કળશ ૧

વિશ્રામ ૧૬

 

પૂર્વછાયો

વળી કહું વરતાલમાં, પ્રભુ પ્રસાદીનાં જે સ્થાન;

સુણો અભેસિંહ સ્નેહથી, હરિકૃષ્ણ કથા ધરી કાન. ૧

ચોપાઈ

ગામ માણજના પાટીદાર, નામે ગોવિંદદાસ ઉદાર;

ધર્મવંત બીજા ધોરિભાઈ, ગામ પીપલગ ગયા ચાઈ. ૨

તહાં તેના સગાનો નિવાસ, તેનું નામ તો શ્રીધરદાસ;

સતસંગી હતા તે તો સહી, તેણે સતસંગની વાત કહી. ૩

ત્યારે ત્રણે જણા મળી સંગ, આવ્યા વરતાલે આણી ઉમંગ;

નારાયણમોલનો ઓરડો છે, તેની આગળ ચોક રુડો છે. ૪

તહાં ખુરશીયે ઘનશ્યામ, પોતે બેઠેલા પૂરણકામ;

જઈ ત્રણે જણા પગે લાગ્યા, છબી જોતાં જ સંશય ભાંગ્યા. ૫

થયાં દર્શનથી મન શાંત, તથા ભાંગી ગઈ મન ભ્રાંત;

નિશ્ચે જાણ્યા એ તો અવિનાશ, ત્યારે બોલિયા ગોવિંદદાસ. ૬

વસંતતિલકાવૃત

હે કૃષ્ણ તીર્થ કરવા બહુ હું ફર્યો છું,

કાશી પ્રયાગ મથુરા પુર સંચર્યો છું;

દ્વારામતિ જઈ સ્વગેહ વળી વિરામ્યો,

કોઈ સ્થળે મન વિષે નહિ શાંતિ પામ્યો. ૭

  જાત્રા કરી અધિક સંશય તો ન જાય,

  કલ્યાણનો સુદૃઢ નિશ્ચય તો ન થાય;

  ક્યાં જાઉં કેમ કરી મુક્તિ અરે પમાય?

  એવા ઉચાટ ઉર માંહિ રહે સદાય. ૮

તીર્થાટનાદિ વળી યજ્ઞ તણી સમાપ્તિ,

તે સર્વનું ફલ પ્રભો તવ પાવપ્રાપ્તિ;

જેને તમે પ્રગટ મૂર્તિ મળ્યા મહેશ,

તેને કશુંય કરવું રહિયું ન શેષ. ૯

  જૈને મળે સરિત જેહ સમુદ્રમાંઈ,

  તેને બીજે સ્થળ જવાનું રહ્યું ન ક્યાંઈ;

  જો આપના ચરણને જન કોઈ પામે,

  એથી નથી અધિક ઉત્તમ કોઈ ઠામે. ૧૦

ચોપાઈ

એમ બોલિયા ગોવિંદભાઈ, દયા લાવો દિલે સુખદાઈ;

વર્તમાન નિયમ મને આપો, મને આપનો આશ્રિત થાપો. ૧૧

પછી પ્રભુયે નિયમ તેને આપ્યા, મંત્ર આપીને આશ્રિત થાપ્યા;

સતસંગી થયા ધોરીભાઈ, શ્યામે દીક્ષા દીધી સુખદાઈ. ૧૨

વળી બોલિયા ધર્મદુલારા, પુત્ર પૌત્ર જે થાશે તમારા;

સારાં સારાં તે કરશે કામ, રહે જેથી જગતમાં નામ. ૧૩

કર્યું કૃષ્ણે ત્યાં એવું ચરિત્ર, માટે તે સ્થળ પરમ પવિત્ર;

મંદિરેથી તે પૂર્વ દિશાની, હતી બારી જવા આવવાની. ૧૪

તહાં મારગ મોટો મુકાવ્યો, કૃષ્ણે તહાં દરવાજો કરાવ્યો;

ગણનાથ1 તથા હનુમાન, નિજ હાથે થાપ્યા એહ સ્થાન. ૧૫

દરવાજાથી ઉત્તર માંય,2 લીલો લીંબડો છે એક ત્યાંય;

સજી શ્યામે સભા ઘણીવાર, તહાં આપ્યા છે પરચા અપાર. ૧૬

તહાં વાતો કરી વળી જેહ, વચનામૃત માંહિ છે તેહ;

રુડું બુરાનપુર છે નામ, ગામ સાવદા ને માલેગામ. ૧૭

ધુળિયા ધુવા ને બરૈ જાણો, લખનોર શહેર પ્રમાણો;

ત્યાંના હરિજનનો એહ ઠાર, કર્યો પોશાગ લૈ અંગિકાર. ૧૮

લીંબડાથી પશ્ચિમ દિશ જોઈ, સીતારામને દીધી જનોઈ;

દિશા મંદિરથી તો ઈશાન, ધર્મકુળની હવેલી તે સ્થાન. ૧૯

તે હવેલીને મંદિર પાસે, ઘણું પાણી ભરાયું ચોમાસે;

પ્રભુ તેમાં ફર્યા એક વાર, ત્યારે વિવર3 પડ્યું તેહ ઠાર. ૨૦

તેમાં નીર ગયું તે સમાઈ, ત્યારે બોલ્યા સદા સુખદાઈ;

અમારું ચરણોદક જાણી, શેષનાગે પીધું તે તો પાણી. ૨૧

અભેસિંહ સુણો ધરી પ્યાર, સભામંડપ છે જેહ ઠાર;

તહાં તો એક ખેતર હતું, સંઘને ત્યાં ઉતરવાનું થતું. ૨૨

જૂનાગઢ ને વડોદરા કેરા, ઉતર્યા હતા ભક્ત ઘણેરા;

તેહ જગ્યા વિષે બહુવાર, જમ્યા છે જઈ ધર્મકુમાર. ૨૩

તેથી પૃથ્વી પ્રસાદીની થૈ છે, ધ્યાનીના ધ્યાનમાં રહી ગૈ છે;

સભામંડપને વામ ભાગે, કૂવો સંતનો સુંદર લાગે. ૨૪

ત્યાંથી વાયુની દીશ મોઝાર, એક કોઠો હતો એહ ઠાર;

લખે શુકમુનિ શાસ્ત્રોનો લેખ, હરિ રાખતા જૈ દેખરેખ. ૨૫

સંત કૂવાથી પશ્ચિમમાંય, હતો સંતનો ભંડાર ત્યાંય;

તેની ઓસરીયે પ્રભુ આવી, ધર્મ ભક્તિની મૂર્તિ ઓપાવી.4 ૨૬

નારાયણજી જે સારા સુતાર, એહ મૂરતિના ઓપનાર;

કોઠા પૂરવ પશ્ચિમ કેરા, બેય શોભિત સરસ ઘણેરા. ૨૭

ધર્મશાળા બે વચ્ચે ચણાવી, ભાળી ભક્તજનો મન ભાવી;

તહાં સંતની પંક્તિયો થાય, પ્રભુ પોતે પીરસવા જાય. ૨૮

મછીયાવ તણા દરબાર, બાપુભાઈ જે દિલના ઉદાર;

શેવદળ ગાડાં બે ભરી લાવ્યા, તેથી સંતોને તૃપ્ત કરાવ્યા. ૨૯

ત્યારે પણ તેહ ધર્મશાળામાં, પ્રભુયે પીરસ્યું તે સમામાં;

ગામ ધૂવા તથા બરૈ નામ, ત્યાંના ભક્ત લુવાર તે ઠામ. ૩૦

ધર્મશાળાને પશ્ચિમ ભાગે, તેણે પૂજ્યા પ્રભુ અનુરાગે;

માથે મંડિલ મોટું બંધાવ્યું, વળી વાંકડું તે તો ધરાવ્યું. ૩૧

કેડે ભાથો બંધાવિયો બેશ, ધરાવ્યો નરસિંહનો વેશ;

છાશિયાની સાલે વરતાલ, છેલી વારે આવ્યા વૃષલાલ. ૩૨

હતો તે સમે કાર્તિક માસ, ઘણા દર્શને આવિયા દાસ;

વટપત્તનના હરિજન, વનમાળી ને જગજીવન. ૩૩

પ્રભુદાસ ઈશ્વર આદિ આવ્યા, તે તો સંત માટે સીધું લાવ્યા;

રુડા લાડુ જલેબી કરાવી, હરિકૃષ્ણ હાથે પીરસાવી. ૩૪

એ જ ધર્મશાળાની મોઝાર, પંગતિ થઈ’તી તેહ વાર;

પછી તે હરિભક્તોયે ત્યાંય, પૂજ્યા પ્રેમ સહિત હરિરાય. ૩૫

હેમ માદળીયું પહેરાવ્યું, લક્ષ્મીવરને હરિયે ધરાવ્યું;

એવી લીલા કરી બહુવાર, તેથી તે સ્થળ મહિમા અપાર. ૩૬

ધન્ય ધન્ય તે ધર્મશાળાને, વા’લો વિચર્યા બહુ એહ સ્થાને;

ચારસેંય અને છન્નુંવાર, ફર્યા ત્યાં પ્રભુ પંક્તિ મોઝાર. ૩૭

પૂર્વ કોઠા માંહિ મુક્તાનંદ, રહેતા ઉર ધારી આનંદ;

ઘણી વાર તહાં ઘનશ્યામ, પોતે વિચર્યા છે પૂરણકામ. ૩૮

પૂર્વછાયો

એ જ ઉગમણા બૂર્જથી, દક્ષિણાદિ દિશે હતું દ્વાર;

ત્યાં સંતને આવતાં જતાં, અડચણ પડી ઘણી વાર. ૩૯

ત્યારે સંતને જવા આવવા, વૃષનંદને કરીને વિચાર;

ત્યાં દરવાજો બીજો કર્યો, એવા કૃષ્ણ કૃપાળુ અપાર. ૪૦

ચોપાઈ

દ્વાર આગળ ઓરડો જે છે, જેમાં પુસ્તક સંતોનાં રે’છે;

તે ઠેકાણે તો લીંબડો હતો, અતિ સુંદર તેહ શોભતો. ૪૧

તહાં કાંકરીનો હતો ગંજ, બેસતા બહુ ત્યાં ભયભંજ;

ડેલું ગાડીયોનું જ્યાં છે આજ, સભા ત્યાં ભરતા મહારાજ. ૪૨

આજ કોઠાર છે જેહ ઠાર, હતું મેદાન ત્યાં કોઇવાર;

સભા ભરતા ભલી ભગવાન, સંત ગાતા ત્યાં સંગીત ગાન. ૪૩

દેવો આવતા બેસી વિમાન, પુષ્પવૃષ્ટિ થતી તેહ સ્થાન;

અહો ભાગ્ય અહો મહાભાગ્ય, એેવી જગમાં જડે નહિ જાગ્ય. ૪૪

આજ છે અન્નની ખળી જ્યાંય, ત્રણ્ય ઓરડા તો હતા ત્યાંય;

રહેતા સંત માંદા તે ઠાર, જતા જોવાને જગદાધાર. ૪૫

ધર્મકુળની હવેલી મોઝાર, એક કૂપ છે આજ જે ઠાર;

હતો લીંબડો ત્યાં શુભ એક, કરી લીલા ત્યાં હરિયે અનેક. ૪૬

સભા સજતા તહાં ઘનશ્યામ, પુરુષોત્તમ પૂરણકામ;

જમના બાઈએ એકવાર, શેલડી સુધારી કરી પ્યાર. ૪૭

ભ્રાતપુત્ર ચતુર દવે નામ, મોકલી તે સાથે તેહ ઠામ;

ભલો ભાવ તે ભક્તનો ભાળી, જમ્યા શેલડી ત્યાં વનમાળી. ૪૮

ખડકી હવેલીની છે જ્યાંય, બીજો લીંબડો પણ હતો ત્યાંય;

સભા ત્યાં સજતા કદી શ્યામ, પુરુષોત્તમ પૂરણકામ. ૪૯

હવેલીની જગ્યા પાસે નક્કી, ચુનો પીલવાની હતી ચક્કી;

આવી બેસતા ત્યાં ઘનશ્યામ, જોતા જે ચાલતું તેહ કામ. ૫૦

પદ અંકિત એ સ્થળ એથી, ધરે ધ્યાનમાં મુનિજન તેથી;

પૂર્વ ચોક જે મંદિર કેરો, પ્રસાદીનો છે તે તો ઘણેરો. ૫૧

તહાં પૂરી હતી દીપમાળ, જોઈ રાજી થતા વૃષલાલ;

સ્થાપ્યા લક્ષ્મીનારાયણ જ્યારે, યજ્ઞકુંડ કર્યો હતો ત્યારે. ૫૨

મોટો યજ્ઞ કર્યો મુનિનાથે, હૂતદ્રવ્ય હોમ્યાં નિજ હાથે;

એવી લીલા કરી એહ ઠામ, કોટિ જીવ ઉદ્ધારવા કામ. ૫૩

સુણો ભૂપ કહે બ્રહ્મચારી, કથા મેં કહી છે સુખકારી;

જગ્યા જે જે છે મંદિર પાસ, જ્યાં જ્યાં બેઠા ફર્યા અવિનાશ. ૫૪

મેં તો સંક્ષેપમાં વાત કહી, હશે બીજી ઘણી બાકી રહી;

જન જાત્રાયે આવે નિદાન, તેણે જાણવાં એટલાં સ્થાન. ૫૫

તે તે સ્થળની લીલાને સંભારી, નમે પ્રેમ સહિત નરનારી;

જે જે જગ્યામાં જૈ ન શકાય, તેને વંદન દૂરથી થાય. ૫૬

જેમ જન દેવદર્શન કરે, અંગોઅંગ અંતરમાં ન ધરે;

તે તો દર્શન નવ કહેવાય, લેશમાત્ર તેનું ફળ થાય. ૫૭

તેમ જાત્રાયે જે સ્થળ જાવું, ત્યાંના સ્થાનથી જાણીતા થાવું;

પૂછી કારણ ત્યાં નમે જ્યારે, થાય જાત્રા તો પૂરણ ત્યારે. ૫૮

નહીં તો પશુ તીર્થમાં જાય, તેનું ફળ તેને કાંઈક થાય;

પણ જાણ્યા થકી ફળ જેવું, અણજાણ્યાને નવ થાય એવું. ૫૯

કહ્યાં સ્થાન તે તો તીર્થ અંગ, માટે જાણવાં આણી ઉમંગ;

હવે ગામ વિષે જે જે સ્થાન, ભાવે બેઠા ફર્યા ભગવાન. ૬૦

કથા તે તમને હું કહીશ, સુણજો ધરી સ્નેહ મહીશ;

ઘેર ઘેર ફર્યા ઘનશ્યામ, સ્થાન મુખ્યનાં લૈશ હું નામ. ૬૧

પુષ્પિતાગ્રા

સુણ નૃપ શુભ પામીને પ્રસંગ, પુર વરતાલ તણાં સુતીર્થ અંગ;

વૃષસુત કૃત જે પ્રસાદી સ્થાન, વરણન તેહ કરું હવે નિદાન. ૬૨

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયસિંહનૃપસંવાદે વૃત્તાલયે લક્ષ્મીનારાયણ –

મંદિરસમીપ પ્રસાદીસ્થાન નિરૂપણનામા ષોડશો વિશ્રામઃ ॥૧૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે