કળશ ૧

વિશ્રામ ૭

ઉપજાતિ

દેવાજીયે હેત વિશેષ કીધું, સૌ સંતને ભોજન મિષ્ટ દીધું;

વૃંતાક ત્યાં મિષ્ટ વિશેષ ધારી, કર્યો સુશાકોત્સવ શ્રીમુરારી. ૧

શિખરિણી

મંગાવ્યાં તે ટાંણે વસુ1 મણ સુવૃંતાક હરિયે,

તથા ઘી તે તુલ્યે વસુ મણ નહી ન્યૂન જરિયે; ૨

મસાલો રૂપાળો તજ લવિંગ એલાયચી તથા,

વઘાર્યું તે સારૂં સરસપણની2 શી કહું કથા. ૩

હરિદ્રાને3 સાટે ધરમકુંવરે કેસર ધર્યું,

સ્વહસ્તે સંભાળી કદી નવ કરેલા સમ કર્યું; ૪

જથો જાવંત્રીનો ભલી વળી ભુકી જાયફળની,

સુગંધી ફેલાઈ સકળ પુરમાં તે સકળની. ૫

ઉડીને આકાશે પરિમળ4 પહોંચ્યો સ્વરગમાં,

પ્રશંસા તેથી થૈ સુરપતિ સુરોના વરગમાં; ૬

સ્વહાથે શ્રીનાથે સુખદ પિરસ્યું સંત સહુને,

જમાડ્યા જુક્તિથી ભલી વિધિ બીજા ભક્ત બહુને. ૭

ઉપજાતિ

દેવોજી ત્યાં દર્શન કાજ આવ્યા, સાથે ભલા ચાર કુમાર લાવ્યા;

નાથોજી કાનોજી સુમોતિભાઈ, સંજ્ઞા બીજી ચંદ્રસિંહે ગણાઈ. ૮

છે ભાણભાઈ સુચતુર્થ નામ, બેઠા પ્રભુને કરી સૌ પ્રણામ;

પૂછ્યું પ્રભુ આપ કુમાર આ છે, રાજા કહે તે સુત આપના છે. ૯

ત્યાં મોતિભાઈ વળી ભાણભાઈ, બે શીશ મૂક્યો કર સુખદાઈ;

આ બે કહ્યું સેવક છે અમારા, આ બે બીજા તે સુત છે તમારા. ૧૦

તે બોલનો મર્મ પ્રભુ જ જાણે, જાણે ન બીજા જન તેહ ટાણે;

જેને કહ્યું શ્રીહરિયે અમારા, તે તો થયા બે સતસંગી સારા. ૧૧

પ્રસાદી દૈ તે સહુને જમાડ્યા, વાતો કરી મોદ ઘણા પમાડ્યા;

હેતે હરીને મન માંહિ ધાર્યા, સપુત્ર રાજા પુરમાં પધાર્યા. ૧૨

સભા બીજે રોજ ભરાઈ જ્યારે, ભૂપાળ આવ્યા પ્રભુ પાસ ત્યારે;

વેરાગી આવ્યો નરનાથ યુક્ત, છે નામ જેનું વળી દેવમુક્ત. ૧૩

પાખંડી પાખંડ ચલાવતો તે, આચાર્યનો ઢોંગ ધરાવતો તે ;

નહિ ભણેલો અભિમાન ભારે, પોતા તણો પંથ નવો વધારે. ૧૪

શ્રીજી તણા સંત જ નંદ જેમ, તે ઢોંગિના સંત જ મુક્ત તેમ;

શ્રીમુક્ત ધીમુક્ત શ્રીરામમુક્ત, વૈરાગ્યમુક્ત પ્રભુમુક્ત5 યુક્ત. ૧૫

આવ્યા જનો જે નરપાળ સાથે, સૌને દીધું માન મુનીન્દ્ર નાથે;

પાખંડીને શબ્દ ભલા સુણાવી, બેસારિયો આસન ત્યાં નખાવી. ૧૬

કર્તા હતા વાત કૃપાનિધાન, તે સુણતા સૌ થઈ સાવધાન;

પાખંડી બોલ્યો અભિમાન આણી, નથી તમારી સમજાતી વાણી. ૧૭

કરે સુવાર્તા મુનિમુક્ત કાંઈ, તો જાણીયે કાંઈક સારમાંઈ;

બોલ્યા સુણીને મુનિમુક્ત સોય, પ્રભુની વાણી શ્રુતિતુલ્ય હોય. ૧૮

બ્રહ્માદિને દુર્ગમ અર્થ એનો, શું જાણીયે પામર પ્રાણી તેનો;

એવી રીતે માર્મિક વેણ મારી, પછી રહ્યા મૌન મુનિ વિચારી. ૧૯

ત્યાં શ્રીજીયે વાત વળી ઉચારી, પાખંડી બોલ્યો અભિમાન ધારી;

હું જે પૂછું ઉત્તર એહ આપો, સર્વે તણા સંશય આપ કાપો. ૨૦

એવું કહીને બહુ પ્રશ્ન કીધા, તે શ્રીજીયે ઉત્તર સર્વ દીધા;

શાસ્ત્રો તણી સાક્ષી6 અનેક આપી, તેણે ન માન્યુ જરીયે તથાપી. ૨૧

પાખંડી બોલ્યો પ્રભુ સામું એમ, તમે ધર્યો ધર્મ નવિન કેમ?

ખોટા તમે છો નથી સત્યવાદી, અમે ધર્યો ધર્મ ખરો અનાદિ. ૨૨

બોલ્યા સુણી શ્રીજી ભવિષ્યવેત્તા, શું મર્મમાં ઉત્તર હોય દેતા;

ખોટો ખરો ધર્મ પ્રસિદ્ધ થાશે, છ માસ મધ્યે સધળું જણાશે. ૨૩

દેવાજી ભૂપે પણ તેહ ઠાર, તેને જ દીધો ઠપકો અપાર;

તે સાંભળી ઊઠી ગયો અધર્મી, જણાઈ આવ્યો પછી તે કુકર્મી. ૨૪

પાપિષ્ઠ તે એક પરસ્ત્રી લૈને, નાશી ગયો વિહ્વળ ચિત્ત થૈને;

રહ્યો ન કાંઈ ઈતબાર7 એનો, તુટી પડ્યો તે પછી પંથ તેનો. ૨૫

હવે કહું શ્રીહરિની કથાય, ત્રીજે દિને ત્યાં વૃષવંશિ રાય;

સારું અરીઠા તણું ઝાડ જોઈ, જમ્યા સ્વહસ્તે કરી ત્યાં રસોઈ. ૨૬

અષ્ટાંગના સાધન કેરી રીત, સુસંતને શ્રીહરિ નિત્ય નિત્ય;

સ્નેહે કરી શીખવતા સદાય, એકાંતમાં સાધન તેહ થાય. ૨૭

તે બાગમાં તો બહુ લોક આવે, તેથી જ ત્યાં શીખવતાં ન ફાવે;

બોલ્યા મહીનાથ સમીપ માવો, એકાંત જગ્યા અમને બતાવો. ૨૮

રાયે કહ્યું શ્રીહરિની હજૂર, આંહી થકી છે અધ ગાઉ દૂર;

આશાપુરીનું શુભ સ્થાન જેહ, આ ગામથી ઉત્તર માંહી તેહ. ૨૯

એકાંત જગ્યા અતિ એહ સારી, એવું સુણી ત્યાં વિચર્યા મુરારી;

રાજા તણા આગ્રહથી નિવાસ, કર્યો તહાં શ્રીહરિ યુગ્મ8 માસ. ૩૦

તહાં રહીને નિજભક્ત ઘેર, જતા હતા શ્રીહરિ રૂડી પેર;

તે તો પધારે પધરામણીમાં, જ્યાં હોય શ્રદ્ધા ઘરના ધણીમાં. ૩૧

ત્યાં ગોંડળી નામ નદી કિનારે, પ્રણામીનું મંદિર જેહ ઠારે;

કુંભાર કેરું ઘર તેની પાસ, રહ્યા હતા ત્યાં હરિ રાત વાસ. ૩૨

અજો તથા જે હરભંમ નામ, તે બેયને ઘેર પધારી શ્યામ;

તેઓ તણે ઘેર જમ્યા મુરારી, તેની સુજાતિ કડીયાની ધારી. ૩૩

મેરાઇ રત્નો વળી એક વીરો, સત્સંગમાં શોભિત જેમ હીરો;

પ્રસન્ન તેને પ્રભુજી થઈને, તેઓ તણે ઘેર જમ્યા જઈને. ૩૪

સુજાતિ જાણો કણબી જ જેની, સુસાખ્ય9 તો કોટડિયાની તેની;

તેને ઘરે જૈ શુભ ભાવ જોઈ, જમ્યા પ્રભુ ત્યાં કરીને રસોઈ. ૩૫

છે ગામમાં દેવપરું જહાંય, જોદ્ધો રહે એક સુતાર ત્યાંય;

તેને ઘરે કૃષ્ણ ઝુલ્યા હિંડોળે, સુભાગ્યશાળી નહિ તેની તોલે. ૩૬

સુતાર જેકર્મણ નામ જેનું, છે તે પરામાં ઘરબાર તેનું;

તેને ઘરે શ્રીપ્રભુજી પધાર્યા, હૈયા વિષે હર્ષ ઘણા વધાર્યા. ૩૭

નદી ભલી ઉત્તરમાંથી આવે, પ્રવાહ તો દક્ષિણમાં સિધાવે;

વસેલ છે પશ્ચિમ તીર ગામ, ગુણી ભલું ગોંડળ જેનું નામ. ૩૮

તેને કિનારે પણ ઠામ ઠામ, કરેલ છે મજ્જન10 મેઘશ્યામ;

છે નામ નારાયણ હૃદ11 જ્યાંય, છે હાથિયો પથ્થર એક ત્યાંય. ૩૯

નાવા ગયા શ્રીહરિ ઝાઝી વાર, માહાત્મ્ય એનું ગણીયે અપાર;

ત્યાંથી વળી દક્ષિણ ભાગમાંય, જનો કહે ખળખળિયો સુ ત્યાંય. ૪૦

મહાપ્રભુ મજ્જન ત્યાં કર્યું છે, સંધ્યાદિ નિત્યાર્ચન12 આચર્યું છે;

ત્યાંથી વળી દક્ષિણ ભાગ લાગ,13 છે શ્રીહરિ મંદિરનો સુબાગ. ૪૧

સંગ્રામજી ભૂપ થયા સુજાણ, દેવાર્થ તેણે જ દીધો પ્રમાણ;

ત્યાં છે ભલો જે નદીનો કિનારો, નાયેલ છે ત્યાં વૃષનો દુલારો. ૪૨

બહુ સ્થળો પાવન તો કર્યાં છે, સ્મૃતિ પ્રમાણે અહિં ઊચર્યાં છે;

વિશેષ તો સ્થાન કથા પ્રસંગે, કહીશ તે હું અદકે14 ઉમંગે. ૪૩

શ્રીગોડ ત્યાં બ્રાહ્મણ એક જેઠો, તે બુદ્ધિમાં તો જન સૌથી હેઠો;

તથાપિ સત્સંગી ઘણો જ સારો, દેવાજીને તે દિલ પૂર્ણ પ્યારો. ૪૪

શ્રીજી તણે કાજ તપાસી જોઈ, રસાળી તે તો કરતો રસોઈ;

તેને પૂછ્યું શ્રી પ્રભુયે પ્રભાતે, સત્સંગી છે કોણ તમારી નાતે? ૪૫

વિપ્રે કહ્યું કષ્ટ ઘણું સહું છું, શ્રીગોડ મધ્યે હરિભક્ત હું છું;

શ્રીજી કહે સિંહ ઘણા ન હોય, અરણ્યમાં એક જ હોય કોય. ૪૬

વિપ્રે કહ્યું જે કહું વાત સાચી, છે મારી બુદ્ધિ પ્રભુ છેક કાચી;

કોઈ કરે વાદ વિવાદ આવી, તો તેહને હું ન શકું હઠાવી. ૪૭

એવું સુણી અંતર ધારી લીધું, દયા કરીને વરદાન દીધું;

સરસ્વતી તુજ મુખે વસાશે, વિવાદ મધ્યે તુજ જીત થાશે. ૪૮

પછી થયો ભાષણકારી કેવો, પૂરો મહાપંડિત હોય જેવો;

છ શાસ્ત્રવેત્તા કદી કોય હોય, તે વિપ્રને જીતી શકે ન તોય. ૪૯

જે જેઠિયો નામથી ઓળખાતો, જેઠો મહારાજ પછી ગણાતો;

ઘણા ઘણાને જઈ બોધ દીધા, સારા જનોને સતસંગી કીધા. ૫૦

એવા પ્રભુના પરચા અપાર, પ્રખ્યાત છે ભૂતળ ઠારઠાર;

તથાપિ જે આસુર સંપદાના, તેણે પ્રભુને પ્રભુજી ન માન્યા. ૫૧

મહાપ્રભુ ગોંડળમાં બિરાજી, કર્યા જનોને બહુ રાજી રાજી;

દેવાજી ભૂપાળ થયા કૃતાર્થ, સાધી લીધા સર્વપ્રકાર સ્વાર્થ. ૫૨

પછી પ્રભુ ત્યાંથી થયા વિદાય, તેથી થયા દિલ ઉદાસી રાય;

તેને દિલે સાંતવના કરાવે, મુક્યું મુનિ મંડળ એક માવે. ૫૩

વળી હઠીભાઈ કરી સુપ્યાર, તેડાવિયા ત્યાં હરિ ચોથી વાર;

પોતા તણા ત્યાં દરબારમાંય, આપ્યો ઉતારો નિજવાસ જ્યાંય. ૫૪

સંતો તથા પાર્ષદ વર્ણી સાથ, જમ્યા તહાં શ્રીવૃષવંશ નાથ;

છે પશ્ચિમાભિમુખ ગોખ ત્યાંય, બીરાજીયા શ્રીહરિ તેહ માંય. ૫૫

સંતે સજી પશ્ચિમમાં સભાય, સૌને પ્રભુ સન્મુખ ત્યાં જણાય;

મેડી વિષે રાજજનો ભરાયા, તેને પ્રભુ સન્મુખ ત્યાં જણાયા. ૫૬

પ્રશ્નો જનો બેય દિશે પૂછે છે, બન્ને મુખે ઉત્તર કૃષ્ણ દે છે;

કળા હરિની ન કળે જ કોય, આશ્ચર્ય બ્રહ્માદિકનેય હોય. ૫૭

કહે પ્રભુજી હઠીસિંહ પાસ, ક્ષત્રિ કરે પુત્રી તણો વિનાશ;

તે ચાલતો બંધ તમે કરાવો, સાંખે નહી ઈશ અધર્મ આવો. ૫૮

પુત્રી હણ્યાનું અતિ પાપ મોટું, ખરૂં કહું છું નહિ લેશ ખોટું;

ગરીબ શર્ણાગત બાળ જેહ, તેને હણે તો નહિ ક્ષત્રિ તેહ. ૫૯

ક્ષત્રિ વિષે જાદવ વંશ શ્રેષ્ઠ, તેને ન શોભે અતિ કામ નેષ્ટ;

અમારી જો વાત નહિં મનાય, મનાવશે કોઈ બલિષ્ઠ રાય. ૬૦

બોલ્યા હઠીસિંહજી જોડી પાણિ, માની અમે નાથ તમારી વાણી;

બીજા ભરેલા બહુ સ્વાભિમાને, તે તો કદી વાત ધરે ન કાને. ૬૧

શ્રીજી કહે આપ કહ્યું ખરું છે, સાધુપણું આજ અમે ધર્યું છે;

માટે નહીં શસ્ત્ર કરે ધરાય, અન્ય પ્રકારે જ થશે ઉપાય. ૬૨

પછી પ્રભુ ગોંડળથી પધાર્યા, ઘણા જનોના મન અર્થ સાર્યા;

સંકલ્પ જે શ્રીહરિ ચિત્ત કીધ, કાળે કરી તેહ થયો સુસિદ્ધ. ૬૩

પુષ્પિતાગ્રા

જદુકુળ જનને સુબોધ દૈને, નિજ સતસંગી કર્યા ઘણાક જૈને;

હરિજન થઈને સુતા ન મારી, ધરમસુતે અબળા ઘણી ઉગારી. ૬૪

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે

ભૂમાનન્દમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે ગોંડળપુરે શ્રીહરિદેવાજી

નૃપતિપ્રતિ કન્યારક્ષણોપદેશકરણનામ સપ્તમો વિશ્રામઃ ॥૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે