૧૧. ખપ - સહનશીલતા
સરધારમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ધ્યાન, ભજન, યોગાભ્યાસ, જપ, તપ, ત્યાગ, વૈરાગ્ય વગેરેનું ફળ એટલું જ છે, જે પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ માને. અમે એને જ શ્રેષ્ઠ માનીએ છીએ. હરિભક્ત દોષ વિના અપમાન કરે તેને સહન કરે, તેના ઉપર હું પ્રસન્ન થાઉં છું.”1
કુંડળમાં શ્રીહરિ કહે, “જેમાં જેટલી સહનશક્તિ વધુ તેટલું તેનામાં સામર્થ્ય અધિક માનવું. સહનશક્તિ જેટલી ઓછી તેટલો તે ભક્તપણામાં ન્યૂન છે. સહન કરે તેનો પાયો અચળ છે. સંતોએ શુકજી ને જડભરતની જેમ વર્તવું.
“ભક્તોએ જયદેવ, હરિશ્ચંદ્ર, મયૂરધ્વજ જેવા સહનશીલ ભક્તોના માર્ગે ચાલવું, જે આપત્કાળમાં પણ વિચલિત થયા નહોતા. પાકો હરિજન ત્યારે કહેવાય જ્યારે તેનામાં સહનશક્તિ આવે. અમારે તમને પાકા કરવા છે, જેથી જગત તમારું પ્રમાણ લે, તમારે પગલે પગલે ચાલે.”2
સારંગપુરમાં બોટાદના ભગા શેઠને શ્રીહરિએ પ્રસન્ન થકા કરુણારસ લાવીને વાત કરતાં કહ્યું, “સુખમાં તો સૌ સત્સંગ કરે, પણ વિપત્તિ આવે ત્યારે કસોટીમાં પાર ઊતરે તેના પર અમે રાજી થઈએ છીએ. વિપત્તિમાં ડગવું નહિ એ અગ્નિ કરતાં પણ મોટી કસોટી છે. આત્મવેત્તા જ્ઞાની ભક્ત હોય તે જ કસોટીમાં પાર ઊતરે, બીજાથી ન ઊતરી શકાય, એવો જ્ઞાની તો જેમ દુઃખ પડે તેમ તેમ સુખમાં રહે. એ તો એમ સમજે કે અંતર્યામીને કશું અજાણ નથી. વળી, આત્માને ક્યાં દુઃખ છે? દુઃખ તો આ દેહને છે. દેહને ક્યારેય સુખ થવાનું નથી, એ સિદ્ધાંત એણે દૃઢ કર્યો છે.
“વળી, એને નિત્ય અંતર્દૃષ્ટિ રહે છે - ચોરાશી લાખ યોનિના દેહ સઘળા દુઃખમય છે. તેમાં કોણ રાજા ને કોણ રંક? કોણ દેવ ને કોણ દૈત્ય? પ્રકૃતિપુરુષ સુધીના દેહમાત્રને તે દુઃખમય સમજે છે. જીવ-નગરમાં યમનો પ્રવેશ નથી, ત્યાં તો હરિકૃષ્ણ પ્રગટ બિરાજે છે. આવો અવસર અને આ ભગવાન ક્યારેય આવ્યા નથી, એ સત્ય કરીને માને તે બુદ્ધિમાન છે.”
‘એસો સમો ન આયે કબુ, એસે ન આયે ભગવાન;
સો સત કરી માનિયો, તબ જાનહુ બુદ્ધિમાન.’3
અમદાવાદમાં શ્રીહરિ કહે, “સહન કરવું એ અમારો મહામોટો પરમ ધર્મ છે. સહન કરવું તેને અમે સિદ્ધિ ગણીએ છીએ. અમે ક્ષમારૂપી હથિયાર ધારણ કર્યું છે, તેનાથી અધર્મનો નાશ કરીશું.”4
જૂનાગઢમાં દેવદિવાળીનો ઉત્સવ કરી શ્રીહરિએ સંતનાં મંડળ વહેંચ્યાં અને વાત કરતાં કહ્યું, “હે સંતો! અજ્ઞાની જન ઉપાધિ કરે તે બધી તમારે સહન કરવી. સમય એવો ક્રૂર આવ્યો છે તેમાં તમારે ધીરજ ધરી રાખવી પડશે. તમે સહનશક્તિ કેળવો એ અમારી મરજી છે. તમારા પર અમારે અપાર હેત છે. તમે બધાએ જગતના ઉપકાર માટે દેહ ધર્યા છે. માટે ઉપાધિ સહન કરીને વિચરવું, તેમાં પીછેહઠ ન કરવી. સહન કરીને ઉપદેશ કરશો તો તમારો જશ અતિશય વધશે.
“કોઈ દ્વેષ કરે, ગાળ દે, બાંધી મૂકે કે માર મારે પણ મનમાં મગન રહેશો તો હું તમારી સાથે છું એમ નિશ્ચય જાણજો. આપણે અધર્મનું ઉચ્છેદન કરી ધર્મનું સ્થાપન કરવું છે તો દુર્જનનું સહન કરજો. ક્ષમા કરવી એ ખૂણાનો ખેલ નથી, રણની બાજી છે.”5
ગઢપુરમાં જીવેન્દ્ર નૃપના ભવનમાં શ્રીહરિ કહે, “બલિરાજાનું રાજ ભગવાને છીનવી લીધું, પણ તેને આધીન થઈ ગયા. સુવર્ણને ભઠ્ઠીમાં તપાવે પછી જ તેનો રંગ આવે છે. ભક્તની કસોટી પણ ભગવાન કરે છે ત્યારે તેની પ્રીત પરખાય છે. દુનિયાદારીનું અભિમાન હોય તો તે તાપ ખમી શકતો નથી, ને તે વિના શાંતિ પણ પામતો નથી.
“ભગવાન અને ભગવાનના સંતની સેવામાં પોતાનું મોટું ભાગ્ય માને તેટલું તેને ફળ મળે છે, સુખ થાય છે. હરિજનને સંસારનું દુઃખ એ દુઃખ જ ન હોય, તેને તો સત્સંગ ન થાય તેટલું દુઃખ મનાય છે.”6
ઝીંઝાવદરમાં શ્રીહરિએ અલર્ક રાજાને કહ્યું, “જેને મોક્ષનો ખપ જાગે તે તન-ધનને ધૂડ સમાન જાણે છે. તન-ધન બહુ વખત મળ્યાં છે, પણ મોક્ષ મળવો દુર્લભ છે. લોકમાં પણ સત રાખવા કાજે શરીરને અગ્નિમાં બાળી દે છે, તેમ અતિશય ખપ જેને હોય તેનાથી શું ન થાય! ખપ વિના કોટિ ઉપાયે મોક્ષ થાય નહિ. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણવો.”7
બોટાદમાં હમીર ખાચરના ભવનમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “જેના પર જેને ઇશક હોય તે તેના નિમિત્તે દુઃખ સામું જોતો જ નથી, અને જુએ તો ઇશક ઓછો કહેવાય. ચોરી કરવા પર ઇશક હોય તે મરવાનો ડર રાખતો નથી. તેમ પરનારીના ઇશકમાં પણ છે. સતીને પતિનો ઇશક છે તો અગ્નિ દેખીને ડરતી નથી. ઇશકવાળાને દુઃખ આવે તેમ તેમ તે શોભા માને છે. માયિક વસ્તુ પર ઇશક છે તેવો જ ભગવાનમાં માને તો તેને ભગવાન પાસે જ છે.”8
મેઘપુરમાં જન્માષ્ટમીના સમૈયા ઉપર આવેલા ભક્તોને શ્રીહરિએ શીખ દેતાં કહ્યું, “કોઈક મારે અથવા ગાળ દે તો સહન કરવું. હોળી ઉપર ને વસંતોત્સવમાં લોકો જેમ રાજીખુશીથી ગાળો અને મારામારી સહન કરે છે તેમ સંત-હરિભક્તે નિર્વૈર રહેવું. વિવાહમાં પુત્ર નિમિત્તે બાપ, ગીત ગાનારીની ગાળો સાંભળીને રાજી થાય છે, પણ દ્વેષ રાખતો નથી, તે અજ્ઞાનથી સહન કરે છે તેમ હરિભક્તે જ્ઞાને કરીને વર્તવું. એ અમારી આજ્ઞા છે. તેને પાળશો તો કોઈ દિવસ દુઃખી નહિ થાઓ.
“એકેકથી અધિક થઈ ગયેલા હરિભક્તોની રીત વિચારવી. મોટા લોકો તો ક્યારેય મુખથી ગોળ બોલે જ નહિ. સૌથી મોટી પૃથ્વી છે તે અપાર પાપ કરનારાને પણ ક્ષમા કરે છે, અને જીવમાત્રને અન્ન, વાહન, ભવન આપે છે. વળી, ભગવાનની આજ્ઞામાં વર્તે છે. તે રીતે જળ, તેજ, વાયુ ને આકાશ પણ સહન કરે છે. હરિભક્તને તો તેથી અધિક વર્તવું, કારણ કે પંચભૂત મોક્ષ કરે તેવાં નથી, જ્યારે હરિભક્તના વચનને કોઈ મુમુક્ષુ ગ્રહણ કરે તો તેનો મોક્ષ થાય છે. માટે જેટલી મોટાઈ છે તેટલી ક્ષમા જોઈએ. અને નિર્દંભ હોય તે જ મોટાઈને પામે છે.”9
ધોરાજીમાં શ્રીહરિ સંતોને સભામાં બોલાવી કહેવા લાગ્યા કે, “વિમુખજનો ફાવે તેમ બોલે તોપણ આનંદ પામી સહન કરવું. જેને જેટલી સહનશક્તિ, તેને તેટલી અધિક મોટપ છે. બધી મોટપમાં સહન કરવું તે ઉત્તમ મોટપ છે. સાધુએ શુક-સનકાદિકની રીતિ અનુસાર વર્તવું.”
‘મોટપ મેં મોટપ અધિક યહ, સહનશક્તિ જેતિ;
શુક સનકાદિક રીતિ કું, સહન કરના તેતિ.’10
જૂનાગઢમાં શ્રીહરિએ વર્ણીને વાત કરી, “વિવેકી હોય તે સારને ગ્રહણ કરે અને ખપ વિનાની વાતને જતી કરે. ખપવાળો કોઈની સાથે વેર કરે નહિ અને સરળ વર્તે. જેથી વૈરી હોય તે પણ મિત્ર થઈ જાય. વર્તન ઉપરથી બુદ્ધિ દેખાઈ આવે છે.”11
ગઢપુરની સભામાં શ્રીહરિ કહે, “ભજન-સ્મરણ કરવું, બીજાને સત્સંગ કરાવવો, સત્સંગ માટે ખર્ચ કરવો, કોઈ હરિજન કટુ વચન કહે તો તેને હિતકારી માની સહન કરવું એ મોટા હરિભક્તનું લક્ષણ છે.
“હરિભક્તો-સંતોનાં કડવાં વચન અને અપમાન સહન કરે તે મોટો હરિભક્ત છે. સત્સંગની સમજણ જેટલી કંઈ છે તે સઘળી સહનશીલતામાં રહેલી છે. તે જેમ જેમ સહન કરે તેમ મોટપ વધતી જાય છે.”
‘સત્સંગ કી સમઝ જિતની, સહનતા તિતની તાય;
સહનતા બઢત તિતિની, દિન દિન બઢત સો જાય.’12
હીરજી સુથાર વગેરે હરિજનો પ્રત્યે શ્રીહરિએ કહ્યું, “કાચા-પાકા હરિભક્ત કષ્ટ આવે ત્યારે દેખાય છે. કષ્ટમાં જે ધીરજ રાખે તેની યુગોયુગ કીર્તિ ગવાય છે. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે... ભગવાન જેના પતિ છે એવા સીતાજીને પણ અપાર કષ્ટ સહન કરવાં પડ્યાં છે. કષ્ટ આવે ત્યારે સહન કરવાં જ જોઈએ. સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે?”13
કારિયાણીમાં શ્રીહરિએ કહ્યું, “જેને સત્સંગનો ખપ છે તે હરિભક્ત પોતાના કરતાં સંતને અધિક કરીને માને છે, ને તેનો સંગ રાખે છે. જે અધિક નથી માનતા તે પોતાનું જ મૂળ કાપે છે.”14
ગઢપુરમાં શ્રીહરિ સંતોને કહે, “ખપ વિનાના હોય તે જતન કરવા છતાં ચાલ્યા જાય છે. અને ખપવાળા અપાર દુઃખ પડે તોપણ ટકે છે. અમે હવે અધિક સુખ દેવાનો સંકલ્પ કર્યો છે તેથી ખપ હોય તેટલા સંતો રહે.”15
શ્રીહરિએ પત્રમાં એક વાત લખાવી કે: “સત્સંગ અને ભગવાન તથા મોક્ષ માટે જેટલો ખપ હોય તેટલું જગતમાં અપમાન સહન કરી શકાય છે. અપમાન અને કષ્ટને જે ભગવાન માટે સહન કરે છે તેના પર ભગવાન પ્રસન્ન થાય છે.”16
શ્રીહરિએ હરિજનો પ્રત્યે પત્રમાં લખાવ્યું કે: “મિથ્યા સુખને માટે લોકો અગણિત દુઃખ સહન કરે છે. તેટલું દુઃખ ભગવાનનાં સાચાં સુખ માટે સહન કરતા નથી. સહન કર્યા વિના સુખ મળતું નથી. અલ્પ વાત પણ ઉદ્યમ કર્યા વિના સિદ્ધ થતી નથી. જો મોક્ષનું ફળ લેવું હોય, તો પ્રથમ સુખનો ત્યાગ કરવો પડે.”17
શ્રીહરિએ પત્રમાં કહ્યું, “વિષરૂપ વચન જે સહન કરે તે પણ મૂર્તિમાન અમૃત છે. સમર્થ થઈને સહન કરવું તે બહુ જ કઠણ છે. તેવા પુરુષો જગતને ધારી રહ્યા છે.”18
શ્રીહરિએ વડતાલમાં આંબલા નીચે બિરાજમાન થઈને હરિજનોને વાત કરતાં કહ્યું, “નિયમ ઓળંગીને ચાલવું તે દુઃખનો માર્ગ છે. જેનામાં જેટલી ક્ષમાવૃત્તિ છે તેટલા તે સુખી હોય છે. ક્ષમામાં વિવેકની જરૂર હોય છે. ક્ષમા અને વિવેક રાખીને વર્તે તેને ક્યારેય દુઃખ આવે નહિ. એવા ગુણથી જ અમારી કીર્તિ પ્રસરે છે. એવાં ગુણરૂપી વસ્ત્ર-આભૂષણ અમને પ્રિય છે. કીર્તિનાં મોટાં મંદિર રચ્યાં તેને દેખીને અમને શાંતિ છે. કીર્તિરૂપ ગુણ ન હોય તે ધામ અને મંદિર નામ માત્રનાં જાણવાં. તેમાં ક્યારેય ભગવાન રહે નહિ.”19
શ્રીહરિ સંતોને લોયામાં વાત કરવા લાગ્યા, “સંપનું કારણ ગરજ છે. ગરજ વિના સંપ રહે નહિ. ગરજની દિશા ભૂલે તો મિત્ર સાથે વેર કરે, તેમ મોક્ષનો ખપ જ્યાં સુધી હોય ત્યાં સુધી સંત-હરિભક્તને દિવ્ય દેખે ને ખપ ન રહે તો દિવ્યપણું મટી જાય છે. ઉપરથી નમસ્કારનો વહેવાર રાખે પણ અંતરમાં ભાવ રહે નહિ, પણ એ સાચા હરિભક્તની રીત નથી.”20
સુરતના હરિજનોને શ્રીહરિ કહે, “સત્સંગ ઉપર ભાવ થાય તેને એટલો ખપ ગણાય. ખપ હોય તેને સંત-હરિભક્તોનાં વચન અમૃત સમાન લાગે. અને જેમ સાંભળે તેમ દિવસે દિવસે ભાવ વધે, ને ભાવ વધે તેથી સત્સંગ વધ્યો કહેવાય અને તેનાં અંતરમાં આનંદના સિંધુ ઊછળે. સત્સંગ સમાન બીજું કોઈ સુખ નથી. અનંત બ્રહ્માંડનાં સુખ કાળના કોળિયા જેવાં દેખે. આવું મરણપર્યંત દેખતો રહે તેનું નામ સમાધિ કહેવાય છે. સત્સંગ અને ભગવાનના સુખને કાળ સ્પર્શી શકતો નથી.”21
સુરતમાં શ્રીહરિએ નાના શેઠને વાત કરતાં કહ્યું, “ખપ વિનાનાને સદાય વિઘ્ન રહે છે અને તેનો સત્સંગ રહેતો નથી. કોટિ વખત મસ્તક કપાય પણ સત્સંગનો ત્યાગ ન કરવો. સત્સંગ નિમિત્તે ચહાય તેટલાં દુઃખ આવે તોપણ તે દુઃખોથી સત્સંગ દુર્લભ છે. પ્રહ્લાદ, પ્રિયવ્રત, જનક, ઉદ્ધવ, ગોપ-ગોપીની સમજણ રાખવી. ભગવાને મનફાવ્યાં ચરિત્રો કર્યાં તોપણ તેને મોક્ષદાયી માન્યાં, લેશ પણ સંશય ન કર્યો ત્યારે ભગવાન તેને વરણીય થયા.”22