કળશ ૧

વિશ્રામ ૫

 

ઉપજાતિ

કહે ભૂમાનંદ સુણો સુભક્ત, એકાગ્ર રાખી મન ઇંદ્રિ યુક્ત;

સંવાદ વર્ણીન્દ્ર નરેંદ્ર કેરો, જે સ્થાન મધ્યે પ્રગટ્યો ઘણેરો. ૧

તે સ્થાનનું વર્ણન તેહ કાળે, કર્યું મહારાજ વિહારીલાલે;

તે હું હવેથી તમને સુણાવું, સુણાવવા અંગ ઉમંગ લાવું. ૨

ઉપજાતિ - વરતાલનું વર્ણન

આચાર્ય બોલ્યા હરિભક્ત પાસ, સુણો તમે સૌ હરિકૃષ્ણદાસ;

વૃત્તાલનું વર્ણન હું કરૂં છું, મોટો મહીમા મનમાં ધરૂં છું. ૩

શી વર્ણવું વૃતપુરીની શોભા, જે દેખવા દૃષ્ટિ દિસે સલોભા;1

શ્રીલક્ષ્મીનારાયણ જ્યાં વસે છે, તેથી જ સર્વોત્તમ તે દિસે છે. ૪

વસ્યા જહાં અક્ષરના નિવાસી, તે તુલ્યતા કોણ કહે જ કાશી;

માહાત્મ્ય તેનું મનમાં વિચારે, દ્વારાવતીને2 વળતી વિસારે. ૫

નક્ષત્ર કોઈ રવિતુલ્ય નાવે, મેરૂ સમો પર્વત ના કહાવે;

ચિંતામણિથી ધન સર્વ છોટું, સર્વેથી વૃત્તાલય તીર્થ મોટું. ૬

ગંગા રહી ગોમતિને સ્વરૂપે, ભાનુસુતા3 દૈવત જ્ઞાનકૂપે;

સરસ્વતી ગોપિતળાવ ભાવે, ત્રિવેણીનું તત્ત્વ ધનાતળાવે. ૭

એ ચાર જે ગોમતિતીર્થ આદિ, પ્રત્યક્ષ કૃષ્ણે કરી છે પ્રસાદિ;

તેથી મહિમા અતિ શ્રેષ્ઠ એનો, વિસ્તારથી ભેદ કહીશ તેનો. ૮

જુવો વળી ઉત્તમ તીર્થ જેહ, તડાગ4 છે ટાડણ નામ તેહ;

શ્રીભક્તિપુત્રે બહુ વાર સ્નાન, જેમા કર્યું જાહ્નવિ5 તે સમાન. ૯

ઈન્દ્રવંશા

શ્રીનાથનું મંદિર શોભિતું ઘણું, વેગે કરૂં વર્ણન આજ તે તણું;

પ્રાકારનું6 પૂરવ દ્વાર શ્રીધરે,7 જોવા નિશાનાથ8 દિનેશ9 સંચરે. ૧૦

વિઘ્નેશ સામા હનુમાન ત્યાં રહે, ભક્તો તણાં સંકટ ભાંગવા ચહે;

ભૂતાદિ ચૂડેલ ડરે જ દૂરથી, વેગેથી નાસે વળગાડ ઉરથી. ૧૧

ઉપજાતિ

શ્રીભક્તિપુત્રે કરુણા કરીને, તે મૂર્તિયો સ્થાપી કરે ધરીને;

તેથી ઘણું દૈવત તેહમાં છે, આશ્ચર્ય મોટાં બહુ એહમાં છે. ૧૨

અગ્નિ ખૂણે મંદિરથી દિસે છે, અખંડ નારાયણમોલ10 એ છે;

જહાં બીરાજી અઘના અરીયે,11 શિક્ષાની પત્રી રચિ શ્રીહરીયે. ૧૩

અહો નિહાળો શુભ નિંબ એહ, જનમ્યો હશે શું વટવંસિ તેહ;

અસંખ્ય બ્રહ્માંડ તણા નિવાસ, પ્રત્યક્ષ બેઠા પ્રભુ જેની પાસ. ૧૪

મંદિરનું વર્ણન

દેવાલયે જે શિખરો દિસે છે, શું શૃંગ12 હિમાચલનાં જ એ છે;

ધોળી ભલી ધન્ય ધજા વિરાજે, વિદ્યુલ્લતા13 ચંચળતાથી લાજે. ૧૫

ધજા ફરુકે સમશ્યાથી14 જેમ, બોલાવતી હોય સમીપ તેમ;

આવો અહિં સૌ જનને કહે છે, કલ્યાણ તો આજ અહિં રહે છે. ૧૬

પૂર્વાભિ છે મંદિરદ્વાર એહ, મુખ્યત્વ તેમાં ત્રણ ખંડ તેહ;

સિંહાસનો રુક્મ15 તણાં વિરાજે, તે દેખી ગોલોક નિવાસ લાજે. ૧૭

જુઓ રુડો ઉત્તરખંડ જ્યાંય, રુડી દિસે છે ત્રણ મૂર્તિ ત્યાંય;

શ્રીધર્મભક્તિ વળી વાસુદેવ, ટાળે જનોનાં દુઃખ તર્તખેવ. ૧૮

ભલો જુવો મધ્યમખંડ ભાઈ, વિશેષ તેમાં છબી છે છવાઈ;

જ્યાં લક્ષ્મીનારાયણ છે ઉભાય, પાસે રુડા છે રણછોડરાય. ૧૯

જુવો વળી દક્ષિણ ખંડ ધારી, રાધાજી વૃંદાવનના વિહારી;

તેની જ જોડે હરિકૃષ્ણ રાજે, શૈય્યા જુદા ખંડ વિષે જ છાજે. ૨૦

જો મત્સ્ય માર્તંડ16 સુકૂર્મ રૂપ, શ્રીશેષશાયી નરસિંહ ભૂપ;

વરાહની મૂર્તિ મનોજ્ઞ17 ભાસે, તે મૂર્તિયો મંડપમાં પ્રકાસે. ૨૧

જો ધર્મવંશી તણી આ હવેલી, રુડી રીતે છે રચના રચેલી;

છે ઇન્દ્રના વૈભવ તુલ્ય તેમાં, સર્વે પ્રકારે સુખસાજ જેમાં. ૨૨

હતી તહાં શીતળ નિંબ છાંય, પૂર્વે પ્રભુ ત્યાં કરતા સભાય;

તે સ્થાનમાં તે થઈ છે હવેલી, વંદે મહર્ષિ મુનિ માન મેલી. ૨૩

જો સંતનું આશ્રમ શુદ્ધ આ છે, ભલું વિશાળાશ્રમ18 તુલ્ય ભાસે;

નિરન્નમુક્તો સમ સાધુ સારા, યોગી વસે સાધન સાધનારા. ૨૪

સિદ્ધાસને કોઈ કરે સમાધિ, પદ્માસને કોઈ તજે ઉપાધિ;

કોઈક ઊંચા કર બે કરીને, જપે પ્રભુ એક પગે ઠરીને. ૨૫

કોઈ હરિના ગુણ ઉચ્ચરે છે, કોઈ જનોને ઉપદેશ દે છે;

બ્રહ્માંડ ને પિંડ થકી વિરક્ત, ભલા પ્રભુના જ અનન્યભક્ત. ૨૬

વૈતાલીય

તપસી તપસા તહાં કરે, પ્રભુતા19 શ્રીપ્રભુની દિલે ધરે;

રસના રસ નામ લે નહીં, ધનને બંધન તે ગણે સહી. ૨૭

દુઃખમાં દુઃખ માની લે નહીં, સુખને તે સુખ ના ગણે સહી;

હરિ હે હરિ નામ ભાખતા, તનથી પ્રીત નથી જ રાખતા. ૨૮

ઉપજાતિ

કોઈ ભણે શાબ્દિક શાસ્ત્ર20 શુદ્ધ, કોઈ ભણી ન્યાય બને સુબુદ્ધ;21

વેદાંત નિર્ભ્રાંત22 ભણે ભણાવે, પુરાણ કોઈક સુણે સુણાવે. ૨૯

કોઈ મુનિ શુદ્ધ સતાર વીણ, ઇત્યાદિ વાજિંત્ર વિષે પ્રવીણ;

વાજિંત્ર લૈ ગાન શરૂ કર્યું છે, જાણે મુનિ નારદ તુંબરુ છે. ૩૦

ષડ્જાદિ સાતે સ્વરભેદ જાણે, ત્રિગ્રામની રીત પુરી પ્રમાણે;

છે મૂર્છનાઓ વળી એકવીશ, છ રાગ ને રાગણી જાણ ત્રીશ. ૩૧

જો તુંબિપાત્રો લટકે ઘણેરાં, ભવાબ્ધિનાં નાવ મુમુક્ષુ કેરાં;

કાં તો અખંડામૃત આપનારાં, કમંડલું અક્ષરથી ઉતાર્યાં. ૩૨

ભલો સભામંડપ પશ્ચિમે છે, શું યજ્ઞશાળા અદભૂત એ છે;

માહાત્મ્ય તેનું કહી શું શકાય, જ્યાં જ્ઞાનનો જજ્ઞ અખંડ થાય. ૩૩

રુડો હરિમંડપ નૈરુતે છે, પ્રસાદીનું સ્થાન પવિત્ર એ છે;

જહાં બીરાજી જનને પ્રબોધિ, શિક્ષાની પત્રી ઘનશ્યામ શોધિ. ૩૪

આંહીં વસે નૈષ્ઠિક વર્ણિવૃંદ, ભણે ભલા ૠગ્યજુ સામ છંદ;

ત્રિકાળ સંધ્યા વળી વૈશ્વદેવ, ગાયત્રીનો જાપ જપ્યાની ટેવ. ૩૫

મંદિરથી ઉત્તરમાં ઉદામ,23 આરામ24 નારાયણબાગ નામ;

વિરાજિયા જ્યાં વૃષવંશ રાજ, સાથે લઈ સંત તણો સમાજ. ૩૬

તેમાં અમે મંદિર છે કરાવ્યું, ભલું સુભક્તો મન માંહિ ભાવ્યું;

નિહાળતાં તેની કૃતિ નવિની, સ્મૃતિ કરાવે રઘુવીરજીની. ૩૭

ત્યાંથી વળી ઉત્તરમાં અનૂપ, છે ગોમતી તીર્થ તડાગરૂપ;

દ્વારાવતીથી અહિં એહ આવ્યાં, જે સચ્ચિદાનંદ મુનીન્દ્ર લાવ્યા. ૩૮

જુઓ બની બેઠક પૂર્વ તીરે, લીલા કરી જ્યાં નરદેવ વીરે;

વસંતમાં રંગ બહુ રમ્યા છે, જ્ઞાની જનોના મનમાં ગમ્યા છે. ૩૯

સોપાન25 શોભે સુઘડેલ સારાં, પવિત્ર મુક્તિપદ આપનારાં;

સ્થળે સ્થળે ત્યાં બહુ તીર્થ થાન, ભાવે કરે સ્નાન સુભાગ્યવાન. ૪૦

ગંગાથી છે નિર્મળ નીર જેમાં, પેખ્યાં ઘણાં પદ્મ પવિત્ર તેમાં;

હંસો વસે માનસરોવરે છે, તે દેખી સંદેહ દિલે ધરે છે. ૪૧

નિરન્નમુક્તો મુનિવેશ ધારી, કરે સદા સ્નાન અહીં પધારી;

નાયા જહાં અક્ષરના નિવાસી, તે તુલ્ય શું થાય પ્રયાગ કાશી. ૪૨

સ્ત્રીયો ભરે નીર તડાગ26 તીરે, તેનાં પડે છે પ્રતિબિંબ નીરે;

શું નાગકન્યા મહિમા વિચારી, પાતાળમાંથી અહિયાં પધારી. ૪૩

પાણી ભરી કાવડ કોઈ લાવે, શું તીર્થવાસી કરી તીર્થ આવે;

આ તીર્થને અન્ય તુલાથી તોલે, આ તીર્થનું પુણ્ય બહુત્વ બોલે. ૪૪

ત્યાંથી વળી વાયુદિશા વિભાગ, રુડો દિસે છે રઘુવીર બાગ;

જહાં બિરાજી જગદીશ આપ, પુરો જણાવ્યો જનને પ્રતાપ. ૪૫

વૈતાલીય

સદળી27 કદળી28 વળી ફળી, ન ફળી વેત્રલતા29 નહી દળી;30

અકળીત કળી મળી મળી, લતિકા લુંબિ રહી લળી લળી. ૪૬

ફળ દાડમ દાડિમી વિષે, રસદાયી રસદાર તે દિસે;

દશનાકૃતિ31 કૃષ્ણની હવી, કળી તેની કળી શું શકે કવિ. ૪૭

કમળો વિમળો સ્થળો તણાં, સુદિશે ને વિદિશે દિસે ઘણાં;

કળના કળનાર શું કરે, હઠિલાની હઠિલાઈને હરે. ૪૮

નિરખી નિરખી ઉદ્યાનને, કહું સૃષ્ટિ સ્રજ સૃષ્ટિવાનને;

અજતા32 અજ33 તારી ધન્ય છે, રચના આ રચનાથી અન્ય છે. ૪૯

બહુ ઉદભવ ઉદ્‌ભિજો ધરે, ગણના ત્યાં ગણનાર શી કરે;

નજરો નજરે નિહાળતાં, ન વળે દૃષ્ટિ તહાંથી વાળતાં. ૫૦

ચકવા ચકવી તહાં ઠરે, ચરવાનું ચરવા હરે ફરે;

સુર માનવ માનવા સહી, ખગજાતિ ખગ જાણવા નહીં. ૫૧

ઉપજાતિ

અશોક34 ને અંબ35 કદંબ છાજે, દ્રાક્ષાલતા ને કદળી વિરાજે;

સીતાફળી જામફળી અપાર, બકુલ36 જંબુફળ ને અનાર. 37 ૫૨

નારંગી પૂંગીફળી38 અંજીરો છે, અખોડ39 એલાફળ40 જંબીરો41 છે;

બદામડી ને પનસો42 બહુ છે, લવિંગ શોભામય તે સહુ છે. ૫૩

ચંપા જુઈ ચંદનવૃક્ષ ચારુ, ગુલાબ ને જાઈ વિશેષ ધારુ;

સુકર્ણિકા43 પુષ્કળ પારિજાત, ભલાં દિસે પુષ્પ અનેક ભાત. ૫૪

ભૃંગાવળી44 ત્યાં ભમતી ભમે છે, અનેક પુષ્પો થકી ગંધ લે છે;

જાણે લીધો શ્રી હરિનો સુવાસ, ભમે બિચારા ધરી એવી આશ. ૫૫

વૃક્ષોપરે કુંદલતા45 છવાઈ, જાણે શિરે પુષ્પ પછેડી છાઈ;

તે ભાળીને ભક્ત ઉમંગ લાવે, શ્રીજીની મૂર્તિ સ્ફુરી ઊર આવે. ૫૬

જે વૃક્ષ પામ્યાં પ્રભુનો પ્રસંગ, ફૂલ્યાં તહાં શબ્દ કરે સુભૃંગ;

પ્રભુ ન ભેટ્યા વનમાં વસે છે, શું તે જનોને તરુઓ હસે છે. ૫૭

શુકાદિ46 પક્ષી સ્વર શુદ્ધ બોલે, શી ઉપમા શોભિત તેની તોલે;

જાણે મુનિમંડળ ઠીક ઠાઠ, પ્રેમે પઢે છે શ્રુતિ સામ પાઠ. ૫૮

સ્વર્ગાદિનાં સૌ સુખ સ્વલ્પ જાણી, માહાત્મ્ય મોટું અહિંનું પ્રમાણી;

આશ્ચર્ય પક્ષી ઉર માંહિ લાવે, માટે બહુ મસ્તકને ધુણાવે. ૫૯

ઊંચે સ્વરે મોર મુખે ઉચારે, તેનું કવિ કારણ એમ ધારે;

છે સ્નેહ તેને ઘનશ્યામ સંગે, માટે રટે નામ મહા ઉમંગે. ૬૦

વાડી વિષે હર્મ્ય47 દિસે વિશાળ, શું બ્રહ્મવિદ્યા તણી તે નિશાળ;

વૈકુંઠથી એક નિવાસ48 લાવી, જાણે મુક્યો છે મહિમા ઠરાવી. ૬૧

પુરીથી ઈશાન પ્રદેશ ભાગ, જ્યાં છે વિશાળાખ્ય વિશાળ બાગ;

જેના ફળો શ્રીહરિજી જમ્યા છે, વિરાજીને ત્યાં જનને ગમ્યા છે. ૬૨

પુરી થકી પૂર્વ તડાગ તીર, દેરી વિષે છે હનુમાન વીર;

જહાં મહારાજ વિરાજિયા છે, પ્રસાદીની પાવન તે જગ્યા છે. ૬૩

મહાપ્રભુ મજ્જન49 ત્યાં કર્યું છે, સુતીર્થ તેથી જ તહાં ઠર્યું છે;

પવિત્ર જે પુષ્કર તીર્થરાજ, આવી વસ્યું શું અહિયાં જ આજ! ૬૪

જ્યારે સમૈયો જનનો ભરાય, ત્યારે જનો તે પુરમાં ન માય;

સમુદ્રમાં ભર્તિ ભરાય જેમ, ચારે દિશે સંઘ છવાય તેમ. ૬૫

નાવા મળીને જનજૂથ જાય, ઊંચે સ્વરે કીર્તન તેહ ગાય;

શબ્દોથી ભૂગોળ50 ખગોળ51 ગાજે, જોવા વિમાને સુરવૃંદ52 છાજે. ૬૬

જાતિ જુદી દેશ જુદા વિશેષ, ભાષા જુદી ને વળી ભિન્ન વેષ;

શું નાટકી નાટક વેષ લાવ્યા, પોતા તણા વેષ ભલા ભજાવ્યા. ૬૭

ભાળો પુરીથી વળી પૂર્વભાગ, બન્યો બહુ સુંદર જ્ઞાનબાગ;

મુનીશ જ્યાં શીશ કિરીટ ધાર્યો, તે ભૂમિકાનો મહિમા વધાર્યો. ૬૮

છે હોજ બે વિશ્વપ્રસિદ્ધ જેહ, રંગે ભરાવી હરિરાય તેહ;

હોળી રમ્યા ત્યાં જન સાથ હેતે, લીલા કરી કૃષ્ણ કૃપાનિકેતે. 53 ૬૯

અહીં હતો અદ્‌ભુત આંમલો જે, સુભાગ્યશાળી સઉથી ભલો તે;

જે નાથને જોગી જનો ન ભાળે, હેતે હિંચ્યા તે હરિ જેની ડાળે. ૭૦

જ્યાં પીજવાસી શિવલાલ આવી, બહૂ રુડી બેઠક છે રચાવી;

સત્સંગના સંઘ અસંખ્ય આવે, નારી નરો મસ્તક ત્યાં નમાવે. ૭૧

પુષ્પિતાગ્રા

વૃષજ54 ચરિત વર્ણવા વિચારી, વૃષજ સદંઘ્રિ-સરોજ55 ચિત્ત ધારી;

પ્રથમ કથન યોગ્ય જે વિચાર્યું, વરણન વૃત્તપુરી તણું ઉચાર્યું. ૭૨

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમ કળશે

ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે વૃત્તપુરી

વર્ણનનામ પંચમો વિશ્રામઃ ॥૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે