કળશ ૧

વિશ્રામ ૧૨

 

ઉપજાતિ

સર્વોપરી ઉત્તમ હાથી એક, અંબાડીયે નંગ જડ્યાં અનેક;

બિરાજીયા ત્યાં ભગવત્પ્રસાદ, ત્યારે થયો ત્યાં જયશબ્દ નાદ. ૧

કરે શિરે ચામર નંદકૃશ્ના,1 જેને નહી આ જગ કેરી તૃષ્ણા;

તથા બિરાજ્યા શુભ તાવદાને,2 પ્રભુપ્રસાદ3 પ્રભુ રાખી ધ્યાને. ૨

હોદો ભલો હાથી તણો વિશાળ, વિરાજીયા ત્યાંજ વિહારીલાલ;

તે પાસ નારાયણસુપ્રસાદ,4 વિરાજીયા સર્વ તજી વિષાદ. ૩

મેના5 રથો પાલખીમાં સુસંત, વિરાજીયા જે મુનિયો મહંત;

આચાર્યની ને નૃપપુત્ર કેરી, અસ્વારી શોભે મળીને ઘણેરી. ૪

ત્રિવેણિકા સાગર પ્રાપ્ત જેમ, પ્રવેશ કીધો પુર મધ્ય તેમ;

શ્વેતાંબરી જે જન છે અથાહ, તે જાણીયે ગંગ તણો પ્રવાહ. ૫

કૃષ્ણાંબરી પોલિસના સિપાઈ, તે જાણિયે શું જમુના વહાઈ;

રક્તાંબરી સંત અનંત જેહ, સરસ્વતી નીર સમાન તેહ. ૬

સ્વારી તણું વર્ણન શું વખાણું, ધર્મિષ્ઠ છે ઉત્તમ તેથી જાણું;

મળ્યા હરિભક્ત મુનિ અપાર, શોભે ઘણા ત્યાં નૃપના સવાર. ૭

હરિગીત છંદ

અસવાર સંગ અપાર જનની લાર6 લાંબી થાય છે,

ગુણ ગાય વાજાં વાય જય જય થાય પુરમાં જાય છે;

વાજે સુડંકા જોધ7 વંકા8 ઉર અશંકા ધારી છે,

અમરેંદ્ર9 કે સુનરેંદ્ર10 આચાર્યેન્દ્રની અસવારી છે. ૮

  ગજ અગ્ર પાળા શસ્ત્રવાળા દિલ દયાળા છે ઘણા,

  બંદૂક છોડે ચાલી જોડે માન મોડે અરિ તણાં;

  બોકાની વાળી બહુ રુપાળી ભાળી ખળ ભયકારી છે,

  અમરેંદ્ર કે સુનરેંદ્ર આચાર્યેન્દ્રની અસવારી છે. ૯

ગણનાથ11 જેવા તરુણ તેવા ઇભ12 એવા મન હરે,

ઉનમત્ત અંગે શ્યામ રંગે અતિ ઉમંગે સંચરે;

મન મોહકારી સૂંઢ ભારી સારી તે શણગારી છે,

અમરેંદ્ર કે સુનરેંદ્ર આચાર્યેન્દ્રની અસવારી છે. ૧૦

  ઘૂમે સુઘોડા થૈ સજોડા છે અછોડા13 હેમના,

  ઝાંઝર સુઝમકે ધરણી ધમકે ચરણ ઠમકે તેમના;

  ગળ માળતી તન ઢાલની બહુ ચાલની બલિહારી છે,

  અમરેંદ્ર કે સુનરેંદ્ર આચાર્યેન્દ્રની અસવારી છે. ૧૧

રવિઅશ્વ સારો પણ બિચારો દેખી હાર્યો દૂરથી,

નિર્ખવા ઢૂકે ચાલ ચૂકે માન મૂકે ઉરથી;

મુખવાણિયે શું વખાણિયે ગતિ જાણિયે ઉરગારી14 છે,

અમરેંદ્ર કે સુનરેંદ્ર આચાર્યેન્દ્રની અસવારી છે. ૧૨

  સોનેરી સાજે શુભ વિરાજે અંગ તાજે બની રહે,

  સહુયે વખાણ્યા રત્ન જાણ્યા ક્યાંથી આણ્યા આ કહે;

  રિપુ સૈન્ય ભંજન ગર્વગંજન સ્વામીરંજનકારી છે,

  અમરેંદ્ર કે સુનરેંદ્ર આચાર્યેન્દ્રની અસવારી છે. ૧૩

વાજિંત્ર વાજે વૃષ્ટિ કાજે મેધ ગાજે જે રીતે,

ભાલા સુભલકે ખડગ ઝળકે તડિત15 ચળકે તે રીતે;

મળી વાટ ઘાટ ઉચાટ તજીને નિરખતાં નરનારી છે,

અમરેંદ્ર કે સુનરેંદ્ર આચાર્યેન્દ્રની અસવારી છે. ૧૪

  છડીદાર વારંવાર જય ઉચ્ચાર ભક્ત લાખો કરે,

  ભૂસ્વર્ગના અરિવર્ગ16 અધરમ સર્ગ સુણી ઉરમાં ડરે;

  શું મેઘ જાણી મોર વાણી તાણીને ઉચ્ચારી છે,

  અમરેંદ્ર કે સુનરેંદ્ર આચાર્યેન્દ્રની અસવારી છે. ૧૫

ગુણવંત જ્ઞાની નિરભિમાની સંત ધ્યાની સંચરે,

વ્રત બૃહદ ધારી17 બ્રહ્મચારી નિર્વિકારી પરવરે;

ગંભીર મન સુસ્થીર ફળ કે નીરના આહારી છે,

અમરેંદ્ર કે સુનરેંદ્ર આચાર્યેન્દ્રની અસવારી છે. ૧૬

ઉપજાતિ

અસ્વારી સારી પુરમાં પધારી, ઉત્કંઠતા સૌ જનની વધારી;

નારી નરો સૌ લળી પાય લાગે, આશીષ આચાર્ય સમીપ માગે. ૧૭

છે પૌત્ર સાક્ષાત પ્રભુજી કેરા, નિહાળી લોકો હરખ્યા ઘણેરા;

સંતો મહાંતો સનકાદિ જેવા, ક્યાંથી મળે આ કળિ માંહિ એવા. ૧૮

માહાત્મ્ય એવું મન માંહિ જાણી, નમે પ્રજા પૂરણ પ્રેમ આણી;

કોઈ કહે આપ ભલે પધાર્યા, અત્યંત આનંદ ઉરે વધાર્યા. ૧૯

કૈલાસ નામે શુભ બાગ જ્યાં છે, સારી જગ્યા તેની સમીપ ત્યાં છે;

તૈયાર ત્યાં તંબુ ઉભા કરેલા, ત્યાં ગાદિયો ને તકિયા ધરેલા. ૨૦

ત્યાં સર્વને મંત્રી દીધો ઉતારો, લાગ્યો સહૂના મન માંહિ સારો;

રાજી થયાં અંતર રાજમાત, દીધાં ભલાં ભોજન ભાત ભાત. ૨૧

રુડી રીતે તે ગઈ વીતિ રાત, બીજે દિને જ્યાં પ્રગટ્યું પ્રભાત;

પ્રભુ તણા મંદિરની સમીપે, રચાવિયો મંડપ ત્યાં મહીપે. ૨૨

સુવેદવાદી દ્વિજ ત્યાં પધારી, શોભા સજાવી વળી સૌથી સારી;

કરાવિયો ત્યાં શુભ પદ્મકુંડ, બેઠા દ્વિજો જાપ જપે અખંડ. ૨૩

કોઈ કરે પાઠ સુશાસ્ત્ર કેરા, વર્યા દ્વિજો ત્યાં વરુણે ઘણેરા;

ઘી ખાંડ સામાન ઘણા મંગાવ્યા, પકવાન્નના ગંજ તહાં કરાવ્યા. ૨૪

ત્રયોદશી માઘ સુદી સુઆવી, તિથિ પ્રતિષ્ઠા તણી તે સુહાવી;

આચારજે મંડપમાં પધારી, કરી ક્રિયા સૌ નિગમાનુસારી. ૨૫

દ્વિજો મળી આશીરવાદ દીધો, વેદોકત મંત્રો ભણી હોમ કીધો;

મધ્યાહ્નથી પૂર્વ મુહૂર્ત જાણી, સુણી દ્વિજોની શુભ વેદવાણી. ૨૬

આચાર્યજીયે કરી પૂર્ણ પ્યાર, સ્વહસ્ત થાપી પ્રતિમા ઉદાર;

છે પશ્ચિમાભિમુખનું રુપાળું, મંદિર તે તો ત્રણ શીખરાળું. ૨૭

સુધર્મ ભક્તિ હરિકૃષ્ણ જેહ, સ્થાપ્યા સુમધ્યાલય માંહિ તેહ;

વળી દિશા દક્ષિણ ખંડ જ્યાંય, સ્થાપ્યા સુરાધાયુત કૃષ્ણ ત્યાંય. ૨૮

સજ્યા પ્રસાદીની સુશોભમાન, થાપી ભલી ઉત્તર ભાગ થાન;

વાજીંત્ર વાજે બહુ તેહ ટાણે, છોડાવી તોપો પણ તે પ્રમાણે. ૨૯

ઉત્સાહ એવો અતિ મોંઘિબાનો, ઉત્સાહ એવો જ બધી પ્રજાનો;

શ્રીમોંઘિબા દર્શન કાજ આવ્યાં, કુમારને ત્યાં નિજ સાથ લાવ્યાં. ૩૦

પ્રધાન આવ્યા પરિવાર સંગ, સૌને વધ્યો અંગ ઘણો ઉમંગ;

મધ્યાલયે શ્રી ભગવત્પ્રસાદે, યામ્યાલયે18 તેમ પ્રભુપ્રસાદે. ૩૧

સજ્યાલયે લાલ વિહારીલાલે, ઉતારી ત્યાં આરતી એહ કાળે;

આચારજીયે સ્તુતિ દેવ કેરી, ઉચ્ચારી ત્યાં પ્રીતિ ધરી ઘણેરી. ૩૨

દોધક

જે19 જગનાયક દાયક મુક્તિ, જે પુરુષોત્તમ ઉત્તમ ઉક્તિ;

મુક્ત અધીશ મુનીશ મુરારી, જે હરિકૃષ્ણ સદા સુખકારી. ૩૩

જે મહિધારણ વારણત્રાતા,20 દુષ્ટ વિદારણ સન્મતિ દાતા;

જે વૃષનંદન ચંદન ધારી, જે હરિકૃષ્ણ સદા સુખકારી. ૩૪

ઈશ્વરના પણ ઈશ્વર આપે, પાપ ટળે પ્રભુ આપ પ્રતાપે;

જે મધુસૂદન જે મદનારી,21 જે હરિકૃષ્ણ સદા સુખકારી. ૩૫

અક્ષરથી પર અક્ષરધામી, સ્વામી સ્વતંતર અંતરજામી;

જે અવિકારી અહો અસુરારી, જે હરિકૃષ્ણ સદા સુખકારી. ૩૬

જે અઘખંડન મંડન ધર્મ, જે ખળદંડન કર્તૃ સુકર્મ;

નિત્ય ભજે ભવ ને ભવનારી,22 જે હરિકૃષ્ણ સદા સુખકારી. ૩૭

જે અખિલેશ્વર જે અવિનાશી, જે પરમેશ્વર પૂર્ણ પ્રકાશી;

જે ભવભીતિ વિભંજન23 ભારી, જે હરિકૃષ્ણ સદા સુખકારી. ૩૮

જે ગુણગાયકના સુખરાશી, જે ગુણદાયક ગોંડળવાસી;

આપ કરો સુસહાય અમારી, જે હરિકૃષ્ણ સદા સુખકારી. ૩૯

જે નટનાગર જે બહુનામી, જે સુખસાગર જે સુખધામી;

જે જગદીશ્વર વિશ્વવિહારી, જે હરિકૃષ્ણ સદા સુખકારી. ૪૦

ઉપજાતિ

સ્તુતિ કરી એવી રીતે હુલાસે, આચાર્ય બોલ્યા સહુ શિષ્ય પાસે;

શ્રીજી પધાર્યા અહિં ઝાઝીવાર, ધાર્યું હતું મંદિર એહ ઠાર. ૪૧

શ્રીજીની ઇચ્છા થકી આ થયું છે, શ્રીમોંઘિબાનું વચને રહ્યું છે;

સંગ્રામજીયે રુચિ ધારી લીધી, તે મોંઘિબાયે પરિપૂર્ણ કીધી. ૪૨

તે બાઈનાં ધન્ય પિતા સુમાતા, છે ધન્ય બુદ્ધિ વળી ધન્ય જ્ઞાતા;

આ કામ કીધું પરમાર્થ કેરું, તે બાઈને પુણ્ય થશે ઘણેરું. ૪૩

આ મંદિરે ઈશ્વરભક્તિ થાશે, સંતો સદા કીર્તન ગાન ગાશે;

થશે વળી જે તપ જાપ ધ્યાને, તે પુણ્યનો અંશ સુમોંઘિબાને. ૪૪

લે રાજની ઊપજ જેમ રાય, આ પુણ્યની તેમ થશે સદાય;

આ ક્ષેત્ર કેરો મહિમા ગણાશે, જતે દિને શ્રેષ્ઠ ઘણો જણાશે. ૪૫

જે જે સ્થળે શ્રીહરિ વિચર્યા છે, માહાત્મ્ય તેનું મુનિ ઉચ્ચર્યા છે;

જાત્રા કરે જે જન એહ ઠામે, તે તો પુરાં ચાર પદાર્થ પામે. ૪૬

સુણો કહું તે સતસંગી સર્વ, ભલું પ્રતિષ્ઠાતણું આજ પર્વ;

માટે હવેથી પ્રતિવર્ષ આજ, કરો ભલો ઉત્સવ દેવ કાજ. ૪૭

રાજા તણી વાર્ષિક ગાંઠ ધારી, જમે રમે સજ્જ કરે સવારી;

સદા કરો ઉત્સવ એવી રીત્યે, ધરો ભલા ભોગ નવીન પ્રીતે. ૪૮

ત્રયોદશી માઘ શુદીની જ્યારે, બંધાવવાં તોરણ સર્વ દ્વારે;

દિવાળીથી ઉત્તમ પર્વ જાણી, ભક્તિ કરો અંગે ઉમંગ આણી. ૪૯

બોલ્યા જનો આપ બતાવ્યું જેમ, થશે સદા ઉત્સવ આંહિ તેમ;

વર્ણી અચિંતાખ્ય પ્રતિ વિચારી, આચાર્ય બોલ્યા અતિ નેહ ધારી. ૫૦

તમે કર્યો છે શ્રમ પૂર્ણ આમાં, છો સદ્‌ગુરુ ઉત્તમ આ સમામાં;

ગુણાતીતે દીધી મહાંતતાઇ, શોભાવી તે તો સહુથી સવાઇ. ૫૧

શ્રીજી છતાંના બટુ વાસુદેવ, કરે જુનાણે પ્રતિમાની સેવ;

તેના ઇશાનંદ સુશિષ્ય જેહ, આંહીં જ રાખો ગુરુશિષ્ય તેહ. ૫૨

તમે જુનાણે પ્રભુવાત ભાખો, પ્રસન્ન થાશે સતસંગ આખો;

આજ્ઞા સુણીને શિર ધારી લીધી, કહ્યા પ્રમાણે સ્થિતિ સર્વ કીધી. ૫૩

શ્રીમોંઘિબાયે ભલી ભેટ લાવી, પ્રેમે પ્રભુ આગળ્ય તે ધરાવી;

વસ્ત્રો તથા ભૂષણનો ન પાર, મોતી હિરા હેમ તણા સુહાર. ૫૪

આવ્યા હતા કોઈક રાય રાણા, આવ્યા હતા જે સરદાર શાણા;

સૌયે પ્રભુ આગળ ભેટ ધારી, તેનાં કહું નામ હવે વિચારી. ૫૫

રાજા અભેસિંહજી લોધિકાના, બીજા અભેસિંહ ગણોદમાંના;

તથા જુણોભાઈ તહાં નિવાસી, તથા પથોભાઈ પ્રભુ ઉપાસી. ૫૬

નરેશ શ્રીમાધવસિંહ નામ, જેનો સદા મેંગણીમાં મુકામ;

તેણે ભલી ભેંટ ધનાદિ ધારી, સારો સમો તે ચિતમાં વિચારી. ૫૭

પંચાલયે વાસ સુદાજીભાઈ, છે મોતિભાઈ પણ ત્યાં સદાઈ;

ભાણોજી વાગુદડમાં વસે છે, મદાર માંખાવડમાં દિસે છે. ૫૮

બાવો તથા જે અમરો સુનામ, જેનું સદા દુર્ગપુરે સુધામ;

શ્રીગાંફના વ્યાસ સુબુદ્ધિમાન, છે દેવકૃષ્ણાખ્ય વિવેકવાન. ૫૯

બોટાદના જે હરિભક્ત આવ્યા, ઇત્યાદિ સર્વે ભલી ભેટ લાવ્યા;

તે દેવની આગળ્ય ત્યાં ધરાવી, ભારે ભલો અંતર ભાવ લાવી. ૬૦

શ્રીમોંઘિબાયે ધરી ભાવ ત્યાંય, આચાર્ય તેડ્યા દરબારમાંય;

પૂજા કુમારે ભલી પેર કીધી, ભાવે ભલી ભેટ અમૂલ્ય દીધી. ૬૧

સંતોની પૂજા કરી સારી રીતે, ઓઢાડિયાં વસ્ત્ર પવિત્ર પ્રીતે;

મંદિરનું ખર્ચ નભે સદાય, જીવાઇ24 એવી કરી આપી ત્યાંય. ૬૨

તે દિવસે રાજકુમાર માયે, ચોરાશી કીધી ભલી ભાત ત્યાંયે;

દેશી વિદેશી દ્વિજને જમાડ્યા, સંતોષ સંતો સહુને પમાડ્યા. ૬૩

જમાડીયા સૌ હરિભક્ત પાળા, જમ્યા જનો સૌ દરબારવાળા;

કુમાર હસ્તે બહુ દાન દીધાં, વિદ્વદ્25 દ્વિજોનાં સનમાન કીધાં. ૬૪

પછીથી ચાલી પધરામણીયો, સત્સંગીને ઘેર થઈ ઘણીયો;

સ્વગેહ તેડ્યા પ્રથમ પ્રધાને, સન્માન કીધું શુભ ભેટ દાને. ૬૫

પછી મહારાજ કરી મહેર, પધારીયા સૌ જન ઘેર ઘેર;

આનંદ સૌના ઉરમાં વધાર્યા, પછી સહુ ગોંડળથી પધાર્યા. ૬૬

જ્યાં જામરાજા તણી રાજધાની,26 ત્યાં સંચર્યા સજ્જન સુખદાની;

પછી કર્યો જીર્ણગઢે પ્રવાસ, આવી કર્યો આ વરતાલ વાસ. ૬૭

પુષ્પિતાગ્રાવૃત્ત

ભગવતગુરુ ગોંડળે પધારી, પ્રભુ મૂરતી શુભ થાપી મોક્ષકારી;

વરણન કરી તે કથા સુણાવી, સુણી સતસંગી સમસ્ત ચિત્ત ભાવી. ૬૮

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે

ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે ગોંડળપુરે મૂર્તિપ્રતિષ્ઠાપન

કથાનિરૂપણનામા દ્વાદશો વિશ્રામઃ ॥ ૧૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે