૨૬. પંચવિષય

 

શ્રીહરિએ નારસંગજી નૃપને વાત કરતાં કહ્યું, “ચૌદ લોકનું બ્રહ્માંડ છે. એક એક લોકથી અધિક વિષય ત્યાં છે. એમ પ્રકૃતિપુરુષના લોક સુધી વિષયનું સામ્રાજ્ય છે - એ બધા વિષયોને ઝેર સમાન જાણે ને તેનો ત્યાગ કરે, જીવપ્રાણીમાત્રને વિષય સાથે પરમ મિત્રતા છે, પણ વિષયને સાચા શત્રુ જાણી તેનો ત્યાગ કરે ને અમારો આશ્રય કરે તે માયા તજીને અમારા ધામને પામે છે.

“જે વિષયને મિત્ર માને છે તેનો જન્મ ખુવાર થાય છે. જે જે યોનિમાં જાય ત્યાં તેને પોતાની રુચિ અનુસાર વિષય મળતા નથી, વિષયની તૃષ્ણા વધે છે ને અપાર દુઃખને પામે છે.”1

શ્રીહરિએ તેરાપુરના જનો પ્રત્યે સંતની વાત કરતાં કહ્યું, “વિષયવાસનાને કારણે લખચોરાશીમાં જીવ અનંતવાર જન્મ્યો છે. અને નરકમાં દુઃખ ભોગવ્યાં છે, છતાં તેનો અભાવ થતો નથી. સાચા સંત મળે છે ત્યારે જમના બંધનથી તથા વિષયના બંધનથી છોડાવે છે. મનુષ્ય-દેહ પામીને પણ જે દુઃખમાંથી છૂટવાનો ઉપાય કરતો નથી, તે આત્મહત્યારો કહેવાય છે.

“કુકર અને શૂકરની પેઠે વિષયમાં જીવને રાગ રહ્યો છે. સાચા સંત ધન્વંતરિ વૈદ્ય છે. તે જીવનો અસાધ્ય રોગ ટાળે છે. કારણ, સંત પોતે વિષયમાંથી છૂટેલા છે, તેથી તેમની વાત જીવને માન્યામાં આવે છે.”

‘સાચે સંત મિલત જબ આઈ, જિય કે બંધન દેત છોરાઈ.

સંત મિલે જબ સાચે જબહિ, હિત કરી કહે જિય કુ તબહિ.

ધન્વંતરિ વૈદ્ય હે તેહા, અસાધ્ય રોગ દે ટારી એહા.’2

જૂનાગઢમાં શ્રીહરિએ સભામાં વાત કરતાં કહ્યું, “પંચવિષયની આસક્તિને લીધે જીવ લખચોરાસી ભમે છે. ગર્ભવાસ ને જમપુરીનું દુઃખ પામે છે, તેને સુખ તો ક્યાંય મળતું નથી. સુખ ભગવાનના ભક્તો-સંતોને મળ્યું છે. એ બડભાગી છે તેને પણ ભગવાન વિના જેટલું કંઈ ચિંતવન થાય છે તેટલો તેનામાં કુસંગ ભર્યો જાણવો. ભગવાન સિવાય બીજો ઘાટ ન ઊઠે ત્યાં સુધી સત્સંગ કરવો છે. ને એ જ ખરો સત્સંગ છે.”3

ઘુઘરાળામાં શ્રીહરિએ સંતોને કહ્યું, “કીર્તન ગાઓ. કારણ કે કથા-વાર્તા-કીર્તન જો મનમાં ધારે નહીં તો ત્રણેય એક સરખાં જ છે. ધાર્યા વિના જીવને તે સમાસ કરતાં નથી. જીવને તો વિષયમાં તાન છે. જ્યાં વિષયનું પોષણ થતું હોય ત્યાં પ્રીતિ કરે છે. જેના સંગથી વિષય છૂટે છે તેની સાથે પ્રીત ક્યારેય કરતો નથી. દુઃખમાત્ર વિષયમાં રહ્યાં છે, પણ વિષયમાં દુઃખ દેખાતાં નથી ને દુઃખ આવી પડે તોપણ વિષયનો કોઈ દોષ લેતું નથી, એવો જીવને વિપરીત મોહ છે. નાક, કાન, શિર અને ધન ખોવડાવે તોપણ જીવ વિષયનાં વખાણ કરે છે, પણ તેનો ઇશક છોડતો નથી.”4

જેતલપુરમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “પાયા વિનાનું સોનાનું મકાન હોય કે સ્ફટિક મણિનું હોય તોપણ જેને જીવવાનો લોભ હોય તે તેમાં રહેવાની ઇચ્છા રાખે નહિ. તેમ આખા બ્રહ્માંડનાં સુખ મળે તોપણ જેને જન્મ-મરણનો ભય હોય, તેને તે સુખમાત્ર કોટિ વીંછીના ડંખ જેવાં લાગે.”5

નડિયાદમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “માછલું અધિક સ્વાદ કરે છે, તો તે જીવ ખુએ છે. મૃગલું શબ્દમાં સ્વાદ માને છે અને હાથી વગેરેને સ્પર્શમાં સ્વાદ હોય છે. આ બધાં એકેક વિષયના સ્વાદથી પણ પ્રાણ ખુએ છે. જેને પાંચે વિષયના સ્વાદ બળવાન હોય તે તો મોક્ષ-માર્ગથી પડેલો જ છે. એ પાંચે સ્વાદ ભોગવનારને અનંત જન્મ સુધી તેમાં તૃપ્તિ થતી નથી અને નરકનાં દુઃખનો અંત આવતો નથી. ભગવાનમાં અધિક સુખ છે તે સમજવા માટે જગતમાં થોડું સુખ રચ્યું છે, પણ અલ્પ સુખમાં બંધાઈ ગયેલા જીવો તેમાંથી છૂટતા નથી... અલ્પ વિષય ભોગવતાં મેરુ સમાન દુઃખ આવી પડે છે. એકવીસ-એકવીસ લાખની ચાર ખાણોમાં કરોડો કલ્પ સુધી જન્મવું-મરવું પડે છે.”6

માનકુવામાં વાત કરતાં શ્રીહરિએ કહ્યું, “જીવ અનંત પ્રકારના વિષયમાં ખૂતેલા છે. સત્સંગ વિનાની જેટલી વાતો કરે, ગ્રંથ વાંચે, પણ તેનું તાન વિષયમાં હોય છે. અનેક મતના જે જે મોટાઓ થઈ ગયા, તેમણે જે ગ્રંથ બનાવ્યા તેનું તાત્પર્ય તો જીવને વિષયનું બંધન તોડાવવામાં છે. અનંત દુઃખોનું મૂળ પંચવિષય છે. પંચવિષય છૂટે તો દુઃખમાત્ર છૂટી જાય.”7

શ્રીનગરમાં શ્રીહરિએ દીવાનને ઉદ્દેશીને કહ્યું, “વિષયનો રોગ પ્રબળ અને અસાધ્ય છે. સ્થાવર, જંગમ બધા દેહોમાં પ્રાણીને એ રોગ પીડે છે. ચોરાસી લાખ યોનિમાં દેહ ધરીને આ જીવે સપ્તસિંધુથી પણ અપાર માતાનું દૂધ વારંવાર પીધું છે, અને તે તે દેહમાં વધુ ને વધુ વિષયમાં લીન રહ્યો છે. તેથી હવે ક્યાંથી તૃપ્તિ થાય? અગ્નિમાં ઘી અને કાષ્ઠ હોમવાથી જેમ અગ્નિ વધુ ને વધુ પ્રદીપ્ત થાય તેમ વિષયોનું સેવન કરવાથી તેની કામનાઓ વધતી જાય છે. સાચા સંતનો સંગ મળે તો પામર પશુ જેવો જીવ દેવકોટિનો થઈ જાય છે, વિષયમાત્ર છૂટી જાય છે ને મતિ ઉત્તમ થાય છે.”8

શ્રીહરિએ ડાકોરના પૂજારીને વાત કરતાં કહ્યું, “અજ્ઞાની લોકો વારે વારે પંચવિષયની માંગણી કરે છે, પણ તેમાં રહેલું દુઃખ જોતા નથી. તીર્થ, વ્રત, દાન, યજ્ઞ વગેરે કરી લાખો વિપ્રને જમાડે છે, મોટાં મોટાં મંદિર કરાવી ભગવાનની પ્રતિમા પધરાવે છે અને આજીવિકામાં ગામગરાસ વગેરે આપે છે, પણ જ્યાં સુધી વિષય પર તાન છે ત્યાં સુધી અજ્ઞાન રહ્યું હોવાથી જન્મમરણથી છૂટતા નથી.”9

ધરમપુરમાં શ્રીહરિએ નૃપને વાત કરતાં કહ્યું, “જે કરવાનું છે તે ન થયું તે પછી ઇન્દ્ર કે બ્રહ્મા થાય તોપણ શું થયું? વિષયમાં સુખ મનાય ત્યાં સુધી બાળબુદ્ધિ છે. ભવસિંધુ તરવા માટે ભગવાને મનુષ્યજન્મ આપ્યો છે, એવી સમજ ન હોય અને પોતપોતાના મનમાં તે ફાવે તેટલા મોટા કે ડાહ્યા સમજતા હોય, તોપણ તેને મોટા કહેવાય નહિ. સત્સંગ કરે તેની બધી વાતો સુધરે છે. તીર્થ-વ્રતાદિક કરવું તે પણ સત્સંગ થાય તે માટે છે.”10

ઉમરેઠમાં શ્રીહરિ કહે, “ફાવે તેવાં સરસ ભોજન હોય, પણ ઉદરમાં ગયાં પછી નકારાં થઈ જાય છે અને તેમાં પ્રીત રહેતી નથી. આવો વિચાર વારે વારે કરે તેને વિષયમાત્ર અસાર જણાય છે અને તે શ્રેષ્ઠ હરિભક્ત છે.”11

ભીમનાથના ગોસાઈને શ્રીહરિ કહે, “ભગવાનની વાત સમાગમ વગર સમજાતી નથી. સંતના સમાગમથી બ્રહ્મવિદ્યાની વાત સમજ્યામાં આવે છે. જેવો સમાગમનો ખપ તેટલી વાત સમજાય. વાત સમજાયા પછી, કોઈ રૂપવાન માણસ હોય અને તે રોગે કરીને અત્યંત કુરૂપ બની જાય, પછી તેમાં જેવી અરુચિ થાય તેવી અરુચિ વિષયમાં થઈ જાય. જેમ ફાવે તેવા સરસ રસ હોય, પણ તેની ઊલટી થઈ જાય પછી તે દુઃખરૂપ લાગે છે, તેમ દરેક વિષયનો વસ્તુતઃ જો વિચાર કરીએ તો દુઃખરૂપ દેખાય છે. વિષયમાં દોષ દેખતાં શીખે ત્યારે તેમાં પ્રીતિ રહે નહિ.”12

વડનગરમાં શ્રીહરિએ વિદ્વાન વિપ્રોને વાત કરી કે, “જ્યાં સુધી જીવને મોક્ષનો ખપ નથી, ત્યાં સુધી વિભ્રાંત મને ફરે છે ને મોહ મદિરાએ કરીને એક મતિ રાખી શકતો નથી. ગુલાબના બાગમાં બેસે ત્યાં સુધી ગુલાબની સુગંધ આવે. મળના ખાડામાં બેસે ત્યારે એવો ગંધ આવે. જેવું ખાય તેવો ઓડકાર આવે છે. જેમ ખાધા-પીધાની ચીજમાં જેવો ગુણ હોય તેવું અંતર થઈ જાય છે. તેવી જ રીતે રૂપ, શબ્દ, સ્પર્શ વગેરે વિષયોનું પણ જાણવું. ભગવાન ને ભગવાનના સાચા સંતના શરણ (આશ્રય) વિના સાચા જ્ઞાનની ગમ પડે નહિ ને અજ્ઞાન જાય નહિ. ભગવાન અને ભગવાનના સાચા સંત તે જ્ઞાનનાં બે નેત્ર છે. બંને નેત્ર વિના અંધ કહેવાય છે. બંનેમાંથી એકનો યોગ ન હોય તોપણ સાચા જ્ઞાનને પામતો નથી. બંનેના જોગ વિના બ્રહ્મા જેવો સમર્થ હોય તોપણ શું થયું? તેના અજ્ઞાનપાશનો નાશ થતો નથી.”13

સુરતમાં શ્રીહરિએ પુરજનોને જે વાત કરી હતી તે મુક્તમુનિએ ઉત્તમ નૃપને કહી, “પંચવિષય દસ સાગર કરતાં પણ અધિક ગહરા છે. તેમાં ભૂત-પ્રાણીમાત્ર સુખ દેખી રચ્યાંપચ્યાં રહે છે ને બ્રહ્માંડ રહે ત્યાં સુધી જન્મમરણમાં ભમ્યા કરે છે. વિષય માટે અપાર દુઃખ પામે છે. જ્યાં સુધી વિષયમાં સુખ મનાય છે, ત્યાં સુધી બ્રહ્મા જેવો થયો હોય તોપણ તુચ્છમતિમાં ખપે છે. વિષય બંધનકારી છે ને મોક્ષમાર્ગે વિઘ્નરૂપ છે એવી સમજણ સત્સંગના યોગથી આવે છે. ભગવાન જેવું કોઈ વહાલું ન રહે ત્યારે વિષય છૂટે.”14

સુરતમાં શ્રીહરિએ પુરજનોને જે વાત કરી હતી તે મુક્તમુનિએ ઉત્તમ નૃપને કહી, “ચ્હાયે તેવો બુદ્ધિમાન હોય, પણ જો વિષયને ઝેર ન જાણ્યા હોય ને વિષયલાભને જ મોક્ષ માનતો હોય એવા જનને મૂઢ જાણવો અને એવા સંપ્રદાયને મતપંથ જાણવો. ભગવાન પુરુષોત્તમ અને તેનું ધામ (અક્ષરબ્રહ્મ) તે બે વિના અવાંતર રહેલાં અપાર બ્રહ્માંડો, ને તેમાં રહેલાં સ્થાવર, જંગમ, ભૂત-પ્રાણીમાત્ર વિષયભોગમાં સબડે છે. તેમાં રહેલું દુઃખ કોઈને જાણ્યામાં આવતું નથી. જ્યાં વિષયનું ખંડન થતું હોય ને ભગવાનના સંબંધે કરીને જ સુખ માનવામાં આવતું હોય એવો મત તથા એવા ગુરુ, આચાર્ય, તીર્થ, વ્રત, ધામ એ બધાં સત્ય છે. એવાં ગ્રંથ, કીર્તન, બધા શબ્દ સત્ય છે. ત્યાં ધર્મ-ભક્તિ સહિત ધર્મવંશ રહે છે.”15

સુરતમાં શ્રીહરિએ હરિજનોને વાત કરતાં કહ્યું, “કથાવાર્તાનો યોગ રાખે તો વિષય ખેંચે નહિ. સત્સંગની વાત વિષયમાં દુઃખ દેખાડે છે ને ભગવાનમાં સુખ દેખાડે છે. ઇન્દ્રિયો-અંતઃકરણ જેટલાં વિષયમાં ચોંટે તેટલો સત્સંગમાં પાયો કાચો છે. અનંત શરીર ધારીને વિષયમાં જીવ વળગ્યો રહ્યો છે, પણ સત્સંગ વિના તેની અરુચિ થતી નથી.”16

*

પરિશિષ્ટ

શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:

પંચવિષયના ફંદામાં જીવમાત્ર ફસાયા છે. વિષયનો ફાંસલો કોઈનો ટાળ્યો ટળતો નથી. પંચવિષય સારુ શત્રુ પણ મિત્ર બની જાય છે. પંચવિષય મહાબળવાન છે. ભવ, બ્રહ્મા ને મુનિવરોનું માન પંચવિષયે હણ્યું છે. હિરણ્યકશિપુ ને રાવણ જેવાનાં મસ્તક છેદ્યાં છે. ભગવાન અને સંત પાસે પંચવિષય થરથર ધ્રૂજે છે. પાંચે વિષય અહોનિશ તેમને આધીન વર્તે છે. શ્રીહરિનો આશરો કરે ને કપટ રહિત થઈ સંતના વચનમાં વર્તે તેને પંચવિષય પરાભવ કરી શકતા નથી. સંત પાસે પંચવિષયને પલટી નાખવાની ઊલટ વિદ્યા છે, તે શીખે તો રક્ષા થાય. જે સંત નથી તે સર્વે પંચવિષયના દાસ છે.17

દેહસંબંધી વિષયો બ્રહ્માંડ ભરાય તેટલા અપાર છે. તે અનંત જન્મોથી જીવ ભોગવતો આવ્યો છે, પણ થાક્યો નથી. વિષય કાજે કેટલું દુઃખ તેણે વેઠ્યું છે! જન્મ-મરણ લખચોરાશી - વારંવાર પામીને વિષયથી દુઃખી થયો છે. તેમાં રોગ પણ અનેક પ્રકારના પામ્યો છે. દુઃખ ને રોગનું કારણ વિષય છે. તે વિષયની અરુચિ જીવને થતી નથી. સંતોએ વિષયની અરુચિ કરાવવા નિત્ય વાતો કરવી, કારણ કે વિષયનું બંધન વિકટ છે તે ક્યારેય શસ્ત્રોથી છેદાતું નથી, પણ જ્ઞાનરૂપી શસ્ત્ર વિવેકરૂપી કુશળતાથી વાપરે તો તે વિષયબંધન છેદાય છે.18

વિષયમાં જ્યાં સુધી સુખ દેખતો રહે છે ત્યાં સુધી જન્મ-મરણ અને જમપુરીનાં દુઃખ પામ્યા કરે છે. એવાં દુઃખ વિષયમાં જ્યારે જુએ અને અંતરમાં ત્રાસ પામે ત્યારે વિષયમાંથી નિવૃત્ત થઈ ભગવાન ભજવામાં સુખ માને. મોતિયા લાડુ દેખવામાં ઘણા ઊજળા છે, પણ તેમાં થોડો સોમલ પડેલો જોવામાં આવ્યો હોય, તો ગમે તેવી ભૂખ લાગી હોય તોપણ જમવાનો ભાવ રહે નહિ. તેમ બીજા કોઈ પણ વિષયમાં ગમે તેટલો પ્રેમ હોય તોપણ તેમાં દોષ દેખ્યામાં આવે તો અપ્રિય થતાં વાર લાગતી નથી. પુરુષને નારી, ને નારીને પુરુષ બંધનરૂપ છે, ને કામદેવ જેવો રૂપાળો મનુષ્ય હોય, પણ જો તેમાંથી જીવ જતો રહે તો તેને પ્રિય લાગતો નથી.19