનાં ચરિત્રોની સ્મૃતિ અને શ્રવણ કરવાથી દેહ અને જગત ભુલાઈ જાય છે. દેહમાં ને જગતમાં વર્તે ત્યાં સુધી દુઃખ અનંત પ્રકારનાં વળગે છે, કારણ કે તે દુઃખનું ધામ છે. તેમાં જે સુખ માને છે તે માર્ગ ભૂલ્યો છે.”6

જૂનાગઢમાં શ્રીહરિએ કહ્યું, “જે દેહનું સુખ ઇચ્છે છે કે એ માટે જતન કરે છે તે સદા દુઃખી રહે છે, પણ તેનો વિચાર તેને નથી. સંસારનાં સુખ સ્વપ્ન જેવાં છે. સ્વપ્નસુખનું જતન કરનારો બુદ્ધિશાળી કહેવાતો નથી. બુદ્ધિમાં જેવો પાસ લગાવો તેવો લાગે ને જીવની રુચિ પણ તેવી થઈ જાય. દેહ વધે તેમ એ બુદ્ધિ વધે. બુદ્ધિ અનંત પ્રકારની છે, પણ મોક્ષના કામમાં ન આવે તે બધી વ્યાવહારિક બુદ્ધિ કહી છે. આ દેહમાં જીવ ન હોય ને ઉપર વસ્ત્ર ન હોય તે મડદું કોઈ કામમાં આવતું નથી, તેમ વ્યાવહારિક બુદ્ધિ, શબ તુલ્ય છે.

“પિંડ બ્રહ્માંડમાં ક્યાંય પણ આસક્તિ રહી તો તેને પશુબુદ્ધિ જાણવી, જ્યાં સુધી મોક્ષનો વિચાર નથી ઊપજ્યો, ત્યાં સુધી જીવપ્રાણીમાત્ર પાતાળથી પ્રકૃતિપુરુષ સુધી એક સમાન છે.”7

જેતલપુરના મહોલમાં શ્રીહરિ કહે, “કામ, ક્રોધ, લોભ, સ્વાદ અને માન તે પ્રાકૃત મતિવાળાને હેરાન કરે છે. તેનો જ્યારે પ્રવેશ થાય, ત્યારે મુક્ત જેવા પણ સૂધ ભૂલી જાય છે. શુક-સનકાદિકની પેઠે બ્રહ્મસ્થિતિ પામેલા હોય તે પણ પ્રાકૃત દેહનો સંબંધ હોય ત્યાં સુધી ઉન્મત્ત થઈને ફરે નહિ, પણ નિયમમાં જ વર્તે અને બ્રહ્મચર્ય રાખે જ.”8

જેતલપુરમાં જીવેન્દ્ર નૃપને શ્રીહરિ કહે, “દેહ અને દેહનાં સંબંધી જીવથી અત્યંત વિજાતીય છે. મિથ્યા સ્વાર્થ માનીને પોતે અજ્ઞાનરૂપ થયો છે, તેથી દેહ મરે છે છતાં સ્નેહનો તાર તૂટતો નથી. આવો જ સ્નેહ જો સત્ય એવો જે આત્મા ને સત્ય એવા જે પરમાત્મા તેની સાથે કરે તો નિષ્પાપ થઈ જાય ને મુક્તિને પામે.”9

ગઢપુરમાં શ્રીહરિએ જીવેન્દ્ર અને મૂલેન્દ્ર પ્રત્યે કહ્યું, “પ્રકૃતિ-સ્વભાવ બધાનાં સરખાં હોતાં નથી. પ્રથમ તો તેને ઓળખવાં તે જ વિવેક છે. પ્રકૃતિ-સ્વભાવ ટાળવાનું મોટું સાધન સત્પુરુષમાં પ્રીતિ કરવી તે છે. સત્પુરુષમાં હેત-પ્રીત વિના પ્રકૃતિ ટાળવાની વાત કરે તો મૂળગો અસમાસ કરે છે. થોડી ઘણી પ્રીત હોય તો તે પણ ટળી જાય છે.

“બધાનાં પ્રકૃતિ-સ્વભાવ એક કરવાં તે સમર્થ વિના થાય નહિ. જેમ રાજા સમર્થ હોય તે નાનાં રજવાડાં જીતીને પોતાને તાબે કરી લે છે. શત્રુનો નાશ કરી નાખે છે, તેમ સમર્થ સંત (પરમ એકાંતિક સત્પુરુષ) જ્યારે મળે અને તેની સાથે હેત થાય ત્યારે જીવની સંપૂર્ણ અયોગ્ય પ્રકૃતિ ને સ્વભાવ છોડાવે છે. અને બોધ પણ એવો આપે છે કે અનંત વાતોમાં મોક્ષ એ સાર છે. મોક્ષરૂપી ફળનો જેને નક્કી લોભ હોય તે સંતની વાતને અંતરમાં દૃઢપણે ધારી લે છે. એવા જનને અયોગ્ય પ્રકૃતિ-સ્વભાવ લેશ પણ રહેતાં નથી.”10•

