કળશ ૧

વિશ્રામ ૧૫

 

પૂર્વછાયો

હે નૃપ જે ઓટો કહ્યો, મોટા મંદિર પાછળ ઠાર;

સભા સજીને બિરાજતા, બહુવાર ત્યાં જગદાધાર. ૧

ચોપાઈ

સાલ પંચોતેરા તણી જ્યારે, એક ઓરડામાં તેહ વારે;

નરનારાયણ પધરાવ્યા, પ્રબોધનીયે ફરી હરિ આવ્યા. ૨

થયો તો ત્યારે સમૈયો સારો, આવ્યા’તા હરિભક્ત હજારો;

ત્યારે ઓટા ઉપર હરિ બેઠા, બેઠા સંત હરિજન હેઠા. ૩

બોલ્યા શ્રીમુખે શ્રીમહારાજ, સુણો હરિજન સંત સમાજ;

અમે કરતા સમૈયા જ્યારે, લખી પત્ર તેડાવતા ત્યારે. ૪

કર્યો આજ થકી નિરધાર, કરવા સમૈયા બે આ ઠાર;

હરિનૌમી પ્રબોધિની જ્યારે, આંહિ આવજો સૌ જન ત્યારે. ૫

સુણી હરિજન સૌ ખુશી થયા, દીનબંધુ તણી દીઠી દયા;

વસો નિવાસી તુલસીદાસ, આવ્યા શ્રીપરમેશ્વર પાસ. ૬

તેના પુત્ર જે વાઘજીભાઈ, તેની ઉંમર તો લઘુતાઈ;

તેડ્યા વાંસજીભાઇયે તેને, હરિચરણે લગાડિયા એને. ૭

રુપૈયો એક ભેટ મુકાવ્યો, હરિનો શિર હાથ ધરાવ્યો;

કેના પુત્ર પૂછ્યું સુખદાઈ, ત્યારે બોલિયા ગોકળભાઈ. ૮

તે તો સોજિતરાના નિવાસી, પોતે પ્રગટ પ્રભુના ઉપાસી;

અહો નાથ પ્રણત પ્રતિપાળ, તુલસીભાઈનો આ છે બાળ. ૯

કહે કૃષ્ણ તે તો સારો થાશે, તાત તુલ્ય તે ભક્ત ગણાશે;

સુણી રાજી થયા સર્વે જન, પછી સૌ ગયા આપ સદન. ૧૦

હવે સ્થાન બીજા તણી વાત, કહું તે તમે સાંભળો ભ્રાત;

મંદિરે છે પ્રદક્ષિણા જેહ, જાણો પ્રભુપદ અંકિત એહ. ૧૧

એક માસ સુધી રુડી રીતે, ફર્યા સો સો પ્રદક્ષિણા નિત્યે;

નિજદાસને શિક્ષણ કામ, કરે એવી ક્રિયા ઘનશ્યામ. ૧૨

નારાયણ નામનો મોલ જે છે, અતિ પરમ પ્રસાદીનો તે છે;

પ્રભુ તેમાં રહી પૂરી પ્રીતે, શિક્ષાપત્રી રચી શુભ રીતે. ૧૩

બંગલાની ઓશરીયે બિરાજી, સૌને રંગ છાંટ્યો થઈ રાજી;

મોલ આગળ ચોક રહેલો, તે તો છે પ્રભુચરણ અંકેલો. ૧૪

દેવાલય થકી દક્ષિણ ભાગ, જોઈ શ્રીહરિયે સારી જાગ્ય;

બોલ્યા શ્રીમુખે શ્રીહરિ ત્યાંઈ, થાશે અક્ષરભુવન આંઈ. ૧૫

મારી પ્રસાદી વસ્તુ અપાર, સ્થપાશે એહ ભુવન મોઝાર;

નર નારીયો દરશન કરશે, મારી મૂર્તિને અંતર ધરશે. ૧૬

હરિમંડપ હાલ છે જ્યાંય, એક કોઠો અસલ હતો ત્યાંય;

પાસે રહીને તે કોઠો પડાવ્યો, હરિમંડપ હરિયે કરાવ્યો. ૧૭

જગ્યા તે છે પ્રસાદિની સહી, શિક્ષાપત્રી શોધી તહાં રહી;

હરિમંડપમાં એક વાર, બિરાજ્યા હતા ધર્મકુમાર. ૧૮

ત્યાં તો અવધ્યપ્રસાદજી આવ્યા, રઘુવીર આવ્યા મન ભાવ્યા;

જન બેયને પૂછિયું ત્યારે, તમે દેશમાંથી આવ્યા જ્યારે. ૧૯

ઉતર્યા મહીનો કીયો આરો? એ તો વાત તમારી ઉચ્ચારો;

કહે અવધ્યપ્રસાદ હે શામ! હું તો ઉતર્યો બામણગામ. ૨૦

પછી બોલિયા શ્રીરઘુવીર, ઉતર્યો હુંય પણ તેહ તીર;

મને સંકટ પડિયું અપાર, નોતી જીવ્યાની આશા લગાર. ૨૧

નદીમધ્ય હું આવિયો જ્યારે, લાગ્યો તરત તણાવાને ત્યારે;

કર્યું સ્મરણ મેં ત્યાં તો તમારું, એક નાવ આવ્યું મુજ સારુ. ૨૨

મને ઝાલી લીધો કર્ણધારે, પછી મુક્યો ઉતારી આ આરે;

તેનું મેં પૂછિયું નામ ઠામ, કહે નામ તણું શું છે કામ? ૨૩

પછી ત્યાં થકી નાવ તે ગયું, જોતાં જોતાંમાં અદરશ થયું;

હસી બોલિયા સુંદર શામ, કર્યું એ તો અમે આવી કામ. ૨૪

સુણી બેયનાં મન મુદ પામ્યાં, ધન્ય ધન્ય કહી શિર નામ્યાં;

એહ જગ્યાનો મહિમા અપાર, ભૂપ શું કહું વારંવાર. ૨૫

હરિમંડપ થકી ઉત્તરમાં, જ્ઞાનકૂપ છે ચોક સુંદરમાં;

તહાં સુધી હતી જે હવેલી, બેય માળની રુડી રચેલી. ૨૬

તે હવેલીમાં સર્વ ઠેકાણે, વિચર્યા હરિ સૌ જન જાણે;

નીચે ઓરડા ત્યાં હતા બેય, બેશી તેમાં પ્રભુ જમ્યા છેય. ૨૭

બાઈ જમનાં વસોનાં નિવાસી, પોતે પ્રગટ પ્રભુનાં ઉપાસી;

ગંગાબાઈ જેતલપુર તણાં, રુડી કરતાં રસોઈ બે જણાં. ૨૮

અતિ હેતે આરોગતા નાથ, કોઈ સમય સખા પણ સાથ;

કૂવાથી વળી ઉત્તર ભાગ, તેર કદમ સુધી હતો માગ. ૨૯

સભામંડપ થળ અડકેલી, ત્રણ માળની હતી હવેલી;

બ્રહ્માનંદ મુનિયે કરાવી, ભાળી શ્રીહરિને મન ભાવી. ૩૦

ઉષ્ણકાળ સમા માટે એમાં, જળ હોજ કર્યા હતા તેમાં;

તે હવેલીમાં કરતા શયન, પરમેશ્વર પ્રાણજીવન. ૩૧

હેઠે ઓરડે કડિયા હીરાજી, કરતા પ્રતિમાઓને તાજી;

મત્સ્ય કચ્છ નૃસિંહાદિ જેહ, અવતારની મૂર્તિયો તેહ. ૩૨

નાખી ખુરશી બિરાજતા નાથ, મૂર્તિ ઉપર ફેરવે હાથ;

જોઇ તે કડિયાતણું કાજ, હૃદે રાજી થતા મહારાજ. ૩૩

ચોકમાં જ્ઞાનકૂપ છે જેહ, મહારાજે ખોદાવ્યો છે તેહ;

ભાઈ રામદાસે નિજ હાથ, નવરાવ્યા કૂપોદકે નાથ. ૩૪

ચરણામૃત તે બધું લઈ, જ્ઞાનકૂપમાં નાખિયું જઈ;

ધન્ય ધન્ય કહું જ્ઞાનકૂપ, એ તો ઉત્તમ તીર્થ અનૂપ. ૩૫

હરિયે દત્તપુત્રોને જ્યારે, બેય આચારજો કર્યા ત્યારે;

હવેલી કહી બે માળી જેહ, તેનો ઉગમણો ચોક તેહ. ૩૬

તહાં પાટ્યો બે સરસ ઢળાવી, ગાદી આચાર્ય બેની ઠરાવી;

સ્થાપ્યા દક્ષિણે શ્રીરઘુવીર, સામા અવધ્યપ્રસાદજી ધીર. ૩૭

વેદમંત્રે કરી અભિષેક, વેંચી આપીયા દેશ પ્રત્યેક;

પોતપોતાના દેશના જન, કરે આચાર્ય કેરું પૂજન. ૩૮

માળ બેની હવેલી ઉપર, કઠોડામાં બેઠા હરિવર;

પૂજા થાય તે નજરે નિહાળે, પ્રભુ દિસે પ્રસન્ન તે કાળે. ૩૯

એહ પૃથ્વીનો અતિ મહિમાય, કહું શું તુજ આગળ રાય;

દીક્ષા જન્મભૂમિ હરિવરની, પીપલાણાની ને જેતપરની. ૪૦

આચાર્યોનું દીક્ષા જન્મસ્થાન, તેમ માનવું એહ નિદાન;

એક ક્યારા વિષે છોડ બેય, દૃઢ વાવેલા જેમ દિસેય. ૪૧

એક ઉત્તરમાં વધી જાય, બિજો દક્ષિણ માંહિ ફેલાય;

મૂળ બેયનું તો એક ક્યારો, સમજે એમ સમજુ જે સારો. ૪૨

બેય દેશમાં સતસંગ થાય, તેનું મૂળ આ સ્થાન ગણાય;

બેય દેશ તણા જન જેહ, ગણે ઉત્તમ આ સ્થાન એહ. ૪૩

ગામ માણજના પાટીદાર, મુળજીભાઈ ભક્ત ઉદાર;

તેણે કરાવ્યો છે તહાં ઓટો, તેનો જાણવો મહિમા મોટો. ૪૪

જેને સતસંગની વાત ભાવી, તે તો જાત્રા કરે અહીં આવી;

જાણે માહાત્મ્ય મનમાં સહી, તે તો આવ્યા વિના રહે નહી. ૪૫

જ્ઞાનકૂપથી ઉત્તર માંય, એક દિન પાટ ઉપર ત્યાંય;

બિરાજ્યા હતા શ્રીબહુનામી, સહજાનંદ અંતજામી. ૪૬

અન્નકૂટ તણો દિન જાણી, મળ્યા સંતોને સારંગપાણી;

રુપચોકી ઉગમણી વિશાળ, તેથી ઉત્તરમાં એક કાળ. ૪૭

હરિભક્ત હીરાજી શલાટ, ઘડે હનુમાન મૂર્તિનો ઘાટ;

જોવા આવ્યા ત્યાં ધર્મદુલારો, કહ્યું ઘાટ ઘડ્યો ઘણો સારો. ૪૮

પ્રભુ થૈને પ્રસન્ન અપાર, આપ્યો પુષ્પપ્રસાદિનો હાર;

વળી તે મૂરતીના હૃદયમાં, ચાંપ્યા ચરણ બે તેહ સમયમાં. ૪૯

તહાં બોલિયા મસ્તક નામી, અક્ષરાનંદ આનંદસ્વામી;

નારાયણમોલ નીચેનો ભાગ, તહાં ઓરડો ઓપે અથાગ. ૫૦

પુતળાં હીરાભક્તે બનાવ્યાં, તે તો તે ઓરડામાં મુકાવ્યાં;

રાસમંડળનાં પુતળાં છે, સિંહ વાધનાં રૂપ રચ્યાં છે. ૫૧

કોઈ મંડપમાં મુકવાનાં, કોઈ મંદિરમાં ચણવાનાં;

દિસે ઘાટ ઘડ્યો ઘણો સારો, જગજીવન જોવા પધારો. ૫૨

પછી જોવા ગયા મુનિભૂપ, જોયાં રાસમંડળ તણાં રૂપ;

કોઇના કરમાં શોભે તાલ, કોઈ પાસે છે વીણા વિશાલ. ૫૩

કરમાં ધર્યું કોયે મૃદંગ, કોઇયે તો ઉપંગ1 કે ચંગ;2

લીધું ભૂંગળ3 કોઇયે બજાવા, કોઇયે વાંસળી કૃષ્ણ રીઝાવા. ૫૪

જોઈ રાજી થયા મહારાજ, કહ્યું સારું છે શિલ્પનું કાજ;

જોતાં ખામી કશી નથી એમાં, જીવમાત્ર નથી એક તેમાં. ૫૫

હોય જો જીવ પુતળાં વિષે, શિલ્પી સ્રષ્ટામાં શો ભેદ દિસે;

કવિ શિખાઉ રસ લાવી જાણે, કોણ સારા કવિને વખાણે. ૫૬

હાસ્યમૂર્તિ બ્રહ્માનંદસ્વામી, આવી બોલ્યા પગે શિર નામી;

આંહિ જો કોઈ ઈશ્વર આવે, તો આ પુતળામાં પ્રાણ લાવે. ૫૭

માંસનાં પુતળાંને રમાડે, કેમ પથ્થરનાં ન જીવાડે;

પણ જો કરુણા ઉર આણે, એવી લીલા દેખાડે આ ટાણે. ૫૮

એવાં સાંભળી મર્મવચન, મંદ મંદ હસ્યા ભગવન;

હતી નેતરની છડી હાથે, પુતળાંને અડાડી તે નાથે. ૫૯

જીવતાં થઈ નાચવા લાગ્યાં, વાજાં વિવિધ પ્રકારનાં વાગ્યાં;

સુણી જોવા આવ્યા ઘણા જન, થયા નિરખીને મનમાં મગન. ૬૦

એવી લીલા કરી એ ઠેકાણે, મોટા મોટા મુનિજન જાણે;

એહ સ્થાનનો મહિમા અપાર, શું વખાણું હું વારમવાર. ૬૧

પુષ્પિતાગ્રા

પરમ પુનિત પૃથ્વી પૃથ્વીપાળ, પુર વરતાલ તણી ઘણી રસાળ;

પુનિત સુપુરી સાત જે ગણાય, પણ વરતાલ સમાન તે ન થાય. ૬૨

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયસિંહનૃપસંવાદે શ્રીવૃત્તાલયે પ્રસાદિ

સ્થાનવર્ણનનિરૂપણનામા પંચદશો વિશ્રામઃ ॥૧૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે