કળશ ૧

વિશ્રામ ૪

 

ઉપજાતિ

કહે ભૂમાનંદ ઘણે વહાલે, વળી મહારાજ વિહારીલાલે;

અંબાઇદાસાખ્ય સુભક્ત જેહ, કોઠારી તેડ્યા નિજ પાસ તેહ. ૧

ખેડા તણા તે પણ પાટિદાર, જ્યારે હતા વર્ષ વયે અઢાર;

વૈરાગ્ય પામી ઘરબાર ત્યાગી, વૃત્તાલયે આવી વસ્યા સુભાગી. ૨

અઢારસેં ઉપર તો અઠાશી, જ્યારે ભલી વિક્રમ સાલ ભાસી;

આચાર્યજી શ્રીરઘુવીરજીયે, તથા દયા કીધી બધા મુનિયે. ૩

વૃત્તાલના મંદિરનો ઉદાર,1 ભળાવિ દીધો કુલ કારભાર;

તે કામ તેણે નિજ શીશ લીધું, વખાણવા લાયક તેહ કીધું. ૪

કોઠારી ત્રીજા પણ તે પ્રમાણ, જે ભીમજીભાઈ ભલા સુજાણ;

તે મૂળ તો મોઢ વણિક નાતે, રહ્યાં સદા નૈષ્ઠિક2 આપ જાતે. ૫

તેણે ધર્યો જન્મ શિહોરમાંય, વશી રહ્યાં ષોડશ વર્ષ ત્યાંય;

તે ઓગણીસેં ત્રણ કેરી સાલે, ત્યાગી થયા સત્વર તેહ કાળે. ૬

છે ભાલ માંહિ અણિયાળી ગામ, ત્યાં વાણિયા મોઢ વસે સુઠામ;

થયા પુંજાભાઈ ભલા જ ભક્ત, શ્રીજી છતાં તેહ થયા વિરક્ત. ૭

સમગ્ર પુંજી ઘરની લઈને, પોતે પછી દુર્ગપુરે જઈને;

શ્રીજી પદે અર્પણ સર્વ કીધું, ત્યાગી થવાનું પણ માંગી લીધું. ૮

પ્રસન્ન થૈને વૃષવંશિ રાજ,3 સોંપ્યું બધું મંદિર કેરું કાજ;

જ્યારે પછી શ્રીજી ગયા સ્વધામ, તથાપિ શેઠે કર્યું તેહ કામ. ૯

ત્યાગી થવા ભીમજીભાઈ આવ્યા, તે શેઠના શિષ્ય તહાં ઠરાવ્યા;

જ્યારે પુંજાશેઠ ગયા સુધામ, તેનું કરે ભીમજીભાઈ કામ. ૧૦

તેને વળી ગ્રંથ વિચાર કાળે, બોલાવિયા પાસ વિહારીલાલે;

ચતુર્થ કોઠારી સુલક્ષ્મીદાસ, સંક્ષેપ એનો કહું ઇતિહાસ. ૧૧

છે જન્મભૂમિ વઢવાણ માંય, શ્રીમાળીની નાત દશા ગણાય;

પછી થયા તે સતસંગી કેમ, કહું હવે કારણ તેનું જેમ. ૧૨

શાલિની

ભીમો વોરો શેઠ સત્સંગી સારા, શીયાણીમાં વાસ તે રાખનારા;

જેને ધર્મ પ્રાણ કરતાં વહાલો, તેને પુત્ર પ્રાપ્ત તે શેઠ લાલો. ૧૩

લક્ષ્મીદાસે તે તણો સંગ કીધો, ત્યારે તેને નિત્ય સદ્‌બોધ દીધો;

શ્રીજી કેરા ત્યાં થયા તે ઉપાસી, કાયા માયાથી થયા તે ઉદાસી. ૧૪

લક્ષ્મીદાસે ગેહથી4 નેહ તોડ્યો, સાચા સંતો તેહમાં નેહ જોડ્યો;

ધોલેરામાં શ્રીરઘુવીર આવ્યા, ત્યાં બે મિત્રો દર્શનાર્થે સિધાવ્યા. ૧૫

ત્યારે તે આચાર્યને શેઠ લાલે, સોંપ્યા લક્ષ્મી સત્તરા કેરી સાલે;

રાખ્યા જાણી તેહ સત્સંગી સારા, તે તો સૌને થૈ પડ્યા પૂર્ણ પ્યારા. ૧૬

ધોલેરાના ધામનો કારભાર, સોંપ્યો સર્વે તેહને તેહ વાર;

ત્યાં થૈ આવ્યો એક બીજો બનાવ, તે તો સર્વે સાંભળો ધારી ભાવ. ૧૭

જૂનેદુર્ગે5 જે હતા કાશીરામ, કર્તા તે કોઠારી કેરું સુકામ;

થોડાં વર્ષો તે કર્યો કારભાર, આયુર્દાનો6 આવિયો ત્યાં જ પાર. ૧૮

દેહ ત્યાગીને ગયા કાશિરામ, લક્ષ્મીદાસે કિધું તેનુંય કામ;

ધોલેરાનું કામ તો મુખ્ય કર્તા, જૂનાણાના7 કામમાં દૃષ્ટિ ધર્તા. ૧૯

તોયે ચિત્તે માન તેણે ન આણ્યું, ભક્તિ માટે દેહ છે એમ જાણ્યું;

એવા લક્ષ્મીદાસને ગ્રંથકાળે, બોલાવ્યા આચાર્ય વિહારીલાલે. ૨૦

ઉપજાતિ

છે પાંચમા મંત્રી સુભક્ત જીવો, જે વૈશ્ય શ્રીમાળી વિષે સુદીવો;

ગઢાળીમાં જન્મ ધરી રહેલો, જેના પિતા સજ્જન શેઠ ઘેલો. ૨૧

સંસારમાંથી થઈને વિયોગી, રહ્યાં મુનિમાં થઈ સાંખ્યજોગી;

તે વારતા તો કહિ મેં ઉમંગે, કહું બીજી વાત કથા પ્રસંગે. ૨૨

ભાઈ ભલા શ્રીરઘુવીરકેરા, ગોપાળજી નામ ગુણી ઘણેરા;

તેને કહ્યું પૂર્ણ કૃપા કરીને, શ્રીજી સ્વયં દુર્ગપુરે ઠરીને. ૨૩

રહો તમે જૈ સરવાર દેશ,8 તમો વડે કાર્ય થશે વિશેષ;

સંબંધિયોની કરી પૂરી આશ, સંભાળજો ગામ તથા ગરાસ. ૨૪

આજ્ઞા હરિની મન માની લૈને, રહ્યા પછી તે સરવાર જઈને;

સંભાળિયાં ગામ તથા ગરાસ, સંબંધિ સૌની કરી પૂરી આશ. ૨૫

વૈતાલીય

ગત સંવત ઓગણીશસેં, ઉપરી વર્ષ સુસોળમું દિસે;

શુભ ત્યાં સુધી કામ ત્યાં તણું, કરતાં કામ વધી પડ્યું ઘણું. ૨૬

પછી તેની સહાયતા વિષે, રઘુવીરે નિરધારી તે દિશે;

ગુણ અંતર માંહિ આણિયો, જન જીવો અતિ યોગ્ય જાણિયો. ૨૭

કરુણા કરી મોકલ્યો તહાં, જન જીવે જશ મેળવ્યો જહાં;

સ્વજનો વૃષવંશિના ઘણા, જશ બોલે જીભથી જિવા તણા. ૨૮

વૃષવંશિ વિહારીલાલજી, રચવા ગ્રંથ ભલો વિશાળજી;

નિજ ચિત્ત વિચાર આણિયા, પૂછવા લાયક પાંચ જાણિયા. ૨૯

પૂછી વાત પ્રધાન પાંચને, મન જાણે ખૂબ ખોંચખાંચને;9

કહી તેહ બધી કથા ગણી, હરિભક્તે કરી જેહ માગણી. ૩૦

સુણી કામ નવીન ગ્રંથનું, હિતકારી પ્રભુભક્તિ પંથનું;

હૃદયે જન રાજી તે થયા, કર જોડી પ્રતિઉત્તરો કહ્યા. ૩૧

કરુણાનિધિ છો કૃપા કરો, અતિ સારો ગુરુ10 ગ્રંથ આદરો;

રચવા શુભ ગ્રંથ આ મતે, ધર્માચાર્ય તણું જ કામ તે. ૩૨

હરિના જન વૃદ્ધ જ્યાં વસે, જન જો ત્યાં તમ પાસથી જસે;

લખી વાત અપૂર્વ લાવશે, હરિલીલાની જનો લખાવશે. ૩૩

શુભમાં કદી કાંઈ દ્રવ્યનો, વ્યય જો થાય ગણાય સવ્યનો;11

અપસવ્ય કહે ન કોઈયે, જબરા ગ્રંથ જરૂર જોઈએ. ૩૪

તટ12 તીરથના બનાવવા, અથવા ગ્રંથ નવા રચાવવા;

હરિ કે મુનિ કાજ વાવરે, ધન તે ધન્ય મુનીન્દ્ર ઉચ્ચરે. ૩૫

ઉચર્યા સુણીને વિહારીજી, શુભ છે ધન્ય મતિ તમારીજી;

ગુણિતા13 ગણિ જાણી ગ્રંથની, અતિ જેથી શુભ પુષ્ટિ પંથની. ૩૬

પણ સૌ મળી એટલું કરો, સઘળું કાર્ય બીજું તમે ધરો;

મનવૃત્તિ અખંડ જો ધરું, શુભ તો ગ્રંથ અપૂર્વ આદરું. ૩૭

સુણી મંત્રી કહે સુણો તમે, કરિયે કામ ત્રિપેઢીથી અમે;

કરશું વળી એ જ રીતથી, સુખથી ગ્રંથ રચો સપ્રીતથી. ૩૮

સુણી રાજી વિહારીજી થયા, રચિયો ગ્રંથ દિલે ધરી દયા;

શુભ વર્ણન ગ્રંથમાં ધર્યું, સહુ પેલું વરતાલનું કર્યું. ૩૯

સુણજો મન શાંતના સજી, કહું છું તે વળી ભાઈ વાઘજી;

વરણી નૃપનો સમાગમ, વરતાલે જ થયો કહું ત્યમ. 14 ૪૦

પુષ્પિતાગ્રા

કહી શુભ ઉતપત્તિ ગ્રંથ કેરી, શ્રવણ કર્યાથી સુશાંતિ દે ઘણેરી;

વરણન વરતાલ કેરું થાશે, પરમ પવિત્ર સુગ્રંથ જ્યાં રચાશે. ૪૧

 

ઇતિ શ્રી વિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે

પ્રથમકલશે ભૂમાનંદમુનીન્દ્ર વાઘજીભાઈ સંવાદે

ગ્રંથોત્પત્તિકથનનામ ચતુર્થો વિશ્રામઃ ॥૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે