૩. અભાવ-અવગુણ, દ્રોહ
બંધિયાથી પીપળિયા જતાં શ્રીહરિ કહે, “સાચા સંત માર્ગે ચાલ્યા જતા હોય તેનો વાયરો લાગે તે બધાનો મોક્ષ થાય છે. અજ્ઞાની અને અધર્મી લોકો એમને બાંધે, મારે કે ગાળો દે તોપણ બોલે નહિ. સૌનું હિત જ ઇચ્છે. એવા સંતને જે દૂભવે છે તે પોતાનું જ ગળું કાપે છે. જેમ જેમ સંત ક્ષમા કરે છે, તેમ તેમ તેનું (દૂભવનારાનું) કુળ સમૂળું નાશ પામે છે. અનંત પ્રકારનાં પાપ વેદમાં કહ્યાં છે, પણ સંતના દ્રોહ જેવું એકેય પાપ નથી.”1
કુંડળમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “જગતમાં ધર્મવાન ગણાતા પુરુષનો દ્રોહ કોઈ હરિભક્ત કરે તો તેનો દોષ કેટલો લાગે?” એ પુછાયેલ પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રીહરિએ કહ્યું, “હરિજન હોય તે કોઈનો દ્રોહ કરે જ નહિ. દ્રોહની રીત તલવારની ધાર જેવી છે. તલવાર બધાને કાપે તેમ દ્રોહી બધાનો દ્રોહ કરે. માટે મારા આશ્રિત ભક્તે જીવ-પ્રાણીમાત્રનો દ્રોહ ન કરવો.”2
માનકુવામાં વાત કરતાં શ્રીહરિએ કહ્યું, “સંતો હરિભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે. જો તેનો અભાવ આવે તો જ્યાં કાળનો પ્રવેશ નથી એવા અક્ષરધામમાંથી પણ પડે છે. અભાવ લેનારો અક્ષરધામમાં જઈ શકતો નથી. તેની સહાય બધા સંતો કરે, હરિભક્તો કરે તોય તેને ધામ મળતું નથી. અભાવનો દોષ બધા દોષોથી અધિક છે.
“હરિભક્તનો અભાવ લેતાં જે દોષ લાગે છે તેવો તો કામ, ક્રોધ, લોભમાં પણ દોષ નથી. માટે ભક્તમાં અવગુણ ન પરઠવો ને દોષ દેખાઈ જાય તો તત્કાળ શમાવી દેવો, જેથી અભાવનું બીજ હૃદયમાં ક્યારેય પ્રગટે નહિ.”
‘અભાવ મેં દોષ હૈ જૈસા, કામ-ક્રોધ મેં નહિ તૈસા,
તેહિકર દોષ ભક્તકો ન આવે, દોષ આવે તત્કાલ સમાવે.’3
“જે સંતને તથા હરિભક્તને તુચ્છ ગણે છે તે ભક્તિ કરતો હોવા છતાં તેને અમે ભક્ત માનતા નથી. જેને કોઈ ભક્તનો ભાર ન હોય, સંતને ભિખારી તુલ્ય સમજે, પોતાનામાં મોટપનો કોઈ ગુણ ન હોવા છતાં પોતાને અતિ મોટો સમજે, તેનામાં મોટાઈના ગુણ રહેતા જ નથી. જે બીજાને મોટો જાણે નહિ, તેની મોટપ ક્યાં સુધી રહેશે?”4•
ભક્તનો અપરાધ લગાર થઈ જાય તેમાં મોટો દોષ સમજે અને અભાવ નાશ પામે ત્યાં સુધી જીવમાં ડર લાગ્યા કરે - એવું જેને વર્તતું હોય તે અમારા ચરણને અડો. કપટ રાખશો નહિ. કપટ વર્તનમાં જણાયા વિના રહેશે નહિ. વર્તન છે તે જ ઓળખવાની કસોટી છે.”5
ગઢપુરમાં જીવેન્દ્ર નૃપના ભુવનમાં શ્રીહરિ કહે, “હરિજનના અંતરમાં જ્યારે અસુરનો પ્રવેશ થાય છે ત્યારે એકએક ભક્તમાં તેને દોષ ભાસે છે. અને સત્સંગ ટળી જાય છે. અભાવ લેનાર દુષ્ટના જીવનરૂપી વૃક્ષના મૂળમાં ભક્તદ્રોહ રૂપી ઊધઈ લાગે છે અને જીવન નષ્ટ થાય છે. અભાવરૂપી ઊધઈ એવી છે કે તે હરિજનને મૂળમાંથી બાળી દે છે. જે હરિજન અભાવથી બીએ છે અને પ્રત્યેક ભક્તનો મહિમા જાણે છે તેના મુખમાં ક્યારેય ઘસાતું વચન આવતું નથી. એવા ભક્તના અંતરમાં ક્યારેય અસુર પ્રવેશી શકતો નથી. જો અભાવ વચન સાંભળવામાં રુચિ રાખે તો પછી તેનો કોઈ નિર્ધાર રહેતો નથી.
“જેને મરણ પર્યંત સત્સંગ જાળવી રાખવો હોય તેણે પૂર્વે થયેલા મોટા ભક્તોની આ રીત શીખવી. રીત શીખ્યા વગર કોટિ વર્ષ સત્સંગ કરે તોપણ વૃદ્ધિ ન પામે. આ વાત ત્યાગી-ગૃહી સર્વેએ સમજી રાખવી. જે આ વાત સમજે છે તેનો જ સત્સંગ દિન-પ્રતિદિન દૃઢ થાય છે ને અંગ વૃદ્ધિ પામે છે. આ વાત અમે કરી તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. જેણે સત્સંગ કર્યો છે તેને જ આ વાત સમજાશે. તેને કંઈ કરવું રહેતું નથી. આવો સત્સંગ છે તે પરમ ચિંતામણિ છે. આ સિવાય બીજી કોઈ ચિંતામણિ છે નહિ. આ વાત બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે બીજાને દેખ્યામાં પણ આવતી નથી.”6•
પીજમાં ઝવેરીદાસના ભવનમાં શ્રીહરિએ હરિજનોને વાત કરતાં કહ્યું, “સંતો અને હરિભક્તો અલૌકિક છે, તેમનો દૈહિક દોષ દેખીને અભાવ ન લેવો. અભાવ લે છે તેને તેટલું ફળ ભોગવવું પડે છે. તે તો બ્રહ્મ અગ્નિ જેવા છે. લીલું, સૂકું જે તેનો સ્પર્શ કરે, તે બળી જાય એવો એમનો સહજ સ્વભાવ છે. તેની રક્ષા ભગવાન પણ કરી શકતા નથી. સત્સંગના પાંચે નિયમ દૃઢ કરીને રાખે તેને સંત-હરિભક્ત જાણવા.”7
મુક્તમુનિએ ઉત્તમ નૃપને કહ્યું કે, “શ્રીહરિ અહોનિશ એક વાત કર્યા કરતા: ‘અમારી સંગે રહેવું હોય તેણે રીસ છોડવી પડશે. અજાણતાં પણ સંત કે હરિજનને ડારો કરવો નહિ. ક્યારેક કહેવું પડે તો નમ્રતાથી વિવેકથી હાથ જોડીને કહેવું. ઝેર ખાવું, અગ્નિમાં બળવું - એ બધું દુઃખદાયક છે, પણ તેનાથી અનંતગણું દુઃખ ભક્તને દુખવવામાં રહેલું છે.’”8
વડતાલમાં શ્રીહરિ કહે, “સંત-હરિભક્તોને પોતાના શરીર જેવા માનવા જેથી અપરાધ ન થાય. જુદાઈ રાખે તેટલો અપરાધ થાય, અને તેનું પાપ અવશ્ય ભોગવવું પડે. પોતાના શરીરની ક્યારેય અરુચિ થતી નથી, તેમ સંત-હરિભક્તની ક્યારેય અરુચિ ન થાય તેનું નામ ‘દ્રોહ ન કર્યો’ કહેવાય. અરુચિ થાય તે જ દ્રોહ છે. શરીર તો કોટિ દુઃખ આપે છે, તોપણ તેમાં રાગ થાય છે. નિત્ય મળ ધોવડાવે છે તોપણ તેનું જતન કરે છે. ભરણ-પોષણ કરવા છતાં આ શરીર હમેશાં દુઃખ દે છે આ તન કરતાં તો સંત-હરિભક્તો કોટિગણા સુખદાયી છે. પણ, એવું મનાતું નથી તેથી તેમનો દ્રોહ થાય છે. માટે સંતનો સંગ નિરંતર રાખીને સંત-હરિભક્તમાં અરુચિ ટાળવી. અરુચિ અને દ્રોહ ક્યારેય ન થાય તેનું જાણપણું રાખવું. એવા હરિજનને અંત સમયે અમે આવીને દર્શન દઈશું અને સહાય કરીશું તેમાં સંશય નથી.” એમ કહીને શ્રીહરિ અશ્વ પર બિરાજ્યા.9•
ઝીંઝાવદરમાં અલર્ક નૃપને શ્રીહરિ કહે, “ભગવાનની સમજણ જુદા જ પ્રકારની છે. ભક્ત થાય છે તેને તે જાણ્યામાં આવે છે. ભગવાનને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ રુચે છે, પણ તેનું માન આવે તે તેમને ગમતું નથી. ખરો ભક્ત હોય તે જેમ જેમ માન પામે તેમ તેમ દાસનો દાસ થઈને વર્તે અને સંતો-ભક્તોની સેવા ઇચ્છે. એવા ભક્તને અમે ભૂલતા નથી, વારંવાર સંભારીએ છીએ. આવી બુદ્ધિ પ્રાણપર્યંત રહે તે સર્વ ભક્તમાં શ્રેષ્ઠ છે. સત્સંગનું પણ એ જ ફળ છે કે સંત-હરિભક્તોનો ભાવ રહે અને તે નિત્ય નિત્ય વધતો રહે. સત્સંગ કરતા પ્રીતિ નાશ પામે તો મનનો તપાસ કરવો, નહીં તો સંત તથા ગરીબ હરિભક્તનો અપરાધ થઈ જાય.
“સત્સંગમાં જે સંત-હરિજન ગરીબ સ્વભાવના છે, તેના અપરાધનું ફળ સુબુદ્ધિજન જાણે છે. તે ક્યારેય ગરીબના અપરાધમાં પડતા નથી. મોટાની સેવા કરતો હોય પરંતુ ગરીબ હરિભક્ત પર અણગમો હોય, તેનાથી ભગવાન દુભાય છે. ભલે મોટાની સેવા કરે પણ ભગવાન તેને લેશ પણ સ્વીકારતા નથી. ગરીબ ભક્તની સેવા મન-કર્મ-વચનથી કરે તેના પર શ્રીહરિ ખૂબ રીઝે છે. મોટાનું તો આખું જગત રાખે છે પણ ગરીબનું કોણ? ગરીબ હરિભક્તની ઘૃણા કરે, દ્રોહ કરે, એ પાપે કરીને મોટો હોય તે પણ તુચ્છ થઈ જાય છે. પોતે વધારે ત્યાગ રાખીને, બીજા સંત તથા હરિભક્તને ત્યાગની વાત કરીને વચનનો પ્રહાર કરી દુભાવે છે, તે પણ સારું નથી, કારણ કે જેનું જેવું અંગ હોય તે અંગ ઉપર જ તેને ભાવ રહે અને રંગ ચઢે, બીજા ઉપર ચઢે નહિ.”10
ઝીંઝાવદરમાં શ્રીહરિ કહે, “હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે, તે સમાન કોઈ પાપી નથી. તેને બ્રહ્મવેત્તાને હણ્યાનું પાપ લાગે છે.”11
શ્રીહરિ ઝીંઝાવદરમાં કહે, “બુદ્ધિશાળી કહેવાતો હોય તોપણ સંત-હરિભક્તનો જે દોષ જુએ તો તેને જમ પકડીને જમપુરીમાં લઈ જાય છે.”12
મુક્તમુનિએ શ્રીહરિએ કહેલી વાત કરતાં કહ્યું, “શ્રીહરિ કહેતા જે - ધર્મામૃતનો દિવસ-રાત પાઠ કરતો હોય અને પંચવર્તમાન પાળતો હોય; સર્વે સત્સંગીમાં, સંતોમાં અતિ પ્રીતિ હોય; અમારો અભિપ્રાય પ્રવર્તાવતો હોય એવા હરિજન ઉપર સૌને પ્રીતિ થાય છે. નિષ્પાપ હરિજન પર પાપબુદ્ધિ કરે અને તેની ઈર્ષ્યા કોઈ કરે તો તેનો ક્યારેય મોક્ષ થાય નહિ. સત્યમાં જે પાપબુદ્ધિ લાવવી તેનું નામ કુસંગ છે. સત્ય, સત્સંગી અને સંતનો અજાણે પણ દ્રોહ કરે તેને ક્યારેય મનુષ્યનું શરીર મળે નહિ. અને જાણીને દ્રોહ કરે તેને વૃક્ષનો અવતાર આવે. અને સંત થઈને સંત-હરિજનને ઘટે તેમ નમસ્કાર કરે નહિ. નમનમાં ત્યાગ-વિભાગ કરે અને નજરમાં આવે તેની સાથે પ્રીતિ રાખે અને ભોજન અને વસ્ત્રમાં યોગ્ય-અયોગ્ય કરે, તેને અનંત દેહે મહારોગ થાય છે.”13
શ્રીહરિએ વર્ણીને વાત કરેલી તે મુક્તમુનિએ કહી, “જે સંતમાં ધર્મનો પરિવાર (ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક ગુણો) છે તેની સેવા કોઈ નિષ્કામ ભાવથી કરે તો તે અક્ષરધામને પામે છે. અને ભગવાનનું અપરંપાર સુખ ભોગવે છે. જે વર્ણવ્યામાં આવે તેમ નથી. હરિભક્તોને પરસ્પર જ્યાં સુધી હેત રહે છે ત્યાં સુધી એ હરિના ધામમાં બેઠો છે. જ્યારે અભાવ આવે છે, ત્યારે ધામનું સુખ તે ગુમાવે છે. ભલે ભગવાન અને સંતની અપાર કૃપા થઈ હોય તોપણ જો હરિભક્તોનો તેને અભાવ હોય તો તે ધામમાં જઈ શકતો નથી.”14
મુક્તમુનિએ શ્રીહરિએ કહેલી વાતો ગઢપુરમાં કહી, “શ્રીહરિ કહેતા કે - ભગવાન અને ભગવાનના બ્રહ્મરૂપ એવા ભક્તનો દ્રોહ ન થાય. તે મોક્ષના માર્ગમાં બધાં વિઘ્નો તરી ગયો છે. તે વિનાનો પ્રાકૃત ભક્ત છે.”15
મુક્તમુનિએ શ્રીહરિએ કહેલી વાતો ગઢપુરમાં કહી કે, “શ્રીહરિ કહેતા જે - ભગવાનના ભક્તમાં જ્યાં સુધી પ્રાકૃતભાવ છે ત્યાં સુધી તેનો ગુણ-અવગુણ આવ્યા કરે છે. જ્યારે તેમાં બ્રહ્મભાવ આવે ત્યારે એક પણ દોષ નહિ જણાય. જેને એકે એક હરિભક્તમાં દોષ જ સૂઝતા હોય તે ભગવાનનો ભક્ત કહેવાતો હોય, છતાં પ્રાકૃત (મિથ્યા, દંભી) ભક્ત છે. સત્શાસ્ત્રોમાં જેટલા કંઈ પ્રાકૃતભાવ કહ્યા છે તે પૈકી પોતામાં જેટલા હોય તે જાણે ને તેનો ત્યાગ કરે ત્યારે તે હરિનો જન કહેવાય છે.”16•
ગાંફમાં મનુભા રાજાને ત્યાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “કુહેત એ અગ્નિ અને વિષ સમાન છે. પાપરૂપી કળિયુગ મુક્તમાં પ્રવેશ કરે તો તેને પણ એ વિરૂપ બનાવી દે છે, પછી તે હરિભક્તનો દોષ કહેવા લાગે છે. હરિજનનો દોષ લેવાથી એ મુક્તના બધા જ ગુણો દોષરૂપ થઈ જાય છે. સંતો હરિજનોના દોષ કહે ને હરિજનો સંતોના દોષ કહે એમ પરસ્પર દોષબુદ્ધિ થઈ જાય છે. સંતો ને હરિજનો કલ્પવૃક્ષ જેવા છે. તે જે કલ્પે તે પ્રત્યક્ષ દેખાઈ આવે છે. બન્નેના આત્મા તો શુદ્ધ દર્પણ તુલ્ય છે. તેથી સંકલ્પમાત્ર તાદૃશ્ય જણાઈ આવે છે.
“પરસ્પર જ્યારે કુહેત થાય છે ત્યારે ગુણમાત્ર દોષરૂપ થઈ જાય છે.
“કુહેત એ કળિનું રૂપ છે. સ્વાર્થભંગ થાય ત્યારે એ કળિયુગ ઝળકી ઊઠે છે. પરમાર્થનું રૂપ લઈ સ્વાર્થ રહ્યો છે. એ કામ પડ્યે દેખાઈ આવે છે. પરસ્પર હેત રહે ત્યાં સુધી કુહેત થતું નથી, સુહૃદભાવ તૂટતો નથી. કળિ પ્રવેશ થાય છે ત્યારે અપાર હેતને પણ ખારું ઝેર કરી મૂકે છે.
“આ લોક કાજળ જેવો છે જે આકાશ જેવા નિર્લેપને પણ દાગ લગાડી દે છે. તુચ્છ સ્વાર્થ માટે આ દેહ એકબીજાનો દ્રોહ કરાવે છે. હરિજન સંગે જીવમાં હેત રહે તો દોષ નજરમાં ન આવે. હેત ટળે છે ત્યારે અપાર ગુણ પણ દોષરૂપ થઈ જાય છે. અભાવને લીધે દૃષ્ટિ વિરૂપ થઈ જાય છે ને ગુણને દોષ રૂપ કરી નાખે છે.”17•
ભૂજમાં શ્રીહરિ કહે, “રાત-દિવસ ભગવાનને પ્રાર્થના કરવી કે કોઈ જીવનો ક્યારેય કોઈ રીતે દ્રોહ ન થાય. મન-કર્મ-વચનથી અજાણ્યે દ્રોહ લગારેક પણ થઈ જાય તો સ્તુતિ કરવી, ક્ષમા માગવી, ‘માફ કરજો, દયા કરીને દ્રોહથી ઉગારજો,’ એમ સંભારે તેની રક્ષા ભગવાન કરે છે.”18
શ્રીહરિએ તુલસી દવેને કહ્યું, “કોઈ સત્સંગ પ્રત્યે દ્વેષ રાખે અને સંત અથવા હરિભક્તને વિના અપરાધે મારે તેને અનેક બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ લાગે છે. અને એક મનુષ્ય સત્સંગને માર્ગે ચાલતો હોય તેને દોષ દેખાડી વિમુખ કરે અને બીજે માર્ગે ચલાવે તો તે ઘોર નરકમાં જાય છે. અને તેને પણ એક બ્રહ્માંડ ભાંગ્યાનો દોષ લાગે છે. એવા દોષનો જેને ત્રાસ નથી તેને અસુર કહેવાય. અને સંતમાં ભગવાનની બુદ્ધિ રાખીને નિષ્કપટભાવથી તેની સેવા કરે તો તે માયાના મળથી તરી જાય છે.”19
મેથાણમાં શ્રીહરિ કહે, “અમારો તથા અમારા સંતોનો જે અધર્મી દ્વેષ કરે છે, તેનો નાશ થાય છે. છતાં અધર્મીઓ તપાસીને જોતા નથી.”20
મેથાણમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “અધર્મનો વંશ એકે એક ઓળખીને તેને તજીને જે સત્સંગ કરે છે તે દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. અધર્મવંશનું એક પણ બીજ ગુપ્ત રહે ત્યાં સુધી સંત-હરિભક્તનો દ્રોહ થવાનો સંભવ છે.
“સત્સંગમાં રહીને દ્રોહ કરે તે બીજાના દેખ્યામાં આવે નહિ. દ્રોહી હોય તે દસ-વીસ સંત-હરિભક્તના અપાર ગુણ ગાય પણ બીજા સંત-હરિભક્તના અવગુણ ગાય. સમય વિના જ્યાં ત્યાં અભાવ બોલે નહિ, પણ ગુણ બોલતાં સમય આવે ત્યારે અભાવનાં વચન બોલે. બીજાના દેખ્યામાં ન આવે તેમ અભાવ કહી દેખાડે. સરળ સંત-હરિભક્તને તેવું આવડે નહિ.
“સંત-હરિભક્તો પરસ્પર દ્રોહબુદ્ધિ રાખે તે ધર્મવંશી કહેવાય નહિ ને ત્યાં લગી તેનો આસુરી સ્વભાવ ગણાય. ધ્યાન, ધારણા અને સમાધિની મોટી મોટી વાતો કરે તથા અમારાં ચરિત્ર અને વચનામૃત કહી દેખાડે, ચાંદ્રાયણ આદિ વ્રતો વારંવાર કરે, અન્ન-ફળ-ફૂલ, મૂળ-જળનો ત્યાગ કરે, ફાટેલાં તૂટેલાં વસ્ત્ર પહેરે, ભૂમિ ઉપર સૂઈ રહે, સિદ્ધાસન વાળીને આખી રાત જાગે - એમ બધાં સાધન કરે તોપણ એ આસુરી સ્વભાવવાળાને નિષ્ફળ છે. જેટલું કંઈ કરે તે દ્રોહબુદ્ધિ વિના કરે તે સાચું દ્રોહનું રૂપ સૂક્ષ્મ છે તે કોઈને જણાય નહિ, બુદ્ધિવાળાને જ ખબર પડે.”21
શ્રીહરિએ પત્રમાં લખાવ્યું કે, “ચાહે તેવો જીવ હોય પણ જો તે હરિભક્તના ગુણ ગ્રહણ કરે તો હરિજન થાય ને સંતના ગુણ ગ્રહણ કરે તો સંત થાય. દાસ થઈને રહે તો ઈશ્વરના જેવા ગુણ આવે છે.”22
ગઢપુરમાં જીવેન્દ્રના દરબારમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સંત-હરિભક્તોનો જે દ્રોહ કરે તેની જે મહોબત રાખે તે કેવી રીતે માયાને તરે! ભાંગેલા વહાણમાં બેસે તો સમુદ્ર તરી શકે નહિ. કોટિ ગૌદાન કરે તોપણ ડૂબે. તેમ હરિભક્ત હોય કે સંત હોય છતાં ભગવાન તથા ભક્તના દ્રોહીનો સંગ કરવા રૂપ જે ભાંગેલું વહાણ તેમાં બેસે તે તરી શકે નહિ.
“સંત-હરિભક્તને દેખીને જેની છાતી ઠરે નહિ અને નેત્રમાં ઝેર વરસે તે કુસંગી અને દ્રોહી કહેવાય છે. અને સંત-હરિજનને જોઈને જેની છાતી ઠરે છે અને તેમનો ગુણ ગ્રહણ કરે છે તેનાં કરોડો પાપ હોય તે પણ ભગવાન માફ કરે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિયુક્ત હોય છતાં મારા ભક્તનો દ્રોહ કરતો હોય તો તે મારા ચરણને પૂજી મારું માથું કાપનારો છે. એટલે કે મારો દ્રોહી છે. આ વાત યથાર્થ સમજાય તો કુસંગીની મહોબત રહે નહિ.”23
શ્રીહરિએ આખા ગામના હરિજનો પાસે વાત કરી કે, “જે હરિજન મોક્ષના દ્વારસમા ગુરુરૂપ સંતનો અવગુણ કહે તો તેને અમે અમારો દ્રોહી કહીએ છીએ.
“કપટ અને કુટિલપણું ટાળ્યું ન હોય અને નિયમ-ધર્મ યથાર્થ પાળતો હોય ને બીજા દોષે યુક્ત હોય તો તેને અમે બદરિકાશ્રમ, શ્વેતદ્વીપમાં તપ કરાવીને શુદ્ધ કરીએ, પણ દ્રોહી શુદ્ધ થતો નથી. તપે કરીને શુદ્ધ થાય પછી સંતમાં જન્મ ધરાવીએ છીએ. તે હરિજન પછી સંત-ગુરુનો અલ્પ સરખા ગુણને મેરુ સમ મોટો કરી વારંવાર કહેતો હોય ને સૌના દાસાનુદાસ રહેતો હોય તો અમે તેને શુદ્ધ થયો માની જાળવીએ છીએ. તપ કરતાં પણ સાચા સંતના ગુણ ગ્રહણ કરવા તેનું બળ વધારે છે. એ અપાર બળને પ્રતાપે દ્રોહના પાપથી બચી જાય છે. પછી તે સરળપણે વર્તીને ભવસિંધુ સહેજે તરી જાય છે.”24•
શ્રીહરિએ પાદરામાં વાત કરતાં કહ્યું, “દેવોથી દૈત્યો સુધી સૌમાં રાજસ-તામસ ગુણ રહેલા છે. જેવા ગુણ તેવી બુદ્ધિ થાય છે. અને એ મુજબ સૌ ચાલે છે. પ્રથમ સત્યુગમાં દેવો-દૈત્યો અને મનુષ્યોની મતિ સત્ત્વગુણ પ્રધાન હતી. અને શુભ માર્ગે સૌ ચાલતા. ઘરે ઘરે કલ્પવૃક્ષ હતાં. જે ધારતાં તે થતું. એ સમયની નીતિ પણ કલ્પવૃક્ષ જેવી હતી. રાજા નીતિ છોડી રાજ કરતા તે ભ્રષ્ટવેશ કહેવાતા. સૌ માનતા કે પવિત્ર સંત અને શુદ્ધ વિપ્રના અપમાનથી મતિનો નાશ થઈ જાય છે. તેના પર ઈશ્વરનો કોપ થાય છે. સત્યયુગમાં મન ગમે ત્યાં લઈ જાય પણ તે રસ્તો સત્યનો જ હોય એમાં કોઈને શંકા રહેતી નહીં.”25
સારંગપુરમાં જીવાખાચરના દરબારમાં સંતોને વાત કરતાં શ્રીહરિએ કહ્યું, “એક જ દિવસના સાધુ હોય તેનો પણ રંચ જેટલો દોષ આવે તો કોટિ કલ્પથી સત્સંગ કર્યો હોય તોપણ તેનો ભંગ થાય છે. તે અપરાધ ભગવાન અને મોટા સંત પાસે ગયેથી છૂટતો નથી, પણ જેનો અપરાધ કર્યો હોય તેને નિષ્કપટ થઈને નમે તો જ છૂટે છે. એ વિના કોટિ ઉપાય કરે પણ રતીભર અપરાધ ટળતો નથી. અપરાધથી છૂટ્યા પછી પણ તે કોઈનો અપરાધ ન કરે, તો તેને વિઘ્ન આવતું નથી. સત્સંગના પ્રતાપથી કોઈ હરિજનને સમાધિ થતી હોય તો પણ તે સંતની તોલે ન આવે. જેટલો સંતનો દાસ થઈને વર્તે તેટલી તેની મોટપ છે. સર્વ મોટપમાં દાસ થવું તે અધિક મોટપ છે.”26•
શ્રીહરિએ ગઢપુરમાં જીવેન્દ્ર નૃપને વાત કરતાં કહ્યું, “અમારી વાત સૌ બાઈ-ભાઈઓએ યાદ રાખીને પરસ્પર કહેવી. યાદ રાખ્યા વિના કોઈ હરિજનનું અંગ વૃદ્ધિ ન પામે. એટલે વાત સાંભળી યાદ રાખવી તેમાં ગાફલતા ન રાખવી. ગાફલતા હશે તો જેવા હશો તેવા ને તેવા રહેશો. પછી કહેશો કે અમે હરિભક્ત થયા પણ સત્સંગમાં કંઈ દેખ્યું નહિ. અમારી વાત હૃદયમાં ધારે તો તેનો સત્સંગ પાકો રહે.
“કેટલાક તો સત્સંગની વાત શીખીને સત્સંગનો દ્રોહ કરે છે તેના જેવો કોઈ કૃતઘ્ની નથી. સંત અને હરિભક્તમાં જેવા દોષ દેખાડે છે તેવા દોષ તેને લાગે છે. સત્સંગમાં નિયમ રાખનારા અગ્નિ સમાન શુદ્ધ છે ને દ્રોહ કરનારા વિકટ રોગે કરીને બીજી રીતે વિના અગ્નિએ બળતા રહે છે. તનમાં રોગ આવે છે ને તે રાત-દિન રડ્યા કરે છે. આત્મવિચાર લેશમાત્ર રહેતો નથી.”27
ગઢપુરમાં જીવેન્દ્રના દરબારમાં રંગોત્સવ પછી શ્રીહરિ કહે, “કામ ક્રોધાદિક શત્રુ અસુરથી પણ અધિક છે, જેનાથી અપરાધમાં પડાય છે. અપરાધ કરીને જે નમે છે તેને દેવ જાણવો અને ન નમે તેને અસુર જાણવો. પાંચવાર ગદ્ગદ કંઠે ગ્રંથ સાંભળે અને તેનો અભ્યાસ અંતરમાં રાખે, તત્ત્વરૂપી વાતને કંઠે કરે, રામદાસજી અને મુક્તમુનિ જેવાનો સમાગમ રાખે છતાં સંત-હરિભક્તને નમે નહિ, તે સત્સંગમાં અસુર જાણવા. જે સંત-હરિભક્તોને નમે છે તે જ સાચા સંત અને હરિભક્તો છે. નમનારાને ધર્મભક્તિ આદિ ગુણો, તત્ત્વરૂપી વાત, ધ્યાન-ધારણા વગેરે સાધન ને સંતસમાગમ - એ કોઈ તજી જતાં નથી. નમનારામાં એક પણ દોષ રહેતો નથી.”28
શ્રીહરિએ કરજીસણમાં નાનાભાઈ અને ગોવિંદભાઈને ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. તેમાં વાત કરતાં કહ્યું, “કામી, ક્રોધી, લોભી જનો પોતાના દોષ દેખાડીને જો સંત-હરિભક્તના ગુણ ગાતા હશે તો તે કોઈક દિવસ સત્સંગ કરશે ને ગુણ લેવાથી તેનાં પાપ બળી જાય છે. પાપ છૂટવા માટે સંત-હરિભક્તને એકવાર માથું નમાવી હાથ જોડે ને ભાવથી અન્નજળ આપે તે સત્સંગ થવાનું બીજ છે. દ્રોહ કરવાથી સુકૃત નાશ પામે છે. સત્સંગના દ્રોહથી વૃક્ષ, ઘાસ કે પથ્થરનો દેહ આવે છે.”29
વડતાલમાં અન્નકૂટ ઉત્સવ પર ભક્તોને ઉદ્દેશીને શ્રીહરિ કહે, “જે અમારી સન્મુખ છે તેની સન્મુખ અમે આ સભા સહિત રહીએ છીએ, પરંતુ જે સંતનો દ્રોહ કરે છે તે હરિભક્ત હોવા છતાં તેને અમે અસુર, અધર્મી જાણીએ છીએ. અમારા સંતો-ભક્તોએ કોઈની નિંદામાં પડવું નહિ. નિંદિત માર્ગનો ત્યાગ કરવો. નિંદિત કર્મનો ત્યાગ કરી જે વર્તે છે તે દેવથી અધિક છે. જેનાં નેત્ર સંતો-ભક્તોને જોઈ હરખતાં હોય, કોઈનો દ્વેષ-દ્રોહ જે ન કરતા હોય, એવી સમજ-બુદ્ધિવાળાને શ્રીહરિ સંત-હરિજનનના સંગમાં રાખે છે. સત્સંગની સાચી રીત જેને જેટલી સમજ્યામાં આવી તેની મોક્ષ તરફ ગતિ જાણવી.”30
વડતાલમાં વાસણ સુથારને ઘરે શ્રીહરિ કહે, “સાચા સંતનો ને સત્સંગનો જ્યાં સુધી મનમાં અભાવ રહે, ત્યાં સુધી તે પાપના ફળરૂપ દુઃખ ભોગવે છે. જમપુરીનો માર ખાય છે. મતિ શુદ્ધ ન થાય એ જેવો બીજો કોપ નથી.”31
વડોદરાના દીવાન ઝુમખરામ જોષી ગઢપુર આવ્યા હતા, તેમને શ્રીહરિ કહે, “સત્પુરુષમાં જેવા ભાવ કલ્પે છે તેવું ફળ પામે છે. અમૃતની રુચિ હોય તેને અમૃત ગમે છે. બધું ઈશ્વરને આધીન વર્તે છે એમ જાણી ડાહ્યા માણસો કોઈનો દ્રોહ કરતા નથી.”32
ગઢપુરમાં શ્રીહરિએ કહ્યું, “સાચાનો દ્રોહ કરનાર યમદૂતથી પણ અધિક પાપી છે. તેને મહાપાપી કહીએ, અપાર પાપી કહીએ.”33
શ્રીનગરમાં શ્રીહરિએ ઉત્તમ-મધ્યમ અને કનિષ્ઠ ત્રણ પ્રકારના ભક્તની વાત કરતાં કહ્યું, “હરિજન ત્રણ પ્રકારના છે: ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. મરજી સચવાય ત્યાં સુધી હરિજન સારો દીસે, પણ મરજીખંડન જ્યારે થાય છે ત્યારે ભગવાન ને સંતના દ્રોહમાં પડે છે ને મતિ વિપરીત થઈ જાય છે. ઊતરતાં ઊતરતાં અધમ થઈ જાય છે. જો સંતનો દ્રોહ ન કરે તો તેનું સુકૃત તેને કનિષ્ઠ સુધી લાવે છે. તે પણ ટોકે નહિ ત્યાં સુધી કનિષ્ઠ રહે છે ને સત્સંગનો ત્યાગ કરતો નથી.
“મધ્યમ ભક્ત એ છે કે એક સંત પર ભાવ રાખે ને તનથી ને મનથી એકપણે વર્તે. વળી, મારા જેવી સમજણ કોઈને નથી, એમ જે હરિજન સમજતો હોય તો તે મધ્યમ હરિજન જાણવો.
“ઉત્તમ હોય તે મન, કર્મ, વચને નિર્દંભ વર્તે. સંતો-ભક્તોને નિર્દોષ જાણે. નિષ્કપટપણે સત્સંગ કરે અને સર્વેનો જે દાસ થઈને રહે. ભગવાનને અને તેમના ધામને માયાપાર નિર્દોષ જાણે, હરિજનને પોતાથી અધિક જાણે, હરિજનનો પક્ષ રાખે અને જેનો સત્સંગ જીવનો હોય તે ઉત્તમ ભક્ત છે.”34
ભૂજના હીરજીભાઈને શ્રીહરિએ કારિયાણીમાં કહ્યું, “સત્સંગીમાત્રમાં ગુણ દેખાય એને ભગવાન અને સંતની કૃપા થઈ જાણવી. સંતો-ભક્તોની ચરણરજ ઇચ્છવી. જ્યાં સુધી નિષ્કપટ મતિ રહે ને એટલામાં તન પડે તો નિશ્ચે તેનો મોક્ષ થાય. હરિજનમાં દોષ દેખતો હોય ને તે ચ્હાય તેવું વર્તન રાખતો હોય તો પણ દેહ છતાં જ સત્સંગથી વિમુખ થઈ જાય છે.”35•
નાગડકામાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સત્સંગ સૂર્ય સમાન છે. ઘુવડ જેવા જનોને તે દેખાશે નહિ. ફાવે તેવો અધર્મી હશે, પણ નિર્દોષ જાણી ગુણ ગ્રહણ કરશે તેનો ઉદ્ધાર થયા વિના રહે નહિ. અને ફાવે તેવો ગુણવાન હશે ને નિર્દોષમાં દોષ કલ્પશે કે દ્રોહ કરશે તે જમપુરીમાં ગયા વિના નહિ રહે.”36
શ્રીનગરમાં શ્રીહરિએ વાત કરી કે, “ભગવાન અને ભગવાનના ભક્તનું માહાત્મ્ય દિન દિન પ્રત્યે અધિક ને અધિક સમજે, તેનો અભાવ ક્યારેય ન લે અને ધર્મનું પાલન કરે એવી રીત અમે સ્થાપી છે. સત્સંગની પરમપુનિત આ પ્રણાલી ચાલુ રહેશે ત્યાં સુધી સત્સંગ વધતો રહેશે. સત્સંગની આ પ્રણાલી જે જાણે તે હરિજન કહેવાય છે. રીત જાણ્યા વિના હરિજનનું માહાત્મ્ય રહે નહિ ને માહાત્મ્ય વિના દરેકનો અભાવ લેવાતો થાય. હરિજન થઈને હરિજનનો અભાવ લે તે સત્સંગ કરતો હોય તોપણ તેની બાળકબુદ્ધિ જાણવી.” આવી અપાર વાત તો શ્રીહરિએ જેટલા દિવસ શ્રીનગરમાં રહ્યા તેટલા દિવસ કરી હતી. જેનો પાર આવે તેમ નથી. એમ મુક્તમુનિએ કહ્યું.37•