ભુજમાં શ્રીહરિએ કહ્યું, “સત્સંગ જે દિવસથી થયો છે ત્યારથી હરિભક્તને દિવ્ય આકાર પ્રાપ્ત થયો છે, પણ દેહનો સંગ જ્યાં સુધી છે ત્યાં સુધી ભ્રાન્તિથી દેહની સત્યતા દેખાય છે. જેમ કે બળેલી દોરડી હોય તે સત્ય જેવી દેખાય, તેમ હરિ અને સત્સંગ અમાયિક છે, તેમાં માયિકપણું આવી શકે નહિ; એ જ રીતે જે શ્રીહરિને શરણે થયા છે તેને માયા લાગતી નથી અને બીજાનો તો તે પરાભવ કરે છે.”11

જૂનાગઢમાં શ્રીહરિએ વર્ણીને વેદઋષિની વાત કરી હતી. એ સઘળી વાર્તા મુક્તમુનિએ યાદ રાખીને ઉત્તમ નૃપને કહી, “દેહ અસત્ છે, અનાત્મા છે, અત્યંત અપવિત્ર છે. આત્મા વિના દેહના ગુણ જ નથી. દેહ લેશ પણ શુદ્ધ નથી. આ મલિન દેહમાં સાર વસ્તુ જીવ છે. જે આત્મા અને દેહને એક કરી માને છે તેને જ બીજાનો અવગુણ દેખાય છે. આત્મજ્ઞાન વગર સર્વે મનુષ્યો અંધ છે. કોઈ પોતાને આત્મારૂપ કહેવડાવતો હોય અને બીજાના અવગુણ લેતો હોય તો તે આત્મારૂપ નથી. જેમ સિંહે પેટ ભરવા સાધુનો વેશ ધર્યો હતો તેવો તેને જાણવો.”12

બોટાદમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “જીવ દેહ સાથે એક થઈ ગયો છે, તેથી પોતાના સ્વરૂપની ગમ નહિ રહેવાથી દેહના અને ધનના સુખે સુખ અને દુઃખે દુઃખ પામે છે. આવું જ સુખ-દુઃખ ભગવાન ને ભગવાનના સંતને માટે પામે તો મોક્ષમાં તેને કાંઈ બાકી રહ્યું નથી.”13

ગઢપુરમાં સંત પોતાના આહાર પ્રમાણે જમ્યા. પછી શ્રીહરિ કહે, “તમે કાંઈ જમ્યા નહિ. હરિભક્તોએ બહુ ભાવથી અને શ્રમથી ભોજનો કર્યાં છે તે તમો બરાબર જમ્યા નહિ.” ત્યારે બ્રહ્માનંદ મુનિએ ગીતાનો શ્લોક બોલી યુક્ત આહાર વિહાર કરવાનું કહી સંભળાવ્યું.

ત્યારે શ્રીહરિ કહે, “મારવું-જિવાડવું જેમના હાથમાં છે, એનો તમને જોગ થયો છે, છતાં પણ તમે દેહનો મમત્વ રાખો છો તે જ્ઞાની થઈને શોભે નહિ. અમે સંકલ્પ કર્યો છે કે તમે આજ સુધી જેવો ત્યાગ રાખ્યો છે તેથી અધિક સુખ તમને દેવાં છે. હવે ખપવાળા સંતો જ રહ્યા છે. ખપ વિનાના હોય તે જતન કરવા છતાં ચાલ્યા જાય છે અને ખપવાળા અપાર દુઃખ પડે તો પણ ટકે છે.”

બ્રહ્મમુનિ કહે, “તમે મળ્યા તે બધાં દુઃખ મટી ગયાં છે. અક્ષરધામ જેવું સુખ બધાને આવે છે એ સત્સંગમાં પ્રગટ દેખાય છે. આ અવસરે મતિ ફરે ને ત્યજી જાય એ આશ્ચર્ય વાત કહેવાય.”

શ્રીહરિ કહે, “જાય છે તેનામાં દિવ્યભાવની ખાધ રહી જાય છે. જેને દિવ્યભાવ રહે છે તે આ સત્સંગમાં ટકી રહે છે. માયિકભાવ, મનુષ્યભાવ આવે ત્યારે તેની મતિ વિપરીત થઈ જાય છે. માટે અલૌકિક, દિવ્યભાવ રહે એવો સત્સંગ કરવો તો જ તેનો પગ સત્સંગમાં ટકશે.”14

વડતાલમાં રાયણ નીચે સંતોને શ્રીહરિ કહે, “ભગવાનનું ધ્યાન કરવા બેસવું કે સભામાં જેટલી વાર બેસવું તેટલીવાર સંતોએ નાસિકાગ્ર વૃત્તિ રાખી બેસવું. માંખ-મચ્છર કરડે તો થડકવું નહિ. એવા સંત શૂરવીર હોય તે ઊભા થાઓ.” ત્યારે કૃષ્ણાનંદ મુનિ વગેરે ઊભા થયા. દેહમાં વર્તનારા તરત દેખાઈ આવતા. એમ સંતોને ફાવે તેમ વર્તાવે છતાં પાછો પગ ધરતા નહિ.”15