કળશ ૧

વિશ્રામ ૧૯

 

પૂર્વછાયો

વળી સુણો વરતાલની, શુચિ સીમ વિષે જે સ્થાન;

જ્યાં જગજીવન વિચર્યા, ભયભંજન શ્રીભગવાન. ૧

ચોપાઈ

ગામથી દિશા નૈરુતમાંય, ધના નામે તળાવ છે ત્યાંય;

હરિ ત્યાં બહુ નાહ્યા ઉમંગે, કોઈ વાર રંગાયેલે અંગે. ૨

એક વાર શ્રીધર્મકુમાર, માફો જોડાવી કીધો તૈયાર;

મુક્તાનંદાદિ સદ્‌ગુરુ જેહ, માવે માફામાં બેસાર્યા તેહ. ૩

શ્રીજી પોતે તો સારથી થયા, નાવા ધના તળાવે તે ગયા;

હાંક્યો અર્જુનનો રથ જેમ, હાંક્યો સંત તણો રથ તેમ. ૪

તે તળાવનું જાણવું આમ, બીજું ચંદનતળાવડી નામ;

પગી જોબને જગ્યા તે જોઈ, ઘણીવાર ત્યાં દીધી રસોઈ. ૫

શાવજી કૂવો છે વળી સારો, કરતા પ્રભુ ત્યાં તો ઉતારો;

પછી ત્યાંથી સજી અસવારી, આવતા વરતાલ મુરારી. ૬

તેની પાસેનાં ખેતર જેહ, પ્રભુચરણ અંકિત છે એહ;

સંતમંડળ પણ ત્યાં ઉતરતાં, દીનબંધુનાં દર્શન કરતાં. ૭

પધરાવ્યા લક્ષ્મીપતિ જ્યારે, પગી જોબન ભક્તે તે વારે;

શાવજીકૂવાથી તો દક્ષિણમાં, કર્યું ખેતર ભેટ તે ક્ષણમાં. ૮

પગી સાથે તે જોવાને કાજ, સંતસહિત ગયા મહારાજ;

બહુ રાજી થયા હરિ જોઈ, દીધી ત્યાં તે પગિયે રસોઈ. ૯

આખા ખેતરમાં પ્રભુ ફર્યા, અડવાણે1 પગે જ વિચર્યા;

વળી એમ બોલ્યા અવિનાશ, તમે સાંભળો જોબનદાસ. ૧૦

અર્પ્યું ઠાકોરને આ રુપાળું, નામ આજથી ઠાકોરવાળું;

રાજી થૈ બોલ્યા સૌ તતખેવ, જય લક્ષ્મીનારાયણદેવ. ૧૧

દિશા નૈરુત2 મંદિર થકી, એક વત્સાતળાવ છે નક્કી;

દુર્ગપુરે જતાં એકવાર, તહાં બેઠા’તા ધર્મકુમાર. ૧૨

ઘણી કેરિયો ત્યાં ભેટ આવી, નાથે સંતોને દીધી વેં’ચાવી;

એક કર્ણાપગી તણો કૂવો, બીજો અંટોળદાસનો જૂવો. ૧૩

ત્રીજો જંડિયો જે કહેવાય, ફાજીવાળો તે ચોથો ગણાય;

તેને બોરડીવાળો કહે છે, કૂવા સર્વે પ્રસાદીના એ છે. ૧૪

ગંગાજળિયો કુવો છે પ્રસિદ્ધ, પ્રભુયે તેને પાવન કીધ;

ત્યાં થકી સભામંડપ જ્યાં છે, જગ્યા સર્વે પ્રસાદીની ત્યાં છે. ૧૫

મંદિરેથી જે ઉત્તરભાગ, બન્યો જ્યાં છે નારાયણબાગ;

જુઓ જગ્યા તહાં સુધી જે છે, હરિચરણથી અંકિત એ છે. ૧૬

ગામ પટેલ આદિકે જ્યારે, આપી તે બાગની ભૂમિ ત્યારે;

શ્રીજીએ કહ્યું દાદાગુરૂને, કરી બાગ શોભાવો આ ભૂને. ૧૭

પ્રભુતાનંદજી સંત જેહ, કહેવાતા દાદાગુરુ તેહ;

કૂવો ખોદાવ્યો શ્રીજીયે ત્યાંય, નાહ્યા તે જળથી હરિરાય. ૧૮

સ્નાનનું જળ તે બધું રાખ્યું, દાદાગુરુયે તે કૂપમાં નાંખ્યું;

તહાં બાગ બનાવિયો સારો, દેખી બોલિયા ધર્મદુલારો. ૧૯

આનું નામ નારાયણબાગ, નારાયણ કૂપ જાણો આ જાગ;

બાગ તે સ્થળમાં મન ભાવ્યો, પ્રભુયે પાસે રહીને કરાવ્યો. ૨૦

તેનાં ફળ પરમેશ્વર જમ્યા, જમતાં જનને મન ગમ્યા;

આજ મંદિર છે જેહ ઠામ, હતો તે સ્થળમાં તે આરામ.3 ૨૧

તહાં ધર્મશાળા દિસે જ્યાંય, તેમાં ઉત્તમ ઓટો છે ત્યાંય;

તહાં બેસી જમ્યા છે જીવન, તે તો જાણે છે સૌ મુનિજન. ૨૨

નારાયણબાગની ભૂમિ જેહ, જાણો સર્વે પ્રસાદીની તેહ;

મીઠો કૂવો છે બાગ બહાર, પ્રસાદીનો સદા સુખકાર. ૨૩

ત્યાંથી વાયુની દિશા મોઝાર, હતું ધારુ તળાવ તે ઠાર;

પંચોતેરાની સાલમાં તેહ, આપ્યું ગામ પટેલોએ એહ. ૨૪

અગ્નિખૂણની આપી જમીન, અતિ પ્રેમ વિષે થઈ લીન;

પ્રભુયે તે કરી અંગિકાર, અનુકંપા4 કરીને અપાર. ૨૫

તે તળાવ વિષે જળ કાજે, ખોદાવ્યો વિરડો મહારાજે;

કર્યો ઓટો તળાવની પાળે, સભા ત્યાં ભરતા તેહ કાળે. ૨૬

તેથી પ્રથમ તો જ્યાં જ્ઞાનબાગ, સભા ભરતા ભાળી ભલો ભાગ;

અગન્યાએંશીનું વર્ષ આવ્યું, ત્યારે ધારુ તળાવ ખોદાવ્યું. ૨૭

હતું ઝાડ કદંબનું ત્યાંય, તેને થડ બેસતા જગરાય;

ચાલતું જે ખોદવાનું કામ, જોતા ત્યાં રહી સુંદરશામ. ૨૮

પૂર્વછાયો

એક સમે અક્ષરપતિ, ભાઈ રામપ્રતાપ સહીત;

કદંબ તળે ઉભા હતા, તેનું પ્રેમસખીયે કર્યું ગીત. ૨૯

ચોપાઈ

મધ્યભાગ તળાવનો જ્યાંય, ઝાડ કોઠીતણું હતું ત્યાંય;

તહાં જૈ બેસતા ઘનશ્યામ, જોતા ખોદ્યાનું ચાલે તે કામ. ૩૦

તેહ જગ્યાનું માહાત્મ્ય જાણી, અતિ અંતરમાં મુદ આણી;

ભગવત્પ્રસાદે ભલી રીતે, એક ઓટો કરાવ્યો છે પ્રીતે. ૩૧

દક્ષિણાદે કાંઠે આંબા બે છે, પ્રભુજીની પ્રસાદીના તે છે;

ત્યાંથી દક્ષિણમાં બીજા બેય, આંબા તે પ્રસાદી તણા છેય. ૩૨

ગોમતી કામ ચાલતું જ્યારે, એક ઝૂંપડી ત્યાં કરી ત્યારે;

રહેતા તહાં માધવદાસ, તેમાં પોઢ્યા જમ્યા અવિનાશ. ૩૩

માટે તે અતિ ઉત્તમ સ્થાન, જહાં બેઠા ઘણું ભગવાન;

જ્યારે આવી એકાશીની સાલ, માસ ચૈત્ર વસંત રસાળ. ૩૪

સચ્ચિદાનંદ સ્વામી ત્યાં આવ્યા, દ્વારિકા થકી ગોમતી લાવ્યા;

સ્થિર ધારુતળાવમાં સ્થાપી, પ્રાપતી પ્રભુપદ તણી આપી. ૩૫

ત્યારે અદભૂત ઉત્સવ કીધો, ડંકો જીતનો દેશમાં દીધો;

તેહ દિવસથી ત્યાં જ હંમેશ, સજતા સભા શ્રીપરમેશ. ૩૬

છત્રી ગોમતીથી પૂર્વે જે છે, અતિશે જ પ્રસાદીની એ છે;

ત્યાંથી ઉત્તરમાં ખીજડો છે, દશરા દિને તેને પૂજ્યો છે. ૩૭

છત્રીથી તો આથમણે કિનારે, હતી રાયણો બે અતી ભારે;

તહાં પણ પ્રભુ બેસતા ક્યારે, કામ થાતું તળાવનું જ્યારે. ૩૮

ત્યાંથી પંદર પગલાં ઉત્તરમાં, હતી કોઠી ત્યાં તે અવસરમાં;

પ્રભુ જૈ બેસતા તેને છાંયે, પૃથ્વી કીધી પ્રસાદીની ત્યાંયે. ૩૯

ગોમતી તણે ઉત્તર તીર, એક આંબો છે ગેર ગંભીર;

બિરાજ્યા છે તહાં બહુનામી, અક્ષરાતીત અંતરજામી. ૪૦

ગોમતી થકી વાયવ્ય ભાગ, રુડો છે ત્યાં રઘુવીરબાગ;

પગી જોબન આદિક તણાં, હતાં ખેતર ત્યાં કણે ઘણાં. ૪૧

વૃષનંદન ત્યાં વિચર્યા છે, બધા ખેતરમાં તે ફર્યા છે;

બાગથી જે આથમણો છે કૂવો, ત્યાંથી પૂર્વદિશા જઈ જુઓ. ૪૨

હતો આંબો ત્યાં એક રૂપાળો, ગેર ગંભીર વિસ્તારવાળો;

તહાં વર્યાળી બાઇયે આવી, હિંદુસ્તાનની રસોઈ બનાવી. ૪૩

જમ્યા ભાવસહિત ભગવંત, જમાડ્યા વળી સર્વે સુસંત;

પોંક બાજરી આદિક કેરો, જમ્યા બાગમાં હરિ બહુ ફેરો. ૪૪

ગોમતીથી ઇશાનમાં જુવો, પગી સુંદરનો ત્યાં છે કૂવો;

જઈ નાહ્યા છે શ્રીહરિ ત્યાંય, રંગખેલ કરી ગામમાંય. ૪૫

એહ આદિક અગણિત સ્થાન, વિચર્યા છે અહિં ભગવાન;

જે જે મારી સ્મૃતિ વિષે આવ્યાં, મુખ્ય મુખ્ય મેં તમને સુણાવ્યાં. ૪૬

ઉપજાતિવૃત્ત (યાત્રાળુના ધર્મ વિષે)

જ્યાં જ્યાં ફર્યા કૃષ્ણ કૃપાળુ નાથ, જ્યાં જ્યાં ફર્યા સંત મહાંત સાથ;

તે સ્થાન તો ઉત્તમ તીર્થ થાય, પવિત્ર તે તીર્થ વિષે થવાય. ૪૭

રજે જળે થાય પવિત્ર તન, માહાત્મ્યથી થાય પવિત્ર મન;

જે તીર્થયાત્રા કરવા જ જાવું, માહાત્મ્ય તેનું સુણવા ચહાવું. ૪૮

માહાત્મ્ય મધ્યે શુભ હોય જ્ઞાન, અનિત્યને નિત્ય તણું નિદાન;

તે જ્ઞાનથી તો પ્રભુભક્તિ ભાવે, વૈરાગ્ય તો અંતર માંહિ આવે. ૪૯

તો વાસના અંતરમાંથી તૂટે, તેથી જ ભારે ભવબંધ છૂટે;

તીર્થે જઈ જ્ઞાન લીધું ન લેશ, તો ગંગમાં ગર્દભનો પ્રવેશ. ૫૦

જો તીર્થ માટે ઘર છોડી ચાલે, તો બ્રહ્મચર્યાદિક વ્રત પાળે;

જો તે ન પાળે ફળ તો ન પામે, તીર્થે કરે તે દૃઢ પાપ જામે. ૫૧

જે અન્યક્ષેત્રે કૃત પાપ હોય, તે તીર્થ કીધાથી રહે ન કોય;

જો તીર્થમાં પાપ કદી કરાય, તે કોઈ કાળે નહિ રે છુટાય. ૫૨

તીર્થે જઈને પરઅન્ન ખાય, તેને જ તે તીર્થનું પુણ્ય જાય;

તીર્થે જવું ત્યાં જમી એકવારે, ભોંયે પથારી કરવી જ ત્યારે. ૫૩

તીર્થે જવું ત્યાં સુણવી કથાય, જવા ન દેવી ઘડિયે વૃથાય;

જઈ વળી તીરથ ભૂમિમાંઈ, ધંધો બીજો તો કરવો ન કાંઈ. ૫૪

જગ્યા પ્રસાદી વીણ જેહ હોય, જવું ન જોવા શુભ હોય તોય;

નટાદિના ખેલ તહાં ન જોવા, જો તીર્થ જઈયે નિજપાપ ખોવા. ૫૫

તીર્થે જવું સદ્‌ગુરુ ગોતવાને, તીર્થે જવું તે પ્રભુ પામવાને;

ત્યાં મોજ કે શોખ કરે જઈને, તે આવશે પાપ પુરું લઈને. ૫૬

તીર્થે જઈને નહિ જ્ઞાન પામ્યો, તેણે બધો કાળ વૃથા જ વામ્યો;

પ્રભુ તણું જ્ઞાન તહાં પમાય, ત્યારે જ જાત્રા પરિપૂર્ણ થાય. ૫૭

પુષ્પિતાગ્રા

સુણ નરપતિ વાત પૂછી જેહ, મુજ મતિ તુલ્ય કહી વિચારી તેહ;

ગણિ ગણિ તુજને કહ્યાં નિદાન, પુર વરતાલ તણાં પ્રસાદી સ્થાન. ૫૮

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયસિંહનૃપસંવાદે વૃત્તાલયે

સીમ્નિશ્રીહરિ-વિચરણસ્થાનનિરૂપણનામા એકોનવિંશો વિશ્રામઃ ॥૧૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે