કળશ ૧

વિશ્રામ ૧૭

 

પૂર્વછાયો

હવે મંદિર થકી બાહરે, વળી ગામ વિષે જેહ સ્થાન;

જે જે પ્રભુની પ્રસાદીનાં, સુણો ભૂપ થઈ સાવધાન. ૧

ચોપાઈ

હનુમાનના દ્વાર બહાર, દક્ષિણોત્તર ઓટલા સાર;

બહુવાર પ્રસંગને પામી, તહાં બેઠા ઉઠ્યા બહુનામી. ૨

ત્યાંથી દક્ષિણ માંહિ રહેતા, નાતે સાઠોદરા ડાહ્યા મે’તા;

તેનું ઘર છે પ્રસાદી કેરું, પદ અંકિત પુનિત ઘણેરું. ૩

અહીં મંદિર નવ હતું જ્યારે, તહાં ઉતરતા વર્ણી ત્યારે;

વળી ત્રીકમભાईનું ફળિયું, કૃષ્ણે વિચરીને કીધું ઉજ્વળિયું. ૪

ત્યાંથી દક્ષિણમાં ધોરીભાઈ, ભાઈબાનાં છે ઘર સુખદાઈ;

તેના ફળિયામાં કૃષ્ણ ફર્યા છે, સંત વર્ણી સહિત વિચર્યા છે. ૫

ત્યાંથી પશ્ચિમમાં પછી ધારું, ઘર શામળભાઈનું સારું;

પ્રભુયે તે કર્યું છે પાવન, તેનાં ભાગ્ય ભલાં ધન્ય ધન્ય. ૬

વળી અંટોળદાસનું ફળિયું, પુણ્યશાળી તે જાણો પ્રબળિયું;

વસનદાસ ને દયાળદાસ, તેનો તે ફળિયામાં નિવાસ. ૭

ભાઈજી રાઈજી પાટિદાર, તેઓનાં ઘર પણ તેહ ઠાર;

મહારાજ ધરી મન મેહેર, વિચર્યા છે તે પ્રત્યેક ઘેર. ૮

હનુમાનના દ્વારથી પૂર્વે, ઘર છે એક જાણે છે સર્વે;

હતો ત્યાં શવદાસનો વાડો, કૃષ્ણ નાહ્યા છે ત્યાં કોઈ દા’ડો. ૯

બોચાસણના વાસી કાશીદાસ, જ્યારે આવતા શ્રીપ્રભુ પાસ;

શવદાસને ઘેર ઉતરતા, જમવા હરિને ત્યાં નોતરતા. ૧૦

શવદાસ તથા તેના ભ્રાત, નામે નારણદાસ વિખ્યાત;

બેયને ઘેર શ્રીબહુનામી, વિચર્યા સહજાનંદ સ્વામી. ૧૧

તેનું પામ્યા તરત ફળ તેહ, કહું આખ્યાન સાંભળો એહ;

એક દિન શવદાસ શરીરે, મંદવાડ વધ્યો ધીરે ધીરે. ૧૨

અંતકાળે લેવા જમ આવ્યા, જીવ લૈ જમપુરમાં સિધાવ્યા;

તેને જોઈ બોલ્યા ધર્મરાજ, શીદ લાવ્યા એને અહીં આજ. ૧૩

ત્યારે કિંકરે ત્યાં વાત કહી, એની આવરદા આવી રહી;

લેખું પુણ્ય ને પાપનું લેવા, અમે લાવ્યા એને તતખેવા. ૧૪

ધર્મરાય કહે સુણો દૂત, પ્રભુ પ્રગટ થયા છે અચ્યુત;

કહ્યો તેણે અહિંસાનો ધર્મ, શવદાસ સુણી લીધો મર્મ. ૧૫

શવદાસ ગયા સીમમાંય, જીવ મારતો પારધી ત્યાંય;

શવદાસે તેને સમઝાવ્યો, પાસલામાંથી મૃગને મુકાવ્યો. ૧૬

કોઈ વાટે જતા હતા સંત, તેણે જૈ કહ્યું જ્યાં ભગવંત;

સુણી બોલિયા ધર્મકુમાર, એની આયુષનો આવ્યો પાર. ૧૭

તજી દેહને સ્વર્ગમાં જાશે, જીવ ઉગર્યાનું ફળ થાશે;

કહે સંત અહો પરમેશ, એવા જનને જીવાડો વિશેષ. ૧૮

ઉપજાતિવૃત્ત (કોણ વિશેષ જીવવા યોગ્ય તે વિષે)

જેને દયા છે દિલમાં અપાર, ઘણા જનોનો જન પાળનાર;

જે કામ સારાં કરશે હંમેશ, એવા જનો તો જીવજો વિશેષ. ૧૯

જેના જશો આ જગમાં ગવાય, જેને જનો સૌ ચિત્તમાં ચહાય;

કાપે સદા જે પરના કલેશ, એવા જનો તો જીવજો વિશેષ. ૨૦

જે કોઈનું દીલ નહિ દુઃખાવે, કુકર્મથી અંતર લાજ લાવે;

જેનાથી થાશે કુળમાં ઉજેશ, એવા જનો તો જીવજો વિશેષ. ૨૧

જ્યાં કાંઈયે ઉત્તમ કામ થાય, ત્યાં લોક જેને સમરે સદાય;

સુકામમાં જેમ સ્મરે ગણેશ, એવા જનો તો જીવજો વિશેષ. ૨૨

કલ્યાણ સૌનું ચિત્તમાં ચહાય, કોઈ તણા શત્રુ કદી ન થાય;

જેને અદેખાઈ દિસે ન લેશે, એવા જનો તો જીવજો વિશેષ. ૨૩

ચોપાઈ

જેણે પાશથી પ્રાણી મુકાવ્યો, જેને ધર્મ અહિંસાનો ભાવ્યો;

જીવ દૈવી દિસે ઘણો સારો, એનું આયુષ્ય નાથ વધારો. ૨૪

તમે સમરથ છો જગસ્વામી, ચાહો તે કરો અંતરજામી;

સ્વામી શક્તિ તમારી છે ઘણી, ધણીનો કોઈયે નહિ ધણી. ૨૫

ગિરિ શિખર ટિંટોડીને કાજ, જળ પ્રલય કર્યો મહારાજ;

તમે તેના ઉપર દયા આણી, જગપ્રલય કરી પાયું પાણી. ૨૬

સુણી વિનતિ બોલ્યા પરમેશ, જીવશે બાર વર્ષ વિશેષ;

એમ આયુષ ઈશ્વરે આપ્યું, કહો દૂતો તમે કેમ કાપ્યું? ૨૭

થશો શ્રીહરિના ગુનેગાર, મૂકી આવો શરીર મોઝાર;

પછી દૂતો લઈ ગયા ત્યાંય, શબ બાંધ્યુતું ઠાઠડીમાંય. ૨૮

જમે જીવને દેહમાં ઘાલ્યો, તેથી દેહ તેનો હાલ્યો ચાલ્યો;

ત્યારે સંબંધિયે બંધ છોડ્યા, હાથ સૌએ તે આગળ જોડ્યા. ૨૯

સ્વપ્નવત્ શવદાસને થયું, બધું વૃત્તાંત સર્વને કયું;

યમરાજે કહી હતી વાત, તેથી જાણ્યા પ્રભુ સાક્ષાત. ૩૦

પછી તે તો દુરગપુર ગયા, દૃઢ સત્સંગી ત્યાં જઈ થયા;

ભોળા લોકે તો ભ્રમણા જાણી, તેથી માની નહિ તેની વાણી. ૩૧

વળી વાસણ નામે સુતાર, પ્રસાદીનું છે એનું અગાર;

વાસુદેવ નારાયણ કેરો, જે છે ઓરડો પુનીત ઘણેરો. ૩૨

ગઢપુર માંહિ તે તો પ્રમાણો, એવું વાસણનું ઘર જાણો;

ઘણીવાર સભા સજી શ્યામ, ઘણી વાર જમ્યા તેહ ઠામ. ૩૩

નડીયાદના નાગર નામ, ગંગારામ ને મોહનરામ;

ઘેર વાસણને તે ઉતરતા, નાથને જમવા તે નોતરતા. ૩૪

તેમની બેન જે રેવાબાઈ, કરતાં રસોઈ સરસાઈ;

ભાવથી જમતા ભગવાન, તેથી ઉત્તમ છે તેહ સ્થાન. ૩૫

વળી જાદવ નામે સુતાર, જાણો તેવું જ તેનું અગાર;

નાગરાણી વડોદરા કેરાં, મોંઘીબા ત્યાં ઉતરતાં ઘણેરાં. ૩૬

ઘણીવાર તેણે તેહ સ્થાન, જમવા તેડિયા ભગવાન;

ગોર વનમાળીનું ઘર જે છે, પ્રભુજીની પ્રસાદીનું તે છે. ૩૭

પૂર્વચોક મંદિરનો છે જ્યાંય, તેનું અસલ હતું ઘર ત્યાંય;

શ્રીજીએ તેની પાસેથી લીધું, તેને બીજું ચણાવીને દીધું. ૩૮

તેની પુત્રી જે અવલબાઈ, જમાડ્યા તેણે ત્યાં સુખદાઈ;

સતસંગના સંન્યાસી જેહ, તેને ઘેર ઉતરતા તેહ. ૩૯

ધર્મશાળા વડેઉ માતાની, પ્રસાદીની છે તે નથી છાની;

મુક્તાનંદ આદિક મુનિરાય, ઘણી વાર ઉતરતા ત્યાંય. ૪૦

રહેનાર જે બુધેજ ગામ, ખોડાભાઈ હઠીભાઈ નામ;

તેઓને ધર્મશાળા મુકામે, સારો પર્ચો દિધો ઘનશ્યામે. ૪૧

એ જ ધર્મશાળા તણી પાસ, હરીભાઈ નરોત્તમદાસ;

તેઓનાં ઘર ત્યાં કણે જે છે, હરિ ચરણથી અંકિત એ છે. ૪૨

ધર્મશાળાથી દક્ષિણ પાસ, જ્યાં છે કુબેરદાસ નિવાસ;

તેના ફળિયા વિષે ઘણીવાર, વિચર્યા સંત સહિત મુરાર. ૪૩

બોચાસણથી જ્યારે આવેલા, ત્યારે શ્રીહરિ ત્યાં ઉતરેલા;

ત્યાં છે રણછોડદાસનું ઘર, તેમાં પણ ઉતર્યા હરિવર. ૪૪

રંગબાઈ તેની ઘરનારી, તેણે સેવા સજી ઘણી સારી;

વિપ્ર પાસે રસોઈ કરાવી, જમાડ્યા પ્રભુને પ્રેમ લાવી. ૪૫

રહે ત્યાં થકી પશ્ચિમ માંઈ, દલાભાઈ તથા જોરાભાઈ;

તેનું ફળિયું કર્યું છે પવિત્ર, વાલો વિચર્યા સાથે લઈ મિત્ર. ૪૬

નારાયણગર બાવાનો મઠ, પ્રસાદીનો છે તે તો ઝપટ;

ઘણીવાર બિરાજ્યા છે સ્વામી, સહજાનંદ અંતરજામી. ૪૭

ઘણીવાર જમ્યા ગિરિધારી, ઘણીવાર સભા સજી સારી;

ભાળી ગોસાઈનો ભાવ સારો, મુક્તાનંદાદિ કરતા ઉતારો. ૪૮

છ છ માસ સુધી કર્યો વાસ, કર્યો ત્યાં રહિ જ્ઞાનપ્રકાશ;

નારાયણગરજી તણા ચેલા, પરષોત્તમગરજી થયેલા. ૪૯

તેના રગનાથગર રૂપગર, સૌએ સેવ્યા સદા હરિવર;

મઠ છે રામચંદ્રગિરીનો, જાણો તે પણ છે પ્રસાદીનો. ૫૦

પ્રભુ ત્યાં જઈ પેંડા જમ્યા છે, રામચંદ્રગિરિને ગમ્યા છે;

મહાભક્ત મુળજી સુતાર, અતિ ચતુર તેના પુત્ર ચાર. ૫૧

પુંજો બેચર ને ત્રીજો લાલો, ચોથો અંબાઈદાસ દયાળો;

ચારેને ઘેર જે ભગવાન, કર્યા છે તે પ્રસાદીનાં સ્થાન. ૫૨

જમ્યા છે કોઈને ઘેર હરિ, કોઈને ઘેર જૈ સભા ભરી;

પગી જોબનનું ઘર જે છે, અતિ અઘિક પ્રસાદીનું એ છે. ૫૩

નારાયણમોલને કહું જેવો, મહિમા તેના ઘરનો છે તેવો;

મેડીની ઉત્તરાદી જે બારી, તહાં બેસતાં ભવભયહારી. ૫૪

નીચે મેદાનમાં સભા થાતી, બ્રહ્મવિદ્યાની વાતો વંચાતી;

ઘણી લીલા કરી તે ઠેકાણે, તે તો સર્વે જૂના જન જાણે. ૫૫

સૂરજબા તથા રળિયાતબાઈ, સાંખ્યયોગી તે સારી ગણાઈ;

પગી જોબનની પુત્રી બેય, મહામુક્ત સહુ કો કહેય. ૫૬

પગી સુંદર ને પગી દલો, ત્રીજો તો શકરો પગી ભલો;

તેઓને ઘેર વિચર્યા છે હરી, કૃપાનાથ કૃપા ઉર ધરી. ૫૭

પગી જોબનના ઘરમાંય, ભક્તભીડ થતી હતી ત્યાંય;

ત્યારે ઝાલા પગી તણે ઘેર, પોઢતા પ્રભુ જૈ રુડી પેર. ૫૮

વન ફરતા આવ્યા હરિ જ્યારે, પગી જોબનભાઈએ ત્યારે;

દેવકરણ પગી તણે ગેહ, જાણી એકાંત ઊતાર્યા તેહ. ૫૯

જુહજી વખતો પગી જગતો, ઘેર તેડતા હરિને તે ભગતો;

વળી ઘર જે વજા પગી તણું, પ્રભુએ કર્યું પાવન ઘણું. ૬૦

તેની પુત્રી જે અમરબાઈ, સાંખ્યયોગી તે સારી ગણાઈ;

પગી ગુણીયલ નામે ગણેશ, તેને ઘેર જતા પરમેશ. ૬૧

રામબાઈ તેની સુતા જેહ, સાંખ્યયોગી સારાં હતાં તેહ;

બામણોલિયા ઉજમ પગી, ભજતા પ્રભુને તે ઉમંગી. ૬૨

ગંગાબાઈ જેતલપુર તણાં, વરતાલમાં આવતાં ઘણાં;

તે પગીને તે ફળિયે ઉતરતાં, મહારાજને જમવા નોતરતાં. ૬૩

ત્રણ વિપ્રના પુત્રોને જોઈ, દીધી શ્રીહરિયે ત્યાં જનોઈ;

તેહ બાળકનાં કહું નામ, જોશી ડભાણના દયારામ. ૬૪

બીજા નાગર માણસા ગામ, એનું નામ તો અનોપરામ;

ત્રીજા વડથલના વલાદરા, નામે જાદવજી દ્વિજ ખરા. ૬૫

શામે દીધી જનોઈ તે જ્યારે, કર્યો ઉત્તમ ઉત્સવ ત્યારે;

વિપ્ર કેરી જમાડી ચોરાશી, ધન્ય અક્ષરધામના વાસી. ૬૬

સમૈયો જ્યારે સારો ભરાતો, ત્યારે ઉતારો ઘેર ઘેર થાતો;

જમવા પ્રભુજીને નોતરતા, ઘેર ઘેર તેથી હરિ ફરતા. ૬૭

પુષ્પિતાગ્રા

પ્રભુપદ પરસ્યા વિનાનું ક્યાંઈ, નથી ઘર તો વરતાલ ગામમાંઈ;

પણ ઘર અતિમુખ્ય તે ગણાવ્યાં, સ્મૃતિ અનુસર સનેહથી સુણાવ્યાં. ૬૮

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયનૃપસંવાદે વૃત્તાલયે શ્રીહરિ-

પ્રસાદીકૃતગૃહનિરૂપણનામા સપ્તદશો વિશ્રામઃ ॥૧૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે