કળશ ૧

વિશ્રામ ૧૩

 

પૂર્વછાયો

ભૂમાનંદ મુનિ કહે, સુણો સ્નેહથી વાઘજીભાઈ;

હરિલીલામૃત ગ્રંથની, ઉતપતિ કહું સુખદાઈ. ૧

ચોપાઈ

કથા વક્તા શ્રીઅચિંત્યાનંદ, જે છે વર્ણી મંડળમાં ચંદ;

શ્રોતા ભક્ત અભેસિંહરાય, તેની જાણવા મૂળ કથાય. ૨

કહ્યું ગોંડળનું આખ્યાન, જે છે જાણવા જોગ્ય નિદાન;

જદુવંશમાં રાજાઓ જેહ, થયા સત્સંગી મેં કહ્યા તેહ. ૩

થયા ગોંડળના જે રાજાજી, જેનું નામ ભલું જ દેવાજી;

તેના ભાઈ હઠીસિંહ નામ, ભાવસિંહ બીજા અભિરામ. ૪

હઠીસિંહનો વંશ વખાણું, સુત નોંધણજી એક જાણું;

થયા પુત્ર તે રવોજી તેના, મોટા પુત્ર વખતસિંહ જેના. ૫

છોટા દોલતસિંહજી જાણો, મોટાના હરિભાઈ પ્રમાણો;

હઠીસિંહનો વંશ વખાણ્યો, ભાવસિંહજીનો હવે જાણો. ૬

ખેંગાભાઈ તથા મોડભાઈ, ત્રીજા ભગવાનજી પણ ન્યાયી;

ભાવસિંહના તે ત્રણ પુત્ર, સતસંગી સઊ ઘરસૂત્ર.1

ખેંગાજીના કુંવર સુખદાઈ, અભેસિંહ તથા વજુભાઈ;

અભેસિંહ તણા સુત જેહ, નામે ભગવતસિંહજી તેહ. ૮

મોડભાઈ તણા જુણોભાઈ, તેના કુંવર કહું હરખાઈ;

રામસિંહ હરિસિંહ નામ, તેને વા’લા ઘણા ઘનશ્યામ. ૯

ભગવાનજીના પથોભાઈ, ત્રણ કુંવર તેના કહું ગાઈ;

એક અમરસિંહજી ભણિજે, બીજા તો રત્નસિંહ ગણિજે. ૧૦

નારસિંહજી ત્રીજાનું નામ, ત્રણે કુંવર તે સદ્‌ગુણ ધામ;

સુત ખેંગારજીના વિખ્યાત, અભેસિંહ તણી સુણો વાત. ૧૧

પૂર્વછાયો

લાયક છે હાલારમાં,2 એક ગણોદ ગુણીયલ ગામ;

ભાદર ભલી ભાગીરથી, સરિતા વહે તે ઠામ. ૧૨

ચોપાઈ

જેમાં નાહ્યા છે શ્રીમહારાજ, સાથે લઈ સઉ સંત સમાજ;

માટે તીર્થ ગણાય છે તેહ, જાણે મર્મ હરિજન જેહ. ૧૩

વળી પુરમાં પધાર્યા છે નાથ, સંત મંડળને લઈ સાથ;

અભેસિંહજી નામ અનૂપ, ભલા તે તો ગણોદના ભૂપ. ૧૪

જાતે જે કહ્યા જાદવવંશી, કોઈ ઉત્તમ દેવના અંશી;

કાં તો મુક્તે લીધો અવતાર, એમ ધારે દેખી નરનાર. ૧૫

જાણે રાજાની નીતિની રીત, પ્રભુ પ્રગટ પદે પુરી પ્રીત;

ધરે એક પગે ઉભા ધ્યાન, મોટા મુનિવર સિદ્ધ સમાન. ૧૬

કથા શ્રવણ કરે શુભ રીતે, પૃથુરાય પ્રમાણે તે પ્રીતે;

રહે અંતર જગથી ઉદાસી, જેવા જાણીયે જોગ અભ્યાસી. ૧૭

ધન વાવરે સત્સંગ અર્થે, કોડી એક ન વાવરે વ્યર્થે;

મળ્યા તેને ગુણાતીતાનંદ, ઉપદેશ કર્યો સુખકંદ. ૧૮

ચડ્યો સત્સંગનો બહુ રંગ, જેમ સાકર દૂધ પ્રસંગ;

એક દિવસ શ્રી ગોપાળાનંદ, સાથે લૈને મુનિ તણું વૃંદ. ૧૯

ગયા ચાહિને ગામ ગણોદ, ઊપજ્યો નૃપને મન મોદ;

પધરાવીયા દરબારમાંય, પ્રેમે પૂજી જમાડીયા ત્યાંય. ૨૦

પછી ચોપાટમાં સભા ભરી, સ્વામીયે પ્રભુવારતા કરી;

વાત સ્વામીયે ભૂપને કહી, વરતાલ ગયા છો કે નહી? ૨૧

ત્યારે ભૂપ કહે કહું છુંય, વરતાલ ગયો નથી હુંય;

સુણીને સ્વામી બોલિયા એમ, એવી ભૂલ કરી તમે કેમ? ૨૨

શિક્ષાપત્રી તો વાંચો છો નિત્ય, તેનો અર્થ વિચાર્યો ન ચિત્ત;

સતસંગી જે જન કહેવાય, તે તો દ્વારિકા તીરથે જાય. ૨૩

તે તો દ્વારિકાના દેવ જેહ, વરતાલે આવી વસ્યા તેહ;

તહાં ગોમતીમાં કરી સ્નાન, છાપો લેવી કહે ભગવાન. ૨૪

છાપો બીજે લેવાનું જ ક્યાંઈ, નથી સત્સંગના ગ્રંથમાંઈ;

નિજ બે છબી પોતાને હાથે, પધરાવી ત્યાં વૃષકુળનાથે. ૨૫

છબી પોતાની મંદિરમાંઈ, પધરાવી નથી બીજે ક્યાંઈ;

રામનવમી પ્રબોધની જેહ, એવા શ્રેષ્ઠ સમૈયા બે તેહ. ૨૬

વર્ષોવર્ષ આવીને સદાય, કરતા હરિ વરતાલમાંય;

ઉદ્ધવી સંપ્રદાયના જેહ, વરતાલે કરે તીર્થ તેહ. ૨૭

અતિ ઉગ્ર3 માહાત્મ્ય છે એવું, નથી તીરથ વરતાલ જેવું;

માટે સર્વ કુટુંબ સહિત, કરો જાત્રા જઈ રુડી રીત. ૨૮

અભેસિંહે ધાર્યું એહ કાળ, જાત્રા કરવા જાવું વરતાલ;

સજી સંઘને થયા તૈયાર, સાથે સંચર્યાં બહુ નર નાર. ૨૯

એક રાણી રુડાં કસલિબા, બીજી રાણીનું નામ અજીબા;

રામબા કુંવરી તણું નામ, સાથે સંચર્યાં જાત્રાને કામ. ૩૦

ભલા ભગવતસિંહ કુમાર, તાત તુલ્ય તે ભક્ત ઉદાર;

સિંહના સુત સિંહ જ થાય, તેવો દાખલો સત્ય દેખાય. ૩૧

ભક્ત ભગવતસિંહ ગણાયા, બાળાપણ થકી બહુ વખણાયા;

સારા તે સુતને લીધા સાથે, વરતાલ જતાં નરનાથે. ૩૨

જુણોભાઈ હરિભક્ત જેહ, થયા તૈયાર જાત્રાયે તેહ;

કેશાબા તેની રાણી પવિત્ર, રામસિંહ હરિસિંહ પુત્ર. ૩૩

અભેસિંહે લીધાં સહુ સંગે, ચાલી રૈયત કોઈ ઉમંગે;

ભૂપે સારી સજી અસવારી, અસ્ત્ર શસ્ત્ર લીધાં અંગે ધારી. ૩૪

ઘણા હણહણે ચંચળ ઘોડા, રથ પાળા ને ઊંટ સજોડા;

જાણે જીતવા શત્રુ કુસંગ, ભૂપે સેના સજી ચતુરંગ. ૩૫

એમ કરતા મુકામ મુકામ, આવ્યા ભૂપતિ વરતાલ ધામ;

ત્યારે રઘુવીરજી મહારાજે, સારી બરદાશ4 કરવા કાજે. ૩૬

દાસ ગોવરધન તેડ્યા પાસ, બીજા કોઠારી અંબાઈદાસ;

કહ્યું સારો ઉતારો જ દેજો, તમે હાજર બે જણ રહેજો. ૩૭

લખ્યું છે શિક્ષાપત્રીમાં એવું, દેવું માન જેને ઘટે જેવું;

માટે જો તે વચન ન લોપાય, શ્રીજી મહારાજ રાજી તો થાય. ૩૮

એવું સાંભળી બોલ્યા કોઠારી, અમે માનશું આજ્ઞા તમારી;

પણ બાઇયો આવી છે જેહ, ઉતરી છે હવેલીમાં તેહ. ૩૯

હવેલીમાં અમે ન જવાય, માટે શી રીતે બરદાશ થાય?

ભલા ભક્ત છે શામળભાઈ, જાય છે તે તો હવેલી માંઈ. ૪૦

એ છે ઇન્દ્રિયજીત અતિશે, સનકાદિક સરખા તે દિસે;

માટે તેને સમીપ બોલાવો, હવેલી તણું કામ ભળાવો. ૪૧

દરબાર તણે જ ઉતારે, કામે જાવું પડે વારે વારે;

જોશી ઉમરેઠના વિષ્ણુરામ, તમે તેને સોંપો તેહ કામ. ૪૨

અમે રાખશું પૂરો તપાસ, સારી રીતે થશે બરદાશ;

રઘુવીરજીને વાત ભાવી, કહી બે જણનેય બોલાવી. ૪૩

સુણી પામિયા સર્વ હુલાસ, સૌની સારી કરી બરદાશ;

ભૂપ મંદિર માંહિ પધાર્યા, આપી સારો ઉતારો ઉતાર્યા. ૪૪

કર્યાં દર્શન દેવનાં પ્રિતે, સભામાં ગયા કુંવર સહિતે;

શોભે ભૂપનો તો સાદો વેષ, ધર્યાં ભૂષણ કુંવરે વિશેષ. ૪૫

રઘુવીરજીને લાગ્યા પાય, ઉર માંહિ ઉમંગ ન માય;

દિસે કેવા મુનિમાં નરેશ, મુનિમંડળમાં મિથિલેશ.5 ૪૬

હરિ ચરિતની ચરચા કીધી, પછી આજ્ઞા તે સર્વની લીધી;

ગોમતીમાં જઈ કર્યું સ્નાન, દીધાં બ્રાહ્મણને બહુ દાન. ૪૭

જ્ઞાનબાગે ગયા ગુણવૃંદ, જ્યાં છે વર્ણી શ્રીઅચિંત્યાનંદ;

રૂડી જગ્યા પ્રસાદીની જોઈ, રુદે રાજી થયા સહુ કોઈ. ૪૮

પૂર્વછાયો

વર્ણી સમીપે સંચરી, પ્રેમે કર્યો નરેશે પ્રણામ;

ત્યારે તે જાગ્યા ધ્યાનથી, મહા નૈષ્ઠિક જે નિષ્કામ. ૪૯

ચોપાઈ

વળી રાજાયે કીધો પ્રણામ, ત્યારે બોલાવિયા લઈ નામ;

વળી વર્ણીયે આશીષ દીધી, પછી ભગવત વારતા કીધી. ૫૦

પછી બોલ્યા અભેસિંહ ભૂપ, સુણો વર્ણી સદા સુખરૂપ;

મને સ્વામીશ્રી ગોપાળાનંદ, મળ્યા સાથે લઈ મુનિવૃંદ. ૫૧

વરતાલનો મહિમા વખાણ્યો, અમે સાંભળી અંતરે આણ્યો;

સાથે લૈને કુટુંબ સમાજ, વરતાલે આવ્યા અમે આજ. ૫૨

વરતાલ તણો મહિમાય, વળી છે સુણવાની ઇચ્છાય;

દયાસિંધુ દયા દીલ ધરો, મહિમા આંહી કેરો ઉચ્ચરો. ૫૩

સુણી બોલિયા વરણીરાય, સુણો વરતાલનો મહિમાય;

ગુરુશ્રી ગોપાળાનંદજી છે, જેનાં ઈશ્વર દર્શન ઇચ્છે. ૫૪

તેણે મહિમા કહ્યો મુજ પાસ, તે હું આજ કહું સહુલ્લાસ;

બ્રહ્મા ઉચ્ચરે છે મુખ ચારે, શેષ ઉચ્ચરે વદન હજારે. ૫૫

મહિમા તણો પાર ન પામે, નેતિ નેતિ કહીને વિરામે;

વાલો અક્ષર ધામના વાસી, વિચર્યા છે જહાં અવિનાશી. ૫૬

ગામમાંઈ તથા સીમમાંઈ, નથી રમણરેતી6 વિના ક્યાંઈ;

ઝાડે ઝાડે તથા ઘેર ઘેર, વિચર્યા છે પ્રભુ રુડી પેર. ૫૭

વરતાલે કરી લીલા જેવી, બીજે ક્યાંઈ કરી નથી એવી;

ધર્યો મણિમય મુગટ માથે, લીધી હેતથી મોરલી હાથે. ૫૮

હરિ ઝુલ્યા છે સરસ હિંડોળે, રંગ ખેલ કર્યો ફુલદોળે;

સમૈયા ઘણા વરતાલે કીધા, પરચા ઘણા લોકને દીધા. ૫૯

ઘણીવાર બોલ્યા ઘનશ્યામ, મને વાલું છે વરતાલ ધામ;

દ્વારિકાપતિ રણછોડરાય, વસ્યા આવીને વરતાલ માંય. ૬૦

એક ત્રાજવે તીર્થ હજારે, બીજા ત્રાજવે વરતાલ ધારે;

ધામ વૈકુંઠ આદિ ધરાય, તોય વરતાલ તુલ્ય ન થાય. ૬૧

બ્રહ્મા ભવ સનકાદિક જેવા, તીર્થ કરવાને આવે છે તેવા;

આવે પુરુષપ્રધાન સંયુક્ત, આવે અક્ષરધામના મુક્ત. ૬૨

ધરી આવે તે તો દિવ્ય દેહ, જન દેખે સમાધિસ્થ જેહ;

હસ્તિ પગલામાં સૌનાં સમાય, તીર્થ વરતાલ તેમ ગણાય. ૬૩

પુષ્પિતાગ્રાવૃત્ત

વૃતપુર મહિમા કહ્યો ન જાય, કદી મુખ શેષ સહસ્ર કલ્પ ગાય;

વૃષસુતતણી મુખ્ય ગાદિ જ્યાં છે, ત્રિભુવન તત્ત્વ અનેક તીર્થ ત્યાં છે. ૬૪

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયસિંહનૃપસંવાદે વૃત્તાલયતીર્થ

માહાત્મ્યકથન નામા ત્રયોદશો વિશ્રામઃ ॥૧૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે