આચાર્યકુલભૂષણ સનાતન ધર્મધુરંધર

આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજ

પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે આ વસુંધરા પર અસંખ્ય મુમુક્ષુઓના કલ્યાણની વાટ વહેતી મૂકી, એકાંતિક ધર્મ સ્થાપ્યો. એના પોષણનું મહાકાર્ય પોતાના અનન્ય અનુગામી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને સોંપ્યું.

સેંકડો પરમહંસો, લાખો હરિભક્તો, મહામંદિર, શાસ્ત્રો - આ મહાન વારસો સમાજને ભેટ આપીને, શુદ્ધ ઉપાસનાનો ધૂધૂબાજ પ્રવાહ વહેતો કર્યો. યુગો સુધી મુમુક્ષુઓ એ પ્રવાહમાં ખેંચાઈને આત્યંતિક કલ્યાણની દિશા મેળવે એવું એમનું એ વિરાટ આયોજન હતું. મંદિરો અને તે સંબંધી અન્ય અનેકવિધ વ્યવહારકાર્યના સંચાલન માટે, તત્કાલીન મહાન પરમહંસો - મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરેએ શ્રીહરિને આચાર્ય પરંપરા સ્થાપવા અનુરોધ કર્યો. તેઓનો અનુરોધ, શ્રીહરિના ભત્રિજાઓ રઘુવીરજી તથા અયોધ્યાપ્રસાદજી પ્રત્યે સવિશેષ હતો.

સગાં-સંબંધીઓથી અત્યંત વિરક્ત અને નિઃસ્પૃહ શ્રીહરિને આ લેશમાત્ર પસંદ નહોતું, તેમ છતાં અગ્રણી પરમહંસોના આગ્રહ-અનુરોધને લીધે, વૈષ્ણવ ગૃહસ્થ-આચાર્ય પરંપરાને અનુસરીને, ગૃહસ્થ રઘુવીરજી અને અયોધ્યાપ્રસાદજીની આચાર્યપદે સ્થાપના કરવામાં આવી. પોતાના ઈષ્ટદેવ શ્રીહરિના સહોદરો પ્રત્યે પરમહંસોના અપાર આદરનું જ આ એક પરિણામ હતું. અલબત્ત, એ બંને આદિ આચાર્યશ્રીઓ અત્યંત ગુણિયલ અને આચાર્યપદને શોભાવનારા નરરત્નો જ હતા. એ બંને આચાર્યશ્રીઓને, શ્રીહરિના આધ્યાત્મિક અનુગામી અક્ષરધામાવતાર ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે અનહદ અનુરાગ હતો. શ્રીહરિના અપર સ્વરૂપ જાણીને જ બંને મોક્ષભાગી મુમુક્ષુ તરીકે જ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ અને તેમની પરિચર્યા કરતા હતા. આગવી આધ્યાત્મિક પ્રતિભાથી એ બંને આચાર્યશ્રીઓએ સંપ્રદાયમાં ખૂબ આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એ બંને મહાપુરુષોની મૂર્તિઓ સારંગપુરમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મંદિરમાં સ્થાપીને તેમને ઉચિત અંજલિ અર્પી છે.

આચાર્યશ્રી રઘુવીરજી મહારાજની આચાર્ય પરંપરામાં વરતાલ ગાદીના તૃતીય આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજ પણ ધર્મકુલભૂષણ બનીને સંપ્રદાયમાં અનોખું આદરણીય સ્થાન પામ્યા છે. સંપ્રદાયના મહાન સેવક તરીકે તેઓએ અત્યંત ચાહના મેળવી છે.

વિ. સં. ૧૯૦૮ના ચૈત્ર વદિ અમાસના દિવસે તેઓનો જન્મ. પિતાનું નામ કૃષ્ણપ્રસાદજી (આચાર્ય રઘુવીરજી મહારાજના ભત્રિજા) અને માતાનું નામ ચતુરાસીદેવી. મોસાળ દુબોલી (અયોધ્યા પાસે)માં જન્મ પામ્યા બાદ એ તેજસ્વી બાળક સાથે માતાપિતા વરતાલ આવ્યાં. વિ. સં. ૧૯૧૫ના એ અરસામાં ગુણાતીતાનંદ સ્વામી ચૈત્રી પૂર્ણિમાના સમયે વરતાલ પધાર્યા હતા. માતાપિતાની અને રઘુવીરજી મહારાજની ઇચ્છા હતી કે અક્ષરધામાવતાર ગુણાતીતાનંદ સ્વામીના વરદ હસ્તે આ બાળક વર્તમાન દીક્ષા ધારણ કરે. આથી કૃષ્ણપ્રસાદજી તથા તેમના પૂરબિયા સેવક વશરામજી વર્તમાન ધરાવવા માટે બાળક વિહારીલાલજીને સ્વામી પાસે લઈ આવ્યા. બાળકની માતા ચતુરાસીદેવીએ વશરામને કહ્યું હતું કે, “સ્વામીને કહેજો, આ બાળકના માથે હાથ મૂકે, તેમના આશીર્વાદથી આ બાળકનું પ્રારબ્ધ ખૂલી જશે.” બાળક માટેની માતાપિતાની વિનંતી સાંભળી સ્વામી ખૂબ પ્રસન્ન થયા અને તેને વર્તમાન ધરાવી માથે બે હાથ મૂક્યા. આશીર્વાદ આપતાં સ્વામી બોલ્યા, “આ તો બહુ જ મોટા વિદ્વાન થશે અને સંપ્રદાયના આચાર્ય બનશે.”

વિ. સં. ૧૯૩૫ના શ્રાવણ વદ આઠમના દિવસે ગુણાતીતાનંદ સ્વામીના એ શબ્દો સાર્થક બની રહ્યા. રઘુવીરજી મહારાજના અનુગામી આચાર્ય ભગવત્પ્રસાદજી નિર્વંશ હોવાથી, તેમણે વિહારિલાલજીને પોતાના દત્તક પુત્ર તરીકે લઈને તેમને પોતાના સ્થાને આચાર્યપદે નિયુક્ત કર્યા અને શ્રાવણ વદ ૧૦ના રોજ પોતે અક્ષરનિવાસી થયા.

આમ તો, પ્રથમથી જ વિહારીલાલજી પર આચાર્ય રઘુવીરજી મહારાજની પણ વિશેષ સ્નેહદૃષ્ટિ હતી. વિ. સં. ૧૯૧૬માં મહા સુદ પાંચમે તેમને યજ્ઞોપવીત દીક્ષા અને વૈષ્ણવી દીક્ષા આપ્યા બાદ રઘુવીરજી મહારાજે તેમને વિદ્યાભ્યાસ કરાવરાવ્યો. વિદ્યાભ્યાસમાં તેજસ્વી આ બાળકે ઉમરેઠના વિદ્વાન વિષ્ણુરામ પાસે વેદાભ્યાસ કર્યો, પ્રસિદ્ધ પંડિત ભોલાનાથ તથા માધવદાસ સ્વામી પાસે વ્યાકરણ, કાવ્ય, પુરાણ, વેદાંત, ધર્મશાસ્ત્રો વગેરેનો અભ્યાસ કર્યો. વિદ્યાભ્યાસ અને સેવાથી તેમણે મહાન સદ્‌ગુરુઓ અને આચાર્યશ્રીની ખૂબ પ્રસન્નતા મેળવી હતી. વિ. સં. ૧૯૨૨માં તેમના પિતા કૃષ્ણપ્રસાદજીના અક્ષરવાસ પછી પિતામહ ગોપાળજીએ તેમનો લગ્નસંબંધ કરાવ્યો અને ત્યારબાદ તેઓ, રઘુવીરજી મહારાજના અનુગામી આચાર્ય શ્રી ભગવત્પ્રસાદજી મહારાજની સાથે જ રહ્યા, સેવાથી તેમને ખૂબ પ્રસન્ન કર્યા.

વિહારીલાલજી મહારાજ અત્યંત વિદ્યાપ્રેમી-વિદ્યાવ્યાસંગી હતા. તેથી આચાર્યપદે આવ્યા બાદ તેમણે પ્રથમ મહત્વનું કાર્ય, ભગવત્પ્રસાદજીએ વરતાલમાં સ્થાપેલી પાઠશાળામાં સુધારા-વધારા કરી, તેમાં સંપ્રદાયના સંતોને વધુ સંગીત વિદ્યાભ્યાસ કરાવવાનું આદર્યું. ગઢડામાં પણ પાઠશાળા સ્થાપીને ત્યાં પણ વિદ્યા-ઉત્તેજનનું કાર્ય કર્યું. વડોદરાના પ્રસિદ્ધ શાસ્ત્રી ત્ર્યંબકનાથજી, તેમના ચિરંજીવી શાસ્ત્રી બદ્રિનાથજી વગેરે પાસે સંતોને ઊંડો વિદ્યાભ્યાસ કરાવ્યો. ત્યારબાદ જૂનાગઢના પ્રસિદ્ધ પંડિત મટુ શાસ્ત્રી પાસે સંતોને વ્યાકરણ-કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરાવરાવ્યો. એવા અન્ય વિદ્વાનો-ઈદોરના પ્રસિદ્ધ વિદ્વાન ગોપાળ શાસ્ત્રી, દ્રાવિડ દેશના રામાનુજ તત્ત્વજ્ઞ પ્રસિદ્ધ પંડિત કૃષ્ણાચાર્ય વગેરે વિદ્વાનો શોધીને તેમને સંપ્રદાયની સેવા માટે પ્રેર્યા. ગોપાળ શાસ્ત્રીની હયાતી બાદ પાઠશાળાના અધ્યક્ષ તરીકે મધ્વ-તત્ત્વજ્ઞ મહાન પંડિત શ્રી રંગાચાર્યને નિયુક્ત કર્યા.

વિ. સં. ૧૯૩૯માં શ્રીજીમહારાજના અત્યંત કૃપાપાત્ર અને ૧૨ વર્ષ સુધી તેઓનું સાન્નિધ્ય મેળવનાર મહાન પરમહંસ સદ્‌ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીના શિષ્ય ડુંગરભક્તને આચાર્યશ્રીએ યજ્ઞ કરીને ભવ્યતાપૂર્વક ભાગવતી દીક્ષા આપી. આમ તો, સદ્‌ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીએ જ્યારે ડુંગરભક્તને ભાગવતી દીક્ષા આપવા માટે સૂચન કર્યું ત્યારે, તેમના મનમાં, આ પ્રભાવશાળી નવયુવાનને વરતાલ સંસ્થાનના વહીવટી ક્ષેત્રમાં જોડવાનો સંકલ્પ કરી રાખ્યો હતો. બાળપણથી જ આચાર્યશ્રીના મનમાં વસી ગયેલા આ કિશોર માટે તેમને થયું કે તે દીક્ષા લેશે તો મારા હાથમાંથી જશે. આથી તેમણે દીક્ષા આપવાની ના કહી. પરંતુ અંતે ગોરધનભાઈ કોઠારી વગેરેના આગ્રહથી અને શ્રીજીમહારાજના મળેલા વિજ્ઞાનાનંદ સ્વામી જેવા મહાન સંત દુખાઈ જશે - એવા કારણથી તેમણે દીક્ષા આપી. જો કે દીક્ષા પ્રાપ્ત કર્યા બાદ ‘યજ્ઞપુરુષદાસ’ તરીકે ડુંગરભક્ત આચાર્યશ્રીના હૃદયમાં વધુ વસી ગયા.

યજ્ઞપુરુષદાસજીની તીવ્ર મેધાવી પ્રતિભા અને ઉપાસનાના સૂક્ષ્મ સિદ્ધાંતોનું અન્વેષણ કરી સૌને સમજાવવાની અપૂર્વ શક્તિથી આચાર્યને લાગ્યું કે આ સાધુ જો આગળ ભણે તો જરૂર સંપ્રદાયને બહાર લાવી શકે. એટલે તેમણે યજ્ઞપુરુષદાસજીને વધુ ભણાવવાનો નિર્ણય કર્યો. જ્યારે બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્તને તેમણે આ વાત કરી ત્યારે તેમણે કહ્યું, “તમે એને શાસ્ત્રવિદ્યા ભણાવો, હું એને બ્રહ્મવિદ્યા ભણાવીશ.” યજ્ઞપુરુષદાસજીએ પ્રાગજી ભક્ત અને આચાર્યશ્રીને પ્રસન્ન કરવા, તેમનું પૂજન કરીને વિદ્યાભ્યાસ આરંભ્યો.

યજ્ઞપુરુષદાસજીની સાધુતા અને વિદ્વતાથી પ્રભાવિત થઈને આચાર્યશ્રી અવારનવાર તેમને પોતાની સાથે સત્સંગમાં વિચરણ અર્થે પણ લઈ જતા. કેટલોક અભ્યાસ કરાવ્યા બાદ આચાર્યશ્રીએ યજ્ઞપુરુષદાસજીને પ્રસિદ્ધ દ્રાવિડી વિદ્વાન રંગાચાર્ય (મધ્વ-તત્ત્વજ્ઞ) પાસે વિદ્યાભ્યાસ કરવા રાખ્યા. યજ્ઞપુરુષદાસજીની મોહક પ્રતિભાની અસર રંગાચાર્ય પર પણ થઈ. યજ્ઞપુરુષદાસજીએ વિશિષ્ટાદ્વૈત મત સમજાવી તેમને અક્ષરપુરુષોત્તમની શુદ્ધ ઉપાસના પણ સમજાવી. એ જ અરસામાં ગઢડામાં લક્ષ્મીવાડીમાં શ્રીહરિસમાધિ સ્થાને મૂર્તિપ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ આચાર્યશ્રીની નિશ્રામાં યોજાયો. આ પ્રસંગે પ્રતિષ્ઠાની સાંજે લક્ષ્મીબાગમાં એક મોટી વિદ્વત્સભા આચાર્યશ્રીની સંનિધિમાં જ યોજાઈ. આ સભામાં રાજકોટના વિદ્વાન અદ્વૈત વેદાંતી મહીધર શાસ્ત્રીએ શાસ્ત્રાર્થ કરવા માટે સંપ્રદાયના વિદ્વાનોને આહ્‌વાન આપ્યું. આચાર્યશ્રીએ સંતો-વિદ્વાનો તરફ દૃષ્ટિ કરી. પણ મહીધર શાસ્ત્રીની પ્રખર પ્રતિભાથી કોઈ એ આહ્‌વાન ઝીલવા તૈયાર ન થયું. ત્યારે, સંપ્રદાયની લાજ ન જાય એ હેતુથી નવયુવા યજ્ઞપુરુષદાસજીએ એ આહ્‌વાન ઝીલ્યું અને વીજળીની ત્વરાથી શાસ્ત્રાર્થના પ્રત્યુત્તરો આપીને યજ્ઞપુરુષદાસજીએ નામી સૂત્ર ઉપર મહીધર શાસ્ત્રીને મહાત કર્યા. આચાર્યશ્રી યજ્ઞપુરુષદાસની આવી પ્રખર વિદ્વત્તાથી મંત્રમુગ્ધ બની ગયા. રંગાચાર્ય આચાર્યશ્રી સમક્ષ બોલી ઊઠ્યા, “અસ્મિન્ સંપ્રદાયે એકમ્ એવ ।” અર્થાત્ આ સંપ્રદાયમાં યજ્ઞપુરુષદાસજી જેવા એ એક જ છે.

ત્યારબાદ વધુ વિદ્યાભ્યાસ માટે તેમણે યજ્ઞપુરુષદાસજીને રાજકોટ ખાતે જીવણરામ શાસ્ત્રી પાસે રાખ્યા. જીવણરામ શાસ્ત્રીને યજ્ઞપુરુષદાસજીની વિદ્વત્તા-તેજસ્વિતાથી અત્યંત સંતોષ થયો. આચાર્યશ્રીને જીવણરામે આ અંગે પત્ર દ્વારા જણાવ્યું ત્યારે આચાર્યશ્રીએ પ્રત્યુત્તરમાં તેમને લખ્યું હતું, “આ લોકમાં વિદ્યાદાનનો બદલો વાળવાનું કોઈ સંપૂર્ણ સાધન નથી. તમોએ શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીને અભ્યાસ કરાવી અમને પૂર્ણ સંતોષ આપ્યો છે. છતાં પણ એ અધિક વિદ્યાને પાત્ર છે એમ આપના લખાણથી જણાય છે. તો અમારી સાથે કાશી-વૃંદાવન-અયોધ્યા આદિ સ્થાનોએ લઈ જવાનું બંધ રાખી તમારા તરફ મોકલ્યા છે. આશા છે કે હવે વિદ્યાને માટે એમને અન્ય પુરુષની જરૂર નહીં રહે. તેમના પર સ્નેહમાં વૃદ્ધિ કરશો.”

ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલ શુદ્ધ ઉપાસનાના પાઠ શાસ્ત્રી યજ્ઞપુષદાસજી પ્રાગજી ભક્ત પાસેથી ભણી ચૂક્યા હતા. રાજકોટમાં આચાર્યશ્રીની આજ્ઞાથી તેઓ ત્યાં ભણતા હતા ત્યારે તેમની પ્રતિભા રાજકોટના યુવાનો પર અત્યંત છવાઈ ગઈ અને અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન પણ પ્રવર્તવા લાગ્યું. કેટલાકને આ ન રુચતાં તેમણે યજ્ઞપુરુષદાસજીને રાજકોટ છોડી જૂનાગઢ જવા ફરજ પાડી. આચાર્યશ્રીને આ સમાચાર મળ્યા ત્યારે તેમણે સદ્‌ગુરુ બાલમુકુંદ સ્વામી ઉપર જૂનાગઢ પત્ર લખીને જણાવ્યું કે: “મારી આજ્ઞાથી શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ રાજકોટમાં ભણે છે. તેમના તરફથી ઉપાધિ જેવું કાંઈ જણાતું હોય તો મને ખબર આપવી જોઈએ. પરંતુ આ પ્રમાણે તેમને ભણવાનું બંધ કરી જૂનાગઢ મોકલી દીધા તેમાં મારી આજ્ઞાની અવજ્ઞા છે. તો આ પત્ર મળે એટલે તુરત જ યજ્ઞપુરુષદાસજીને જૂનાગઢથી રાજકોટ બોલાવી લેશો અને તેમને ભણવાની તમામ સગવડતા આપશો.”

આમ, યજ્ઞપુરુષદાસજી પ્રત્યે આચાર્યશ્રી સવિશેષ આદર ધરાવતા હતા. આચાર્યશ્રી આવા તેજસ્વી અને ઉત્તમ વિદ્યાર્થીઓની સતત ઝંખના કરતા, તેમની સંભાવના કરવા તત્પર રહેતા અને વિદ્યા-ઉત્તેજનના કાર્યોમાં સતત પ્રવૃત્ત રહેતા. ‘પ્રવર્તનીયા સદ્‌વિદ્યા’નો શિક્ષાપત્રી-આદેશ એમણે યથાર્થ ઝીલ્યો હતો. યજ્ઞપુરુષદાસજીની જેમ નાના-મોટા અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓ પ્રત્યે પણ તેઓ સ્નેહની વૃષ્ટિ કરતા.

આચાર્યશ્રી એક ઉચ્ચ કોટિના આધ્યાત્મિક મુમુક્ષુ હતા. આધ્યાત્મિક જ્ઞાન માટે તેમની સતત જિજ્ઞાસા રહેતી. એટલે જ બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત જેવા ઊતરતી જ્ઞાતિના ભક્તરાજ પ્રત્યે પણ તેઓને ગુરુપણાનો ભાવ રહેતો અને તેમનો સમાગમ કરવા તેઓ નિઃસંકોચપણે તૈયાર રહેતા.

વિ. સં. ૧૯૪૯માં પોષ વદ ૧૨ના દિવસે આચાર્ય મહારાજ મહુવા (પ્રાગજી ભક્તના ગામમાં) પધાર્યા ત્યારે પ્રથમ દિવસે જ આચાર્યશ્રીએ પ્રાગજી ભક્તને કહ્યું, “તમે વાતો કરો. આ વખતે તમારા સમાગમ સારુ આવ્યો છું તેથી શાંતિ થાય તેવી વાતો કરો.” આચાર્યશ્રીએ ભગતજીનો આ સમયે ખૂબ સમાગમ કર્યો અને આધ્યાત્મિક ગોષ્ઠિ કરી. બીજે દિવસે આચાર્યશ્રીએ કોઠારી પ્રભુદાસને ભગતજીને દંડવત્ કરવા આજ્ઞા કરી અને તેમની પૂજા કરાવડાવી. ત્યારબાદ ભગતજીના ઘરે આચાર્યશ્રીએ વાજતે-ગાજતે પધરામણી કરી હતી અને ભગતજીનો સમાગમ પણ કર્યો હતો.

જ્યારે જ્યારે ભગતજીનો યોગ થતો ત્યારે તેઓ અવશ્ય ભગતજીની વાતો સાંભળવાની તક ઝડપી લેતા. વિ. સં. ૧૯૫૩ની સાલમાં જૂનાગઢ ખાતે જન્માષ્ટમીના સમૈયા ઉપર આચાર્યશ્રી પધારવવાના હતા ત્યારે ભગતજીને પોતાનો મહોરછાપવાળો પત્ર લખી ખાસ તેડાવ્યા હતા. જેતલસર જંક્શનથી આચાર્યશ્રીની જેમ જ બે ઘોડાની બગીમાં ભગતજીને બેસારીને જૂનાગઢમાં વાજતે ગાજતે પધરાવવામાં આવ્યા. યજ્ઞપુરુષદાસજીએ આ માટે ખૂબ પુરુષાર્થ કર્યો હતો. ભગતજીએ આ પ્રસંગે કથાવાર્તાની અદ્‌ભુત ઝડી વરસાવી. આચાર્યશ્રીએ એક વખત તેમને પોતાના ઉતારે બોલાવીને તેમની વાતો સાંભળી. ભગતજીએ તેમને કહ્યું, “સંતનું પારખું તો ગળું કાપે અને પૂજે એ સમ વર્તે ત્યારે થાય, એ વિના તમારા બાપ ભગવાન સ્વામિનારાયણ) ક્યાં વશ થાય તેમ છે? આત્મનિષ્ઠા વગર અને અહં-મમત્વ મૂક્યા વિના તમારા બાપ વશ થાય તેમ નથી.”

પ્રાગજી ભક્તની આવી ચોટદાર વાતોની આચાર્યશ્રી પર ઊંડી અસર થતી હતી. ભગતજીની બ્રાહ્મીસ્થિતિનો તેમણે હૃદયપૂર્વક સ્વીકાર કર્યો હતો. અને એટલે જ, સંપ્રદાયમાં ભગતજી પ્રત્યે અનેકનો વિરોધ હોવા છતાં તેઓ તેમને હૃદયપૂર્વક આદર આપતા, તેમની સાથે ક્યારેક એકાંતમાં બેસીને તેઓનું માર્ગદર્શન પણ આચાર્યથી મેળવતા. ડભાણના બળરામદાસ શાસ્ત્રીના બંડ વખતે પણ આચાર્યશ્રીએ એ બંડને શમાવવા માટે મહુવાથી પ્રાગજી ભક્તને ખાસ તેડાવ્યા હતા. આચાર્યશ્રીના નવજાત પુત્ર ઘનશ્યામપ્રસાદજી અક્ષરનિવાસી થયા ત્યારે તેઓ અત્યંત વ્યથિત થઈ ગયા હતા. આ વ્યથામાંથી બહાર આવી શાંતિ પ્રાપ્ત કરવા માટે તેઓએ ભગતજીને ખાસ ગઢડા બોલાવીને તેમનો સમાગમ કર્યો હતો. આવા પ્રસંગોએ તેઓની મુમુક્ષુતાની ચરમસીમા નિહાળવા મળતી.

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સહિત પરબ્રહ્મ સહજાનંદ સ્વામીની શુદ્ધ વૈદિક ઉપાસનાને પણ તેઓ હૃદયથી અનુસર્યા હતા. એટલે જ જાગાભક્તે તેમને અક્ષરપુરુષોત્તમની જોટે મૂર્તિ પધરાવવા કહ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે તમે એ મૂર્તિ પધરાવો તો તમને મહાપુરુષ જેવા બે દીકરા આપું. આચાર્યશ્રીની અંગત ઇચ્છા હોવા છતાં ભેખની ઉપાધિથી તેઓ અક્ષરપુરુષોત્તમની મૂર્તિ પધરાવી શક્યા નહીં. જેના આશીર્વાદથી પોતે આ પદ ઉપર પહોંચ્યા હતા એ ગુણાતીતાનંદ સ્વામી અને પોતાના ઈષ્ટદેવ શ્રીહરિની જોટે મૂર્તિ ન પધરાવી શક્યાનો તેમને રંજ પણ ખૂબ હતો.

સંપ્રદાયના વિસ્તાર-પ્રચાર-પ્રસારનું કાર્ય કરવામાં પણ આચાર્યશ્રીનું પ્રદાન અમૂલ્ય રહ્યું છે. સંપ્રદાયનું અમૂલ્ય સાહિત્ય રચવા-રચાવવામાં તેઓ સદૈવ તત્પર રહેતા. સંપ્રદાયશુદ્ધિ, દીક્ષા પદ્ધતિ, ઉન્મત્તગંગા માહાત્મ્ય, ભગવત્પ્રસાદજી વિચરિત શ્રીહરિલીલાપ્રદીપ(મૂળ રચયિતા બ્રહ્મચારી અચિંત્યાનંદજી)ની ટીકા, શ્રીમદ્‌ભગવદ્‌ગીતાની ગુર્જર ટીકા, શ્રીઆચાર્યચંદ્રોદય, કીર્તનકૌસ્તુભમાળા વગેરે ગ્રંથો આચાર્યશ્રીનું અમૂલ્ય પ્રદાન છે. તેઓનાં મહાપ્રદાન સમો આ હરિલીલામૃત ગ્રંથ આજેય સંપ્રદાયમાં ઘરોઘર ભક્તિભાવપૂર્વક ગવાય છે. આવા ગ્રંથો રચાવતા આચાર્યશ્રી સ્વયં શાસ્ત્રવ્યાસંગમાં સદેવ રત રહેતા. શ્રીહરિવાક્યસુધાસિંધુ ગ્રંથ(વચનામૃતનું સંસ્કૃત ભાષાંતર)નો અભ્યાસ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાળમુકુંદદાસ સ્વામીને પાસે રાખીને કર્યો હતો.

આ ઉપરાંત આચાર્યશ્રીએ સંપ્રદાય ઉપર એક અતિ મહાન ઉપકાર કર્યો હોય તો તે છે - સંપ્રદાયમાં શ્રીજી મહારાજની પ્રસાદીભૂત દિવ્ય વસ્તુઓના સંગ્રહનું કાર્ય. ગામોગામ હરિભક્તો-સંતોનો સહકાર સાધી તેમણે શ્રીહરિના અંગભૂત પ્રસાદીની વસ્તુઓનો ઐતિહાસિક દસ્તાવેજી દૃષ્ટિ રાખીને અમૂલ્ય સંગ્રહ કર્યો હતો, આ બધી વસ્તુઓને એક સ્થાને પ્રદર્શિત કરીને સૌને તેનાં દર્શનનો લાભ મળે એવી યોજના તેમણે કરી હતી.

સંપ્રદાયના ત્યાગીવર્ગની સેવા માટે પણ આચાર્યશ્રી સદૈવ તત્પર રહેતા. મધરાતે ઊઠીને માંદા સાધુને જાતે રસોઈ કરીને તેમણે નમ્રતાપૂર્વક સેવા-પરિચર્યા કરી છે. માંદા સાધુઓ-વૃદ્ધ-અશક્ત સાધુઓની સેવા માટે તેઓએ પૂરી સગવડતા સાથે એ સમયે એક ખાસ હૉસ્પિટલ પણ બંધાવી હતી. વરતાલમાં સાંખ્યયોગી સ્ત્રીઓ માટે તેમણે વાસણ સુથારના પ્રસાદીભૂત ઘરે જ સુંદર હવેલી પણ બંધાવી આપી હતી.

આ ઉપરાંત જૂનાગઢ મંદિરમાં શિખરો પર કળશ ચઢાવ્યા, ધોલેરામાં બેઠકમાં ચરણારવિંદ પધરાવ્યાં, સુરતમાં ધર્મ-ભક્તિ-ઘનશ્યામ પધરાવ્યા, ગોમતી સરોવર પાષાણથી બંધાવ્યું, લક્ષ્મીબાગમાં શ્રીહરિ-સમાધિસ્થાન પર સુંદર મંદિર રચાવ્યું, ભરૂચમાં ભક્તિ-ધર્મ-વાસુદેવની પ્રતિષ્ઠા કરી, વગેરે કેટલાંક નોંધપાત્ર રચનાત્મક કાર્યો તેઓએ કર્યાં.

તેઓએ વિચરણ કરીને ગામોગામ હરિભક્તોને સત્સંગની ખૂબ પુષ્ટિ આપી હતી. વિદ્વાન સંતોને સાથે ફેરવીને ભગવદ્‌વાર્તાના પણ સુંદર પ્રસંગો તેઓ ખૂબ યોજતા. આ ઉપરાંત ગઢડા, વરતાલ, રાજકોટ વગેરે સ્થળોએ મહાન વિષ્ણુયાગ પણ તેઓએ કરાવ્યા હતા. વળી હરિજયંતી, જન્માષ્ટમી, અન્નકૂટોત્સવ વગેરે ઉત્સવોને ધામધૂમથી ઊજવીને તેમણે સંપ્રદાયની પ્રણાલીઓને વધુ દૃઢ કરી. પંચતીર્થી જેવી તીર્થયાત્રાઓ કરીને તેમણે શ્રીહરિના પ્રસાદીભૂત તીર્થોનો મહિમા પણ ખૂબ વધાર્યો. આચાર્યશ્રીએ સૌની સાથે સુહૃદભાવ કેળવીને સૌની ચાહના પણ ખૂબ મેળવી હતી. મહાન સંતો કે હરિભક્તોની માંદગી પ્રસંગે કે તેમના અન્ય પ્રસંગોએ તેઓ અવશ્ય પધારતા. દાદાખાચરના પુત્ર અમરા ખાચર ગઢડામાં બીમાર પડ્યા તો વરતાલથી તેઓની સંભાવના કરવા ખાસ ગઢડા પધાર્યા. અમદાવાદના આચાર્યશ્રી કેશવપ્રસાદજી બીમાર હતા ત્યારે તેઓનાં દર્શને ખાસ અમદાવાદ પણ પધાર્યા હતા.

જુદાં જુદાં રાજ્યોના રાજાઓમાં પણ તેઓ ખૂબ આદર સન્માન પામ્યા હતા. વિ. સં. ૧૯૪૪માં મુંબઈના બ્રિટિશ ગવર્નર લોર્ડ રે વરતાલ ખાસ દર્શનાર્થે આવ્યા ત્યારે તેઓ પણ આચાર્યશ્રીને મળીને સંપ્રદાયની ઊંડી છાપ લઈને ગયા હતા.

વિ. સં. ૧૯૫૫માં સત્સંગની સેવા કરતાં કરતાં તેઓની જીવનયાત્રા વિરામ પામી. શ્રાવણ સુદ ૧૫ના દિવસે તેઓ બીમાર પડ્યા. મુંબઈ તથા અન્ય શહેરોના પ્રતિષ્ઠિત તબીબોની દવાથી પણ આરામ ન જણાતાં અંતે, તેઓએ વરતાલ સંસ્થાના મહાન કોઠારી શ્રી ગોવર્ધનભાઈને અંતિમ ભલામણો કરી. પોતે નિર્વંશ હોવાથી વરતાલ ગાદીનું વીલ કરીને તેમણે ગોવર્ધનદાસ કોઠારીને ટ્રસ્ટીઓના સાથમાં વ્યવહાર સોંપ્યો, પોતાના કાકા પાંડે નારણદત્તજીના ચિરંજીવી લક્ષ્મીપ્રસાદને દત્તક લેવા જણાવી આચાર્યપદે સ્થાપવા કહ્યું અને લક્ષ્મીપ્રસાદજી ઉંમરલાયક થાય ત્યારે તેને વ્યવહાર સોંપવા જણાવ્યું. ઉપરાંત હરિલીલામૃત ગ્રંથ છપાવી પ્રસિદ્ધ કરવાની આજ્ઞા કરી. આચાર્યચંદ્રોદય ગ્રંથ પૂર્ણ કરવા જણાવ્યું. ગોમતી સરોવરનો ઉગમણો ઘાટ અધૂરો હતો તેનું નિર્માણ પૂર્ણ કરવા જણાવ્યું. પોતે એકત્રિત કરેલી વસ્તુઓનાં દર્શન સૌને થાય તે રીતે પ્રદર્શિત કરવાની યોજના દર્શાવી. પોતાનાં બંને પત્નીઓને પણ સંપ્રદાયનાં ઉપરોક્ત કાર્યોમાં પોતાનો પૂર્ણ સહયોગ આપવા અનુરોધ કર્યો. આમ, અંતિમ શ્વાસ સુધી સંપ્રદાયની સેવાની અવિરત રટણા તેમની નસેનસમાં વહેતી રહી. વિ. સં. ૧૯૫૫ના ભાદરવા સુદ ૮ના રોજ તેઓ ક્ષર દેહનો ત્યાગ કરી અક્ષરનિવાસી થયા. સંપ્રદાયનું એક મહાન ઝળહળતું રત્ન, તેનો સનાતન પ્રકાશ રેલાવી શ્રીહરિના દિવ્ય મુકુટમાં સદાયને માટે જડાઈ ગયું, અમર થઈ ગયું.

એવા, ધર્મકુલભૂષણ આચાર્યપ્રવર શ્રીવિહારીલાલજી મહારાજનાં ચરણોમાં કોટિ કોટિ વંદન.

- સ્વામિનારાયણ અક્ષરપીઠ.


‘કીર્તનકૌસ્તુભમાળા’માં ગુણાતીતાનંદ સ્વામીએ ધરાવેલા વર્તમાનનું સ્મરણ કરતાં આચાર્યશ્રીએ લખ્યું છે:

અક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામી, તેણે આપ્યાં વર્તમાન,
પોતે પાળીને પછી પળાવ્યું, જનને દઈ ઘણું જ્ઞાન.

(પૃષ્ઠ ૧૨, પ્રકાશક: આચાર્ય શ્રીપતિપ્રસાદજી મહારાજ તથા કોઠારી શ્રી ગોવર્ધનભાઈની આજ્ઞાથી તેમના શિષ્ય કોઠારી હઠીભાઈ નાનજીભાઈ, મુંબઈ, સં. ૧૯૬૮, ઈ. સ. ૧૯૧૨)

હરિલીલામૃતના પ્રારંભમાં પણ સ્વામીની સ્તુતિ કરતાં આચાર્યશ્રીએ નોંધ્યું છે,

મને સત્સંગીના નિયમ શુભ આપી સુખી કર્યો,
દયા આણી વાણી વદી શુભ વળી સંશય હર્યો.
કર્યો એવો જેવો વૃષકુળપતિને મન ગમું,
ગુણાતીતાનંદં સકળ ગુણકંદ નમું નમું.

(૧/૧/૪૦)

← back

શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી પાછળથી બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ તરીકે બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના સ્થાપક બની વિશ્વવિખ્યાય થયા.

← back

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે