વિશ્રામ ૧૪
પૂર્વછાયો
ભૂપ કહે બ્રહ્મચારીને, અહો વિચક્ષણ વરણીશ;
સ્થાન કહો વરતાલનાં, જહાં જહાં ફર્યા જગદીશ. ૧
ક્યાં ક્યાં કૃષ્ણ બિરાજીયા, ક્યાં જમ્યા સભા ભરી ક્યાંય?
આવી પ્રસાદી ક્યાં રહી, કહો જે જે ક્રિયા કરી જ્યાંય. ૨
ચોપાઈ
બ્રહ્મચારી કહે સુણો ભૂપ, તમે પૂછિયો પ્રશ્વ્ન અનૂપ;
ધન્ય ધન્ય છે બુદ્ધિ તમારી, વાલા તમને છે વિશ્વવિહારી. ૩
વરતાલ માંહિ જે જે સ્થાને, કરી ભિન્ન ક્રિયા ભગવાને;
તે હું સંક્ષેપે તમને સુણાવું, બધાં સ્થાન શી રીતે બતાવું ૪
કૃપાસિંધુ શ્રીધર્મકુમાર, વરતાલ આવ્યા ઘણી વાર;
ગામમાં સીમમાં સર્વ ઠામ, ઘણી વાર ફર્યા ઘનશ્યામ. ૫
સ્થળ જે જે પ્રસિદ્ધ હું જાણું, તમ આગળ તેહ વખાણું;
કહ્યાં છે તે ફરી કહેવાશે, પુનરુક્તિ તો તે થકી થાશે. ૬
પણ કૃષ્ણકથા કહેવાય, પુનરુક્તિનો બાધ ન થાય;
મોટું મંદિર છે આજ જ્યાંય, પહેલાં બદરી1 હતી ત્યાંય. ૭
ધર્મપુત્રે ધરા શુચિ2 ધારી, ઘણીવાર સભા સજી સારી;
તહાં ઓરડો કરી તતખેવ, સ્થાપ્યા નર ને નારાયણ દેવ. ૮
ત્યારે ત્યાં થકી પશ્ચિમ પાસ, રહેતા ભાઈ શ્રીરામદાસ;
હતી બે ઓરડી તેહ ઠાર, વાલો બેઠા તેમાં ઘણીવાર. ૯
માંડ્યું મંદિર ચણાવાને જ્યારે, દેવ નર ને નારાયણ ત્યારે;
ઓરડા માંહિથી તો ઉઠાવ્યા, એક ઓરડીમાં પધરાવ્યા. ૧૦
ચાલે ચણવાનું કામ જે દાડે, સતસંગીયો ઈંટો ઉપાડે;
ભક્તિ ભાવ ધરી કરે સંત, મનમાં સૌને મમત અંત્યત. ૧૧
શ્રીજી પંડે જઈ ઈંટો લાવે, અન્યને જોઈ ઉમંગ આવે;
મુખ્ય દેવના મંદિર કાજ, લાવ્યા પંડે ઈંટો મહારાજ. ૧૨
ગણી સંતે તે તો સાડત્રીશ, પડદીમાં3 ચણી પાંતરીશ;
એક ગોખલો છે પછવાડે, છાંદી બે તો તેમાં તેહ દાડે. ૧૩
ત્રણે ખંડમાં મૂર્તિયો માટે, કર્યા સિંહાસનો શુભ ઘાટે;
બેઠા તેમાં પ્રથમ વૃષલાલ, સ્થિર થૈને જમ્યા તહાં થાળ. ૧૪
ત્રણે ખંડના ઉમરા માથે, બેસી વાત કરી જન સાથે;
વચલે ઉમરે તો વિશેષ, આપે બેઠા છે શ્રીઅક્ષરેશ. ૧૫
એક અવસરે આનંદસ્વામી, આવ્યા શ્રીપુરથી મુદ પામી;
અન્નકૂટનો સામાન લાવ્યા, દેવને ભલા ભોગ ધરાવ્યા. ૧૬
મધ્ય ભાગ ને ઉત્તર ભાગ, એ બે ખંડ વચ્ચે રહે માગ;
તહાં બેસીને ધર્મકુમાર, અન્નકૂટ જમ્યા કરી પ્યાર. ૧૭
એ જ કોળી4 વિષે અવિનાશી, ઘણીવાર બેઠા સુખરાશી;
મધ્યમંડપનું જહાં દીપે, તહાં કૂર્મના વદન સમીપે. ૧૮
કૃત ગોમય ગોવરધન,5 પૂજા કીધી છે જગજીવન;
વારાહાદિક જે અવતાર, પ્રતિમા છે મંદિર મોઝાર. ૧૯
તેની પ્રત્યેક ઓરડીમાંય, બિરાજ્યા છે પ્રગટ પ્રભુ ત્યાંય;
દેવ નૃસિંહ શીશ અગાશી, બેઠા ત્યાં જઈ શ્રીઅવિનાશી. ૨૦
નથુભક્ત પિતા હરિભાઈ, બેને દીધાં ચરણ હરખાઈ;
ઠાઠ શિખર ત્રણે તણો કીધો, પાયો ઘૂમટનો પૂરી લીધો. ૨૧
તહાં સૌનાં ગારાળાં શરીર, પેખી પ્રેમે મળ્યા નરવીર;
દક્ષિણાદું મંદિર તણું દ્વાર, તહાં બેસીને ધર્મકુમાર. ૨૨
ભક્તિ સંતો તણી ભલી ભાળી, હૈયે ચરણ દીધાં વનમાળી;
રુપચોકી ઉગમણી છે જ્યાંય, એક દિવસ વિરાજીયા ત્યાંય. ૨૩
સાધુ ભગવદાનંદ આદિક, ભણનારા બોલાવ્યા અધિક;
સૌને શ્રીમુખેથી સાક્ષાત, સંભળાવી ત્યાં અદભુત વાત. ૨૪
ધ્યાને ધરવાને આત્મસ્વરૂપ, અમે જગ્યા કરાવી અનૂપ;
નામ રાખ્યું નારાયણમહેલ, જાણી એકાંત રુડો રચેલ. ૨૫
આપ્યો રામપ્રતાપને એહ, ધ્યાન ધરવાને કારણે તેહ;
હરિમંડપ ત્યારે કરાવ્યો, ધ્યાન ધરવા તે સર્વને ફાવ્યો. ૨૬
મોટા સંત તથા હરિભક્ત, ધરે ધ્યાન વિષયથી વિરક્ત;
બીજા અક્ષરધામના મુક્ત, આવી ધ્યાન ધરે પ્રીતિયુક્ત. ૨૭
અમે તેઓને પૂછિયું જ્યારે, બોલ્યા મુક્ત મગન થઈ ત્યારે;
અતિ ઉત્તમ એહ જગ્યા છે, એને અક્ષરને એકતા છે. ૨૮
આંહિ રૂપ તમારું છે જેહ, દિસે ત્યાં પણ તેહનું તેહ;
આવી આ સ્થળે એટલા સારુ, ધ્યાન તો અમે ધરીયે તમારું. ૨૯
કહે કૃષ્ણ સુણો ભણનારા, કહું કલ્યાણ કાજે તમારા;
ધ્યાન ધરજો તમે જઈ ત્યાંય, મનોવૃત્તી રાખી મુજમાંય. ૩૦
પૂર્વછાયો
એવું સુણીને ઉચર્યા, ભગવદાનંદ ભણનાર;
અખંડવૃત્તી આપમાં, કેમ રાખિયે ધર્મકુમાર? ૩૧
વૃત્તિ જો તમમાં રાખિયે, ભણવાનું ભૂલી જવાય;
જો ભણવામાં રાખિયે, ત્યારે ધ્યાન અખંડ ન થાય. ૩૨
શ્રીજી કહે તમે સાંભળો, જેમ પાણી ભરે પાણીયાર;
પગ ધરે છે પાવઠે,6 ધરે કુંભ કુવા મોઝાર. ૩૩
ઘટ ઉપર ને પગ ભણી, મનવૃત્તિ રાખે બે ઠામ;
ધ્યાન તણું ભણવા તણું, તેમ કરવું તમારે કામ. ૩૪
શાર્દૂલક્રીડિતવૃત (વિદ્યા ભણવા વિષે)
શ્રીજી સ્વામી કહે સુસંત અમને વિદ્યા ભણે તે ગમે,
માટે સ્નેહ સમેત નિત્ય ભણજો વિદ્યા વિશેષે તમે;
પુષ્ટી સતત સંપ્રદાય તણી તો વિદ્વાનથી થાય છે,
જો વિદ્વાન ન હોય સાધુજન તો તે પંથ નિંદાય છે. ૩૫
આવે વાદિજનો વિવાદ કરવા જો તે ભણેલા હશે,
શાસ્ત્રજ્ઞાન વિના સુશાંતિ મનની તેની શી રીતે થશે;
સેનામાં સરદાર હોય સરસા તો સૈન્ય તે જીતશે,
તે રીતે જય સંપ્રદાય તણી તો શાસ્ત્રી જનોથી થશે. ૩૬
તે માટે વિદ્વાન સંત જનને વાલા વિશેષે ગણું,
માનું પ્રાણસમાન સ્નેહી મનમાં તેથી કહું શું ઘણું;
જેને બુદ્ધિ વિશેષ હોય મુનિ તે ગીર્વાણ7 વાણી ભણો,
બીજા પ્રાકૃત ગ્રંથનો જ કરજો અભ્યાસ નિત્યે ઘણો. ૩૭
પુષ્ટિ શ્રીસતસંગની જ કરવા ધારી હૃદે ધારણા,
જો કાવ્યાદિ અનેક ગ્રંથ ભણશો તેની નથી વારણા;8
તે તો કીર્તનભક્તિ તુલ્ય મનમાં માનીશ હું તો મુદા,
છાંડી આળસ અંગથી સુજન સદ્વિદ્યા ભણો સર્વદા. ૩૮
ઉપજાતિવૃત
સુણી થયા સૌ ભણનાર રાજી, બોલી ઉઠ્યા ગંભિરતાથી ગાજી;
પ્રસન્નતા નાથ થવા તમારી, વિદ્યા વિશેષે ભણશું મુરારી. ૩૯
એવે સમે મુક્ત મુનિ પધાર્યા, એણે વળી શબ્દ ભલા ઉચાર્યા;
હું જ્ઞાન ગીર્વાણ તણું ધરું છું, ભાષા તણું કાવ્ય વળી કરું છું. ૪૦
શ્લોક
ગીર્વાણવાણીષુ વિશેષબુદ્ધિસ્તથાપિ ભાષારસલોલુપોઽહમ્ ।
યથા ત્વમર્ત્યા અમૃતેષુ સત્સુ, ગંગોદકે સન્તિ સદૈવ લુબ્ધાઃ ॥ ૪૧
અર્થ
ગીર્વાણ વાણી રસ જાણ હું છું, તથાપિ ભાષાકવિતા કરું છું;
સુધા છતાં સ્વર્ગનિવાસી જેમ, કરે સુગંગોદક પાન તેમ. ૪૨
બોલ્યા સુણીને વૃષવંશરાય, જેની રુચી પ્રાકૃતમાં જણાય;
તે તો સજે પ્રાકૃત ગ્રંથ સારા, કે કીર્તનો તે પ્રિય ભક્ત મારા. ૪૩
ચોપાઈ
સુણો ભૂપ ધરીને ઉમંગ, કથા મેં કહી પામી પ્રસંગ;
હવે જગ્યાઓ બીજી બતાવું, કથા ચાલતી તેહ ચલાવું. ૪૪
ધર્મદેવથી પૂર્વે છે બારી, તેહ સ્થાને બિરાજી મુરારી;
કરી છે સંત પ્રત્યે જે વાત, વચનામૃતમાં છે વિખ્યાત. ૪૫
જ્યાં છે ઉગમણી રૂપચોકી, જેની શોભા દિસે છે અલોકી;
તેનો દક્ષિણાદો પરથાર, ત્યાં બિરાજીને ધર્મકુમાર. ૪૬
આપ્યા મિસ્ત્રીયોને સરપાવ, કહું નામ સુણો ધરી ભાવ;
પુરુષોત્તમ ને દામોદર, જેહનાં વટપુર માંહિ ઘર. ૪૭
કહું બીજા કુબેર શ્રીપુરના, ત્રણે શિલ્પી શ્રીહરિ હજુરના;
કડાં કંઠિયો પાધડી શાલ, આપ્યાં રાજી થઈ તતકાળ. ૪૮
ત્યાં જ તેથી નિચા પરથારે, પ્રભુ બેઠા સભા સજી ભારે;
બેઠા ગોપાળજી તહાં આવી, તેને શ્યામે સમાધિ કરાવી. ૪૯
રઘુવીરજીના વડા ભ્રાત, મોટા મુક્ત તે તો સાક્ષાત;
રુપચોકી ઉત્તર તણી ધારો, તેની નીચે ખૂણો પડે સારો. ૫૦
રૂપચોકીથી પૂર્વ દિશાય, બહુ બેસતા ત્યાં હરિરાય;
ચાલતું તે જોવા જતા કામ, પાછા બેસતા આવી એ ઠામ. ૫૧
છત્રી મંદિર પાછળ જે છે, જગ્યા પરમ પ્રસાદીની તે છે;
હતો પ્રથમ ત્યાં સુંદર ઓટો, મહિમા તેનો જાણવો મોટો. ૫૨
તહાં બેસતા શ્રીઘનશ્યામ, નીચે બેસતા સંત તમામ;
વસોના જન જે વાલાભાઈ, તેની પત્નિ તો અવલબાઈ. ૫૩
મળી બેય ત્યાં દર્શને આવ્યાં, બહુનામીયે હેતે બોલાવ્યાં;
બોલ્યાં બાઇ હે ગરીબ નિવાજ!, મારે પુત્ર નથી મહારાજ. ૫૪
સુણી બોલ્યા અખિલ આધાર, આપું તમને હું પુત્ર તૈયાર;
એમ બોલીને શ્રીઅવિનાશ, તેનો ભત્રીજો જે હતો પાસ. ૫૫
ત્રણ વર્ષનો તુલસીદાસ, તેને તેડ્યો કરી મંદ હાસ;
વા’લાભાઈને ખોળે બેસાર્યો, બાઈ અવલનો શોક નિવાર્યો. ૫૬
કહ્યું બાઈ આ પુત્ર તમારો, સતસંગી થશે બહુ સારો;
એનું પાલન પોષણ કરજો, પુત્રભાવ એના પર ધરજો. ૫૭
એવું સાંભળીને રાજી થયાં, આજ્ઞા શીશ ધરી ઘેર ગયાં;
સુણો ભૂપ કહે બ્રહ્માચારી, તેની વાત કહું બીજી સારી. ૫૮
સાલ અઠોતેરા તણી જ્યારે, વાલા ભાઇયે ધર્યું વ્રત ત્યારે;
જ્યારે દ્વાદશીનો દિન આવે, પારણાં સંત સૌને કરાવે. ૫૯
વસોમાં હોય મંડળ જેવું, દ્વાદશી દિન પારણું દેવું;
તુલસીભાઈયે પણ તેહ, વ્રત રાખ્યું સદા ધરી સ્નેહ. ૬૦
પુષ્પિતાગ્રા
પ્રભુપદ રજ હોય જેહ ઠામ, સતત વસે જઈ તીર્થ ત્યાં તમામ;
અગમ નિગમ સર્વ એમ ગાય, પરમ પવિત્ર સુપૃથ્વી તે ગણાય. ૬૧
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયસિંહનૃપસંવાદે વૃત્તાલયે શ્રી લક્ષ્મીનારાયણ
મંદિરે શ્રીહરિપ્રસાદીસ્થાનનિરૂપણનામા ચતુર્દશો વિશ્રામઃ ॥૧૪॥