કળશ ૧

વિશ્રામ ૨૦

 

પૂર્વછાયો

ભાખે અભેસિંહ ભૂપતિ, સુણો વિનતિ વરણીરાય;

ઇચ્છા અધિક ઉર ઊપજી, આપ મુખથી સુણવા કથાય. ૧

ચોપાઈ

પ્રશ્ન પૂછું તે ઉત્તર આપો, મારા મન તણો સંશય કાપો;

સંપ્રદાય આ ઉદ્ધવી કેરાં, મોટાં મંદિર તો છે ઘણેરાં. ૨

ધાતુ પાષાણની પ્રતિમાય, ભલી ભાસે છે મંદિર માંય;

શ્રીજીયે જ સ્વહસ્તે જે થાપી, ક્યાં ક્યાં પ્રેમીને પૂજવા આપી. ૩

અનુક્રમથી કહો મને આજ, સ્થાપી પ્રથમથી ક્યાં મહારાજ;

બોલ્યા વર્ણી રાજી થઈ બહુ, તમે સાંભળો તે હવે કહું. ૪

સ્થાપ્યા પ્રથમ તો ગઢપુર જ્યાંય, વાસુદેવને ઓરડામાંય;

ધર્મભક્તિ તેની જોડે સ્થાપ્યાં, એનાં ઐશ્વર્ય વિશ્વમાં વ્યાપ્યાં. ૫

એ છે ઓરડો ઉત્તર દ્વારે, તેનો મહિમા મુનિ મન ધારે;

પછી વરતાલમાં પ્રભુ આવ્યા, નરનારાયણ પધરાવ્યા. ૬

અમદાવાદમાં બહુનામી, સ્થાપ્યા નર ને નારાયણ સ્વામી;

સંપ્રદાય થવા દૃઢ ધારી, સ્થાપિ મૂર્તિયો જન હિતકારી. ૭

ભુજમાં તે પછી તતખેવ, સ્થાપ્યા નર ને નારાયણ દેવ;

વરતાલ વિષે કરી ધામ, સ્થાપ્યા લક્ષ્મીનારાયણ નામ. ૮

બીજા ખંડમાં માતા-પિતાની, ત્રીજી મૂર્તિ તો સ્થાપી પોતાની;

વૃંદાવનવિહારી ખંડ ત્રીજે, જોડે રાધિકા દેવી કહીજે. ૯

પોતાની છબીને કૃષ્ણ સાથે, પધરાવી છે પોતાને હાથે;

અવરતાની મૂર્તિયો ત્યાંય, પધરાવી છે મંડપ માંય. ૧૦

મત્સ્ય કચ્છને વળી વારાહ, જન જોઈ કહે વાહ વાહ;

શેષશાયી ને નરસિંહ નામ, સ્થાપી સૂર્યની મૂર્તિ તે ઠામ. ૧૧

હનુમાન તથા ગણનાથ, સ્થાપ્યા શંકર પાર્વતી સાથ;

હતા નર ને નારાયણ જેહ, તેમાંથી નારાયણ છબી તેહ. ૧૨

શિવાશાહ બુરાનપુરવાસી, તેને આપી બોલ્યા અવિનાશી;

કરાવો તમે મંદિર જ્યારે, તેમાં સ્થાપજો મૂર્તિ આ ત્યારે. ૧૩

દેશ નીમાડમાં ધરગામ, ત્યાંના પટેલ ગોવિંદ નામ;

તેને મૂર્તિ નરની તે આપી, તેણે ત્યાંના મંદિર માંહિ સ્થાપી. ૧૪

રાધિકાજી મદનમોહન, ધોલેરામાં કર્યાં તે સ્થાપન;

વળી સ્થાપ્યા જૂનાગઢ માંય, દેવ રણછોડ ત્રીકમરાય. ૧૫

રાધારમણ પૂરવ દિશ ખંડે, પધરાવિયા શ્રીહરિ પંડે;

વળી મૂર્તિ સિદ્ધેશ્વર તણી, ખંડ પશ્ચિમમાં શોભે ઘણી. ૧૬

પાસે પાર્વતી ને ગણનાથ, સ્થાપ્યા છે હરિયે નિજ હાથ;

ગઢડામાં ગોપીનાથ જાણો, મધ્ય ખંડમાં તે તો પ્રમાણો. ૧૭

ભક્તિ ધર્મ વાસુદેવ જેહ, સ્થાપ્યા પશ્ચિમ ખંડમાં તેહ;

વાસુદેવ હતા ઓરડામાં, સ્થાપ્યા તે લાવી તેહ સમામાં. ૧૮

મૂર્તિ સૂર્યની સારી મંગાવી, પૂર્વ ખંડમાં તે પધરાવી;

કહી એટલી મૂર્તિ સમસ્ત, સ્થાપી શ્રીજીયે તે તો સ્વહસ્ત. ૧૯

વળી રણછોડરાયની જેહ, મૂરતિ વરતાલમાં તેહ;

છાશીયામાં રઘુવીર હાથે, સ્થપાવી તે ધરમકુળનાથે. ૨૦

જે જે મૂર્તિયો પૂજવા કાજે, આપી હરિજનને મહારાજે;

હવે તે પ્રતિમાઓ ગણાવું, ભૂપ સાંભળો તમને સુણાવું. ૨૧

રાધાકૃષ્ણની મૂર્તિયો બેય, ગંગામાને તે તો આપી છેય;

તેણે જેતલપુર નિજઘરમાં, સ્થાપી પૂજવા સહુ અવસરમાં. ૨૨

મછીયાવ તણા દરબાર, બાપુભાઈ છે નામ ઉદાર;

તેને પૂજવા લાલજી આપ્યા, લૈને તે દરબારમાં સ્થાપ્યા. ૨૩

હીમરાજ શા સુંદરિયાણે, આપ્યા લાલજી જીવનપ્રાણે;

માણાવદર ગજેફરખાન, ઘણા સમઝુ ને સદગુણવાન. ૨૪

કહ્યું તેણે મયારામજીને, જઈ અરજ ઉચારો શ્રીજીને;

પ્રસાદી તણી મૂરતિ લાવો, આંહિ મંદિરમાં પધરાવો. ૨૫

ભટજીયે જઈ પ્રભુ પાસ, કરી વાત તે સર્વ પ્રકાશ;

ત્યારે શ્રીજીયે લાલજી આપ્યા, લાવી માણાવદર માંહિ સ્થાપ્યા. ૨૬

ઉના ગામના શેઠ ગણેશ, જેનો પ્રભુ પર પ્રેમ વિશેષ;

આવ્યા ગઢપુરમાં તેહ જ્યારે, શ્રીજી આગળ ઉચર્યા ત્યારે. ૨૭

મારે પુત્ર નથી મહારાજ, ત્યારે બોલ્યા તે રાજાધિરાજ;

નિજ વારસો જેને સોંપાય, ગણતાં તેહ પુત્ર ગણાય. ૨૮

માત તાત સુતાદિક જાણો, ભાવ સર્વ પ્રભુ માંહિ આણો;

આપું લાલજી લૈને સિધાવો, હરિમંદિર કરી પધરાવો. ૨૯

અતિ વલ્લભ માનજો એને, સર્વ વારસો સોંપજો તેને;

શેઠ લાલજી લૈને સિધાવ્યા, હરિમંદિર કરી પધરાવ્યા. ૩૦

સર્વ વારસો તેહને સોંપ્યો, નિજ વંશ અચળ એ તો રોપ્યો;

રેવાશંકર શ્રીધોળકાના, તે તો સત્સંગમાં નથી છાના. ૩૧

તેણે મૂરતિયો માંગી લીધી, રાધાકૃષ્ણ તણી છબિ દીધી;

શ્રીજી ધામ ગયા પછી તેહ, સ્થાપી અવધપ્રસાદજી એહ. ૩૨

પૂર્વછાયો

સુરતના સતસંગીયો, જ્યારે આવ્યા ગઢપુર ગામ;

મૂરતિયો માંગી સ્થાપવા, કહું તે હરિજનનાં નામ. ૩૩

ચોપાઈ

ભાઈચંદને લક્ષ્મીદાસ, ઇચ્છાબાઈ આવ્યાં પ્રભુ પાસ;

તેણે મૂરતિયો માગી જ્યારે, કૃપાનાથે કરી કૃપા ત્યારે. ૩૪

આપી પાષાણની છબિ સારી, દેવી રાધા ને રાધાવિહારી;

અમે આપ્યા છે લાલજી જેહ, તેની જોડે જ સ્થાપજો તેહ. ૩૫

આજ્ઞા તે સુણી શીશ ચડાવી, મૂર્તિ લૈને ગયા મનભાવી;

ગયા ધામમાં શ્યામશરીર, પછી આચાર્ય શ્રીરઘુવીર. ૩૬

નિત્યાનંદ ને ગોપાળાનંદ, એહ આદિ મળી મુનિવૃંદ;

છબિ સુરતમાં પધરાવી, સારું મંદિર એક કરાવી. ૩૭

હરિભક્ત વડોદરા કેરા, ગયા ગઢપુર માંહિ ઘણેરા;

તેમાં શાસ્ત્રી શોભારામ ત્યાંના, બીજા ભક્ત નારુપંત નાના. ૩૮

પ્રેમાનંદ તથા બાપુભાઈ, વૈદ રામચંદર ગયા ધાઈ;

હરિચંદ્ર ને લક્ષ્મીરામ, કાનદાસ વકીલનું નામ. ૩૯

દયારામ તંબોળી સુભક્ત, પ્રભુપદમાં વિશેષ આસક્ત;

ઇત્યાદિક જઈને પ્રભુ પાસ, કરી વિનતિ અંતર ધરી આશ. ૪૦

આપો મૂર્તિ જો આપની એક, અમે હરખિયે ભક્ત અનેક;

વટપુર માંહિ સ્થાપન કરીયે, નિત્ય આરતી ધૂન્ય ઉચરીયે. ૪૧

સુણી શ્રીહરિને સ્નેહ વ્યાપ્યો, પંચ રત્નનો ગુટકો આપ્યો;

હતો વૈષ્ણવાનંદે લખેલો, ભૂમાનંદે તે રુડો રંગેલો. ૪૨

અતિ સ્નેહ સહિત અવિનાશે, ઘણું રાખેલો પોતાની પાસે;

કહ્યું લ્યો આ છે ગુટકો અનૂપ, એને સમઝજો મારું સ્વરૂપ. ૪૩

એક સિંહાસને જઈ ધરજો, આરતી ધૂન્ય આગળ કરજો;

પછી તે સૌએ વટપુર જઈ, પધરાવ્યો સિંહાસને લઈ. ૪૪

નિત્ય સૌ મળી દર્શન કરે, આરતી ધૂન્ય ત્યાં જ ઉચરે;

વિત્યાં કાંઈક વર્ષ જરૂર, નારુપંત ગયા દુર્ગપુર. ૪૫

હરિને કહ્યું હે મહારાજ!, આપો ધાતુની મૂર્તિયો આજ;

નારાયણજી સુતાર બોલાવી, કૃષ્ણે મૂર્તિયો ઉભય કરાવી. ૪૬

નારાયણજી ચતુર્ભુજવાળી, બીજી લક્ષ્મીની મૂર્તિ રૂપાળી;

નારુપંતને દૈ રૂડી પેર, કહ્યું પૂજજો પધરાવી ઘેર. ૪૭

વળી યોગ્ય સમો આવે જ્યારે, પધરાવજો મંદિરે ત્યારે;

પંચરત્નના ગુટકાને ઠામ, પધરાવજો તે મુજ નામ. ૪૮

પુરના જનો દર્શન કરશે, સૌ આશિષ તમને ઉચરશે;

નારુપંત ગયા નિજ ઘેર, પૂજે નિત્ય છબિ શુભ પેર. ૪૯

ગયો કાંઈ સમય ત્યારે લાવી, ગુટકો હતો ત્યાં પધરાવી;

જનો દર્શન સર્વ કરે છે, નારુપંતને આશિષ દે છે. ૫૦

આવી છાશિયાની જ્યારે સાલ, ધાર્યું ધામ જવા વૃષલાલ;

મંદવાડનું બાનું જણાવ્યું, સૌને ધીરજ ધરવા સુણાવ્યું. ૫૧

ત્યારે ખંભાતી ભક્તસમાજ, આવ્યો કૃષ્ણના દર્શન કાજ;

સદાશીવ ને માધવરામ, ભાઈશંકર ને રૂપરામ. ૫૨

લક્ષ્મીરામ ને નરભેરામ, અમથાભાઈ એકનું નામ;

ભલા કણબી તે હીરાભાઈ, મોટાં હરિજન મહાકોરબાઈ. ૫૩

ઉમૈયા ગિરજા ને દિવાળી, રામભાઈ ભલા ભાવવાળી;

ધનબાઈ તે બારોટ જાતે, બીજાં રામબા કણબીની નાતે. ૫૪

સૌયે હેતથી નિરખિયા હરી, પૂજા ત્યાં નરભેરામે કરી;

કર્યો અર્પણ ચાંદીનો થાળ, બીજા સર્વે બોલ્યા તેહ કાળ. ૫૫

તમે સુરતથી સાક્ષાત, પ્રભુ આવ્યા’તા જ્યારે ખંભાત;

થઈ અશ્વ ઉપર અસવાર, એવો કીધો હતો ત્યાં ઉચ્ચાર. ૫૬

મારું મંદિર આ ઠામ કરજો, એહ આજ્ઞા અંતર માંહિ ધરજો;

માટે મંદિર માંડ્યું કરાવા, પ્રતિમાઓ આપો પધરાવા. ૫૭

એવી વિનતી સુણી વૃષલાલે, કરી કરુણા ઘણી તેહ કાળે;

આપી પોતાની પ્રતિમા તે ઠામ, શ્યામ રંગે હરિકૃષ્ણ નામ. ૫૮

નિત્યાનંદમુનિ તણે હાથ, સોંપી બોલિયા વૃષકુળનાથ;

અવકાશ પામો તમે જ્યારે, છબી લૈ જજો ખંભાત ત્યારે. ૫૯

પધરાવજો મારા વચનથી, આજ્ઞા માનજો તન ને મનથી;

આજ્ઞા એ રીતે જે ફરમાવી, મુનિયે નિજમાથે ચડાવી. ૬૦

પુષ્પિતાગ્રા

હરિવર નિજહાથ મૂર્તિ સ્થાપી, નિજજનને વળી સ્થાપવાજ આપી;

સુણ નૃપ મુજ પાસ પૂછી જેહ, સકળ કથા સુખથી સુણાવી તેહ. ૬૧

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયસિંહનૃપસંવાદે શ્રીહરિપ્રસાદિ

પ્રતિમાસ્થાનનિરૂપણનામા વિંશો વિશ્રામઃ ॥૨૦॥

 

॥ ઇતિ શ્રી હરિલીલામૃતે ગ્રંથોત્પત્તિ નામ પ્રથમ કલશઃ સમાપ્ત ॥ ૧ ॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે