કળશ ૧૦

વિશ્રામ ૧૦

પૂર્વછાયો

થયું પ્રભાત ચતુર્થિનું, કરિ નિત્ય ક્રિયા નરનાર;

જેમ ઘટે પછિ જેહને, તેમ બેઠાં સભા મોઝાર.૧

ચોપાઈ

દેવાલય થકિ ઉત્તર માંય, સંતની ધર્મશાળા છે જ્યાંય;

સભા ત્યાં સજિ શ્રીરઘુવીરે, પશ્ચિમાભિમુખે બેસી ધીરે. ૨

પાટ ઊપર ગાદિ બીછાવી, બેઠા આચાર્યજી તહાં આવી;

ભગુજી નામે ભક્ત સુતાર, લાવ્યા એક સિંહાસન સાર. ૩

ઘડિ રાખેલું તે શુભ ઘાટે, ભલા ભટજીને બેસવા માટે;

સભામાં મુક્યું પશ્ચિમ ભાગે, આચારજજિને સન્મુખ લાગે. ૪

ભક્ત જીવણે એ સમે આવી, રુડું રેશમી આસન લાવી;

આચારજના કહ્યા થકી ત્યાંય, પાથર્યું તે સિંહાસન માંય. ૫

વળિ બાજોઠ રૂપાનો લાવી, સિંહાસન પર મુક્યો ઠરાવી;

ભટના શિષ્ય જે રાજારામ, વાસ જેનો સદા જોળ ગામ. ૬

તેણે સતસંગિજીવન તણું, મુક્યું પુસ્તક શોભિત ઘણું;

ભટજી આવિયા ભોળાનાથ, તેને બેસારિયા ઝાલિ હાથ. ૭

નમસ્કાર કરી સૌને ત્યાંય, ભટ બેઠા સિંહાસન માંય;

આવ્યા ગોપાળજી ભાઇ જેહ, સુત કૃષ્ણપ્રસાદજિ તેહ. ૮

પુત્ર તેના વિહારિજીલાલ, ત્રણ વર્ષના તે તેહ કાળ;

દ્વિજ પૂર્વના નામે પ્રતાપ, તે તો તેડિને લાવિયો આપ. ૯

વૃંદાવન આવિયા તેહ ઠામ, તેના પુત્ર બેનાં કહું નામ;

પ્રભુપ્રસાદ એક કહાવે, નારાયણપ્રસાદ સુહાવે. ૧૦

બદ્રિનાથ સાથે સુત જેહ, ભગવતપ્રસાદજી તેહ;

વળિ આવ્યા સીતારામભાઈ, જેનિ સ્વધરમમાં સરસાઈ. ૧૧

ધર્મવંશિ પુરુષ જેહ કહ્યા, આચારજનિ પાસે તેહ રહ્યા;

સાથે લાવ્યા પૂજાનો સામાન, પુષ્પ ચંદન ફોફળ1 પાન. ૧૨

ધૂપ દીપ અબીર ગુલાલ, મેવા મીઠાઇનો તેવો તાલ;

પંચપાત્ર2 ને લોટા ત્રભાણું, પાત્ર રૂપાનાં તે શું વખાણું. ૧૩

આચારજ થકિ જમણે ભાગે, સંતમંડળ સૌ સારાં લાગે;

ડાબે ભાગે નૈષ્ઠિકવ્રત વાળા, બેઠા પાછળ ભાગે તો પાળા. ૧૪

ભટજી થકિ પશ્ચિમ માંય, હરિભક્ત બેઠા સહુ ત્યાંય;

ત્યાંથી દક્ષિણાદિ જે હવેલી, તે વિષે બહુ બારિયો મેલી. ૧૫

કોઈ પુરુષ દેખે નહિ જેમ, બેઠિ બાઇયો તે વિષે તેમ;

સુજ્ઞા આચાર્યપત્નિનું નામ, બેઠાં સ્ત્રીનિ સભામાં તે ઠામ. ૧૬

ફુલઝરિ આચાર્યની ભગની,3 જેની પ્રભુપદમાં બહુ લગની;

તે તો બેય જણાં મળિ ત્યારે, ઘટે તેમ સ્ત્રિયોને બેસારે. ૧૭

પત્ની ગોપાળજી તણી મેના, વખણાય સુલક્ષણ જેનાં;

લગ્નકુંવરી ગોવિંદકુંવરી, રામકુંવરી ત્રીજી સુતા ખરી. ૧૮

પત્ની કૃષ્ણપ્રસાદની કહું, ચતુરાસિ કહે તેને સહુ;

વૃંદાવનપત્ની ઇંદિરાવાસી, સારિ તે પણ સદ્‌ગુણરાશી. ૧૯

ફુલકુંવર ને હરકુંવર, પુત્રી બે હતી એ અવસર;

પ્રભુપ્રસાદની હરદેવી, પત્ની તે પણ પાવન એવી. ૨૦

સીતારામપત્ની ઇંદિરાસી, સભામાં બેઠાં તેહ હુલાસી;

બદ્રિનાથની કમળા નારી, જાનકીબા સુતા પણ સારી. ૨૧

પત્ની ભગવતપ્રસાદ તણી, ચતુરાસિ ચતુર તે ઘણી;

રામબા સુખબા વાલબાઈ, બેઠી કુંવરબા આદી ડાહી. ૨૨

પછિ પૂજન કરવાને કાજ, ઉઠ્યા આચાર્યજી મહારાજ;

પેહેલી પુસ્તકની પૂજા કરી, હેતે હેમ તણી મ્હોર ધરી. ૨૩

પછિ ભટજીનું પૂજન કીધું, વસ્ત્ર ભૂષણનું દાન દીધું;

કરી આરતિ પ્રીતથિ ઘણી, ભટજીનિ ને પુસ્તક તણી. ૨૪

પૂજ્યા વર્ણિ ને પૂજિયા સંત, બેઠા આસને સદ્‌ગુણવંત;

પછિ ધર્મવંશિ હતા જેહ, પૂજા કરવા લાગ્યા સહુ તેહ. ૨૫

સર્વે બેઠા થઈ સાવધાન, ધરિ શ્રીહરિનું ઉર ધ્યાન;

ભટે પ્રગટસ્વરૂપ સમરિયું, પછિ મંગળાચરણ તે કરિયું. ૨૬

કથાનો પછી આરંભ કરિયો, જાણે રેલ્યો અમૃત તણો દરિયો;

થાય વૃષ્ટિ અમૃત તણી જેમ, કથાઅમૃત વરસે છે એમ. ૨૭

છિપ સ્વાતિ તણું બુંદ4 ઝડપે, સૌનાં મનસુણવા એમ અડપે;5

ભાવ સૌને સાંભળવાનો કેવો, કહિયે પૃથુરાજાના જેવો. ૨૮

નૈમિષારણ્યમાં સુતવાણી, સુણતા ઋષિયો પ્રેમ આણી;

તે સભા થકી પણ એહ ટાણે, આ સભાને તો અમરો વખાણે. ૨૯

બદ્રિકાશ્રમના ઋષિ યુક્ત, શ્વેતદ્વીપના નિરન્ન મુક્ત;

મુક્ત અક્ષરધામના જેહ, કથા સાંભળે આવિને તેહ. ૩૦

બ્રહ્મા ભવ ઇન્દ્ર આદિક દેવ, આવ્યા તે પણ ત્યાં તતખેવ;

સભા જોઇને આશ્ચર્ય પામે, જાણે સ્થિર ઠરિયે એહ ઠામે. ૩૧

ક્યારે દેવ વિમાનમાં રહી, પુષ્પ ચંદન વરસાવે તહીં;

જન જોઇને આશ્ચર્ય આણે, ક્યાંથિ વરસ્યાં તે કોઈ ન જાણે. ૩૨

સમાધિનિષ્ઠ તો તેહ કાળે, દિવ્ય દૃષ્ટિથી સઘળું નિહાળે;

હરિજન્માદિ ઉચ્છવઅંગ, જ્યારે આવે કથાનો પ્રસંગ. ૩૩

લીલા પ્રગટ પ્રભુની વંચાય, ત્યારે શ્રોતાને રોમાંચ થાય;

વધે હર્ષ એવી સુણી વાણી, આવે આંખમાં પ્રેમનાં પાણી. ૩૪

સૌને સાંભળવા તણું તાન, ભૂલ્યા દેહ તણું પણ ભાન;

બીજો કોઈ આવે અને જાય, તેનિ ખબર નહીં જ રખાય. ૩૫

કામ ક્રોધ કે નિદ્રા લગારે, ત્યાં તે આવિ શકે નહિ ક્યારે;

શ્રોતા બેઠા હજારો હજાર, કોઈ બોલે ન શબ્દ લગાર. ૩૬

પરધર્મિ જો આવે એ ઠામે, જોઇ અંતરે આશ્ચર્ય પામે;

એક સાહેબ આવ્યો એ ઠાર, જોવા ઉભો રહ્યો ઘડિ વાર. ૩૭

ચિત્ત સર્વનાં એકાગ્ર દિસે, જોઈ અચરજ પામ્યો અતીશે;

ચાલ્યો ત્યાંથિ પાછો ફરિ જ્યારે, પુછ્યું રસ્તામાં કોઈને ત્યારે. ૩૮

ક્યારે ઉઠે છે એહ સભાય, ક્યારે આચાર્યમેળાપ થાય;

કહ્યું મળશે આચારજ તેય, બાર ઊપર વાગતાં બેય. ૩૯

એવું સાંભળિને એ તો ગયો, કથા ઊઠવાનો સમો થયો;

કથામાં જે ઉંડો મર્મ આવ્યો, ગુણાતીતાનંદે સમઝાવ્યો. ૪૦

વળિ આચાર્ય પણ સમઝાવે, મહિમા મોટો હરિનો બતાવે;

શ્રોતાનાં મન તૃપ્ત ન થાય, જાણે સુણિયે હજી જો વંચાય. ૪૧

ગયા સૌ ઉઠિ ભોજન કરવા, લાગ્યા કોઇ રસોઈ આદરવા;

ગૃહસ્થો સિદ્ધ કોઠારે લેય, તેનું નાણું ગમે ત્યારે દેય. ૪૨

તેનું નામું તો ત્યાં ન લખાય, એવિ આચાર્યની આજ્ઞાય;

આપે ત્યાગિયોને પ્રતિદિન, રઘુવીર રસોઈ નવીન. ૪૩

રત6 કેરિની જ્યાં સુધી હતી, રસોઈ રસપોળિનિ થતી;

પછિ બરફી સુરત તણી સારી, જલેબી ને સાટા સુખકારી. ૪૪

સૂત્રફેણી પેંડા પકવાન, પીરસે ભાતભાત મિષ્ટાન્ન;

કોઇ દિવસે હરિભક્ત કોઈ, આપે ત્યાગિયોને તે રસોઈ. ૪૫

ધર્મવંશિયોને પણ આપે, મનમાં જાણિ પુણ્ય અમાપે;

કહું શ્રોતાઓનો તહાં ધર્મ, મનમાં સમજી લેજો મર્મ. ૪૬

કોઈ ધારણાપારણાં કરે, ચાંદરાયણ કોઇ આચરે;

જમે છે કોઈ એક જ વાર, કોઈ સાથવો કે ફળાહાર. ૪૭

અતિ ઉત્તમ તીરથ જોઈ, તપ તીવ્ર કરે જન કોઈ;

કોઈ વિપ્ર ગૃહસ્થ તો ત્યારે, કાયામાં પંચકેશ વધારે. ૪૮

રહે કોઈ કરી પયપાન,7 કરે બે વાર ગોમતિ સ્નાન;

ગોમતી તટ ભીડ ન માય, જતાં આવતાં કીર્તન ગાય. ૪૯

તેનો શબ્દ રહે બધે ગાજી, થાય શ્રીજિ સુણી બહુ રાજી;

જ્યાં પ્રસાદિનાં સ્થાન ગણાય, જનો દર્શન કરવા ત્યાં જાય. ૫૦

ગ્રામ્યવાત ન કોઇ ઉચ્ચરે, હરિલીલાનિ વાત જ કરે;

એવું જોઇને ભાસે એ ઠામ, જાણે આંહિ છે અક્ષરધામ. ૫૧

હવે સાહેબની કહું વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;

વાગ્યા બાર ઉપર બેય જ્યારે, આવ્યો સાહેબ મળવાને ત્યારે. ૫૨

આચારજ પાસે ટોપિ ઉતારી, કર્યું વંદન લાયક ધારી;

વાતો કરતાં પુછી વાત એક, આંહિ આવ્યા છે લોક અનેક. ૫૩

નથિ પોલિસ કેરા સિસ્પાઈ, તોય થાતિ નથી જ લડાઈ;

બીજે જો આવો મેળો ભરાય, મારામારિ તણા ગુના થાય. ૫૪

ઘણા પોલિસ કેરા સિપાઈ, રાખવા પડે તે સ્થળ માંઈ;

આંહિ લડતા નથી જન કોય, કહો કારણ જે તેનું હોય. ૫૫

બોલ્યા આચાર્યજી મહારાજ, મળ્યો છે અહિ ભક્તસમાજ;

ધન નારિ અને અભિમાન, ત્રણ તે છે લડાઇનાં સ્થાન. ૫૬

સૈકડો આંહિ સાધુઓ જે છે, ધન નારિથિ દૂર રહે છે;

વળિ છે તેહ વૈરાગ્યવાન, નથિ રાખતા ઉર અભિમાન. ૫૭

મળ્યા છે આંહિ જે હરિભક્ત, ત્યાગ જેવા તે થઇને વિરક્ત;

સુણે સદ્‌ગુરુનો ઉપદેશ, અભિમાન ધરે નહિ લેશ. ૫૮

કહો છો બીજા મેળાની વાત, ત્યાં તો થાય ઘણા ઉતપાત;8

તેમાં જે પદ ગુરુનું ધરે છે, ધન માટે લડીને મરે છે. ૫૯

ઉપજાતિવૃત્ત (ધર્મીજન લડે નહિ તે વિષે)

ધર્મી મળી તીરથ માંહિ જાય, તેમાં લડાઈ કદિયે ન થાય;

સારા ગુરૂનો સુણિ ઊપદેશ, માહાત્મ્ય ને સંપ વધે વિશેષ. ૬૦

જો ક્રોધિ લોભી વળિ હોય કામી, તે તો લડે પાપપ્રવેશ પામી;

ક્રોધાંધ કામાંધ સમો ગણાય, લડાઇ કર્તા નહિ તે લજાય. ૬૧

જેને નહીં લોકનિ કાંઈ લાજ, જાણે નહીં કાજ અને અકાજ;

જેમાં નહીં ગંભિરતા જણાય, તેવા જનો માંહિ લડાઈ થાય. ૬૨

જે માન મોટું ધરિ બોલ ભાખે, હૈયા વિષે જે હઠિલાઇ રાખે;

નિંદા થકી લેશ નહીં લજાય, અજ્ઞાનિ એવા જ લડે સદાય. ૬૩

ગુરૂ થઈને ઉપદેશ દે છે, સંસાર જૂઠો જનને કહે છે;

પોતે લડે તે જર9 માટ જોય, માને ન તેનો ઉપદેશ કોય. ૬૪

લડાઈ તો બાળકને જ છાજે, રાજા લડે જો નિજ જાય રાજે;

સંસાર મિથ્યા જન જેહ જાણે, લડ્યાનિ ઈચ્છા ઉર કેમ આણે. ૬૫

જ્યાં દૈવનો કોપ ઘણો જણાય, સ્વધર્મમાં શ્રેષ્ઠ કુસંપ થાય;

લડે પછી તુચ્છ પદાર્થ માટે, ઘડે ઘણા તે અઘટીત ઘાટે. ૬૬

સત્સંગિ સર્વે સ્વકુટુંબ જેવા, સંપી વસે છે સુખથી જ એવા;

અન્યોન્ય માહાત્મ્ય અધીક જાણે, લડે નહીં તે જન કોઈ ટાણે. ૬૭

છે વાસ આંહિ પ્રભુનો વિશેષ, કુસંપનો થાય નહીં પ્રવેશ;

પોલીસનું કામ પડે ન આંહીં, કશા નહિ થાય ગુનાહ ક્યાંહી. ૬૮

ચોપાઈ

સુણિ સાહેબ બોલિયો વાણી, ઘણો અંતરમાં ગુણ આણી;

ફર્યો છું હું ઘણે પુર ગામ, આવો ધર્મ નથી કોઈ ઠામ. ૬૯

જેવો સંપ સ્વજાતે અમારો, તેવો દીસે છે સંપ તમારો;

જ્યારે સંપ સમૂળગો જાશે, ત્યારે બેયમાં વિપરીત થાશે. ૭૦

એવિ વાતો કરી એહ ઠામ, ગયા સાહેબ કરિને સલામ;

વળિ સાંઝ સમે કથા થાય, દેવશયન સુધી તે વંચાય. ૭૧

સભામાં પ્રભુનાં દરશન, પામે કોઇ પુરા પ્રેમિ જન;

કોઇ સ્વપ્નમાં શ્રીહરિ ભાળે, એવાં અચરજ થાય એ કાળે. ૭૨

ઉપજાતિવૃત્ત

કથા પછી જ્યાં અવકાશ10 લે છે, સંતો જનોને ઉપદેશ દે છે;

સંસાર છે સાગર તુલ્ય ભાઈ, જીવો થયા મોહિત તેહ માંઈ. ૭૩

કામાદિ શત્રુ ભુલવી ભમાવે, અનેક વિઘ્નો અણજાણ આવે;

ન થાય તે વર્ણન એક અધ્યે,11 અપાર સંસાર સમુદ્ર મધ્યે. ૭૪

તૃષ્ણા તણાં બંધન છે અનેક, જીવ્યાનિ આશા અતિ શ્રેષ્ઠ એક;

ત્યાગે તથાપિ તન તો અવધ્યે,12 અપાર સંસાર સમુદ્ર મધ્યે. ૭૫

ગુરૂ મળે મુક્ત મહાંત જ્યારે, છોડે મહાબંધન તેહ ત્યારે;

છૂટે નહીં તે ગુરુ કોઈ બદ્ધે,13 અપાર સંસાર સમુદ્ર મધ્યે. ૭૬

મહાપ્રભૂનો મહિમા મનાય, સંસાર મીથ્યા સઘળો જણાય;

ત્યારે જ તેનાં સહુ કામ સાધે,14 અપાર સંસારસમુદ્ર મધ્યે. ૭૭

એવો વિશેષ ઉપદેશ આપે, જનો તણા સંશય સર્વ કાપે;

આવેલ જોવા જન જે ઘણાય, તેમાંથિ ઝાઝા સતસંગિ થાય. ૭૮

ચોપાઈ

પછિ આવિ પ્રબોધિની જ્યારે, કથા કીધિ સમાપન ત્યારે;

ભટજી તણું પૂજન કીધું, દ્રવ્ય આદિ આચારજે દીધું. ૭૯

હરિભક્તોએ પણ તેહ ટાણે, દીધું દ્રવ્ય સ્વશક્તિ પ્રમાણે;

સૌએ આચાર્યપૂજન કીધું, દ્રવ્ય ભૂષણ આદિક દીધું. ૮૦

ગુરુપત્નીનું પૂજન પ્રીતે, નારિયોયે કર્યું રુડિ રીતે;

બિજા વિપ્રોને દક્ષિણાદાન, આપ્યાં આચારજે એહ સ્થાન. ૮૧

સારો અશ્વ લાવ્યા શણગારી, ભટજીને તે અશ્વે બેસારી;

વાજતે ગાજતે રુડિ રીતે, ઘેર પહોંચાડિયા પૂરિ પ્રીતે. ૮૨

સર્વ ત્યાગી ગૃહસ્થ જે જન, બીજે દિન આપ્યું સૌને ભોજન;

જન સર્વ પુનમ સુધિ રહ્યા, પછિ સૌ સહુને ગામ ગયા. ૮૩

ત્યાગિ આવેલા જ્યાં થકિ જેહ, ગયા ફરવા તે દેશમાં તેહ;

બ્રહ્મચારિ કહે રુડા રાય, થયો યજ્ઞ તે આ ધામમાંય. ૮૪

જ્યારે શ્રીજિ થયા તિરોધાન,15 તે પછી તો આવો કોઇ સ્થાન;

જ્ઞાનયજ્ઞ થયો નથિ ભાઈ, સંભારે છે જેનો સુખદાઈ. ૮૫

રઘુવીરે ઘણો જશ લીધો, પાયો કીર્તિનો અવિચળ કીધો;

વાત તે યજ્ઞની બહુ વાર, થાય અક્ષરધામ મોઝાર. ૮૬

ધ્યાનમાં એવું દેખું છું હુંય, તે થકી તમને કહું છૂંય;

સદા એવા આચારજ થાજો, જન સર્વમાં સારા ગણાજો. ૮૭

સુખ ને શાંતિ સર્વને થાય, એવાં કામ તે કરજો સદાય;

જ્ઞાનયજ્ઞનું વર્ણન ભાવે, કોઈ સાંભળે કે જો સુણાવે. ૮૮

પ્રભુજી તેને થાય પ્રસન્ન, પૂરે ઇચ્છા જેવિ હોય મન;

અહો રાય પુરો ધરિ પ્યાર, બોલો શ્રીજીનો જયજયકાર. ૮૯

પુષ્પિતાગ્રાવૃત્ત

રઘુવિર ગુરુ જ્ઞાનયજ્ઞ કીધો, જશ જગ માંહિ અખંડ એહ લીધો;

સ્મૃતિ મુજ મનમાં સદા રહેજો, દરશન શ્રીહરિ તે સમેત દેજો. ૯૦

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીવૃત્તાલયે રઘુવીરાચાર્યશ્રુતજ્ઞાનયજ્ઞ-નિરૂપણનામ દશમો વિશ્રામઃ ॥૧૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે