કળશ ૧

વિશ્રામ ૯

 

ઉપજાતિ

સંગ્રામજી ગોંડળ રાજ્યકાર, તેના થયા શ્રીપથુભા કુમાર;

રાણી હતી તે સ્વર્ગે સિધાવી, કહ્યું પ્રધાને નૃપ પાસ આવી. ૧

રાજા તણી નીતિ રુડા કવિયે, રચેલી છે જે જસુ રામજીયે;

અષ્ટાંગ તો રાજ્ય તણાં ગણાવ્યાં, ન હોય તો ખંડિત તે જણાવ્યાં. ૨

રાજા તથા રાણી તથા કુમાર, પ્રધાન સેના વસતી સુમાર;

વજીર શાણો સુકવિ પ્રસંગ, આઠે કહ્યાં રાજ્ય તણાં સુઅંગ. ૩

રાણી વિના રાજ્ય રુડું ન દિસે, શું આપ આગે ઉચરું અતીશે;

માટે વરો ઉત્તમ એક રાણી, જે રાજની નીતિ સુજાણ શાણી. ૪

ઝાલા મીણાપુર તણા પતિ છે, સુનામ જેનું સુરતાનજી છે;

છે મોંઘિબા નામ ભલી કુમારી, પવિત્ર ગંગાજળ તુલ્ય સારી. ૫

તે સાથ ભૂપે પછી લગ્ન કીધું, સુમંત્રીનું વાયક1 માની લીધું;

રુડા ચુડા ગામ તણા નિવાસી, ઔદીચ નાતે સુમતિ પ્રકાશી. ૬

વૈતાલીય

હરજીવન નામ જે હતા, અતિ શાણા ધરમિષ્ઠ તે છતા;

પટરાણીની સાથ આવિયા, નૃપ સંગ્રામ દિલે સુભાવિયા. ૭

મતિમાન વિશેષ જાણીયા, નિજમંત્રી પછી તો પ્રમાણીયા;

હરિભક્ત થયા નરેશ તે, મુનિ કેરો સુણી ઊપદેશ તે. ૮

શિખરિણી

ગુણાતીતાનંદ પ્રગટ પ્રભુના પૂજક સદા,

નૃપે તેડાવીને હરિ તણી સુવાર્તા સુણી મુદા;

ગુરૂ કીધા પોતે નિયમ ધરી કંઠી પણ ધરી,

સુભાવેથી ભક્તિ પ્રગટ પ્રભુ કેરી બહુ કરી. ૯

  થયા ચારે પુત્રો હરજીવનના તે પણ કહું,

  ભલા ભક્તો સારા સમઝણ્ય વળી ઉત્તમ બહુ;

  વડા તો જેભાઈ અવર2 સુત તો માધવજી છે,

  ત્રીજા તો તેમાં છે નરસિંહ તથા કેશવજી છે. ૧૦

થયાં ભક્તિવાળાં કુશળકુંવરી ધર્મપુરીમાં,

થયાં મોંઘીબાઈ હરિજન સુ તેવાં સ્વપુરમાં;

સુરાણી ને રાજા સચિવ શુભ સુદ્ધાં ત્રણ મળી,

થયાં સત્સંગી તે સરસ પયમાં સાકર ભળી. ૧૧

  ઘણે ફેરે તેડ્યા રઘુવીરજી આચારજ તહાં,

  જઈ પૂજા લીધી ભગવતપ્રસાદે પણ જહાં;

  શુકાનંદાદિને પણ નિજપુરે આદર દઈ,

  પૂજ્યા પ્રીતે રીતે સુગુણ નિજચિત્તે ધરી લઈ. ૧૨

વિત્યાં વર્ષો કાંઈ કુંવર પથુભા સ્વર્ગ જ ગયો,

રુદેમાં રાજાને વિરહ દુઃખ અગ્નિ અતિ થયો;

તજ્યું ખાવું પીવું સુત વીણ ન જીવું મુખ કહે,

નિસાસા નાખીને રુદન કરી નેત્રે જળ વહે. ૧૩

  દવે હર્જીવને નૃપ મન વિષે શાંતિ જ થવા,

  ગુણાતીતાનંદ પ્રમુખ3 મુનિ તેડ્યા દુઃખ જવા;

  મુનિયે ત્યાં આવી સુરીત સમઝાવી બહુ કહ્યું,

  તથાપિ રાજાને હૃદય દુઃખ તો તેમ જ રહ્યું. ૧૪

વૈતાલીય: જગત નાશવંત વિષે

નૃપ તેં દુઃખ તો બહુ સહ્યું, સુણ આ વાત ગુણાતીતે કહ્યું;

મરવું જનનો સ્વભાવ છે, જનમ્યો ત્યાંથી નક્કી ઠરાવ છે. ૧૫

અચળ સ્થિતિ તો ન કોઈને, કરવું શું અતિ રોઈ રોઈને;

જગ આ જળનો પ્રવાહ છે, વહિ જાતો અતિશે અથાહ છે. ૧૬

બહુ રે બહુ કલ્પ4 થૈ ગયા, પણ કોઈ નથી કોઈના થયા;

ન સગો સુત તુજ દેહનો, નહિ તું કાંઈ સપિંડ5 તેહનો. ૧૭

ધરીને ધન જેમ હાથમાં, મુજનું છે કહી સર્વ સાથમાં;

પણ તે નહિ એમ ધારવું, વિચરે સર્વ થળે વિચારવું. ૧૮

જનનું તન માટીનો ઘડો, નથી તે કાળ અખંડ આપડો;

રજથી ઉપજ્યો જ મૂળમાં, વળી અંતે મળી જાય ધૂળમાં. ૧૯

તન છે જળ ઝાંઝવા તણું, સ્થિર તે તો ન રહે કદી ઘણું;

નહિ મોહિત થાવું જોઈને, નહિ કલ્પાંત કરો જ રોઈને. ૨૦

જગ સ્વપ્ન સમાન જાણવું, ગણિ સાચું ઉરમાં ન આણવું;

ભવમાં પ્રભુ ભક્તિ સત્ય છે, સઘળી અન્ય ક્રિયા અસત્ય છે. ૨૧

સ્વપને મળી રિદ્ધિ સિદ્ધિ તે, સ્વપનામાં પછી ખોઈ દીધી તે;

થઈ જાગ્રત જો કુટે રુવે, જન તેની વડી મૂર્ખતા જુવે. ૨૨

ગત6 વિક્રમ ભોજ ભૂપતિ, ન રહ્યો લંકપુરી તણો પતિ;

પૃથિવી પણ નાશ પામશે, શશી સૂર્યાદિ વિનાશ થૈ જશે. ૨૩

ન રહે અજ ઇન્દ્ર કોઇયે, ન રહે જેહ વિરાટ જોઈયે;

બહુવાર થયા અને ગયા, સ્થિર તો કોઈ સદૈવ ના રહ્યા. ૨૪

હતી આયુષ લક્ષ વર્ષની, નહિ સીમા મનના અમર્ષની;7

પણ તે પળમાં વહિ ગયા, નવ જાણે જન કોઈ ક્યાં થયા. ૨૫

પગ પર્વત ઠેલી પાડતા, નભ તારા નખથી ઉખાડતા;

કરી અંજળી સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. ૨૬

જનની જનકાદિ જેહ છે, તનના જન્મ થકી જ તેહ છે;

તન તો અગણિત તેં ધર્યાં, પણ તે સત્ય સપિંડ ક્યાં ઠર્યાં. ૨૭

ચતુરે ચિત્તમાં વિચારવું, સત તો આત્મસ્વરૂપ ધારવું;

તન તત્ત્વ8 તણાં જ થાય છે, ઉપજે ને લય પામી જાય છે. ૨૮

જળબુદ્‌બુદ9 જેમ ઊપજે, ક્ષણમાં આકૃતિ તેહ તો તજે;

તન તેમ જ થાય જાય છે, મન મિથ્યા સુત તે મનાય છે. ૨૯

રજ નીર પ્રવાહને વડે, મળી જામે વળી તે જુદી પડે;

સુત ને જનકાદિ તે રીતે, મળી જામે વળી જોગ તે વિતે. ૩૦

જગમાં જન ભૂમિ ઊપરે, પળમાં તો બહુ ઊપજે મરે;

તવિ ઉપર ધાણિ ફૂટતી, બહુ દિસે તનુ10 તેમ છૂટતી. ૩૧

ફુલવાડી વિષે જણાય છે, ફૂલડાં નિત્ય નવાં ફુલાય છે;

કળિયો ખિલીને ખરી પડે, પછી તે તો નહિ દૃષ્ટિયે ચડે. ૩૨

નભ ઇન્દ્રધનુષ દેખીયે, પળ વીત્યા પછી તે ન પેખીયે;

વળી વાદળ કેરિ છાંયડી, પળમાં જાય ટકે નહીં ઘડી. ૩૩

નિજનું તન એવું જોઈને, શિદ રોવું પછી અન્ય કોઈને;

વર પાછળ જેમ જાન છે, નિજ કાયા પછી સૌ નિદાન11 છે. ૩૪

જન ઉદ્‌ભવ નાશ થાય છે, રુચિ જેવી પ્રભુની જણાય છે;

પ્રભુની રુચિમાં ખુશી થવું, પ્રભુ સામું નહિ વેર બાંધવું. ૩૫

ફલ કર્મનું આપશે હરિ, નહિ ઓછું અદકું12 કરે જરી;

જન જો મઠને જ વાવશે, શુભ ચોખા પછી ક્યાંથી ચાવશે? ૩૬

તન ઉદ્‌ભવ પૂર્વ ક્યાં હતું, વળી અંતે નહિ તે રહે છતું;13

વચલે વખતે જણાય છે, સ્વપ્ના તુલ્ય અદર્શ થાય છે. ૩૭

ઘટ ને કથરોટ કોડિયાં, મૃત્તિકાનાં ઘડિ નામ જોડિયાં;

ફુટતાં સહુ નામ તે ટળે, પરિણામે મૃતિકા વિષે મળે. ૩૮

તનની ગતિ એવી જાણવી, સ્થિરતાની નહિ આશ આણવી;

જનનાં તન આ અનિત્ય છે, અસલી એ જ અનાદિ રીત છે. ૩૯

શિશુ જાય જુવાન જાય છે, ઘરડાનું પણ મૃત્યુ થાય છે;

વળી કોઈક ગર્ભથી ગળે, પણ નક્કી કશી રીત ના મળે. ૪૦

જગ સર્વ ચવેણું કાળનું, નહિ તેને દુઃખ વૃદ્ધ બાળનું;

મુખ ભક્ષણ સર્વનું કરે, દિલમાં લેશ નહીં દયા ધરે. ૪૧

અવની નભ બેય જાણવાં, પડ ઘંટી સમ તે પ્રમાણવાં;

કણ તુલ્ય જીવો જણાય છે, વળી ઓરાય વળી દળાય છે. ૪૨

સગરાખ્ય14 નરેશના છતા, સુત તો સાઠ હજાર જે હતા;

સઘળા મૃત એક કાળમાં, ઉગર્યા કોઈ ન કાળ ઝાળમાં. ૪૩

વિકરાળ જ કાળ ઝાળ છે, સઘળે વ્યાપિ રહી વિશાળ છે;

જન દેવ અદેવ જોઇયે, પણ અંતે ઉગરે ન કોઇયે. ૪૪

નિજનું કરી જે મનાય છે, ક્ષય થાતાં દિલ દુઃખ થાય છે;

મમતા મનમાં ન હોય તો, દિલમાં દુઃખ ધરે ન કોઇ તો. ૪૫

સુત જન્મ સમે સુજોષીયે, ગ્રહ જોયા હરિભટ્ટ હોંશિયે;

ગ્રહનું ફળ જાણીયું અરે, મુખ જોતાં સુત કે પિતા મરે. ૪૬

પછી તે દ્વિજ કાશિયે જઈ, લીધ સન્યાસ ઉદાસ તો થઈ;

સુત ષોડશ15 વર્ષનો થયો, રમવા બાલક મંડળે ગયો. ૪૭

રમતાં દડી વાગી ડોશીને, દિધિ ગાળો રમનાર જોષીને;

કહ્યું કે ઉનમત્ત તૂં થયો, પણ જૈ જો તુજ બાપ ક્યાં ગયો. ૪૮

ન રહ્યું સુણી ચિત્ત ધારણે,16 સુત ચાલ્યો પિતુ શોધ કારણે;

જનની કલ્પાંત જ્યાં કર્યો, સુતની સાથ પડોશી સંચર્યો. ૪૯

શત પંચક કોશ જ્યાં ગયા, રજની વાસ સુગામમાં રહ્યા;

ઉતર્યા ભય ભ્રાંતિ ટાળિને, મઠ સન્યાસી તણો નિહાળિને. ૫૦

સુત કોગળિયું17 જ આવિયું, મન સંન્યાસી તણું ડરાવિયું;

લઠ18 લૈ જતિ તેહ ઊઠિયો, જણ બે શીશ વિશેષ રૂઠિયો. ૫૧

મઠ બાહિર મારી કાઢિયો, સુખથી વાશિ કમાડ પોઢિયો;

પછી તે સુત ત્યાં ગયો મરી, નહિ સંન્યાસી દયા દિલે ધરી. ૫૨

જળ રે જળ બોલતો મુવો, નહિ પાસે નદી કે નહીં કુવો;

જતિયે નહિ નીર આપિયું, મન કીધું અતિ ક્રૂર પાપિયું. ૫૩

નભમાં રવિ દેવ ઊગિયો, દ્વિજ રોવા અતિશે જ લાગિયો;

મળિને જનજૂથ પૂછિયું, પછી વૃત્તાંત દ્વિજેન્દ્ર ભાખિયું. ૫૪

નિજ પુત્રનું નામ સાંભળ્યું, જતિનું ધૈર્ય બધું પછી ટળ્યું;

કુટિ છાતિ વિશેષ રોઈને, જન આશ્ચર્ય ધરે જ જોઈને. ૫૫

નિજનો ન ગણ્યો જ જ્યાં સુધી, દિલમાં દુઃખ થયું ન ત્યાં સુધી;

નિજનો સુત જ્યાંથી જાણીયો, પ્રજળ્યો19 પૂર્ણ પિડાથી પ્રાણીયો. ૫૬

મમતા મનમાંથી જો તજે, સુખ શાંતિ જન તો સદા સજે;

મમતા દૂઃખ કેરું મૂલ છે, મમતામાં જ સહસ્ર શૂલ20 છે. ૫૭

નૃપ વાત બીજી કહું વળી, કરજો ચિત્ત વિચાર સાંભળી;

કદી ભૂષણ કોઈનું ભલું, ધરવા માગી લીધા થકી મળ્યું. ૫૮

પછી પાછું જરૂર માંગશે, સમઝુને નહિ દુઃખ લાગશે;

પ્રભુયે સુત ઊછીનો દીધો, વળી પાછો મરજી થકી લીધો. ૫૯

દિલમાં નહિ દુઃખ આણવું, પરનું દ્રવ્ય હતું પ્રમાણવું;

હતું જેહનું તેહને ગયું, નથી તે કાંઈ અયોગ્ય તો થયું. ૬૦

ઉપદેશ સુ એ રીતે કર્યો, મુનિયે શોક નરેશનો હર્યો;

મુનિના વચનો વિચારીને, સુખ પામ્યા નૃપ ધૈર્ય ધારીને. ૬૧

પુષ્પિતાગ્રા

નૃપસુત ગત મૃત્યુની ગતિને, કૃત ઉપદેશ મુનીશ ભૂપતિને;

સુણી જન મન માંહિ જો વિચારે, ધીરજ ધરે વળી શોક સૌ વિસારે. ૬૨

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમ કલશે

ભૂમાનંદમુનીન્દ્ર વાઘજીભાઈ સંવાદે રાજકુમારમરણેગુણાતીતાનંદ

સ્વામીકૃત ધૈર્યોપદેશનામા નવમો વિશ્રામઃ ॥૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે