કળશ ૧

વિશ્રામ ૧૮

 

પૂર્વછાયો

વળી કહું વરતાલનાં, ગામ બહાર જે જે સ્થાન;

જ્યાં વિચર્યા કે જ્યાં વસ્યા, ભક્તિતનુજ ભગવાન. ૧

ચોપાઈ

ગામથી પૂર્વ દિશનું તળાવ, તેમાં નાહ્યા મનોહર માવ;

ઘણીવાર ત્યાં નટવર નાથે, જળકેળી કરી સખા સાથે. ૨

હનુમાનની દેરી છે તીર, તહાં બેઠા છે શ્યામશરીર;

હનુમાન પ્રસાદીના કર્યા, તેની મૂરતિ ઉપર કર ધર્યા. ૩

સમૈયાને દિને એકવાર, આવ્યા દર્શને લોક અપાર;

હનુમાનને ધાબે બિરાજી, કૃષ્ણે દર્શન સૌને દીધાંજી. ૪

કૂવો કાંઠે તળાવને જેહ, પ્રભુની છે પ્રસાદીનો તેહ;

પ્રભુ પ્રથમ પધાર્યા જે કાળે, તે કૂવા થકી પશ્ચિમ પાળે. ૫

પોતે બેઠા હતા ધરી ધ્યાન, પગી જોબન આવ્યા તે સ્થાન;

કોઈ મોટા જોગીરાજ જાણી, ગામમાં લૈ ગયા ભાવ આણી. ૬

તે તલાવથી ખુણે ઈશાન, એક આંબો હતો શોભામાન;

અમદાવાદના હરિજને, દીધી રસોઈ ત્યાં એક દને. ૭

રંગદાર રંગોળી પુરાવી, શામહસ્તે સેવો પીરસાવી;

જમ્યા સંત તથા સહુ પાળા, પ્રભુ કીધી પવિત્ર રસાળા. ૮

એ જ આંબે હીંડોળો બંધાવી, ઝુલ્યા છે જગજીવન આવી;

ગામથી પૂર્વમાં જ્ઞાનબાગ, પ્રસાદીનો છે એ તો અથાગ. ૯

હાલ બેઠક છે જે જગ્યામાં, હતો આંબલો વાયુ દિશામાં;

ન ફળે એવી આંબલી જેહ, કહેવાય છે આંબલો એહ. ૧૦

તેની ડાળ તણી તો લંબાઈ, હતી બેઠક સુઘી છવાઈ;

તેહ ડાળે હીંડોળો બંધાવી, અક્ષરાધીશ ઝુલ્યા છે આવી. ૧૧

સજીને ત્યાં સભા ઘણીવાર, બિરાજ્યા છે શ્રીધર્મકુમાર;

ચારે પાસ તે આંબલા ફરતા, ટાંગી ઝોળિયો સંત ઉતરતા. ૧૨

ત્યાંથી ઉગમણી બે આંબલિયો, ભભકાદાર દિસતી ભલિયો;

તહાં બેસીને ભક્તિનો લાલ, જમ્યા છે જગજીવન થાળ. ૧૩

ત્યાંથી પૂર્વમાં રાયણ હતી, જમ્યા થાળ ત્યાં સંતના પતિ;

ત્યાંથી પૂર્વમાં એની જ ઓળે,1 આંબે નાથ ઝુલ્યાતા હિંડોળે. ૧૪

જુઓ બેઠકથી પૂર્વ ભાગે, હોજ બે જોતાં સુંદર લાગે;

રુડો તેમાં ભરાવીને રંગ, રમ્યા શ્રીહરિ સંતને સંગ. ૧૫

હોજ પૂર્વનો સંતને આપ્યો, તેથી પશ્ચિમે પોતાનો થાપ્યો;

અગ્નિખૂણામાં બેઠક થકી, આંબા બેય રહ્યા હતા ઝુકી. ૧૬

બાંધ્યો હીંડોળો ત્યાં બહુ સારો, તેમાં ઝુલ્યા છે ધર્મદુલારો;

ફુલડોળનો દિવસ તે હતો, થયો ઉત્સવ શ્રેષ્ઠ શોભતો. ૧૭

ત્યાંથી બાવળ પશ્ચિમમાંય, માથે નોબત મૂકતા ત્યાંય;

શ્રીજી જ્યારે સભામાં પધારે, તે નોબત બજાવતા ત્યારે. ૧૮

કાં તો ઉત્સવની ઘડી આવે, ચિદાનંદ નોબત બજાવે;

આંબલા થકી નૈરૂત માંય, કેદારેશ્વર છે શિવ ત્યાંય. ૧૯

કૃપાનાથે કૃપા ઉર ધરી, તેની જગ્યા પ્રસાદીની કરી;

દિશ બેઠકથી જે ઇશાન, કૂવો મોઈડિયાનો તે સ્થાન. ૨૦

કૂવો મૂળજી પટેલ કેરો, આજ પ્રખ્યાત છે તે ઘણેરો;

વસ્ત્ર રંગવાળાં ધરી અંગે, તેમાં નાહ્યા છે નાથ ઉમંગે. ૨૧

દક્ષિણાદો બેઠક થકી ભાળો, કુવો વિખ્યાત વેરાગીવાળો;

પ્રભુ કેરી પ્રસાદીનો છેય, મોટા મુનિજન એમ કહેય. ૨૨

ભલો ગામથી ઇશાન ભાગ, રુડો છે જહાં વિશાળબાગ;

હરિચરણથી અંકિત એ છે, વૃંદાવન થકી ઉત્તમ જે છે. ૨૩

લક્ષ્મીનારાયણ પધરાવ્યા, કંકોતરિયા ત્યારે મોકલાવ્યા;

ત્યારે ગાયકવાડની વતી, નારુપંત આવ્યા સેનાપતી. ૨૪

વિશાળાબાગે કીધો ઉતારો, ભાગ ભૂમિનો ભાળીને સારો;

હેતથી ત્યાં તેડાવિયા હરિ, બાગમાં પધરામણી કરી. ૨૫

હાલ મોટો કૂવો છે જે ઠામ, પધરાવિયા ત્યાં ઘનશ્યામ;

પુરા પ્રેમ વડે પૂજા કરી, હેત દેખીને રીઝિયા હરિ. ૨૬

ધન્ય ધન્ય વિશાળાબાગ, ધન્ય ધન્ય તે ભૂમિનાં ભાગ્ય;

ધ્યાની ધ્યાનમાં તેને ધરે છે, સદા તેહ સમયને સ્મરે છે. ૨૭

ભુજંગીછંદ

બીજા બાગમાં ઝાડનાં ઝુંડ થાય, સમો વીતતાં તેહ સુકાઈ જાય;

શુચિ બાગમાં પુણ્યનાં બીજ વાવે, ઉગી નીકળે લક્ષધા લાભ આવે. ૨૮

ભલે હોય હેમંત કે ગ્રીષ્મ રત્ય, ફળો બારમાસી ફળે ત્યાં અમૃત્ય;2

જઈ જાણીને સ્વાદ લે એહ ઠામે, ફરી જન્મ કે મૃત્યુ તે તો ન પામે. ૨૯

ચોપાઈ

નરસંડા થકી એક વાર, આવતા હતા ધર્મકુમાર;

વિશાળાબાગથી પૂર્વ ભાગે, એક ખેતર સુંદર લાગે. ૩૦

વખતો જગતો પગી ભ્રાત, તેનું ખેતર તેહ વિખ્યાત;

તેનું નામ ઉમૈડાવાળું, રાયણોથી દિસે છે રૂપાળું. ૩૧

જીજીબા વખતા તણી માય, તે તો તે અવસર હતાં ત્યાંય;

ફળ રાયણનાં તે સંઘરતાં, સૂકવીને કોકડિયો કરતાં. ૩૨

બોલ્યાં તે પ્રભુને શિર નામી, ભલે આવીયા અંતરજામી;

ક્યાંથી ભેટ કરૂં ફળ સારાં, ફળ આ તો છે ડાંસ3 દેનારાં. ૩૩

મારા મનમાં તો છે ઘણો ભાવ, પણ શું કરું શ્રીહરિરાવ?

એવો ભાળીને ભાવ અપાર, બોલ્યા પ્રીતમ પ્રાણ આધાર. ૩૪

લાવો તે તો છે ફળ બહુ સારાં, હવેથી સદા સારાં થનારાં;

હવે તેમાં નહિ રહે ડાંસ, દેજો લક્ષ્મીપતિને દશાંશ. ૩૫

પછી ડોશીયે તે ફળ દીધાં, કૃપાનાથે કૃપા કરી લીધાં;

ફળ રાયણનાં થયાં મીઠાં, તે તો દૃષ્ટિયે બહુ જને દીઠા. ૩૬

એક અવસરે શ્રી મહારાજ, રંગ ઉત્સવનું કરી કાજ;

પીપળાદે કૂવે જઈ નાહ્યા, તહાં સંતોએ હરિગુણ ગાયા. ૩૭

પ્રભુ મજ્જનનું જળ લૈને, નાંખ્યું સંતોએ કૂપમાં જૈને;

તહાં વિપ્ર બે કરતાં રસોઈ, તેણે ધાર્યું પ્રભુ સામું જોઈ. ૩૮

હોયે ઉત્તમ અન્ન જો આજ, બોલાવી જમાડું મહારાજ;

કોદરા રોટલો મઠ દાળ, જમો કેમ કહું ધર્મલાલ? ૩૯

જાણી અંતરજામીએ વાત, વિપ્ર પાસે ગયા સાક્ષાત;

દાળ રોટલો માંગીને લીધો, ભાવ લાવીને બ્રાહ્મણે દીધો. ૪૦

જમ્યા જુગતીયે જગજીવન, માની લીધું તે ઉત્તમ અન્ન;

ભાવથી જ રીઝે ભગવાન, વિના ભાવે તજે પકવાન. ૪૧

ઉપજાતિવૃત્ત (ભાવથી દાન કરવા વિષે)

છે સ્વાદ તો આદર ભાવ માંહી, ઘી ગોળ કે સાકરમાં ન કાંહી;

દે સુખડી જ્યાં શુળીયે ચડાવે, મીઠી છતાં તે જરીયે ન ભાવે. ૪૨

પ્રેમે કરીને જળ કોઈ પાય, મિષ્ટાન્નથી સ્વાદ ઘણો જણાય;

અભાવથી જો જન દૂધ આપે, તે દૂધમાં સ્વાદ કશો ન વ્યાપે. ૪૩

માગ્યા વિના દે પય4 તે પ્રમાણો, માગી લીધું તે જળતુલ્ય જાણો;

અત્યાગ્રહે ખેંચી લીધું નિદાન, તે જાણવું શોણિતની5 સમાન. ૪૪

જે ભાવથી દાન ભલું કરાય, તે દાનનું તો ફળ શ્રેષ્ઠ થાય;

આપે અભાવે વળી લોકલાજે, તે દાન તો નિષ્ફળતા જ કાજે. ૪૫

જે દાન દે કામ કશું કરાવી, દે દાન દે વસ્તુ સડેલી લાવી;

કે દાન દૈ આપ ફુલાઈ ગાજે, તે દાન તો નિષ્ફળતા જ કાજે. ૪૬

ચોપાઈ

હવે સાંભળો સુજ્ઞ રાજન, પ્રસાદીનાં કહું સ્થાન અન્ય;

એક સોનારકૂઇ છે સારી, પ્રસાદીની કરી છે મુરારી. ૪૭

વળી ત્યાં છે રુડા વડ બેય, જાણો તેહ પ્રસાદીના છેય;

ઉમરેઠથી આવતા જ્યારે, વડ હેઠે ઉતરતા ત્યારે. ૪૮

એ જ કૂઇ તણું જળ પીતા, તેથી જાણવી પરમ પુનિતા;

ત્યાંથી ઉત્તરે ગોપીતળાવ, તેમાં નાહ્યા મનોહર માવ. ૪૯

પૌંવા દૂધ સંતોને જમાડ્યા, વળી રાત્રિયે રાસ રમાડ્યા;

એવી લીલા કરી છે અમૂલ્ય, તેથી તે તો વૃંદાવન તુલ્ય. ૫૦

રુડી સોનારકૂઇ જે કહી, ત્યાંથી દક્ષિણમાં જુઓ સહી;

ખરી માતા છે ત્યાં ખોડિયાર, તહાં વિચર્યા છે ધર્મકુમાર. ૫૧

રંગ ઉત્સવ ગામમાં કરી, ઘોડે બેસી પધારીયા હરિ;

પગી જોબન આદિક મિત્ર, હતા સાથે તે પરમ પવિત્ર. ૫૨

છાંટ્યો જૈ ખોડિયારને રંગ, કર્યું રંગમાં રસબસ અંગ;

તેથી ભક્ત થઈ તે તો દેવી, તેની વાત સુણો કહું કેવી. ૫૩

કોઈ ભીલ્લે જઈ બાધા લીધી, પશુ હણવાની માનતા કીધી;

તેને સ્વપ્નમાં દેવી દેખાઈ, કહ્યું ભક્ત થઈ હું તો ભાઈ. ૫૪

હવે હિંસા કરે મુજ પાસ, તેનું કાઢીશ હું સત્યાનાશ;

ઇચ્છા એવી દેવી તણી જોઈ, તહાં હિંસા કરે નહિ કોઈ. ૫૫

રસ્તે આવે જતાં જોળ્ય ગામ, સરોવર શુભ ટાડણ નામ;

તેમાં સંત સખા લઈ સાથ, ઘણી વાર નાહ્યા મુનિનાથ. ૫૬

તેનો પશ્ચિમનો જે કિનારો, મધ્યભાગ કિનારાનો સારો;

ધર્મકુળ તણો પ્રથમ મેળાપ, કર્યો તે સ્થળમાં પ્રભુ આપ. ૫૭

ધર્મકુળના પુરુષ અને નાર, ગયાં આવ્યાં દેશે ઘણીવાર;

કોઈવાર મળ્યા લોયા ગામે, કદી તો કારિયાણીને ઠામે. ૫૮

મળ્યા દુર્ગપુરે કોઈ વાર, જુદા મેળાપના છે પ્રકાર;

પણ પ્રથમ મેળાપ જે થયો, તે તો ટાડણને તીર કહ્યો. ૫૯

માટે તે સ્થળ માહાત્મ્ય મોટું, નથી પુષ્કરરાજથી છોટું;

પંપાસરોવર તો શા હિસાબે?, માનસરોવરને પણ દાબે. ૬૦

પુષ્પિતાગ્રા

હરિ વિચરણ ભૂમિ હોય જેહ, પરમ પવિત્ર ગણે મુનીન્દ્ર તેહ;

જપ તપ વ્રત દાન ત્યાં કરાય, ફળ અવિનાશી અનંત તેનું થાય. ૬૧

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયનૃપસંવાદે વૃત્તાલયે

સીમ્નિશ્રીહરિ-વિચરણસ્થાનનિરૂપણનામા અષ્ટાદશો વિશ્રામઃ ॥૧૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે