॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતા વર્ણવતી ગ્રંથની કેટલીક ચૂંટેલી પંક્તિઓ

 

શ્રીહરિલીલામૃત ગ્રંથમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલી શુદ્ધ ઉપાસનાનો સિદ્ધાંત અને તેઓના સર્વોપરિ સ્વરૂપની ખૂબ સુંદર છણાવટ થયેલી છે. અહીં સંદર્ભો સાથે કેટલીક ચૂંટેલી પંક્તિઓ પ્રસ્તુત છે, જેમાં શ્રીહરિનું સર્વાવતારી સર્વોપરિ સ્વરૂપ નિખરી ઊઠે છે:

 

સર્વાવતારિ સકળેશ સ્વતંત્ર સ્વામી,
આનંદકંદ વૃષનંદ અનંતનામી;
વંદે સદા સુર નર મુનિયો સમસ્તે,
છો સંતસાથ મુનિનાથ નમો નમસ્તે. ૧૫
જાણે ન જેમ જળજંતુ સમુદ્રપાર,
લૈયે ન તેમ તવ અંત અમે લગાર;
સર્વાવતાર અવતારિ તમે પ્રભૂ છો,
અત્યંત શ્રેય કરવા જનમ્યા વિભૂ છો. ૨૦
હે સર્વસદ્‌ગુણનિધી અવતાર આપ,
સર્વે થકી અધિક આપ તણો પ્રતાપ. ૨૩
સંતો મળી સતત પ્રાર્થિત હે મુરારી,
આણી કૃપા અધિક છો નરનાટ્ય ધારી;
સર્વાવતાર તમ સાથ ગતી કરે છે,
શ્રીચક્રવર્તિ સહ જેમ નૃપો ફરે છે. ૨૪

- કળશ ૪, વિશ્રામ ૨૬

 

નૃસિંહ પ્રહ્‌લાદ બળી નૃપાળ, ચોથા વળી વામનજી દયાળ;
પ્રેમે કરી શ્રીહરિને પ્રણામ, ઉભા કરે છે સ્તુતિ એહ ઠામ. ૧૭
નૃસિંહ ને વામન એમ ગાય, સર્વે તણા સ્વામિ તમે સદાય;
તમારિ આજ્ઞાવશવર્તિ છૈયે, જે કામ સોંપો કરિ તેહ દૈયે. ૧૮
પ્રસિદ્ધ છે જે પુરુષપ્રધાન, સેવે સદા સેવકની સમાન;
બિજાનિ તો શી ગણતી ગણાય, તમે જ સર્વેશ્વર છો સદાય. ૧૯
જે જે બિજા સૌ અવતાર થાય, તમો વિષે લીન થતા જણાય;
તમે બિજામાં નહિ લીન થાઓ, સર્વાવતારી જ તમે ગણાઓ. ૨૦

- કળશ ૪, વિશ્રામ ૨૯

 

પછિ પ્રભુ બદરીશ જ્ઞાનવાન, ધર્યું નિજ મૂળસ્વરૂપ કેરું ધ્યાન. ૨૬
વચન સુપુરુષોત્તમ ઉચાર્યું, જનમ ધર્યાનું અમે જ આજ ધાર્યું;
મિષ ઋષિવર શાપનો પ્રમાણો, મુજરુચિ હેતુ જરૂર સર્વ જાણો. ૨૭
બહુ મુજ કળઅંશ જન્મ લીધા, નહિ બહુ જીવ અનન્ય મુક્ત કીધા;
અતિ કળિબળ આજ ટાળિ દૈશ, સકળ કળા ધરિ હું જ જન્મ લૈશ. ૨૮
વૃષ મુનિ સહુને સુધૈર્ય આપો, કહિ મુજવાત ઉદાસિ સર્વ કાપો;
વળિ વૃષપ્રતિ બોલજો વિશેષે, તવ ગૃહ કૃષ્ણ અનાદિ જન્મ લેશે. ૨૯

- કળશ ૪, વિશ્રામ ૮

 

એવે અવસરે બદરીનાથે, પૂરા હેતથી પોતાને હાથે;
ધર્મપુત્રનું પૂજન કીધું, ધૂપ દીપ ને નૈવેદ્ય દીધું. ૨
પછી આરતી હરિની ઉતારી, સ્તુતિ સ્નેહસહિત ઉચારી;
અહો અક્ષરપતિ મહારાજ, ધર્યું તન ધર્મસ્થાપન કાજ. ૩

- કળશ ૩, વિશ્રામ ૪

 

કહે લાલજી મોટા તે કેવા, દત્તાત્રિ કે ઋષભદેવ જેવા;
કે શું છે રામચંદ્ર સમાન, રામાનંદ કહે સુણો કાન. ૪૧
જેમ કૃષ્ણ મોટા સરવેથી, તેમ આ છે મોટા વળી એથી;
આ છે અવતારના અવતારી, ઘણું શું કહિયે વિસ્તારી. ૪૨

- કળશ ૪, વિશ્રામ ૩

 

એમ થાય અવતાર જે ઘણા, અક્ષરેશ અવતારિ તે તણા;
સર્વકારણ તણા જ કારણ, આદિકૃષ્ણ શુભનામ ધારણ. ૫૫
અંડઅંડ અધીશો અનેક છે, સર્વ ઈશઅધિનાથ એક છે;
તે કૃપાળુ કળિમાર્ગ કાપવા, આવિયા સ્વજન સૌખ્ય આપવા. ૫૬

- કળશ ૨, વિશ્રામ ૧

 

ઉભા સ્તુતિ કરે આગળ, મત્સ્યાદિક ચોવિસ અવતાર;
ઉભા સ્વામી રામાનંદ પણ, કરે એહના ગુણ ઉચ્ચાર. ૧૯
શીતળદાસે શ્રીજીની, કરી પૂજા ધરીને પ્રેમ;
અનંત મુક્તને પૂજવા, કરી ઇચ્છા પૂજે પણ કેમ. ૨૦
શ્યામે શીતળદાસને, કહ્યું ધરો અનંત સ્વરૂપ;
અનંત મુક્તનિ એક ક્ષણમાં, પૂજા કરો મુનિભૂપ. ૨૧
ત્યારે તેણે કર જોડીને, કહ્યું મુજથી તે કેમ થાય;
શ્રીજી કહે નિજ અંતરે, તમે એવી કરો ઈચ્છાય. ૨૨
આ રામાનંદસ્વામિ તે, હોય પુરુષોત્તમ ભગવત;
તો તેહના જ પ્રતાપથી, મારા દેખાય રૂપ અનંત. ૨૩
શીતળદાસે ધારિયું, પણ સિદ્ધ થયું ન લગાર;
ત્યારે વળી શ્રીજી કહે, જુઓ ચોવિસ આ અવતાર. ૨૪
તે પ્રત્યેક વિષે તમે, ચિત્તે કરો એમ વિચાર;
તે પુરુષોત્તમ હોય તો, મારાં થાય સ્વરૂપ અપાર. ૨૫
કર્યો એવો સંકલ્પ તે, જ્યારે સુફળ ન થયો લેશ;
ચિંતવન એવું મુજ વિષે, હવે કરો કહે પરમેશ. ૨૬
શીતળદાસે ધારિયું, સ્વામિ આ છે સહજાનંદ;
તે પુરુષોત્તમ હોય તો, મારાં થાય સ્વરૂપનાં વૃંદ. ૨૭
તે સમે શીતળદાસનાં, ત્યાં તો રૂપ થયાં અગણિત;
અનંત મુક્તનિ એક ક્ષણમાં, પૂજા કરી ધરી પ્રીત. ૨૮
સર્વ અવતારના અવતારી, સરવોપરિ વિશ્વવિહારી;
હું તો છું એના દાસનો દાસ, સજું સેવા રહી પ્રભુ પાસ. ૩૧
એવી વાત કહી જેહ વાર, થયા લીન બધા અવતાર;
સરિતાઓ મળે તે સાગરમાં, મળ્યા અવતાર સૌ હરિવરમાં. ૩૩

- કળશ ૫, વિશ્રામ ૩

 

આચમન કર્યું શ્રીઘનશ્યામે, પ્રાણાયામ કર્યો તેહ ઠામે;
દેવ લક્ષ્મિનારાયણ આદિ, સૌનું કારણ આપ અનાદી. ૪૨

- કળશ ૮, વિશ્રામ ૨૪

 

પ્રાસાદની દક્ષિણ દિશમાંય, મૂર્તી હરીકૃષ્ણ તણી તહાંય;
સ્થાપીત થૈને કરશે નિવાસ, એવી થઈ વાત બધે પ્રકાશ. ૧૦
જે મૂર્તિનું ધ્યાન ધરી હમેશ, સત્સંગ સૌ ચિંતવશે વિશેષ;
સર્વોપરી ઈષ્ટ છબી ગણાશે, પ્રેમે પૂજા માનસિ તો કરાશે. ૧૧
પ્રત્યક્ષમૂર્તિ નહિ પ્રાપ્ત જેને, તે મૂર્તિ તો જીવનદોરિ તેને;
એનો જ મોટો મહિમા મનાશે, કલ્યાણ તો તેહ થકી જ થાશે. ૧૨

- કળશ ૮, વિશ્રામ ૨૭

 

લાક્ષ્મીનારાયણકૃત હરિસ્તુતિ

લક્ષ્મીસહિત શ્રીદ્વારિકાપતિ એમ બોલ્યા એ સમે,
દિગ્વિજય કરતા નાથ જ્યારે દ્વારિકા આવ્યા તમે. ૨
મેં તે સમે તમને કહ્યું શુચિ સંતવૃંદ વસે જહાં,
મંદિર કરાવીને મને પધરાવજો પ્રભુજી તહાં;
સૌ તીર્થસુધાં તે સ્થળે આંહી થકી આવીશ હું,
ત્યારે તમે એવું કહ્યું કે નક્કિ એમ કરીશ હું. ૩
શુભ વાક્ય પ્રભુ પોતાતણું તે સત્યસત્ય કર્યું સહી,
મંદિર કરાવીને અમારી મૂર્તિયો સ્થાપી અહીં. ૪
મત્સ્યાદી અવતાર સૂર્ય ઉચરે છે અક્ષરાત્મા હરી,
સૌના કારણરૂપ ભૂપ સહુના ઈશેશના ઊપરી;
આજ્ઞા આપ તણી સુણી શિર ધરી જે કૃત્ય કીધાં અમે,
તે પ્રત્યેક અતર્ક્ય કૃત્ય કરવા ઐશ્વર્ય આપ્યું તમે. ૭

- કળશ ૮, વિશ્રામ ૨૯

 

જે કૃષ્ણ આદી અવતાર થાય, તે સર્વનું કારણ આ ગણાય;
એ છે પ્રતાપી પરમાત્મ પોતે, જાણી શકે શું કુમતી જનો તે. ૬૧

- કળશ ૨, વિશ્રામ ૧૦

 

કૃષ્ણાદી અવતાર જેહ હરિના તે તો ઘણા થાય છે,
તેના અંગ અવેવ તુલ્ય પ્રતિમા સર્વત્ર દેખાય છે;
જે છે અક્ષરવાસિ કોઈ સમયે આવ્યા નથી આ સ્થળે,
તો તેના તન તુલ્ય દિવ્ય મુરતી બ્રહ્માંડમાં ક્યાં મળે. ૩૮

- કળશ ૮, વિશ્રામ ૬૧

 

તેના સેવક સંકલ્પ કરે, એથી પણ બહુ જીવ ઉદ્ધરે;
અવતાર અને અવતારી, એની એટલી રીત છે ન્યારી. ૧૩
એવી વાત સુણી નરનારી, જાણ્યા અવતારના અવતારી;
એવી લીલા ત્યાં કીધી અપાર, આ તો એમાં થકી કહ્યો સાર. ૧૫

- કળશ ૫, વિશ્રામ ૬

 

અવતાર તણા અવતારી, જાણ્યા તે શ્રીહરિ બ્રહ્મચારી;
પછી પોત પોતા તણે ઘેર, ગયા સૌ જન તે શુભ પેર. ૬૨

- કળશ ૫, વિશ્રામ ૭

 

દીઠાં ત્યા એ જ ધર્મકુમાર, સેવે અક્ષર મુક્ત અપાર;
જોયા ચોવિશે ત્યાં અવતાર, તે તો હરિની સેવા સજનાર. ૫

- કળશ ૫, વિશ્રામ ૧૫

 

ઘણા જન્મનું પુણ્ય તમારું, આજ ઉદય થયું અતિ સારું;
સર્વ અવતારના અવતારી, સરવોપરિ જે સુખકારી. ૩૯
સૌના ઈશ્વર સૌના નિયંતા, જે છે અતિશય ઐશ્વર્યવંતા;
જેનું ધ્યાન શિવાદિક ધારે, તે તો ઘેર પધાર્યા તમારે. ૪૦

- કળશ ૫, વિશ્રામ ૨૬

 

તમે અક્ષરધામના ધામી, સર્વોપરી સર્વના સ્વામી;
સર્વ અવતારના અવતારી, સૌથી સમર્થ છો સુખકારી. ૩૩

- કળશ ૬, વિશ્રામ ૧૫

 

બ્રહ્માંડ કોટી પ્રભુ છે તવ રોમ કૂપે,
ભાસે સદૈવ તમમાં પરમાણુ રૂપે;
બ્રહ્મેશ વિષ્ણુ તમ સેવક છે અનેક,
રાજાધિરાજ સર્વોપરી આપ એક. ૩૫
મત્સ્યાદિ જન્મ તમમાંથી થતા જણાય,
અંતે તમારી છબીમાં વળી લીન થાય;
બ્રહ્માંડ માંહી અવતાર થયા અમાપ,
તે સર્વના પ્રભુ તમે અવતારી આપ. ૩૬
જે દિવ્યકામ અવતાર થકી કરાય,
તે કામ આજ તવ સેવકથી થાય;
એવો પ્રતાપ આપ તણો અપાર,
વંદુ પ્રભુજી પદપંકજ વારંવાર. ૩૭

- કળશ ૧૦, વિશ્રામ ૧

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે