કળશ ૧

વિશ્રામ ૩

 

ઉપજાતિ

કહે ભૂમાનંદ મુનીન્દ્ર મુક્ત, હે વાઘજીભાઈ સુણો સુભક્ત;

વિહારીલાલે મનમાં વિચારી, બોલાવિયા સદ્‌ગુરુ બુદ્ધિ સારી. ૧

તેનાં કહું નિરમળ શુદ્ધ નામ, તથા કહું સદ્‌ગુણ એહ ઠામ;

આચાર્ય પાસે મુનિ એહ આવ્યા, જોતાં ભલા અંતર માંહિ ભાવ્યા. ૨

સ્રગ્ધરા

જ્ઞાની ધ્યાની અમાની મુનિશિરમણિ1 શ્રી અદ્‌ભુતાનંદસ્વામી,

જેણે કામાદિ જીત્યા તજી તનમમતા તીવ્ર વૈરાગ્ય પામી;

સારી સેવા સજીને સમય સમયમાં શ્રીજીને રાજી કીધાં,

પામ્યા હાર પ્રસાદી ચરણ હરિ તણા છાતિમાં ચાંપિ લીધા. ૩

ગોપાળાનંદ કેરા સુગુણી મુનિ હતા શિષ્ય સારા અનેક,

તે સૌમાં મુખ્ય તે તો સકળ જન કહે પુરુષાનંદ એક;

જેણે કાંઈ જુદાઈ લવ સમ ન ગણી શ્રી રઘુવીર સાથે,

સાચું સખ્યત્વ તેથી સતત મન ધર્યું તેહ ધર્માધિનાથે. 2

શિખરિણી

અનંતાનંદાખ્ય પ્રભુપદ તણા પૂજક સદા,

વડા તે વર્ણીન્દ્ર પ્રગટ હરિવાર્તાકર મુદા;

મુકુંદાનંદે તો નિજ સકળ શિષ્યોપરી3 ભણ્યા,4

વિહારીલાલે તે સ્વમત પૂછવા ઉત્તમ ગણ્યા. ૫

સ્રગ્ધરા

વિજ્ઞાનાનંદસ્વામી વિદુષજનમણી5 હું હતો તેહ પાસ,

નિષ્કામાનંદ વર્ણી અતિ શુભમતિમાન્ બાળમુકુંદદાસ;

આવ્યા ત્યાં આઠમા તો પરમ નિપુણ જે કૃષ્ણજીવનદાસ,

આચાર્યે માન આપ્યું મધુર વચનથી આપ બેસારી પાસ. ૬

ઉપજાતિ

ભક્તિ મળી વલ્લભદાસ નામ, જે સાધુ છે સદ્‌ગુણના સુધામ;

ચૈતન્ય આનંદમુનીન્દ્ર કેરા, તે શિષ્ય સારા મતિમાન્ ઘણેરા. ૭

લાગ્યા ભલા તે રઘુવીરજીને, મહાંત કીધા ગુણી તે મુનીને;

સદૈવ કાળે સત્સંગ કેરો, મમત્વ રાખે મનમાં ઘણેરો. ૮

સેવ્યા ઘણા સદ્‌ગુરુ સ્નેહ આણી, તેથી થઈ તેની વિશુદ્ધ વાણી;

તે સંતને ગ્રંથ વિચાર કાળે, બોલાવિયા પાસ વિહારીલાલે. ૯

કેવા દિસે તે નવ સંત સાથ, જેવા વિરાજે નવ યોગિનાથ;

તેમાં વિરાજે વૃષવંશિ ભૂપ, જેવા વિદેહી નૃપતિ6 અનૂપ. ૧૦

વૈતાલીય

મુનિ તે નવને તહાં સહી, વૃષવંશે બધી વારતા કહી;

શુભ પ્રાકૃત ગ્રંથ તો ખરો, હરિભક્તો મુજને કહે કરો. ૧૧

કરું પ્રાકૃત કે ન આ સમે, ઉચરો શાસ્ત્ર પ્રમાણ તે તમે;

સુણી વર્ણી સુસંત બોલિયા, ન કરો એમ કહે જે ભોળિયા. ૧૨

ધર્માધિપતિપણું ધરી, સમઝાવે મત પ્રાકૃતે કરી;

વળી ભાગવતે લખ્યું દિસે, શુભ એકાદશકંધને વિષે. ૧૩

સ્તુતિ પ્રાકૃત સંસ્કૃતે કરી, કરવાથી દિલ રીઝશે હરિ;

વળી વાંચી જુવો સુધિયની,7 શુભ શિક્ષા મુનિ પાણિનીયની. 8 ૧૪

શુભ પ્રાકૃત સંસ્કૃતે ધર્યા, વરણોચ્ચાર સ્વયંભુયે9 કર્યા;

નથી પ્રાકૃતની નિષિદ્ધતા, લખી કોઈ મુનિયે પ્રસિદ્ધતા. ૧૫

વચનામૃત વિઠ્ઠલેશનાં,10 વ્રજભાષાકૃત છે સ્વદેશનાં;

જડ11 પ્રાકૃતને નિષેધશે, પણ પોતે મુખ બોલતો હશે. ૧૬

જન જે વિદુષો ન નિંદશે, ખળ નિંદે કદી તેથી શું થશે;

સુખથી શુભ ગ્રંથ આદરો, હરિભક્તો ખુશી થાય તે કરો. ૧૭

સુણી તે વૃષગાદીના પતિ,12 મુદ પામ્યા નિજ અંતરે અતિ;

પછી મુખ્ય સુકારભારીને, વળી પૂછ્યું મનમાં વિચારીને. ૧૮

ઉપજાતિ

મુખ્યત્વ ગોવર્ધનદાસ નામ, છે ઠાસરા તેહનું જન્મ ઠામ;

વિખ્યાત છે નાગર વૈશ્ય નાતે, છે રાજનીતિ શુભ જાણ જાતે. ૧૯

પિતાતણું નામ દયાળજી છે, ભ્રાતા વડા મોહનલાલજી છે;

છે ભાઈ બીજો પણ કૃષ્ણદાસ, ત્રીજોય પીતાબંર તેની પાસ. ૨૦

ચતુર્થ તો જાદવજી ગણાય, તે પાંચ ભાઈ સુખિયા સદાય;

બે બેન તેમાં પણ એમ જાણો, સુભાગ્યશાળી નવલ પ્રમાણો. ૨૧

જે ઠાસરાના જન બાપુભાઈ, તેની સુપત્નિ સતિ તે ગણાઈ;

સત્સંગી બાઈ કઠલાલ કેરી, વાતો પ્રભુ કેરી કરે ઘણેરી. ૨૨

તે એક કાળે અવલેંજ આવી, સત્સંગની વાત ઘણી સુણાવી;

તે સાંભળીને નવલે વિચાર્યું, દાસત્વ શ્રીજીતણું દિલ ધાર્યું. ૨૩

તે નાત કેરા જન જે બધાય, સત્સંગનો દ્વેષ કરે સદાય;

તે કારણે ગુપ્ત ભજે હરિને, પિતા પતિ આદિકથી ડરીને. ૨૪

તેણે પ્રતિજ્ઞા કરી એવી આપે, જો પુત્ર પામું પ્રભુને પ્રતાપે;

તો શ્રીહરિને ચરણે લગાડું, તે પુત્રને અન્ન પછી જમાડું. ૨૫

દયાનિધિ સ્વામી દયા કરે છે, મનોરથો ભક્ત તણા પુરે છે;

તે બાઈ પોતે શુભ પુત્ર પામી, ખુશી થવા માંહિ રહી ન ખામી. ૨૬

ખુશી થયું એ થકી આખું ગામ, માયે ધર્યું માધવલાલ નામ;

ભાળી ભલો એવું ભવિષ્ય ભાસે, પરાક્રમી પુત્ર પ્રવિણ થાસે. ૨૭

મોટા થયા માધવલાલભાઈ, પિતા થકી કીર્તિ કરી સવાઈ;

અંગ્રેજ લોકો પણ માન આપે, રાજા ઘણા વેણ નહીં ઉથાપે. ૨૮

કર્યો ભલો ભૂપતિ કારભાર, સત્સંગમાં પ્રીતિ ધરી અપાર;

રહ્યાં ગૃહસ્થાશ્રમમાં સદાય, તથાપિ જુદા જળકંજ13 ન્યાય. ૨૯

હવે કહું વાત દયાળજીની, તેણે લીધી આશ્રયતા હરિની;

સુપત્નિ તેની અવલ પ્રમાણી, તેણે પતિને કહી એવી વાણી. ૩૦

સત્સંગી થાતાં ભય છે અપાર, મુકે મળી સૌ ઘર નાતબાર;

સત્સંગ છાનો મન માંહિ રાખો, કંઠી તથા તીલક કાઢી નાખો. ૩૧

મારું કહ્યું સ્વામી જરૂર માનો, નૈ તો મહાક્લેશ નક્કી થવાનો;

બોલ્યા સુણી શેઠ દયાળદાસ, તમે ન રાખો તૃણમાત્ર ત્રાસ. 14 ૩૨

સત્સંગ દ્રઢ રાખવા વિષે

સર્વે થકી શ્રીહરિ છે સમર્થ, બીજા તણી બીક બધાની વ્યર્થ;

શરીરને સંકટ શ્રેષ્ઠ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. ૩૩

ફણીન્દ્રને15 તો મણિ પ્રિય લાગે, તે જીવતાં તો કદીયે ન ત્યાગે;

સત્સંગ કીધો નિજ શીશ સાટે, નહીં તજુ નાતતણે ઉચાટે. ૩૪

પૂર્વે કર્યો છે સતસંગ જેણે, તજ્યો નથી તે ભય પામી તેણે;

પ્રહલાદને દુઃખ અપાર દીધું, સત્સંગ માટે સહુ સાંખી લીધું. ૩૫

વિભીષણે જો સતસંગ કીધો, તે ભ્રાત બીકે નહીં ત્યાગી દીધો;

ડર્યો નહીં દૈહિક દુઃખ માટે, સત્સંગ રાખ્યો નિજ શીશ સાટે. ૩૬

નારી સતી જે પતિને વરે છે, તે ત્યાગ શું તે પતિનો કરે છે?

મેં શ્રીહરિને તન ચિત્ત તેમ, અર્પી દીધું તે લઉં પાછું કેમ? ૩૭

જો કોઈ રાજા કદી કાંધ મારે,16 જો લોક ધિક્કાર ઘણા ઉચારે;

સંબંધિ સર્વે પ્રતિકૂળ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. ૩૮

જેને જણાણો વ્યવહાર ખોટો, સત્સંગમાં માલ ગણ્યો જ મોટો;

તે જ્ઞાતિ માટે નહીં કંઠી તોડે, બદામ17 માટે મણિ કોણ છોડે. ૩૯

જેણે સુધાપાન18 કર્યું જ લેશ, તે થાય પ્રત્યેક રગે પ્રવેશ;

પછી ભલે મસ્તક જો કપાય, તથાપિ પીધું ન પીધું ન થાય. ૪૦

એવી જ રીતે સતસંગ રંગ, વ્યાપી રહ્યો અંતર બાહ્ય અંગ;

આત્મા વિષે તો અતિરંગ ભાસે, શરીર જાતાં પણ તે ન જાશે. ૪૧

ફરે કદાપિ બહુ દેશ કાળ, દશે દિશે દર્શિત19 દુઃખ ઝાળ;

જો દૈવિ માયા મુજને ડગાવે, ડગું નહીં હું કદીયે ડગાવ્યે. ૪૨

સતી પતિ સંગ બળે જઈને, નાસે નહીં દુઃખિત તે થઈને;

તેવી રીતે દુઃખ અથાગ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. ૪૩

મેરૂ ચળે ભૂમિ ફણીન્દ્ર20 મૂકે, કે વેદ વાણી વિધિદેવ21 ચૂકે;

ભાનૂ ઉદે પશ્ચિમ પાસ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. ૪૪

ધીરાં રહી ધીરજ ચિત્ત ધારો, સત્સંગ કેરો મહિમા વિચારો;

સારું ચણાવે ઘર શ્રેષ્ઠ ઘાટે, તજાય શું મચ્છર દુઃખ માટે? ૪૫

રથોદ્ધતા

શેઠ ચાર સુતને વરાવિયા, તે ગૃહસ્થ કરીને ઠરાવિયા;

પાંચમે પરણવાનિ ના કહી, બ્રહ્મચર્ય ધરીને રહ્યાં સહી. ૪૬

કૃષ્ણદાસ સુત જે બીજો કહ્યો, પ્રેમચંદ સુત તેહનો થયો;

શુદ્ધચિત્ત સતસંગ તો ધર્યો, થૈ વકીલ જય ધર્મનો કર્યો. ૪૭

રીઝિયા શ્રીભગવત્પ્રસાદજી, અદ્‌ભુતાખ્ય મુનિ અપ્રમાદજી;

જે પવિત્ર પછી નંદજી કહ્યા, એહ આદિક પ્રસન્ન સૌ થયા. ૪૮

તે પછી પણ પ્રધાન તે થયા, બાબી22 પાસ વડશિણોરમાં રહ્યાં;

કૃષ્ણભક્તિ ભલી ભાતથી કરે, ધર્મપક્ષ શિરસાટ તે ધરે. ૪૯

જાદવાખ્ય સુત જેહ ચારમો, તે થયો ન વર બીજી વારમો;23

સ્ત્રી મુવા પછી વિરાગ આવિયો, સાંખ્યયોગ નિજ ચિત્ત ભાવિયો. ૫૦

ત્યાગમાર્ગ ધરવા રુચી ધરી, તાત કેરી સ્તુતિ બે સુતે કરી;

તાત આવી વરતાલમાં સિધા, વીર બેય રઘુવીરને દિધા. ૫૧

હાથ જોડી કરી શેઠ વિનતિ, બેય પુત્ર વિતરાગિ છે અતિ;

ત્યાગમાર્ગ તણી રૂચી લાવિયા, તેથી લાવી તમને ભળાવિયા. ૫૨

એવી વાણી કહી ઘેર તે ગયા, સાંખ્યયોગી સુત બેય તો થયા;

ધન્યભાગ્ય સુત ને પિતાતણું, શું માહાત્મ્ય મુખથી કહું ઘણું! ૫૩

વિક્રમાર્ક શક વર્ષ સંભવે, ઓગણીશ શત ઊપરે નવે;

બેય ભાઈ વરતાલ આવિયા, ભક્તરાજ ગુરુચિત્ત ભાવિયા. ૫૪

ઉપજાતિ

શ્રીજી તણા જાદવજી સુદાસ, રહ્યાં ગુણાતીત મુનીન્દ્ર પાસ;

થોડેક કાળે પ્રભુને ભજીને, મોક્ષે ગયા તે તનને તજીને. ૫૫

બીજાનું ગોવર્ધનદાસ નામ, તે તો રહ્યાં શ્રીવરતાલ ધામ;

પોતા તણી પુંજિ24 સમસ્ત જેહ, સત્સંગમાં વાવરી દીધી તેહ. ૫૬

સંતો જમાડ્યા વળી વસ્ત્ર કીધાં, ચાંદી તણાં પાત્ર રચાવી દીધાં;

તે પાત્ર અર્પ્યાં રઘુવીરજીને, પ્રસન્ન કીધા પ્રભુને ભજીને. ૫૭

નિષ્કામ નિઃસ્વાદ નિરાભિમાન, સત્સંગની વૃદ્ધિ કર્યાનું તાન;

સ્વાચાર્યનો પક્ષ પ્રસિદ્ધ સાચે, પેખ્યા અસાધારણ ગુણ પાંચે. ૫૮

શ્રીલક્ષ્મીનારાયણદેવ કેરાં, છે મંદિરો દેશ વિષે ઘણેરાં;

તે સર્વના ઉપરી કારભારી, તેને જ કીધા મતિ જોઈ સારી. ૫૯

આચાર્યજી શ્રીરઘુવીર જેહ, સ્વપુત્ર તુલ્યે ગણતા જ તેહ;

અનન્ય દાસત્વ નિહાળી અંગ, વિશ્વાસ રાખ્યો ઉરમાં અભંગ. ૬૦

પછી થયા શ્રીભગવત્પ્રસાદ, તેણેય રાખ્યા ગુણ સર્વ યાદ;

તેથી જ ગોવર્ધનદાસ કેરો, વિશ્વાસ રાખ્યો હૃદયે ઘણેરો. ૬૧

કહે ભૂમાનંદ મુનીન્દ્ર વાણી, સુણો કહું તે ઉર નેહ આણી;

દયાળજી કેરું કુટુંબ કેવું, સુભક્ત સર્વે વ્રજવાસી જેવું. ૬૨

પ્રત્યક્ષ કેરો મહિમા ન જાણે, પરોક્ષને લોક પછી વખાણે;

એવી જ છે આ જગકેરી રીત, જ્ઞાની કરે ચાહિ25 વિચાર ચિત્ત. ૬૩

આખ્યાન આવાં હરિભક્ત કેરાં, કથા પ્રસંગે સુણિયે ઘણેરાં;

તો વાસના અંતરમાંથી તૂટે, સંસારનાં બંધન છેક છૂટે. ૬૪

પ્રત્યક્ષ જ્યાં શ્રીહરિ હોય જ્યારે, એવા દિસે ભક્ત અનેક ત્યારે;

પછી પુરો પુણ્ય પ્રતાપ જેને, તેવા તણું દર્શન થાય તેને. ૬૫

પુષ્પિતાગ્રા

પરમ પુનિત આ કથા પ્રસંગ, હરિજન કીર્તિ કથાનું એહ અંગ;

સુણી જન મન સદ્ય શુદ્ધ થાય, પ્રભુ મહિમા પણ એ થકી જણાય. ૬૬

 

ઇતિ શ્રી વિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે

પ્રથમકલશે ભૂમાનંદમુનીન્દ્ર વાઘજીભાઈ સંવાદે

કથાપ્રસંગે ઠાસરાનિવાસી દયાળદાસાખ્યાનકથનનામ તૃતીયો વિશ્રામઃ ॥૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે