વિશ્રામ ૧
દોહરો
શ્રીપુરુષોત્તમ પ્રગટ પ્રભુ, ભુવન સકળના ભૂપ,
સહજાનંદ સમર્થ હરિ, નમો મહામુનિરૂપ. ૧
પ્રમાણિકાવૃત્ત
નમો મહામુનીશ્વરં, અધીશ્વરાધિ ઈશ્વરમ્;
અનેક અંડકારણં,1 સુધર્મ-ધૂર્વિ ધારણમ્.2 ૨
સદા સુબોધદાયકં, નમો મુનીન્દ્રનાયકમ્;
કુપાત્રતા નિકંદનં, ભજામિ ભક્તિનંદનમ્. ૩
અધર્મતા ઉચ્છેદનં, ભવાબ્ધિ3 ભીતિભેદનમ્;
સુશાસ્ત્રરીતિ-શોધનં, યથાર્થબોધ બોધનમ્. ૪
સુમોક્ષમાર્ગ મંડનં,4 ખલત્વપંથ ખંડનમ્;
વ્રતાલયે વિરાજિતં, ભજામિ પૂર્ણભ્રાજિતમ્.5 ૫
સુભક્ત-સંઘ પૂજિતં, ખગેશ કીર્તિકૂજિતમ્;6
સદા સ્વદાસપાલકં, ભજામિ ધર્મબાલકમ્. ૬
અનંત સંત અર્ચિતં, સુચંદનાદિ ચર્ચિતમ્;
સુપુષ્પહાર શોભિતં, સુગંધ-ભૃંગલોભિતમ્. 7 ૭
શિરઃ કિરીટધારિણં,8 નમામિ કષ્ટહારિણમ્;
મનો ગિરા ક્રિયા મુદા,9 નમામિ સ્વામિનં સદા. ૮
અહો પ્રભુ સ્તુતિ કરું, સુ એટલી ઇચ્છા ધરું;
તવાંઘ્રિની10 સ્મૃતિ રહે, વિહારીલાલજી કહે. ૯
ઉપજાતિવૃત્ત
રહો સ્મૃતિ અંતરમાં તમારી, અખંડ ઇચ્છા ઉર એ જ ધારી;
ચરિત્ર ચાહી ઉચરું તમારાં, સદા હરો સંકટ જે અમારાં. ૧૦
વિઘ્નો નિવાર્યાં વૃષ11 ભક્તિ કેરાં, હર્યાં મુનીવૃંદ તણાં ઘણેરાં;
જે વિપ્ર હસ્તિ તણું દાન લીધું, તેનું તમે પાપ નિવારી દીધું. ૧૧
કૃત્યા થકી ભક્ત લીધો ઉગારી, તેવી રીતે પીડ હરો અમારી;
પરસ્પરે દૈત્ય લડી મરાવ્યા, એવી રીતે સંત સુખી કરાવ્યા. ૧૨
ઘણા જનોનાં અતિ કષ્ટ કાપ્યાં, અહો કૃપાળો સુખ સદ્ય આપ્યાં;
ડુબી જતાં નાવ તમે જ તાર્યાં, સંભારતાં માણસને ઉગાર્યાં. ૧૩
મહી નદીમાં કરુણા કરીને, ઉગારી લીધા રઘુવીરજીને;
સંભારતાં એમ જ સદ્ય આવો, અહો દયાળો દુઃખથી બચાવો. ૧૪
નાજા શિરે જ્યાં જસદેણ ભૂપે, કરી પ્રતિજ્ઞા થઈ ક્રોધ રૂપે;
તમે જઈ દર્શન સદ્ય દીધું, તે ભક્તનું સંકટ નાશ કીધું. ૧૫
વડોદરામાં મુનિ મુક્ત જ્યારે, જીત્યા સભા જૈ નૃપ પાસ ત્યારે;
સહાયતા ત્યાં પણ સદ્ય કીધી, હૈયા વિષે અદ્ભુત હામ દીધી. ૧૬
હતા શિશુ શ્રીભગવત્પ્રસાદ, પડ્યા રથેથી ઉપજ્યો વિષાદ;12
તમે જ તેને પણ ઝીલિ લીધા, ઘણા જનોને સુખી એમ કીધા. ૧૭
આ ગ્રંથનો પંથ પુરો ન જાણું, આશા તમારી ઉર એક આણું;
વિઘ્નો બધાં દૂર કરો દયાળ, માગે મુખે એ જ વિહારીલાલ. ૧૮
શાર્દૂલવિક્રીડિતવૃત્ત
વંદૂં રામપ્રતાપ ભ્રાત હરિના જે આપ નિષ્પાપ છે,
શ્રીસંકર્ષણ જેહને જન કહે એવા જ તે આપ છે;
જેણે શ્રીહરિની સમીપ રહિને લાવો લીધો છે ઘણો,
જેનામાં શુચિતા13 તથા સુજનતા14 સર્વે દિસે સદ્ગુણો. ૧૯
ઇચ્છારામજિ શ્યામના અનુજ15 જે તેને નમું નેહથી,
રૂડો ઉત્તમ ગ્રંથ એહ રચવા જુક્તિ જડે જેહથી;
જેના વંશ વિષે ધર્યો જનમ મેં16 એ પાસ માગું અહો,
શ્રદ્ધા જેવી જણાઈ ગ્રંથ રચતાં તે અંત સુધી રહો. ૨૦
દોહરો દ્વિઅર્થી
જનમ્યા કૌશળ દેશમાં, દ્વિજાતિ કુળમાં ધીર;
વિદેશગત વધુ ભ્રાત જુત,17 વંદૂં તે રઘુવીર. ૨૧
વસંતતિલકાવૃત્ત
જેને મહાપ્રભુજીએ પદ આપ આપ્યું,
જેનું વિશેષ જનમાં યશ વિશ્વ વ્યાપ્યું;
જેણે પ્રસન્ન પરિપૂર્ણ કર્યા હરિને,
વંદૂં સદા સદગુરુ રઘુવીરજીને. ૨૨
આચાર્યધર્મ બહુ મર્મ સુકર્મ જાણે,
સુજ્ઞાનવાન અભિમાન ઉરે ન આણે;
દેતા વિશેષ ઉપદેશ કૃપા કરીને,
વંદૂં સદા સદગુરુ રઘુવીરજીને. ૨૩
જેણે મને નિજ કને રથમાં લઈને,
કીધાં પ્રયાણ સુખ સૌ વિધિનાં દઈને;
દીધી શિખામણ સુધા સમ ઉચ્ચરીને,
વંદૂં સદા સદગુરુ રઘુવીરજીને. ૨૪
માલિનીવૃત્ત
હરિ ચરિત તણો છે જાણિયે ગ્રંથ જેહ,
સુખકર હરિલીલાકલ્પતર્વાખ્ય18 તેહ;
રચિત રસિક જેણે પૂર્ણ પ્રેમે કરીને, વિનય સહિત વંદૂં શ્રીરઘુવીરજીને. ૨૫
ભુજંગપ્રયાતવૃત્ત
કૃપાસિંધુયે મસ્તકે હાથ થાપ્યો,
દયા આણીને ઉત્તરાખંડ આપ્યો;
ઉરે એહના સદ્ગુણો આણી યાદ,
નમું પ્રેમથી શ્રી અયોધ્યાપ્રસાદ. ૨૬
રચ્યું મૂળિમાં ધામ ઉદ્દામ19 જેણે,
તથા શ્રીછપૈયે કર્યું ધામ તેણે;
દઈ બોધ સૌનો મટાડ્યો વિષાદ,
નમું પ્રેમથી શ્રી અયોધ્યાપ્રસાદ. ૨૭
શાર્દૂલવિક્રીડિતવૃત્ત
જે વીરો ત્રણથી કનિષ્ઠ વયમાં શ્રેષ્ઠત્વ વિદ્યા વિષે,
દેવાચાર્ય20 સમાન થાય ગણના દક્ષત્વ21 એવું દિસે;
જેની પંડિતતા સદા વિનયદા દીઠી નહીં ગર્વદા,
સીતારામ સુનામ ધામ ગુણના વંદૂં મુદા સર્વદા. ૨૮
વંદૂં શ્રીભગવત્પ્રસાદ ભગવદ્ભક્તિપ્રયુકતઃ સદા,
શાસ્ત્રજ્ઞાન સમર્થ અર્થ સઘળા જાણે જણાવે મુદા;
જેણે ગ્રંથ રચ્યો રુડો અતિ હરીલીલાપ્રદીપાખ્ય છે,
શ્રીમદ્ભાગવતોપરી વળી કરી ટીકાન્વયાર્થાખ્ય છે. ૨૯
ગાંભીર્યાદિ ગુણો ન થાય ગણના સૌજન્યતા22 શી કહું,
કામ ક્રોધ તથા ન લોભ મનમાં સંસાર જાણે સહુ;
દેવાચાર્ય સમાન શુદ્ધ વચનો મીઠાં મુખે ઉચ્ચરે,
વંદૂં શ્રી ભગવત્પ્રસાદ પિતરં જેનાથિ સ્વેચ્છા સરે. ૩૦
વસંતતિલકાવૃત્ત
ગોપાળજીતનુજ કૃષ્ણપ્રસાદ નામ,
ભાષ્યાદિ કાવ્ય વળી શાસ્ત્ર તણા સુધામ;
ધર્માન્વયે23 રવિ સમાન વિરાજમાન,
વંદૂં સદૈવ સદબુદ્ધિ તણા નિધાન. ૩૧
શિખરિણીવૃત્ત
મુકુંદાનંદાખ્ય પ્રગટ પ્રભુના પૂજક સદા,
નમું તેને નિત્યે મહત ગુરુ જાણી મનમુદા;
વિરાજે વર્ણીન્દ્ર પ્રમુખ હરિના સેવક વિષે,
કૃપાકારી ભારી અનઘ24 અવિકારી દિલ દિસે. ૩૨
નમું મુક્તાનંદ પ્રભુપદ તણા સેવક સદા,
મહાશાસ્ત્રાભ્યાસી વ્યરથ ન ગુમાવે પળ કદા;
કરે વાર્તા જ્યારે સુરસરિત25 ધારા સમ વહે,
કુસંગી સત્સંગી સકળ જન ચિત્તે અતિ ચહે. ૩૩
સગ્ધરાવૃત્ત
સાધ્યો અષ્ટાંગયોગ પ્રગટ હરિ તણી પ્રીતિ માટે પ્રયત્ને,
શોધી વેદાંત તત્ત્વો સકળ ગૃહિ લીધાં જેમ સિંધુથી રત્ને;
આધિ વ્યાધિ ઉપાધિ પ્રણતજન26 તણી ટાળી કીધી સમાધિ,
ગોપાળાનંદ સ્વામી સકળ ગુણનિધિ વંદું માયા અબાધિ. ૩૪
જેને શ્રીભક્તિપુત્રે નિજજન બહુના ઉપરી આપ કીધા,
બંને આચાર્ય કેરા ઉપરી કરી વળી હાથમાં હાથ દીધા;
જેનો સદ્બોધ પામી વટપુરપતિયે27 સાર લીધો ધરીને,
ગોપાળાનંદ સ્વામી સકળ ગુણનિધિ વંદું પ્રેમે કરીને. ૩૫
શાર્દૂલવિક્રીડિતવૃત્ત
બ્રહ્માનંદમુનિ કવિ અતિ ભલા જે શીઘ્ર કાવ્યો કરે,
હેતે હાસ્ય રસે હસાવી હરિને ધ્યાને છબી તે ધરે;
જેને શ્યામ સખા સમાન ગણિને રાખે સમીપે સદા,
એવા બ્રહ્મમુનિ મુનીન્દ્ર પદને વંદૂં જ વંદૂં મુદા. ૩૬
નિત્યાનંદ મુનીન્દ્ર ચંદ્ર પ્રણમું જે શાસ્ત્ર સર્વજ્ઞ છે,
જેણે શ્રીહરિ પાસ શાસ્ત્ર ઉચર્યાં સર્વોપરી સુજ્ઞ છે;
જેની ભક્તિ અભંગ અંગ ગણિને રીઝ્યા મહારાજ છે,
ટીકાઓ કરી શ્રેષ્ઠ શાસ્ત્ર ઉપરી પ્રખ્યાત એ આજ છે. ૩૭
જેણે જીતી સભા અનેક પુરમાં વિદ્વજ્જનોની વડી,
દેવાચાર્ય સમાનતાની ઉપમા જેને જુઓ છે જડી;
જે પ્રત્યક્ષ પ્રભુ તણી સુનવધા ભક્તિતણું પાત્ર છે,
જેને એક અનન્ય ઇષ્ટ ઉરમાં શ્રીસ્વામિજી માત્ર છે. ૩૮
શિખરિણીવૃત્ત
સ્વરૂપે તો પોતે ત્રિગુણ પર વૃત્તિ ધરી રહે,
કરે વાર્તા એવી સુણી કદી નહીં સંશય રહે;
જુઓ જીતી જેણે મનમથ અમર્ષાદિક ચમૂ,28
ગુણાતીતાનંદં સકળ ગુણકંદં29 નમું નમું. ૩૯
મને સત્સંગીના નિયમ શુભ આપી સુખી કર્યો,
દયા આણી વાણી વદિ શુભ વળી સંશય હર્યો;
કર્યો એવો જેવો વૃષકુળપતિને30 મન ગમું,
ગુણાતીતાનંદ સકળ ગુણકંદં નમું નમું. ૪૦
સદા શ્રીજી પાસે રહી રહી રહસ્યો સુણી લિધાં,
દયા આણી વાણી વદિ સુજનને જ્ઞાન જ દિધાં;
સદા શાંતાકારં31 મહત ગુણવંતં મુનિવરં,
શુકાનંદ સ્વામી પ્રણમું પ્રતિપન્ન32 પ્રિયકરં. ૪૧
શાર્દૂલવિક્રીડિતવૃત્ત
ભોળાનાથ ભલા જ ભક્ત હરિના શાસ્ત્રી સુશાણા ઘણા,
રૈક્ક જ્ઞાતિ સુજાણ શાસ્ત્ર સઘળાં તત્ત્વજ્ઞ તત્ત્વો તણા;
સારો શાંત સ્વભાવ ભાવ પ્રભુમાં જે મૂજ વિદ્યાગુરુ,
તેને નિત્ય પ્રણામ પ્રેમ ધરીને બે હાથ જોડી કરું. ૪૨
વૈતાલીયવૃત્ત
કરુણા શુભ સંતની મળે, મનના સર્વ મનોરથો ફળે;
મુનિ સૌ પદ વંદના કરું, હરિલીલામૃત ગ્રંથ આદરું. ૪૩
ઇતિ શ્રી વિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે
પ્રથમકલશે મંગલાચરણનામ પ્રથમો વિશ્રામઃ ॥૧॥