વિશ્રામ ૨
(અથ ગ્રંથોત્પત્તિકથનમ્)
શાર્દૂલવિક્રીડિતવૃત્ત
જન્મ્યા કૌશલ દેશ વેષ બટુનો1 લૈ તીર્થ માંહિ ફર્યા,
રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો ને યજ્ઞ મોટા કર્યા;
મોટાં ધામ2 રચ્યાં રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી,
અંતર્ધાન થયા લીલા હરિ તણી સંક્ષેપ એ ઉચ્ચરી. ૧
શ્રી વૃત્તાલયમાં અચિંત્યમુનિએ રાજા અભેસિંહને,
જે લીલામૃત કૃષ્ણનું કરી કૃપા પાયું પમાયું જને;3
તે વર્ણીવરને નમું વળી નમું તે ભૂપતિ હંસને,4
તેના પૂર્વજ જે થયા હરિજનો વંદૂં જદૂવંશને. ૨
નિત્યાનંદ તણા સુશિષ્ય સુમતિ જ્ઞાતા જનો સૌ કહે,
ભૂમાનંદમુનિ ભલા ભગવદી વૃત્તાલયે તે રહે;
સાધૂતા ગુણ શ્રેષ્ઠ શ્રીહરિ તણી લીલા સદા ઉચ્ચરે,
બેસીને દૃઢ આસને પ્રભુ તણું જે ધ્યાન નિત્યે ધરે. ૩
તાપે ગ્રીષ્મ ને તપ્યાં તન અતિ એવા અરણ્યે ચરા,5
ગંગા નીર તરંગથી તન વિષે તે શાંતિ પામે ખરા;
તે રીતે ત્રણ તાપથી તપિત જે આવે જનો આદરે,
ભૂમાનંદમુનિની વાણી સરિતા તે તાપ તેના હરે. ૪
જૈ બેઠા હરિમંડપે હરિ તણા તે ધ્યાનમાં એકદા,
પાટીદાર વસો નિવાસી જન જે તે આવિયા ત્યાં તદા;
જેના તાત અમીન દાસ તુલસી સદ્ભાગ્યશાળી હતા,
એવા વાઘજીભાઈ આ સમયમાં સત્સંગમાં છે છતા. 6 ૫
શ્રીજી નિર્મિત ધર્મસેતુ પર જે પ્રીતિ સુરીતી કરે,
શ્રીજી સ્થાપિત દેવ ગાદિપતિનો જે પક્ષ પક્કો ધરે;
જેણે મુખ્ય ગુણાતીતાખ્ય મુનિનો સત્સંગ જૈને કર્યો,
સદ્ભક્તિશ્રવણાખ્યમાં7 પૃથુસમો8 સદ્ભાવ જેણે ધર્યો. ૬
ઉપજાતિ
તે વાઘજીભાઇ વિવેકી સારા, પ્રીતે હરિમંડપમાં પધાર્યા;
ભૂમાખ્ય મોટા મુનિને નિહાળી, લાગ્યા પગે મસ્તક નેણ ઢાળી. ૭
ત્યાં ધ્યાનમાંથી મુનિ તેહ જાગ્યા, પ્રેમે લળી9 વાઘજી પાય લાગ્યા;
હરિ સુલીલામૃત ગ્રંથ કેરી, કથા વખાણી મુનિએ ઘણેરી. ૮
બોલ્યા તહાં વાઘજીભાઈ વાણી, અહો કૃપાનાથ કૃપા સુ આણી;
પૂછું હવે ઉત્તર એહ આપો, સમર્થ છો સંશય સર્વ કાપો. ૯
હરિ સુલીલામૃત ગ્રંથ નામ, કેણે રચ્યો છે રહી કેહ ઠામ?
તે ગ્રંથ કેરી ઉતપત્તિ જેહ, તમે કહો હે મુનિરાજ તેહ. ૧૦
ઇચ્છા મને છે અતિ જાણવાની, સારાંશ એનો ઉર આણવાની;
કહે મુનિ સાંભળ ભક્તરાજ, એ ગ્રંથ ઉત્પત્તિ સુણાવું આજ. ૧૧
તે ગ્રંથમાં છે પ્રભુનાં ચરિત્ર, શ્રોતા જનો થાય સુણી પવિત્ર;
શ્રીધર્મપુત્રે રઘુવીરજીને, આચાર્ય કીધા કરુણા કરીને. ૧૨
તેણે વળી જાણી ગતપ્રમાદ,10 આચાર્ય કીધા ભગવત્પ્રસાદ;
એણે પછી આણી ઉરે વહાલ, સ્થાપ્યા નિજસ્થાન વિહારીલાલ. ૧૩
તે એકદા સંત તણે સમાજે, આંહી સભામંડપમાં બિરાજે;
તારા વિષે શોભિત ચંદ્ર જેમ, શોભે સભામાં વૃષવંશી તેમ. ૧૪
તિથિ હતી રામ જયંતિ જ્યારે, આવ્યા હતા સંઘ અનેક ત્યારે;
ભાવીક તે ભક્ત બધા મળીને, આચાર્ય પાસે ઉચર્યા લળીને. ૧૫
રથોદ્ધતા
હે દયાળુ દિલમાં દયા કરો, આ અમારી વિનતિ ઉરે ધરો;
ગ્રંથ ધર્મસુતની લીલા તણા, વાંચવા ઉર ઉમંગ છે ઘણા. ૧૬
જે ચરિત્ર પ્રગટ પ્રભુ તણાં, છે લખેલ ગિરવાણમાં11 ઘણાં;
તે ન વાંચી શકિયે ભણ્યા વિના, કેમ શાંતિ ધરિયે સુણ્યા વિના. ૧૭
જેમ મિષ્ટ ફળ પેટીમાં ભરે, તાળું વાસી પછી આગળે ધરે;
જો ન હોય જન કુંચિદાર12 તો, લૈ શકે ન ફળ તે લગાર તો. ૧૮
તેમ શાસ્ત્રી જન વાંચીને કહે, તો જ સર્વજન સાંભળી લહે;
હોય ગ્રંથ શુભ દેશિ વાણીમાં, જ્ઞાન પ્રાપ્ત બહુ થાય પ્રાણીમાં. ૧૯
દેશિ વાણી સઉ જેવી ડાળિયો, મૂળ તેહ ગિરવાણ વાળિયો;
ધૂળમાં તરુ સમસ્ત મૂળ છે, ડાળમાં ફળ તથા સુફૂલ છે. ૨૦
સંપ્રદાય તણી શુદ્ધિ નામનો, ગ્રંથ સંસ્કૃત વિશેષ કામનો;
છે રચ્યો ગુરુ તમે કૃપા કરી, વાસુદેવ ભટ નામને ધરી. ૨૧
ગ્રંથ પ્રાકૃત13 લીલા સુસંગ્રહ, છે રચ્યો શુભ તમે દયા સહ;
કૃત્ય આપ કરવાનું છે કર્યું, ધન્ય દેશિકપણું14 તમે ધર્યું. ૨૨
ચોપાઈ
સુણી બોલ્યા આચાર્ય ઉમંગી, તમે સાંભળો સૌ સત્સંગી;
ગ્રંથ છે ઘણા તે શું ગણાવું, સંખ્યા મુખ્ય ગ્રંથની સુણાવું. ૨૩
સત્સંગિજીવન શુભ નામ, ગ્રંથ ગીર્વાણ છે સુખધામ;
રચનાર શતાનંદ સ્વામી, નથી તેમાં રહી કાંઈ ખામી. ૨૪
ધર્મશાસ્ત્ર ગણાય છે સારું, લીલા પ્રગટ તણી કહેનારું;
પૂરાં પ્રકરણ છે પાંચ જેમાં, સુણો શ્લોકની સંખ્યા છે તેમાં. ૨૫
યથાવૃત્ત15 પ્રમાણે કહીશ, સાડા સોળ હજાર પચીશ;
પણ લેખક ગણતી પ્રમાણે, શ્લોક સત્તર સહસ્ર સૌ જાણે. ૨૬
વળી એથી અધિક તો ગણાય, સાતસેં ને સત્યાવીશ થાય;
હરિલીલાકલ્પતરૂ જેહ, રઘુવીરજી રચનાર તેહ. ૨૭
આખા ગ્રંથના સ્કંધ છે બાર, વૃત્ત ઓગણત્રીસ હજાર;
એ થકી વળી ઉપર જે છે, પૂરેપૂરા પોણા ત્રણસેં છે. ૨૮
પણ લેખક ગણતી પ્રકાર, તેના શ્લોક તેત્રીસ હજાર;
એકત્રીસ બસેં ઉપરાંત, તેમાં ભાસે નહીં કાંઈ ભ્રાંત. ૨૯
એના માહાત્મ્યના જે અધ્યાય, ચૌદનો ગ્રંથ જૂદો જણાય;
શ્લોક લેખક સંખ્યા ગણીશ, સાતસેં ને ઉપર ઓગણીશ. ૩૦
હરિવાક્યસુધાસિંધુ જેહ, શતાનંદે રચ્યો ગ્રંથ તેહ;
વચનામૃત તેહનાં ગણી, કહું સંખ્યા સુણો તેહ તણી. ૩૧
ગઢડે ઉચર્યા અવિનાશી, એકસો ઉપરાંત ચોરાશી;16
જાણો સારંગપુરનાં અઢાર, કારિયાણી તણાં કહું બાર. ૩૨
છે અઢાર લોયાનાં વિખ્યાત, ગામ પંચાળાનાં ગણો સાત;
વરતાલ તણાં વીશ જાણો, ત્રણ શ્રીપુરનાં17 ઉર આણો. ૩૩
બધાં બાસઠ ને શત બેય, સંખ્યા સર્વ મળી એવી છેય;
શ્લોક નાના મોટા નિરધાર, દશ ઓછા છે આઠ હજાર. ૩૪
શ્લોક લેખક સંખ્યા કહીશ, આઠ સહસ્ર શત એકત્રીસ;
ગ્રંથ હરિદિગ્વિજય છે સાર, નિત્યાનંદમુનિ રચનાર. ૩૫
એના અધ્યાય નામ હુલાસ, પૂરી સંખ્યા ઓગણપચાસ;
છસેં નવ તથા ત્રણ હજાર, તેમાં વૃત્તનો છે નિરધાર. ૩૬
શ્લોક લેખકના જ પ્રમાણો, સવા ચાર હજાર છે જાણો;
વળી રઘુવીરજી મહારાજે, ગ્રંથ કીધો છે નિજજન કાજે. ૩૭
દુર્ગપુરના માહાત્મ્યનો ગ્રંથ, તે છે પાવન મોક્ષનો પંથ;
હરિવાક્ય સુધાસિંધુ તણી, રચી છે ટીકા18 ઉત્તમ ઘણી. ૩૮
સર્વમંગળનું ભાષ્ય કીધું, તે તો શિષ્યોને જીવન દીધું;
ભલા શ્રીભગવતપ્રસાદ, તેના ગ્રંથ કહું કરી યાદ. ૩૯
એક તો હરિલીલાપ્રદીપ, રચ્યો છે રમાનાથ19 સમીપ;
અન્વયાર્થપ્રકાશિકા નામ, ભાગવત પર ટીકા ઉદ્દામ. 20 ૪૦
હરિલીલાકલ્પતરુ કેરી, રચી છે ટીકા રુડી ઘણેરી;
હરિનો દિગ્વિજય છે ગ્રંથ, સજી તેની ટીકા શુદ્ધ પંથ. ૪૧
વળી સદ્ગુરૂ ગોપાળાનંદે, ઘણા ગ્રંથ રચ્યા ગુણવૃંદે;
ભગવદ્ગીતા ને ઈશાવાસ્ય, ભલાં તેનાં કરેલાં છે ભાષ્ય. ૪૨
સ્કંધ બીજો અગ્યારમો દશમો,ભાગવતનો છે ભણવાને વસમો;
તેની ટીકા સુગમ કરી દીધી, વ્યાસસૂત્ર તણી ટીકા કીધી. ૪૩
શ્રુતિ21 શાસ્ત્ર ઉપર દૃષ્ટિ સાંધી, વિષ્ણુયાગની પદ્ધતિ બાંધી;
ઝાલાવાડમાં શીયાણી ગામ, ભલા ત્યાં હતા ભટ શિવરામ. ૪૪
ગ્રંથ સત્સંગિજીવન માંય, પાંચમું પ્રકરણ છે જ્યાંય;
શિવરામને શ્રીહરિ કેરો, સારો સંવાદ દિસે ઘણેરો. ૪૫
થયા તેહ પછી બ્રહ્મચારી, અખંડાનંદ સંજ્ઞા છે ધારી;
એહ વર્ણી તથા ગુણવૃંદ, સાધુ સોમપ્રકાશાનંદ. ૪૬
જેને ભક્તિસુતે કહ્યા ભાઈ, સાધુ એવા તે જન સુખદાઈ;
રઘુવીરજીને પ્રભુ જ્યારે, પદ આપ્યું આચારજ ત્યારે. ૪૭
અખંડાનંદ સોમપ્રકાશ, મુક્યા જમણી ને ડાબી પાસ;
રચ્યો વર્ણીયે ગ્રંથ પવિત્ર, તેનું નામ છે હરિચરિત્ર. ૪૮
તેની ટીકા છે મન અભિરામ,22 તેનું તત્વાર્થબોધિની નામ;
તે તો ગોપાળજી સુત જેહ, રચી કૃષ્ણપ્રસાદે તો તેહ. ૪૯
જ્યારે હરિયે આચારજ થાપી, ગાદી અવધ્યપ્રસાદને આપી;
વર્ણી વાસુદેવાનંદ નામી, સાધુ માહાનુભાવાનંદ સ્વામી. ૫૦
ભુજ23 દક્ષિણ24 ને વામ25 સ્થાને, મુક્યા તે સમે શ્રી ભગવાને;
આચારજજી અયોધ્યાપ્રસાદે, શ્રુતિ શાસ્ત્ર તણી મરજાદે. ૫૧
ટીકા સત્સંગિજીવન તણી, રચી તે પણ છે શુભ ઘણી;
વર્ણી વાસુદેવાનંદે સીધ, ગ્રંથ સત્સંગિભૂષણ કીધ. ૫૨
તેની ટીકા તે વળી વાંચીયે, કરી કેશવપ્રસાદજીયે;
ટીકા સત્સંગિજીવન તણી, હેતુ નામે છે ઉત્તમ ઘણી. ૫૩
રચનાર શુકાનંદ સ્વામી, નથી તેમાં કશી પણ ખામી;
ચૈતન્યાનંદ સ્વામીયે જેમ, રચ્યો જ્ઞાનવિલાસ છે તેમ. ૫૪
સીતારામજીભાઇયે સત્ય, રચ્યો શ્રીહરિઆજ્ઞામૃત;
વ્યાસસૂત્ર તણું બીજું ભાષ્ય, મુક્તાનંદે કર્યું છે પ્રકાશ. ૫૫
ભાષ્ય શાંડિલસૂત્ર જ તણું, નિત્યાનંદે કર્યું શુભ ઘણું;
હરિસંભવાદિક રચ્યા જેહ, અચિંત્યાનંદવર્ણીયે એહ. ૫૬
યોગાનંદ થયા કવિરાજ, ગ્રંથો તેણે રચ્યા જન કાજ;
એ તો સંસ્કૃત ગ્રંથ ગણાવ્યા, મને જે કાંઈ સાંભરી આવ્યા. ૫૭
ગ્રંથ પ્રાકૃતનો નથી પાર, મુક્તાનંદ આદિક રચનાર;
બ્રહ્માનંદ પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદે રાખી ન ખામી. ૫૮
ગણતાં કેટલાક ગણાવું, જીભથી કેમ પાર જણાવું;
નિત્ય એક અધ્યાય વંચાવે, શત વર્ષે નહિ પાર આવે. ૫૯
ઇન્દ્રવંશા
સત્સંગી સર્વે વળી બોલિયા ફરી, છોજી કૃપાનાથ સુણો કૃપા કરી;
આખ્યાન બીજાય અનેક છે સહી, તે ગ્રંથમાં ક્યાંઈ લખેલ છે નહીં. ૬૦
જે વૃદ્ધ ભક્તો હમણાં હયાત છે, તેને મુખે એવી અનેક વાત છે;
જ્યારે જનો તે હરિધામમાં જશે, આખ્યાન એ સર્વે અદર્શ26 તો થશે. ૬૧
અદ્ભૂત લીલા વળી એકઠી કરો, તે સર્વ તે ગ્રંથ વિષે તમે ધરો;
તે ગ્રંથ ભાષા ભલી ગુર્જરી વિષે, ગુંથાય તો સર્વ જનો ખુશી થશે. ૬૨
આચાર્ય જે જે પૂરવે થઈ ગયા, તે ગ્રંથ તેના મતના રચી ગયા;
જેનાથી ગ્રંથો વધતા રચાય છે, આચાર્ય તો ઉત્તમ તે ગણાય છે. ૬૩
આ લોકમાં ઊંચી ઘણી ઇમારતો, સારી રચે છે બહુ સાહુકાર તો;
સદ્ગ્રંથ મોટા નિજ સંપ્રદાયના, આચાર્ય સાધારણથી રચાય ના. ૬૪
હીરા તણું મૂલ ઝવેરી જાણશે, બીજા જનો કંકર તે પ્રમાણશે;
ગ્રંથોનુ માહાત્મ્ય પુરું પ્રવીણને,27 તે તુચ્છ લાગે જન બુદ્ધિહીણને. ૬૫
પુષ્ટિ વધે ગ્રંથથી સંપ્રદાયની, છે એ જ રીતિ જગમાં સદાયની;
જે પંથના ગ્રંથ નહીં પ્રકાસશે, ભફ્ફાકિયા પંથ સમાન ભાસશે. ૬૬
આ જે કરી પ્રાકૃત ગ્રંથ માગણી, તે તો દયાળુ તમને ભલા ગણી;
જાણે ન જે સંસ્કૃત નારી ને નરો, તે સર્વ માટે ઉપકાર તો કરો. ૬૭
કૂવાનું પાણી ગુણવાન28 પામશે, નિરાશી થૈને ગુણહીન તો જશે;
ગંગા ગુણી નિર્ગુણીને નહીં ગણે, દે સર્વને નીર દયાપણે ઘણે. ૬૮
તેવી દયા દિલ ધરો તમે બહુ, સ્વશિષ્ય જાણો ન ભણ્યા ભણ્યા સહુ;
એવો રચો ગ્રંથ અપૂર્વ29 રંગથી,30 જે ગ્રંથ વાંચે જન સૌ ઉમંગથી. ૬૯
પુષ્પિતાગ્રાવૃત્ત
કરી સુવિનતિ એવી એહ કાળે, સુણી મન માંહિ ધરી વિહારીલાલે;
નિજજન હિત ચિત્તમાં વિચાર્યું, દૃઢ કરી ગ્રંથ રચ્યાનું કામ ધાર્યું. ૭૦
ઇતિ શ્રી વિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે
ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે ગ્રંથરચનાર્થે
હરિભક્તકૃત આચાર્યવિનતિનામ દ્વિતીયો વિશ્રામઃ ॥૨॥