ચિત્રપ્રબંધ
ભારતીય પરંપરાગત કાવ્યશાસ્ત્રમાં ચિત્ર કાવ્યોનો એક વિશિષ્ટ પ્રકાર છે. આ પ્રકાર મુજબ જુદા જુદા છંદમાં રચાયેલા કાવ્યની શબ્દગૂંથણી એવી રીતે કરવામાં આવે છે કે જેના પ્રત્યેક અક્ષરને છૂટો પાડીને કોઈક ચિત્રમાં વ્યૂહાત્મક રીતે ગોઠવી શકાય. શ્રીહરિલીલામૃત ગ્રંથમાં પણ આવાં ચિત્ર કાવ્યોનો ખૂબ સુંદર વિનિયોગ કરવામાં આવ્યો છે. ચિત્રકાવ્યને ચિત્રપ્રબંધ પણ કહે છે.
શ્રીહરિલીલામૃત ગ્રંથની ગુજરાતી લિપિની આ આવૃત્તિમાં પણ ચિત્રપ્રબંધ પૂર્વ આવૃત્તિઓના આધારે મૂકવામાં આવ્યા છે. ગ્રંથની સળંગતામાં ખલેલ ન પહોંચાડે તે હેતુથી અત્રે પરિશિષ્ટમાં એક સાથે તમામ ચિત્રકાવ્યો પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. ચિત્રપ્રબંધની સાથે જે તે પંક્તિના સંદર્ભો પણ કૌંસમાં મૂકવામાં આવ્યા છે. દરેક ચિત્રપ્રબંધના નામ પરથી જ તેની આકૃતિનો ખ્યાલ સ્પષ્ટ થઈ જાય છે. એ વિવિધ પ્રબંધોને હવે પછી માણીએ.
કલશપ્રબંધ:
લોભ ન કરવા નરજનમ, નિરધન વા ધનપાસ;
માનિ જ્ઞાનરસ કુંભમા, મનવા ભલો નિવાસ.
રથચક્રપ્રબંધ: શ્લોક
તં સુકાયભૃતં કાન્તં તં કાન્તં સર્વતોગતમ્;
તં ગતોદ્વેગદેવં તં તં વન્દે ભક્તિકાસુતમ્.
ધનુષપ્રબંધ: દોહરો
ભાસે ભાળી ચાપ પ્રભુ, પ્રભુ અંઘ્રી સત્ય એહ;
ધારે સ્નેહી જેહ જન, ભાળી પ્રભુ સહ સ્નેહ.
પુષ્પમાળાપ્રબંધ: સ્રગ્ધરા
વા’લા માળા ગળામાં વિધવિધની ધરો સારી સારી કરી છે,
શ્રીજી તાજી સજી છે સુમનમય મહા ભારી કારીગરી છે;
જ્ઞાની ધ્યાની મુનીયો ઉર પર નિરખે ચાહી ચાહી રહીને,
દેખી દેખી સુખી થૈ સુર નર હરખે પાહિ પાહિ કહીને.
છત્રપ્રબંધઃ દ્રુતવિલંબિતવૃત્ત
સમરતાં સુખ સર્વ સદા કરે, છબિ સુછત્રની તાપ ત્રણ હરે;
સુરતના શુભ શિલ્પિજને કર્યું, સરસ છત્ર શિરે હરિએ ધર્યું.
કમળપ્રબંધ: નારાચવૃત્ત
સુણો દિલે દયા ધરી રીઝાવું સત્ય ઉચ્ચરી,
તમે અધર્મના અરી વિવેકવંત છો હરી;
નમું નમું ફરી ફરી તિખી અજા કરો પરી,
કરું છું માગણી ખરી સુરત વિનતિ કરી.
ઉત્તર: નૌકાપ્રબંધ
દે ગાળો અતિ તાતિ તો, તે અસંત સુણ ભ્રાત;
જોતાં તેની જાતિ તો, તે દીતિતનુજાત.
નાગપાશપ્રબંધ: સ્રગ્ધરા
જે છે કાલિન્દિવારિ રિપુધરનરનન્દીશનો ઈશ્વરેશ,
રિદ્ધી સિદ્ધી ખિલાવી ભલિ જળથળની રીઝિરીઝી દિનેશ;
છે જે પારેખ તેના સિર વિનવિ મહદ્ભાવિ સેવા કરી છે,
ધર્માદી કોઈ કાજે જનતન ધરિયું તે સખી શ્રીહરી છે.
રથચક્રપ્રબંધ: અનુષ્ટુપ શ્લોક
તે સદા સુખ દે છે તે, તે છે દેવાધિદેવ તે;
તે વદે વાત માને તે, તેને માને સ્વદાસ તે.
ચક્રપ્રબંધ: દોહરો
વાર વાર ઉર પ્યાર ધર, શિર પર કર ધરનાર;
તારનાર નરનાર ભર, સુર ડર હર મુર માર.
હસ્તિપ્રબંધ: શાર્દૂલવિક્રીડિત
હાથીએ હરિ સ્વારિ સારિ કરિ છે રીઝી પુરી ધારિને,
ધારિ ધારિ ફરી ફરી ઠરિ ઠરી હેરી હરી સ્વારિને;
શ્રીજી આગળ સ્વાર હાર્ય થઈ હર્ખે છે ઘણા હેતથી,
જોવા સૌ સુર ધાઈને ફરિથિ ફર્કે છે ઠઠ શ્વેતથી.
અશ્વપ્રબંધ: ઉપજાતિ
જે અશ્વ અર્થે અતિ અન્ય ભૂપે, તપો કર્યાં ખ્યાત યતીશરૂપે;
ઓપે રુપાળો અતિ અશ્વિનીશ, સુભાગિ પામે ઇહ લોકઈશ.
વૃક્ષપ્રબંધ
રે આમ્ર તારી તરુતા નિહાળી, તારી પ્રભા ભૂતળ ભાગ્યશાળી;
ભાસે મને તે તુજને કહું છું, નેહી સદા કૃષ્ણપદાબ્જ તું છું.
રે આમ્ર કેવું તપ કેવિ ભક્તી, કે તેં કરી કાંઇ પુરી પ્રયુક્તી;
રીઝ્યા હરી કેમ કરી તને તે, રીતિ કહો એહ અહો મને તે.
દોલાપ્રબંધ
દોળાનિ સારિ રચના સજતાં રચાવી,
વીચારતાં જ કહિયે શિરને નમાવી;
વિમાન ને રથ રુડા નથિ રે જણાતા,
દોળે નમાવિ શિર સૌ વિબુધો જતાતા.
શિખરપ્રબંધ: હરિગીતછંદ
સર્વે અસલ કૃત ધીર જન મળિ ઠિક ખરાં શિખરો હશે,
જુથ શિર મુગટસમ આ જણાશે શિખર સરસ અધિક થશે.
શિખરપ્રબંધ બીજો: ત્રિપદાક્ષરે ચતુર્થપાદ સર્વતોભદ્ર
મમ તમ મત રત મમત રચિ, રત મમત રચિ રુચિર;
તમ મત રચિ રુપ રુચિર તમ, મત રુચિ રુપ મંદિર.
શિખરપ્રબંધ ત્રીજો: મોતીદામ છંદ
નવા વિદવાન નવા પ્રભુ એહ, નવાં શિખરોનિ નવી વિધિ તેહ;
થશે ચતુરાનન દેખત લીન, નવીન નવીન નવીન નવીન.
પ્રથમ ચામર પ્રબંધઃ વૈતાલીય
ચમરી અમરી થઈ ખરી, ભ્રમરી જેમ હરીશિરે ફરી;
મરિ તેહ ફરી શું ઉદ્ધરી, મરિચી થૈ હરિમૂખ ચામરી.
દ્વિતીય ચામર પ્રબંધ: ઇંદ્રવંશા
જુઓ જુઓ જુક્તિ કવી કહે કથા, વિનોદ આ આગળ અન્ય છે વૃથા;
હેતે ધર્યું ચામર વર્ણિ હાથમાં, થાપી મનોવૃત્તિ અખંડ નાથમાં.
મયૂરપ્રબંધ: સ્રગ્ધરા
મોરો સોરો કરો છો ધરિ મુદ મદથી શાથિ રીઝ્યા સ્વચિત્તે,
આશા ધારી હતી જે પ્રગટ હરિ મળે તે મળ્યા રૂડિ રીતે;
કીધી એવી દયા તે થકિ ઝુકિઝુકિને સૌ કળા સાધિ સારી,
બોલો છો એવિ વાણી સ્વરવિદ જનને યાદ આવે મુરારી.
કપાટ પ્રબંધઃ દોહરો
વાર વાર ઉર પ્યાર ધર, શિર પર કર ધરનાર;
તારનાર નરનાર ભર, સુર ડર હર મુર માર.
મૃદંગપ્રબંધ: અનુષ્ટુપશ્લોક
જ્ઞાનીતા સજતા સન્ત, માનીતા તજતા સદા;
દાસતા જતિતા મુખ્ય, ભાસતા સજતા મુદા.
ચોઘડિયાં કમલ: દોહરો
રવિદિન પ્રથમ ઉદ્વેગ ચળ, લાભ અમૃત ને કાળ;
પછિ શુભ રોગ ઉદ્વેગ પછિ, પ્રતિદિન ચોથું ભાળ.