કળશ ૧

વિશ્રામ ૮

 

ઉપજાતિ

દેવોજી તો દેવ સમાન રાજા, તે ગાદિયે વર્ષ ઘણાં વિરાજ્યા;

અઢારસેં ને અડસઠ્ઠ સાલે, વૈકુંઠમાં વાસ કર્યો નૃપાળે. ૧

પામ્યા નથુજી પછી રાજપાટ, તેનેજ દેવા સિરપાવ માટ;

મહાપ્રભુ ગોંડળમાં પધારી, કૈલાસ બાગે ઉતર્યા વિચારી. ૨

જૈ ભૂપને યોગ્ય સુભેટ દીધી, ભૂપે ભલી ત્યાં બરદાશ કીધી;

સુભાગ્ય તે ગોંડળનાં વિચિત્ર, જે પાંચમીવાર કર્યું પવિત્ર. ૩

ગયા પ્રભુ ગોંડળ છઠ્ઠીવાર, પ્રસંગ તે હું કહું એહ ઠાર;

એકોનશીતેર1 તણો દુકાળ, થશે વિચાર્યું વૃષભક્તિલાલ. ૪

સ્વભક્તને ધાન્ય ભરી રખાવા, સ્વયં હરિ સોરઠમાં સિધાવ્યા;

ચાલ્યા પ્રભુ દૂર્ગપુરીથી જ્યાંય, ગયા રહ્યું ગોંડળ કોશ ત્યાંય. ૫

ચાલ્યા તહાંથી જ સીધા જુનાણે,2 તે કોઇયે ગોંડળમાં ન જાણે;

સુતાર કચ્છી જન દેવરામ, છે ગોંડળે તેનું નિવાસ ઠામ. ૬

તેને ઘરે પ્રસ્તુત3 કાંઈ આવ્યું, વિપ્રાર્થ ત્યાં ભોજન તો કરાવ્યું;

તૈયાર થૈ શુદ્ધ રસોઈ સારી, કહે પતિ આગળ તેની નારી. ૭

રસોઈ તો એવી રુડી જણાય, જમે પ્રભુ તોય પ્રસન્ન થાય;

શું જાણીયે શ્રીહરિ તો વસે ક્યાં? શું જાણીયે આ સમયે હશે ક્યાં? ૮

પુષ્પિતાગ્રા

અખિલ ભુવન નાથ ક્યાંથી આવે, નિજ જનના સુમનોરથો પુરાવે;

પ્રિય અતિશુભ ક્યાંથી ભાગ્યા એવાં, વ્રજ વસનારી ૠષિની નારી જેવાં. ૯

વૃષકુળપતિ જો સમીપ હોય, લઈ જઈ ત્યાંય જમાડું થાળ તોય;

મુજ મન હરિકાજ આજ એવું, પ્રભુ ન મળે મુખ અન્ન તો ન લેવું. ૧૦

મુજ મન દૃઢ જો હશે જ ભાવ, જરુર પધારી જમે મુનીન્દ્ર માવ;

ધરી મુજ મન એક ટેક એહ, પ્રભુ ન મળે તજવો જ એહ દેહ. ૧૧

વૃષકુળપતિ જાણી એહ વાત, લઈ નિજસંગ સુસંત મૂર્તિ સાત;

અવર સકળ સંઘ છોડી દીધો, પ્રિયજન ઘેર જવા સુપંથ લીધો. ૧૨

હરિવર જઈ દેવરામ ઘેર, દરશન દીધ કૃપા કરી સુપેર;

કહી ઘરધણી નાથ ક્યાંથી આવ્યા, તવ પતની મનભાવ તાણી લાવ્યા. ૧૩

મુનિ સહ હરિ ત્યાં જમ્યા રસોઈ, નિજ જનનો અતિશ્રેષ્ઠ ભાવ જોઈ;

પછી ઘર થકી દક્ષણાદિ પાસ, પ્રભુ વિચર્યા વળી દેવરામદાસ. ૧૪

વળી કહી મુખ વાણી મેઘશ્યામ, શુભ થળ આંહિ થશે સુશ્રેષ્ઠ ધામ;

જનક જનનિ4 સાથ મૂર્તિ મારી, અચળ થશે હરિકૃષ્ણ નામ ધારી. ૧૫

કહી વળી હરિભક્તને કહેજો, વરસ સુધીનું વિચારી અન્ન લેજો;

સુરપતિ મન કોપ છે કરેલો, નહિ વરસે નહિ થાય નીર રેલો. ૧૬

પછી હરિ નિજસંઘમાં પધાર્યા, સ્વજન તણે મન હર્ષ ત્યાં વધાર્યા;

વિચરી વિચરીને સુરાષ્ટ્રમાંય, હરિજન પાસ રખાવ્યું અન્ન ત્યાંય. ૧૭

ઉપજાતિ

કહું વળી ગોંડળની કથાય, રહ્યા જ બે વર્ષ નથુજી રાય;

સીત્તેરની સાલ વિષે જ તેહ, સ્વર્ગે સિધાવ્યા તજીને સ્વદેહ. ૧૮

કાનોજી બેઠા પછી રાજપાટે, નથુજીના તે લઘુ ભ્રાત માટે;

તે સાત વર્ષે સ્વરગે સિધાવ્યા, મોતીજી ગાદી પર આપ આવ્યા. ૧૯

શિખરિણી

સુકર્મી ને ધર્મી રિપુ સમ અધર્મી જન તણા,

કરે ચૂરાચૂરા રિપુદળન5 શૂરા પણ ઘણા;

પિતા માતા ભ્રાતા સમ નિજપ્રજાના સુખકરા,

ભલા મોતીભાઈ નરપતિ સુક્ષત્રિકુળ ખરા. ૨૦

  સુશાણા કે’વાણા અધિક વખણાણા જન વિષે,

  સુઅંગી સત્સંગી દિન નિશ ઉંમંગી મન દિસે;

  દુઃખી પ્રાણી જાણી તરત અતિ આણી ઉર દયા,

  હરે પીડા એવા કરણ નૃપ જેવા નૃપ થયા. ૨૧

મુનિ મુક્તાનંદે પ્રથમ વયમાં તે નૃપતિને,

કરાવેલી પોતે પ્રગટ પ્રભુમાં પૂર્ણ રતિને;6

હતા જેઠો વિપ્ર પ્રથમ પ્રભુ જેને વર દિધો,

નૃપાળે તેને તો નિજસમીપ બોલાવી જ લિધો. ૨૨

  કહ્યું જા તું ભાઈ મુજ સુગુરુ જ્યાં મુક્તમુનિ છે,

  પૂછી આવો એવું મુજપ્રતિ શી આજ્ઞા ગુરુની છે;

  કહી જેઠે જૈને મુનિ સમીપ તે વાત સઘળી,

  મુનિ મુક્તાનંદે સુણી શુભ દિયો ઉત્તર વળી. ૨૩

તમે રાજા પાસે દ્વિજવર જઈ એટલું કહો,

સુણો મોતી મોતી વીજળી ઝબકારે વિણી લહો;

પછી જૈને વિપ્રે નરપતિ કને7 એમ જ કહ્યું,

સુણી શાણે રાણે8 સમજી લીધું જે હારદ9 રહ્યું. ૨૪

  જનોને જીવ્યાનું વીજળી ઝબકારા સમ ગણ્યું,

  પ્રભુને તેડ્યાનું વચન મુનિયે માર્મિક ભણ્યું;10

  લીધું એવું જાણી નરપતિ વિચાર્યું મન વળી,

  પ્રભુને તેડાવું પદ શિર નમાવું લળી લળી. ૨૫

કહ્યું મંત્રી પ્રત્યે વૃષતનુજને કાગળ લખો,

લખો રાધાલક્ષ્મીપતિ સુઉપમા નૂન્ય ન રખો;

સુણી મંત્રી બોલ્યો ન લખું ઉપમા તે મનુષને,

ગમે તો મંત્રીના પદ થકી રજા દ્યો નૃપ મને. ૨૬

ઉપજાતિ

સુણી ચડી ભૂપતિ ચિત્ત રીસ, પ્રહાર કીધો નિજ મંત્રી શીશ;

તેને કર્યો નોકરીમાંથી દૂર, કર્યો બીજો મંત્રી તહાં હજૂર. ૨૭

કહ્યા પ્રમાણે ઉપમા લખાવી, પત્રી પ્રભુ આગળ્ય મોકલાવી;

વિવેક સાથે વિનતિ કરીને, તેડાવિયા ગોંડલમાં હરિને. ૨૮

આવ્યા પ્રભુ પાર્ષદ સંત લૈને, મોતીજીયે ત્યાં સન્મુખ જૈને;

કર્યો હરિનો સતકાર સારો, આપ્યો ભલો તે પુરમાં ઉતારો. ૨૯

સંતો તથા કાઠીજનો સહીત, જમ્યા રસોઈ હરિ રૂડી રીત;

અસ્વારી સાથે નરનાથ આવ્યા, અનેક વાજિંત્ર વિચિત્ર લાવ્યા. ૩૦

કહ્યું પ્રભુને મુજ અર્થ સારો,11 મહાપ્રભુ રાજગૃહે12 પધારો;

પછી પધાર્યા દરબારમાંય, ચોપાટ13 છે ચારુ14 વિશાળ ત્યાંય. ૩૧

પૂજા પ્રભુની કરી ત્યાં નૃપાળે, અર્ચા કરી કેસરની કપાળે;

અમૂલ્ય વસ્ત્રાભરણો ધરાવ્યાં, સુપુષ્પ ચંપાદિકનાં ચડાવ્યાં. ૩૨

ધર્યા પ્રભુ આગળ દીપ ધૂપ, મિઠાઈ મેવા અરપ્યા અનૂપ;

સંધ્યા સમો આરતીનો વિચારી, મોતીજીયે આરતી ત્યાં ઉતારી. ૩૩

નારાયણાખ્ય ધ્વનિ સંત કીધી, સર્વે જનોયે પણ ઝીલી લીધી;

સ્તુતિ હરિની સકળે ઉચ્ચારી, છબી લીધી અંતરમાં ઉતારી. ૩૪

વાર્તા કરી શ્રીહરિયે બિરાજી, સુણી થયા તે જન સર્વ રાજી;

માગ્યું નૃપાળે વરદાન એવું, પ્રભુજી મારા મનમાં રહેવું. ૩૫

તથાસ્તુ બોલી પ્રભુજી સિધાવ્યા, હતો ઉતારો તહિં સર્વ આવ્યા;

બીજે દિને લૈ જન સર્વ સંગ, નાવા પધાર્યા નદીયે શ્રીરંગ. ૩૬

નાહ્યા હરિ ને હરિભક્ત સંત, થૈ તે નદી પાવન પુણ્યવંત;

તીર્થો થયાં તોય15 તણે તરંગે, તે કૃષ્ણ કે કૃષ્ણજન16 પ્રસંગે. ૩૭

ત્યાંથી ઉતારે મુનિનાથ આવ્યા, બે ચાર દાડા રહિને સિધાવ્યા;

સુભાગ્ય તે ગોંડલનાં અપાર, જહાં પધાર્યા પ્રભુ ઝાઝીવાર. ૩૮

મોતીજી રાજા હરિભક્ત કેવા, જનો કહે સૌ જનકાદિ જેવા;

જાણે થયું આરતી ટાણું જ્યારે, ચોપાટમાં ધુન્ય કરે જ ત્યારે. ૩૯

જે બોલતાં ધુન્ય દિલે લજાય, તેને કરે ત્યાંથી તદા વિદાય;

શ્રીજી તણા સંત મળે સુઠામ, પ્રેમે કરે દંડવત પ્રણામ. ૪૦

પોતે ધરેલા નિયમો ન મૂકે, માળા પૂજા ચિત્ત થકી ન ચૂકે;

શ્રી સ્વામિનારાયણ નામ લેતાં, લાજે ન સૌ લોક વચ્ચે કહેતાં. ૪૧

અઢારસેં વર્ષ સતાણુવામાં, મોક્ષે સિધાવ્યા નૃપ તે સમામાં;

રાજા થયા તે પછી ભાણભાઈ, સુકીર્તિ તેની પણ તેવી છાઈ. ૪૨

ગોપાળસ્વામી ગુણવંત જેહ, ગુરુ કર્યા ગોંડળનાથ તેહ;

તેડાવીને તે મુનિને નૃપાળે, વાતો સુણી તેહ તણી ત્રિકાળે. 17 ૪૩

જ્યાં બાગ છે પીપળ પારકસ્ય, ગયા તહાં તે ગુરુ સાથ શિષ્ય;

સ્વામી કહે આંહિ હરિ જમ્યા છે, આ બાગમાં તો સઘળે ભમ્યા છે. ૪૪

આ કૂપમાં મજ્જન આચર્યું છે, સંધ્યાદિ સત્કર્મ અહીં કર્યું છે;

શ્રીજીની લીળા સ્મરણાર્થ કામ, દેરી કરાવો શુભ એહ ઠામ. ૪૫

રાયે પછી દેરી રુડી રચાવી, તે માંહિ થાપ્યાં પગલાં ઘડાવી;

દેશી વિદેશી જનસંઘ આવે, તે દેરીને મસ્તક તો નમાવે. ૪૬

લીલા પ્રભુની પછી પૂછી લે છે, તે સાંભળી અંતરમાં ધરે છે;

તે ભૂમિનાં ભાગ્ય ભલાં વખાણે, માહાત્મ્ય મોટું મન માંહિ જાણે. ૪૭

ગોપાળસ્વામી વળી ભૂપ પાસ, વિશેષ કીધું વચન પ્રકાશ;

તમે હરિમંદિર તો કરાવો, સુસંતને ઉતરવા ઠરાવો. ૪૮

સુતાર કચ્છી જન દેવરામ, નિવાસથી દક્ષિણ દીશ ઠામ;

જગ્યા હતી મંદિર ત્યાં કરાવ્યું, ભક્તો તણાં અંતર માંહિ ભાવ્યું. ૪૯

ભાણાજીયે ભાવ ભલો સજીને, આચાર્યજી શ્રીરઘુવીરજીને;

તેડાવી તેની સજી સારી સેવા, આ લોકમાં લાભ અલભ્ય લેવા. ૫૦

ગુણાતીતાનંદ મુનીન્દ્ર પાસ, વાતો સુણી ચિત્ત ધરી હુલાસ;

વિશુદ્ધ આત્મા મુનિનંદ જેહ, તેડાવિયા ગોંડળ માંહિ તેહ. ૫૧

તે સાધુ શ્રી ભાગવત પ્રવીણ, કથા સુણાવી કૃત ભ્રાંતિ હીણ;18

તે ભૂપતિના સુત સુખદાઈ, સંગ્રામજી ને વળી મુળુભાઈ. ૫૨

ભલા થયા બેય પ્રવીણ પૂરાં, ધર્મીપણા માંહિ નહીં અધૂરા;

જ્યાં ઓગણીસેં પર વર્ષ સાત, થયાં વળી વિક્રમનાં વિખ્યાત. ૫૩

સ્વર્ગે સિધાવ્યા શુભ ભાણા રાજા, સંગ્રામજી ગાદિ વિષે બિરાજ્યા;

જેણે જનોમાં જશ ખૂબ લીધો, સદૈવ સારા જન સંગ કીધો. ૫૪

પુષ્પિતાગ્રા

જદુકુળ હરિભક્તની કથાય, ગુણ ગણિ કોઈ સુણે ભણે સુગાય;

પરમ પુનિત ચિત્ત તેનું થાશે, પ્રગટ પ્રભુ તણી ભક્તિ તે ચહાશે. ૫૫

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે

ભૂમાનન્દમુનીન્દ્ર વાઘજીભાઈ સંવાદે ગોંડળપતિ ભાણાભાઈ

ભૂપાળપર્યંત વૃત્તાંતકથનં નામા અષ્ટમો વિશ્રામઃ ॥૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે