॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

કળશ: ૧

 

॥ શ્રીહરિલીલામૃત ॥

 

અથ ગ્રંથોત્પત્તિર્નામઃ પ્રથમકલશપ્રારંભઃ ॥

 

શાર્દૂલવિક્રીડિતવૃત્તમ્

શ્રીમાનક્ષરનાયકોઽખિલગુરુઃ ષડ્ભિર્ભગૈઃ સંયુતઃ ।

સર્વેશોઽખિલકારણં યદપરો નાસ્તીશિતા કોઽપિ વા ॥

લીનત્વં સમુપાગતેઽથ નિખિલે માયાપરે પૂરુષે ।

સોઽસ્મિંસ્તિષ્ઠતિ મે શુભં ચ કુરુતાત્સ્વીયૈઃ સમં ક્રીડતિ ॥૧॥

સર્વ શોભાનું ધામ, અક્ષરબ્રહ્મના પણ નિયંતા, સમગ્ર જીવ પ્રાણીમાત્રના સ્વામી, જ્ઞાન-બલ-ઐશ્વર્ય-વીર્ય-શક્તિ-તેજ આ છ ગુણોથી યુક્ત, ચિદ્-અચિદ્ સમગ્રના નિયંતા, સર્વનું કારણ, વળી જેનાથી ઉપર બીજો કોઈ નિયંતા નથી એવા તથા પ્રલયકાળે આ સમગ્ર જડ-ચિદ્ વિશ્વ માયાથી પર એવા મહાપુરુષમાં લીન થઈ જાય છે ત્યારે તે મહાપુરુષ પણ આ પરબ્રહ્મ પરમાત્માને આધારે રહે છે. વળી, પોતાના મુક્તો સાથે જે આનંદ કરે છે, એવા તે સર્વાત્મા શ્રીહરિ મારું મંગળ કરો.

 

શ્રીદિવ્યાંબરધારિણં જનમનઃસન્તોષવિસ્તારિણં ।

ભક્તાશર્મવિદારિણં મનસિજવ્યામોહસંહારિણમ્ ॥

ધર્મારિક્ષયકારિણં શ્રુતિમુનિત્યક્તાકસંવારિણં ।

તં ધ્યાયામ્યવતારિણં મુહુરહં શ્રીસ્વામિનારાયણમ્ ॥૨॥

અતિ સુંદર દિવ્ય વસ્ત્રો ધારણ કરનાર, આશ્રિત જનોના મનને સર્વ રીતે સંતોષ પમાડનાર, પોતાના ભક્તોનાં દુઃખોનો નાશ કરનાર, કામાસક્તિના વેગનો નાશ કરનાર, અધર્મનો નાશ કરનાર તથા વેદો તથા ઋષિમુનિઓએ બતાવેલાં પાપો અથવા દુઃખોનો નાશ કરનાર, એવા તે સર્વાવતારી શ્રીસ્વામિનારાયણ ભગવાનનું હું નિરંતર ધ્યાન ધરું છું.

 

યોઽસઙ્ખ્યાસુભૃતાં નિજાક્ષરપદપ્રસ્થાપનાય ક્ષિતૌ ।

જાતઃ પ્રાજ્યદયાસુધાર્દ્રહૃદયઃ સ્વેચ્છાધૃતન્રાકૃતિઃ ॥

આત્મીયૈશ્ચરિતૈર્બહૂંશ્ચ સુખયન્ પ્રાણિવ્રજાન્ સાદરં ।

તં વન્દે સુમુદેષ્ટદેવસહજાનન્દાહ્વયં સ્વામિનમ્ ॥૩॥

જેઓ અસંખ્ય જીવોને પોતાના અક્ષરધામરૂપ મહાપદ પમાડવા માટે અત્યંત દયારૂપી અમૃતથી ભીંજાયેલા હૃદયવાળા થયા થકા પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. અને જેમણે પોતાનાં ચરિત્રો વડે અનેક જીવોને સુખ આપવા માટે પોતાની જ ઇચ્છાથી મનુષ્યાકૃતિ ધારણ કરી છે, એવા તે ઇષ્ટદેવ શ્રીસહજાનંદ સ્વામીને હું આનંદપૂર્વક અને અતિ આદર સહિત નમસ્કાર કરું છું.

 

વિશ્વોત્પત્તિમુખક્રિયાસુ યમયન્પાદ્માંશ્ચ વિષ્ણૂઞ્છિવાન્ ।

સક્તઃ ક્વાપિ ન તાસુ દિવ્યવિભવઃ કારુણ્યપૂર્ણેક્ષણઃ ॥

દેહ્યાત્મીયવિબોધિનીં તતમતિં વાણીશિતા મે મુદા ।

સર્વેશોઽક્ષરધામનિ સ્વકવૃતઃ સંરાજસે ત્વં સદા ॥૪॥

અનેક બ્રહ્મા, વિષ્ણુ અને શિવને વિશ્વની ઉત્પત્તિ વગેરે કાર્યમાં જોડીને એમનું નિયમન કરનારા તથા તે કોઈપણ ક્રિયામાં ક્યાંય પણ આસક્ત નહિ થનારા, દિવ્ય વિભૂતિવાળા, કરુણાભરી દૃષ્ટિવાળા અને વાણીના નિયંતા એવા શ્રીહરિ મને આત્મા-પરમાત્માને યથાર્થ જણાવનારી એવી વિશાળ બુદ્ધિ રાજી થઈને આપો. હે હરિ! સર્વના નિયામક એવા આપ તો અક્ષરધામમાં પોતાના મુક્તોથી વીંટાયા થકા સદા શોભી રહ્યા છો.

 

દિવ્યાનેકગુણૈકરત્નસદનં સર્વાદિમીશેશ્વરં ।

સચ્ચિત્સૌખ્યમયાકૃતિં તનુધરૈર્વેદૈઃ સ્તુતં સન્નતૈઃ ॥

નૈકબ્રહ્મશિવાદિગીતયશસં યસ્મૈ સુરાદ્યા બલિં ।

સામન્તા ઇવ ચક્રવર્તિનમિહ ધ્યાયેઽર્પયન્તિ પ્રભુમ્ ॥૫॥

તમામ દોષોએ રહિત એવા અનેક દિવ્ય ગુણોરૂપી રત્નોના ખજાનારૂપ, સર્વના કારણ, ઈશ્વરોના પણ ઈશ્વર, સચ્ચિદાનંદમયમૂર્તિ જેમની છે એવા અને નમસ્કાર કરી રહેલા એવા મૂર્તિમાન વેદો વડે સ્તુતિ કરાયેલા, અનેક બ્રહ્મા, શિવ વગેરે દેવોએ જેનો મહિમા ગાયો છે એવા તથા આ લોકમાં ખંડિયા રાજાઓ જેમ ચક્રવર્તી રાજાને ભેટ આપે તેમ અનંત દેવ-ઈશ્વરો જેમને ભેટ અર્પે છે એવા સમર્થ શ્રીહરિને હું ધ્યાનમાં ધારું છું.

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે