૬. ભક્તિ, એકાંતિક ધર્મ
બોટાદમાં શ્રીહરિ સન્મુખ સંતોએ વાજિંત્ર સહિત ગાન કર્યું. શ્રીહરિ કહે, “ગાન કરીને ભગવાનને રીઝવવા એ ભક્તિ બને છે. લોક રીઝવવા થાય તો ગાન વૃથા છે. જ્ઞાન ધ્યાન તમે શીખો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ - એ ચારને હૃદયમાં ધારવાં એ ગુણ ભારે છે. આ સાધન સૌથી મોટું છે. ભગવાનની પ્રસન્નતાનું દૃઢ મૂળ આ જ છે. ગાન-વિદ્યા જેવા બીજા અનેક ગુણો ધારણ કરે, પણ એકાંતિક ધર્મની તોલે એ ન આવે. એકાંતિક ધર્મ એ મૂળ છે. મૂળનો ત્યાગ કરીને બીજું અનંત શીખે પણ તે સાધુને શોભાડતું નથી, આ વાતનો સૌ સંત નિશ્ચય કરજો. મૂળનો દૃઢાવ હોય પછી બીજો ગુણ અલ્પ સરખો પ્રાપ્ત થાય તોપણ તે મહાન છે ને મૂળ (એકાંતિક ધર્મ) વિના બીજા મહાન ગુણો કે આવડત વિકસે તોપણ તે બધાં અવગુણમાં ખપે છે. જેમ વૃક્ષનું પોષણ તેના મૂળમાં રહેલું છે. મૂળ પોષે તો ફલ-ફૂલ હાથ લાગે છે, તેમ એકાંતિક ધર્મ એ સત્સંગનું મૂળ છે, એને દૃઢ કરશો તો અનંત ગુણો પ્રાપ્ત થશે.
“હે મારા વહાલા સંતો! આ અમારો દૃઢ સિદ્ધાંત છે તે તમને કહ્યો. મૂળને દૃઢ કરવા સંગીત ભણો કે અન્ય વિદ્યા ભણો, વર્તન રાખો આ એકાંતિક ધર્મ - મૂળ સંબંધી જ્ઞાન અને સમજ એવા એકાંતિક સંતના સમાગમે કરીને જ પ્રાપ્ત થાય છે. અમે ગામોગામ વિચરણ કરીએ છીએ, હરિજનને મળીએ છીએ, નામ-ગામ, વ્યવહાર બધું પૂછીએ છીએ, સમયે સમયે બાઈ-ભાઈને સંભારીએ છીએ, જે જે અમારી સેવા કરે છે તેને તત્કાળ ગ્રહણ કરીએ છીએ, હેત-પ્રીત કરીએ છીએ - આ બધું જ મૂળને (એકાંતિક ધર્મને) દૃઢ કરાવવા માટે કરીએ છીએ. ઠેર ઠેર સ્વાગત-સન્માન ને અનંત શોભા કરો છો તે સ્વીકારીએ છીએ. નિયમ-પ્રકરણ વારંવાર ફેરવીએ છીએ. અમારું ખાવું-પીવું, ઓઢવું-પાથરવું આ બધું મૂળને દૃઢાવવા માટે છે. મોટા-મોટા રાજાઓએ પોતાના મહેલમાં અમને પધરાવ્યા, પૂજા-સન્માન કર્યાં, રાજપાટ ધરી દેવા લાગ્યા, પણ અમે એ બધાનો ત્યાગ કરી દીધો. વનમાં વિચર્યા, ક્યારેક રસ લીધો ને ક્યારેક તજી દીધો - આ બધાં ચરિત્રોને તપાસીને દેખશો તો માલૂમ પડશે કે મૂળ એકાંતિકી ભક્તિનું પોષણ કરવાનો અમારો હેતુ છે. મૂલ દૃઢ કરાવન હોતા, તા હિત હમ કરત બહુ પ્રીતા.”1
શ્રીહરિએ માંડવીમાં વાત કરતાં કહ્યું, “ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ અને આત્મનિષ્ઠા, આ પાંચ ધનથી અતિ અધિક છે. ધનમાં વિઘ્ન અને દુઃખ પણ આવે છે પણ આ પાંચમાં આવતું નથી અને જે ચિંતવે તે મળે છે. જેને જ્ઞાન નથી તે રાજા, ગુરુ, શાહુકાર કે વહેપારી હોય તોપણ ધન સારું ખુવાર થાય છે. જ્ઞાન વિના કુબુદ્ધિ ટળતી નથી અને કુબુદ્ધિ હોય ત્યાં સુધી કાળ, કર્મ અને જમદૂતનો ભય મટતો નથી. કુબુદ્ધિ ટળે છે ત્યારે જ ભગવાનમાં પ્રેમ થાય છે.”2
ભીમનાથના મહંત ગુમાનગરને શ્રીહરિએ કહ્યું, “દેહનો નિરધાર નથી, તે પરાધીન છે. તેમાં મનુષ્ય તન પામી ભગવાન ન ભજે તે બ્રહ્મા સમાન સમર્થ હોય તોપણ ચિંતામણિને વ્યર્થ ગુમાવ્યા જેવું કર્યું કહેવાય. ભરતખંડમાં મનુષ્યતન પામી હરિ સેવામાં ક્યારેય યોગ ન આવ્યો તો બ્રહ્માંડ જેટલું કનક મળે તોપણ છૂટી પડ્યું છે. બીજી સેવામાં ચિત્ત નહિ દઈને જેણે હરિની સેવા કરી છે તે પળે પળે બ્રહ્માંડ જેટલું સોનું કમાયો છે. હરિની સેવાથી તેનું માયિકતન દિવ્ય થઈ જાય છે. બીજા જનોને તે દેખાતું નથી, તેથી બાળી મૂક્યું એમ સમજે છે. દેહ તો ભગવાનની ઇચ્છાથી જ પડ્યું રહેલું એમ જણાય છે.”3
ગઢપુરમાં શ્રીહરિએ જીવેન્દ્ર નૃપને કહ્યું, “સંસારમાં આસક્તિ તે ભક્તિનું ગોબરાપણું છે. માતા બાળકને કરુણા કરી ધૂએ છે ત્યારે ગોબરાપણું જાય છે. સંત મા સમાન છે. સત્સંગની રીત જ્યાં સુધી જાણ્યામાં ન આવે ત્યાં સુધી તે બાળકબુદ્ધિ છે. તો પણ ભગવાન દયાળુ છે, તે જ્યાં સુધી બાળક રહે છે, ત્યાં સુધી તેને પલભર છોડતા નથી.”4
કરિયાણામાં ઓઢા ખાચરના ભવનમાં શ્રીહરિ કહે, “કોઈ કથા-કીર્તન કરે ત્યાં અમારું ચિત્ત ચોંટી જાય છે ને હરિ વિના બીજું કાંઈ સાંભરતું નથી અને મન દીવાનું થઈ જાય છે. હરિની સ્મૃતિ રહે તેટલો સત્સંગ કહેવાય, તે વિના બધો કુસંગ કહેવાય.”5
શ્રીહરિએ ભુજથી એક પત્ર લખાવ્યો. તેમાં લખ્યું કે: “ભુજનગરના હરિજન વસંતપંચમીનો ઉત્સવ કરાવે છે તેમાં સંતો, બ્રહ્મચારીઓ, પાર્ષદો ને બાઈ-ભાઈ હરિજનો પધારજો. હરિજનને વ્યવહાર-વ્યવસાય હોય, પણ ઉત્સવનું દર્શન દુર્લભ માનીને ખાસ આવવું. જીવને જ્યારે અંત સમય આવે છે ત્યારે અતિ કષ્ટ પડે છે તે વખતે સંતો-હરિભક્તોની સભા ભરાઈને બેઠી હોય ને તેની વચ્ચે અમે બેઠા હોઈએ, ઉત્સવ કર્યો હોય, ગુલાલ ઉડાડ્યો હોય, વાતો કરી હોય, કીર્તનો ગવરાવ્યાં હોય... ઇત્યાદિ અમારી સ્મૃતિ થઈ આવે તો તેને કષ્ટમાત્ર મટી જાય છે ને અમારી મૂર્તિ દર્શાય છે. માટે ઉપાધિ સહીને પણ સમૈયે આવજો.
“અતિપુણ્યે કરીને મનુષ્યતન મળ્યું છે તેમાં સંત સમાગમ કરીને દુર્લભ એવું અક્ષરધામ પમાય છે. લોકમાં તો બહુ જન તીર્થ, પુણ્ય, દાન, બ્રાહ્મણભોજ ઇત્યાદિ મોક્ષ કાજે કરે કરાવે છે, પણ સકામ હોવાથી મોક્ષ થતો નથી. એ તો જ્યારે સત્સંગ કરે ત્યારે જ થાય છે. કોટિ યજ્ઞ કરવાથી પણ મોક્ષ ન થાય તે સત્સંગથી થાય છે. જ્યાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ સહિત એકાંતિક ધર્મ છે; વળી, ભગવાનનું પ્રગટપણું છે; વળી, ત્યાગી-ગૃહી પોતપોતાના બ્રહ્મચર્યાદિક ધર્મમાં દૃઢ વર્તે છે; ગૃહસ્થો વ્યસન, ફેલ, ભાંડ-ભવાઈ ઇત્યાદિનો ત્યાગ કરીને નિયમમાં વર્તે છે ને સંતો અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય વ્રત રાખે છે; ચૌદ લોકમાં જેને ક્યાંય પ્રીતિ નથી - એવો સત્સંગ જ્યાં દેખાય ત્યાં મોક્ષ માનવો. આટલી વાત જ્યાં જોવા ન મળે તો જાણવું કે ત્યાં મોક્ષ નથી.” આવો પત્ર શ્રીહરિએ લખ્યો જેને સાંભળીને હરિજન ચકિત થઈ ગયા.6
ભૂજમાં શ્રીહરિએ હરિજનો પ્રત્યે સત્-અસત્ ગુરુની વાત કરતાં કહ્યું, “મોક્ષરૂપી નિધિ ચિંતામણિથી પણ અધિક છે. અપાર રિદ્ધિ-સિદ્ધિ પણ મોક્ષ નિધિ વિના નકારી છે. મોક્ષનો ખપ તે સૌથી શ્રેષ્ઠ છે અને તે ચિંતામણિથી અધિક છે. તેનાથી ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે ને બીજા ફીકા લાગે છે. કૂચામાં અને રસમાં જેટલો ફેર છે તેટલો મોક્ષ અને બીજા સુખમાં ફેર છે. સત્પુરુષના સંગ વિના આ વાત સમજાતી નથી. પોતાની મેળે સમજવા જાય તો ક્યારેક ધર્મમાં અધર્મ માની બેસે. જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિનો લેશ હોય નહિ વળી, વ્યસન અને કેફી ચીજોનું સેવન કરતા હોય, તે મિથ્યા ગુરુ છે. મોક્ષના ખપવાળા જનોએ એવા ગુરુનો ત્યાગ કરવો.”7
આખા ગામમાં શ્રીહરિ કહે, “ભક્તોના ભાવ સમાન અમને બીજો કોઈ રસ (સ્વાદ) દેખાતો નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ પણ ભાવ પાસે લૂખા છે. ભક્તોના ભાવ જોઈને અમે સત્સંગમાં ફરીએ છીએ. દુર્જન મન ફાવ્યું મર બોલે અમે તેને ગણતા નથી. અમારી પ્રકૃતિ તો એવી છે કે ભાવ વિના લેશ પણ ક્યાંય ટકીને રહીએ નહિ.”8
શ્રીહરિએ ઝીંઝાવદરમાં અલૈયા ખાચરના પિતા સામંત ખાચરને કહ્યું, “જે ભગવાનને ભજે છે તેને જીવના જેવા અજર, અમર અને અપ્રાકૃત દેહ મળે છે. જે તોપના ગોળાથી પણ નાશ પામે નહિ.”9
વડતાલમાં શ્રીહરિનું પૂજન કરવા તત્પર થયેલા સંતોને શ્રીહરિએ ઉપદેશ આપતાં કહ્યું, “અમારી પૂજા કરવા માટે સંતોએ હરિભક્ત પાસે કેસર, ચંદન કે હાર માગવાં નહિ. અમારે માટે નિર્લોભી વર્તમાનનો ભંગ કરવો નહિ. અમારા માટે મીઠાઈ કે વસ્ત્ર, આભૂષણ માગવાં નહિ. અમારા વચન-પાલનને અમારી પૂજાથી પણ અધિક અમે માનીએ છીએ. તમો સંતો, વર્ણી ને પાર્ષદો સત્સંગને અર્થે જે જે કરો છો તે અમે સેવા જ માની છે.”10
શ્રીહરિએ ગઢપુરમાં સંતોને વાત કરતાં કહ્યું, “ભક્ત જ્યારે ભગવાનને વશ, આધીન થઈને વર્તે છે, ત્યારે ભગવાન પણ એ ભક્તને વશ થઈ જાય છે.
“ભગવાનની મર્યાદાને કોઈ સીમા નથી એ સર્વોપરી છે. પાતાળથી અક્ષર સુધી સૌ એમને પૂજે છે. એ ભગવાને પોતાને વશ કરવાના સાધનરૂપે નિયમ આપ્યા છે. સૌ પોતપોતાના ધર્મમાં વર્તે તો કોઈને દુઃખ દૂષણ રહે નહિ.”11
ગઢપુરમાં શ્રીહરિ કહે, “કથામાં જેને પ્રીતિ ન હોય તે અમને બહુ પ્રિય લાગતા નથી. ભગવાનની કથાવાર્તા ને કીર્તનના અંગવાળા હોય તેનાં અમે વખાણ કરીએ છીએ. જીવને અનંત યુગથી સંસારમાં મન ચોંટેલું છે, તેને ઉખાડવાનો અભ્યાસ રાખે તેને દેખી અમને આનંદ થાય છે, કારણ કે અમે જાણીએ છીએ કે આ તો પ્રત્યેક જીવને કરવાનું કામ છે, તે તત્પર થઈને આ ભક્ત કરે છે. એમ જાણી એવા ભક્ત પર અમારી પ્રીત દિવસે દિવસે વધતી જાય છે. અને જેનું ચિત્ત સંસારમાં લોભાતું હોય તે દેખીને તેનાથી અમારું ચિત્ત તોડીએ છીએ, તેનો સંબંધ કાપી નાખીએ છીએ. એ ભક્ત થયો તોપણ સંસાર અને દેહમાં આસક્ત રહેતો હોય, એ તેને મોટું વિઘ્ન છે. આ વાત જે બરાબર સમજે છે, તેનો સત્સંગ ટકે છે. વળી, સંતો-ભક્તોને નિર્દોષ જોતો હોય અને બીજાને પણ એના નિર્દોષપણાની વાત કરતો હોય, તેના પર અમને અત્યંત હેત રહે છે.”12
શ્રીહરિએ પોતાના ભક્તોને પત્રમાં લખાવ્યું કે, “ભગવાન સંબંધી એકાદશી આદિ વ્રત કરવાં. તેનું જાગરણ કથાવાર્તા, કીર્તન કરીને આખી રાત કરવું. જેથી ભગવાન અતિ પ્રસન્ન થાય છે. ભગવાનના નામની ધૂન કરવી. વ્યર્થ કામ તજવાં. રાત્રિ-દિવસ વ્યર્થ સૂવું નહિ. વિવાહ, ભાંડ ભવાઈ જોનારા આખી રાત જાગે છે. ચોર અને કામી લોકો પણ જાગે છે, તેમ ભગવાનને પ્રસન્ન કરવા શ્રદ્ધાએ યુક્ત જાગે તેને અક્ષરધામ રૂપી ફળ મળે છે. ચાર પહોર જાગી શકે નહિ તે ત્રણ, બે કે એક પહોર જાગે. એક પહોર (ત્રણ કલાક) પણ ન જાગે તેને ગુણબુદ્ધિ છે એમ માનવું.”13
શ્રીહરિએ પત્રમાં વાત લખાવતાં કહ્યું, “ભક્તિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર ને યોગશાસ્ત્ર - બધાનો એક જ સિદ્ધાંત શુકજી વગેરેએ આપ્યો છે: પોતાનું રૂપ બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મ પુરુષોત્તમની દાસભાવે સેવા કરવી. સંતો-હરિજનોનો સંગ તજવો નહિ. દેહ-ઇન્દ્રિયો-અંતઃકરણનો સંગ હોય તેની મતિ વિપરીત થઈ જાય છે. સત્સંગ કરવા ન દે ને ચોરાશીમાં ભમાવે છે, એટલે તેનો સંગ ક્યારેય ન કરવો. પરમાત્મા પર બુદ્ધિ લક્ષિત ન થાય એટલો કુસંગ કહેવાય છે.”14
શ્રીહરિ ધર્મપુરનાં રાણી કુશળકુંવરબાની ભક્તિ વખાણતાં ગઢપુરના ભક્તજનોને કહે, “રાણી અમારાં દર્શન કરતાં નેત્રમાં મટકું મારતાં નહિ અને અંગોઅંગ નીરખીને અંતરમાં ઉતારતાં. દેવહુતિ માતા જેવી તેમની વૃત્તિ હતી. તેમની રાજ્ય આપવાની ઇચ્છા જોઈને અમે ત્યાંથી વહેલા ચાલી નીકળ્યા.
“અમે તો એક ઘડી ભગવાનનું ધ્યાન કરીએ તે બરાબર ત્રિલોકીના રાજ્યને પણ માનતા નથી. મૂર્તિના સુખ કરતાં વચનના સુખને અધિક માનીએ છીએ. દૈહિક સુખ સમાન બીજું દુઃખ નથી.
“ભગવાનની મરજીમાં ધામથી પણ અધિક સુખ માને તે સમાન કોઈ ભક્ત નથી, મુક્ત, સિદ્ધ, પ્રેમી કે અક્ષર નથી. મરજીમાં સુખ માનનારને કાંઈ દુઃખ રહેતું નથી. શૂળીએ ચઢવું અને પૂજા પામવી, એ બધું ભગવાનની મરજીથી થતું જાણી બન્નેમાં આનંદ પામે છે. એવાથી ભગવાન પળમાત્ર દૂર થતા નથી.
“સુખ અને સાધનમાત્ર ભગવાનની મરજી મુજબ વર્તવામાં આવી જાય છે. ગ્રંથમાત્રનું રહસ્ય પણ આવી જાય છે. મરજીમાં ન ચાલે તે બધા ગ્રંથો ભણે કે તીર્થ-વ્રતાદિક સાધન કરે કે બ્રહ્માંડની રચના કરે પણ ભગવાનના શત્રુ છે. મરજી જાણે તેણે જ સત્સંગ કર્યો છે. બીજાનો ન કર્યા બરાબર છે. મરજી ન સમજતાં, જય-વિજય વૈકુંઠમાંથી પડ્યા, ભગવાનની સેવા કંઈ કામ લાગી નહિ. માટે સત્સંગ કરી ભગવાનની મરજીનું ધ્યાન રાખવું.”15
બોટાદમાં આરતી-સ્તુતિ સંત કરી રહ્યા પછી શ્રીહરિએ કહ્યું, “અમે સંતનાં દર્શનનો પરમ લાભ માન્યો છે. તે લાભ લેવા તો અમે વર્ષમાં બે વાર ઉત્સવ-સમૈયા કરીએ છીએ ને હરિભક્તોને તેડાવીને કથાવાર્તા કરી ચેતાવીએ છીએ. અતિ અંધારી રાતે દીવા વગરનાં ઘર કેવાં લાગે? તેમ સમૈયા વિનાનાં અંતર અંધકારમય થઈ જાય. ભગવાનના સાધુ અને હરિજનો પ્રિય લાગે નહિ એટલો કુસંગ જાણવો અને એ તેને માથે વિઘ્ન છે.
“સમૈયામાં સંત-સમાગમ થાય. હરિજનોમાં એક મન થાય. સત્સંગનું પોષણ થાય. સમાગમરૂપી ફળ લેવા ઇચ્છા હોય અને કોઈ આડે આવી વિઘ્ન કરે તો શત્રુ જાણી તેનો ત્યાગ કરવો. શત્રુ જ્યાં સુધી મિત્ર મનાય છે, ત્યાં સુધી વિઘ્ન રહેવાનાં. સમૈયાનો કેફ એક વર્ષ સુધી રહે છે. બીજે વર્ષે ન આવે તો તે ઘટવા લાગે છે. આ વાત નક્કી આમ જ છે, પ્રત્યક્ષ દેખીને કહીએ છીએ.”16
વડતાલમાં શ્રીહરિ આરતી નારાયણ ધૂનમાં તાળી પાડી ચિત્ત પરોવી દેતા અને વચ્ચે ક્યારેય વાત કરતા નહિ. બીજો કોઈ વાત કરે તેને શ્રીહરિ ઠપકો દેતા અને કહેતા કે, “ભગવાનનું નામસ્મરણ, ભજન, ધ્યાન, કથા-કીર્તન અને વાતમાં જે અનાદર રાખે છે, તેનો અનાદર અંતર્યામી ભગવાન પણ એટલો જ રાખે છે અને કોપ કરે છે.”17
ગઢપુરમાં શ્રીહરિ વહેલી સવારે ઊઠીને નારાયણ ધૂન કરીને પલંગમાં બેઠા. સામે સંતો બેઠા. સંતોને કહ્યું કે, “સૌ પોતપોતાનાં અંગ કહો. પહેલાં અમે અમારું અંગ કહીએ છીએ, અમે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અત્યંત નિર્દંભપણે રાખીએ છીએ. પોતાને આત્મસ્વરૂપ માની ભગવાનમાં અત્યંત સ્નેહ રાખીએ છીએ.
“ભગવાન સદા સાકાર, મૂર્તિમાન છે એવી અમારે દૃઢમતિ છે, સાકાર વિના ભક્તિ સંભવે નહિ. ભક્તિ વિના જ્ઞાન, વૈરાગ્ય, ધર્મનું કાંઈ ફળ નથી. એ ચાર ગુણ હોય ત્યાં ભગવાનનો નિવાસ છે ને ત્યાં જ મોક્ષ છે. એવો જેને નિશ્ચય હોય તેને પરિપક્વ અંગ કહેવાય. સ્થિતિ અને અંગ બેઉ એક વસ્તુ છે.”18
પરિશિષ્ટ
શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:
પ્રભુ કીર્તન-ભક્તિને વશ વર્તે છે. શ્રીહરિમાં જે જન વૃત્તિ જોડે છે ત્યારે તેની સમીપ તેઓ આવીને ઊભા રહે છે. ગાન કરે તેની પાછળ પાછળ ફરે છે. જેટલી હરિમાં વૃત્તિ જોડે તેટલો તે નિર્વાસનિક થાય. આવો અતિ અપાર લાભ સમજીને જે વૃત્તિ જોડતો નથી તેને નીચ જાણવો.19
કીર્તન-ભક્તિમાં શ્રીહરિનો નિવાસ છે. અને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય તેમાં રહેલાં છે, તેનાથી શ્રીહરિનાં ચરિત્રની સ્મૃતિ થાય છે અને સાંભળનારનો જીવ તદાકાર થાય છે. વ્યાધિમાત્ર ટાળવાનો તે ઉપાય છે.20
ભક્તના અંતરમાં ભગવાનનાં દર્શન-પૂજન-અર્ચનની જેટલી આતુરતા હોય તેટલા શ્રીહરિ તેની પાસે આવે છે અને મનોરથો પૂરા કરે છે. જેટલી આતુરતા ઓછી એટલી કસર છે.21
શ્રીહરિ પધારતાં જેને પ્રેમ વધતો રહે તેને શ્રીહરિ ઓળખી લેતા ને તેને જ ઘરે જતા, ભલે નિર્ધન હોય પણ પ્રેમ છે તો તે કુબેરથી અધિક ધનવાન છે. કુબેર જેવા ધનવાન હોય તોપણ જો ભક્તિ ન હોય તો તે કંગાલ છે. શ્રીહરિ તેની કંચનમય સેવા હોય તોપણ નિર્માલ્ય જેવી જ માને છે. દુર્બળ ભક્ત ભાવથી રોટલો ને ડોડીની ભાજી અર્પણ કરે તોપણ દસ દિવસના ભૂખ્યા હોય તેમ પ્રેમથી જમે. પ્રેમ અને શ્રદ્ધા એ બેય જેમાં હોય અને કુટિલતા ન હોય તેને શ્રીહરિ વશ વર્તે છે. આકાશ નિર્બંધ છે છતાં બ્રહ્માંડમાં બંધાયેલું છે, તેમ નિર્બંધ શ્રીહરિ પ્રેમ અને શ્રદ્ધાની દોરીથી બંધાયેલા છે.22
શ્રીહરિનાં ચરિત્રોમાં જીવનું કલ્યાણ રહેલું છે. ચરિત્રરૂપી રસ આગળ બીજા રસો તો સાકરની આગળ લવણ સમાન છે. સુખમાત્ર તો તેમાં રહેલું છે, ને તે સર્વ સાધનના ફળરૂપ છે. તેમાં જેને હેત થાય તેનાં સાધન પૂર્ણ થયાં અને તેનું ભવ-ભટકણ મટી જાય છે. ધામમાં પણ ભગવાનનાં ચરિત્રો અને મહિમાનું શ્રવણ અને ગાન કરતાં મુક્તો પણ તૃપ્ત થતા નથી, એવો ભગવાનની મૂર્તિનો રસ છે.23
શ્રીહરિને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ગમે છે. જેણે આ એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો છે, તેને શ્રીહરિ જેમ જેમ વધુ માન દે તેમ તેમ તે દાસનો દાસ થઈ વર્તે. સંતો-ભક્તોની સેવાના ફળરૂપે વખતોવખત શ્રીહરિ તેને સંભાર્યા કરે છે.24
બ્રહ્માંડ જેટલું ધન મળે, પણ ભગવાન ને સંતના ઉપયોગમાં ન આવ્યું તો તે વ્યર્થ છે - એવી જેને સમજણ ન હોય તે હરિભક્ત કસરવાળા કહેવાય. ભગવાનથી અધિક કોઈ સુખને માને નહિ. સ્વપ્નમાં પણ તેમ ન મનાય ત્યારે યથાર્થ જ્ઞાન કહેવાય. ક્યારેક ચિત્તભંગ થાય તથા દીર્ઘરોગ થાય અને પ્રારબ્ધવશ થઈને દેહનો નિર્ધાર ન રહે ત્યારે પણ જે જ્ઞાન જાય નહિ અને શ્રીહરિને જીવ સાથે જડ્યા હોય, સંત-હરિભક્તોનો દાસ થઈને વર્તતો હોય, વિના વાંકે અપમાન કરે તોપણ ધીરજ રહેતી હોય, તે જ પાકો સત્સંગી છે.25
રસિકજનોને ભગવાનનાં ચરિત્ર અમૃત સમાન છે. વિષયીજનોને વિષરૂપ છે. કથામાં લેશ પણ આળસ પ્રમાદ રહે તે સાચો રસિક નથી. રસિકને તો શત્રુના મુખે ભગવાનની વાત અમૃત સમાન લાગે. પોતે ભગવાનની વાત કરે તેમાં કોઈ પર વેર-ઈર્ષ્યા રાખે નહિ; અને રાખે તો કોટિ ગૌહત્યાથી અધિક પાપી છે.
અનંત બ્રહ્માંડના રસથી પણ અધિક રસ ભગવાનનાં ચરિત્રમાં છે. તે પીવામાં નિદ્રા, આળસ હોય અને ધ્યાનમાં રાત-દિવસ બેસતો હોય તોપણ તેને ભક્ત ન જાણવો. કારણ, શુક-સનકાદિક જેવા ધ્યાની અને સિદ્ધો પણ ભગવાનનાં ચરિત્રનું પ્રેમથી ગાન કરે છે. વાયુનો આહાર કરે, અગ્નિમાં બેસે, એમ પૂજાવાના અનેક ઉપાયો કરે છે, પણ ભગવાન ઉપર પ્રીતિ ન હોય તે છૂપું રહેતું નથી. શ્રીહરિ અને સંતમાં પ્રીતિ હોય તે સેવામાં પરખાય છે, પણ બધાયને તે વાત દેખાતી નથી એવી અટપટી છે.26
શ્રીહરિનાં ચરિત્ર સંભારવાં તેના જેવું કોઈ સાધન બળવાન નથી. હરિનાં ચરિત્રો એક દિવસનાં જ હોય, પણ તેને કહેતાં વરસ જેટલો સમય લાગે. ચરિત્ર સાંભળીને હરિજન બીજાને કહે તે ધન્ય થઈ જાય છે. હેતે કરીને સાંભળે તે અતિધન્ય થાય છે. તેને જન્મમરણ કે લખચોરાશીના ફેરા રહેતા નથી.
શાસ્ત્રોમાં કહેલાં તીર્થ, વ્રત, તપ કરે તે એક હજાર કલ્પ સુધી કરે તોપણ તેનો ઉદ્ધાર ન થાય, તે હરિનાં ચરિત્રથી સહેજે થાય છે. કાળ, માયાના ભયથી રહિત થઈને ઇચ્છિત સુખને પામે છે. આવું જાણી સંતો-ભક્તોએ શ્રીહરિના ચરિત્રો કહેવાં. હરિનાં ચરિત્ર કેવળ મનુષ્યયોનિમાં જ શ્રવણ થઈ શકે છે. એટલે જ વ્યાસજી અને શુકજી તે કહેતાં થાકતા નથી, પ્રહ્લાદ, ઉદ્ધવ, ગોપીઓ જેવાં ભક્તો શ્રીહરિનાં ચરિત્રને અમૃત જાણી રસપૂર્વક તેનું પાન કરે છે.
હરિનાં ચરિત્રના જે લોભી છે તેને મનુષ્યનું તન મળે છે. પછી બ્રહ્માંડ જેટલી રાજસમૃદ્ધિ મળે તોપણ તેને સહજે ઠેલી દે છે ને હરિનાં ચરિત્રોમાં બહુ લાભ ગણીને શ્રવણ કરવાથી નિવૃત્ત થતા નથી. ત્રિલોકીનું રાજ મળે ને તે જો હરિનાં ચરિત્ર સાંભળે નહિ તો તેને રાક્ષસ ને દૈત્ય લેખવા. ચરિત્ર કહે અને શ્રવણ કરે પણ બીજા પર અસૂયા કરે તો તે રુરુ નર્કમાં પડે છે.27