॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ
ભગવાન જ્યારે પૃથ્વી ઉપર અવતરે છે ત્યારે એકાંતિક ધર્મના સ્થાપન અર્થે અને પોતાના લાડીલા ભક્તોને લાડ લડાવવા માટે અવતરે છે. પોતાના ભક્તો ઉપર કરુણા કરીને પરમાત્મા પરબ્રહ્મ અનેક ચરિત્રો કરે છે. એ ચરિત્રો માત્ર ચરિત્રો નથી રહેતાં પરંતુ અનેક જીવોનાં કલ્યાણનું સાધન બની રહે છે.
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના ૩૫માં કહ્યું છે કે: “તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો તે અમે જ્યાં જ્યાં ઉત્સવ-સમૈયા કર્યા હોય, ને જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી બાઈ-ભાઈ સર્વે ભેગાં થયાં હોય, ને અમે કીર્તન ગવરાવ્યાં હોય, ને વાર્તા કરી હોય, ને અમારી પૂજા થઈ હોય એ આદિક જે અમારાં ચરિત્ર-લીલા તેને કહેવાં ને સાંભળવાં ને તેમનું મનમાં ચિંતવન કરવું. અને જેને એનું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. માટે એવાં જે અમારાં એ સર્વે ચરિત્ર, ક્રિયા તથા નામ સ્મરણ તે કલ્યાણકારી છે.”
એટલે જ શ્રીજીમહારાજે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના ત્રીજામાં પણ કહ્યું છે કે, આ લીલા-ચરિત્રોની નિરંતર સ્મૃતિ કરવી.
આ હરિલીલામૃત ગ્રંથ ધર્મધુરંધર આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજે રચાવીને શ્રીહરિનાં દિવ્ય ચરિત્રોનો અદ્ભુત થાળ પીરસ્યો છે. એનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન ત્રિવિધ તાપને શમાવે છે. સર્વે હરિભક્તોએ આ ગ્રંથનો પાઠ કરવો, તેનું શ્રવણ કરવું અને મનમાં તેનું ચિંતવન કરવું. એનાથી સાક્ષાત્ શ્રીજીમહારાજમાં વૃત્તિ જોડાશે અને તેમના દિવ્ય સુખનો તથા દિવ્ય શાંતિનો અનુભવ થશે.
આ ગ્રંથના વાચન-શ્રવણ દ્વારા સૌ શ્રીજીમહારાજના દિવ્ય સુખના ભોક્તા બને એ જ પ્રાર્થના સહ આશીર્વાદ છે.
- શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ(પ્રમુખસ્વામી મહારાજ)ના
આશીર્વાદ સહ જય સ્વામિનારાયણ
અષાઢ સુદ બીજ, વિક્રમ સંવત ૨૦૫૩