કળશ ૧૦

વિશ્રામ ૧૧

પૂર્વછાયો

વિમળ પુર વરતાલના, હરિમંડપમાં વસિ વાસ;

ભાખે ભુમાનંદજી કથા, ભક્ત વાઘજીભાઈની પાસ. ૧

ચોપાઈ

ભલા સાંભળો વાઘજીભાઈ, કથા શ્રીહરિની સુખદાઈ;

અચિંત્યાનંદ વર્ણિએ એહ, અભેસિંહજીને કહી તેહ. ૨

અભેસિંહે સુણિ તે વાર, માન્યો વર્ણિ તણો ઉપકાર;

પ્રેમે વર્ણિનું પૂજન કીધું, વસ્ત્ર આદિક યોગ્ય તે દીધું. ૩

સંત બ્રાહ્મણ સર્વ જમાડ્યા, સારી રીતે સંતોષ પમાડ્યા;

દીધાં દ્વિજને નાનાવિધ દાન, સમજી દિન પર્વ સમાન. ૪

દિન ચરિત્ર સમાપન કેરો, કયો ઉત્તમ એથિ ઘણેરી;

પુત્રજન્મ કે રાજ્યાભિષેક, એ થકી દિન ઉત્તમ એક. ૫

હોય ગ્રહણ કે મકરસંક્રાંત, કરે અવભૃત સ્નાન યજ્ઞાંત;

દિન એથી ઉત્તમ પરમાણો, કથા શ્રવણ સમાપન જાણો. ૬

કથા સાંભળિને પુણ્ય કરવું, શાસ્ત્રનું તે વચન મન ધરવું;

જે જે સાંભળ્યાં તીરથ સ્થાન, કર્યાં ત્યાં જઈ સ્નાન ને દાન. ૭

દેવી લક્ષ્મીનારાયણ કેરાં, કર્યાં દર્શન સરસ ઘણેરાં;

કથા મનન તે કરતા વિશેષ, અભેસિંહ સિધાવ્યા સ્વદેશ. ૮

કચ્છ સોરઠ ને ગુજરાતે, જ્યાં જ્યાં લીલા કરી જગતાતે;

અભેસિંહ તહાં તહાં જઈ, કરિ જાત્રા મુદિત મન થઈ. ૯

જહાં જન્મ ધર્યો જગદીશે, તથા જ્યાં જ્યાં ફર્યા વન વિશે;

જૈને ત્યાં પણ જાત્રાઓ કીધી, પ્રસાદીનિ જગા જોઈ લીધી. ૧૦

પછીથી ગયા પોતાને ઘેર, ભજે શ્રીહરિને રુડિ પેર;

મહાભક્તોમાં મુખ્ય ગણાયા, ગુણ ગ્રંથમાં જેના લખાયા. ૧૧

રહેશે શશિ સૂર્ય આ ઠામ, રહેશે ત્યાં સુધિ એનું નામ;

થશે અક્ષરધામમાં વાસ, પ્રભુ શ્રી પુરુષોત્તમ પાસ. ૧૨

પૂર્વછાયો

વાઘજિભાઈ વદે વળી, ભૂમાનંદ સુણો નિષ્કામ;

આચારજોએ તે પછી, કહો કિયાં કિયાં કર્યાં ધામ? ૧૩

ચોપાઈ

વળિ મૂર્તિયો ક્યાં પધરાવી, કહો તે મને આનંદ લાવી;

ભૂમાનંદ કહે સુણો ભ્રાત, સ્થાપિ મૂર્તિયો તે કહું વાત. ૧૪

વસ્યા જૈ હરિ અક્ષરવાસ, તેને વીતિ ગયા પાંચ માસ;

આવિ કાર્તિકી તે જેહ કાળે, રઘુવીર આવ્યા વરતાલે. ૧૫

સમૈયો થયો તે બહુ સારો, આવ્યા હરિજન સંત હજારો;

સભા ત્યાં સજી સંત સમાજે, રઘુવીરજી તેમાં બિરાજે. ૧૬

જાણે શ્રીહરિ પ્રગટ પ્રમાણ, સંતમંડળમાં છે સુજાણ;

આવ્યા જન વટપુરના નિવાસી, અતિ અંતર માંહિ હુલાસી. ૧૭

તેમાં મુખ્ય તણાં કહું નામ, જેને પ્યારા છે પૂરણકામ;

નારુપંત તે શ્રેષ્ઠ મનાય, જેમ માળામાં મેર1 ગણાય. ૧૮

રામચંદ્ર રુડા વૈદરાય, જેના ઔષધે ભવરોગ જાય;

હતા શાસ્ત્રિ શોભારામ સારા, શાસ્ત્રમર્મ સકળ જાણનારા. ૧૯

મોટું ગાયકવાડનું માન, ગુજરાતમાં નહિ તે સમાન;

હરિશ્ચંદ્ર તથા લક્ષ્મીરામ, આવ્યા વૈદ ભલા તેહ ઠામ. ૨૦

કહું તે વૈદવિદ્યામાં2 કેવા, જાણો અશ્વિનીકુમાર જેવા;

લક્ષ્મીરામના સુત ગુણવાન, બાપુ નામ મહા બુદ્ધિમાન. ૨૧

કહું શાસ્ત્રિ રુડા કૃષ્ણારામ, ધર્મવંત ને બુદ્ધિના ધામ;

પ્રેમિજન વળી આપા પુરાણી, જેણે ભક્તિ જથારથ જાણી. ૨૨

વૈશ્ય ભક્ત પ્રેમાનંદ બાપુ, ધ્રુવ પ્રહ્લાદની ઉપમા આપું;

કાનદાસ વકિલ વખણાય, દયારામ તંબોળિ ગણાય. ૨૩

ઇત્યાદિક પ્રભુ પ્રગટના દાસ, આવ્યા શ્રીરઘુવીરજિ પાસ;

જેમ સુરગણ સહ સુરરાજ, આવે કૃષ્ણનાં દર્શન કાજ. ૨૪

પૂરા પ્રેમથિ કીધા પ્રણામ, કરી પૂજન ઉચ્ચર્યા આમ;

નારુપંત કહે શિર નામી, સુણો સૌ સતસંગિના સ્વામી. ૨૫

વસંતતિલકા

  વંદૂં વિશેષ વૃષવંશ વિશે દિનેશ,

  સત્સંગના અધિપતી સુમતી સુવેશ;

  શ્રી ભક્તિધર્મતનુજે નિજ ગાદિ આપી,

  જે આવશે શરણ તેહ થશે અપાપી. ૨૬

  આપ પ્રતાપ થકિ ઉદ્ધવ સંપ્રદાય,

  વિસ્તારવંત કરિ સાચવશો સદાય;

  ગ્રંથો રચાવિ મતપુષ્ટિ કરાવશોજી,

  ને ઠામઠામ શુભ ધામ ઠરાવશોજી. ૨૭

  આવ્યા અમે સહુ મળી શરણે તમારે,

  ઇચ્છા વિશેષ ઉરમાં રહિ છે અમારે;

  તે આપ પાસ વિગતે કરિએ વિદીત,

  તે સાંભળો હરિજનો તણું ધારિ હીત. ૨૮

ચોપાઈ

આપ્યો શ્રીજિએ અમને જ્યારે, ગુટકો પંચરત્નનો ત્યારે;

મેં તો હરિજન સર્વને આપ્યો, એક સ્થાનકમાં તેને સ્થાપ્યો. ૨૯

વળિ લક્ષ્મીનારાયણ કેરી, આપિ મૂર્તિઓ હરિએ ભલેરી;

કહ્યું જોગવાઈ આવે જ્યારે, સ્થાપજો ગુટકા પાસે ત્યારે. ૩૦

માટે મૂર્તિઓ સ્થાપવા કાજ, ઇચ્છા ઊપજિ છે મહારાજ;

સુણિ બોલિયા શ્રી રઘુવીર, જોઇએ મૂર્તિજોગ મંદીર. ૩૧

વૈદ માધવરામના પુત્ર, રામચંદ્ર બેઠા હતા તત્ર;

નાતે માળવિ શ્રીગોડ વિપ્ર, ખરું ખોટું તે સમજી લે ક્ષિપ્ર.3 ૩૨

મૂર્તિ હરિએ આપી હતિ જ્યારે, હતા તે પણ હાજર ત્યારે;

તેની અંગના4 અમૃત નામ, હતિ તે સતિ પણ તેહ ઠામ. ૩૩

બેય શ્રીહરિનાં કૃપાપાત્ર, ગણે સંસારને તૃણમાત્ર;

તેણે ચિત્તમાં કીધો વિચાર, મૂર્તિ પધરાવશે જેહ વાર. ૩૪

હરિમંદિર કરવાને ત્યારે, આપવું ધન નિશ્ચે અમારે;

પ્રણમી રઘુવીરજિ પાસ, કરિ વાત તે સર્વ પ્રકાશ. ૩૫

હરિમંદિર કરવાને કાજ, અમે આપશું ધન મહારાજ;

પ્રતિષ્ઠા આપ આવિને કરશો, વળિ તેમાં જે ધન વાપરશો. ૩૬

ધન એ સર્વ આપશું અમે, તેનિ ચિંતા ન રાખશો તમે;

એવાં સાંભળિ સારાં વચન, સર્વે રાજિ થયા હરિજન. ૩૭

વળિ બોલિયા શ્રીરઘુવીર, કરાવો જઇ હરિમંદીર;

કરવા પ્રતિષ્ઠા તણું કાજ, અમે આવશું સહિત સમાજ. ૩૮

ગોપાળાનંદને વાણિ કહી, હરિમંદિર કરાવજો રહી;

આજ્ઞા માથે ધરી મુનિરાજ, વટપુર વિચર્યા તેહ કાજ. ૩૯

હરિમંદિર તૈયાર કીધું, રામચંદ્ર વૈદે નાણું દીધું;

જોષી પાસે મુરત જોવરાવ્યું, એ તો મહાશુદિ પાંચમે આવ્યું. ૪૦

સારી સત્યાશિયા5 તણિ સાલ, તેડ્યા આચાર્યને તતકાળ;

સંતો સહિત આચાર્ય સિધાવ્યા, આસપાસના સત્સંગિ આવ્યા. ૪૧

સિયાજી નૃપ સદ્‌ગુણવાન, કર્યું આચાર્યનું સનમાન;

પ્રતિષ્ઠા કરિ ત્યાં તે ટાણે, તે તો વેદવિધાન પ્રમાણે. ૪૨

સ્થાપ્યા લક્ષ્મીનારાયણદેવ, જમાડ્યા ભલા સંત ભુદેવ;

વૈદરાજે તે નાણું વાપરિયું, વળિ ભેટ ભલું ધન કરિયું. ૪૩

ધન્ય ધન્ય તેનાં માતતાત, રહિ વિશ્વમાં વાત વિખ્યાત;

હરિલીલામાં તે તો લખાશે, ગામોગામ કથા કહેવાશે. ૪૪

ઉપજાતિવૃત્ત (સુમાર્ગે વ્યય કરવા વિષે)

છે દ્રવ્ય ને દેહ વિનાશવંત, ધારે સ્વચિત્તે જન જે ધિમંત;

બીજે વર્યું તે જ વ્યર્થ જાય, એવું ગણે તો ધરમાર્થ થાય. ૪૫

સંસારની ઝાળ સદા બળે છે, તેમાં પડ્યું તે પ્રજળી ટળે છે;

તેમાંથિ કાઢી ધન પુણ્ય કીધું, તે લાયમાંથી6 જ બચાવિ લીધું. ૪૬

વરે ઘણું જે વ્યવહાર માંઈ, ફુલાય ને કષ્ટ ધરે ન કાંઈ;

ચડાવવું નેવનું7 નીર મોભે,8 લાગે જ એવું ધરમાર્થ લોભે. ૪૭

જનો ગણે છે જર જીવ સાટે, માથાં કપાવે બહુ દ્રવ્ય માટે;

જો થૈ રુચી પુણ્ય કર્યાનિ જેને, તો હૂં કહું છું અતિ ધન્ય તેને. ૪૮

સંગ્રામમાં જૈ શિરને કપાવે, ચડી પહાડે તન ઝંપલાવે;

તે તો બધૂંયે કરવું સહેલ, ધર્માર્થ દેવું ધન મૂશકેલ. ૪૯

દુઃખે કરી મેળવિયા જ દામ, જાણે પડે કોઇક કાળ કામ;

અંતે બધું એહ પડ્યું રહેશે, તે લૂટનારા જન લૂટિ લેશે. ૫૦

જે હોય દૈવી જન તેહ જાણે, પુણ્યે વર્યું તે જ ખરું પ્રમાણે;

પવિત્ર બુદ્ધિ પ્રગટીત થાય, પુણ્યાર્થ તેના કરથી કરાય. ૫૧

નાણું જ સંસારિ જનોનું નૂર,9 નાણું જ તે જીવન છે જરૂર;

તે વાપરીને શુભ કામ કીધું, પોતાનું તે જીવતદાન દીધું. ૫૨

માલિની

  સતિ અમરતબાઈ ધન્ય તે તો ગણાઈ,

  પતિ તણિ સુગુણાઈ સૌથિ સારી જણાઈ;

  હરિસદન સુકાજે આપિયું નાણું એણે,

  પરમ પદનું ભાતું તે કરી લીધું તેણે. ૫૩

ચોપાઈ

પ્રતિષ્ઠાનું કરી પુરું કામ, આવ્યા આચાર્ય વરતાલધામ;

સભા નિત્ય સજીને બિરાજે, જેમ પ્રગટ પ્રભૂ હોય આજે. ૫૪

પુષ્પિતાગ્રાવૃત્ત

ગુરુ રઘુવિરજી કૃપા કરીને, વટપુરમાં સહ સંત વીચરીને;

જન સુખદ રમા હરિનિ જેહ, છબિ પધરાવિ કથા સુણાવિ તેહ. ૫૫

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે

ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈસંવાદે

વટપુરે દેવપ્રતિષ્ઠાનિરૂપણનામૈકાદશો વિશ્રામઃ ॥૧૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે