॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

પૂર્વભૂમિકા

श्रीमत् सद्‌गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिम्,
जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ।
ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरै र्वेदादिकीर्त्यं विभूम्,
तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा ॥

પૂર્ણપુરુષોત્તમ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણનાં દિવ્ય ચરિત્રોના અમૃતનો આ મહાકુંભ આપના હાથમાં પ્રસ્તુત કરતાં હર્ષ અનુભવાય છે.

સ્વામિનારાયણ સંપ્રદાયની આચાર્યપરંપરામાં વડતાલ ગાદીના ત્રીજા આચાર્ય ધર્મધુરંધર આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે, આ શ્રીહરિલીલામૃત ગ્રંથ સમગ્ર સત્સંગ સમુદાયને સમર્પીને સંપ્રદાયને એક મહાન અવિસ્મરણીય અમૂલ્ય પ્રદાન આપ્યું છે.

ગ્રંથના સર્જનની કથા કંઈક વિશિષ્ટ છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે ૪૯ વર્ષ સુધી પૃથ્વી ઉપર વિચરીને અસંખ્યને પોતાના દિવ્ય સાન્નિધ્યથી પાવન કર્યા. તેઓનાં ૪૯ વર્ષોનાં, જન્માદિથી માંડી સ્વધામગમન પર્યંતનાં દિવ્ય ચરિત્રોને, એમના સમયના જ મહાન પરમહંસોએ ગ્રંથોમાં ગૂંથ્યાં હતાં. પરંતુ એમાંના મોટા ભાગના ગ્રંથો સંસ્કૃત ભાષામાં હોવાથી એ ગ્રંથો સામાન્ય ભક્ત સમુદાય માટે સમજવામાં-માણવામાં બહુ સુલભ નહોતા. એક વખત આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ વરતાલમાં સભા ભરીને બિરાજ્યા હતા. ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવની - રામનવમીના દિવસની એ ભવ્ય સભામાં જ, ભક્ત સમુદાયે આચાર્યશ્રીને પ્રાર્થના કરી કે શ્રીજીમહારાજનાં દિવ્ય ચરિત્રોનો એક એવો સરળ ગુજરાતી ભાષામાં ગ્રંથ રચાવીને અમારા પર અનુગ્રહ કરો. આપના આચાર્યપદનું એક મુખ્ય કર્તવ્ય એ પણ છે. વળી, ગુજરાતીમાં રચાયેલા કેટલાક ગ્રંથો છે, છતાં, વિસ્તાર ભયને લીધે કે અન્ય કોઈક કારણથી એમાં શ્રીહરિનાં ઘણાં બધાં ચરિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. હાલ શ્રીજીને મળેલા અને એ ચરિત્રોના સાક્ષીઓ આજે પણ સંપ્રદાયમાં છે. ભવિષ્યમાં આવા ભક્તો-સંતો ધામમાં ગયા પછી એ લીલા-આખ્યાનો પણ અપ્રાપ્ય જ બની જશે. માટે એવા સંતો-ભક્તો પાસેથી એવાં ચરિત્રો લખાવી લઈને એને ગ્રંથમાં ગૂંથવામાં આવે તો એ એક અપૂર્વ કાર્ય થશે.

ભક્ત સમુદાયની આ વિનંતી સ્વીકારી ગ્રંથનિર્માણ અંગે આચાર્યશ્રીએ તત્કાલીન શ્રીજીના કૃપાપાત્ર નવ સંતો-મહંતો સાથે વિમર્શ કર્યો. એ સમયે સદ્‌ગુરુ અદ્‌ભુતાનંદ સ્વામી, પુરુષાનંદ સ્વામી (સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય), અનંતાનંદ બ્રહ્મચારી (મુકુંદાનંદ બ્રહ્મચારીના મુખ્ય શિષ્ય), વિજ્ઞાનાનંદ સ્વામી, નિષ્કામાનંદ બ્રહ્મચારી, બાળમુકુંદદાસ સ્વામી (ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય), કૃષ્ણજીવનદાસ સ્વામી અને નવમા વલ્લભદાસ સ્વામી (ચૈતન્યાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય) વગેરે મહાન સંતો હતા. તેમાંના મોટા ભાગના સંતોએ શ્રીહરિનું સાન્નિધ્ય સેવ્યું હતું કે શ્રીહરિના મળેલ મહાન સંતનો સમાગમ કરીને જીવન ધન્ય કર્યું હતું. આ સૌએ આવો ગ્રંથ રચવા અંગે આચાર્યશ્રીને સવિશેષ પુષ્ટિ આપી અને ગ્રંથનિર્માણનું કાર્ય નિશ્ચિત થયું. ત્યારબાદ આચાર્યશ્રીએ ખૂબ જહેમતપૂર્વક ગામડે ગામડે સંતો-હરિભક્તો દ્વારા અપૂર્વ લીલાચરિત્રો એકત્રિત કરાવ્યાં, ક્યાંક રહી ગયેલાં તેમાંના હકીકત-દોષો નિવાર્યા. એનો સંગ્રહ કરીને એમાંથી ચૂંટેલાં આખ્યાનોનો આ ‘હરિલીલામૃત ગ્રંથ’ રચાવ્યો. આ સમગ્ર ગ્રંથની રચનામાં આદિથી અંત સુધી આચાર્યશ્રીએ ભક્તિભાવપૂર્વક પોતાનું અમૂલ્ય પ્રદાન આપ્યું.

આ ગ્રંથની રચના પદ્યમાં કરવી કે ગદ્યમાં કરવી એ અંગે ચર્ચા કરતાં અંતે પદ્યમાં જ રચના કરવાનું નિર્ધારિત થયું. કારણ કે આમેય, મુખ્યત્વે એ સમયે (આજથી ૧૧૦ વર્ષ પૂર્વે) ગુજરાતી ભાષામાં આમ-સમાજમાં ગદ્યગ્રંથો બહુ પ્રચલિત નહોતા થયા. ગુજરાતી ભાષાનું ગદ્ય પણ હજુ આરંભકાળનું જ હતું.

પદ્યાત્મક ગ્રંથની રચના કરવાનું નિરધાર્યું તો ખરું જ, પણ એની રચનાનું કાર્ય એટલું સહેલું પણ નહોતું. એટલે આચાર્યશ્રીએ એકત્રિત કરેલાં ચરિત્રોને પદ્યાત્મક આખ્યાન સ્વરૂપે ગૂંથવા ગુજરાતી ભાષાના મહાન કવીશ્વર દલપતરામને પસંદ કર્યા. દલપતરામ એ સમયે સંપ્રદાયના કવિરાજ તરીકે પૂર્ણ ખ્યાતિ પામી ચૂક્યા જ હશે. તેમણે એ સેવા આચાર્યશ્રીની આજ્ઞાથી ઝીલી લીધી. લોધિકા-નરેશ દરબાર શ્રી અભેસિંહજીએ દલપતરામ પાસે ‘પુરુષોત્તમ ચરિત્ર’ નામનો ગ્રંથ વ્રજ ભાષામાં રચાવ્યો હતો. તેથી દલપતરામે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનાં ચરિત્રોનો ગુજરાતી-પદ્યગ્રંથ લખવાની ભક્તિભાવપૂર્વક અત્યંત હોંશ દાખવી.

કવીશ્વર દલપતરામે બાલ્યવયમાં શ્રીહરિનાં પ્રત્યક્ષ દર્શનનો લહાવો લીધો હતો અને એ સમયે એમના ચિત્ત પર અંકાઈ ગયેલું શ્રીહરિનું અપ્રતિમ મુદ્રાકર્ષણ એમના જીવનના અંતિમ શ્વાસ સુધી એવું ને એવું તાજું રહ્યું હતું. એટલે જ સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત અનુયાયી તરીકે, એક ભક્ત તરીકે એમણે અનેક વિરોધોનો સામનો વહોરીને પણ સંપ્રદાય તથા શ્રીહરિ સાથેનું જોડાણ અતૂટ રાખ્યું હતું. એમને કાવ્યદીક્ષા આપીને એમનામાં કાવ્યગંગાને વહેતી કરનાર ભગવાન સ્વામિનારાયણના મહાન કવિ પરમહંસ સદ્‌ગુરુ દેવાનંદ સ્વામીએ એમનામાં જે સંસ્કાર રેડ્યા હતા એનાં મૂળ ખૂબ ઊંડાં હતાં. આથી જ કવીશ્વરને જ્યારે આ મહાન સેવા અંગે કહેવામાં આવ્યું, ત્યારે એમણે હોંશે હોંશે આ સેવા ઉપાડી લીધી.

વરતાલમાં રહીને કવીશ્વરે ગ્રંથ-રચના માટે પ્રયત્ન આદર્યો ત્યારે, ગ્રંથનો પ્રારંભ કેવી રીતે કરવો – એ અંગે તેઓ કશો નિર્ણય લઈ શકતા ન હતા. એ સમયે વરતાલના પ્રતિષ્ઠિત સંત નવયુવાન શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી(બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ), પોતાની વિદ્વત્તા અને સાધુતાથી કવીશ્વરના હૃદયમાં છવાઈ ગયા હતા. ગ્રંથના પ્રારંભની મુંઝવણ ટાળવા કવીશ્વરે શાસ્ત્રીજી મહારાજ સાથે વિમર્શ કર્યો. શાસ્ત્રીજી મહારાજે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના મહાપ્રસાદીભૂત ગોંડલ સ્થાનના આખ્યાનથી પ્રારંભ કરવા સૂચવ્યું. ગ્રંથના પ્રયોજક વિહારિલાલજી મહારાજને પણ ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે સવિશેષ સ્નેહાદર હતાં. પરિણામે ગ્રંથનો પ્રારંભ ગુણાતીતાનંદ સ્વામીના મહાન પ્રસાદીભૂત સ્થાન ગોંડલ અને તેઓના આખ્યાનથી થયો. ગ્રંથના પ્રવક્તા તરીકે ગુણાતીતાનંદ સ્વામીના મહાન શિષ્ય અચિંત્યાનંદ બ્રહ્મચારીને અને ગ્રંથના શ્રોતા તરીકે ગુણાતીતાનંદ સ્વામીના મહાન શિષ્ય - ગણોદના રાજવી અભેસિંહજીને પ્રયોજ્યા.

કવીશ્વરે ભક્તિભાવપૂર્વક આ રીતે ગ્રંથની રચના આદરી. છેલ્લે છેલ્લે તો એમનાં ચક્ષુ લગભગ પૂર્ણપણે નિસ્તેજ થઈ ગયાં હતાં, ત્યારે પણ આ સેવાકાર્યમાં એમણે ઓટ આવવા દીધી ન હતી. એ સમયે, કોઈ એક વ્યક્તિ એમને નિર્ધારિત ચરિત્રનો પાઠ સુણાવે અને કવીશ્વર એનું શ્રવણ કરીને શ્રીહરિની કૃપાથી તુરંત એનું પદ્યાત્મક રૂપાંતર ઉચ્ચારવા માંડે. એમના મુખેથી જાણે દિવ્ય ચરિત્રોની કવિતગંગા વહેવા જ લાગે, સામે બેઠેલા લહિયાઓ એને કાગળ પર ટપકાવી લેતા.

ઈ. સ. ૧૮૮૪થી ૧૮૯૪ દરમ્યાન કટકે કટકે લખાયેલો આ મહાગ્રંથ, જેમ જેમ રચાતો જતો હતો તેમ તેમ આચાર્યશ્રી આગળ સત્સંગ મંડળમાં વંચાતો જતો હતો. ન્હાનાલાલ વર્ણવે છે તે મુજબ: “એમાં અધ્યાયે અધ્યાયે ઢાળ આવતા, વલણ આવતાં, ક્યાંક પદગીત આવતાં, ક્યાંક ચિત્રમય પ્રબંધ આવતા. એ પદોમાંના કરુણભાવ, એ વનવર્ણનોનો અદ્‌ભુત રસ, બાવાજોગીની જમાતોનો રૌદ્રરસ અને સહુની ઉપર આકાશ-મંડળ સમો છવાતો સદ્ધર્મરસનો ચંદરવો. એથી આચાર્યશ્રી, સાધુમંડળ અને સાંભળતું તે સમસ્ત સત્સંગ મંડળ પ્રમોદ પામતું.”

અને આમ, ગ્રંથની રચના વિ. સં. ૧૯૫૫માં પૂર્ણ કરીને એમણે આચાર્યશ્રીને સમર્પિત કર્યો ત્યારે સૌને અનુભવાયું કે ગ્રંથમાં પંક્તિએ પંક્તિએ કવીશ્વરે અપૂર્વ ભક્તિભાવ નીતાર્યો છે. ખૂબ નિષ્ઠાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક એમણે જાણે શ્રીહરિનાં ચરણકમળમાં આ એક મહાન અર્ઘ્ય અર્પ્યું, એટલું જ નહીં, ગુજરાતી સાહિત્યમાં પણ એક અભૂતપૂર્વ વિશિષ્ટ પ્રદાન કર્યું. ગ્રંથનું શબ્દ-સૌષ્ઠવ, ગ્રંથનું પદ-લાલિત્ય, અદ્‌ભુત અલંકારોનું પ્રયોજન અને દૃષ્ટાંતો-ઉપમાઓનું સુંદર સંયોજન ગ્રંથને ભાષાવૈભવમાં વધુ સમૃદ્ધ બનાવે છે. વળી, કવીશ્વરે આ ગ્રંથમાં અનેકવિધ છંદો-પ્રબંધો-વૃત્તોનાં ચરિત્રો સાથે અદ્‌ભુત ગૂંથણી કરીને ગ્રંથને ખૂબ રસસભર કર્યો છે.

કવિવર ન્હાનાલાલે નોંધ્યું છે તેમ: “કળિયુગમાં અધર્મ ઉથાપી સદ્ધર્મ સંસ્થાપનનો, એ અર્ધી સદીની વિજય વાર્તાનો, સરયૂનાં પાપપાવનાં પાણીથી ગુજરાતના મેલધોવાણના શ્રીજીચરિતની દિગ્વિજય વાર્તાનો શ્રીહરિલીલામૃત મહાગ્રંથ છે. ૧૯મી સદીના પ્રથમ ત્રણ પ્રહરની ગુર્જર દેશની લોકકથા જાણવાના ઇતિહાસ જિજ્ઞાસુઓએ એ સંપ્રદાયી કાવ્યગ્રંથ પઢવો પડશે.” (કવીશ્વર દલપતરામ, ભાગ-૩, ઈ. સ. ૧૯૪૧, પૃ. ૧૯૯-૨૦૦)

આ ગ્રંથ માત્ર કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ જ અદ્‌ભુત છે તેમ નહીં, શ્રીહરિના સર્વાવતારી સર્વોપરી સ્વરૂપનું પણ એમાં છડેચોક ગાન થયું છે. એના કેટલાક ચૂંટેલા અંશો આ પૂર્વભૂમિકાના અંતે માણવા માટે પ્રસ્તુત કર્યા છે.

આ મહાન ગ્રંથના કુલ ૧૦ કળશ (મુખ્ય વિભાગો) છે અને ૩૩૨ વિશ્રામ (ઉપ વિભાગો) છે. પરંપરાગત સાંભળવામાં આવતી વાતો મુજબ જૂના વડીલ સંતો દ્વારા એવું પણ જાણવા મળે છે કે મૂળ તો શ્રીમદ્ ભાગવતના ૧૨ સ્કંધનો આંક લક્ષમાં રાખીને આ ગ્રંથમાં પણ ૧૨ કળશ રચવામાં આવ્યા હતા. અન્ય બે અપ્રસિદ્ધ કળશમાં ભગવાન સ્વામિનારાયણના આધ્યાત્મિક ઉત્તરાધિકારી અને આચાર્ય શ્રી વિહારિલાલજી મહારાજને વર્તમાન દીક્ષા આપનાર અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું સવિસ્તર આખ્યાન તથા તેમના મૂળ અક્ષરપણાનો મહિમા પણ હતો. શ્રીહરિના અન્ય મહાન પરમહંસોનાં આખ્યાનો આ અપ્રસિદ્ધ કળશમાં હતાં. પરંતુ પાછળથી પ્રસિદ્ધકર્તાઓએ દ્વેષભાવથી અથવા અન્ય કોઈ કારણથી એ બે કળશના એ મહત્ત્વના વિશ્રામો પ્રકાશિત ન કર્યા, એને નષ્ટ કર્યા. એ સમયે તેમને રોકનાર પણ કોઈ નહોતું, કારણ કે ગ્રંથના પ્રયોજક કે રચયિતા મુખ્ય વ્યક્તિ જ હયાત નહોતી. એ કળશોમાં કેટલાક ઉપયોગી આખ્યાનો અન્યત્ર સમાયાં. આ ગ્રંથ રચાવીને તેના મૂળ પ્રયોજક આચાર્યશ્રી તો વિ. સં. ૧૯૫૫માં અક્ષરવાસી થઈ ગયા હતા. તેઓએ તત્કાલીન અગ્રણીઓને કરેલી ભલામણ મુજબ, પાછળથી સાત વર્ષે, તત્કાલીન આચાર્ય શ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજ અને મુખ્ય કોઠારી શ્રી ગોવર્ધનદાસે વિદ્વાનોની સહાય મેળવીને, રાજકોટમાં સુંદર મોટા ટાઇપોમાં છપાવીને બે ભાગમાં પ્રસિદ્ધ કર્યો હતો. પ્રથમ આવૃત્તિના પ્રકાશન કાર્યમાં મુખ્યત્વે સુંદરિયાણાવાળા હિમરાજ શાહના પ્રપૌત્ર શ્રી બાપાલાલભાઈ શાહ તથા અન્ય સંતો હતા. શાસ્ત્રી મુનીશ્વરાનંદજી, શાસ્ત્રી કુંજવિહારીદાસજી, શાસ્ત્રી ધર્મતનયદાસજી, પુરાણી અનંતાનંદજી, તથા કવિ જગદીશાનંદજી વગેરેએ પુસ્તકની શુદ્ધિ જોઈ હતી. પ્રથમ આવૃત્તિને છપાવતી વેળાએ કવીશ્વર ન્હાનાલાલે પણ તે તપાસી હતી.

આમ તો, આ ગ્રંથની રચના થઈ ત્યારથી જ સંતો-હરિભક્તોમાં તે ખૂબ પ્રશંસા અને આદર પામ્યો હતો. ભક્તોમાં એની ખૂબ જ માંગ ઊભી થઈ હતી. એની ઝાઝી હસ્તપ્રતો કરવાનું સંભવિત ન હોવાથી સર્વ પ્રથમ વખત ઠક્કર દામોદર ગોવર્ધનદાસે પોતાના રાજકોટ સ્વદેશબાંધવ ઓઈલ એન્જિન છાપકાનામાં તેનું છાપકામ કર્યું અને વિ. સં. ૧૯૬૩માં તેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ. થોડા જ વર્ષોમાં આ બધાં જ પુસ્તકો ખપી જતાં પુનઃ આચાર્ય શ્રીપતિપ્રસાદજીની આજ્ઞાથી તેનું પુનર્મુદ્રણ થયું. દ્વિતીય આવૃત્તિ વિક્રમ સંવત્ ૧૯૮૪માં (ભાગ-૧) અને વિક્રમ સંવત્ ૧૯૯૧ (ભાગ-૨) મુંબઈથી છપાવીને આ ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. આ આવૃત્તિમાં પ્રથમ આવૃત્તિ કરતાં ટાઈપો થોડા નાના, છતાં મોટા જ રાખવામાં આવ્યા. આ ગ્રંથની અનેક આવૃત્તિઓ થઈ છે, તે બધી જ બાળબોધ લિપિમાં જ થઈ છે.

આ ગ્રંથની ગુજરાતી લિપિમાં છેલ્લા ઘણા સમયથી સતત માંગ હતી. પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી સ્વામિનારાયણ અક્ષરપીઠે સર્વપ્રથમ વખત ગ્રંથને ગુજરાતી લિપિમાં પંક્તિબદ્ધ રજૂ કરીને પ્રકાશિત કરવાનું નિરધાર્યું. જો કે પંક્તિબદ્ધ રજૂઆત કરવાથી ગ્રંથનું કદ વધી ગયું, પરિણામે તેને ચાર ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે.

ભાગ: ૧ - કળશ ૧, ૨, ૩

ભાગ: ૨ - કળશ ૪, ૫, ૬

ભાગ: ૩ - કળશ ૭

ભાગ: ૪ - કળશ ૮, ૯, ૧૦

પંક્તિબદ્ધ રજૂઆત કરીને દરેક વૃત્ત-છંદ-પ્રબંધને છૂટા પાડીને મુદ્રણ કરવાથી ગ્રંથની શોભામાં વિશેષ ઉમેરો થયો છે અને પાઠ કરનારની સરળતા પણ ખૂબ વધી છે. વળી, અદ્યતન કમ્પ્યુટરાઈઝ્ડ ટાઇપ સેટીંગ દ્વારા ગ્રંથના ટાઈપો ખૂબ સુઘડ અને સ્વચ્છ થવાથી પણ તેની વાંચન-સુલભતા વધી છે. પૂર્વે દેવનાગરી લિપિમાં પ્રકાશિત થયેલા આ ગ્રંથમાં દેવનાગરી લિપિની દુર્બોધતા, પંક્તિઓની સળંગતા, ગીચતા વગેરેને લીધે વાંચનમાં પડતી મુશ્કેલીઓ નિવારવાનો આ ગુજરાતી લિપિની આવૃત્તિમાં ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે. એક બાબત ઉલ્લેખનીય છે કે આ આવૃત્તિમાં તમામ શબ્દોની જોડણી મૂળ આવૃત્તિ મુજબ જ રાખવાનો પ્રયાસ કર્યો છે. છંદભંગ ન થાય એ માટે રચયિતા કવીશ્વરે જોડણીમાં જે કાંઈ છૂટછાટ લીધી છે તે આ આવૃત્તિમાં યથાવત રાખી છે.

આ આવૃત્તિના પ્રકાશનમાં તથા પ્રૂફવાચનમાં અક્ષરજીવન સ્વામી, અક્ષરવત્સલ સ્વામી, જ્ઞાનરત્ન સ્વામી, હરિસ્વરૂપ સ્વામી, કિશોરમૂર્તિ સ્વામી, નિષ્કામસેવા સ્વામી, નીલકંઠપ્રિય સ્વામી વગેરે સંતોએ આપેલી સેવા અવિસ્મરણીય છે.

ગ્રંથમાં આવતા તમામ વિવિધ ચિત્રપ્રબંધોને પ્રથમ ભાગમાં જ પરિશિષ્ટરૂપે સમાવ્યા છે. આ ગ્રંથમાં પ્રયોજવામાં આવેલા વિવિધ વૃત્ત-છંદ-પ્રબંધના રાગ-રાગિણીઓના માર્ગદર્શન માટે, એક ખાસ કૅસેટ ‘શ્રીહરિલીલામૃત ગાન’ પણ પ્રકાશિત કરવામાં આવી છે. આશા છે - જિજ્ઞાસુઓ અને રસિકો માટે આ કૅસેટ સવિશેષ અભ્યાસનું સોપાન બની રહેશે.

પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનાં આ દિવ્ય ચરિત્રોનો મહાગ્રંથ, તેઓના આધ્યાત્મિક ઉત્તરાધિકારી પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી સત્સંગ સમુદાયના હસ્તકમળમાં પ્રસ્તુત કરીએ છીએ ત્યારે હર્ષની અનુભૂતિ સાથે આશા રાખીએ છીએ કે સમગ્ર સત્સંગ સમાજને આ ગ્રંથ શ્રીહરિની નજીક લઈ જવામાં એક અનુપમ આશીર્વાદરૂપ પુરવાર થશે.

સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી),
સાધુ ઈશ્વરચરણદાસ,
સાધુ વિવેકસાગરદાસના જય સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ અક્ષરપીઠ.
ગુરુપૂર્ણિમા, અષાઢ સુદ ૧૫, વિ.સં. ૨૦૫૩
તા. ૨૦-૭-૧૯૯૭

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે