કળશ ૧

વિશ્રામ ૧૦

 

ઉપજાતિ

ગુણાતીતાનંદ મુનીન્દ્ર સાથે, પ્રીતિ કરી ગોંડળ રાજ્યનાથે;

સુણે કથા કૃષ્ણની તેહ ઠામ, સંગ્રામજી છે શુભ જેનું નામ. ૧

તે તો મુનિ જીર્ણગઢે રહેતા, દૈવી જનોને ઉપદેશ દેતા;

તેડાવતા ગોંડળનાથ જ્યારે, પધારતા ગોંડળ માંહિ ત્યારે. ૨

વર્ણી અચિંતાખ્ય સુજાણ જેહ, તેને કદી મોકલતા જ તેહ;

સંગ્રામજીને સુકથા સુણાવે, સત્સંગ કેરી દૃઢતા કરાવે. ૩

શ્રીમોંઘિબાએ વળી એક ટાણે, તેડ્યા ગુણાતીત ગુરુ પ્રમાણે;

પૂજા કરાવી નિજનાથ પાસ, જણાવી પોતા તણી જેહ આશ. ૪

મને મુનિ આશીરવાદ આપે, સુપુત્ર પામું મુનિને પ્રતાપે;

પતિ મુખે તે સતિયે કહાવ્યું, બોલ્યા મુનિ તે નૃપ ચિત્ત ભાવ્યું. ૫

સુપુત્ર થાશે ભગવત્પ્રતાપે, પ્રસન્ન થાશો પતિ પત્નિ આપે;

વિતી ગયા તે પછી બાર માસ, તે મોંઘિબાની થઈ પૂર્ણ આશ. ૬

શ્રી વિક્રમાર્કે શત ઓગણીશ, વર્ષો થયાં ઊપર એકવીશ;

શ્રીમોંઘિબા પુણ્ય ઉદે અપાર, જે ઇશ્વરે એક દીધો કુમાર. ૭

ગુરૂ ગુણાતીત મુનીન્દ્ર જેહ, તેડાવિયા જીર્ણગઢેથી તેહ;

મુનીન્દ્ર તે ગોંડળ ગામ આવ્યા, ભૂપાળના અંતર માંહિ ભાવ્યા. ૮

ભૂપે કહ્યું હે મુનિ હેત લાવો, આ પુત્રનું નામ તમે ઠરાવો;

મુનિ કહે શ્રી ભગવત્સપ્રસાદ, તેનું રહે નામ સદૈવ યાદ. ૯

તે શ્રીહરિની શુભ ગાદીયે છે, ગુરૂ અમારા પણ આજ એ છે;

મારું કહ્યું જો મન માંહિ લાવો, તો નામ રુડું ભગવત્ ધરાવો. ૧૦

પાડ્યું પછી ઉત્તમ નામ એવું, સિંહાંત1 ક્ષત્રિકુળ યોગ્ય જેવું;

રહ્યા ઘણા વાસર ત્યાં મુનીશ, સેવા ભલી નિત્ય સજે મહીશ. ૧૧

વિચાર સારો ઉપજ્યો સતિને, પ્રેમે કહ્યો તે નિજના પતિને;

કરાવિયે ઉદ્ધવસંપ્રદાનું, સુધામ2 ત્રણ્યે શિખરો ભલાનું. ૧૨

કરાવવા દેવ નિવાસ જેહ, રાજા તણો ધર્મ અનાદિ એહ;

તેનું વળી ખર્ચ નભે હંમેશ, આજીવિકા એવી કરો નરેશ. ૧૩

થયા ભલા ઉન્નડભૂપ નામ, કરાવિયું દુર્ગપુરે સુધામ;

ભલા ઝીણાભાઈ નરેશ જેહ, કરી ગયા જીર્ણગઢે જ તેહ. ૧૪

જુવો વળી જ્યાં ધવળાખ્ય3 ગામ, તહાં પુંજાભાઈ કર્યું સુધામ;

એવું ભલું મંદિર તો કરાવો, મળે ફરી ક્યાં થકી જોગ આવો. ૧૫

આચાર્ય સંતો સહુ સાથ લાવી, કરે પ્રતિષ્ઠા નિજહાથ આવી;

તો મારી ઇચ્છા પરિપૂર્ણ થાય, એવું સુણીને ઉચર્યા સુરાય. ૧૬

તમે કહી તે બહુ સારી વાત, એ કામમાં પુણ્ય દિસે અઘાત;4

જઈ ગુણાતીત મુનિ સમીપે, કહીશ હું એમ કહ્યું મહીપે. ૧૭

કહી મુનિને જઈ વાત જ્યારે, બોલ્યા મુનિ તે થઈ રાજી ત્યારે;

હે રાય વૃત્તાલય હું જઈશ, આ વાત આચારજને કહીશ. ૧૮

એવું કહી જીર્ણગઢે સિધાવ્યા, તે વાતને માસ ઘણા વિતાવ્યા;

રાજા તથા રાણી પ્રધાન ત્યારે, લખ્યો ફરી કાગળ તેહ વારે. ૧૯

અહો મુનિ કેમ લગાડી વાર, ક્યારે થશે મંદિર એહ ઠાર?

ઇત્યાદિ વાક્યો લખીયાં વિચારી, લખે ભલો માધવજી સુધારી. ૨૦

ભાણેજ હર્જીવન મંત્રી કેરો, લૈ પત્ર જેશંકરને જ પ્રેર્યો;

ઘણા સમાચાર મુખે કહાવ્યા, લૈ પત્ર તે જીરણદુર્ગ આવ્યા. ૨૧

મુનિ ગુણાતીત સમીપ જઈને, કહ્યા સમાચાર સુપત્ર દૈને;

તે સ્વામીયે પત્ર લખાવી આપ્યો, આશા દઈ સર્વ ઉચાટ કાપ્યો. ૨૨

ત્રેવીશમી સાલ થઈ જ જ્યારે, ચોખો હતો ચૈતર માસ ત્યારે;

ગુણાતીતાનંદ મુનીન્દ્ર જેહ, પોતે પધાર્યા વરતાલ તેહ. ૨૩

જે વાત થૈ ગોંડળમધ્ય સારી, આચાર્ય પાસે સઘળી ઉચારી;

ઇચ્છા ધરે છે ઉર રાણી રાય, શ્રી ગોંડળે મંદિર મોટું થાય. ૨૪

કરે પ્રતિષ્ઠા ભગવત્પ્રસાદ, તો ઉપજે અંતર માંહિ સ્વાદ;

વસે વળી વર્ણી તથા સુસંત, તો કીર્તિ વ્યાપે નૃપની દિગંત.5 ૨૫

કથા તથા કીર્તન નિત્ય થાય, જે સાંભળ્યાથી અઘ6 સર્વ જાય;

આજ્ઞા કરો તો કરીયે સુધામ, હું આજ આવ્યો અહિં એ જ કામ. ૨૬

આચારજીએ સુણી વાણી એહ, સુણાવવા હર્ષની વાત તેહ;

બોલાવીયા શ્રેષ્ઠ મહાંત સંત, તથા ગૃહસ્થો પણ બુદ્ધિમંત. ૨૭

શિખરિણી

શુકાનંદસ્વામી પરમ સુપવિત્રાનંદયતી,

તથાઽદ્‌ભુતાનંદ પ્રમુખ પુરુષાનંદ સુમતી;

વિવેકી જે વર્ણી નિગમવિદ7 નારાયણ કહું,

તથા ત્યાં તેડાવ્યા બટુ8 સુમતિ બીજા પણ બહુ. ૨૮

હતો તેમાં હુંય9 મુનિજન મળ્યું મંડળ તહાં,

કહું કોઠારીમાં પ્રમુખ ગણિ ગોવર્ધન જહાં;

હતા અંબૈદાસે વળી હસનભાઈ પણ મળ્યા,

વળી કોઠારી જે હરિજન જગજ્જીવન ભલા. ૨૯

હતા લક્ષ્મીદાસે ધવલપુરના મંદિર તણા,

તથા કાશીરામે જીરણગઢના ઉત્તમ ઘણા;

ગૃહસ્થો તેડાવ્યા હરિજન ભલા તે પણ કહું,

સુણી આજ્ઞા એવી સદને થકી આવ્યા જન સહુ. ૩૦

ભલા ભોલાનાથ પ્રગટ પ્રભુનાં શાસ્ત્ર સુચવે,

પુરાણો ને શાસ્ત્રો અખિલ ઇતિહાસો અનુભવે;

તહાં તે તેડાવ્યા ભગવતપ્રસાદે નિજભણી,

વળી બીજા ભક્તો નિજસમીપ તેડ્યા ગુણી ગણી. ૩૧

ઉપજાતિ

વસો નિવાસી જન પાટીદાર, ભાઈ ભલા જે તુલસી ઉદાર;

ચતુર્દવે નામ ભલા ચતુર, જાણે ભલી જુક્તિ બધી જરૂર. ૩૨

શ્રીસંજીવાડા શુભ નામ ગામ, બારોટ ત્યાંના પ્રભુદાસ નામ;

પ્રહ્લાદ જેવા પ્રભુભક્ત સારા, સુસ્નેહ શ્રીજીપદ ધારનારા. ૩૩

વડોદરા પત્તનવાસી જેહ, સુભક્ત રામેશ્વરભાઈ તેહ;

શ્રીપીજવાસી શિવલાલભાઈ, સુબુદ્ધિ જેની જનમાં જણાઈ. ૩૪

કહું કૃપારામ રુડા ઘણેરા, નિવાસી તે તો નડિયાદ કેરા;

બીજા કૃપાશંકર જેનું નામ, આણંદમાં જેનું નિવાસ ઠામ. ૩૫

બોટાદના દોશિ ભગો સુભક્ત, સંસારથી અંતરમાં વિરક્ત;

બોલાવી ઇત્યાદિક આપ પાસ, આચારજે વાત કરી પ્રકાશ. ૩૬

રાજી થયા સૌ જન સાંભળીને, આપ્યો અભિપ્રાય સહુ મળીને;

જો થાય ત્યાં મંદિર શ્રેષ્ઠ એહ, તો જાણવું ઉત્તમ કામ તેહ. ૩૭

આચાર્ય બોલ્યા સહુના અધીશ, ગુણાતીતાનંદ સુણો મુનીશ;

તમે જઈ મંદિર ત્યાં કરાવો, પછી પ્રતિષ્ઠા કરવા કહાવો. ૩૮

આવી અમે ત્યાં કરશું પ્રતિષ્ઠા, સાથે લઈ સંતજનો વરિષ્ઠા;

પછી મુનિ ત્યાંથી રજા લઈને, પોતે રહ્યા જીર્ણગઢે જઈને. ૩૯

આસો શુદી સાતમ ત્રેવિશાની, નક્કી કરી ગોંડળમાં જવાની;

અતી રુડું મંદિર તે કરાવા, સ્વામી થયા સજ્જ તહાં સિધાવા. ૪૦

માલિની

રઘુવિરચરણાખ્યો દાસ છે જેનું નામ,

સુપરત કરી તેને જીર્ણદુર્ગાખ્ય ધામ;

સકળ વળી તહાંનું કામ તેને ભળાવ્યું,

નિજતન તજવાનું તે ન તેને જણાવ્યુ. ૪૧

ઉપજાતિ

સ્વશિષ્ય જે બાલમુકુંદદાસ, તેનેય રાખ્યા વળી આપ પાસ;

જે કૃષ્ણસેવા યુત દાસ નામ, વર્ણી અચિંત્યાખ્ય સુબુદ્ધિધામ. ૪૨

ત્રણે તણાં મંડળ સાથ લૈને, રહ્યા મુનિ ગોંડળ ગામ જૈને;

પ્રધાન રાજા મુનિયે મળીને, સંતો કહે તે પણ સાંભળીને. ૪૩

ઠરાવીયું મંદિરનું પ્રમાણ, ઠરાવી જગ્યા મુનિયે સુજાણ;

સુસંતને સુપ્રત સર્વ કીધી, કર્યાની જગ્યા પણ ચિંધિ દીધી. ૪૪

ભૂપાળ કેરો બહુ ભાળી ભાવ, નક્કી કર્યો મંદિરનો ઠરાવ;

રાજી થયા ભૂપ તથા પ્રધાન, જાણ્યું ફળ્યું સંતનું વાક્યદાન. ૪૫

વૈતાલીય

દિન ત્યાં દસરા તણો થયો, અતિ આનંદ છવાઈને રહ્યો;

દરબાર વિષે નરેશ્વરે, મુનિ તેડ્યા અતિમાન આદરે. ૪૬

કરી પૂજન પૂર્ણ પ્રીતથી, સ્તુતિ ઉચ્ચારી સુશિષ્ય રીતથી;

મુનિને ચરણે સુલાગિને, પ્રભુભક્તિ મુખ લીધી માગિને. ૪૭

દશમી દિન એ રીતે ગયો, દિન એકાદશીનો પછી થયો;

નૃપ ને નૃપના પ્રધાનને, મુનિયે વાત કહી ધીમાનને.10 ૪૮

સુણજો સહુ સાવધાન થૈ, સમઝી લ્યો શુભ જ્ઞાનવાન થૈ;

નિરધાર નથી શરીરનો, ભરુંસો શો કદી ઓસ નીરનો.11 ૪૯

વયમાં પણ વૃદ્ધ હું થયો, નજરે કાળ ઘણો વહી ગયો;

કરું હું કદી ત્યાગ દેહનો, કરશો શોક તમે ન તેહનો. ૫૦

તન ઊપર વસ્ત્ર જેમ છે, તન આત્મા થકી ભિન્ન તેમ છે;

તનનો કદી ત્યાગ તે કરે, પણ આત્મા કદીયે નહિં મરે. ૫૧

મુજનું તન તેહ હું નહીં, પણ હું આત્મસ્વરૂપ છું સહી;

તન હું તજી જાઉં જાહરે, કરશો શોક નહીં જ તાહરે. ૫૨

હરિમંદિર તો રચાવજો, શુભ સામાન બધો મંગાવજો;

વરણી મુનિ આંહિ જેહ છે, કરવા મંદિર કામ તેહ છે. ૫૩

કરશે શુભ તે અહીં રહી, ચિત ચિંતા લવ લાવશો નહીં;

મુજનો નહિ શોક રાખવો, દુઃખનો શબ્દ નહી જ દાખવો. ૫૪

પછી હાથ પગે મુકાવિયા, જન સૌને નિયમો રખાવિયા;

પછી દ્વાદશી દિન આવિયો, તનમાં તાવ જરા જણાવિયો. ૫૫

તિથિ થૈ વળી જ્યાં ત્રયોદશી, દિન વીત્યો અરધી ગઈ નિશી;

હરિનું ધરી ધ્યાન અંતરે, વિચર્યા અક્ષરમાં સ્વતંતરે. ૫૬

જનને મન શોક તો થયો, પણ આજ્ઞા સ્મરતાં મટી ગયો;

પછી મંદિર કેરું કામ તે, કરવા માંડ્યું મળી તમામ તે. ૫૭

પૃથવી પથરા કઢાવિયા, ઉપયોગી બહુ વસ્તુ લાવિયા;

ગત વત્સર એક તો વહી, થઈ ચોવીશમી સાલ તો સહી. ૫૮

મહિનો શુભ માઘ જે સમે, કરીયું ખાત મુહૂર્ત તે સમે;

કરી સુપ્રત મુખ્ય તો બહુ, વરણીરાજ અચિંત્યને સહુ. ૫૯

પુષ્પિતાગ્રા

હરિજન સંગરામસિંહ રાજા, જદુવંશી જશસિંધુ કેરી માજા;12

નિજપુર હરિનું કરાવ્યું ધામ, ગણિ મનમાં અતિ પુણ્યકેરું કામ. ૬૦

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે

ભૂમાનંદમુનીન્દ્ર વાઘજીભાઈ સંવાદે ગોંડળપુરે રાજાકૃત

હરિમંદિરખાતમુહૂર્તનિરૂપણનામા દશમો વિશ્રામઃ ॥૧૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે