આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજ દ્વારા લિખિત
પ્રસ્તાવના
વસંતતિલકા:
શ્રીધર્મનંદન સુખકંદ હરે મુકુંદ, વંદૂ સદા તવ વિભો ચરણારવિંદ;
પ્રસ્તાવના હરિલીલામૃત ગ્રંથ કેરી, હું આદરું ઉર રતી ધરિને ઘણેરી. ૧
(હું વિહારીલાલજી આચાર્ય શ્રીહરિલીલામૃત ગ્રંથની પ્રસ્તાવના લખું છું.)
પ્રસ્તાવના, પીઠિકા અને ઉપોદ્ઘાત એટલાં પ્રસ્તાવનાનાં નામ છે. તેમાં ગ્રંથની ઉત્પત્તિ, ગ્રંથની રચના, ગ્રંથનું તાત્પર્ય તથા ગ્રંથ રચવાની ફળેચ્છા ઇત્યાદિકનું વિવેચન હોય છે.
આ ગ્રંથની ઉત્પત્તિ એવી રીતે થઈ છે કે ઉદ્ધવનો અવતાર એવા શ્રી રામાનંદ સ્વામી તેમણે શ્રી ઉદ્ધવ સંપ્રદાયની ગાદીના આચાર્યની પદવી શ્રી સહજાનંદ સ્વામીને સંવત ૧૮૫૭ અઢારસો સત્તાવનની સાલમાં કારતક સુદિ ૧૧ને દિવસે જેતપુર ગામમાં આપી. તે પદવી શ્રી સહજાનંદ સ્વામીએ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજીને તથા આચાર્ય શ્રી રઘુવીરજીને સંવત ૧૮૮૨ અઢારસો બ્યાસીના કારતક સુદિ ૧૧ને દિવસે વરતાલમાં આપી. તે પદવી શ્રી રઘુવીરજી મહારાજે સંવત ૧૯૧૩ ઓગણીસો તેરની સાલમાં કારતક સુદિ ૧૧ને દિવસે ભગવત્પ્રસાદજી મહારાજને આપી. પછી સંવત ૧૯૩૫ ઓગણીસો પાંત્રીસની સાલમાં શ્રાવણ વદિ ૮ને દિવસે શ્રી ભવગત્પ્રસાદજી મહારાજે તે ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યની પદવી મને આપી. ત્યાર પછી કેટલાક દિવસ વીત્યે કેટલાક મોટા મોટા હરિભક્તોએ અમને કહ્યું કે શ્રીજીમહારાજના ચરિત્રના સંસ્કૃતમાં તથા વ્રજ ભાષામાં તથા ગુજરાતી ભાષામાં ઘણા ગ્રંથો થયા છે તો પણ શ્રીજીમહારાજની લીલા અપાર છે, તેમાંની કેટલીક લીલાની વાતો વૃદ્ધ સાધુઓ તથા હરિભક્તો કરે છે, તે વાતો બધી એકઠી કરાવીને, અમને બાઈ-ભાઈ સૌને સમજણ પડે એવી ગુજરાતી ભાષામાં, એક સારો ગ્રંથ આપ રચી આપો તો ઘણું સારું. તે કહેવું સાંભળીને મેં વિચાર કર્યો કે સંપ્રદાય સંબંધી ગ્રંથ રચવા તે આચાર્યનું મુખ્ય કામ છે, પણ પ્રાકૃત ભાષામાં ગ્રંથ રચવાનું કહે છે તો તે પ્રાકૃત ભાષામાં ગ્રંથ રચવાનું આચાર્યની પદવી ધરાવનારને યોગ્ય છે કે નહીં - તે વિચારતાં વેદનું અંગ જે પાણિનીય શિક્ષા કહેવાય છે તેના એક શ્લોકનું મને સ્મરણ થયું.
શ્લોકઃ
ત્રિષષ્ઠિશ્ચતુઃષષ્ઠિર્વા વર્ણાઃ સભવતો મતાઃ ।
પ્રાકૃતે સંસ્કૃતે ચાપિ સ્વયં પ્રોક્તાઃ સ્વયંભુવા ॥
અર્થ:
ત્રેસઠ અથવા ચોસઠ અક્ષર સંભવથી માનેલા છે, તે પ્રાકૃત ભાષાને વિષે તથા સંસ્કૃતને વિષે પોતે બ્રહ્માએ કરેલા છે. જ્યારે બ્રહ્માએ પ્રાકૃત ભાષામાં અક્ષરોચ્ચાર કરેલા છે તો આચાર્યને પ્રાકૃત ભાષા ઉચ્ચારણ કરવાની કાંઈ અડચણ નથી. વળી, શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધના સત્યાવિશમા અધ્યાયમાં કહ્યું છે કે –
શ્લોક:
સ્તવૈરુચ્ચાવચૈઃ સ્તોત્રૈઃ પૌરાણૈઃ પ્રાકૃતૈરપિ ।
સ્તુત્વા પ્રસીદ ભગવન્નિતિ વદેત દંડવત્. ॥૧॥
અર્થ:
ઊંચે સ્વરે પુરાણમાં કહેલાં સ્તવનથી અથવા પ્રાકૃત સ્તોત્રથી પણ પરમેશ્વરની સ્તુતિ કરીને કહેવું કે, “હે ભગવન્! તમે પ્રસન્ન થજો.” પછી દંડવત્ નમસ્કાર કરવો.
એ વચન આચાર્યોને તથા શિષ્યોને સૌને વાસ્તુ છે. પણ કોઈ શાસ્ત્રમાં એવું લખ્યું નથી કે આચાર્યે પ્રાકૃતવાણી બોલવી જ નહીં અથવા પ્રાકૃત ગ્રંથ કરવા નહીં. પ્રાકૃત વાણી બોલવી કે કાગળમાં લખવી તે બે બરોબર છે. તેમજ થોડું લખ્યું હોય તે કાગળ લખ્યો કહેવાય. અને ઝાઝાં પાનાં લખેલાં હોય તે ગદ્યાત્મક ગ્રંથ કહેવાય, અને તે જો છંદ પ્રબંધમાં લખેલા હોય તો પદ્યાત્મક ગ્રંથ કહેવાય માટે થોડું લખેલું કે ઝાઝું લખેલું તે બરોબર છે ને થોડું બોલવા લખવામાં બાધ નથી તો ઝાઝું બોલવા લખવામાં પણ બાધ નથી. જે સમે ભરતખંડમાં સર્વે મનુષ્ય સંસ્કૃત બોલતા હતા ને સમજતા હતા એવા સમયમાં કોઈ આચાર્ય એવો નિયમ રાખે કે મારે પ્રાકૃત વાણી બોલવી જ નહીં અથવા પ્રાકૃત ગ્રંથ કરવા નહીં તો તેવો નિયમ રાખી શકાય; પણ આ સમયમાં એવો નિયમ રાખે તો તેનાથી સર્વે મનુષ્યોને ઉપદેશ કરી શકાય નહીં, અને ધર્મજ્ઞાન સંબંધી વાર્તા સમજાવી શકાય જ નહીં. માટે આ સમયના આચાર્યો ગમે તેવા વિદ્વાન હોય તો પણ પ્રાચીન આચાર્યના રચેલા ગ્રંથ અથવા પોતાના રચેલા સંસ્કૃત ગ્રંથ વાંચીને તેનો અર્થ પ્રાકૃત ભાષામાં સમજાવે. ત્યારે જ ઘણા શિષ્યોના સમજવામાં આવે છે, નહીં તો સમજાતું નથી. એટલા સારુ શ્રી પરમેશ્વરનો અવતાર જે શ્રી સહજાનંદ સ્વામી તેઓ પણ પ્રાકૃત વાણીમાં ઉપદેશ કરતા હતા તે વચનોનો સંગ્રહ કરેલો તે વચનામૃત નામે મોટો ગ્રંથ છે. અને વળી, શ્રીજીમહારાજે કહ્યું છે કે રેંટિયા કાંતનારી ડોશીઓ પણ સમજી શકે એવા જ ગ્રંથો અમારા સંપ્રદાયના થવા જોઈએ. તે વચન સંભારીને આ પ્રાકૃત ગ્રંથ રચવાનો મેં આરંભ કર્યો તે નિર્દોષ છે એમ હું ધારું છું, મેં સંસ્કૃત ગ્રંથ કેટલાક કર્યા છે ને બીજા પણ કરવાની મારી ઇચ્છા છે તે પરમેશ્વર જોગવાઈ મેળવશે ત્યારે હું કરીશ.
હવે ગ્રંથ રચના વિષે કહું છું જે પ્રગટ પ્રભુની લીલાની કથા ભક્તજનને અમૃત જેવી લાગે છે તથા તે કથામૃતનું પાન કરનારને માથેથી પુનર્જન્મ મટી જાય છે. માટે આ ગ્રંથનું નામ ‘હરિલીલામૃત’ રાખ્યું છે. જેમ અમૃતનો ઘૂંટડો મોંમાં લઈને ગળે ઉતારવો અને પછીથી બીજો ઘૂંટડો ભરવો, એ બે ઘૂંટડાનો જે અંતરાયકાળ તેનું નામ વિશ્રામ કહેવાય, તેમજ આ હરિલીલામૃતની કથામૃતનું થોડુંક પાન કરીને પછી તેનું મનન કરવું તે રૂપી વિશ્રામ છે, એટલે અધ્યાયને ઠેકાણે આમાં વિશ્રામ નામ રાખેલું છે. એવા કેટલાક વિશ્રામ મળીને એક પ્રકરણ થાય છે. તે પ્રકરણનું નામ આ ગ્રંથમાં કળશ રાખેલું છે.
આખા ગ્રંથના દશ કળશ છે તેની વિગત જે:
હરિભકતોનાં વચન સાંભળીને આ ગ્રંથ રચવાનો મેં પ્રારંભ કર્યો ત્યારે મંદિરો સંબંધી કામકાજ બધાં પોતાને માથે લઈને મને નિશ્ચિંત ગ્રંથ રચવાનો અવકાશ આપ્યો એવા પરમ ભગવદી પાંચ કોઠારીઓએ કયા કયા કુળમાં જન્મ ધર્યો અને કેવી રીતે વૈરાગ્ય પામીને, સાંખ્યયોગી થઈને મંદિરમાં આવીને રહ્યા તેનું વર્ણન આ ગ્રંથના પ્રથમ કળશમાં છે. તથા પ્રખ્યાત નામાંકિત વર્ણીરાજ અચિંત્યાનંદજી, જેઓએ હરિસંભવ આદિક સંસ્કૃત ગ્રંથો ઘણા રચેલા છે, તેઓએ પરમ સત્સંગી મહાધર્મનિષ્ઠ એવા સૌરાષ્ટ્ર દેશમાં ગણોદપુરના રાજા અભયસિંહજીને હરિલીલામૃતનું પાન કરાવ્યું છે, અર્થાત્ આ ગ્રંથમાં ઉપર લખેલા વર્ણીરાજનો ને રાજા અભયસિંહજીનો સંવાદ છે. તે અભયસિંહજી ગોંડલના ભાયાત હતા, તે ગોંડલના રાજાઓમાં કેટલાક રાજાઓ પરમ ભગવદીય થઈ ગયા છે ને તે જાદવવંશી છે, માટે તેની કથા સાંભળનારના અંતઃકરણને પવિત્ર કરે એવી છે. તે માટે તેનું કથામૃત પણ આ ગ્રંથના પ્રથમ કળશમાં છે ને તે કળશના વિશ્રામ વિશ છે ॥ ૧ ॥
વિકરાળ કળિકાળમાં અક્ષરધામના નિવાસી શ્રી પૂર્ણપુરુષોત્તમ ભગવાનને શા કારણથી મનુષ્યદેહ ધરવો પડ્યો, તે તથા ધર્મભક્તિ ને મરિચ્યાદિક ઋષિયોએ જન્મ ધર્યા તથા શ્રી પરમેશ્વરનો પ્રાદુર્ભાવ સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ ૯ના દિવસે છપૈયામાં થયો. ત્યાંની અઢી વર્ષની લીલા અને તે પછી સંવત ૧૯૩૯ના આસો સુદ ૯ના રોજ અયોધ્યામાં આવ્યા ને ત્યાં રહ્યા થકા જે જે બાળલીલા કરી તથા માતાપિતાને દિવ્યગતિ આપી ને અગિયાર વર્ષ ત્રણ માસ ને એક દિવસનું વય થતાં સગાં કુટુંબીઓનો ત્યાગ કરીને સંવત ૧૮૪૯ના અષાઢ સુદિ ૧૦ને દિવસે વનમાં ચાલી નીકળ્યા, એટલું લીલામૃત બીજા કળશમાં છે ને તેના વિશ્રામ અઢાર છે ॥ ૨ ॥
બ્રહ્મચારીને વેશે શ્રીજીમહારાજ બદ્રીકેદાર થઈને શ્વેતગિરિ જે હિમાલય તેમાં થઈને, પુલહાશ્રમમાં જઈ ત્યાં ઉગ્ર તપ કરીને બંગાળમાં સિરપુરમાં જઈને પોતાનો પ્રતાપ જણાવ્યો. ત્યાંથી કપિલાશ્રમમાં આવ્યા, ને પછી પુરુષોત્તમપુરીમાં જઈને અસુરોનો નાશ કર્યો. ને ત્યાંથી શિવકાંચી, વિષ્ણુકાંચી થઈને સેતુબંધ રામેશ્વર આવ્યા, ને ત્યાંથી વિઠ્ઠલનાથજીનાં દર્શન કરીને તાપી, નર્મદા, મહી, સાબરમતી નદી ઉલ્લંઘીને ભીમનાથ પધાર્યા, ત્યાંથી ભાવનગર, મહુવા થઈ પ્રભાસપાટણ પધાર્યા. પછી ગિરનાર થઈ માંગરોળ થઈને સંવત ૧૮૫૬ના શ્રાવણ વદિ ૬ને દિવસે લોજ ગામે પધાર્યા. એટલું લીલામૃત ત્રીજા કળશમાં છે ને તેના વિશ્રામ સત્યાવીશ છે ॥ ૩ ॥
લોજમાં રામાનંદ સ્વામીના શિષ્ય મુક્તાનંદ સ્વામી હતા તેમની પાસે શ્રીજીમહારાજ રહ્યા, ને ત્યાંના સાધુઓને અષ્ટાંગયોગની કળા શીખવી તથા બીજો કેટલોક ચમત્કાર દેખાડ્યો ત્યારે મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને ભૂજ કાગળ લખ્યો તેથી શ્રી રામાનંદ સ્વામી સંવત ૧૮૫૬ના જ્યેષ્ઠ વદિ ૧૨ના રોજ પીપલાણે આવ્યા ને ત્યાં નરસિંહ મહેતાને ઘેર શ્રીજીમહારાજને સંવત ૧૮૫૭ના કારતક સુદિ ૧૧ને દિવસ વૈષ્ણવી દીક્ષા આપી. તે રામાનંદ સ્વામી ઉદ્ધવનો અવતાર હતા. તેમને તથા મરિચ્યાદિક ઋષિઓએ બદ્રિકાશ્રમમાં દુર્વાસાએ શાપ દીધો હતો, તેથી તેમણે મનુષ્યનો દેહ ધારણ કર્યો હતો, ને તે રામાનંદ સ્વામીએ આત્માનંદ સ્વામી પાસે દીક્ષા લીધી હતી. પણ મનમાં શાંતિ થઈ નહીં તેથી સદ્ગુરુની શોધ કરવા તોતાદ્રિ પર્વતમાં ગયા. ત્યાં શ્રી રામાનુજાચાર્યથી દીક્ષા પામી લોજ આવ્યા ને ઉદ્ધવ સંપ્રદાય વિસ્તાર્યો. તેમણે શ્રીજીમહારાજને પોતાની ગાદીનો પટ્ટાભિષેક જેતપુર ગામમાં સંવત ૧૮૫૮ના કારતક સુદિ ૧૧ને દિવસ કર્યો અને પોતે દિવ્ય ગતિ પામ્યા એટલું લીલામૃત ચોથા કળશમાં છે ને તેના વિશ્રામ એકત્રીશ છે ॥ ૪ ॥
પછી શ્રીજીમહારાજે પોતાનું ઐશ્વર્ય જણાવવા સારું સમાધિનું પ્રકરણ ચલાવ્યું ને સોરઠમાં વિચર્યા ધોરાજીમાં નાસ્તિક મતનું ખંડન કર્યું. ને માંગરોળમાં જઈને દેવીભક્ત મગનીરામ મહા અભિમાની હતો તેને પોતાનો પ્રતાપ દેખાડીને શિષ્ય કર્યો. પછી આખે, પીપલાણે ઓઝત નદીને કાંઠે છ માસ પર્યંત વિષ્ણુયાગ કર્યો. પછી શ્રીજીમહારાજ વરતાલ તથા અમદાવાદ થઈને કચ્છમાં પધાર્યા, ને ત્યાંથી સોરઠમાં આવીને કંડોરડામાં ચોરાશી કરી. સરધારમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. ત્યાં માંચે ભક્તે સ્તુતિ કર્યાથી કારિયાણી પધાર્યા. ત્યાંથી અભય રાજાની વિનંતી સાંભળીને ગઢપુરમાં જઈને સ્થિતિ કરી. એટલું લીલામૃત પાંચમા કળશમાં છે ને તેના વિશ્રામ અઠ્ઠાવીશ છે ॥ ૫ ॥
શ્રીજીમહારાજે ગઢડામાં દાદાખાચરના દરબારમાં રહીને શ્રી વાસુદેવનારાયણની પ્રતિમા સ્થાપી. પછી કેટલા પ્રકારથી દેવના અપરાધ થાય છે અને દેવનું ચોરી ખાનાર કેવી રીતે ભૂતનો દેહ પામે છે તે વિષે નૃસિંહાનંદ સ્વામીનું આખ્યાન કહ્યું તથા વ્રતોત્સવ નિર્ણય કહ્યો. પછી ચરોતરમાં વિચર્યા ને પાછા ગઢડે પધાર્યા. ભૂગોળ વિષે તથા બ્રહ્માના આયુષ્યનું નિરૂપણ કર્યું અને ઉન્મત્તગંગાને વિષે જે સહસ્રધારા તેનો મહિમા કહ્યો. પછી ધોરાજી જઈ ફૂલદોલનો મોટો ઉત્સવ કર્યો, ને જૂનાગઢમાં રામનવમીનો સમૈયો કર્યો. ત્યાંથી કરિયાણામાં અદ્ભુત લીલા કરી પછી ભાદરે જઈને કાઠી આદિ સરદારોને સાધુ થઈને આવવાની આજ્ઞા કરી. ત્યાંથી ગઢડે આવીને સારંગપુર, ભીમનાથમાં ચમત્કારી લીલા કરી. ઇત્યાદિ લીલામૃત છઠ્ઠા કળશમાં છે ને તેના વિશ્રામ ઓગણત્રીસ છે ॥ ૬ ॥
જેતલપુરમાં યજ્ઞ કર્યા અને ખોખરા મહેમદાવાદમાં લોલંગર નામે બાવાનો મદ હર્યો, ડભાણમાં મોટો યજ્ઞ કર્યો. તેમાં ઘણું ઐશ્વર્ય દેખાડ્યું. તે પછી ગઢડામાં વાસુદેવની જોડે ભક્તિ ધર્મની સ્થાપના કરી તથા ગઢપુરનું માહાત્મ્ય કહ્યું, વૌઠામાં સમૈયો કર્યો, ધર્મપુર જઈને લીલા કરી, વરતાલમાં ફૂલદોલનો મોટો ઉત્સવ કર્યો ને મુગટ ધારણ કર્યો અને બીજા પણ મોટા મોટા સમૈયા ત્યાં કર્યા, તથા ચરોતરમાં આમ્રરસોત્સવ કર્યો અને વેદાંતાચાર્યનો પરાજય કર્યો અને જેતલપુરમાં એક રાક્ષસને સદ્ગતિ આપી. લોયામાં શાક ઉત્સવ કર્યો. ઇત્યાદિક લીલામૃત સાતમા કળશમાં છે ને તેના વિશ્રામ ૮૩ છે ॥ ૭ ॥
અમદાવાદ, વરતાલ, ભૂજ, ધોલેરા, જૂનાગઢ, ગઢડા આદિકમાં શિખરબદ્ધ મોટાં મોટાં મંદિરો કરાવીને તેમાં પોતાની ને પોતાના અવતારોની મૂર્તિઓ સ્થાપી તથા પોતાના બે દત્તપુત્રોને આચાર્ય સ્થાપીને દેશ વિભાગ કરી આપ્યા તથા શિયાજી મહારાજના તેડાવ્યાથી વડોદરા જઈ આવ્યા. શિક્ષાપત્રી રચી તથા સુરતમાં વિચરીને અરદેશર બહાદુરને પૂજવા સારુ પાઘ આપી. ત્યાંથી આવીને દાદાખાચરને ભટવદર પરણાવી આવ્યા. પછી સચ્ચિદાનંદ સ્વામી દ્વારિકાથી ગોમતી આદિક તીર્થ સહિત દ્વારિકેશને લાવ્યા. તેની વૃત્તાલયમાં સ્થાપના કરી એટલું લીલામૃત આઠમા કળશમાં છે ને તેના વિશ્રામ ૬૩ છે ॥ ૮ ॥
વરતાલમાં ફૂલદોલનો ઉત્સવ કરીને ભાવનગર પધાર્યા ને ગઢડામાં રામનવમીને સમૈયો કર્યો. ને ચોમાસું રહ્યા પછી વરતાલ પ્રબોધિની કરી આવીને મુંબઈના ગવર્નર સાહેબે તેડાવ્યા. તેથી શ્રીજીમહારાજ રાજકોટ પધાર્યા. ત્યાં પોતાનો પ્રતાપ જણાવીને પાછા ગઢડે આવ્યા અને આચાર્ય હસ્તક રણછોડજીની મૂર્તિ વરતાલમાં પધરાવી; એટલું લીલામૃત નવમા કળશમાં છે ને તેના વિશ્રામ ૧૩ છે ॥ ૯ ॥
અક્ષર મુક્તોએ આવીને શ્રીજીમહારાજને ધામમાં પધારવાની પ્રાર્થના કરવાથી શ્રીજીએ ધામમાં જવા સારુ આ જગતથી ઉદાસીપણું દેખાડ્યું. અને શરીરે મંદવાડ જણાવ્યો ને શ્રી રઘુવીરજી મહારાજને પોતાને પહેરવાની પાદુકાઓ આપીને કહ્યું કે અમારા દેહોત્સર્ગના સ્થાને આ પાદુકાઓ સ્થાપન કરજો. ને સૌ ધીરજ રાખજો, અમે પ્રત્યક્ષ છીએ. આમ કહીને પોતે સંવત ૧૮૮૬ના જ્યેષ્ઠ સુદિ ૧૦ના દિવસે અંતર્ધાન થયા!! ને દત્તપુત્રોએ ઉત્તરકાર્ય કર્યું. અને વળી દાદાખાચર આદિકને અતિ શોકાતુર જાણીને પ્રત્યક્ષ દર્શન દીધાં. તથા કેટલાંક ગામોમાં પણ દર્શન દીધાં. શ્રી રઘુવીરજી મહારાજે દેહોત્સર્ગ સ્થાનને ઠેકાણે મંદિર કરી પાદુકાઓ સ્થાપી. ને વરતાલમાં જ્ઞાનયજ્ઞ કર્યો. પછી બંને ગાદીના આચાર્યોએ જે તે ગામમાં મોટાં મંદિરો કરાવી મૂર્તિઓ સ્થાપી તથા ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં હનુમાનજી પધરાવ્યા. ને માણજ ગામના શ્રીમંત પાટીદારે વરતાલમાં વિષ્ણુયાગ કર્યો. તથા આ ગ્રંથની ફળશ્રુતિ ઇત્યાદિક લીલામૃત દશમા કળશમાં છે, ને તેના વિશ્રામ ૨૦ છે. એ રીતે દસ કળશના ૩૩૨ વિશ્રામ છે.
ગ્રંથનો તાત્પર્યાર્થ:
આ ગ્રંથ નિષ્પક્ષપાતથી અને શુદ્ધ અંતઃકરણથી જે કોઈ વાંચશે અથવા સાંભળશે અને વિચાર કરશે તો તેના મનને નિશ્ચય થશે કે સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે અને અસંખ્ય જીવોના કલ્યાણને વાસ્તે અને વેદધર્મ પ્રવર્તાવવાને અર્થે તેમણે મનુષ્ય દેહ ધારણ કર્યો છે.
બીજું શાસ્ત્રમાં કહ્યું છે કે બે પ્રકારના જીવ છે, એક દૈવી સંપત્તિના અને બીજા આસુરી સંપત્તિના જીવ છે. જેમ હરણનું કે ગાયનું બચ્ચું જન્મતાં જ સ્વાભાવિક રીતે પોતાની માને ધાવવા વળગે છે, તેમજ દૈવી સંપત્તિના જીવ હોય તેના મનનું વલણ સ્વાભાવિક રીતે ઈશ્વર તરફ ને સદ્ધર્મ તરફ હોય છે. સદ્ગુરુનો તેને થોડોક ઉપદેશ મળે તો પણ તેને તરત તે વાતની ઘેડ બેસી જાય છે અને આસુરી સંપત્તિના જીવ હોય તેના મનનું વલણ અધર્મ તરફ ને નાસ્તિકભાવ તરફ સ્વાભાવિક રીતે હોય છે. કદાપિ તેને સત્સંગનો ઘણો જોગ થાય અને તે સત્સંગી હોય તો પણ તેને ઉપર ઉપરથી સત્સંગનો રંગ લાગે પણ અંતઃકરણમાં નાસ્તિક જેવો રહે તથા તેના મનમાં કુતર્ક ઘણા થાય માટે શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે આસુરી સંપત્તિના જીવ હોય તેને આ શિક્ષાપત્રી આપવી નહીં તેમજ હરિલીલામૃત ગ્રંથ પણ આસુરી સંપત્તિના જીવને આપવા યોગ્ય નથી, તો પણ તે ગ્રંથની ઘણી પ્રવૃત્તિ થવાથી એવા આસુરી જીવના હાથમાં પણ આ પુસ્તક ગયા વગર રહેશે નહીં. તેથી તે વાંચીને કુતર્ક કરશે એવા નાસ્તિક લોકો પોતાની નજરે દેખે અથવા પોતાની બુદ્ધિ પહોંચે એટલી જ વાત સાચી માને છે, પણ ભગવાનનાં અદ્ભુત ચરિત્રની વાત તેઓ માનતા નથી. પણ તેઓ વિચાર કરતા નથી કે માણસમાં કેટલી શક્તિ પરમેશ્વરે મૂકેલી છે તે પણ આગળથી કળી શકાતું નથી જેમ કે વીજળીના તાર, આગગાડી થયાં નહોતાં ત્યારે કોઈ એવી વાત કરે કે એક દિવસમાં બસેં અઢીંસે ગાઉની મુસાફરી કરી શકે અથવા પા ઘડીમાં હજાર ગાઉ સંદેશા પહોંચાડી શકાય એવી જુક્તિ માણસ કરી શકે. તો તે વાત કોઈ માને નહીં, પણ તે વાત આજ આપણે નજરે જોઈએ છીએ. તો પરમેશ્વર અદ્ભુત ચરિત્ર કરે તેમાં શું આશ્ચર્ય છે. તથાપિ કુતર્ક કરનારા એવી વાત માની શકે નહીં. અને દૈવી સંપત્તિના જીવ હોય તેઓને પણ ભમાવે, માટે એવા પવિત્ર આત્માવાળાએ વિચાર કરવો કે સ્વામિનારાયણમાં કેવું સામર્થ્ય હતું.
સામર્થ્ય બે પ્રકારનું છે - એક માયિક સામર્થ્ય અને બીજું ઈશ્વરી સામર્થ્ય. તેમાં માયિક સામર્થ્ય શરીરના બળથી તથા ધનના બળથી તથા ચતુરાઈથી કરેલાં કામ ઉપરથી જણાય છે. જેમ કે આખી પૃથ્વીનું રાજ્ય મેળવવું ને ઘણા માણસોને પોતાના તાબેદાર કરી લેવા અથવા ચતુરાઈથી ચમત્કારી કારીગરી બનાવવી તે માયિક સામર્થ્યથી થાય છે. પણ લાખો માણસોનાં મન પોતાને વશ કરી લેવાં તે તો ઈશ્વરી સામર્થ્યથી જ થાય છે. માણસ પોતાના મનને પણ પોતે વશ કરી શકતો નથી તેથી તેનું મન તેને અવળે રસ્તે ખેંચી જાય છે તેથી ચોરી, વ્યભિચાર વગેરે નઠારું કામ કરીને કેદમાં જાય છે, આબરુ ખોવે છે ત્યારે તેના મનમાં ઘણો પસ્તાવો થાય છે ને સોગંદ ખાય છે કે હવેથી મારે આવું કામ કરવું નહીં, તો પણ ફરીથી તેનું મન તેને એવે અવળે રસ્તે ખેંચી જાય છે; તો લાખો માણસના મનને વશ કરીને નિયમમાં રાખી શકે તે તો ઈશ્વર જ કરી શકે.
અંગ્રેજ સરકાર હજારો રૂપિયાના પગાર આપે છે તો પણ જો તે એવું કહે કે હું પરમેશ્વર છું ને મારા નામની માળા ફેરવો તો તે વાત કોઈનું મન કબૂલ કરશે નહીં. લાખો માણસ ખરા અંતઃકરણથી એવી સાક્ષી પૂરે કે આ મહત્પુરુષ પરમેશ્વરનો અવતાર છે. તો તે પરમેશ્વરનો અવતાર હોવો જ જોઈએ અને જો લાખો માણસનાં અંતઃકરણ એવું કબૂલ કરે કે આ પરમેશ્વર તો નથી પણ પરમેશ્વર પાસેથી આવેલો કોઈ મુક્ત છે તો જરૂર તે પરમેશ્વર પાસેથી જ આવેલો હોવો જોઈએ. પરમેશ્વરના અવતાર પવિત્ર ભરતખંડમાં જ થાય છે તથાપિ બીજા દેશોના માણસો ઉપર પરમેશ્વરની દયા જણાય છે તેથી જે દેશમાં માણસોનો ભક્ષ કરે એવા માણસો હોય તેવા દેશમાં પણ પોતાના કોઈ મુક્તને મોકલીને તેઓને કાંઈક ધર્મને રસ્તે ચડાવે છે.
આજ પૃથ્વી ઉપર મોટા મોટા ઘણા દેશ છે અને કરોડો માણસની વસ્તી છે, પણ કોઈ ઠેકાણાના એવા સમાચાર સાંભળવામાં આવતા નથી કે અમુક દેશમાં એક પુરુષ એવો છે કે લાખો માણસોનાં અંતઃકરણ એવું કબૂલ કરે છે કે તે પરમેશ્વરની પાસેથી આવેલો છે અથવા તે પરમેશ્વરનો અવતાર છે. એવા અવતાર તો ઘણે વર્ષે કોઈક જ ઠેકાણે થાય છે અને તેનું ઐશ્વર્ય એવું હોય છે કે માણસોથી બની શકે નહીં એવું કામ તે કરે છે.
ભગવાન સ્વામિનારાયણે સંવત ૧૮૩૭ની સાલમાં છપૈયામાં જન્મ ધર્યો અને આશરે અગિયાર વર્ષની ઉંમર થતાં ઘરનો ત્યાગ કરીને સાત વરસ સુધી તીર્થોમાં ફરીને સંવત ૧૮૫૬ અઢારસો ને છપ્પનની સાલમાં સોરઠ દેશમાં લોજ ગામમાં આવ્યા. સંવત ૧૮૮૬ની સાલમાં અંતર્ધાન થયા. કચ્છ, સોરઠ ને ગુજરાતમાં ત્રીશ વર્ષ રહ્યા. તેમાં એવાં મોટાં મોટાં કામ કર્યાં કે તે પ્રત્યેક કામ કરતાં બીજાને ત્રીસ ત્રીસ વર્ષ લાગે. પોતે સોરઠમાં આવ્યા ત્યારે એકલા હતા અને કૌપીન ને તુંબડી ભેર હતા, પણ લાખો રૂપિયાનાં મોટાં મોટાં મંદિરો કર્યાં અને હજારો રૂપિયા ખર્ચીને મોટા મોટા યજ્ઞ કર્યા. અને તેમની હયાતીમાં સંસ્કૃત અને પ્રાકૃત એટલા તો ગ્રંથ રચાયા છે કે જો એક એક અધ્યાયની કથા રોજ વંચાય તો ત્રીસ વર્ષે પૂરા વંચાઈ રહે નહીં. અને જ્યારે તેમણે દેહ મૂક્યો ત્યારે આશરે બે હજાર સાધુ હતા, તેમાં દેવાનંદ સ્વામી ને પદ્મનાભાનંદ સ્વામી જેવા કેટલાક સંન્યાસીઓ મોટા બ્રહ્મજ્ઞાની હતા. તે પોતાનો મત છોડીને શ્રીજીમહારાજના આશ્રિત થયા. તથા કેટલાક કબીરિયા સાધુ તથા રામગલોલા જેવા મોટા જમાતધારી ખાખીઓ તથા રામાનંદી અને જૈન મતવાળાઓ પણ પોતપોતાનો મત છોડીને સાધુ થયેલા છે. બોટાદના ભગો દોશી જે વિશા શ્રીમાળી વાણિયા જે હડહડતા ઢુંઢીયા હતા. તે શ્રીજીમહારાજથી જ્ઞાનોપદેશ સાંભળીને તથા તેમનું અપરિમિત ઐશ્વર્ય જોઈને અંતે પોતાનો મત તજીને શ્રીજીમહારાજના અનન્ય આશ્રિત થયા. તેમજ બીજા ઘણા જૈન મતવાળા તથા વૈષ્ણવ મતવાળા ધંધુકાના વશામોઢ વાણિયા હીમરાજશા તથા ઠાસરાના નાગર વાણિયાઓ પણ શ્રીજીમહારાજને ખરા અંતઃકરણથી પોતાના ઈષ્ટદેવ માનવા લાગ્યા. અને સુરતના ખાનબહાદુર અરદેશર કોટવાળ ઘણા હોંશિયાર હતા. તેઓ શ્રીજીમહારાજની પાઘને પૂજતા હતા, અદ્યાપિ પર્યંત તે પાઘ તેમના ઘેર પૂજાય છે. અને શ્રીજીમહારાજના નામની માળા ફેરવતા હતા. ખોજા અને મુમના તથા હસનભાઈ જેવા વહોરા લોકો વગેરે કેટલાક મુસલમાનો પણ પોતાનો મત છોડીને સ્વામિનારાયણનું ભજન કરતા હતા અને હજી પણ કરે છે.
સ્વામિનારાયણે ભોળા લોકોને શિષ્ય કર્યા એમ નથી, પણ વડોદરાના શોભારામ શાસ્ત્રી, ત્ર્યંબકનાથ શાસ્ત્રી તથા રાજવૈદ્ય રામચંદ્ર તથા હરિશ્ચંદ્ર તથા આમોદના ભટ્ટ દીનાનાથ તથા લક્ષ્મીનાથ તથા શિયાણીના શિવરામ ભટ્ટ જેવા મોટા મોટા વિદ્વાનોના અંતઃકરણમાં પોતાનું પરમેશ્વરપણું મનાવ્યું. અને આ વખતમાં કેટલાક પોતાની સ્ત્રી સાથે ટંટો થવાથી અથવા ભૂખે મરવાથી બાવા થઈ જાય છે તે વાત જુદી છે. પણ સારું કુટુંબ, સારો વૈભવ છતાં સ્વામિનારાયણના ઉપદેશથી વૈરાગ્ય પામીને ઘણા પુરુષો ત્યાગી થયા છે. એક સમે અમિનારાયણે ભૂજમાં રહીને કેટલાક કાઠી તાલુકદારોને તથા ગરાશિયા વગેરેને એવી આજ્ઞાના કાગળો લખ્યા કે તમારે મૂછો મુંડાવી, ભગવાં પહેરી, સાધુ થઈ અમારી પાસે કચ્છમાં આવવું. તો તે આજ્ઞા માનીને, તે જાગીરદારો સાધુ થઈને તેમની પાસે ગયા. આ વાત ઘણી પ્રસિદ્ધ છે, છાની નથી. માણસોના મન ઉપર એટલી બધી સત્તા ચલાવવી તે પરમેશ્વર વિના બીજાથી બની શકે નહીં. જીવુબાઈ, લાડુબાઈ, રાજબાઈ આદિક રાજાની કુંવરીઓ તથા બીજી કેટલીક બાઈઓ સ્વામિનારાયણના ઉપદેશથી પંદર વર્ષની ઉંમરમાં સંસાર સુખ હરામ જેવું કરીને મોટા યોગીની પેઠે વર્તતી, તે શું સ્વામિનારાયણનું થોડું ઐશ્વર્ય છે?
માણસને પોતપોતાના બાપદાદાના ધર્મનો એટલો તો મમત હોય છે કે મરવાનું કબૂલ કરે પણ ધર્મ છોડવાનું કબૂલ કરે નહીં. દિલ્હીના એક બાદશાહે બે લાખ હિંદુઓને એક હારે ઊભા રાખીને ઉઘાડી તલવાર ઉગામીને કહ્યું કે આ પલાવનો નવાલો ભરો, નહીં તો માથું કાપી નાખશું. પછી જેઓએ નવાલો ભર્યો નહીં તેઓનાં માથાં કાપી નાંખ્યાં. તે માથાં કપાતાં જોઈને પણ ઘણા હિંદુઓએ મરવાનું કબૂલ કર્યું, પણ ધર્મ છોડવાનું કબૂલ કર્યું નહીં. અને લાખ હિંદુઓનાં માથાં કાપી નાંખ્યાં. એવો ત્રાસ જોઈને કેટલાક મુસલમાનો થયા ખરા પણ ખરા અંતઃકરણથી થયા નહીં. તેઓ ખોજા, મુમના અને મોલેસલામ કહેવાય છે. કાચી બુદ્ધિવાળા એક બે જણ કાંઈ સ્વાર્થને લીધે ધર્મ છોડે તે વાત જુદી છે. પણ એક પુરુષ લાખો માણસના અંતઃકરણને વશ કરે તો તે ઈશ્વરીસત્તા કહેવાય. જેમ ફોજદાર, મામલતદાર, મુનસફ, જજ, કલેક્ટર વગેરે સરકારી કામ કરનારા સરકાર કહેવાય છે, તેમજ ઈશ્વરી સત્તા જેનામાં થોડી કે વધારે જોવામાં આવે તેને ઈશ્વર કહેવાનો હિંદુશાસ્ત્રમાં ચાલ છે.
સ્વામિનારાયણને દેહ મૂક્યાને સાઠ વરસ થઈ ગયાં તો પણ હજી કોઈ કોઈ ઠેકાણે એવો ચમત્કાર જોવામાં આવે છે કે જ્યારે કોઈ સત્સંગી દેહ મૂકે છે ત્યારે સ્વામિનારાયણ તેને તેડવા આવે છે અને મરણ પથારીએ સૂતેલો માણસ એવું બોલે છે કે મને સ્વામિનારાયણ તેડવા આવ્યા છે. વળી, કોઈ વખતે તો તેના પાડોશી સત્સંગી ન હોય તેમને પણ તે સ્વામિનારાયણ તથા તેમના સાધુ દેખાય છે. એ શું થોડી વાત છે ? કેટલાક પ્રતિપક્ષી એવું બોલે છે કે એ તો મરનાર ઢોંગ કરે છે પણ ડાહ્યા માણસે વિચાર કરવો કે મરનાર માણસને કેટલી પીડા થાય છે ત્યારે જીવ નીકળે છે. ગમે તેવો પાપી હોય તેને પણ તે વખતે પાપનો પસ્તાવો થાય છે ને કોઈની સાથે લડ્યો હોય તો માફી માંગે છે. એવી અવસ્થામાં કોઈને ઢોંગ કરવાનું સૂઝે ખરું? ઇત્યાદિ સ્વામિનારાયણનાં ચમત્કારી ચરિત્ર આ ગ્રંથમાં વર્ણવેલાં છે તે સાંભળીને સાંભળનારને નિશ્ચય થાય કે સ્વામિનારાયણ સાક્ષાત પરમેશ્વર છે. એ જ આ ગ્રંથનું તાત્પર્ય છે.
આ ગ્રંથ રચવાની ફળેચ્છા એવી છે કે માણસો પરમેશ્વરનો મહિમા સમજીને તેની ભક્તિ કરે અને તે પરમેશ્વરને પ્રસન્ન કરવા સારુ સદ્ધર્મ પાળે તો શાસ્ત્રમાં કહ્યું છે કે ધર્મે સહિત ભક્તિ કરે તેને આ લોકમાં તથા પરલોકમાં સુખની પ્રાપ્તિ થાય તે એવી રીતે કે ચોરી કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં તથા મદ્યપાનાદિક વ્યસન કરવું નહીં, કોઈનો વિશ્વાસઘાત કરવો નહીં, તથા અંતઃકરણથી ને દેહથી સ્વચ્છ રહેવું. જો એવો સદાચાર પાળે તો તેના શરીરમાં રોગ થાય નહીં, આળસ આવે નહીં, બુદ્ધિ બગડે નહીં. તેથી આ લોકમાં તેને સુખ તથા યશ મળે. વળી, માતા પિતાની, ગુરુની, સંતની સેવા કરવી, પરોપકાર કરવો ને સર્વ પ્રાણી પર દયા રાખવી. જો એવી રીતે આપણે વર્તીએ તો આ લોકમાં આપણને તથા બીજાઓને સુખ થાય અને પરમેશ્વર પ્રસન્ન થઈને પરલોકમાં અક્ષયસુખ આપે. રાજાના ડરથી માણસો ઉપરથી સારી ચાલ ચાલે પણ છાની રીતે તે ચોરી આદિકનું પાપ કરે પણ જો પરમેશ્વર ઉપર તેની આસ્થા હોય તો તેના ડરથી છાનું છપનું પણ પાપ કરે નહીં અને જાણે કે હું આંખો મીંચીને મનમાં સંકલ્પ વડે પાપ કરીશ તે પણ પરમેશ્વર જાણશે. કોઈ કહેશે કે બીજા અવતારો થઈ ગયા અને તેમણે ગીતા આદિકમાં ધર્મ કહેલા છે, માટે તે પ્રમાણે પાળશે તો શું તેનું કલ્યાણ નહીં થાય? તો તેનું એ છે કે જ્યારે સત્પુરુષના ઉપદેશરૂપી બાણથી જેનું અંતઃકરણ વીંધાઈ ગયું હોય અને ઈશ્વર ઉપર ખરેખરી આસ્થા બેઠી હોય ત્યારે જ તેનાથી ધર્મ પાળી શકાય છે. જેમ સૂરજ અસ્ત થયા પછી કેટલાક કાળ જતાં અંધારું થઈ જાય છે તેમજ ભગવાનનો અવતાર થઈ ગયા પછી કેટલેક કાળે શાસ્ત્ર તો તેનાં તે હોય છે તો પણ તેથી કાંઈ અસર થતી નથી અને અધર્મનું ઘણું જોર વ્યાપે છે ત્યારે ભગવાનને ફરીથી અવતાર લેવો પડે છે તે ગીતામાં કહ્યું છે કે –
શ્લોક:
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ॥૧॥
અર્થ:
હે અર્જુન! જ્યારે જ્યારે ધર્મ ઝાંખો પડી જાય છે અને અધર્મનો ઉપાડો થાય છે ત્યારે હું જન્મ ધરું છું.
કોઈ માણસ પોતાના મન વડે ઠેરાવ કરે કે હું ધર્મ પાળીશ અને પરમેશ્વરને રાજી કરીશ પણ તે માણસના મનના વિચાર સ્થિર રહેતા નથી. અને તેના મનમાં તર્ક-વિતર્ક થયા કરે છે. માટે ભગવાને અવતાર ધરેલો હોય તેનાં પરાક્રમ સાંભળીને જો ખરેખરી આસ્થા બેસે તો જ તેનાથી ધર્મ પાળી શકાય. ધર્મ વિના ભક્તિ નિષ્ફળ છે ને ભક્તિ વિના ધર્મ નિષ્ફળ છે તે વાત સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે સમજાવી છે. અને તેનો પ્રત્યક્ષ દાખલો જુઓ કે સ્વામિનારાયણના આશ્રયથી તેના સાધુઓ કેવો ધર્મ પાળે છે! ભાંગ-તમાકુ આદિક કોઈ પ્રકારનું વ્યસન કરતા નથી, અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખે છે અને ધનનો સ્પર્શ કરતા નથી. એ જ રીતે શંકર સ્વામીએ પણ સંન્યાસીઓના ધર્મ કહેલા છે પણ તે સંન્યાસીઓ આજ પાળી શકતા નથી અને ઉપર કહેલા સાધુઓ પાળે છે તે સ્વામિનારાયણના પ્રતાપથી પાળી શકે છે એમ જાણવું. એ જ રીતે તેમના ખરેખરા આશ્રિત ગૃહસ્થો છે તે પણ સ્વામિનારાયણને પ્રસન્ન કરવા સારુ દૃઢ ધર્મ પાળે છે. માટે એવા ઘણા લોકો સત્સંગી થાઓ, અને આ લોકમાં તથા પરલોકમાં સુખ પામો. એ જ આ ગ્રંથ રચવાની અમારી ફળેચ્છા છે. આ ગ્રંથમાં કાંઈ ભૂલચૂક રહી ગઈ હોય તો વિદ્વાન લોકો સુધારી લેશો. કહ્યું છે કે
શ્લોક:
શાસ્ત્રકર્તાઽભવદ્ વ્યાસો લેખકો ગણનાયકઃ ।
તયોશ્ચ ચલિતા બુદ્ધિર્મનુષ્યાણાં તુ કા કથા ॥
અર્થ:
વ્યાસજી શાસ્ત્ર કરતા હતા અને ગણપતિ લખતા હતા. તે બેઉમાં ભૂલ આવી, તો માણસની શી વાત કહેવી?
- ધ.ધુ. આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજ
॥ શ્રીરસ્તુ ॥ કલ્યાણમસ્તુ ॥