વિશ્રામ ૧૧
ઉપજાતિ
પચીશમી સાલ વિષે વિચાર્યું, વૈશાખ વૃત્તાલ જવાનું ધાર્યું;
રાણી તથા રાજકુમાર લૈને, ચાલ્યા ધરાધીશ્વર1 સજ્જ થૈને. ૧
સાથે લીધા સુજ્ઞ દવે પ્રધાન, સેના સજી વાસવની2 સમાન;
દેવાજી પાસે હઠીસિંહ જેમ, સંગ્રામજી પાસ સદૈવ તેમ. ૨
હતા અભેસિંહ ગણોદવાળા, સલાહકારી સુમતિ વિશાળા;
થોડા દિને તે વરતાલ્ય આવ્યા, સારી જગોયે સહુને વસાવ્યા. ૩
શ્રીલક્ષ્મીનારાયણ આદિ કેરી, મૂર્તિ ચમત્કારી દીઠી ઘણેરી;
પ્રેમે નૃપાળે કરીને પ્રણામ, અમૂલ્ય ભેટ્યો ધરી એહ ઠામ. ૪
તહાં પગે કુંવરને લગાડ્યા, ઉચાટ સર્વે મનના મટાડ્યા;
હતા જહાં શ્રીભગવત્પ્રસાદ, રાજા ગયા ત્યાં તજીને પ્રમાદ. ૫
પ્રેમે કર્યા દંડવત પ્રણામ, બેઠા સમીપે નૃપ સંગરામ;
સંતો સહુને પણ શીશ નામી, રાખી નહીં નમ્રપણાની ખામી. ૬
સ્વપુત્રને શીખવી સારી રીત, પગે લગાડ્યા સહુને સપ્રીત;
વળી ઉચ્ચારી વિનતી અગર્વે,3 આશ્ચર્ય પામ્યા હરિભક્ત સર્વે. ૭
નિવાસ કીધો નૃપ દોઢ માસ, સુણ્યો સદા જ્ઞાન તણો વિલાસ;
આચાર્ય સંતો સહુને રીઝાવ્યા, પછી સુવૃત્તાલયથી સિધાવ્યા. ૮
છવીસમી વિક્રમ સાલ આવી, રાજા વસ્યા સ્વર્ગ વિષે સિધાવી;
થયા જનો સૌ અતિશે ઉદાસી, રાણી તથા રૈયત દાસ દાસી. ૯
સંગ્રામજી સાર્થક દેહ કીધો, આ લોકમાં લાભ અલભ્ય લીધો;
જે થોડું જીવે પણ ધર્મ સાધે, તો સ્વર્ગમાં આયુષ તેની વાધે. ૧૦
જીવે ઘણું ને ન સજે સુઅર્થ, તો વર્ષ તેનાં શત જાય વ્યર્થ;
નાણું કમાવા પરદેશ જાય, બેશી રહે તો દિન વ્યર્થ થાય. ૧૧
મનુષ્યનો જન્મ સુધર્મ કાજ, એવું કહે શાસ્ત્ર મુનિ સમાજ;
આયુષ્ય જે મોજ વિષે ગુમાવે, એ તો અલેખે નહિ અર્થ આવે. ૧૨
વિચાર કીધો વળી મોંઘિબાયે, મને કહ્યું છે મુજ નાથરાયે;
કરાવજો મંદિર એહ પૂરું, ન રાખશો તે જરીયે અધૂરું. ૧૩
મનોર્થ પૂરો કરવો પતિનો, તે ધર્મ છે પુત્ર તથા સતિનો;
એવું વિચારી મનમાં ઠરાવ્યું, સુકામ તો મંદિરનું ચલાવ્યું. ૧૪
અઠ્ઠાવિશાની શુભ સાલ આવી, પુરું કર્યું મંદિર તે ચણાવી;
મુહૂર્ત સારું પછી જોવરાવ્યું, મહા શુદી તેરશ દિન આવ્યું. ૧૫
કંકોતરી યુક્તિ કરી લખાવી, આચાર્ય પાસે પછી મોકલાવી;
તે તો લખી રાજકુમાર નામે, જે વાંચતાં તે ગુરુ હર્ષ પામે. ૧૬
એવું લખ્યું જે ગુરુ સદ્ય આવો, સાથે ઘણા સંત સુભક્ત લાવો;
શ્રીધર્મ ભક્તિ હરિકૃષ્ણ કેરી, તે લાવજો મૂર્તિ ભલી ઘણેરી. ૧૭
રાધા તથા કૃષ્ણની મૂર્તિ જોડે, આવો લઈને દિન કાંઈ થોડે;
મુહૂર્તથી તો દશ દિન આદી, આવો લઈને દ્વિજ વેદવાદી. ૧૮
ભાણેજ જે મંત્રી તણા ગણાય, નામે હરીશંકર તે લખાય;
અસ્વાર સાથે શુભ એક લૈને, સુપત્રી આપી વરતાલ જૈને. ૧૯
વંચાવી કંકોતરી જેહ વાર, આચાર્યજી રાજી થયા અપાર;
વળી થયા સર્વ પ્રસન્ન સંત, સત્સંગી સૌ રાજી થયા અનંત. ૨૦
તૈયારી કીધી પછી ત્યાં જવાની, મૂર્તિ લીધી ત્યાં ત્રણ્ય થાપવાની;
શ્રીધર્મ ભક્તિ હરિકૃષ્ણ જેહ, ધાતુ તણી તો ત્રણ મૂર્તિ તેહ. ૨૧
ૠગ્વેદવાદી ઉમરેઠ વાસી, અનન્ય જે શ્રીહરિના ઉપાસી;
શ્રીલક્ષ્મીનારાયણદેવ જ્યારે, સ્થાપ્યા પ્રતિષ્ઠા કરી તેહ વારે. ૨૨
સુવેદમૂર્તિ હરિભાઈ જેહ, ક્રિયા કરાવી રહિ પાસ તેહ;
આચાર્ય બે ને વળી ગાદિ આપી, હતા હરીભાઈ સ્વયં તદાપી. ૨૩
તેના સુપુત્ર દ્વિજ વિષ્ણુદત્ત, તેડાવિયા તે ગણિ વિપ્ર સત્ય;
સુવેદમૂર્તિ વળી વિપ્ર ઘેલો, હતો સુબે કાર્ય વિષે પહેલો. ૨૪
તેના થયા પુત્ર હરિપ્રસાદ, જેને ઘણી શ્રૌત4 ક્રિયાની યાદ;
તેડાવિયા ગોંડળ લૈ જવાને, તેડાવિયા વિપ્ર વળી બીજાને. ૨૫
સુપૂજવા લાયક લક્ષ્મીદત્ત, ગુણજ્ઞ ગંગાદત્ત વિપ્ર સત્ય;
ઇત્યાદિ લીધા દ્વિજ વેદવાદી, સાધુ લીધા અદ્ભુતાનંદ આદી. ૨૬
લીધો મને ત્યાં પણ તેહ સંગે, તથા પવિત્રાખ્ય મુનિ ઉમંગે;
શૂન્યાતીતાનંદ મુનિ સુજાણ, સુપુરુષાનંદ મુનિ પ્રમાણ. ૨૭
વડોદરાના મુનિ જે મહાંત, પ્રજ્ઞાનઆનંદ સ્વભાવ શાંત;
વિજ્ઞાનઆનંદ તથા પ્રભૂતા, આનંદ સંજ્ઞા ગુણમાં ગુરૂતા. ૨૮
નિષ્કામ આનંદ વિવેકી વર્ણી, કહે સહુ ઉત્તમ જેની કર્ણી;
ઇત્યાદિ જે ઉત્તમ બ્રહ્મચારી, સાથે લિધા ધર્મ પ્રવર્ત ધારી. ૨૯
શાલિની
શાસ્ત્રી ભોલાનાથને સાથ લીધા, તેની સેવામાં સુવિદ્યાર્થી દીધા;
તે શાસ્ત્રી તો છે સભાજીત શાણા, ભૂમાં દેવચાર્ય5 તુલ્યે ગણાણા. ૩૦
ઉપજાતિ
શ્રીધર્મવંશી નર નારી જેહ, હતા સુવૃત્તાલય માંહિ તેહ;
તે સર્વને તો નિજ સાથ લીધા, પછી મળી સર્વ પ્રયાણ કીધાં. ૩૧
શ્રીદેવકૃષ્ણાખ્ય ગૃહસ્થ વ્યાસ, જેનો સદા ગાંફ વિષે નિવાસ;
તે સંઘ સાથે ખુશીથી સિધાવ્યા, આચાર્યજી શ્રી ગઢપુર આવ્યા. ૩૨
શાર્દૂલવિક્રીડિત
સિદ્ધાનંદમુનિ તથા સદગુરૂ ગોવિંદ સ્વામી વળી,
સાધુ અન્ય અનૂપમાખ્ય વરણી આનંદ ચાલ્યા મળી;
વર્ણી એક અનંત નામ કહિયે તેનેય સાથે લીધા,
ભક્તિવલ્લભદાસ સાધુજનને તૈયાર ત્યાંથી કીધા. ૩૩
સાધુ શ્રીઘનશ્યામદાસ વિચર્યા તે સંઘના સંગમાં,
સાધુ શ્રીમધુસુદનાખ્ય વિચર્યા ઉત્સાહથી અંગમાં;
કોઠારી હરિભાઈ દુર્ગપુરના સાથે લીધા સ્નેહથી,
મોનોભક્ત સુસંઘ સંગ વિચર્યા સંતો રીઝ્યા તેહથી. ૩૪
દાદાખાચરના સુપુત્ર કહિયે તે બેય બોલાવિયા,
શાણા ભીમજીભાઈ ગોંડળ જવા સાથે જ સીધાવિયા;
રાધાકૃષ્ણ તણી સુજોડ પ્રતિમા ત્યાંથી પ્રસાદી તણી,
લીધી ત્યાં જઈ થાપવા સુભગ6 તે શોભે અતીશે ઘણી. ૩૫
ઉપજાતિ
સુમંડળી ઉત્સવિયાની જેહ, સાથે લીધી દુર્ગપુરેથી તેહ;
મુખ્યે જગન્નાથજી નામ જેનું, મહાપ્રભુમાં દૃઢ ચિત્ત તેનું. ૩૬
ઓઝા શ્રીમાળી દ્વિજ વેલજી છે, જેણે પ્રભુભક્તિ ભલી સજી છે;
સુશેઠ ગોવર્ધનદાસ નામ, વણિક બીજા વળી વીશરામ. ૩૭
સત્સંગી સારા વળી શેઠ ફૂલો, વિચાર જેના મનમાં અમૂલો;
કલ્યાણ ને જીવણ નામ જેહ, કંદોઈ બે કૃષ્ણઉપાસી તેહ. ૩૮
સુતારમાં કેશવભાઈ જીવો, તથા પુરૂષોત્તમ વંશ દીવો;
સુતાર ત્રીજા રણછોડ નામ, જેને ઘણા વલ્લભ મેઘશ્યામ. ૩૯
હરિ તથા માવજી ને ઝવેર, પ્રભુ ભજે કાનજી રૂડી પેર;
કહું ભલા ભાવિક ભાવસાર, તે એક તો ઠાકરશી ઉદાર. ૪૦
ખોજા સુ નારાયણ જેનું નામ, જેનું પ્રભુમાં મન અષ્ટ જામ;
ઇત્યાદિ આચારજ સાથ ચાલ્યા, તે સંઘમાં સારી રીતે મહાલ્યા. ૪૧
બોટાદના વાસી ભલા ઘણેરા, સુપુત્ર દોશી શિવલાલ કેરા;
તે એક તો કેશવલાલ નામ, બીજા છગનલાલ સુબુદ્ધિધામ. ૪૨
ત્રીજા ભલા જે હરિલાલભાઈ, ભક્તો વિષે જેની ઘણી ભલાઈ;
મહાપ્રભુના જન શેઠ મોતી, જેણે લીધો છે સતસંગ ગોતી. ૪૩
ભલા હકૂભાઈ સુકર્મકારી, સુપુત્ર નારાયણ નામ ધારી;
સુભક્ત ભાવિક ભલા ભવાન, પારેખ તો રામજી બુદ્ધિમાન. ૪૪
પારેખ મોટા જન મૂળચંદ, જેઠો સુસોની પ્રિયનંદ નંદ;
મેરાઈ7 બોઘો પણ સંગ આવ્યા, આચાર્યજી એવી રીતે સિધાવ્યા. ૪૫
આવે હરિભક્ત તણાં સુગામ, આઠે દશે કોશ8 કરે વિરામ;
આચાર્ય આવ્યા તણી વાત જાણી, રાજી થયાં રાજકુમાર રાણી. ૪૬
ચાલ્યા સુણી રાજકુમાર સામા, વાજે વડા ઢોલ તથા દદામા;9
ત્રાંસાં ત્રુઈ ને શરણાઈ સારી, વાજિંત્ર વાજે સજી જ્યાં સવારી. ૪૭
સજી લીધા સૌ સરદાર સાથે, ભાલા ભલા છે શૂરવીર હાથે;
મેના રથો પાલખી હાથી ઘોડા, ઘણાક લીધા સજીને સજોડા. ૪૮
સાથે લીધી બેરખ આરબોની, સેના ઘણી સાથ સિપાઇયોની;
પ્રધાનના પુત્ર તથા પ્રધાન, પૌત્રો વળી બુદ્ધિ તણા નિધાન. ૪૯
તેઓ તણાં નામ હવે ગણાવું, સાથે લીધા તે સરવે સુણાવું;
છે વંશ તો પુણ્ય પવિત્ર તેનો, સત્સંગમાં રંગ અભંગ એનો. ૫૦
વૈતાલીય
હરજીવન જે પ્રધાન છે, સુત ચારે સદબુદ્ધિમાન છે;
જયભાઈ વડા સહુ થકી, ત્રણના પુત્ર કહું હવે નકી. ૫૧
સુત માધવજી તણા કહું, કરુણાશંકર સદ્ગુણી બહુ;
નરસિંહ તણા તનૂજ તે, સુજટાશંકર તો કહું જ તે. ૫૨
સુત કેશવલાલજી તણા, ગવરીશંકર છે ભલા ઘણા;
ભગિનીસુત જે દિવાનના, શુભ જેશંકર કૂપ જ્ઞાનના. ૫૩
હરિશંકર કાશીરામ છે, પ્રિય જેને પ્રભુ મેઘશ્યામ છે;
વળી ગોંડળવાસી જે બહુ, જન ચાલ્યા મળી મુખ્ય તે કહું. ૫૪
હરિભક્ત ખવાસ નાનજી, સુત તેનો કુરજી ધીમાનજી;
વળી સાજણ તે ખવાસ છે, ઉર જેને પ્રભુની જ આશ છે. ૫૫
દ્વિજ વલ્લભરામ નામ છે, મતિના પ્રાણજીવન્ન ધામ છે;
હરિભક્ત ભલા મુરારજી, વળી વીરેશ્વર છે ઉદારજી. ૫૬
દ્વિજ એક બહુ ભલા જ છે, અંબારામ સુભક્તરાજ છે;
ભલી ભક્તિ પ્રભુ તણી કરે, ચિત્તમાં શ્રીહરિને સદા ધરે. ૫૭
કચરો પ્રભુરામજી કહું, કડિયા ભક્ત ભલા હવે લહું;
હરિભક્ત ભલા જ દામજી, વળી નારાયણભક્ત નામજી. ૫૮
ઉપજાતિ
આણંદ જેઠો વિશરામ બેય, છે કાનજી રામજી ભક્ત તેય;
છે શેઠ તો ખીમજી ભક્ત સારા, પંચાણ સોની પ્રભુ સેવનારા. ૫૯
સોની બીજા તો મુળજી પ્રમાણો, લુવાર મુખ્યે રણછોડ જાણો;
ઇત્યાદિ સત્સંગી ઘણા ઘણાય, ગણાવતાં ગ્રંથ વિશેષ થાય. ૬૦
આચાર્યજી ગોંડળ પાસ આવ્યા, સામૈયું શ્રીરાજકુમાર લાવ્યા;
પ્રેમે કર્યું પૂજન તેહ ઠામ, સૌયે કર્યા દંડવત પ્રણામ. ૬૧
પુષ્પિતાગ્રા
નૃપસુત હરિભક્ત ને પ્રધાન, મુદિત થયા સહુ પામી દર્શદાન;
હરિજન મનનો સુહર્ષ જોઈ, વરણન કેમ કરી શકે જ કોઈ. ૬૨
ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે
ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે આચાર્યશ્રીભગવત્પ્રસાદજી
ગોંડળપુરગમનનામા એકાદશો વિશ્રામઃ ॥૧૧॥